શ્રીલંકામાં લોકો રાષ્ટ્રપતિના ઘરના ઘૂસ્યા, PMનું ઘર સળગાવ્યું, અત્યાર સુધી શું-શું થયું?

શ્રીલંકા
લાઇન
  • રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાંની માગ સાથે વિરોધ
  • શુક્રવારે શરૂ થયેલું વિરોધપ્રદર્શન જોતજોતમાં હિંસક થઈ ગયું
  • સાંજના સમયે પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિના નિવાસ પર કબજો જમાવ્યો
  • ઉશ્કેરાયેલા ટોળાએ રાત્રે વડા પ્રધાનના ઘરને સળગાવી દીધું
  • આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ તેમજ સેના વચ્ચે હાથાપાઈ
  • રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને રાજીનામું આપવા માટે તૈયારી દર્શાવી
લાઇન

શ્રીલંકન સંસદના સ્પીકર મહિંદા યાપા અભયવર્ધનાએ કહ્યું કે રાષ્ટ્રપતિએ તેમને જણાવ્યું કે તેઓ 13 જુલાઈએ રાજીનામું આપી દેશે.

અગાઉ શ્રીલંકાના વડા પ્રધાન કાર્યાલય તરફથી જાણકારી આપવામાં આવી હતી કે વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘે રાજીનામું આપવા તૈયાર થઈ ગયા છે.

પાછલા અમુક દિવસોથી રાજકીય અને આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહેલા શ્રીલંકામાં શનિવાર સવારથી ફરી વખત પ્રદર્શન ઉગ્ર બન્યું હતું.

પ્રદર્શનકારીઓએ પાટનગર કોલંબોમાં વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેના નિવાસસ્થાનને આગ ચાંપી દીધી હતી.

આ દરમિયાન નિવાસસ્થાન બહાર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણમાં વધારો થયો છે.

શ્રીલંકા

ઇમેજ સ્રોત, Getty Images

શ્રીલંકાના પાટનગર કોલંબોમાં સરકારવિરોધી પ્રદર્શનકારી શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સરકારી આવાસમાં દાખલ થઈ ગયા. પ્રદર્શનકારી 'ગોટા ગો હોમ'ના નારા લગાવી રહ્યા છે. અને પછી પ્રદર્શનકારીઓ વડા પ્રધાન નિવાસસ્થાનમાં પણ દાખલ થઈ ગયા છે.

કોલંબોમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે સેના તહેનાત છે. આર્થિક સંકટ વચ્ચે ઈંધણની અછતના કારણે આ પ્રદર્શનો વધુ ભડક્યા છે.

આ દરમિયાન શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યા પણ પ્રદર્શનકારીઓ વચ્ચે પહોંચ્યા હતા.

તેમણે પ્રદર્શનકારીઓ સાથે પોતાની અમુક તસવીરો પણ ટ્વિટર પર શૅર કરી.

તેમણે લખ્યું છે કે, "તેઓ શ્રીલંકાના લોકો સાથે છે અને જલદી જ જીતની ઉજવણી કરશે. આ બધું રોકાયા વગર ચાલતું રહેવું જોઈએ."

line

સ્વિમિંગ-પૂલમાં પ્રદર્શનકારીઓ

વીડિયો કૅપ્શન, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા સ્વિમિંગ-પૂલમાં પ્રદર્શનકારીઓ ન્હાયા

શનિવારે બપોરે અંદાજે એક વાગ્યે પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સરકારી આવાસમાં દાખલ થયા હતા.

કેટલાલ વીડિયોમાં પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદર સ્વિમિંગ-પૂલમાં નહાતા જોઈ શકાય છે. તો કેટલાક સોફા પર બેસીને આરામ કરી રહ્યા છે.

રિપોર્ટો અનુસાર, રાષ્ટ્રપતિ રાજપક્ષે સુરક્ષિત જગ્યાએ ચાલ્યા ગયા છે. જોકે, રાષ્ટ્રપતિ ક્યાં છે તે વિશે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી. કોલંબોમાં તણાવની સ્થિતિ જળવાયેલી છે. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા અને હવામાં ગોળીબાર પણ કર્યો.

line

વડા પ્રધાને બેઠક બોલાવી

શ્રીલંકા

ઇમેજ સ્રોત, Getty Images

શ્રીલંકામાં વધતી જતી કીમતો અને જરૂરિયાતના સામાનની અછતના વિરોધમાં ઘણા સમયથી વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે. પ્રદર્શનમાં ભાગ લેવા માટે દેશના ઘણા ભાગોથી લોકો કોલંબો પહોંચ્યા છે.

પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાની માગ કરી રહ્યા હતા. શ્રીલંકા પાછલા ઘણા દાયકાના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. દેશમાં પેટ્રોલ, ખાવા-પીવાની વસ્તુઓ અને દવાની અછત થઈ ગઈ છે.

આ દરમિયાન વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેએ પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા માટે પાર્ટીના નેતાઓની તાત્કાલિક બેઠક બોલાવી છે. તેમણે સ્પીકરને સંસદનો સત્ર બોલાવવાની પણ વિનંતી કરી છે.

શ્રીલંકામાં આકાશ આંબતી મોંઘવારી સાથે ખાવાપીવાનો સામાન, ઈંધણ અને દવાઓની અછતના વિરોધમાં શનિવારે સરકાર વિરુદ્ધ રેલીનું આયોજન કરાયું છે. વિરોધપ્રદર્શનને વિપક્ષ, ટ્રેડ યુનિયનો, છાત્ર અને ખેડૂત સંગઠનોનું સમર્થન મળ્યું છે.

આ પહેલાં સરકારે પાટનગર કોલંબો અને તેની આસપાસના વિસ્તારોમાં થનાર આ રેલી પહેલાં શુક્રવારે રાતના નવ વાગ્યાથી કર્ફ્યૂ લાદી દીધો હતો.

line

પોલીસ દ્વારા ટિયરગૅસ સેલ છોડાયા

શ્રીલંકા

ઇમેજ સ્રોત, Getty Images

આ પહેલાં પોલીસે તેમના નિવાસસ્થાનને ઘેરવાનો પ્રયત્ન કરતાં પ્રદર્શનકારીઓ સામે ટિયરગૅસનો ઉપયોગ કર્યો હતો.

મોટી સંખ્યામાં ઊમટી પડેલા લોકોને વેરવિખેર કરવા પોલીસે ટિયરગૅસનો અને હવામાં ગોળીબારનો ઉપયોગ કરવો પડ્યો હતો.

ઘટનાના કેટલાક વીડિયોમાં ટિયરગૅસનો સેલ વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને હૉસ્પિટલ લઈ જવાતા જોઈ શકાય છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

શનિવારે વિપક્ષ, ટ્રૅડયુનિયનો, વિદ્યાર્થીસંગઠનો તેમજ કૃષિસંગઠનોએ મળીને વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી.

હાલમાં શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે જે સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મૅચ ચાલી રહી છે, તે સ્ટેડિયમની બહાર પણ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ પહોંચી ગયા હતા.

line

સંકટનું કારણ

શ્રીલંકા આર્થિક સંકટ

ઇમેજ સ્રોત, Getty Images

શ્રીલંકામાં આર્થિક સંકટ ત્યાંનું વિદેશી ચલણનું ભંડોળ ઝડપથી ખૂટી જવાના કારણે પેદા થયો છે.

ઘણા લોકોનો આરોપ છે કે આવું થવા માટે સરકારના આર્થિક ક્ષેત્રના આયોજનમાં ત્રુટી અને કોરોના મહામારીની અસરના કારણે થયું છે.

વિદેશી ચલણ ભંડારની કમીના કારણે શ્રીલંકા જરૂરિયાતના સામાનની આયાત નથી કરી શકી રહ્યું, જેમાં તેલ, ખાવા-પીવાનો સામાન અને દવા જેવી વસ્તુઓ સામેલ છે.

આ વર્ષે મે માસમાં તેઓ ઇતિહાસમાં પહેલી વાર પોતાના દેવાનો હપ્તો ચૂકવવા બાબતે નિષ્ફળ રહ્યું હતું.

તે સમયે શ્રીલંકાએ સાત કરોડ 80 લાખ ડૉલરની ચુકવણી કરવાની હતી પરંતુ 30 દિવસ વધુ સમય અપાયા છતાં પણ તે ચુકવણી ન કરી શક્યું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન