અંબાલાલ પટેલ : જેમની ચોમાસામાં અનુમાનની રાહ જોવાય છે, તેઓ કોણ છે?

- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા

- અંબાલાલ પટેલ ઍગ્રિકલ્ચર ગ્રૅજ્યુએટ છે. તેમણે આણંદની કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી ઍગ્રિકલ્ચરની ડિગ્રી મેળવી છે
- તેઓ 1972માં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં ઍગ્રિકલ્ચર સુપરવાઈઝર તરીકે જોડાયા હતા
- તેઓ પ્રવાસ દરમિયાન પ્રાચીન વર્ષાવિજ્ઞાન, ખેતી, જૈન સાહિત્ય તેમજ જ્યોતિષ વગેરેનાં પુસ્તકો સાથે રાખતા અને વાંચતા
- તેમના મતે દક્ષિણ ગોળાર્ધમાં તેમજ દક્ષિણ ભારતમાં જે સ્થિતિ પ્રવર્તે છે તેની સમગ્ર દેશના વરસાદ પર ઘણી અસર હોય છે

અંબાલાલ પટેલનું નામ આગાહી નિષ્ણાત તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. ખાસ કરીને તેમની પાસેથી ચોમાસું કેવું રહેશે એની જાણકારી મેળવવા ખેડૂત સહિતના લોકો તેમનાં અનુમાન પર કાન માંડીને બેઠા હોય છે.
અંબાલાલ પટેલ ઍગ્રિકલ્ચર ગ્રૅજ્યુએટ છે. તેમણે આણંદની કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી ઍગ્રિકલ્ચરની ડિગ્રી મેળવી છે.
એ પછી તેઓ 1972માં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં ઍગ્રિકલ્ચર સુપરવાઈઝર તરીકે જોડાયા હતા. જેમાં તેમનું મુખ્ય કામ બીજ પ્રમાણિત કરનારા અધિકારી તરીકેનું હતું. જે અંતર્ગત તેઓ વિવિધ ગામોમાં બીજ પ્રમાણિત કરવા જતા હતા.
તમે વરસાદની આગાહી કરવાનું કેમ અને ક્યારથી શરૂં કર્યું? એ સવાલનો જવાબ આપતાં અંબાલાલ પટેલ બીબીસીને જણાવે છે, "વિવિધ ગામડાંમાં બિયારણ સર્ટિફાઇડ કરવા જવાનું થતું. એ વખતે ખેડૂતને હું પૂછતો કે તમારા કપાસનો યોગ્ય વિકાસ કેમ નથી થયો? તો તેઓ કહેતા કે, વરસાદ બરાબર નથી થયો."
"એ વખતે મને થતું કે વરસાદ બાબતે સંશોધન કરવું જોઈએ. વરસાદના સંશોધનમાં મને રસ પડ્યો એનાં બીજ મારામાં ખેડૂતો સાથેની વાતચીતથી રોપાયાં."

કુતૂહલ અને અભ્યાસ

ઇમેજ સ્રોત, Getty Images
અંબાલાલના કહેવા અનુસાર, પછી તેમણે એ વિશેનાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. બીજ પ્રમાણન માટે તેઓ નવસારી, જૂનાગઢ જતા ત્યારે સાથે પ્રાચીન વર્ષાવિજ્ઞાન, ખેતી, જૈન સાહિત્ય તેમજ જ્યોતિષ વગેરેનાં પુસ્તકો જેવાં કે વારાહીસંહિતા, બૃહદસંહિતા, મેઘમહોદય વગેરે સાથે રાખતા અને વાંચતા.
તેઓ કહે છે, "1980થી મેં વરસાદની આગાહી કરવાનું શરૂ કર્યું હતું. જેમાં મુખ્ય માધ્યમ પંચાંગ રહેતું અને અગાઉ કહ્યાં તે પુસ્તકોનો પણ સહારો લેતો."
તેમના કહેવા અનુસાર, કેટલાંક ધાર્યાં અનુમાન સાચાં પડ્યાં એટલે તેમણે આધુનિક બાબતો જેવી કે સેટેલાઇટ ઇમેજ, ખગોળશાસ્ત્ર, સમુદ્રના પ્રવાહોનો અભ્યાસ વગેરેનો પણ આધાર લેવા માંડ્યો હતો. જેનાથી સત્યની વધુ નજીક જવા મળ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરસાદનો ગર્ભ ક્યારે બંધાય અને ક્યારે વરસાદ થાય તેનું વર્ણન વારાહીસંહિતામાં છે. વરસાદનો ગર્ભ 195 દિવસ સુધી રહેતો હોય છે.
અંબાલાલ કહે છે, "એ 195 દિવસની હું નોંધ કરતો જાઉં અને સાથેસાથે સમુદ્રના પ્રવાહોનો અભ્યાસ અને પ્રશાંત મહાસાગરની સ્થિતિ શું છે, આફ્રિકાથી હિન્દી પટ્ટામાં સ્થિતિ શું છે તેનું ધ્યાન રાખું છું."
"દક્ષિણ ગોળાર્ધમાં તેમજ દક્ષિણ ભારતમાં જે સ્થિતિ પ્રવર્તે છે તેની સમગ્ર દેશના વરસાદ પર ઘણી અસર હોય છે. અલ નીનો અને લા નીનો પ્રવાહની વિગતો માધ્યમોમાંથી મળતી રહે છે. આ વિગતોને આધારે હું વરસાદ વગેરે ઋતુઓનો તાગ મેળવવાનો પ્રયાસ કરું છું."
તમે હવામાન આગાહી માટે જ્યોતિષનો સહારો લો છો એ વૈજ્ઞાનિક ઢબે માન્ય કેવી રીતે ગણી શકાય?
આ સવાલના જવાબમાં અંબાલાલ કહે છે, "હું જ્યોતિષની સાથે અન્ય આધાર જેમ કે સેટેલાઇટ ઈમેજ, વાદળો તેમજ સમુદ્રના પ્રવાહોની સ્થિતિ વગેરેનો અભ્યાસ કરું છું. હું માનું છું કે આ વિવિધ બાબતોને સાંકળીને એક સુસંગત વિજ્ઞાન તૈયાર કરી શકાય એમ છે."
"આપણા પ્રાચીન વર્ષા-વિજ્ઞાને ઘણી ઊંચાઈ હાંસલ કરેલી છે. અગાઉ હું જ્યારે સરકારમાં કાર્યરત હતો ત્યારે વરસાદની જાણકારી માટે સરકાર મને અનધિકૃત રીતે બોલાવતી હતી. એ વખતે હવામાન વિભાગના અધિકારી પણ સાથે રહેતા હતા."

'આગાહી અવળી પડે તો ખેડૂતોનો ઠપકો મળતો'

ઇમેજ સ્રોત, Getty Images
અંબાલાલ પટેલ માને છે કે વરસાદના કોઈ ચોક્કસ પ્રમાણની આગાહી કરવી કઠિન છે.
હવામાનના ખગોળ આધારિત આધુનિક શાસ્ત્રમાં જ્યોતિષને સ્થાન ક્યાં છે? આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "જ્યોતિષ એ આપણું પ્રાચીન અને ખેડાયેલું શાસ્ત્ર છે. પ્રાચીન વર્ષાવિજ્ઞાન છે એ વિજ્ઞાન સાથે ભેળવવા જેવું છે એમ મને લાગે છે. એમાં વરરસાદની કેટલીક પૅટર્ન દર્શાવાઈ છે."
"બૃહદસંહિતામાં પવનની દિશાની વિગતો છે. બીજી બાબત એ કે ગંગાજમનાનાં મેદાનો તપે એને લીધે સારો વરસાદ આવે છે. સમુદ્રકિનારા પાસે વરસાદ સારો થાય છે. આ બધું વિજ્ઞાન જ છે."
ગુજરાતના ઘણા ખેડૂતો વાવણી માટે અંબાલાલની આગાહીને ધ્યાનમાં લેતા હોય છે.
અંબાલાલ કહે છે, "વરસાદ કેવો પડશે, ક્યાં પડશે એની જાણકારી માટે મને ખેડૂતોના ફોન આવતા રહે છે. સૌરાષ્ટ્રમાંથી ફોન વધારે આવે છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ફોન આવે છે. વરસાદ ઉપરાંત શિયાળામાં ઠંડી અને ઉનાળો કેવો રહેશે એ જાણવા માટે પણ ખેડૂતો ફોન કરતા રહે છે."
"ઠાર પડે તો કપાસ બગડી જાય. કપાસના ખેડૂતો શિયાળામાં ઠાર પડશે કે કેમ એવું જાણવા પણ અગાઉ ફોન કરતા હતા. હવે તો સંકર કપાસની ખેતી થાય છે એટલે અગાઉ જેવી સમસ્યા નથી રહેતી. ક્યારેક વરસાદની આગાહી અવળી પડે તો ખેડૂતોનો ઠપકો પણ સાંભળવો પડે છે."

ગુજરાતમાં વાવાઝોડાનું પ્રમાણ કેમ વધ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે. આબોહવા પરિવર્તનની અસર ગુજરાત પર પડી રહી છે. દરિયાનાં પાણી કેટલાક કાંઠા વિસ્તારોમાં આગળ વધી રહ્યાં છે.
છેલ્લા બે દાયકામાં એવું જોવા મળ્યું છે કે દર બે-ત્રણ વર્ષે વાવાઝોડાંનો ભય રહે છે.
આ બદલાયેલી સ્થિતિ અંગે અંબાલાલ કહે છે, "જે રીતે વાવાઝોડાંનું પ્રમાણ વધી રહ્યું છે એ જોતાં મને લાગે છે કે સમુદ્રના પ્રવાહોનું સંશોધન કરવું જોઈએ. દક્ષિણ હિન્દમાં પ્રવર્તતી વરસાદી સ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ."
"ઊર્જાપ્રવાહો તેમજ અલ નીનો અને લા નીનો અને હિન્દ મહાસાગરનો અભ્યાસ પરિસ્થિતિ સમજવામાં મદદરૂપ થઇ શકે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જ્યાં નહોતો પડતો ત્યાં ઘણો વરસાદ પડવા માંડ્યો છે."
"મને લાગે છે કે ભૂમધ્ય સમુદ્રમાંથી અરબ દેશોમાં થઇને પશ્ચિમના જે વાદળો આવે છે તેણે જે ગરબડ ઊભી કરી છે તેણે ચોમાસું ખોરવી નાખ્યું છે."

અંબાલાલનો પરિવાર
અંબાલાલ પટેલ હાલ ગાંધીનગરમાં રહે છે. તેમના ઘરમાં પુસ્તકનો અંબાર છે. સપ્ટેમ્બર 2005માં તેઓ જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાં મદદદનીશ ખેતી નિયામકપદેથી નિવૃત્ત થયા હતા.
ઍગ્રિકલ્ચર સુપરવાઇઝરમાંથી તેઓ 1989માં બઢતી મેળવીને ઍગ્રિકલ્ચર ઑફિસર થયા હતા.
અંબાલાલના પરિવારમાં બે પુત્ર અને પુત્રી એમ ત્રણ સંતાનો છે. તેમનાં એક પુત્ર અને પુત્રી પીડિયાટ્રિશિયન એટલે કે બાળરોગ નિષ્ણાત છે.
પુત્ર ધ્રાંગધ્રામાં હૉસ્પિટલ ચલાવે છે અને પુત્રી બારડોલીમાં પીડિયાટ્રિશિયન છે. અંબાલાલનો બીજો પુત્ર ઑસ્ટ્રેલિયામાં માસ્ટર ઑફ આઇટી - ઇન્ફર્મેશન ટેક્નોલૉજીમાં છે.
અંબાલાલનાં પત્નીનું કોરોનાને કારણે થોડા સમય પહેલાં અવસાન થયું હતું.

રાજ્યમાં કૃષિ પાકોના વાવેતરની સ્થિતિ

ઇમેજ સ્રોત, PIXELFUSION3D
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 6 જૂલાઈ સુધીમાં રાજ્યમાં નોર્મલ વાવેતર વિસ્તાર (છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ) 86.31 લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 30.21 લાખ હેક્ટર એટલે કે 34.99%માં વાવેતર કરવામાં આવ્યું છે.
કુલ 30.21 લાખ પૈકી મુખ્ય પાક મગફળીનું વાવેતર 10.15 લાખ હેક્ટર (33.60%), કપાસનું વાવેતર 15.56 લાખ હેક્ટર (51.50%), તેમજ અન્ય ધાન્ય તથા કઠોળ પાકોનું વાવેતર 4.50 લાખ હેક્ટર (14.90%) નોધાયું છે.
રાજયમાં ગત અઠવાડિયા દરમ્યાન ઘણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોધાયો છે. જેમાં કુલ 119 તાલુકામાં 125 મિમી કરતાં વધુ વરસાદ નોધાયો છે.
કુલ 92 તાલુકામાં 51 મિમીથી 125 મિમી વરસાદ નોધાયો છે. જ્યારે 40 તાલુકામાં 50 મિમી સુધી વરસાદ નોધાયો છે.
અત્યાર સુધીના વરસાદને જોતા હાલ રાજ્યમાં વરસાદની એકંદરે પરિસ્થિતિ સંતોષકારક છે અને ચાલુ ખરીફ ઋતુમાં વાવેતરને વેગ મળે તેવી પૂરતી સંભાવના છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















