અંગ્રેજોને હંફાવી દેનારાં બેગમ હઝરતમહલ કોણ હતાં?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
3 જુલાઈ, 1857ની આ વાત છે. લખનૌના કૈસરબાગ મહેલના બગીચામાં ચાંદીવાલી બારાદરી (બાર દરવાજાવાળું હવા ખાવાનું સ્થળ) તરફ એક મોટું સરઘસ આવી રહ્યું હતું.
એ સરઘસની વચ્ચોવચ એક 14 વર્ષનો દૂબળો-પાતળો, શ્યામવર્ણો છોકરો ચાલતો હતો.
છોકરાનું નામ હતું, બિરજિસ કદ્ર. તે એક વર્ષ પહેલાં નિર્વાસિત કરાયેલા અવધના નવાબ વાજિદઅલીશાહનો પુત્ર હતો. એનાં માતા બેગમ હઝરતમહલ એવાં નવ મહિલાઓમાં સામેલ હતાં જેમને વાજિદઅલીશાહે લખનૌ છોડતાં પહેલાં તલાક આપ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
સરઘસનો ઉદ્દેશ હતો, 14 વર્ષના બિરજિસ કદ્રને અવધના નવા નવાબ ઘોષિત કરવાનો.
રોઝી લિઉલિન જોન્સે પોતાના પુસ્તક 'ધ ગ્રેટ અપરાઇઝિંગ ઇન ઇન્ડિયાઃ અનટોલ્ડ સ્ટોરીઝ ઇન્ડિયન ઍન્ડ બ્રિટિશ'માં લખ્યું છે, "અંગ્રેજોનું માનવું હતું કે એમની સામે વિદ્રોહ કરનારા માત્ર એક પ્રતીકાત્મક સરઘસમાં ભાગ લઈ રહ્યા હતા, એ સાચું નહોતું."
"આ એક ગંભીર ક્ષણ હતી જેણે અંગ્રેજો દ્વારા અવધ પર કબજો કર્યા બાદ હાંસિયામાં ધકેલી દેવાયેલા સમૂહના નેતાઓને એકબીજા સાથે જોડાવાની તક આપી હતી અને તેઓ છીનવી લેવાયેલા રાજ્યને પાછું મેળવવાની વેતરણમાં હતા."
દિલ્હી, મેરઠ અને કાનપુર પછી હવે લખનૌમાં પણ 1857ના બળવાની આગ પહોંચી ચૂકી હતી.
બળવાનો પહેલો તણખો 30 મે, 1857ના રોજ ઊડ્યો હતો જ્યારે શહેરની મારિયન છાવણીના સૈનિકોએ અધિકારીઓનાં ઘરોમાં આગ ચાંપી દીધી હતી અને ત્રણ બ્રિટિશ સૈનિકોની હત્યા કરી નાખી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

રાજકાજની જવાબદારી મળી બેગમ હઝરતમહલને

ઇમેજ સ્રોત, Getty Images
લખનૌના ચીફ કમિશનર સર હેનરી મોન્ટગોમરી લૉરેન્સે બધી બ્રિટિશ મહિલા અને બાળકોને રેસિડન્સીમાં ચાલ્યા જવાનો આદેશ આપી દીધો હતો.
30 જૂને લૉરેન્સને ખબર પડી કે લગભગ 5,000 વિદ્રોહી સૈનિકો શહેર તરફ આવી રહ્યા છે.
લૉરેન્સે ઉતાવળમાં એમનો સામનો કરવા માટે લગભગ 600 સૈનિકો એકઠા કર્યા.
બંને સેનાઓ વચ્ચે લખનૌથી 6 માઈલ દૂર ચિનહટમાં અથડામણ થઈ, જેમાં બ્રિટિશ સૈનિકોની ખરાબ રીતે હાર થઈ. ત્યાર બાદ વિદ્રોહીઓએ સંપૂર્ણ લખનૌને ઘેરી લીધું.
ત્રણ દિવસ પછી બિરજિસ કદ્રને અવધની રાજગાદી પર બેસાડવામાં આવ્યા. એ સમયે જોકે તેઓ પુખ્ત નહોતા તેથી રાજકાજની તમામ જવાબદારી એમનાં માતા બેગમ હઝરતમહલ પર આવી.

આફ્રિકન ગુલામનાં પુત્રી હતાં હઝરતમહલ

ઇમેજ સ્રોત, INDIAN POSTAL DEPARTMENT
ઇતિહાસકાર રોઝી લિઉલિન જોન્સે લખ્યું છે કે, "હઝરતમહલ ખૂબ જ સાધારણ પરિવારમાંથી હતાં. એમના પિતા અંબર આફ્રિકન ગુલામ હતા. એમનાં માતા મહેર અફઝા હતાં જે અંબરનાં રખાત હતાં."
"તેઓ લખનૌના પરીખાના સંગીત સ્કૂલમાં સંગીત શીખતાં હતાં તેથી તેઓ 'મહક પરી' તરીકે ઓળખાવા લાગ્યાં હતાં."
"પોતાની પ્રતિભા અથવા સુંદર ચહેરો અથવા બંને કારણે એમણે વાજિદઅલીશાહને પોતાના તરફ આકર્ષ્યા હતા અને વાજિદઅલીશાહે મુતા (નિશ્ચિત સમય માટેના કરાર આધારિત લગ્ન) દ્વારા હઝરતમહલને પોતાની હંગામી પત્ની બનાવી લીધાં હતાં."
"ઈ.સ. 1845માં એમણે એક પુત્રને જન્મ આપ્યો જેના લીધે એમની મહત્તા વધી ગઈ અને એમને મહલનો દરજ્જો આપવામાં આવ્યો."
પરંતુ 1850માં નસીબે હઝરતમહલનો સાથ આપવાનું છોડી દીધું. વાજિદઅલીશાહે એમને માત્ર તલાક ના આપ્યા બલકે એમને પોતાના રાણીવાસમાંથી પણ દૂર કર્યાં.
રુદ્રાંગ્શુ મુખરજીએ પોતાના પુસ્તક 'અ બેગમ ઍન્ડ ધ રાની હઝરતમહલ ઍન્ડ લક્ષ્મીબાઈ ઇન 1857'માં લખ્યું છે, "એનો અર્થ એ થયો કે જ્યારે અંગ્રેજોએ વાજિદઅલીશાહને લખનૌમાંથી કાઢી મૂકીને કલકત્તા (નવું નામ કોલકાતા) મોકલ્યા ત્યારે એમના દળમાં હઝરતમહલ નહોતાં."
"હવે તેઓ બેગમ નહોતાં પરંતુ જ્યારે એમના પુત્ર નવાબ અને મુગલ બાદશાહના વલી અર્થાત્ ગવર્નર બન્યા ત્યારે આપોઆપ એમને ફરીથી બેગમનો ખિતાબ મળી ગયો. તેઓ માત્ર વિદ્રોહીઓનાં જ નહીં બલકે આમલોકોનાં નેતા પણ બની ગયાં."

રેસિડન્સીને 35,000 વિદ્રોહીઓએ ઘેરી

ઇમેજ સ્રોત, PENGUIN
જુલાઈ 1857માં સિપાઈ મંગલ પાંડેને બ્રિટિશ અધિકારીઓ પર હુમલો કરવા બદલ બૈરકપુરમાં ફાંસી આપી દેવાઈ હતી.
મેરઠ, કાનપુર અને દિલ્હી બળવાની આગમાં સળગી રહ્યાં હતાં અને ઝાંસીના જોખુનબાગમાં અંગ્રેજ મહિલાઓ અને બાળકોની હત્યા બાદ રાણી લક્ષ્મીબાઈ ઝાંસી પર નિયંત્રણ જાળવવાની કોશિશ કરતાં હતાં.
ચિનહટમાં અંગ્રેજ સૈનિકોની હાર થયાના ખબર જેવા ફેલાયા કે વિદ્રોહી સૈનિકો લખનૌ પહોંચવા લાગ્યા. પછીના 8 મહિના એટલે કે માર્ચ 1858 સુધી હઝરતમહલે લખનૌમાં વિદ્રોહીઓનું નેતૃત્વ કર્યું.
દરમિયાનમાં 3 મહિના સુધી 37 એકરમાં વિસ્તરેલી રેસિડન્સીની ઘેરાબંધી કરવામાં આવી, જેમાં 3,000 બ્રિટિશ બાળકો, સૈનિકો, અસૈનિકો, ભારતીય સૈનિકો, એમના સમર્થકો અને નોકર હતા.
એક રિપોર્ટ અનુસાર, રેસિડન્સીને અંદાજે 35,000 વિદ્રોહીઓએ ઘેરી રાખી હતી. દરરોજ એમની સંખ્યા વધતી જતી હતી.
એક અંગ્રેજ અધિકારી જેમ્સ નીલે લૉર્ડ કેનિંગને લખેલા પત્રમાં જણાવેલું, "રેસિડન્સીની અંદર પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે લૉરેન્સ વિચારવા લાગ્યા હતા કે તેઓ વધારેમાં વધારે 15-20 દિવસ સુધી જ વિદ્રોહીઓ સામે ટકી શકશે."
મુખ્યત્વે ભારતના વિદ્રોહને કવર કરવા મોકલવામાં આવેલા 'ધ ટાઇમ્સ' અખબારના સંવાદદાતા વિવિયન હૉવર્ડ રસેલે પોતાના રિપોર્ટમાં લખ્યું, "ત્રણ મહિનાની ઘેરાબંધી દરમિયાન ત્રણ હજારમાંથી અડધા અંગ્રેજ લોકો કાં તો ભાગવામાં સફળ રહ્યા, કાં માર્યા ગયા."
"બેગમે ગજબની ઊર્જા અને ક્ષમતાનાં દર્શન કરાવતાં સમગ્ર અવધને પોતાના પુત્રનાં હિતો માટે લડવા માટે મનાવી લીધું."

રેસિડન્સીમાં લૉરેન્સનું મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
જુલાઈ 1857ની શરૂઆતમાં એક દિવસ હેનરી લૉરેન્સ બધી જગ્યાનું નિરીક્ષણ કર્યા પછી રેસિડન્સીમાંના પોતાના ઓરડામાં પાછા ફર્યા.
એક દિવસ અગાઉ જ એક હોવિટ્ઝર ગોળો એમના ઓરડામાં આવીને ફાટ્યો હતો પરંતુ લૉરેન્સને કોઈ ઈજા નહોતી થઈ.
રુદ્રાંગ્શુ મુખરજીએ પોતાના પુસ્તક 'ડેટલાઇન 1857 રિવોલ્ટ અગેન્સ્ટ ધ રાજ'માં લખ્યું છે, "લૉરેન્સના સ્ટાફે એમને બીજા ઓરડામાં જવાની સલાહ આપી, જે રેસિડન્સીની અંદરની તરફ હતો. "
"લૉરેન્સે નક્કી કર્યું કે તેઓ બીજા દિવસે પોતાનો ઓરડો બદલશે. એમણે વિચાર્યું કે એવો કોઈ નિશાનેબાજ નહીં હોય જે એક જ જગ્યાને બીજી વાર નિશાન બનાવવા વિશે વિચારે."
"પરંતુ વાસ્તવમાં એવું જ થયું. લૉરેન્સ જ્યારે એક પત્ર ડિક્ટેટ કરાવતા હતા, બીજો ગોળો આવીને એ જગ્યાએ એમના ઓરડામાં ફાટ્યો. હેનરી લૉરેન્સ ગંભીર રીતે ઘાયલ થયા."
"ઈજા એટલી ગંભીર હતી કે એમને બચાવી ના શકાયા અને 4 જુલાઈએ એમનું મૃત્યુ થયું. એમને ચૂપચાપ રેસિડન્સીમાં જ દફન કરી દેવાયા અને પછીના થોડા દિવસ સુધી એમના મૃત્યુના સમાચાર જાહેર ના થવા દીધા."

તારા કોઠીમાં ભરાતો હતો બેગમ હઝરતમહલનો દરબાર

ઇમેજ સ્રોત, Getty Images
અંગ્રેજોનો સામનો કરવાના બધા નિર્ણયો બેગમ હઝરતમહલના દરબારમાં લેવાતા હતા.
નજરે જોનારાએ સાક્ષી પૂરતાં કહેલું, "જ્યારે પણ બેગમના ત્યાં દરબાર ભરાતો ત્યારે સરકારના બધા સભ્યો અને કમાન્ડરો એમાં ભાગ લેતા હતા. આવી બેઠક અઠવાડિયામાં બે કે ત્રણ વાર તારા કોઠીમાં થતી હતી."
"દરબાર બિરજિસ કદ્રના નામથી જાહેરાત પ્રસારિત કરતો હતો, જેમાં લોકોને આગ્રહભરી વિનંતી કરવામાં આવતી કે તેઓ પોતાના ધર્મને બચાવવા માટે લડાઈ લડે. આ જાહેરાતોમાં અંગ્રેજ શાસનની આકરા શબ્દોમાં નિંદા કરવામાં આવતી."
"આ ઉપરાંત, દરબાર બિરજિસ કદ્રના નામથી તાલુકદારોને હુકમનામા મોકલતો હતો. જે રીતે આમલોકો અંગ્રેજોનો વિરોધ કરી રહ્યા હતા એનાથી તો એવું જ લાગે છે કે આ હુકમનામાને ગંભીરતાથી લેવાતા હતા અને લોકો પર એની સ્પષ્ટ અસર દેખાતી હતી."
કાનપુરથી લખનૌ રેસિડન્સીમાં ફસાયેલા લોકોની મદદ કરવા માટે મોકલવામાં આવેલી હેનરી હૅવલૉક અને જેમ્સ આઉટરૅમની ટુકડીઓને સામાન્ય ગ્રામજનોના સખત વિરોધનો સામનો કરવો પડતો હતો.
લડાઈ ઉપરાંત લખનૌના માર્ગો પર ઉત્સવનો માહોલ હતો. લોકો એકબીજાને હલવા, પુરી અને મીઠાઈઓ વહેંચતા હતા.

દિલ્હીમાં હાર્યા પછી વિદ્રોહીઓ લખનૌ પહોંચ્યા

ઇમેજ સ્રોત, TWITTER
વિદ્રોહીઓને પહેલો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે 25 સપ્ટેમ્બર, 1857એ હૅવલૉક અને આઉટરૅમના સૈનિકો રેસિડન્સીની અંદર ઘૂસવામાં તો સફળ થઈ ગયા. પરંતુ તેઓ એને સંપૂર્ણ નિયંત્રિત ના કરી શક્યા, કેમ કે એમની સંખ્યા ખૂબ ઓછી હતી.
અંદર જઈને તેઓ એક પ્રકારે છૂટા પડી ગયા અને એમનો પોતાના સાથીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો.

ઇમેજ સ્રોત, Getty Images
ચાર્લ્સ બૉલે પોતાના પુસ્તક 'હિસ્ટરી ઑફ ધ ઇન્ડિયન મ્યૂટિની'માં લખ્યું છે, "આઉટરૅમના સમજૂતી કરવાના દરેક પ્રયત્નને બેગમ હઝરલમહેલે અમાન્ય કર્યો."
કેમ કે એ સમય સુધીમાં દિલ્હી બ્રિટિશર્સના નિયંત્રણમાં આવી ગયું હતું. તેથી ત્યાંથી ભાગીને ઘણા વિદ્રોહીઓ અવધના વિદ્રોહીઓની મદદ કરવા પહોંચી ગયા હતા.
રુદ્રાંગ્શુ મુખર્જીએ પોતાના પુસ્તક 'અવધ ઇન રિવોલ્ટ'માં લખ્યું છે, "જાન્યુઆરી 1858 આવતાં આવતાં લખનૌમાં વિદ્રોહી સૈનિકોની સંખ્યા એક લાખની નજીક પહોંચી ગઈ હતી. એ સમયે વિચાર એવો હતો કે અંગ્રેજો ભલે લખનૌમાંથી જતા રહ્યા હોય પરંતુ તેઓ જલદી પાછા આવશે."
"બેગમ હઝરતમહલ લખનૌની સઘન સુરક્ષાવ્યવસ્થા ગોઠવવાની કોશિશ કરતાં હતાં, જેથી અંગ્રેજોની વાપસીને સંભવ એટલી મુશ્કેલ કરી શકાય."
"લખનૌની સુરક્ષા મજબૂત કરવા માટે લગભગ 15,000 મજૂરોને કામે લગાડી દીધા હતા. કૈસરબાગની ચારેતરફ ઊંડી ખીણ ખોદી નાખવામાં આવી, જેથી ત્યાં ગોમતીનદીનું પાણી લાવી શકાય."

હઝરતમહલના સૈનિકોએ અંગ્રેજોનો જોરદાર સામનો કર્યો

ઇમેજ સ્રોત, ANTHEM PRESS
છેક નવેમ્બર 1857માં કોલિન કૅમ્પબેલના નેતૃત્વમાં બ્રિટિશ સૈનિકોએ રેસિડન્સીમાં ઘેરાયેલા અંગ્રેજ લોકો અને એમના સમર્થકોને ત્યાંથી બહાર કાઢ્યા હતા.
ચાર્લ્સ બૉલે લખ્યું છે, "એ માટે અંગ્રેજોએ કેટલા વિરોધનો સામનો કરવો પડ્યો એનો અંદાજ એ વાતથી કરી શકાય છે કે આ અથડામણમાં 3,000 વિદ્રોહીઓનાં મૃત્યુ થયાં હતાં અને એમની 80 તોપોને અંગ્રેજોએ કબજે કરી હતી."
"ડિસેમ્બર 1857 સુધીમાં બાજી સંપૂર્ણપણે પલટાવા લાગી હતી. વારાણસીમાં કર્નલ જેમ્સ નીલે વિદ્રોહમાં સામેલ લોકોને કેરીનાં વૃક્ષો પર ફાંસીએ લટકાવીને સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવી દીધો હતો. ઇલાહાબાદ શહેરમાં આગ લગાડી દેવાઈ હતી અને લોકોને તોપોના નાળચે બાંધીને ઉડાવી દેવાતા હતા."
ઇરા મુખૌટીએ પોતાના પુસ્તક 'હીરોઇન્સ પાવરફુલ ઇડિયન વીમેન ઑફ મિથ ઍન્ડ હિસ્ટરી'માં લખ્યું છે. "આલમબાગ મહેલમાં જેમ્સ આઉટરૅમ અને એમના સૈનિકોની સતત હાજરી એ બેગમ અને એમના સૈનિકો માટે સૌથી વધારે પરેશાનીની બાબત હતી."
"બેગમના સૈનિકોએ નવ વખત આલમબાગ મહેલ પર હુમલો કર્યો પરંતુ અંગ્રેજોને ત્યાંથી હઠાવવામાં કે કાનપુર સાથેની એમની સપ્લાઇ લાઇનને તોડવામાં તેઓ નિષ્ફળ રહ્યા. એવા જ એક હુમલામાં બેગમ હઝરતમહલ પોતાના હાથી પર બેસીને સામેલ થયાં હતાં."

ઇમેજ સ્રોત, ALEPH BOOK COMPANY
પરંતુ રુદ્રાંગ્શુ મુખરજીનું માનવું છે કે "હઝરતમહલે પોતે લડાઈમાં ભાગ નહોતો લીધો પરંતુ એમણે માત્ર એની યોજના ઘડી હતી, બલકે લડાઈસંબંધિત બધા આદેશ એમના દરબારમાંથી જ અપાયા હતા. એમણે વિદ્રોહીઓનું મનોબળ વધારવામાં પણ કશી કસર નહોતી રાખી."
ઈ.સ. 1856માં જ્યારે અંગ્રેજોએ અવધને પોતાના રાજ્યમાં વિલીન કર્યું હતું ત્યારે એમણે એક પણ ગોળી છોડવી નહોતી પડી, પરંતુ 1858માં લખનૌ પર ફરીથી કબજો કરવા માટે એમને પોતાની સમગ્ર શક્તિ કામે લગાડવી પડી હતી.

બેગમને મૌલવી અહમદુલ્લાહશાહનો પડકાર
પરંતુ બેગમને અંગ્રેજો કરતાં વધારે તો પોતાના રાજ્યના મૌલવી અહમદુલ્લાહશાહ તરફથી વધારે પડકારો મળ્યા.
શાહનો દાવો હતો કે અંગ્રેજોને મૂળમાંથી ઉખાડી ફેંકવાનો આદેશ એમને સીધો ઈશ્વર તરફથી મળ્યો હતો. લોકપ્રિય મૌલવીનું કહેવું હતું કે તેઓ ગ્વાલિયરના મેહરાબશાહના શિષ્ય હતા.
રુદ્રાંગ્શુ મુખર્જીએ પોતાના પુસ્તક 'અવધ ઇન રિવોલ્ટ'માં લખ્યું છે, "અહમદુલ્લાહ એક ફકીર રૂપે આગ્રામાં રહેતા હતા. એમણે અંગ્રેજો સામે જેહાદ ચલાવી હતી."
"એ સમયે એમની ઉંમર 40 આસપાસની હતી. તેઓ ખૂબ ઓછું ભણેલા હતા અને થોડીઘણી ફારસી અને અરબી બોલી શકતા હતા. તેઓ ચિનહટની લડાઈ સમયે હાજર હતા."
"બેગમ હઝરતમહલ અને એમના સાથીઓ નહોતાં ઇચ્છતાં કે મૌલવી લખનૌમાં ઘૂસે, પરંતુ જ્યારે વિદ્રોહીઓ પર અંગ્રેજોનો દાબ વધવા લાગ્યો ત્યારે એમના આગ-ઝરતા સંદેશાઓને અવગણવા મુશ્કેલ થઈ ગયા."
"લડાઈમાં જ્યારે વિદ્રોહીઓની હાર થવા લાગી ત્યારે હઝરતમહલે એમને લખનૌમાં પ્રવેશવાની મંજૂરી આપવા મજબૂર થવું પડ્યું. જાન્યુઆરી 1858 આવતાં આવતાં વિદ્રોહીઓના બે ભાગ પડી ગયા."
"અવધના સૈનિકો બેગમ હઝરતમહલ અને બિરજિસ કદ્રનું સમર્થન કરતા હતા, જ્યારે અન્ય શહેરો અને દિલ્હીથી આવેલા સિપાઈઓ મૌલવીનું સમર્થન કરતા હતા."

નેપાળના ગોરખા સૈનિકો અંગ્રેજોના સમર્થનમાં જોડાયા

ઇમેજ સ્રોત, ROLI BOOKS
અચાનક એવા સમાચાર આવ્યા કે નેપાળના જંગબહાદુર રાણાના ખતરનાક ગોરખા સૈનિકો અંગ્રેજોની મદદ કરવા લખનૌ આવી રહ્યા છે.
રુદ્રાંગ્શુ મુખરજીએ લખ્યું છે, "બેગમને ખબર પડી કે અંગ્રેજોએ જંગબહાદુરને ગોરખા સૈનિકોના બદલામાં ગોરખપુર શહેર આપવાની અને લખનૌની લૂંટમાં મળનારા પૈસામાં ભાગ આપવાની ઑફર કરી હતી. એનો તોડ કાઢવા માટે બેગમ હઝરતમહલે જંગબહાદુરને એક બીજી ઑફર કરી નાખી હતી."
"એમણે એમને વચન આપ્યું કે જો તેઓ અંગ્રેજોની મદદ ના કરે તો તેઓ એમને ગોરખપુર ઉપરાંત આઝમગઢ, આરા અને વારાણસી આપી દેશે. પરંતુ કલંદરી ફકીરના વેશમાં મોકલવામાં આવેલા બેગમના સંદેશવાહકને અંગ્રેજોએ રસ્તામાં જ પકડી લઈને મારી નાખ્યા હતા."
"પરિણામે ગોરખા સૈનિકોએ અંગ્રેજોના સમર્થનમાં લખનૌ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું."

કૈસરબાગ મહેલમાં અંગ્રેજો ઘૂસ્યા તે પહેલાં હઝરતમહલ બચીને નીકળી ગયાં
ફેબ્રુઆરી 1858માં બેગમને પોતાના એક તાલુકાદાર માનસિંહના વિશ્વાસભંગનો પણ સામનો કરવો પડ્યો.
દરમિયાનમાં કૅમ્પબેલના નેતૃત્વમાં લગભગ 60,000 અંગ્રેજ સૈનિકો લખનૌ તરફ આગળ વધ્યા. એમાંના 40,000 સૈનિક યુરોપમાંથી ભારત લડવા આવ્યા હતા. સૌથી છેલ્લે કૈસરબાગ પર અંગ્રેજોનો કબજો થયો. એની સુરક્ષા માટે વિદ્રોહીઓએ ખૂબ મહેનત કરી.
ડબ્લ્યુ.એચ. રસેલે પોતાના પુસ્તક 'માય ડાયરી ઇન ઇન્ડિયા'માં લખ્યું છે, "બેગમે છેલ્લે સુધી હાર ના માની. તેઓ કૈસરબાગમાં અડગ રહ્યાં. બ્રિટિશ સૈનિકો એમના મહેલમાં ઘૂસે એ પહેલાં તો તેઓ 15 માર્ચ, 1858એ પોતાના કેટલાક સમર્થકોની સાથે ત્યાંથી બચીને નીકળી જવામાં સફળ થયાં."
એમણે લખનૌની બહાર મૂસા બાગમાં અંગ્રેજો સામે બીજો એક મોરચો માંડ્યો. એમણે 21 માર્ચ, 1858ના રોજ મૂસા બાગમાં મૌલવી અહમદુલ્લાહની સાથે મળીને અંગ્રેજો સામેની છેલ્લી લડાઈ લડી પરંતુ એ લડાઈમાં અંગ્રેજો એમને ભારે પડ્યા.
એ લડાઈની સાથે જ બધા વિદ્રોહીઓ વેરવિખેર થઈ ગયા. મૌલવીએ રુહેલખંડની દિશા પકડી જ્યાં એમણે છાપામાર લડાઈઓમાં અંગ્રેજોને વ્યસ્ત રાખ્યા. પરંતુ પછી એમના જ એક સાથીએ વિશ્વાસઘાત કરીને એમનું માથું કાપી નાખ્યું.

બેગમે નેપાળમાં શરણ લીધું

ઇમેજ સ્રોત, Getty Images
બેગમ હઝરતમહલ પોતાના પુત્ર અને બચેલા સમર્થકો સાથે નેપાળ તરફ ગયાં. એમણે ધાધરાનદી પાર કરી અને બહરાઇચ જિલ્લામાં બુંદીના કિલ્લાને પોતાનું સ્થાનક બનાવ્યો.
ત્યાં બુંદેલખંડમાંથી બચીને નીકળી ગયેલા મરાઠાનેતા નાનાસાહેબ પણ પહોંચી ગયા. લખનૌથી નીકળી ગયાં છતાં બેગમની સાથે હજુ પણ 15થી 16,000 સૈનિકો હતા.
એમની પાસે 17 તોપો પણ હતી. આટલે દૂરથી પણ એમણે અવધનો વહીવટ ચલાવવાનો પ્રયાસ ના છોડ્યો.

ઇમેજ સ્રોત, Getty Images
ત્યાંથી પણ બિરજિસ કદ્રના નામથી ફરમાન થતાં રહ્યાં. એટલું જ નહીં, સૈનિકોને વેતન પણ ચૂકવાતું રહ્યું. પરંતુ જ્યારે બધી આશાઓ ધૂંધળી થવા લાગી અને એવું લાગવા માંડ્યું કે અંગ્રેજો એમને પકડી લેશે, ત્યારે બેગમે નેપાળમાં શરણ લેવાનો નિર્ણય કર્યો.
નેપાળના જંગબહાદુર રાણાએ એલાન કરી દીધું કે જો બેગમ હઝરતમહલ નેપાળમાં શાંતિપૂર્વક રહેવાનું વચન આપે તો એમને ત્યાં રહેવા દેવામાં આવશે અને તેઓ નેપાળની જમીન પર એમની સામે હિંસાની મંજૂરી નહીં આપે. હઝરતમહલે પોતાનું શેષ જીવન નેપાળમાં વિતાવ્યું.

નેપાળમાં જ બેગમ હઝરતમહલે પોતાના અંતિમ શ્વાસ છોડ્યા

ઇમેજ સ્રોત, HURST
1857ની આઝાદીની પ્રથમ લડાઈનાં તેઓ એવાં એકમાત્ર આગેવાન હતાં જેમને અંગ્રેજ ક્યારેય પકડી ના શક્યા.
દરમિયાનમાં, એમના પૂર્વ પતિ વાજિદઅલીશાહ વિદ્રોહમાંની હઝરતમહલની ભૂમિકાથી ઘણા નારાજ થયા.
એમણે કર્નલ કેવેનાગને ફરિયાદ કરી કે એમને હઝરતમહલ દ્વારા એમના નામનો ઉપયોગ કરાતો હોવાની કશી માહિતી નહોતી.
વાજિદઅલીશાહે પોતાનું બાકીનું જીવન કલકત્તા પાસેના મતિયા બુર્જમાં પસાર કર્યું.

ઇમેજ સ્રોત, PENGUIN
બેગમ હઝરતમહલ 1879 સુધી જીવિત રહ્યાં. અંગ્રેજોએ અંતિમ સમય સુધી એમની ભારત પાછા આવવાની ઇચ્છાનો સ્વીકાર ના કર્યો.
એસ.એન. સેને પોતાના પુસ્તક '1857'માં લખ્યું છે, અંગ્રેજોએ એમને વાજિદઅલીશાહની જેમ પૅન્શન આપવાની ઑફર કરી પરંતુ બેગમે એનો અસ્વીકાર કર્યો. નેપાળમાં જ એમનું મૃત્યુ થયું અને ત્યાં જ એમને દફનાવવામાં આવ્યાં. પરંતુ અંગ્રેજો સામે બરાબરીની ટક્કર આપનારાં આ મહિલાને ઇતિહાસમાં એ સ્થાન ના મળ્યું જેના કદાચ તેઓ અધિકારી હતાં. મહારાણી વિક્ટોરિયા ગાદી પર બિરાજમાન થયાંનાં 50 વર્ષની ઉજવણી પ્રસંગે બેગમના પુત્ર બિરજિસ કદ્રને માફ કરી દેવાયા.
તેઓ ભારત આવીને કલકત્તામાં રહેવા લાગ્યા, ત્યાં 14 ઑગસ્ટ, 1893એ એમનું મૃત્યુ થયું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













