શી જિનપિંગને મળવા બીજિંગ પહોંચ્યા ટ્રમ્પ, કયા મુદ્દા પર વાતચીત થશે?- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Alex Wong/Getty Images
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અત્યંત મહત્ત્વપૂર્ણ બે દિવસીય શિખર બેઠક માટે બુધવારે બીજિંગ પહોંચ્યા હતા.
ટ્રમ્પ ઍરફોર્સ વન વિમાન મારફતે ચીન પહોંચ્યા. ચીનના પાટનગર બીજિંગમાં ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગે હવાઈ મથક પર તેમનું સ્વાગત કર્યું.
હાન ઝેંગ ચીનના ટોચના નેતાઓમાં સામેલ છે. તેમને ટ્રમ્પના સ્વાગત માટે મોકલવાની વાતને ચીન તરફથી અમેરિકન રાષ્ટ્રપતિને વિશેષ સન્માન અપાયાના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
આ પહેલાં 2017માં ટ્રમ્પની ચીન યાત્રા દરમિયાન ચીને અપેક્ષાકૃત જુનિયર સ્તરના નેતા સ્ટેટ કાઉન્સિલર યાંગ જિએચીને સ્વાગત માટે મોકલવામાં આવ્યા હતા.
હાન ઝેંગ 2025માં ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં પણ સામેલ થયા હતા.
વિશ્વના બે સૌથી તાકતવર દેશો વચ્ચે થનારી આ બેઠકમાં ટેરિફ, ટૅક્નૉલૉજીની સ્પર્ધા, ઈરાન યુદ્ધ અને તાઇવાન જેવા મોટા મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે.
ટ્રમ્પે અગાઉ વર્ષ 2017માં ચીનની મુલાકાત લીધી હતી. આ બેઠક એવા સમયે થવા જઈ રહી છે જ્યારે ઈરાન યુદ્ધ, વૈશ્વિક ઊર્જા સંકટ અને અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉરને કારણે તણાવ પેદા થયો છે.
સીબીએસઈએ જાહેર કર્યાં 12મા ધોરણનાં પરિણામ, કેવી રીતે જોઈ શકાય રિઝલ્ટ

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ)એ 12મા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીબીએસઇની આધિકારિક વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in પર જઈને ધો. 12નું રિઝલ્ટ ચેક કરી શકાય છે.
અહીં વિદ્યાર્થીઓ પોતાનો રોલ નંબર અને એડમિટ કાર્ડ આઇડી નાખીને રિઝલ્ટ જોઈ શકે છે.
ઉમંગ ઍપ અને ડિજિલૉકર પર પણ પરિણામ લિંક કરી દેવાયું છે.
આ વર્ષે સીબીએસઇની ધો. 12ની પરીક્ષા ફેબ્રુઆરીથી એપ્રિલ 2026 વચ્ચે ભારત અને અન્ય ઘણા દેશોમાં હજારો પરીક્ષા કેન્દ્રો પર આયોજિત થઈ હતી.
વિજ્ઞાન, કૉમર્સ અને આર્ટ્સ પ્રવાહના લાખો વિદ્યાર્થીઓએ આ વાર્ષિક બોર્ડ પરીક્ષાઓમાં ભાગ લીધો હતો.
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, એમસીએક્સ પર સોનાનો ભાવ 1.62 લાખને પાર થયો

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારે બુધવારના દિવસે સોના અને ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યૂટી છ ટકાથી વધારીને 15 ટકા કરી દીધી છે.
ત્યાર બાદ મલ્ટી કમોડિટી ઍક્સચેન્જ(એમસીએક્સ) પર સોનાના ભાવ છ ટકાથી વધીને 10 ગ્રામ દીઠ 1.62 લાખ રૂપિયા થઈ ગયો છે.
ત્યારે ચાંદીનો ભાવ પણ લગભગ છ ટકા વધીને કિલો દીઠ 2.95 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
સરકારે ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય કર્યો કારણ કે વિદેશથી મોંઘી ધાતુઓની ખરીદીને ઘટાડી શકાય અને દેશના વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ ઘટે.
સરકારે સોના અને ચાંદીની આયાત પર 10 ટકા બેસિક કસ્ટમ ડ્યૂટી અને પાંચ ટકા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ લગાવ્યો છે જેનાથી પ્રભાવી આયાત કર છ ટકાથી વધીને 15 ટકા થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઓછામાં ઓછા એક વર્ષ સુધી સોનાનાં ઘરેણાં નહીં ખરીદવાની અપીલ કરી છે.
ગુજરાતના રાજ્યપાલ હેલિકૉપ્ટર નહીં વાપરે, હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો

ઇમેજ સ્રોત, @GovernorofGuj/X
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સોનું ન ખરીદવા અને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા અપીલ કર્યા પછી ગુજરાતમાં રાજ્યપાલ અને અમુક મંત્રીઓ પણ તેનું અનુકરણ કરી રહ્યા છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જાહેરાત કરી છે કે તેઓ હવે સરકારી હેલિકૉપ્ટર અને વિમાનનો ઉપયોગ ટાળશે અને શક્ય હશે ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરશે.
તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે મેં મારા કાફલામાં વાહનો ઘટાડવા માટે પણ કહ્યું છે.
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોતાના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી છે.
આજે રાજુલામાં નવનિર્મિત મહાત્મા આરોગ્ય મંદિરે મુખ્યમંત્રી માત્ર બે કારના કાફલા સાથે પહોંચ્યા હતા.
દરમિયાન રાજ્યના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો છે.
ચાલુ મહિનાના અંતિમ અઠવાડિયામાં હર્ષ સંઘવી ફેડરેશન ઑફ ગુજરાતી ઍસોસિયેશન્સ ઑફ યુએસએ (FOGAUSA) દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા.
વડા પ્રધાને લોકોને વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કર્યા પછી નાયબ મુખ્ય મંત્રીએ આ નિર્ણય લીધો છે એવું સરકારનું કહેવું છે.
તેવી જ રીતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પોતાના કાફલામાં પાઇલટિંગ કારનો ઉપયોગ બંધ કરવા નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે માત્ર આપાતકાલીન પરિસ્થિતિમાં જ આ પ્રોટોકૉલનો ઉપયોગ કરવામાં આવશે.
ઑઇલ - સોના અંગે પીએમ મોદીના નિવેદન પછી ઉદ્યોગપતિઓએ કહ્યું - 'અત્યંત ખરાબ હાલત માટે તૈયાર રહો'

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડીઝલ બચાવવા અને સોનું ન ખરીદવાની સલાહ આપ્યા પછી ઉદ્યોગપતિઓએ કહ્યું છે કે તેઓ અત્યંત ખરાબ હાલત માટે તૈયાર છે.
કોટક મહિન્દ્રા બૅન્કના સ્થાપક ઉદય કોટકે આ વિશે કહ્યું કે "આપણે આશા રાખીએ કે ખરાબ સમય આવે નહીં અને ચાલુ ન રહે, છતાં આપણે અત્યંત ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. કોઈ આંચકાની રાહ જોવા કરતા યોગ્ય છે કે મુશ્કેલ સમયની તૈયારી કરવામાં આવે. અનેક રીતે વડા પ્રધાને આ વાત કહી છે."
ઉદ્યોગપતિ સુનિલ ભારતી મિત્તલે પણ પીએમના નિવેદન પર અભિપ્રાય આપતા કહ્યું કે, "આ મુશ્કેલ સમય છે. દેશ શાનદાર ઝડપથી આગળ વધી રહ્યો છે અને દર વર્ષ 6-7 ટકાના દરે વિકાસ કરે છે. એકંદરે સ્થિતિ ઘણી સારી છે."
ઑલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચૅરમેન રાજેશ રોકડેએ કહ્યું કે, "જ્વેલરીની ખરીદી બંધ થશે તો જીડીપીમાં તેનું સાત ટકા યોગદાન છે તેને અસર પડશે. આ ઉપરાંત આ ક્ષેત્રમાં એક કરોડથી વધુ લોકો કામ કરે છે તેના પર સીધી અસર પડી શકે છે."
સરકારે સોના-ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યૂટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી

ઇમેજ સ્રોત, Getty Images
સરકારે સોના અને ચાંદીની આયાત ઘટાડવા માટે આ ધાતુઓ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી છે.
મધ્યપૂર્વના યુદ્ધના કારણે દેશના વિદેશી હુંડિયામણ છે તેને ધ્યાનમાં રાખીને સોના-ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારાઈ હોવાનું માનવામાં આવે છે.
રૉયટર્સના અહેવાલ પ્રમાણે સોનું ખરીદવામાં દુનિયાના બીજા સૌથી મોટા દેશ ભારતમાં હવે સોનાની માંગ નબળી પડવાની શક્યતા છે. તેનાથી ભારતની વ્યાપાર ખાધ ઘટશે અને રૂપિયાને ટેકો મળશે જેનો દેખાવ હમણા બહુ ખરાબ છે.
સરકારે હવે સોના અને ચાંદીની આયાત પર 10 ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી નાખી છે અને પાંચ ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍન્ડ ડેવલપમેન્ટ સેસ (એઆઈડીસી) લાદવામાં આવ્યો છે. તેની સાથે કુલ ઇમ્પોર્ટ ડ્યૂટી 6 ટકાથી વધીને 15 ટકા થાય છે.
બ્રિટનમાં કિએર સ્ટાર્મર સરકારના ત્રણ મંત્રીઓનાં રાજીનામાં

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનની કિએર સ્ટાર્મર સરકારમાંથી ત્રીજા મંત્રીએ રાજીનામું આપી દીધું છે. મંત્રી એલેક્સ ડેવિસ-જોન્સે ઍક્સ પર એક પોસ્ટમાં પોતાના રાજીનામાનો પત્ર શૅર કર્યો છે. તેમાં તેમણે વડા પ્રધાનને "દેશના હિતમાં કામ કરવા અને પોતાની વિદાયનું ટાઇમ ટેબલ તૈયાર કરવા"ની અપીલ કરી છે.
આનાથી પહેલાં સ્ટાર્મર સરકારમાંથી મંત્રી જેસ ફિલિપ્સ અને મિયાટા ફાનબુલ્લેહે પણ રાજીનામા આપી દીધા છે.
એવા અહેવાલ છે કે લેબર પાર્ટીના 100થી વધુ સાંસદોએ વડા પ્રધાન કિએર સ્ટાર્મરના ટેકામાં એક નિવેદન પર સહી કરી છે.
નિવેદનમાં જણાવાયું છે કે, "ગયા અઠવાડિયે ચૂંટણીનાં પરિણામો બહુ નિરાશાજનક હતાં. તેના પરથી ખબર પડે છે કે મતદારોનો ભરોસો જીતવા માટે આપણી સામે એક મુશ્કેલ કામ છે."
"આ કામ આજથી જ શરૂ થવું જોઈએ. આપણે બધાએ મળીને આ બદલાવને લાવવા માટે કામ કરવું પડશે જેની દેશને જરૂરત છે."
"આ નિવેદન લેબર પાર્ટીના સાંસદોને આગ્રહ કરે છે કે તેઓ આના પર ધ્યાન આપે. આ લીડરશીપની હોડનો સમય નથી."
ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા ચીનની મદદની જરૂર નથીઃ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Kevin Dietsch/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. તેના પહેલાં તેમણે કહ્યું કે ઈરાન યુદ્ધને ખતમ કરવા માટે ચીનની મદદની જરૂર નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ચીનની મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે વિસ્તૃત વાતચીત કરશે.
ટ્રમ્પે કહ્યું કે "અમારી પાસે વાત કરવા માટે ઘણી બધી ચીજો છે. સાચું કહું તો ઈરાન અમારા એજન્ડામાં નથી, કારણ કે ઈરાન પહેલેથી અમારા નિયંત્રણમાં છે."
તેમણે ચીનને ચેતવણી આપતા કહ્યું કે, "કાં તો અમે સમજૂતી કરીશું અથવા તેઓ (ઈરાન) બરબાદ થઈ જશે."
ચીનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે ટ્રમ્પ 13થી 15 મે દરમિયાન ચીનનો રાજકીય પ્રવાસ કરશે.
લગભગ નવ વર્ષ પછી કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ ચીનના પ્રવાસે જઈ રહ્યા છે. ટ્રમ્પ માર્ચ મહિનામાં ચીન જવાના હતા, પરંતુ મધ્યપૂર્વના તણાવના કારણે પ્રવાસ ટાળવામાં આવ્યો હતો.
NEET પેપર લીકઃ ખાન સરે કહ્યું લાખો બાળકોનાં ભવિષ્ય સાથે રમત

ઇમેજ સ્રોત, ANI
નીટ પેપર લીક મામલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા પટણાના 'ખાન સરે' એનટીએની પરીક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે.
તેમણે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે "પેપર લીક એ લાખો બાળકોનાં જીવન સાથે રમત છે. તેમનો કૉન્ફીડન્સ તોડવામાં આવી રહ્યો છે. દુર્ભાગ્યની વાત એ છે કે 2024માં પણ આવી જ ઘટના બની હતી, જેની સીબીઆઈ તપાસ થઈ હતી."
"તેનું કોઈ પરિણામ નીકળ્યું ન હતું, જેનાથી તેમનું (પેપર લીક કરનારાઓનું) મનોબળ વધી ગયું છે. સૌથી હાસ્યાસ્પદ વાત એ છે કે પેપર લીકની જાણકારી કોઈ એજન્સીએ નથી આપી, પરંતુ બાળકોએ સરકાર સુધી પહોંચાડી."
તેમણે કહ્યું કે, "આ લોકોની વ્યવસ્થા આટલી ખરાબ છે. સીબીઆઈ ક્યારે કોઈ તપાસમાં નિષ્કર્ષ સુધી પહોંચી છે.બાળકો એમબીબીએસ કરી લેશે ત્યાં સુધી સીબીઆઈની તપાસ ચાલુ રહેશે. તેમાં વડા પ્રધાને વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરવો જોઈએ."
તેમનું કહેવું છે કે પેપર લીક થયા બાદ જેટલી વખત ફરીથી પરીક્ષા લેવાય છે, ત્યારે પ્રશ્નો બહુ મુશ્કેલ રાખવામાં આવે છે અને બાળકોની પરીક્ષા સારી નથી જતી. જેઓ ક્વૉલિફાઈ કરી શકે તેમ હોય તેઓ ડિપ્રેશનમાં જતા રહે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















