એ 'વીર' હિંદુ રાણીની કહાણી જેમણે એક મુસ્લિમ નવાબ સાથે મળીને અંગ્રેજોને હરાવી દીધા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, TWITTER @VERTIGOWARRIOR

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર અને સંશોધક

હૈદર અલી અને વેલુ નાચ્ચિયારની મુલાકાત 18મી સદીના ડિંડિગુલ (દિંડુક્કલ) શહેરમાં થઈ હતી. તાળા અને બિરયાની માટે પ્રખ્યાત તામિલનાડુનું આ શહેર ત્યારે દક્ષિણ ભારતીય રાજ્ય મૈસૂરનો ભાગ હતું. હૈદર અલી ઉત્તરમાં કૃષ્ણા નદી, પૂર્વમાં પૂર્વ ઘાટ અને પશ્ચિમમાં અરબી સમુદ્ર સુધી ફેલાયેલા મૈસૂર રાજ્યના શાસક હતા, જેનો મોટો ભાગ હાલ તામિલનાડુ અને કેરળના પાડોશી રાજ્ય કર્ણાટકમાં છે.

વેલુ નાચ્ચિયાર 1773માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથે પોતાના પતિ મુથુ વદુગ્નાથ પેરિયાઉદય થેવર અને તેમના રજવાડા શિવગંગાને ખોઈને પોતાની નાનકડી પુત્રી વેલ્લાચી સાથે આશરો શોધી રહ્યાં હતાં. હૈદર અલી અને વેલુની મુલાકાત પરસ્પર સન્માનના એક એવા યુગની શરૂઆત હતી, જેને સમય જતાં ટીપુ સુલતાને પણ આગળ વધારી હતી.

વેલુને હૈદર અલી પાસેથી મદદ મળી તો તેમણે એવું સન્માન મેળવ્યું, જે કાયમ માટે યાદગાર બની ગયું. આ સન્માન શું હતું એ પ્રશ્નને છોડીને પહેલા એ શા માટે ન જાણીએ કે વેલુ નાચ્ચિયાર કોણ હતાં અને તેઓ કેવા પડકારોનો સામનો કરી રહ્યાં હતાં?

ગ્રે લાઇન

રાજકુમારીથી રાણી બનવા સુધીની યાત્રા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PAN MCMILLAN

ઇમેજ કૅપ્શન, શુબેન્દ્રનું પુસ્તક 'વૉરિયર ક્વીન ઑફ શિવગંગા'

વેલુનાં માતાપિતા રામનાડ કે રામનાથપુરમ રાજ્ય (હવે આ વિસ્તાર તામિલનાડુમાં છે)ના શાસક હતા. વર્ષ 1730માં જન્મેલ તેમની એક માત્ર પુત્રીને તેમણે ઘોડેસવારી, તિરંદાજી અને વલારી, સિલંબમ જેવી માર્શલઆર્ટની ટ્રેનિંગ આપી હતી.

તેઓ અંગ્રેજી, ફ્રૅન્ચ અને ઉર્દૂ સહિત ઘણી ભાષાઓ પર પકડ ધરાવતાં હતાં. 16 વર્ષની ઉંમરે વેલુનાં લગ્ન શિવગંગાના રાજકુમાર સાથે કરાવી દેવામાં આવ્યાં હતાં.

આ જોડીએ 1750થી 1772 સુધી એટલે કે લગભગ બે દાયકાથી વધુ સમય સુધી શિવગંગા પર રાજ કર્યું હતું.

ગ્રે લાઇન

પતિની હત્યા અને હૈદર અલી સાથે મુલાકાત

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GOSHAIN

વર્ષ 1772 એ વર્ષ હતું જ્યારે આરકાટના નવાબે અગ્રેજો સાથે મળીને શિવગંગા પર હુમલો કર્યો અને વેલુ નાચ્ચિયારના પતિની 'કલયાર કોયિલ યુદ્ધ'માં હત્યા કરી દીધી હતી.

હુમલાના સમયે રાણી વેલુ અને તેમની પુત્રી નજીકમાં આવેલા એક મંદિરમાં હોવાથી બચી ગયાં હતાં. થેવરની સાથે લડનારા તેમના વફાદાર મારથુ ભાઈઓ, વેલ્લઈ અને ચિત્રાએ તેમને ત્યાંથી બહાર કાઢ્યાં અને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા. વેલુને પોતાના પતિનો મૃતદેહ જોવા પણ મળ્યો નહોતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અઢારમી અને ઓગણીસમી સદીના સૈન્ય ઇતિહાસના વિશેષજ્ઞ શુબેન્દ્ર લખે છે કે રાણીની સુરક્ષિત વાપસી નિશ્ચિત કરવા માટે તેમનાં ભરોસાપાત્ર અંગરક્ષક ઉડયાલ અને અન્ય મહિલા સેનાની ત્યાં જ રોકાઈ ગયાં હતાં.

નવાબના માણસોએ ઉડયાલને પકડી લીધા હતા. પોતાની ઉપર અત્યાચાર થયો હોવા છતા તેમણે રાણી ક્યાં છે એ ન જણાવ્યું તો અંતે તેમનું માથુ ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું.

જંગલોઅને ગામેગામ ભટકી રહેલ રાણી વેલુને લાગ્યું કે તેમને શિવગંગાને અંગ્રેજો પાસેથી પાછું મેળવવા માટે સાથ આપી શકે અને મદદ કરી શકે તેવા લોકોની જરૂરત છે.

મારથુ ભાઈઓએ વફાદારોનું એક લશ્કર તૈયાર કરવાનું શરૂ કર્યું, પરંતુ એ અંગ્રેજો સામે કંઈ જ નહોતું.

મૈસૂરના સુલતાન હૈદર અલીને ન તો અંગ્રેજો સાથે સારો સંબંધ હતો, ન તો આરકાટના નવાબ સાથે. તેથી રાણી વેલુએ તેમની મદદ લેવાનું નક્કી કર્યું અને મૈસૂર સુધીની ખતરનાક યાત્રા ખેડવાનું સાહસ હાથ ધર્યું.

વેલુ નાચ્ચિયારની હૈદર અલી સાથે મુલાકાત શિવગંગાથી લગભગ 100 કિલોમિટર દૂર ડિંડિગુલમાં થઈ. તેમણે હૈદર અલી સાથે ઉર્દૂ ભાષામાં વાત કરી અને પોતાની હિંમત અને દૃઢતાથી પ્રભાવિત પણ કર્યા.

હૈદર અલીએ વેલુને ડિંડિગુલ કિલ્લામાં રહેવાનો આગ્રહ કર્યો. જ્યાં તેમને એક રાણી તરીકે સન્માન આપવામાં આવતું હતું. હૈદર અલીએ મિત્રતાના પ્રતીક તરીકે પોતાના મહેલમાં એક મંદિર પણ બનાવડાવ્યું હતું.

બીબીસી ગુજરાતી

અંગ્રેજો પર જીત

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, HISTORY LUST

ઇતિહાસકાર આર. મણિકનંદન અનુસાર હૈદર અલી સાથે વેલુ નાચ્ચિયારની એકતા પરસ્પર જરૂરિયાતથી ઊભી થઈ હતી.

વેલુને પોતાનું રાજ્ય પાછું મેળવવા સૈન્યસહાયતાની જરૂર હતી, જ્યારે હૈદર અલીએ એ ક્ષેત્રમાં બ્રિટનની ઉપનિવેશવાદી શક્તિને પડકારવાનો અવસર તરીકે તક જોઈ.

હૈદર અલીએ અગ્રેજો સામેની વેલુની લડાઈમાં ભાગીદાર બનવાનો સંકલ્પ લીધો. તેમણે વેલુને માસિક 400 પાઉન્ડ અને હથિયારોની સાથેસાથે સૈયદ કરકીના નેતૃત્વમાં પાંચ હજાર સૈનિકોની પણ મદદ કરી હતી.

શુબેન્દ્ર લખે છે, "આ સેના સાથે રાણી વેલુએ શિવગંગાના વિવિધ વિસ્તારો જીતવાનું શરૂ કર્યું. અહીં સુધી કે તેઓ 1781માં તિરુચિરાપલ્લી કિલ્લા સુધી પહોંચી ગયા હતા. જે અંગ્રેજોના કબજામાં હતો."

"હૈદર અલીના કારણે અંગ્રેજો સુધી વધુ સૈન્યસહાયતા પહોંચી શકતી નહોતી પરંતુ રાણી વેલુ પાસે કિલ્લામાં પ્રવેશ કરવા સાધન નહોતું."

"ઉડયાલના બલિદાનની યાદમાં રાણી વેલુએ તેમના નામ પર મહિલાઓની એક સેના બનાવી હતી. આ સેનાના કમાન્ડર ઇન ચીફ કોયિલીએ કિલ્લાના દરવાજાને ખોલવાની એક યોજના રજૂ કરી હતી."

"વિજયાદશમીનો તહેવાર થોડા દિવસ દૂર હતો. નજીકના દેહાતની તમામ મહિલાઓ મંદિર જશે. આપણે તેમની સાથે ભળીને અંદર જઈ શકીએ છીએ. હું ઉડયાલ સેનાની કેટલીક મહિલાઓનું નેતૃત્વ કરીશ અને છૂપાયેલાં હથિયાર સાથે કિલ્લામાં પ્રવેશ મેળવીશું. અંદર પહોંચીને અમે તમારા માટે કિલ્લાનો દરવાજો ખોલી દઈશું."

આ સાંભળીને રાણી વેલુના ચહેરા પર સ્મિત પ્રસરી ગયું.

"આપ હંમેશાં કોઈને કોઈ રસ્તો શોધી જ લો છો કોયિલી. તમે દર વખતે ઉડયાલનું નામ રોશન કરો છો."

વિજયાદશમીનો દિવસ આવ્યો તો આસપાસનાં ગામડાંમાંથી મહિલાઓ સાથે કોયિલી અને તેમના સાથી પણ કિલ્લામાં અંદર જઈને મુખ્ય મંદિરમાં એકઠાં થયાં.

વિધિ શરૂ થઈ અને નક્કી કરેલા સમયે કોયિલીએ બૂમ પાડી, "ઊઠો મારી બહેનો!"

આ સાંભળીને 'ઉડયાલ'ની મહિલાઓ તરત ઊઠી અને પોતપોતાની તલવારો કાઢીને આસપાસના ચોકીદારી કરી રહેલા અંગ્રેજ સિપાઈઓને વીંધીને દરવાજા તરફ આગળ વધવા લાગી.

બહાર રાણી વેલુ સૈન્ય સાથે રાહ જોઈ રહ્યાં હતાં અને અચાનક તેમને એક ધડાકો સંભળાયો. ગણતરીની મિનિટોમાં કિલ્લાનો દરવાજો અંદરથી ખુલ્યો અને 'ઉડયાલ'ની બે મહિલાઓ રાણી પાસે આવીને કહ્યું, "રાણી! દરવાજા ખુલ્લા છે. અંગ્રેજોના દારૂગોળાના ભંડારને ઉડાવી દેવાયો છે. હવે હુમલાનો સમય છે."

રાણીએ સામે પૂછ્યું, "મારી દીકરી કોયિલી ક્યાં?"

'ઉડયાલ'ની મહિલાઓએ આંખ નીચી કરી લીધી અને ધીમા અવાજે કહ્યું, "કમાન્ડરે અંગ્રેજોનો દારૂગોળો નષ્ટ કરવા માટે ખુદને આગ ચાંપી દીધી અને અંદર ઘૂસી ગયાં હતાં."

આ સાંભળીને રાણી વેલુ દુખી થઈ ગયાં. તેઓ કંઈ બોલી નહોતાં શકતાં. એકદમ સ્થિર થઈને તેઓ પોતાના ઘોડા પર બેસી રહ્યાં, પણ સૈયદ કરકીએ તેમને કહ્યું, "આપણે તેમની કુરબાનીને બરબાદ નહીં જવા દઈએ. હવે હુમલો કરવાનો સમય છે. અમે તમારા હુકમની રાહ જોઈ રહ્યા છે."

રાણી વેલુએ હિંમત એકઠી કરી અને હુમલાનો આદેશ આપ્યો. કિલ્લામાં કર્નલ વિલિયમ્સ ફ્લાર્ટનના નેતૃત્વ હેઠળની બ્રિટિશ સેના પાસે બંદૂકો તો હતી પણ દારૂગોળો પૂરો થવા આવ્યો હતો.

લેખક સુરેશ કુમાર લખે છે કે ઑગસ્ટ 1781માં વેલુ નાચ્ચિયાર અને હૈદર અલીની સંયુક્ત સેનાએ કિલ્લાના સંરક્ષણને ધ્વસ્ત કરીને તેના પર કબજો કર્યો હતો.

આ રીતે આઝાદીના પ્રથમ યુદ્ધથી 77 વર્ષ પહેલાં વેલુ નાચ્ચિયાર, બ્રિટિશ ઉપનિવેશવાદી શક્તિ વિરુદ્ધ યુદ્ધ જીતનારાં ભારતનાં પ્રથમ રાણી બની ગયાં.

તેમણે પોતાની પુત્રી વેલ્લાચીને રાજપાટ સોંપતા પહેલાં 10 વર્ષ સુધી શિવગંગા પર શાસન કર્યું.

ઇતિહાસકાર મણિકંદનનું કહેવું છે કે વેલુ નાચ્ચિયાર એક એવા યોગ્ય સૈન્ય નેતૃત્વકર્તાં હતાં જે પોતાના દુશ્મનોની કમજોરીઓનો ફાયદો ઉઠાવવામાં માહેર હતાં. ક્ષેત્રમાં બ્રિટિશ ઉપનિવેશવાદી શક્તિઓને પડકાર આપવા માટે હૈદર અલી અને ટીપુ સુલતાન સાથે તેમની એકજૂટતા તેમની રણનીતિનું એક ઉદાહરણ છે.

એક જબરદસ્ત યોદ્ધા તરીકે પોતાની ખ્યાતિ હોવા ઉપરાંત વેલુ નાચ્ચિયાર પોતાની પ્રજા માટે હમદર્દી રાખતાં હતાં. ઇતિહાસકાર વી. પદ્માવતી અનુસાર તેઓ એક ન્યાયપ્રિય અને લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં શાસક હતાં. જે પોતાના લોકોને પ્રેમ કરતાં હતાં.

તેમની સહાનુભૂતિનું એક ઉદાહરણ તેમના એ નિર્ણયમાં સામે આવે છે જેમાં તેમણે એ દલિતોને શરણાગતિ આપી જેમની શાસક વર્ગના લોકો સતામણી કરતા હતા. આર. મણિકંદન અનુસાર, "તેઓ એક કુદરતી નાયિકા હતાં."

બીબીસી ગુજરાતી

યુદ્ધ પછી શું થયું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, WIKIMEDIA COMMONS

યુદ્ધ જીત્યા પછી વેલુ નાચ્ચિયારે એક દાયકા સુધી શાસન કર્યું. મુશ્કેલીના સમયે સાથ આપનાર લોકોને રાજ્યમાં પ્રમુખપદ આપ્યાં. હૈદર અલીની સહાયતા માટે તેમના સન્માનમાં વેલુ નાચ્ચિયારે સારગાનીમાં એક મસ્જિદ બનાવડાવી.

જે. એચ, રાઇસે 'ધ મૈસૂર સ્ટેટ ગૅઝેટિયર'માં લખ્યું છે કે અંગ્રેજો સામે મૈસૂરના બીજા યુદ્ધમાં વેલુ નાચ્ચિયારે હૈદર અલીનું સમર્થન કર્યું અને તેમની મદદ માટે પોતાની સેના મોકલી.

હૈદર અલીના અવસાન બાદ વેલુએ તેમના પુત્ર ટીપુ સુલતાન સાથે પણ મિત્રતાના સંબંધો કેળવીને રાખ્યા અને તેમને ભાઈની જેમ પ્રેમ આપ્યો. વેલુએ ટીપુ સુલતાનને ભેટમાં એક સિંહ પણ મોકલ્યો હતો.

મુહિબ્બુલ હસને હૈદર અલી અને ટીપુ સુલતાન પર પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ટીપુ સુલતાન વેલુ નાચ્ચિયારની સેનાને મજબૂત કરવા માટે હથિયાર અને દારૂગોળો મોકલાવ્યાં હતાં.

ટીપુ સુલતાને વેલુ નાચ્ચિયાર માટે એક તલવાર પણ મોકલી હતી, જેનો ઉપયોગ તેમણે ઘણી લડાઈઓમાં કર્યો હતો.

વેલુ નાચ્ચિયારના પુત્રી વેલ્લાચીએ 1790થી 1793 સુધી શાસન કર્યું. વેલુ નાચ્ચિયારનું અવસાન થયું હતું.

હમસાધવાની અલગારસામી લખે છે કે વેલુને તામિલ સંસ્કૃતિમાં વીરા મંગાઈ (વીર મંગલઈ) એટલે કે બહાદુર મહિલાના નામથી ઓળખવામાં આવે છે.

વર્ષ 2008માં તેમની યાદમાં ભારત સરકારે એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. તામિલનાડુનાં તત્કાલીન મુખ્ય મંત્રી જયલલિતાએ 2014માં શિવગંગામાં વીરા મંગાઈ વેલુ નાચ્ચિયાર મૅમોરિયલનું ઉદ્ધાટન કર્યું હતું. આ મૅમોરિયલમાં રાણીની છ ફૂટની કાંસ્યપ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.

જયલલિતાના સમયમાં જ હૈદર અલી અને ટીપુ સુલતાનની બહાદુરીના સન્માનમાં મિની મંડપમનું નિર્માણકાર્ય શરૂ થયું હતું.

આ સ્મારક છેલ્લાં પાંચ વર્ષથી ડિંડિગુલમાં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ડિંડિગુલ એ જ જગ્યા છે જ્યાં હૈદર અલી અને વેલુ નાચ્ચિયારની લાંબી એકજૂટતાની શરૂઆત થઈ હતી.

રેડ લાઇન
રેડ લાઇન