રાજા દાહિર : એ કાશ્મીરી પંડિત જેમણે સિંધ પર રાજ કર્યું

ઇમેજ સ્રોત, SINDHIANA ENCYCLOPAEDIA
- લેેખક, રિયાઝ સુહૈલ
- પદ, બીબીસી સંવાદદાતા, કરાચી
એક સમયે પાકિસ્તાનના લાહોરમાં પંજાબ પ્રાંતના પહેલા પંજાબી શાસક મહારાજા રણજિત સિંહની પ્રતિમા મૂકવા અને તેમને શેર-એ-પંજાબનો ખિતાબ આપ્યા બાદ સિંધ પ્રાંતમાં રાજા દાહિરને પણ સરકારી રીતે હીરો જાહેર કરવાની માગ વધી હતી.
રણજિત સિંહની પ્રતિમાની સ્થાપના બાદ સોશિયલ મીડિયામાં પંજાબને અભિનંદન અપાયાં કે તેણે પોતાના અસલી રાજાને સન્માન આપ્યું છે.

રાજા દાહિર કોણ હતા?

ઇમેજ સ્રોત, SINDHIANA ENCYCLOPAEDIA
રાજા દાહિર આઠમી સદીમાં સિંધના શાસક હતા. તેઓ રાજા ચચના સૌથી નાના પુત્ર અને બ્રાહ્મણ વંશના આખરી શાસક હતા.
સિંધયાના ઇન્સાઇક્લોપીડિયા અનુસાર હજારો વર્ષ પહેલાં કેટલાય કાશ્મીરી બ્રાહ્મણ વંશ સિંધ આવીને વસ્યા. તેઓ ભણેલા-ગણેલા હતા.
રાજકીય અસર અને રસૂખ.... મેળવ્યા બાદ તેમણે રાજઘરાનાની 184 વર્ષની સત્તાનો અંત આણ્યો અને ચચ પહેલા બ્રાહ્મણ બાદશાહ બન્યા.
ઇતિહાસકારો પ્રમાણે રાજા દાહિરની સત્તા પશ્ચિમમાં મરકાન સુધી, દક્ષિણમાં અરબસાગર અને ગુજરાત સુધી, પૂર્વમાં વર્તમાન માલવાના કેન્દ્ર અને રાજપૂતના સુધી અને ઉત્તરમાં મુલતાનથી લઈને દક્ષિણ પંજાબ સુધી વિસ્તરેલી હતી. સિંધથી જમીન અને જળમાર્ગે વેપાર પણ થતો હતો.
મુમતાઝ પઠાણ 'તારીખ-એ-સિંધ'માં લખે છે કે રાજા દાહિર ન્યાયપ્રિય હતા. ત્રણ પ્રકારની અદાલતો હતી, જેમને કોલાસ, સરપનાસ અને ગનાસ કહેવાતી હતી. મોટા કેસ રાજા પાસે જતા હતા જે સુપ્રીમ કોર્ટનો દરજ્જો ધરાવતા હતા.

સિંધ પર હુમલો
આઠમી સદીમાં બગદાદના ગર્વનર હુજ્જાજ બિન યુસૂફના આદેશ પ્રમાણે તેમના ભત્રીજા અને નવયુવાન સિપહસાલાર મોહમ્મદ બિન કાસિમે સિંધ પર હુમલો કરીને રાજા દાહિરને હરાવ્યા અને અહીં પોતાની કાયમી સત્તા સ્થાપી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિંધમાં અરબ ઇતિહાસનું પહેલું પુસ્તક 'ચચનામા' અથવા 'ફતેહનામા'ના અનુવાદક અલી કોફી લખે છે કે શ્રીલંકાના રાજાએ બગદાદના ગર્વનર હુજ્જાજ બિન યુસૂફ માટે કેટલીક ભેટ મોકલી હતી, જે દીબલ બંદરગાહ પાસે લૂંટી લેવાઈ."
"આ જહાજમાં મહિલાઓ પણ હતી. કેટલાક લોકો ભાગીને હુજ્જાજ પાસે પહોંચી ગયા અને તેમને કહ્યું કે મહિલાઓ મદદ માટે તમને પોકારી રહી છે.
ઇતિહાસકારો પ્રમાણે હુજ્જાજ બિન યુસૂફે રાજા દાહિરને પત્ર લખ્યો અને આદેશ કર્યો કે મહિલાઓ અને લૂંટેલા માલ-સામાન પરત કરવામાં આવે. જોકે, રાજા દાહિર ઇન્કાર કર્યો અને કહ્યું કે આ લૂંટફાટ તેમના વિસ્તારમાં થઈ નથી.
સિંધના સામાજિક અગ્રણી અને માર્ગદર્શક જીએમ સૈયદ હુમલાના ઔચિત્યનો અસ્વીકાર કરે છે.
તેમણે 'સિંધ કે સૂરમા' નામના પુસ્તકમાં લખ્યું છે કે બની શકે કે સમૃદ્રી લુટારાએ લૂંટ ચલાવી હોય, નહીં તો રાજા દાહિરને તેનાથી શું ફાયદો થાય?
"આ આરોપ લગાવવું જેવું છે, નહીં તો પહેલાં અરબોએ જે સિંધ પર ચૌદ વાર હુમલા કર્યા એનું ઔચિત્ય શું હતું."

અલાફીઓની બગાવત

ઓમાનમાં માવિયા બિન હારિસ અલાફી અને તેમના ભાઈ મોહમ્મદ બિન હારિસ અલાફીને ખલિફા સામે બગાવત કરી, જેમાં તેમના ભાઈ અમીર સઈદ માર્યા ગયા.
'ચચનામા' પ્રમાણે મોહમ્મદ અલાફીએ પોતાની સાથીઓ સાથે મકરાનમાં શરણ લીધું હતું, જ્યાં રાજા દાહિરની સત્તા હતી.
બગદાદના ગવર્નરે તેમને ઘણા પત્રો લખીને બાગીઓને સોંપવા માટે કહ્યું હતું, પરંતુ તેઓએ પોતાની જમીન પર શરણ લેનારને હવાલે કરવાનો ઇન્કાર કર્યો હતો. હુમલાનું એક કારણ આ પણ માનવામાં આવે છે.
રાજા દાહિર સત્તા પર આવ્યા એ પહેલાં તેમના ભાઈ ચંદ્રસેન રાજા હતા, જે બૌદ્ધ મતના સમર્થક હતા અને જ્યારે રાજા દાહિર સત્તામાં આવ્યા તો તેઓ કડક રીતે વર્ત્યા.
'ચચનામા' પ્રમાણે હુમલા સમયે બૌદ્ધ ભિક્ષુકોએ મોહમ્મદ બિન કાસિમનું નિરોકકોટ અને સિવસ્તાનમાં સ્વાગત કર્યું અને મદદ કરી હતી.
સિંધના સામાજિક અગ્રણી જીએમ સૈયદ લખે છે કે ચંદ્રસેને બૌદ્ધધર્મનો ફેલાવો કર્યો અને ભિક્ષુકો અને પૂજારીઓને ખાસ મદદ કરી. બે ગવર્નર બૌદ્ધ હતા તેમ થતાં રાજા દાહિરે તેમના પર કોઈ સખ્તાઈ ન દાખવી.

રાજા દાહિરનાં બહેન સાથે લગ્ન
'ચચનામા'માં ઇતિહાસકારનો દાવો છે કે રાજા દાહિર જ્યોતિષમાં બહુ માનતા હતા.
તેમણે જ્યારે બહેનનાં લગ્ન માટે જ્યોતિષની સલાહ લીધી તો તેઓએ જણાવ્યું કે જે પણ તેની સાથે લગ્ન કરશે એ સિંધનો રાજા બનશે.
તેમણે મંત્રીઓ અને જ્યોતિષીઓની સલાહ પ્રમાણે પોતાનાં બહેન સાથે લગ્ન કરી લીધાં. ઇતિહાસકારોનું કહેવું છે કે શારીરિક સંબંધ સિવાયના તમામ રીતરિવાજ કરાયા.
જીએમ સૈયદ આ કહાણીનો સ્વીકાર નથી કરતા. તેમણે લખ્યું છે કે સગી બહેન તો દૂરની વાત છે, બ્રાહ્મણ કાકા-મામાની બહેન સાથે લગ્ન કરવાં પણ અનૈતિક સમજતા હતા.
તેઓ દલીલ કરે છે કે બની શકે કે કોઈ નાના રાજા સાથે સંબંધ ન બાંધીને છોકરીને ઘરે જ બેસાડી રાખી હોય, કેમ કે હિંદુઓમાં જાતિગત ભેદભાવ હોય છે અને માટે કોઈ નીચા વર્ગની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હોય.
ડૉક્ટર આઝાદ કાજી 'દાહિર કા ખાનદાન તહકીક કી રોશની મેં' નામના શોધપત્રમાં લખે છે કે ચચનામાના ઇતિહાસકારે અરુડના કિલ્લાથી રાજા દાહિરની ધરપકડ કરાયેલા સંબંધીઓનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે તેમાં રાજાની ભાણેજ પણ સામેલ હતી જેની કરબ બિન મખારુ નામના અરબે ઓળખ કરી હતી. જો ચચનામાની વાત માનવામાં આવે તો બહેન સાથે લગ્ન કર્યાં હતાં એ આ છોકરી ક્યાંથી આવી.

રાજા દાહિરની પુત્રીઓ અને મોહમ્મદ બિન કાસિમ

ઇમેજ સ્રોત, GOVT. OF SINDH
'ચચનામા'માં ઇતિહાસકાર લખે છે કે રાજા દાહિરે બે પુત્રીને ખલીફા પાસે મોકલી દીધી. ખલીફા બિન અબ્દુલ માલિકે બંને પુત્રીને એક-બે દિવસ આરામ કરીને તેમના જનાનખાનામાં લાવવાનો આદેશ કર્યો.
એક રાતે બંનેને ખલીફાના જનાનખાનામાં બોલાવવામાં આવી. ખલીફાએ પોતાના એક અધિકારીને કહ્યું કે જાણીને કહો કે બંનેમાંથી કઈ પુત્રી મોટી છે.
મોટીએ પોતાનું નામ સૂર્યાદેવી બતાવ્યું અને તેણે પોતાના ચહેરા પરથી નકાબ હઠાવ્યો તો તેમની સુંદરતા જોઈ ખલીફા દંગ રહી ગયા અને છોકરીને હાથથી પોતાની તરફ ખેંચી.
પરંતુ છોકરીએ કહ્યું, "બાદશાહ સલામત રહે. હું બાદશાહને લાયક નથી, કેમ કે આદિલ ઇમામુદ્દીન મોહમ્મદ બિન કાસિમે અમને ત્રણ દિવસ પોતાની પાસે રાખી છે અને બાદમાં ખલીફાની સેવામાં મોકલ્યાં છે. કદાચ તમારો આ રિવાજ હશે, બાદશાહો માટે આ બદનામી યોગ્ય નથી."
ઇતિહાસકાર પ્રમાણે ખલીફા વલીદ બિન અબ્દુલ માલિક, મોહમ્મદ બિન કાસિમથી ઘણા નારાજ થયા અને આદેશ અપાયો કે તેઓ સંદૂકમાં બંધ થઈને હાજર થાય.
જ્યારે આ ફરમાન મોહમ્મદ બિન કાસિમ પાસે પહોંચ્યો ત્યારે તેઓ અવધપુરમાં હતા.
આદેશનું તરત પાલન કરવામાં આવ્યું પણ બે દિવસમાં તેમણે દમ તોડી દીધો અને તેમને દરબાર પહોંચાડી દેવામાં આવ્યા. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે રાજા દાહિરની પુત્રીઓએ આ રીતે પોતાનો બદલો લીધો.

ચચનામા પર વિરોધ
'ચચનામા'ના અનુવાદક અલી બિન હામિદ અબુ બકર કોફી છે. તેઓ અચશરીફમાં રહેવા લાગ્યા અને એ સમયે ત્યાં નસીરુદ્દીન કબાચાની સત્તા હતી.
ત્યાં તેમની મુલાકાત મૌલાના કાઝી ઇસ્માઇલ સાથે થઈ. તેમણે એક અરબી પુસ્તક બતાવ્યું જે તેમના બાપદાદાઓએ લખ્યું હતું.
અલી કોફીએ તેનો અરબીથી ફારસી ભાષામાં અનુવાદ કર્યો છે જેને ફતેહનામા અને ચચનામા નામથી ઓળખવામાં આવે છે.
કેટલાક ઇતિહાસકાર અને લેખક ચચનામાને શંકાની નજરે જુએ છે.
ડૉક્ટર મુરલીધર જેટલી અનુસાર ચચનામા વર્ષ 1216માં અરબી મુસાફર અલી કોફીએ લખ્યું છે, જેમાં હુમલાઓ બાદ લોકોએ કહેલી વાતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એ જ રીતે પીટર હાર્ડે, ડૉક્ટર મુબારક અબી અને ગંગારામ સમ્રાટે પણ તેમાં રહેલી માહિતીની હકીકત પર શંકા વ્યક્ત કરી છે.
જીએમ સૈયદ લખે છે કે દરેક સાચા સિંધીને રાજા દાહિરનાં પરાક્રમો પર ગર્વ હોવો જોઈએ, કેમ કે તેઓ સિંધ માટે માથું આપવામાં પહેલ કરનારાઓમાં સૌથી પહેલા હતા.
સિંધના સોમરા ઘરાનાએ સત્તા ન હાંસલ કરી ત્યાં સુધી સિંધ 340 વર્ષ સુધી અન્યની ગુલામીમાં રહ્યું.
રાષ્ટ્રવાદી વિચારધારાના સમર્થક આ વિચારને યોગ્ય માને છે, જ્યારે કેટલાક મોહમ્મદ બિન કાસિમને પોતાનો હીરો અને ઉદ્ધારક માને છે.
આ વૈચારિક વિવાદે સિંધમાં ઉજવણી કરવાનો પાયો નાખ્યો છે. જ્યારે ધાર્મિક લોકોએ 'મોહમ્મદ બિન કાસિમ દિવસ' ઉજવ્યો અને રાષ્ટ્રવાદીઓએ 'રાજા દાહિર દિવસ' ઊજવવાનું નક્કી કર્યું.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












