ફરિદકોટના મહારાજાની 20 હજાર કરોડની સંપત્તિનો વિવાદ કેમ ગૂંચવાયો અને કોને ભાગે શું આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અરવિંદ છાબડા
- પદ, બીબીસી સંવાદદાતા
કિલ્લા, મહેલો, હજારો એકરની જમીનો, ઍરક્રાફ્ટ, દાગીના, વિન્ટેજ કારનો ખજાનો અને ખૂબ જ મોટું બૅન્ક બૅલેન્સ.
આ સંપત્તિ પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિતનાં જુદાજુદા રાજ્યોમાં ફેલાયેલી છે અને તેની કિંમત આશરે 20 હજાર કરોડની છે.
સુપ્રીમ કોર્ટે હાલમાં જ 30 વર્ષ જૂના આ કેસ મુદ્દે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો અને તેનો નિર્ણય પૂર્વ રાજા હરિંદરસિંહ બરાડની બે દીકરીના પક્ષમાં આપ્યો હતો.
રાજા હરિંદરસિંહ બરાડ પંજાબના ફરિદકોટના છેલ્લા શાસક હતા.

સંપત્તિમાં શું શું છે?

ઇમેજ સ્રોત, BHART BHUSHAN/BBC
આ સંપત્તિની માર્કેટ વૅલ્યૂ આશરે 20 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
તેમાં શિમલા નજીક મશોબ્રામાં ઘણા એકરની જમીન છે. દસ એકર વિસ્તારમાં દિલ્હીમાં ફેલાયેલું ફરિદકોટ હાઉસ (કોપરનિકસ માર્ગ) છે.
દિલ્હીમાં જ ડિપ્લોમેટિક એન્ક્લેવ-1 નયા માર્ગ પર દોઢ એકર વિસ્તારમાં ફરિદકોટ હાઉસ બનેલું છે.
આ સિવાય ઓખલા ઇન્ડસ્ટ્રીયલ પ્લૉટ, દિલ્હીના રિવેરિયા એપાર્ટમેન્ટ, ચંદીગઢમાં સૅક્ટર 17માં હોટલ પ્લૉટ, ફરિદકોટમાં દસ એકરમાં ફેલાયેલો રાજમહેલ, ફરિદકોટમાં દસ એકરમાં ફેલાયેલું કિલા મુબારિક, ચંદીગઢમાં પાંચ એકરમાં ફેલાયેલો સૂરજગઢ કિલ્લો, મણી માજરા અને ચાર એકરમાં ફરિદકોટમાં ફેલાયેલા તબેલા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મહારાજા હરિંદરસિંહ કોણ હતા અને તેમની પાસે આટલી બધી સંપત્તિ કેવી રીતે હતી?

રાજા હરિંદરસિંહ ફરિદકોટ રાજ્ય (હવે પંજાબમાં)ના શાસક હતા. તેમણે 1948માં ભારત સરકાર સાથે એક સંધિ કરી હતી.
એ સંધિ પ્રમાણે દરેક રાજ્યના શાસકને તેમની દરેક ખાનગી સંપત્તિની પૂર્ણ માલિકી મળવી જોઈએ, જેથી તેનો તે ઉપયોગ કરી શકે અને તેનો આનંદ લઈ શકે.
તે સમયની આસપાસ દાખલ થયેલા અન્ય કરારોની જેમ રાજ્યનો વહીવટ અને તેના અધિકારો, સત્તા અને અધિકારક્ષેત્ર જે તે સમયના રાજ્યના શાસકના હતા, જે ભારત સરકારમાં નિહિત કરાયા હતા.
પંજાબના ઇતિહાસકાર હરજેશ્વરપાલસિંહ કહે છે, "ફરિદકોટના રાજાએ ઘણાં વિકાસનાં કાર્યો કર્યાં હતાં, જેવાં કે રેલવેનો વિકાસ અને હૉસ્પિટલોનું નિર્માણ. આ ઉપરાંત તે એવાં રાજ્યોમાંથી એક હતું જેણે અંગ્રેજોનો સાથ આપ્યો હતો. તેમણે અંગ્રેજો સાથે એક સંધિ કરી હતી. રાજાના પૂર્વજ રાજા પહાડસિંહે 1845માં ફેરુ શાહના પહેલા એંગ્લો શીખ યુદ્ધમાં સક્રિયરૂપે અંગ્રેજો સાથે ભાગ લીધો હતો."
જોકે, હરિંદરસિંહના ભાઈના પૌત્ર અમરિંદરસિંહે બીબીસીને જણાવ્યું કે તે એક અલગ સમય હતો અને આ બાબતને એક યોગ્ય દૃષ્ટિકોણ સાથે જોવી જરૂરી છે.
તેઓ કહે છે, "રાજાઓએ તેમનું ક્ષેત્ર આક્રમણકારીઓથી બચાવવાનું હોય છે. હવે તેમની પાસે વિકલ્પ હતો અંગ્રેજો અથવા મહારાજા રણજિતસિંહ. તો તેમને લાગ્યું કે અંગ્રેજોનો સાથ આપવાથી તેમને ફાયદો થશે. આવું જ અન્ય રાજ્યોએ પણ કર્યું હતું."
અમરિંદરસિંહ વ્યવસાયે એક બૅંકર છે અને તેઓ કહે છે કે તેઓ કાઉન્સિલ હાઉસમાં મોટા થયા છે જે ફરિદકોટ કિલ્લાની એકદમ સામે છે.
"મારા દાદા તે જગ્યાએ રહેવા જતા રહ્યા હતા.પરિવારે તેનો એક ભાગ વેચી નાખ્યો તે પહેલાં તે ચાર એકર વિસ્તારમાં ફેલાયેલી હતી. હું હજુ પણ ત્યાં જઉં છું. એ મારું કાયમી નિવાસ છે."
રાજા હરિંદરસિંહના પરિવારમાં કોણ કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ફરિદકોટના મહારાજા બ્રિજેન્દરસિંહનું 1918માં મૃત્યુ થયું હતું, જ્યારે તેમનાં પત્ની મહારાણી મોહિન્દરકોરનું 15 માર્ચ, 1991ના રોજ અવસાન થયું હતું. તેમને બે પુત્ર હતા. હરિન્દરસિંહ અને મનજિત ઈન્દરસિંહ.
રાજા હરિન્દરસિંહનો જન્મ 29 જાન્યુઆરી, 1915ના રોજ થયો હતો, જ્યારે તેમનું અવસાન 16 ઑક્ટોબર, 1989ના રોજ થયું હતું. રાજાનાં પત્ની રાણી નરિંદરકોરનું 19 એપ્રિલ, 1986ના રોજ અવસાન થયું હતું.
રાજા હરિન્દરસિંહ અને રાણી નરિન્દરકોરને ત્રણ પુત્રી અને એક પુત્ર હતો. તેમના પુત્ર હરમોહિન્દરસિંહનું 13 ઑક્ટોબર, 1981ના રોજ અવસાન થયું હતું. તેમને ત્રણ પુત્રી હતી - પ્રિન્સેસ અમૃતકોર, મહારાણી દીપેન્દ્રકોર (એક પુત્ર જયચંદ મહતાબ અને પુત્રી નિશા ખેર) અને રાજકુમારી મહિપ ઈન્દરકોર.
જ્યારે રાજાના નાના ભાઈ મનજિત ઈન્દરસિંહના પરિવારમાં એક પુત્ર ભરત ઈન્દરસિંહ અને રાજકુમારી દેવિંદરકોરનો સમાવેશ થાય છે. ભરત ઇન્દરસિંહના પુત્રનું નામ અમરિંદર સિંહ છે જ્યારે રાજકુમારી દેવિન્દરકોરની પુત્રીનું નામ રાજકુમારી હરમિંદર કોર છે.

શું રાજાનું કોઈ વસિયતનામું હતું?

રાજાશાહી મળ્યા બાદ તુરંત રાજા હરિંદરસિંહે વસિયતનામું બનાવ્યું હતું.
આ વસિયતનામું 1950માં બન્યું હતું (પહેલી વસિયત) જેમાં કેટલાંક બૅન્કનાં ખાતાં અને તે ખાતાંમાં પડેલી રકમનો ઉલ્લેખ હતો અને રોહતક રોડ, દિલ્હી પર આવેલા ચાર ફ્લેટનો પણ.
તેમણે એ મિલકતો ત્રણેય દીકરીઓને સમાન ભાગે વેચવાની માગ કરી હતી.
1952માં રાજાએ બીજી વસિયત બનાવી હતી, જેમાં પહેલા વસિયતનામામાં જે સંપત્તિનો ઉલ્લેખ હતો તે તો હતો જ.
સાથે જ જણાવવામાં આવ્યું હતું કે વસિયતકર્તા પોતાનો સંપત્તિનો કોઈ પણ ભાગ સૌથી મોટાં દીકરી રાજકુમારી અમૃતકોરના નામે કરવા માગતા નથી. તેમાં કેટલીક સંપત્તિનો ઉલ્લેખ હતો અને જાહેર કરાયું હતું કે તેનો એકસમાન ભાગ બે દીકરી રાજકુમારી દીપિન્દરકોર અને રાજકુમારી મહીપિંદરકોરની વચ્ચે વહેંચવામાં આવશે.

રાજાએ સંપત્તિ અમૃતકોરને કેમ ન આપી?

ઇમેજ સ્રોત, AMARINDER SINGH
બીજા વસિયતનામામાં કહેવામાં આવ્યું હતું કે રાજા કોઈ પણ સંપત્તિ અમૃતકોરને આપવા માગતા ન હતા.
કોર્ટના આદેશમાં ઉલ્લેખ છે કે, "એવું લાગે છે કે સૌથી મોટી દીકરીએ તેના પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યાં હતાં અને કદાચ સંપત્તિમાં ભાગ ન આપવા પાછળ તે કારણ હતું."
જોકે, ત્રણ વર્ષ પછી લંડનમાં શાસક દ્વારા રજિસ્ટર્ડ સેટલમૅન્ટ ચલાવવામાં આવ્યું હતું.
આ સમાધાનમાં જણાવવામાં આવ્યું હતું કે મોટાં દીકરી રાજકુમારી અમૃતકોર જ્યાં સુધી 25 વર્ષનાં ન થાય અથવા તેમના પતિથી ન્યાયિક રીતે અલગ ન થાય ત્યાં સુધી આવકનો કોઈ હિસ્સો મેળવવા માટે હકદાર રહેશે નહીં.

ત્રીજા વસિયતનામાનો વિવાદ
રાજા હરિન્દરસિંહનું 1989માં મૃત્યુ થયું હતું અને તેમના અંતિમસંસ્કરાના ભોગ સમારોહ દરમિયાન 1 જૂન 1982ના રોજ કથિત રીતે શાસક દ્વારા બનાવવામાં આવેલું વસિયતનામું વાંચવામાં આવ્યું હતું અને તેની કૉપી સૌથી મોટાં દીકરી રાજકુમારી અમૃતકોરને સોંપવામાં આવ્યું હતું. જ્યારે ત્રીજું વસિયતનામું બન્યું ત્યારે શાસકના એકના એક દીકરા 1981માં મૃત્યુ પામ્યા હતા.
ત્રીજા વસિયતનામામાં કથિતપણે જાહેર કરવામાં આવ્યું હતું કે બધી જ સંપત્તિ "મહારાવલ ખેવાજી ટ્રસ્ટ"ને મળશે અને તેના ટ્રસ્ટીમાં મહારાજાનાં બંને દીકરી રાજકુમારી દીપિન્દરકોર અને મહીપિંદરકોર સામેલ થશે.
આ ટ્રસ્ટમાં મહારાણી મોહિંદરકોરનો પરિવાર પણ સામેલ થશે. દસ્તાવેજમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે બોર્ડ ઑફ ટ્રસ્ટી કેવી રીતે કામ કરશે અને સાથે કેટલીક શરતો પણ મૂકવામાં આવી હતી.

રાજાના ભાઈ અને દીકરીએ શું કેસ દાખલ કર્યો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
શાસક રાજાના નાના ભાઈ કંવર મનજિત ઈંદરસિંહે દીવાની દાવો કર્યો કે જ્યેષ્ઠાધિકારરૂપે કંવર મનજિત ઈંદરસિંહ શાસકે પાછળ છોડેલા સામ્રાજ્યના માલિક હતા.
તેમણે કહ્યું કે નિયમ પ્રમાણે સંપત્તિ પરિવારના પુરુષ સભ્ય પાસે જવી જોઈએ અને તેમની પાસે બધા અધિકારો હતા, કેમ કે તેઓ રાજાના ભાઈ હતા અને રાજાનો કોઈ જીવિત દીકરો ન હતો.
રાજાનાં સૌથી મોટાં દીકરી રાજકુમારી અમૃતકોર, જેમને ત્રીજા વસિયતનામા પ્રમાણે સંપત્તિમાં કોઈ ભાગ મળ્યો ન હતો, તેમણે પણ દીવાની દાવો કર્યો.
રાજકુમારી અમૃતકોરે દાવો કર્યો હતો કે તેઓ રાજાની સંપત્તિમાં પોતાનાં બે બહેનો સાથે 1/3 ભાગ ધરાવે છે.
તેમનાં બે બહેનો ઉપરાંત, ટ્રસ્ટ અને તેના ટ્રસ્ટીઓ પણ દાવાના પક્ષકાર હતાં.
1993માં તેમણે એક અરજી નોંધાવી હતી જેમાં તેમણે માગ કરી હતી કે ત્રીજા વસિયતનામાને અમાન્ય, રદબાતલ અને બિનઅસરકારક જાહેર કરવામાં આવે.

કોર્ટે શું નિર્દેશ આપ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
2013માં ટ્રાયલ કોર્ટે બંને દાવાઓનો નિકાલ કર્યો હતો. કોર્ટને જાણવા મળ્યું હતું ઘણા શંકાસ્પદ ઘટનાક્રમોના કારણે ત્રીજું વસિયતનામું વાસ્તવિક કે સાચું વસિયતનામું માની શકાય એમ નથી.
પછી કોર્ટે એ પણ ધ્યાનમાં લીધું કે શું જ્યેષ્ઠાધિકારનો નિયમ શાસકે પાછળ છોડેલી સંપત્તિ પર લાગુ પડે છે કે નહીં. પણ અંતે કંવર મનજિત ઇંદરસિંહનો દાવો ફગાવી દેવામાં આવ્યો હતો.
ટ્રાયલ કોર્ટે નિર્દેશ આપ્યો કે અમૃતકોર અને મહારાણી દીપિન્દરકોર અડધીઅડધી સંપત્તિ પર હક ધરાવે છે.
કોર્ટે કથિત વસિયતનામાના આધારે રચાયેલા ટ્રસ્ટને અસ્તિત્વમાં ન હોવાનું જાહેર કર્યું. પ્રતિવાદીઓ પર ગીરો, સ્થળાંતરણ, ભાડે આપવા જેવી તમામ બાબતો પ્રતિબંધિત છે.
ત્રીજાં દીકરી રાજકુમારી મહીપિંદરકોર 2001માં મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે કેસ હજુ પણ ટ્રાયલ કોર્ટમાં ચાલી રહ્યો હતો. તેમણે લગ્ન કર્યાં ન હતાં.
ટ્રાયલ કોર્ટના નિર્ણયથી નારાજ રાજકુમારી દીપિન્દરકોર, ટ્રસ્ટ અને ભરત ઇન્દરસિંહે અપીલ કોર્ટમાં અરજી દાખલ કરી.
2018માં નીચલી અપીલ કોર્ટને લાગ્યું નહીં કે તેમણે ટ્રાયલ કોર્ટના આદેશમાં કંઈ દખલગીરી કરવાની જરૂર છે. આ મામલો પછી પંજાબ અને હરિયાણાની હાઇકોર્ટમાં પહોંચ્યો.
હાઈકોર્ટે કહ્યું કે વસિયતનામું નકલી હતું. કોર્ટને કંવર મનજિત ઇન્દરસિંહના દાવામાં પણ કોઈ યોગ્યતા લાગી ન હતી, જેઓ રાજાના ભાઈ હતા.

સુપ્રીમ કોર્ટનો નિર્દેશ શું છે?
સુપ્રીમ કોર્ટે 30 વર્ષથી ચાલી રહેલા આ કેસમાં હરિંદરસિંહ બરાડનાં બે જીવિત દીકરીના પક્ષમાં નિર્ણય આપ્યો છે.
ભારતના ચીફ જસ્ટિસ યુ. યુ. લલિતની આગેવાનીમાં ત્રણ જજની બેન્ચે આ વર્ષે જુલાઈમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
તેમણે આદેશ આપ્યો હતો કે મહારાવલ ખેવાજી ટ્રસ્ટને તાત્કાલિકરૂપે અમાન્ય ઘોષિત કરવામાં આવે જે અત્યાર સુધી સંપત્તિનો વહીવટ સંભાળતું હતું.

કેવી રીતે સાબિત થયું કે વસિયતનામું બનાવટી છે?

રાજાનાં સૌથી મોટાં દીકરી અમૃતકોરે એક ખાનગી ફોરેન્સિક નિષ્ણાત જસ્સી આનંદને આ કામ સોંપ્યું હતું. તેઓ કહે છે કે તેમને તુરંત જ ખબર પડી ગઈ હતી કે આ વસિયતનામામાં કંઈક ગરબડ છે.
તેઓ કહે છે, "અમે આખા વસિયતનામાને બરોબર રીતે વાંચ્યું. રાજા એક જાણકાર વ્યક્તિ હતા અને તેમનું લખાણ ખૂબ સુંદર હતું. પરંતુ તે આ કથિત વસિયતનામામાં દેખાતું ન હતું અને તેમાં ઘણી બધી જોડણીઓની ભૂલો હતી."
"તેમના હસ્તાક્ષર પણ બનાવટી હતા. તેના માટે અને વસિયત બનાવવા માટે અલગ ટાઇપરાઇટર વપરાયું હતું."

રાજાના ભાઈના પરિવારને કેટલો ભાગ મળ્યો?

ઇમેજ સ્રોત, AMARINDER SINGH
25 ટકા ભાગ. રાજાના ભાઈએ મિલકત પર દાવો કર્યો હતો કે જ્યેષ્ઠાધિકારના નિયમરૂપે તેઓ આ સંપત્તિના માલિક છે.
આ એવો અધિકાર છે જે જણાવે છે કે ઘરના પુરુષો જ સંપત્તિ પર હક ધરાવે છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આ દાવો ફગાવી દીધો હતો.
જોકે, કોર્ટે મહારાણી મોહિંદરકોરના વસિયતનામા પ્રમાણે પરિવારનો દાવો જાળવી રાખ્યો.
કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે, "સ્વર્ગીય રાજા હરિંદરસિંહની સંપત્તિના વારસદાર પર જ્યેષ્ઠાધિકારનો કાયદો લગાવવામાં આવતો નથી."
તેમાં વધુમાં ઉમેરાયું હતું કે તેમને સ્વર્ગીય મહારાણી મોહિંદરકોરની સંપત્તિમાંથી ભાગ મળશે જેનું વસિયતનામું 1990માં બન્યું હતું.
"મહારાણી મોહિંદરકોર (રાજાનાં માતા) રાજાના મૃત્યુ સમયે 1989માં જીવિત હતાં. તેઓ આ સંપત્તિના સૌથી પહેલા વારસદાર હતાં. તેથી મહારાણી મોહિંદરકોર દ્વારા માનવામાં આવેલા ઉત્તરાધિકાર/વારસાના આધારે અને અપીલકર્તા કાયદા અનુસાર રાજાની સંપત્તિમાં જણાવેલ પ્રમાણસર હિસ્સો મળશે."
અમરિંદરસિંહ કહે છે, "આખી સંપત્તિમાંથી અમને 25 ટકા ભાગ મળ્યો છે."

હવે શું થશે? આ વર્ષોથી ચાલતી લડાઈનો અંત છે?

ઇમેજ સ્રોત, BHART BHUSHAN/BBC
હવે કોર્ટના નિર્દેશ પ્રમાણે પરિવારોએ આ સંપત્તિના ભાગ પાડવાના છે. એક રસ્તો છે જેમાં પરિવારો સાથે બેસીને નક્કી કરે કે કઈ સંપત્તિ કોને મળશે.
બીજો રસ્તો છે કોર્ટનો, જે અમરિંદરસિંહ પ્રમાણે વધુ સમય લઈ શકે છે.
શું આ કેસનો અંત છે? 33 વર્ષ બાદ પણ ખરેખર તો નહીં જ.
અમરિંદરસિંહ કહે છે, "પારિવારિક ઝઘડો પત્યો છે. પરંતુ કેસ તો હજુ ચાલશે, કેમ કે અમારી પાસે ઘણી સંપત્તિ છે અને તેમાંથી ઘણી અંતરિયાળ વિસ્તારોમાં છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












