મોદીને સંઘમાં કોણ લાવ્યું હતું અને ગુજરાત મોકલતી વખતે વાજપેયીએ તેમને શું કહ્યું હતું? CMથી PM બનવાની કહાણી

નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતના રાજકારણમાં શરૂઆતથી વડા પ્રધાન બનવા સુધી તેમની સફર વિશે બીબીસીના પત્રકાર રેહાન ફઝલનો આ સુદીર્ઘ અહેવાલ છે, જે મૂળ 2019માં પ્રગટ થયો હતો.

2014ની લોકસભા ચૂંટણી પહેલાંની આ વાત છે.

એક ચૂંટણીસભામાં મુલાયમસિંહ યાદવે નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, "મોદીમાં દમ નથી કે તેઓ ઉત્તર પ્રદેશને ગુજરાત બનાવી દે."

બીજા દિવસે નરેન્દ્ર મોદીએ એના જ અંદાજમાં તેમને જવાબ આપ્યો હતો, "નેતાજી કહે છે કે મોદીમાં દમ નથી કે તેઓ ઉત્તર પ્રદેશને બીજું ગુજરાત બનાવી શકે. શું તમને ખબર છે કે બીજું ગુજરાત બનાવવા માટે સૌથી વધુ શેની જરૂર છે? તેના માટે 56 ઈંચની છાતી જોઈએ."

તેમની છપ્પન ઈંચની આ વાતને કારણે મોદી ત્યારે એક ‘મેચો મૅન’ તરીકે સ્થાપિત થઈ ગયા હતા. તેની મારફત હિન્દુ પૌરુષથી આકર્ષાતા મતદારોને આકર્ષવામાં તેમને સફળતા મળી હતી.

જોકે એ વાત જુદી છે કે મોદી વિશે પુસ્તક લખનારા નીલાંજન મુખોપાધ્યાયે તેમની છાતીનું માપ શું છે તે જાણવા માટે તેમનાં માટે વસ્ત્રો તૈયાર કરનારા 'જેડ બ્લ્યૂ' નામના સ્ટોરના માલિક બિપીન ચૌહાણને પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો નહોતો. તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે છાતીનું માપ 56 ઈંચ નથી.

બાદમાં ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલયના અધિકારીઓને નરેન્દ્ર મોદીની અચકન સીવડાવવાની જવાબદારી મળી ત્યારે તેમણે રોકેલા દરજીએ નરેન્દ્ર મોદીની છાતીનું માપ 50 ઈંચ છે એવું જણાવ્યું હતું.

બીબીસી ગુજરાતી

બાળપણથી જ ચર્ચા કરવાની આદત

નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

ભણવામાં નરેન્દ્ર મોદી સાધારણ વિદ્યાર્થી હતા.

નીલાંજન મુખોપાધ્યાયે તેઓ ભણ્યા હતા તે બીએન હાઇસ્કૂલના શિક્ષક પ્રહ્લાદભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી. તે વિશે પોતાના પુસ્તક 'નરેન્દ્ર મોદી - ધ મૅન, ધ ટાઇમ્સમાં લખ્યું છે, "નરેન્દ્ર તે વખતે બહુ જ ચર્ચાઓ કરતા. એક વખત મેં તેમને કહ્યું કે પોતાનું હોમવર્ક ક્લાસના મૉનિટરને બતાવે."

"નરેન્દ્રે એવું કરવા માટે ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે હું તો શિક્ષક સિવાય કોઈને દેખાડીશ નહીં."

બીબીસી ગુજરાતી

મગર ભરેલા તળાવમાં મોદીએ ઝંપલાવ્યું

નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

મોદીના વિરોધીઓ પણ એટલી વાત તો માને છે કે તેમનામાં ક્યારેય આત્મવિશ્વાસનો અભાવ જોવા મળ્યો નથી.

મોદી વિશે પુસ્તક લખનારા અન્ય એક લેખક ઍન્ડી મરીનોએ પોતાના પુસ્તક 'નરેન્દ્ર મોદી અ પૉલિટિકલ બાયોગ્રાફી'માં લખ્યું છે, "મોદી નાના હતા ત્યારે શર્મિષ્ઠા તળાવની પાસે એક મંદિર હતું. પવિત્ર પ્રસંગે તેના પર નવી ધજાઓ ચડાવવામાં આવતી. એક વખત ભારે વરસાદ થયો હતો તે પછી ધજા બદલવાની જરૂર હતી. "

"નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું કે તળાવમાં તરીને સામા કાંઠે જશે અને ધજા બદલશે. તે વખતે તળાવમાં ઘણા બધા મગરો પણ રહેતા હતા. લોકોએ કિનારે ઊભા રહીને ઢોલ વગાડીને મગરોને ડરાવવાનું કામ કર્યું અને નરેન્દ્ર મોદી એકલા તળાવમાં તરીને સામા કાંઠે ગયા અને મંદિર પરની ધજા બદલી. તે પાછા આવ્યા ત્યારે લોકોએ તેમને ખભે ચડાવીને વધાવી લીધા."

જોકે કેટલાક લોકો એવા પણ છે, જે આ ઘટનાને સાચી નથી માનતા અને તેમનું કહેવું છે કે આવું કશું ક્યારેય થયું જ નહોતું.

બીબીસી ગુજરાતી

ચાની દુકાન

નરેન્દ્ર મોદી નાનપણથી જ ઘરના કામમાં જોડાતા હતા. શાળા પૂરી થાય તે પછી વડનગર રેલવે સ્ટેશને પહોંચી જતા, જ્યાં તેમના પિતાની ચાની દુકાન હતી.

આ વાત નરેન્દ્ર મોદી હંમેશાં ગૌરવ સાથે સૌને યાદ અપાવે છે.

એક વાર આસામના ચાના મજૂરોને સંબોધન કરતી વખતે તેમણે કહ્યું હતું, "લોકોને તમારી આસામની ચા પીવરાવી પીવરાવીને જ હું અહીં સુધી પહોંચ્યો છું."

મોદીની જીવનકથા લખનારા ઘણા લેખકો એવા છે, જે આરએસએસની વિચારધારામાં માને છે. આ લોકોએ નરેન્દ્ર મોદીના એ વખતના દિવસો વિશે વિસ્તારથી લખ્યું છે, જ્યારે તેઓ વડનગર અને બાદમાં અમદાવાદમાં 'ચા વેચતા' હતા.

ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વડનગર રેલવે સ્ટેશને ચા વેચવા બાદ નરેન્દ્ર મોદી તેમના મામા સાથે અમદાવાદના ગીતામંદિર એસટી સ્ટેશન પાસે તેમની કૅન્ટીનમાં કામ કરતા હતા.

બીબીસી ગુજરાતી

રાજ્યશાસ્ત્રમાં ડિગ્રી

નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

નરેન્દ્ર મોદીની બહુ ઇચ્છા હતી કે પ્રાથમિક શિક્ષણ પછી જામનગરના બાલાચડીની સૈનિક સ્કૂલમાં ભણવા જાય, પણ તેમના પરિવારની આર્થિક સ્થિતિ એવી નહોતી કે ત્યાં ભણવા જઈ શકે.

બીજું કે તેમના પિતાની પણ ઇચ્છા નહોતી કે ભણવા માટે વડનગરથી દૂર જાય. તેમણે નજીકના શહેરની કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો, પણ ત્યાં તેમની હાજરી ઓછી રહેતી હતી એટલે કૉલેજ છોડી દેવી પડી હતી.

બાદમાં તેમણે કોરસપોન્ડસ કોર્સથી દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ. કર્યું હતું અને ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રમાંથી એમ.એ. કર્યું હતું.

મોદીની એમ.એ.ની ડિગ્રી વિશે માહિતી માટે કેટલાક લોકોએ આરટીઆઈ કરી હતી, ત્યારે તેમને જવાબમાં યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે 1983માં તેમણે એમ.એ.ની પરીક્ષા ફર્સ્ટ ક્લાસમાં પાસ કરી હતી.

બાદમાં ગુજરાત યુનિવર્સિટીના એક પ્રોફેસર જયંતિભાઈ પટેલના એક નિવેદનથી વિવાદ થયો હતો. તેમણે કહ્યું કે મોદીની ડિગ્રીમાં જે વિષયોનો ઉલ્લેખ છે તેવા વિષયો રાજ્યશાસ્ત્રના અભ્યાસક્રમમાં ક્યારેય નહોતા.

ગુજરાત યુનિવર્સિટીએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

બીબીસી ગુજરાતી

જશોદાબહેન સાથે લગ્ન

નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

મોદીની ઉંમર 13 વર્ષની હતી ત્યારે તેમના પરિવારે તેમનાં લગ્ન 11 વર્ષનાં જશોદાબહેન સાથે કરાવી દીધાં હતાં. જોકે થોડા જ દિવસોમાં મોદી ઘર છોડીને ચાલ્યા ગયા હતા.

તેમનાં લગ્ન થયાં છે તેની જાણ દુનિયાને 2014માં જ થઈ હતી. તે વખતે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરતી વખતે તેમાં આ માહિતી આપી હતી. જોકે ગુજરાતનાં રાજકીય વર્તુળોમાં આ વાતની ખાનગીમાં ચર્ચા થતી રહેતી હતી.

મજાની વાત એ છે કે મોદી વડા પ્રધાન બન્યા તે પછી પ્રોટોકોલ પ્રમાણે જશોદાબહેનને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી ત્યારે તેમના માટે તે અજાયબ જેવી સ્થિતિ થઈ હતી.

'ફર્સ્ટપોસ્ટ' સાથેની એક મુલાકાતમાં તેમણે કહ્યું કે તેઓ એસટી બસમાં મુસાફરી કરતા હોય ત્યારે પણ પોલીસ તેમના વાહનમાં બસમાં તેમની પાછળ પાછળ આવતી હોય છે.

બીબીસી ગુજરાતી

'વકીલસાહેબ' મોદીના ગુરુ

નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, SANSKAR DHAM

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોદીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં લાવવાનું શ્રેય 'વકીલસાહેબ' તરીકે જાણીતા લક્ષ્મણરાવ ઇનામદારને જાય છે. તે વખતે વકીલ સાહેબ ગુજરાતમાં આરએસએસના પ્રાંતપ્રચારક હતા.

એમ.વી. કામથ અને કાલિન્દી રાંદેરીના પુસ્તક 'નરેન્દ્ર મોદી: ધ આર્કિટેક્ટ ઑફ અ મોર્ડન સ્ટેટ'માં લખાયું છે કે, "એક વાર મોદીનાં માતાપિતાને એ વાતનું બહુ દુ:ખ થયું હતું કે દિવાળી વખતે પણ તેઓ ઘરે આવ્યા નહોતા. તે દિવસોમાં જ વકીલસાહેબ તેમને આરએસએસમાં સક્રિય કરી રહ્યા હતા."

1984માં વકીલસાહેબનું અવસાન થયું, પણ મોદી તેમને ક્યારેય ભૂલ્યા નથી. બાદમાં મોદીએ એક અન્ય આરએસએસ કાર્યકર રાજાભાઈ નેને સાથે મળીને વકીલ સાહેબ વિશે 'સેતુબંધ' નામનું એક પુસ્તક લખ્યું હતું.

અન્ય લોકોને મોદીનો જે ગુણ સૌથી વધારે આકર્ષે છે તે છે શિસ્ત.

વરિષ્ઠ પત્રકાર જી. સંપટ કહે છે, "મોદીના સૌથી મોટા ભાઈ સોમાભાઈએ એવું કહ્યું છે કે મોદી નાનપણથી જ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં જોડાઈ જવા માગતા હતા. તેમને એ વાત બહુ જ પ્રભાવિત કરતી હતી કે શાખામાં એક વ્યક્તિ આદેશ આપે અને બાકીના બધા તેનું પાલન કરે."

એક જમાનામાં મોદીના સાથી રહેલા, પણ બાદમાં વિરોધી બનેલા શંકરસિંહ વાઘેલા કહે છે, "મોદી પહેલાંથી જ જુદી રીતે કામ કરવાની ટેવ ધરાવે છે. અમે લોકો લાંબી બાંયવાળા ઝભ્ભા પહેરીએ તો મોદી નાની બાંયનો ઝભ્ભો પહેરશે. અમે ખાખી શોર્ટ્સ પહેરતા હતા, પણ મોદીને સફેદ રંગ પસંદ પડતો હતો."

બીબીસી ગુજરાતી

વાજપેયીનો એક ફોન અને...

નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

એક વિમાની અકસ્માતમાં માર્યા ગયેલા પોતાના એક પત્રકાર મિત્રની અંતિમવિધિમાં ભાગ લેવા મોદી પહેલી ઑક્ટોબર 2001ના ગયા હતા. તે વખતે જ તેમના મોબાઇલ ફૉન પર એક કૉલ આવ્યો.

સામે છેડે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. તેમણે પૂછ્યું, "અત્યારે ક્યાં છો?" સાંજે જ મળવા આવજો એવું તેમણે જણાવ્યું.

નરેન્દ્ર મોદી સાંજ 7, રેસકોર્સ રોડ પર પહોંચ્યા ત્યારે વાજપેયીએ તેમને હળવા અંદાજમાં કહ્યું, "તમારી તંદુરસ્તી બહુ વધી ગઈ છે. દિલ્હીમાં બહુ રોકાઈ ગયા. પંજાબી ખાઈખાઈને તમારું વજન વધી ગયું છે. હવે તમે ગુજરાત જાવ અને ત્યાં કામ કરો."

ઍન્ડી મરીનો લખે છે, "મોદીને લાગ્યું કે તેમને પક્ષના મહામંત્રી તરીકે ફરીથી ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યા છે. તેમણે સહજ રીતે પૂછ્યું કે તો હું અત્યારે જે રાજ્યોનો હવાલો સંભાળું છું તે મારે નથી સંભાળવાનો? જોકે વાજપેયીએ કહ્યું કે તમારે કેશુભાઈ પટેલની જગ્યાએ ગુજરાતમાં મુખ્ય મંત્રી તરીકે જવાનું છે ત્યારે પ્રથમ તો તેમણે એ હોદ્દો લેવા માટે ના પાડી દીધી હતી."

"તેમણે કહ્યું કે ગુજરાતમાં પક્ષનું કામકાજ સારી રીતે થાય તે માટે દર મહિને 10 દિવસ ત્યાં જઈ શકે છે. પરંતુ મુખ્ય મંત્રી તરીકે નથી જવું. વાજપેયીએ તેમને મનાવવાની કોશિશ કરી, પણ મોદી માન્યા નહીં. બાદમાં અડવાણીએ તેમને ફોન કર્યો અને કહ્યું કે સૌએ તમારા નામ પર સહમતી આપી છે. તમે જાવ અને શપથ લો."

"વાજપેયીનો એ ફોન આવ્યો તેના છ દિવસ પછી 7 ઑક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા."

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં રમખાણ અને વિવાદ

નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

ચાર મહિના પછી જ મોદીના નેતૃત્વની પ્રથમ કસોટી થઈ, જ્યારે ગોધરામાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોના ડબ્બામાં આગ લગાવી દેવામાં આવી. તેમાં 58 લોકોનાં મોત થયાં.

બીજા દિવસે વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર રાજ્યમાં બંધનું એલાન કર્યું હતું. હિન્દુ મુસ્લિમ રમખાણો ફાટી નીકળ્યાં, જેમાં 2000થી વધુ લોકોના જીવ ગયા હતા.

સ્થિતિને કાબૂમાં લેવા માટે ત્વરિત પગલાં નહોતાં લીધાં તેવા આક્ષેપ નરેન્દ્ર મોદી પર લાગ્યા હતા.

મોદીએ પ્રેસ કોન્ફરન્સમાં એક બહુ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, "દરેક ક્રિયા સામે સમાન અને વિપરિત પ્રતિક્રિયા થતી હોય છે."

એક દિવસ પછી એક ટીવી ચેનલને આપેલા બીજા એક ઇન્ટરવ્યૂમાં તેમણે ફરી આ વાત કરી હતી કહ્યું હતું કે, "ક્રિયા અને પ્રતિક્રિયાની એક ચેઇન ચાલી રહી છે. અમે ઇચ્છીએ છીએ કે ક્રિયા પણ ના થાય, અને પ્રતિક્રિયા પણ ના થાય."

થોડા દિવસ પછી રમખાણગ્રસ્ત લોકો માટે બનેલી છાવણીમાં રહેનારા મુસ્લિમો વિશે તેમણે એક વધુ અસંવેદનશીલ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, "અમે પાંચ, અમારા પચ્ચીસ."

બાદમાં તેમણે એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરી કે તેઓ રાહતછાવણીમાં રહેનારા લોકો વિશે નહીં, પણ દેશમાં વસતિ વધી રહી છે તે સમસ્યાની વાત કરી રહ્યા હતા.

ઘણાં વર્ષો પછી એક પત્રકારે અટલ બિહારી વાજપેયીના મુખ્ય સચિવ તરીકે કામ કરનારા બ્રજેશ મિશ્રાને એક પ્રશ્ન પૂછ્યો હતો કે શા માટે ગુજરાતનાં રમખાણો પછી વાજપેયીએ નરેન્દ્ર મોદીને ગુજરાતના સીએમપદેથી હટાવ્યા નહીં.

તેમનો જવાબ હતો કે, "વાજપેયી ઇચ્છતા હતા કે મોદી રાજીનામું આપે. જોકે વાજપેયી સરકારના વડા હતા, પક્ષના વડા નહોતા. પક્ષની ઇચ્છા નહોતી કે મોદીને હઠાવવામાં આવે. વાજપેયીએ પક્ષના નિર્ણય સામે ઝૂકવું પડ્યું. ભાજપ કૉંગ્રેસ જેવી નહોતી અને આજે પણ નથી."

બીબીસી ગુજરાતી

ટોપી પહેરવાનો ઇનકાર

નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

એક વાર મૌલાના સૈયદ ઇમામે તેમને ઝાળીદાર એક ટોપી ભેટમાં આપીને પહેરાવવા કોશિશ કરી હતી ત્યારે તેમણે ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે ટોપી પહેરીને કોઈ સેક્યુલર થઈ જતા નથી. જોકે એ વાત જુદી છે કે તેમણે 2014માં ચૂંટણીપ્રચાર દરમિયાન શીખ પાઘડી સહિત વિવિધ પાઘડીઓ અને ટોપીઓ પહેરી હતી.

ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે હરીફો પર ચૂંટણીસભામાં પ્રહારો કરવાના હોય ત્યારે તેમના નામ આગળ ઘણી વાર તેઓ મુસ્લિમ વિશેષણ લગાડી દેતા હતા - જેમ કે મિયાં મુશર્રફ અને મિયાં અહમદ પટેલ.

2014ની ચૂંટણી વખતે તેમણે રાહુલ ગાંધીની પણ મજાક ઉડાવી હતી અને તેમના માટે ઉર્દૂ શબ્દ 'શાહઝાદા' વાપર્યો હતો. તેઓ ધારત તો રાજકુમાર શબ્દનો પણ ઉપયોગ કરી શકતા હતા.

નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં ભારતીય જનતા પાર્ટી સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એવી પ્રથમ પાર્ટી બની, જેમણે એક પણ ચૂંટાયેલા મુસ્લિમ સાંસદ વિના કેન્દ્રમાં સરકાર બનાવી હતી.

બાદમાં કૅબિનેટમાં ત્રણ મુસ્લિમોને લેવાયા હતા, પણ તેમાંથી એકેય લોકસભામાં ચૂંટાયેલા નહોતા.

બીબીસી ગુજરાતી

ગુજરાત મૉડલ

નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતનાં રમખાણોને કારણે જે છબી ખરડાઈ તેને સ્વચ્છ કરવા માટે નરેન્દ્ર મોદીએ મુખ્ય મંત્રી તરીકે ગુજરાતમાં આર્થિક વિકાસને 'શો કેસ' કરવાનું શરૂ કરી દીધું હતું.

તેને ગુજરાત મૉડલ એવું નામ આપવાામાં આવ્યું. ખાનગી ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન, સરકારી નિગમોનો વધારે સારો વહીવટ અને 10 ટકા જેટલો સારો વિકાસ દર હાંસલ કરવામાં આવ્યો.

2008માં તાતા મોટર્સની ફેકટરી સામે પશ્ચિમ બંગાળના સિંગુરમાં વિરોધઆંદોલન શરૂ થયું ત્યારે મોદીએ પહેલ કરીને કંપનીને ગુજરાતમાં લઈ આવવાનું કામ કર્યું. ગુજરાતમાં જમીન, વેરામાં માફી તથા બીજી સુવિધાઓ પણ કંપનીને આપવામાં આવી હતી.

રતન તાતા તેના કારણે બહુ ખુશ થયા હતા અને નરેન્દ્ર મોદીનાં ભરપૂર વખાણ કર્યાં હતાં. જોકે કેટલાંક વર્તુળોમાં ગુજરાત મૉડલની ટીકા પણ થઈ છે.

'ધ હિન્દુ' અખબારમાં લખેલા એક લેખમાં પત્રકાર રૂતમ વોરાએ જણાવ્યું હતું કે 'વાઇબ્રન્ટ ગુજરાત'ની આઠ સિરીઝ થઈ, તેમાં 84 લાખ કરોડ રૂપિયાના રોકાણના એમઓયુ થયા હતા, પણ તેમાંથી મોટા ભાગના પ્રોજેક્ટ ક્યારેય પૂરા થયા નહોતા.

"માથાદીઠ આવકની બાબતમાં ગુજરાતનું સ્થાન દેશમાં પાંચમા સ્થાને છે, પરંતુ નરેન્દ્ર મોદીના ઉદય પહેલાંથી જ ગુજરાત ભારતના પસંદગીનાં વિકસિત રાજ્યોમાં ગણાતું હતું."

બીબીસી ગુજરાતી

મોદીએ જ બનાવી બ્રાન્ડ મોદી

નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

સવાલ એ છે કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભારતમાં જ નહીં, પણ વિદેશમાં પણ આટલો પ્રચાર થયો, અમેરિકાએ તેમને વીઝા આપવા ઇનકાર કર્યો અને સંસદમાં કોઈ પણ ચર્ચા નરેન્દ્ર મોદી અને ગુજરાતનાં રમખાણોનો ઉલ્લેખ કર્યા વિના થતી નહોતી એમ છતાં નરેન્દ્ર મોદીને આટલું સમર્થન કેમ મળ્યું?

મોદી વિશે પુસ્તક લખનારા અન્ય એક પત્રકાર ઉદય માહુરકર 'સેન્ટરસ્ટેજ - ઇનસાઇડ મોદી મૉડલ ઑફ ગવર્નન્સ'માં લખ્યું છે કે, "મોદીની એક બ્રાન્ડ ખુદ નરેન્દ્ર દામોદારદાસ મોદીએ બહુ મહેનતથી બનાવી છે. બે આંગળીથી ‘વી’ની નિશાની દર્શાવવી, આત્મવિશ્વાસ કહો કે અકડ કહો એવી ચાલ, તેમની ટ્રેડ માર્ક બની ગયેલા અડધી બાંયના ઝભ્ભા અને તંગ ચૂડીદાર પાયજામા - તેમણે દરેક અંદાજ સમજી વિચારીને તૈયાર કર્યો છે."

દુનિયા સામે મોદીની તસવીર આધુનિક વ્યક્તિની રજૂ કરવામાં આવે છે, જે લેપટોપ વાપરે છે. જેમના હાથમાં આર્થિક અખબાર હોય અને ડીએસએસલઆર કૅમેરા પણ હોય. ક્યારેક તેઓ ઓબામાની જીવનકથા વાંચતા હોય છે કે ક્યારેક ટ્રેક સૂટ પહેરીને દેખાય ને ક્યારેક માથા પર કાઉબૉય હેટ પણ પહેરી લે.

બીબીસી ગુજરાતી

મોદીની જીવનશૈલી

નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

જાડાં કાપડનાં ચોળાયેલાં કપડાં પહેરેલા સમાજવાદી નેતા જેવા ટિપિકલ નેતા નરેન્દ્ર મોદી નથી. એ જ રીતે ખાખી પૅન્ટ અને હાથમાં લાકડી લઈને નીકળેલા આરએસએસના પ્રચારક જેવા પણ લાગતા નથી.

તેઓ 'બલગારી' બ્રાન્ડના મોંઘાભાવનાં રિમલેસ ચશ્માં પહેરે છે. તેમના ખિસ્સામાં મૉં બ્લાંની મોંઘી પેન હોય છે અને હાથમાં ચામડાના પટ્ટા સાથેની 'મોવાડો' ઘડિયાળ પહેરે છે.

પોતાનું ગળું ખરાબ ના થાય તે માટે ક્યારેય ઠંડું પાણી પીતા નથી. ખિસ્સામાં કાયમ કાંસકી હોય એટલે ક્યારેય તેમની તસવીર વિખરાયેલા વાળ સાથેની જોવા નહીં મળે.

તેઓ રોજ વહેલી સવારે ચાર વાગ્યે ઊઠી જાય છે. યોગ કરે છે અને આઈપેડ પર સમાચારો જોઈ લે છે. છેલ્લા બે દાયકામાં તેમણે ક્યારેય એક દિવસની પણ રજા પાળી નથી.

જાણીતા પત્રકાર વિનોદ કે. જોસે 'કારવાં' મૅગેઝીનમાં તેમના પર લેખ લખ્યો હતો 'ધ એમ્પરર અનક્રાઉન્ડ: ધ રાઇઝ ઑફ નરેન્દ્ર મોદી'. લેખમાં તેમણે લખ્યું છે કે, "મોદીને નાટક કરવામાં મહારત હાંસલ છે. તેઓ બોલકા છે, મજબૂત છે અને આત્મવિશ્વાસથી ભરપૂર છે. તેઓ એવા નેતા છે જે કાર્યકરોને ભરોસો આપી શકે કે પોતે હોય ત્યાં સુધી સ્થિતિ કાબૂમાં જ રહેવાની છે."

"તેઓ કાગળમાંથી વાંચ્યા વિના લોકોની સામે નજર માંડીને બોલે છે. તેમનું ભાષણ શરૂ થતાં જ શાંતિ છવાઈ જાય છે. લોકો મોબાઇલ જોવાનું બંધ કરી દે છે અને તેમને સાંભળીને કેટલાક લોકોનાં મોઢાં ખુલ્લાં રહી જાય છે."

બીબીસી ગુજરાતી

સગા ન હોય તો ભ્રષ્ટાચાર ન થાય

નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

જાણીતા સમાજશાસ્ત્રી પ્રોફેસર આશિષ નંદીએ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ વિશે લખતી વખતે 'પ્યોરિટેનિકલ રિજિડિટી' શબ્દ પ્રયોગ કર્યો હતો.

તે વિશે સમજાવતા તેમણે કહ્યું કે, "તેઓ ફિલ્મો જોતા નથી. દારૂ પીતા નથી કે સિગરેટ પીતા નથી. મસાલેદાર ભોજન પણ લેતા નથી. સામાન્ય ખીચડી ખાઈ લે છે. તે પણ એકલા જ. તહેવારો હોય ત્યારે વ્રત રાખે છે. ખાસ કરીને નવરાત્રીમાં ઉપવાસ કરે છે અને ત્યારે ફક્ત લીંબુપાણી અને એક કપ ચા જ પીવે છે."

નંદીએ વધુમાં જણાવ્યું છે કે, "મોદી એકલા જ રહે છે અને માતા તથા ભાઈઓ સાથે બહુ ઓછો સંપર્ક રાખે છે. જોકે અમુક પ્રસંગે તેમને માતાના આશીર્વાદ લેતા અને તેમના સત્તાવાર નિવાસે માતાને વ્હીલચેરમાં સફર કરાવતા જોવા મળ્યા હતા. તેઓ પોતાના આ પ્રકારના જીવનને સદચરિત્ર તરીકે દેખાડે છે."

એક વખત હિમાચલ પ્રદેશના હમીરપુરમાં એક ચૂંટણીસભામાં તેમણે કહેલું કે, "મારે કોઈ પારિવારિક સંબંધો નથી. હું એકલો જ છું. હું કોના માટે બેઇમાની કરીશ? મારું તન અને મન સંપૂર્ણ રીતે રાષ્ટ્રને સમર્પિત છે."

બીબીસી ગુજરાતી

શેખ હસીનાની તારીફ અને...

મોદી જાહેરમાં હંમેશાં નારીશક્તિની પ્રશંસા કરે છે. જોકે તેમણે એક વાર બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના વાજેદનાં વખાણ કરતાં એવું કહેલું કે તેઓ એક સ્ત્રી હોવા છતાં હિંમતથી આતંકવાદનો સામનો કરે છે.

તેના કારણે સોશિયલ મીડિયામાં 'ડિસ્પાઇટ બિઇંગ વૂમન' એવો હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો હતો. જોકે તેના કારણે મોદીને કોઈ ફરક પડ્યો નહોતો.

જોકે વૉશિંગ્ટન પોસ્ટ અખબારે તેના સમાચારમાં મથાળું માર્યું હતું કે, 'ઈન્ડિયાઝ મોદી ડિલિવર્ડ ધ વર્લ્ડઝ વર્સ્ટ કૉમ્પ્લિમેન્ટ.'

બીબીસી ગુજરાતી

રોજગારી ઊભી કરવામાં નિષ્ફળ નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

નરેન્દ્ર મોદીએ 2014માં બે મુદ્દા પર ચૂંટણી જીતી હતી.

હરીફ રાજકીય પક્ષોની આબરૂ તળિયે પહોંચી હતી અને તેમણે દેશના યુવાનોને વાયદો આપ્યો હતો કે, "એક વર્ષમાં એક કરોડ નોકરીઓ હું આપીશ. બીજા શબ્દોમાં કહીએ તો દર મહિને 8 લાખ 40 હજાર નોકરીઓ ઊભી કરવાનો વાયદો કરું છું."

મોદીના સમર્થકો પણ નથી માનતા કે બીજા વાયદાઓની જેમ રોજગારીનો વાયદો પૂરો થયો હોય.

દેશની વસતી 140 કરોડને વટાવી ગઈ છે ત્યારે વધતા શિક્ષણ પ્રમાણે દર મહિને ઓછામાં ઓછી પાંચ લાખ નોકરીઓ ઊભી થવી જોઈએ. આ બાબતમાં નરેન્દ્ર મોદીની સરકાર સૌથી નિષ્ફળ ગઈ છે એમ કહી શકાય.

બીબીસી ગુજરાતી

બાલાકોટને કારણે મોદીને મળ્યું જીવતદાન

નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

દેશના ખેડૂતો પણ મોદી સરકારથી ખુશ નહોતા.

ઘણા બધા દિવસો સુધી હજારો ખેડૂતોએ રાજધાની દિલ્હીમાં ધરણાં કર્યાં હતાં.

2014 પછી મહત્ત્વનાં રાજ્યોમાં ચૂંટણી આવી ત્યારે નરેન્દ્ર મોદીએ જોરદાર પ્રચાર કર્યો હતો, તેમ છતાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભારતીય જનતા પક્ષ હારી ગયો હતો. તે પછી 2019ની ચૂંટણીમાં ફરીથી જીતવા વિશે પણ શંકાઓ પેદા થઈ હતી.

જોકે કાશ્મીરમાં એક ઉગ્રવાદી હુમલો થયો અને પાકિસ્તાન સાથે એક અઠવાડિયા સુધી તણાવભરી સ્થિતિ ચાલી તેના કારણે ઘટવા લાગેલું નરેન્દ્ર મોદીની સમર્થન ઘટતું અટક્યું હતું.

બીબીસી ગુજરાતી

મોદી ફરીથી મેદાનમાં

ભારતના મતદારો માટે એ બાબત મહત્ત્વની નહોતી કે પાકિસ્તાનમાં ઉગ્રવાદીઓના અડ્ડા પર ભારતીય વાયુસેનાએ હુમલો કર્યો ત્યારે કદાચ નિશાન ચૂકી જવાયું હતું. અથવા તો ભારતના એક વિમાનને પાકિસ્તાને તોડી પાડ્યું હતું.

મતદારો માટે મહત્ત્વનું એ હતું કે પોતાના દેશ પર હુમલો કરનારા લોકોને મોદીએ તરત જ જવાબ આપ્યો.

મોદી જાહેર સભામાં એવું કહેતા કે 'એ લોકો સાત સમુંદર પાતાળમાં જતા રહેશે તો ત્યાં પણ તેમને શોધી કાઢીશ. હિસાબ બરાબર કરવો એ મારી રીત છે,' ત્યારે તાળીઓ ગુંજી ઊઠતી હતી.

'કાર્નેગી એન્ડોવમેન્ટ ફૉર ઇન્ટરનેશનલ પીસ'ના ડિરેક્ટર મિલન વૈષ્ણવ કહે છે, "પાકિસ્તાન સાથેના તણાવને કારણે નરેન્દ્ર મોદીને એક સોનેરી તક મળી ગઈ. રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો એવો હોય છે કે તેમાં તાત્કાલિક નિર્ણય લેવાની અને આગેવાની લેવાની વાત લોકોના ધ્યાને તરત ચડે છે. મોદીએ એ દર્શાવી શક્યા કે પોતાનામાં આવા ગુણોની કોઈ ખામી નથી, ભલે પોતે સાચા હોય કે ખોટા."

લોકસભાની આગામી ચૂંટણીમાં પણ ફરી એકવાર નરેન્દ્ર મોદી જ એક ઍજન્ડા બને તેમ લાગે છે. એ જોવાનું રહે છે કે ભારતના મતદારો તેમને થમ્સ અપ કહે છે કે નહીં અને વિજયી મુદ્રા દેખાડે છે કે નહીં, કે જે દેખાડવાનો તેમને પોતાને બહુ શોખ છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી