સંસદના નવા ભવનના ઉદ્ઘાટનને સાવરકર સાથે કેમ સાંકળવામાં આવી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
રવિવારે 28મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કરશે. આ દિવસે વિનાયક દામોદર સાવરકરની 140મી જન્મ જયંતી છે. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના અંતિમ સંસ્કાર પણ આ જ દિવસે થયા હતા.
સાવરકરને લઈને જે રીતે વિવાદ રહ્યો છે એના લઈને આ વાતની કડક ટીકા થઈ રહી છે કે કેન્દ્ર સરકારે તેમના જન્મદિવસે નવી સંસદનું ઉદ્ઘાટન કરવાનું નક્કી કર્યું.
સાવરકરની ટીકા એ માફીનામા માટે કરવામાં આવે છે જે તેમણે આંદામાનની સેલ્યૂલર જેલમાં કેદી તરીકે બ્રિટનની સરકારને લખ્યું હતું પરંતુ સાથે સાથે ઘણા ઇતિહાસકાર અને લેખકોનું માનવું છે કે મહાત્મા ગાંધીની હત્યાના ષડયંત્રમાં સાવરકરની ભૂમિકાને લઈને ઉઠેલા સવાલ ક્યારેય ખતમ નથી થયા.
નવા સંસદભવનના ઉદ્ઘાટનના સમાચાર આવ્યા બાદ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ટ્વીટ કરી કહ્યું, "વડા પ્રધાન 28મેના રોજ વીડી સાવરકરની જંયતી પર નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરશે. તેમણે ભવનનું નામ ‘સાવરકર સદન’ અને સૅન્ટ્રલ હોલનું નામ ‘માફી કક્ષ’ રાખવું જોઈએ."
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે આ ઉદ્ઘાટનને "“આપણા તમામ સંસ્થાપક પિતા અને માતાઓનું પૂર્ણ અપમાન" ગણાવ્યું. સાથે જ એ પણ કહ્યું કે આ ગાંધી, નહેરુ, પટેલ, બોઝ અને આંબેડકર જેવા નેતાઓને સંપૂર્ણ રીતે નકારવા બરાબર છે.
તૃણમૂલ કૉંગ્રેસના સાસંદ સુખેંદુ શેખર રૉયે કહ્યું કે નવા સંસદભવનના ઉદ્ધાટન માટે 26 નમેમ્બર 2023નો દિવસ યોગ્ય હોત, કેમ કે આ દિવસે બંધારણ દિવસ હોય છે. તેમણે ટ્વીટ કરી પૂછ્યું, “પરંતુ આ 28 મેના રોજ સાવરકરના જન્મદિવસ પર કરવામાં આવશે – આ કેટલું પ્રાસંગિક છે?”

વિરોધના સૂર

ઇમેજ સ્રોત, @JPNADDA
આ વાત પર પણ સવાલ ઊઠાવવામાં આવી રહ્યા છે કે નવા સંસદભવનનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે. ટીકાકારોનું કહેવું છે કે બંધારણના વરિષ્ઠતાના ક્રમ અનુસાર નવા સંસદભવનના ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ અથવા બંને સદનના પીઠાસીન અધિકારીઓમાંથી કોઈ એક વ્યક્તિએ જ કરવું જોઈએ નહીં કે વડા પ્રધાને.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં કહ્યું કે, "રાષ્ટ્રપતિ પાસે સંસદનું ઉદ્ઘાટન ન કરાવવું અને તેમને સમારોહમાં ન બોલાવવા – આ વાત દેશના સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન છે. સંસદ અહંકારની ઇંટોથી નહીં, બંધારણીય મૂલ્યોથી બને છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વળી કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રી હરદીપસિંહ પુરીએ કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે ઑગસ્ટ 1975માં તત્કાલીન વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ સંસદ ઍનેક્સી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું અને પછી 1987માં વડા પ્રધાન રાજીવ ગાંધીએ સંસદના પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું.
તેમણે કહ્યું,"જો તમારી કૉંગ્રેસ સરકારના વડા તેનું ઉદ્ગાટન કરી શકે છે, તો અમારી સરકારના વડા એવું કેમ ન કરી શકે?"
આ વચ્ચે કૉંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી સહિત 18 વિપક્ષી દળોએ બુધવારે નવી સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો.
એક સંયુક્ત નિવેદનમાં બહિષ્કારનાં કારણોને સ્પષ્ટ કરતા તેમણે વિપક્ષીદળોને કહ્યું કે "વડા પ્રધાન મોદી દ્વારા નવા સંસદભવનના ઉદ્ઘાટન કરવાનો નિર્ણય અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને સંપૂર્ણ રીતે કિનારે કરી દેવું ન માત્ર એક ગંભીર અપમાન છે પરંતુ આપણા લોકતંત્ર પર સીધો હુમલો છે જેનો યોગ્ય જવાબ આપવાની જરૂર છે."

વડા પ્રધાનના નવા સંસદભવનના ઉદ્ઘાટન પર વિવાદ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વરિષ્ઠ પત્રકાર અને લેખક નીલાંજલ મુખોપાધ્યાયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં મોટાં નામો પર ‘ધ આરએસએસ : આઇકન્સ ઑફ ધ ઇન્ડિયન રાઇટ’ નામનું પુસ્તક લખ્યું છે.
તેમનું કહેવું છે કે "ભારતના બંધારણના સેક્શન 79માં એ સ્પષ્ટ રીતે કહેવાયું છે કે સંસદ રાષ્ટ્રપતિ અને બે સદનથી મળીને બને છે. વડા પ્રધાન કાર્યાલય અને વડા પ્રધાનની વ્યક્તિગત રીતે સંસદમાં કોઈ ભૂમિકા નથી."
તેઓ કહે છે, "તો વડા પ્રધાન મોદીનું પહેલાં નવી સંસદનું ભૂમિ પૂજન કરવું અને હવે ઉદ્ઘાટન કરવું યોગ્ય નથી. આ ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએ અને જો તેઓ ઉપલબ્ધ ન હોય તો, ઉપ-રાષ્ટ્રપતિ અથવા બંને સદનના પીઠાસીન અધિકારીઓમાંથી કોઈક એક વ્યક્તિએ કરવું જોઈએ. જ્યાં સુધી સંસદનો સંબંધ છે, આ જ વરિષ્ઠતાનો ક્રમ છે."
નીલાંજન મુખોપાધ્યાય એ વાતને રેખાંકિત કરે છે કે ભારતમાં વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા ત્રણેય અલગ-અલગ છે. તેઓ કહે છે, "કાર્યપાલિકા વિધાયિકા નથી ચલાવી રહી. બંધારણ આ જ કહે છે. તો આ બંધારણનું ઉલ્લંઘન છે."
સાથે જ મુખોપાધ્યાય જણાવે છે કે ભૂતકાળમાં કેટલાક રાજનેતા આ પ્રકારનું કામ કરી ચૂક્યા છે.
તેઓ કહે છે કે કટોકટી વખતે ઇંદિરા ગાંધીએ સંસદ ઍનેક્સ ઇમારતની આધારશિલા એ જ સમયે રાખી હતી જ્યારે દેશમાં લોકતાંત્રિક અધિકારો ન હતા. આ રીતે રાજીવ ગાંધીએ 1987માં સંસદના પુસ્તકાલય ભવનનો શિલાન્યાસ ત્યારે કર્યો હતો જ્યારે તેઓ પોતાની સત્તાના શિખર પર હતા.
મુખોપાધ્યાય અનુસાર સંસદના પુસ્તકાલયભવનનું ભૂમિ પૂજન તત્કાલીન લોકસભા અધ્યક્ષ શિવરાજ પાટિલે કર્યું હતું અને તેનું ઉદ્ઘાટન વર્ષ 2002માં રાષ્ટ્રપતિ કે. આર. નારાયણને કર્યું હતું.
તેઓ કહે છે,"એવું પ્રથમ વાર નથી થઈ રહ્યું કે વડા પ્રધાને કોઈ ભવનનું ભૂમિપૂજન પણ કર્યું અને તેનું ઉદ્ઘાટન પણ કરવા જઈ રહ્યા છે. આવું એ વડા પ્રધાનો દ્વારા કરવામાં આવ્યું છે જેઓ એ સમયે પોતાના કામકાજમાં વધુ લોકતાંત્રિક નહોતા માનવામાં આવતા."
"તો શું આપણે એ કહી રહ્યા છે કે મોદી સ્વીકાર કરી રહ્યા છે કે તેઓ વધારે લોકતાંત્રિક નથી અને હવે બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યા છે?"
સંસદીય કાર્ય મંત્રી પ્રલ્હાદ જોશીએ બુધવારે 19 વિપક્ષીદળોને નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના તેમના નિર્ણય પર પુનઃવિચાર કરવાનો આગ્રહ કર્યો છે.
તેમણે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે વિપક્ષીદળ જે મુદ્દો નથી એને મુદ્દો બનાવી રહી છે કેમ કે વડા પ્રધાન પહેલાં પણ કેટલાક પ્રસંગે સંસદપરિસરમાં ભવનનોનું ઉદ્ઘાટન કરી ચૂક્યા છે.
જોશીએ કહ્યું, "બહિષ્કાર કરવું અને જે મુદ્દો નથી એને મુદ્દો બનાવવો એ દુર્ભાગ્યપૂર્ણ છે. હું તેમને તેમના નિર્ણય પર પુનઃવિચાર કરવા અને સમારોહમાં સામેલ થવા વિનંતી કરું છું. લોકસભાના અધ્યક્ષ સંસદના સંરક્ષક છે અને અધ્યક્ષે વડા પ્રધાનને આમંત્રણ આપ્યું છે."
સાથે જ તેમણે કહ્યું કે નવા સંસદભવનનું ઉદ્ઘાટન એક ઐતિહાસિક ઘટના છે અને દરેક ઘટનાનું રાજનીતિકરણ કરવું સારું નથી.
28મેના દિવસે ભારતના પહેલાં વડા પ્રધાન જવાહરલાલ નહેરુના અંતિમ સંસ્કાર પણ થયા હતા.
નીલાંજન મુખોપાધ્યાય કહે છે,"આ પણ પ્રતીકાત્મક છે કે તેઓ નહેરુના અંતિમ સંસ્કારની જયંતી પર નવી સંસદનું ઉદ્ઘાટન કરી રહ્યા છે."

સાવરકરને લઈને સવાલ

ઇમેજ સ્રોત, ANI
સાવરકર સંબંધિત વિવાદો વિશે તુષાર ગાંધી કહે છે કે સાવરકરનાં એટલાં બધાં પાસાં છે કે જેને જે પાસું પસંદ આવે એના આધારે તેમની ભક્તિ અથવા તિરસ્કાર કરી શકે છે.
તેઓ કહે છે,"એ માનવું પડશે કે સાવરકરે શરૂઆતમાં ક્રાંતિકારી સ્વરૂપ લીધું હતું જ્યારે ઇંગ્લૅન્ડમાં રહેતા તેમણે ભારતમાં ક્રાંતિને તેમણે પ્રોત્સાહિત કરી. ક્રાંતિકારીની જે વ્યાખ્યા છે તે અનુસાર સાવરકર તે મુજબ તેમને વધુમાં વધુ ક્રાંતિકારીઓના સમર્થક કહી શકાય પણ તેમને ક્રાંતિકારી તો ન જ કહી શકાય."
સાવરકારની એક મોટી ટીકા કાલાપાની જેલવાસ સમયે તેમણે બ્રિટનની સરકારને લખેલા તેમના માફીનામા બદલ થાય છે.
તુષાર ગાંધી કહે છે,"કાલાપાનીમાં જેટલા પણ કેદીઓ હતા તેમના બધાની ઉપર એવી જ બર્બરતાથી વર્તાવ થયો. સાવરકર એ કેટલાક લોકોમાંથી હતા જેમણે અંગ્રેજોની માફી માગી હતી."
"ઘણા એવા ક્રાંતિકારી અને સત્યાગ્રહી હતા જેમણે હસતા હસતા પોતાની આખી ય કાલાપાનીની સજા ભોગવી અને સ્વતંત્રતા પછી જો જીવતા રહ્યા તો છૂટીને પરત આવ્યા. સાવરકરને વીર કહેવું એ બધાનું અપમાન હશે.”
સાવરકરના સમર્થકો અને પ્રશંસકોનું કહેવું છે કે માફી માગવી તેમની રણનીતિ હતી જેથી તેઓ છૂટી જાય અને ફરી અંગ્રેજો સાથે લડે. તુષાર ગાંધી અનુસાર આ બધા પાછળથી વિચારવામાં આવેલા વિચારો છે.
તેઓ કહે છે, "જો એ માની પણ લઈએ કે તેમની આ રણનીતિ હતી, તો છૂટીને આવ્યા પછી તેમણે સ્વતંત્રસંગ્રામમાં શું યોગદાન કર્યું? એનું એક પણ પ્રમાણ નથી મળતું."
"ઉપરથી એવું લાગે છે કે છૂટીને આવ્યા બાદ કૉંગ્રેસે જેટલા સત્યાગ્રહ કર્યા, તેમણે એ તમામ સત્યાગ્રહોને કેવી રીતે નિષ્ફળ કરવા એ જ વિશે અંગ્રેજો સાથે કામ કર્યું, તેથી માફીનામાને એક રણનીતિ કહેવું એક નાદાન બહાનું છે."
એ. સૂર્ય. પ્રકાશ પ્રસાર ભારતીના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ કહે છે કે, "જ્યાં સુધી સાવરકાર માટે માફીનામાની વાત છે, તો જો મહાત્મા ગાંધી અને કૉંગ્રેસના કેટલાક અન્ય નેતાઓએ લખેલી અરજીઓ પર નજર કરીએ તો તેમનામાં અને સાવરકરની અરજીઓમાં કોઈ ફરક નહીં દેખાય."
“તેઓ ભારતના એક મહાન સપૂત વિરુદ્ધ આ બિભત્સ અભિયાન ચલાવી રહ્યા છે. 1910માં જ્યારે સાવરકરે 1857ના સ્વતંત્રતા સંગ્રામ પર એક પુસ્તક લખ્યું તો અંગ્રેજોએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો."
"સાવરકર કેટલા મહાન દેશભક્ત અને ક્રાંતિકારી હતા, એ સમજવા માટે તેમને વાંચવા જોઈએ. તેઓ ભારતને સ્વતંત્ર જોવા માટે કંઈ પણ કરવા તૈયાર હતા."
નીલાંજલ મુખોપાધ્યાય અનુસાર સાવરકરને લઈને ત્રણ મોટા સવાલ છે. પહેલો સવાલ એ કે શું વીરનું ઉપનામ મેળવવા માટે તેમણે રાષ્ટ્રીય આંદોલનમાં પૂરતું કામ કર્યું? બીજું, શું તેઓ કાયર હતા? ત્રીજું એ કે શું તેઓ મહાત્મા ગાંધીની હત્યાના ષડયંત્રમાં સામેલ હતા?
તેઓ કહે છે, "ત્રણેય વાતો પર આજે પણ સવાલો યથાવત છે. શું આપણે ખરેખરમાં આવી વ્યક્તિની 140મી જન્મ જયંતી પર એક નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ જેણે ભારત દ્વારા અપનાવવામાં આવેલા લોકતાંત્રિત માર્ગનું સમર્થન ન કર્યું. ભારતના બંધારણીય દિવસ 26 નવેમ્બરના રોજ આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોત, તે યોગ્ય હોત."
વળી બીજી તરફ સાવરકરના સમર્થકોનું માનવું છે કે સાવરકાર આ પ્રકારની સ્વીકાર્યતાને લાયક છે. સૂર્યપ્રકાશ કહે છે કે સાવરકારની જયંતી પર નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરવામાં તેમને કોઈ વાંધો નથી લાગતો.
તેઓ કહે છે કે, "ભારતમાં નહેરુ-ગાંધી પરિવારની રાજનીતિને દેશ અને સ્વતંત્રતા સંગ્રામના કેટલાક મહાન નાયકો અને ક્રાંતિકારીઓને કિનારે કરવાની કોશિશ કરી છે અને આ નાયકોમાં વીર સાવરકર, બી. આર. આંબેડકર તથા સરદાર વલ્લભભાઈ પટેલ સામેલ છે. હવે બાબતોને સુધારવાની પ્રક્રિયા ચાલી રહી છે."
સૂર્યપ્રકાશ અનુસાર જે રીતે સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકરની તેમનાં કામો માટે સરાહના નથી કરવામાં આવી એ જ રીતે વીર સાવરકર વિશે પણ આ વાત સત્ય છે.

સાવરકરનો વિરોધ અને સમર્થન

ઇમેજ સ્રોત, TWITTER/OM BIRLA
ધીરેન્દ્ર ઝા એક જાણીતા લેખક છે. તેમણે ‘ગાંધીઝ અસેસિન : ધ મૅકિંગ ઑફ નાથૂરામ ગોડસે ઍન્ડ હિઝ આઇડિયા ઑફ ઇન્ડિયા’ તથા “શૅડો આર્મીઝ : ફ્રિંજ ઑર્ગેનાઇઝેશન્સ ઍન્ડ ફૂટ સૉલ્જર્સ ઑફ હિંદુત્વ” જેવી ચર્ચિત પુસ્તકો લખી છે.
તેઓ કહે છે કે નવા સંસદભાવનનું ઉદ્ઘાટન સાવરકરના જન્મદિવસ પર કરવું ‘લોકતંત્રની હત્યા’ કરવા જેવું છે.
ધીરેન્દ્ર ઝા કહે છે કે, "સાવરકર 20મી સદીના પ્રથમ દાયકામાં જ્યારે બ્રિટનમાં હતા ત્યારે તેઓ બ્રિટિશ વિરોધી હતી. પરંતુ એક વાર જેલ ગયા બાદ તેઓ દયા અરજી લખવાનું શરૂ કરી દે છે અને પછી તેઓ જેલથી બહાર આવી જાય છે."
આ પૂર્વે સાવરકરે ‘હિંદુત્વ : હૂ ઇઝ અ હિંદુ’ નામનું પુસ્તક લખ્યું હતું. ધીરેન્દ્ર ઝા જણાવે છે કે "આ પુસ્તક એક માળખું રજૂ કરે છે જેનો ઉદ્દેશ્ય બ્રિટિશ વિરોધી સ્વતંત્રતાસંગ્રામને કમજોર કરવાનો હતો કેમ કે તેમણે હિંદુઓને સમજવાની કોશિશ કરી કે અંગ્રેજો નહીં પણ મુસલમાન તેમના મુખ્ય દુશ્મન હોવા જોઈએ."
ધીરેન્દ્ર ઝા આગળ કહે છે,"જેલથી બહાર આવ્યા બાદ તેઓ આ બ્લૂપ્રિન્ટને એકદમ કાળજીપૂર્વક ફૉલો કરે છે. તેઓ ક્યારેય બ્રિટિશવિરોધી સંઘર્ષની નજીક પણ નહીં ગયા. જેલથી બહાર આવ્યા બાદ તેમણે હંમેશાં અંગ્રેજોનો સાથ આપ્યો."
"આ ખરેખર એ પ્રક્રિયાને કમજોર કરવાની કોશિશ કરી રહ્યા હતા જે ભારતમાં ધર્મનિરપેક્ષ લોકતંત્રને જન્મ આપવાની હતી. તેમનો સમગ્ર વિચાર એક હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવાનો હતો જે એ ધર્મનિરપેક્ષ લોકતંત્રના વિચારની વિરુદ્ધમાં હતો જેના માટે રાષ્ટ્રવાદીઓ લડી રહ્યા હતા.
ધીરેન્દ્ર ઝા અનુસાર સાવરકર યુરોપિયન તાનાશાહીથી પ્રભાવિત હતા.
તેઓ કહે છે, "આવાં ઉદાહરણો છે જેમાં તેઓ જર્મનીમાં નાઝીવાદ અને ઇટાલીમાં ફાસીવાદની પ્રશંસા કરે છે. આ ફાસીવાદી વિચારધારા અનિવાર્ય રીતે લોકતંત્રની વિરોધી છે."
"એ સિવાય આના પર ગાંધી હત્યાકાંડનો પણ એમના પર આરોપ લાગ્યો હતો."
"બેશક એ સમયે પુરાવાના અભાવે તમને છોડી મૂકવામાં આવ્યા હતા પરંતુ બાદમાં હત્યા પાછળના ષડયંત્રની તપાસ માટે રચાલેયા કપૂર તપાસપંચે પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ રૂપે ઉલ્લેખ કર્યો હતો કે સાવરકર એ ષડયંત્રનો ભાગ હતા."
ઝા કહે છે, "જો તમે આ સરકારની પૅટર્ન જુઓ તો, તમે જોશો કે આ સાવરકર અને ગોલવલકર દ્વારા નિર્ધારિત સિદ્ધાંતો પર ચાલી રહી છે. અને એ સિદ્ધાંત ધર્મનિરપેક્ષ લોકતંત્રના વિચારોની વિરુદ્ધ હતા."
"આ માટે સાવરકારની જયંતી પર સંસદનું ઉદ્ઘાટન કરવા સરકાર સ્પષ્ટરૂપે આ સંદેશ આપવાની કોશિશ કરી રહી છે કે તે લોકતાંત્રિક સિદ્ધાંતો સિવાય એ સિદ્ધાંતોની પ્રશંસા કરે છે."
તો શું વડા પ્રધાન મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ?
ધીરેન્દ્ર ઝા કહે છે કે, "મારું માનવું છે કે જો કોઈએે નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ, તો એ ભારતનાં રાષ્ટ્રપતિ હોવાં જોઈએ. એમાં કોઈ શંકા નથી."
વળી બીજી તરફ એ. સૂર્યપ્રકાશ કહે છે કે સાવરકર એક અસાધારણ બુદ્ધિ ધરાવતા વ્યક્તિ હતા અને તેઓ મહાત્મા ગાંધીથી એકદમ અલગ હતા.
તેઓ કહે છે, "ઉદાહરણ તરીકે મહાત્મા ગાંધી જાતિ વ્યવસ્થાના વિરોધી નહીં હતા. સાવરકર જાતિ વ્યવસ્થાના ઘોર વિરોધી હતા. સાવરકર અસ્પૃશ્યતા વિરુદ્ધ અને જાતિ વ્યવસ્થાના ઉન્મૂલન માટે મુખર રૂપે બોલતા હતા."
"તેઓ હિંદુ સમાજમાં કર્મકાંડના વિરોધી હતા. તેઓ એક મજબૂત અને આધુનિક રાષ્ટ્ર, વિજ્ઞાનની ઉન્નતિ અને ભારતનું સૈન્યકરણ ઇચ્છતા હતા.”
સૂર્યપ્રકાશ કહે છે કે મહાત્મા ગાંધીના અનુયાયી સાવરકરના સંપૂર્ણ વિરોધી હતી. તેઓ કહે છે કે ચીન અને પાકિસ્તાન જેવા દેશોમાં મળી રહેલા પડકારોને જોતા સમય આવી ગયો છે કે સાવરકરના વિચારો અને તેમની રાજકીય વિચારધારાને ઓળખવામાં આવે.
"હવે સમય આવી ગયો છે કે સાવરકરની અસાધારણ બુદ્ધિને સ્વીકારવામાં આવે. આ આવી બાબત હતી જેના કારણે કદાચ એક સદી પહેલાં તેઓ આની ભલામણ કરી રહ્યા હતા."
સૂર્યપ્રકાશ અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પૂર્વ વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ પણ સાવરકરની પ્રશંસામાં ઘણી વાતો કહી હતી. તેમના અનુસાર સાવરકર લાખો લોકોને પ્રેરિત કરવાની ક્ષમતા રાખતા હતા અને "નહેરુવાદી તથા ગાંધીવાદીઓ સતત તેમની વિરાસતને દફનાવવાની કોશિશ કરી છે."
તેઓ કહે છે, "અમે આની મંજૂરી ન આપી શકીએ. અમને લાગે છે કે ભારતે સાવરકરના યોગદાનને સ્વીકારવું જોઈએ."

મહાત્મા ગાંધીની હત્યાના ષડયંત્રનો આરોપ

ઇમેજ સ્રોત, AFP/BBC
સાવરકર પર મહાત્મા ગાંધીની હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો અને તેમના પર કેસ પણ ચાલ્યો.
પરંતુ આખરમાં આરોપ પુરવાર ન થયા અને તેમને નિર્દોષમુક્ત કરાયા. તુષાર ગાંધી કહે છે કે, "જ્યાં સુધી મહાત્મા ગાંધીની હત્યાનો સવાલ છે, તો આજે જે તેઓ કહે છે કે અદાલતે સાવરકરને નિર્દોષમુક્ત કર્યા, એ ખરેખર નિર્દોષમુક્ત નહોતા કર્યા."
તેઓ કહે છે, "કોર્ટે એકદમ સ્પષ્ટ રીતે કહ્યું કે અમને આશ્રર્ય છે કે ફરિયાદપક્ષે સાવરકર વિરુદ્ધ જે બે સાક્ષી રજૂ કર્યા હતા તે બંને એટલા નબળા હતા કે બચાવપક્ષે તેમને વિશે ઘણી સરળતાથી શંકાના ઘેરામાં લાવી દીધા."
"જ્યારે અદાલતે તેમને છોડી દીધાનો તર્ક આપવામાં આવે છે, તો અદાલતે એવું એટલા માટે કર્યું કેમ કે કોર્ટ સામે પૂરતા પુરાવા રજૂ નહોતા થયા. કોઈનું નિર્દોષ પુરવાર થવું અને કોઈનું પુરાવાના અભાવે છૂટી જવું એમાં ફર્ક હોય છે."
એ. સૂર્ય પ્રકાશ કહે છે કે દિલ્હીની એક અદાલતે આખાય મામલાની તપાસ કરી અને સાવરકરને દોષિત નથી ઠેરવ્યા.
તેઓ કહે છે, "નહેરુવાદી અને ગાંધીવાદી કોઈ પણ રીતે સાવરકરને ગાંધીની હત્યામાં ફસાવવા માગતા હતા. કોઈ પુરાવા નથી."
"સાવરકરે ક્યારેય નથી કહ્યું કે તમારે મહાત્મા ગાંધીને મારવા જોઈએ. ખરેખરમાં તેઓ એ લોકો વિરુદ્ધ એવી કોઇ પણ હિંસાના વિરોધમાં હતા જેનાથી તેઓ અસહમત હતા."
"કોઈ પુરાવા ન હતા અને એ ગાંધીની હત્યાના કેસમાં ન્યાયાધીશનો નિર્ણય હતો. એક વખત નિર્ણય આવી ગયા બાદ મામલો ત્યાં જ ખતમ થઈ ગયો. કોઈપણનું એવું કહેવું કે મહાત્મા ગાંધીની હત્યામાં સાવરકરની કોઈ ભૂમિકા હતી એ અયોગ્ય છે.."

‘સંજોગવશાત્ નહીં પણ વિચારીને કરેલો નિર્ણય’

ઇમેજ સ્રોત, Getty Images
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી કહે છે કે, "નવા સંસદભવનના ઉદ્ઘાટન માટે સાવરકરની જન્મતિથીને પસંદ કરવાના સરકારના નિર્ણયથી તેમને કોઈ આશ્ચર્ય નથી થયું અને એ અપેક્ષિત હતું."
તુષાર ગાંધી અનુસાર પ્રશ્નચિહ્નથી ઘેરાયેલી એક વ્યક્તિના જન્મદિવસને લોકશાહીના સૌથી પ્રખર ઉદાહરણના ઉદ્ઘાટન સાથે જોડવું સંજોગવશાત્ નથી અને આ જાણી જોઈને કરવામાં આવ્યું છે.
તેઓ કહે છે,"આ આખી કવાયત મૂર્ખતા છે. નવા સંસદભવન માટે આટલી રકમ ખર્ચ કરવાની કોઈ જરૂર નહોતી. આ વડા પ્રધાનના મેગ્લોમૅનિયા (મહત્ત્વોન્માદ) છે કે તેઓ એક એવું સ્મારક ઇચ્છે છે કે જેના વિશે તેઓ શેખી મારી શકે.”"
તુષાર ગાંધીનું કહેવું છે કે નવા સંસદભવનના ઉદ્ઘાટન "પોતાના દૃષ્ટિકોણના ભારતને પ્રોજેક્ટ કરવાની કોશિશ છે."
"નવા સંસદભવનમાં જે સારનાથનો અશોક સ્તંભ બનાવાયો છે તેમાં સિંહોને આદમખોર સિંહ તરીકે બતાવાયા છે. જ્યારે મૂળ સ્મારકમાં સિંહ શક્તિનું પ્રતીક હતા પરંતુ તેમાં ડરાવવાની કોઈ વાત નહોતી."
"એક ખોટી મર્દાના છબિ દર્શાવવાની લાલચમાં એને પણ બદલી નાખવામાં આવ્યું. એટલે દરેક વસ્તુમાં જે બદલાવ લાવવાની જરૂર જણાય છે તેના પ્રતિરૂપે આ નવું સંસદભવન છે."
તુષાર ગાંધીનું માનવું છે કે, "એવું નથી કે નવા સંસદભવનના ઉદ્ઘાટનની તારીખ અકસ્માતે પસંદ કરાઈ છે અને પછી માલૂમ પડ્યું કે એ દિવસે સાવરકરની જન્મ જયંતી છે."
તેઓ કહે છે, “જાણી જોઈને એ તારીખે સંસદનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે કે જેથી એક સંદેશ જાય કે આ હિંદુ રાષ્ટ્રનું પ્રતીક થવાનું છે. વર્ષ 2024ની ચૂંટણી આ જ વાત પર લડવામાં આવશે કે ભારત ધર્મનિરપેક્ષ રહેશે કે હિંદુ રાષ્ટ્ર બનશે. એટલે આની શરૂઆત આ રીતે કરવામાં આવી રહી છે."

શું છે આ મામલા સાથે જોડાયેલી રાજનીતિ

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
નીલાંજન મુખોપાધ્યાય કહે છે કે સરકાર સાવરકરને એક રાષ્ટ્રીય પ્રતીકના રૂપે ઉભરવાને પ્રોત્સાહિત કરવાની કોશિશ કરી રહ્યા છે.
તેમના અનુસાર સંકીર્ણ કારણોના લીધે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સાવરકર પ્રતિ જબરજસ્ત શ્રદ્ધા છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, "વિપક્ષીદળોમાં રાજકીયદળોમાં સાવરકર મામલે મતભેદો છે એટલે ભાજપનો એનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવા માગે છે."
લોકસભામાં અયોગ્ય ઠેરવવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ પોતાની પ્રથમ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે "મારું નામ સાવરકર નથી. મારું નામ ગાંધી છે અને ગાંધી માફી નહીં માગેે."
આ નિવેદન પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમની પાર્ટી સાવરકરનું અપમાન સહન નહીં કરશે. અહેવાલો હતા કે એનસીપી અધ્યક્ષ શરદ પવારે પણ રાહુલ ગાંધીને આ વિશે વાત કરી હતી અન તેમને આવી ટિપ્પણીઓ ન કરવા માટે કહ્યું હતું.
નીલાંજલ મુખોપાધ્યાય અનુસાર સાવરકરનું સમર્થન મોટાભાગે ચૂંટણી રાજનીતિ સંબંધિત કારણો માટે કરવામાં આવે છે.
તેઓ કહે છે, "ભાજપ એ કહેવાની કોશિશ કરશે કે જે પણ નવા સંસદભવનનો વિરોધ કરે છે તેઓ સાવરકર વિરોધી છે. પરંતુ વિપક્ષે પણ ચાલાકીથી કામ લીધું છે. તેઓ એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે પીએમ આ ઉદ્ઘાટન કરી રહ્યા છે. સાવરકરની જયંતી હોવા વિશેના સંયોગ પર તેમણે ચૂપકીદી સેવી છે."
ધીરેન્દ્ર ઝા આ વાતનો ઇન્કાર નથી કરતા કે આ સમગ્ર મામલામાં રાજનીતિ દખલ છે.
તેઓ કહે છે, "બેશક ઉદ્ધવ ઠાકરે અથવા શિવસેનાને ફરીથી પોતાની તરફ લાવવું સરકારનું એક લક્ષ્ય હતું પરંતુ ફરી ઇતિહાસની દૃષ્ટિએ જોઈએ તો માલૂમ પડે છે કે જે કંઈ પણ કરવામાં આવી રહ્યું છે એનું લક્ષ્ય એ ફાસીવાદી સિદ્ધાંતોને સ્થાપિત કરવાનું છે જેને સાવરકર અને ગોલવલકરે આપ્યા હતા અને જેને મોદી ફૉલો કરી રહ્યા છે."













