રેઝાંગ લાઃ ચીનની સેનાને જ્યારે ભારે પડી ગયા મુઠ્ઠીભર ભારતીય જવાનો

ઇમેજ સ્રોત, BHARAT RAKSHAK
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત અને ચીનની સેનાઓ વચ્ચે 7 સપ્ટેમ્બરના રોજ વાસ્તવિક અંકુશરેખા પર રેઝાંગ લા પાસે ગોળીબાર થયાના સમાચાર આવ્યા હતા. આ સ્થળ ભારતીય સેનાના ઇતિહાસની વીરતાનો એક યાદગાર અધ્યાય ધરાવે છે.
1962માં ભારત-ચીન યુદ્ધ વખતે મેજર શેતાનસિંહની આગેવાની હેઠળની ભારતીય સેનાની 13 કુમાઉં રેજિમૅન્ટની ટુકડીએ પોતાનો મારચો સંભાળી રાખવા માટે જીવની બાજી લગાવી દીધી હતી.
મેજર શેતાનસિંહને મરણોપરાંત સર્વોચ્ચ સૈન્ય સન્માન 'પરમવીર ચક્ર'થી સન્માનિત કરાયા હતા.
રેઝાંગ લા ફરી એક વાર સમાચારમાં છે. ત્યારે એક વાર ફરી વાંચો મેજર શેતાન સિંહના નેતૃત્ત્વમાં 58 વર્ષ પહેલાં લડાયેલી ઐતિહાસિક લડતની કહાણી, જેમાં 113 ભારતીય સૈનિકો વીરગતિ પામ્યા હતા.
વાત છે ફેબ્રુઆરી 1963ની. ચીન સામેની લડાઈ પૂરી થઈ તેના ત્રણ મહિના પછી એક લદ્દાખી ભરવાડ ચુસૂલથી રેઝાંગ લા પોતાનાં ગાડર લઈને પહોંચ્યા. અચાનક તેમનું ધ્યાન ચારે તરફ વેરાયેલી ખાલી કારતૂસ અને તૂટી ગયેલાં બંકરો પર પડી.
તેમણે નજીક જઈને જોયું તો ચારે બાજુ મૃતદેહો ફેલાયેલા પડ્યા હતા. આ મૃતદેહો સૈનિકોના હતા.
સેનાના ઇતિહાસકાર તરીકે જાણીતાં અને પરમવીર ચક્ર વિજેતાઓ વિશેનું જાણીતું પુસ્તક 'ધ બ્રૅવ' લખનારાં રચના બિષ્ટ રાવત કહે છે :
"ભરવાડ દોડતોદોડતો નીચે આવ્યો અને ભારતીય સેનાની એક ચોકીને જાણ કરી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સૈનિકો ત્યાં ઉપર તપાસ કરવા ગયા ત્યારે ખબર પડી કે ભારતીય સૈનિકોના મૃતદેહો ત્યાં પડ્યા હતા અને દરેકના શરીર પર અનેક ગોળીઓના ઘા હતા. કેટલાકના હાથમાં હજીય રાઇફલ પકડેલી હતી. નર્સિંગ આસિસ્ટન્ટના હાથમાં સિરિન્જ અને પાટા એમ જ રહી ગયા હતા."
રચના બિષ્ટ કહે છે, "કેટલાકની રાઇફલ તૂટી ગઈ હતી, પણ હજીય તેનું બટ હાથમાં પકડી રાખેલું હતું. લડાઈ પૂરી થઈ ગઈ પણ તે પછી ભારે હિમપાત થયો હતો અને તે વિસ્તારને 'નો મૅન્સ લૅન્ડ' જાહેર કરાયો હતો. તેના કારણે ત્યાં કોઈ જઈ શક્યું નહોતું."
રચના બિષ્ટ કહે છે, "આ 113 સૈનિકોનું શું થયું તેની કોઈ જાણ નહોતી. એવી શંકા હતી કે તેમને યુદ્ધકેદી તરીકે પકડી લેવાયા હશે. તેના કારણે તેમના નામને બટ્ટો લાગી ગયો હતો અને તેમને કાયર જાહેર કરી દેવાયા હતા. એવું પણ માની લેવાયું કે તેઓ લડાઈથી ભાગી ગયા હતા."
તેઓ કહે છે, "બે કે ત્રણ જણ બચીને આવી ગયા હતા, તેમની સાથે લોકોએ વ્યવહાર પણ બંધ કરી દીધો હતો. એટલું જ નહીં તેમનાં સંતાનોને શાળામાંથી કાઢી મૂકાયાં હતાં. એક એનજીઓએ મોટું અભિયાન ચલાવવું પડ્યું હતું કે આ લોકો જ ખરા અર્થમાં સાચા હીરો હતા, કાયર નહોતા."

ક્યારેય જોઈ નહોતી બરફવર્ષા

ઇમેજ સ્રોત, BHARAT RAKSHAK
1962માં 13મી કુમાઉ ટુકડીને ચુશૂલ હવાઈપટ્ટીની સુરક્ષા માટે મોકલવામાં આવી હતી. તે ટુકડીમાં મોટા ભાગના જવાનો હરિયાણાના હતા, જેમણે પોતાની જિંદગીમાં ક્યારેય બરફવર્ષા જોઈ નહોતી.
તેમને બે દિવસની નોટિસથી જમ્મુ કાશ્મીરના બારામુલ્લાથી ત્યાં મોકલાયા હતા. ઊંચાઈ અને ઠંડા તાપમાન સાથે શરીરને અનુકૂળ કરવા માટેની તક પણ તેમને મળી નહોતી.
શૂન્ય ડિગ્રી નીચે તાપમાન જતું રહે ત્યારે ગરમાટા માટે જરૂરી ગરમ કપડાં કે સારાં જૂતાં પણ નહોતાં. પહેરવા માટે જર્સી, સુતરાઉ પૅન્ટ અને હળવા કૉટ આપવામાં આવ્યા હતા. મેજર શેતાન સિંહે પોતાના જવાનોને પહાડીની સામે આવેલા ઢાળ પર નીચે ગોઠવી દીધા. 18 નવેમ્બર, 1962ના રોજ રવિવારે રોજ કરતાંય વધારે કડકડતી ઠંડી પડી રહી હતી. રેઝાંગ લામાં બરફવર્ષા થવા લાગી હતી.
તે લડાઈમાંથી જીવતા બચીને નીકળી શકેલા ઑનરરી કૅપ્ટન સુબેદાર રામચંદ્ર યાદવ હાલમાં રેવાડીમાં રહે છે.
તેઓ યાદ કરતાં કહે છે, "બપોરે સાડા ત્રણ વાગ્યે ડડડડડ એવી રીતે ધડાધડ ગોળીબારનો અવાજ સંભળાયો. પહાડીઓ વચ્ચે તેના પડઘા પડ્યા. મેં મેજર શેતાનસિંહને જાણ કરી કે 8મી પ્લાટૂનની સામેથી ફાયર થઈ રહ્યું છે. ચાર મિનિટ પછી હરિ રામનો ફોન આવ્યો કે 8-10 ચીની સૈનિકો આ તરફ આગળ વધી રહ્યા છે."
બિષ્ટ કહે છે, "તે લોકો અમારી રેન્જમાં આવ્યા એટલે આપણા જવાનોએ એક લાંબો બર્સ્ટ ફાયર કર્યો. તેમાં ચાર પાંચ ચીની સૈનિકો ત્યાં જ ખતમ થઈ ગયા અને બાકીના ભાગી ગયા. તે પછી મેં મારી લાઇટ મશીનગનને મોરચાથી પાછી બોલાવી લીધી. આ સાંભળીને મેજર સાહેબે કહ્યું કે જેની રાહ જોતા હતા તે સમય આવી ગયો છે. હરિ રામે કહ્યું કે તમે ચિંતા ના કરો, અમે બધા સૈનિકો તૈયાર છીએ. અમે લોકોએ મોરચો માંડી દીધો છે."

ચારે બાજુથી ચીનનો હુમલો

ઇમેજ સ્રોત, BHARAT RAKSHAK
7મી પલટનના જમાદાર સુરજા રામે પોતાના કંપનીકમાન્ડરને જાણ કરી કે ચીનના લગભગ 400 સૈનિકો તેમની પોસ્ટ તરફ આગળ વધી રહ્યા છે.
તે જ વખતે 8મી પલટને રિપોર્ટ કર્યો કે પહાડીની ધાર પરથી લગભગ 800 ચીની સૈનિકો તેમની તરફ આગળ વધી રહ્યા છે. મેજર શેતાનસિંહે આદેશ આપ્યો કે ચીની સૈનિકો રેન્જમાં આવે એટલે ફાયરિંગ શરૂ કરી દેજો.
સુબેદાર રામચંદ્ર યાદવ કહે છે, "ચીનીઓ 300 ગજની રેન્જમાં આવ્યા એટલે અમે તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. લગભગ 10 મિનિટ સુધી ફાયરિંગ ચાલતું રહ્યું. મેજર શેતાનસિંહ વારંવાર બહાર નીકળી જતા હતા. મેં તેમને ચેતવ્યા કે બહાર ના નીકળો, કેમ કે ચીનીઓ ક્યારે શૅલિંગ કરશે તેનો કોઈ ભરોસો ના કરાય."
"સુરજા રામે રેડિયો પર જાણ કરી કે ચીનીઓને પાછા ભગાવી દેવાયા છે. આપણા બધા સૈનિકો સલામત છે. કોઈને ઈજા થઈ નથી. આપણે ઊંચાઈ પર હતા અને ચીનીઓ નીચેથી આવી રહ્યા હતા. આ વાત ચાલી રહી હતી ત્યાં જ ચીનીઓની તોપનો એક ગોળો અમારા બંકર પાસે આવીને પડ્યો."
"મેજર શેતાનસિંહે તરત જ ફાયરિંગ અટકાવી દીધું. તેમણે 3 ઇંચ મૉર્ટાર ચલાવનારાને કૉડવર્ડમાં આદેશ આપ્યો કે ટારગેટ તોતા. આપણી મોર્ટારના ગોળાઓથી ચીનીઓ ગભરાયા અને તેમનો એ હુમલો પણ નક્કામો સાબિત થયો."

ભારતીય સૈનિકો પાસે માત્ર લાઇટ મશીનગન અને .303 રાઇફલો

ચીનીઓએ સામેથી કરેલા બધા હુમલા આ રીતે નકામા સાબિત થયા તે પછી તેમણે યોજના બદલી. સવારે સાડા ચાર વાગ્યે તેમણે બધી જ ચોકીઓ પર એક સાથે તોપના ગોળા મારવાનું શરૂ કર્યું. 15 મિનિટમાં લગભગ તબાહી થઈ ગઈ અને ચારે બાજુ મોતનું તાંડવ હતું.
રચના બિષ્ટ રાવત કહે છે, "પ્રથમ હુમલો આપણે નિષ્ફળ બનાવ્યો હતો. ઢાળ પર અહીંતહીં ચીની સૈનિકોના મૃતદેહો પડ્યા હતી. પણ તે પછી ચીનીઓએ મૉર્ટાર ફાયરિંગ શરૂ કર્યું."
"તે હુમલો લગભગ 15 મિનિટ સુધી ચાલ્યો હશે."
રાવત કહે છે, "ભારતના જવાનો પાસે માત્ર લાઇટ મશીનગન અને .303 રાઇફલો જ હતી. એટલે કે ગોળીબાર કર્યા પછી તરત તેને લૉડ કરવી પડે. કડકડતી ઠંડીમાં જવાનોની આંગળીઓ જામી જતી હતી."
"15 મિનિટમાં ચીનીઓએ ભારતીય બંકરોમાં તબાહી ફેલાવી દીધી હતી. બંકરો તૂટી ગયાં, તંબુઓમાં આગ લાગી ગઈ હતી અને કેટલાય જવાનોનાં અંગો કપાઈને આમતેમ ફેલાયાં હતાં. આમ છતાં મેજર શેતાનસિંહ જવાનોને હિંમત આપતા રહ્યા. તોપમારાને કારણે છવાયેલો ધુમાડો હટ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ધાર પરથી હથિયારો લદાયેલાં યાક અને ઘોડા આવી રહ્યાં છે."
"થોડી વાર સૈનિકોને એવું લાગ્યું કે કદાચ અલ્ફા કંપની તેમના બચાવ માટે આવી રહી છે. ખુશ થઈને દૂરબીનથી તેમણે જોયું, પણ આંચકો લાગ્યો કેમ કે તેઓ તો ચીનીઓ હતા. ચીનીઓએ હવે આ ત્રીજો હુમલો શરૂ કરી દીધો હતો અને આવીને એકે એક સૈનિકોને મારી નાખ્યા."

મેજર શેતાનસિંહના આંતરડાં બહાર નીકળી ગયાં

આ દરમિયાન મેજર શેતાનસિંહને બાવડામાં જ એક શૅલ આવીને વાગ્યો હતો. તેમણે તેના પર પટ્ટી મરાવીને સૈનિકોને પાનો ચડાવવાનું ચાલુ જ રાખ્યું.
તેઓ ધાર ઉપર ઊભા હતા ત્યારે જ તેમના પેટ પર ગોળીબારીના બર્સ્ટથી મોટો ઘા પડ્યો.
શેતાનસિંહ પર ફાયર કરનારા ચીની સૈનિક પર હરફૂલે લાઇટ મશીનગનથી ફાયરિંગ કર્યું. હવે હરફૂલને પણ ગોળી વાગી હતી, પણ તેણે પડતાંપડતાં રામચંદ્રને કહ્યું કે મેજર સાહેબને દુશ્મનના હાથમાં ના પડવા દેશો. મેજર શેતાનસિંહના શરીરમાંથી બહુ લોહી વહી રહ્યું હતું અને તેના કારણે વારંવાર બેહોશ થઈ રહ્યા હતા.
સુબેદાર રામચંદ્ર યાદવ આ મુશ્કેલ ઘડીમાં તેમની બાજુમાં જ હતા અને તેમની સાથે હવે થોડા સૈનિકો જ જીવતા રહ્યા હતા.
યાદવ યાદ કરતાં કહે છે, "મેજર સાહેબે મને કહ્યું કે રામચંદ્ર મને પેટમાં બહુ પીડા થાય છે. મારો બેલ્ટ ખોલી નાખો. મેં કમીઝની નીચે હાથ નાખ્યો તો ખ્યાલ આવ્યો કે તેમના આંતરડાં બહાર આવી ગયાં હતાં."
"મેં તેમનો બેલ્ટ ના ખોલ્યો, કેમ કે એમ કરવાથી આંતરડાં સાવ જ બહાર નીકળી જાત. આ બાજુ સતત ફાયરિંગ ચાલી રહ્યું હતું. બેહોશીમાંથી મેજર શેતાનસિંહ ફરી હોંશમાં આવ્યા."
યાદવ કહે છે, "તેમણે તૂટી રહેલા શ્વાસ વચ્ચે મને કહ્યું કે મારી વાત માનો અને બટાલિયન જતા રહો. ત્યાં જઈને જાણ કરો કે ટુકડી કેવી રીતે લડી રહી છે. હું હવે અહીં જ મરવા માગું છું. બરાબર સવા આઠ વાગ્યે મેજર સાહેબના પ્રાણ નીકળી ગયા."
તેઓ યાદ કરતા કહે છે, "આ બાજુ મેં જોયું કે ચીની સૈનિકો હવે અમારા બંકરોમાં ઘૂસી રહ્યા હતા. 13મી કુમાઉના આપણા જવાનો અને ચીનીઓ વચ્ચે હવે હાથોહાથની લડાઈ ચાલુ થઈ હતી. અમારા એક સાથી સિગ્રામ પાસે ગોળીઓ ખાલી થઈ ગઈ હતી એટલે તેમણે બે ચીનીઓને પકડીને તેના માથા એક બીજા સાથે અથડાવીને ખતમ કરી નાખ્યા."
"એક ચીનીને પગથી પકડીને ખડક પર તેને પછાડીને મારી નાખ્યો. આ રીતે 7મી પ્લાટૂનનો એક સિપાહી જીવતો ના રહ્યો કે ના તો કોઈ કેદ થયો."

મેજર શેતાનસિંહને ખડકની પાછળ સુવડાવ્યા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ચારે બાજુ મૃતદેહો પડ્યા હતા. મેજર શેતાનસિંહનો તંબુ પણ ખરાબ રીતે તૂટી ગયો હતો. તેમના દોસ્ત ચીમનનું માથું ધડથી અલગ થઈ ગયું હતું.
મંડોલા ગામના મહેંદરસિંહના પગ સાવ ભાંગી ગયા હતા. મેં સુબેદાર યાદવને પૂછ્યું હતું કે આ લડાઈમાં 13મી કુમાઉના 124માંથી 113 જવાનો માર્યા ગયા. તમે કેવી રીતે બચી શક્યા હતા?
યાદવે કહ્યું હતું કે, "મને થોડું જ વાગ્યું હતું અને હજી હોંશમાં હતો. મારા મનમાં હરફૂલની એ વાત ઘૂમી રહી હતી કે મેજર સાહેબનો મૃતદેહ ચીનીઓના હાથમાં ના આવવા દેશો. મેં તેમને ઊંચકી લીધા અને એક ખાડામાં ઢળી પડ્યો. પછી મારી પીઠ પર તેમને લીધા અને 800 મિટર દૂર ચાલ્યો ગયો. ત્યાં એક મોટા ખડકની પાછળ મેં મેજર શેતાનસિંહને સુવરાવી દીધા. ત્યાં જ સવા આઠ વાગ્યે તેમનો જીવ જતો રહ્યો."
તેઓ વધુમાં કહે છે, "મેં એમ જ તેમને ત્યાં રાખીને ઉપર બરફ ઢાંકી દીધો, જેથી ચીનીઓની નજરે ના ચડે. મેજર સાહેબના મૃતદેહ અહીં લઈ જવાય તેવું વિચારીને હું નીચે ક્વાર્ટર માસ્ટર પાસે ગયો. જોકે હું નીચે પહોંચ્યો ત્યારે જોયું તો ત્યાં પણ આગ લાગેલી હતી. આપણા લોકોએ જ આગ લગાવી હતી."
"તેમને આદેશ મળ્યો હતો કે બધી વસ્તુઓનો નાશ કરીને ચુશૂલ બટાલિયન હેડક્વાર્ટર પર આવી જાવ. તે જ વખતે એક જીપ આવતી દેખાઈ. તે જીપમાં બેસીને હું નીચે હેડક્વાર્ટર પહોંચ્યો."

ફક્ત નામ જ શેતાન હતું

ઇમેજ સ્રોત, GALLANTRYAWARDS.GOV.IN
મેજર શેતાનસિંહનો જન્મ 1 ડિસેમ્બર, 1924માં જોધપુર જિલ્લાના બનાસર ગામમાં થયો હતો. તેમનું નામ ભલે શેતાનસિંહ હોય, પણ તેમના સાથીઓ કહેતા હતા કે તેમના જેવા ભલાઆદમી કોઈએ જોયા નહોતા.
રચના બિષ્ટ રાવત કહે છે, "મેજર શેતાનસિંહ સૈનિક પરિવારમાં જન્મ્યા હતા. તેમના પિતા પણ સેનાના અફસર હતા. તેમણે ઓબીઈ મળ્યો હતો. તેઓ બહુ જ સંસ્કારી હતા. સામાન્ય રીતે સૈનિકોની છાપ ખૂનખાર હોય છે, પણ તેઓ એવા બિલકુલ નહોતા."
"તેઓ પોતાના સૈનિકોની સાથે રહેવામાં માનતા હતા. ફુરસદના સમયમાં સાથે બેસીને આકાશવાણી પર સમાચારો સાંભળતા. તે વખતે ચીન સામે હાર થઈ રહ્યાના જ સમાચારો આવી રહ્યા હતા. આવા સમાચારો સાંભળીને સૌનું લોહી ઉકળી આવતું હતું. સમાચારો સાંભળીને સૈનિકો મેજર શેતાનસિંહને કહેતા, 'સાહેબ તક મળશે તો આપણે જોરદાર લડત આપીશું.' મેજર જવાબમાં માત્ર હસતા. જોકે જ્યારે લડાઈ આવી પડી ત્યારે તેમના નેતૃત્ત્વના કારણે જ ભારતના જવાનોએ ચીનીઓને પોતાની પીઠ દેખાડી નહોતી."
છેલ્લા સૈનિક અને છેલ્લી ગોળી સુધી લડાઈ
રેઝાંગ લાની લડાઈ ભારતીય સેનાના ઇતિહાસની સૌથી મોટી લડાઈમાંની એક છે.
આ વિસ્તારનું રક્ષણ કરવા ખાતર બધા જ જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી.
રચના બિષ્ટ રાવત કહે છે, "રેઝાંગ લાની લડાઈ એટલા માટે સૌથી મહાન લડાઈ છે કે 13મી કુમાઉ ટુકડીના સૈનિકોએ જે આદેશ મળ્યો હતો તે છેલ્લા શ્વાસ સુધી પાળી બતાવ્યો. તેમની ઉપરી અધિકારી બ્રિગેડિયર ટી. એન. રૈનાએ (બાદમાં તેઓ ભૂમિ દળના વડા બન્યા હતા) લેખિત આદેશ આપ્યો હતો કે છેલ્લા જવાન અને છેલ્લી ગોળી સુધી લડવાનું છે. તેઓએ તે આદેશનું અક્ષરસઃ પાલન કર્યું હતું."
"માત્ર 124 જવાનો ગોઠવાયેલા હતા. તેમના પર એક હજાર જેટલા ચીની સૈનિકોએ હુમલો કર્યો હતો. 114 જવાનો ત્યાં માર્યા ગયા હતા."
"પાંચને યુદ્ધ કેદી બનાવાયા હતા, જેમાંથી એકનું મોત કેદમાં જ થયું હતું. આ બાબતમાં મેં સંશોધન શરૂ કર્યું ત્યારે 13 કુમાઉ સૈનિકોના નામોની યાદી મેં માગી હતી. મારા લેપટોપની ત્રણ શીટ્સ તેનાથી ભરાઈ ગઈ હતી. "
"કેટલા સૈનિકોએ પોતાની જિંદગી ન્યૌચ્છાવર કરી દીધી તે જોઈને મારી આંખોમાં પણ પાણી આવી ગયું હતું. આ લડાઈ સવારે સાડા ત્રણ વાગ્યે શરૂ થઈ હતી અને સવા આઠ વાગ્યે પૂરી થઈ હતી, પરંતુ મુખ્ય લડાઈ છેલ્લા એક કલાકમાં જ થઈ હતી."

મેજર શેતાનસિંહને પરમવીર ચક્ર

ઇમેજ સ્રોત, Bharat Rakshak
રેઝાંગ લાની લડાઈમાં ભાગ લેનારો એકએક સૈનિક હીરો હતો. અદમ્ય સાહસ દાખવનાર મેજર શેતાન સિંહને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરાયા હતા.
સુબેદાર રામ ચંદ્ર યાદવ કહે છે, "જો આ ચાર્લી કંપની શહીદ ના થઈ હોત તો લેહ, કારગીલ, જમ્મુ કાશ્મીર પર પણ ખતરો હતો. આ લોકોએ જ ચીનાઓને રોક્યા હતા. તેમને એટલો મોટો ફટકો પડ્યો હતો કે તેમણે સામેથી જ યુદ્ધવિરામ કરી લીધો. આપણે યુદ્ધ વિરામ નહોતો કર્યો."
યાદવ કહે છે, "હું તમને જણાવું કે લડાઈના ચાર દિવસ પહેલાં જ અમારી પાસે સંદેશ આવ્યો હતો કે તમે પાછળ હટી જજો. મેજર શેતાનસિંહે કહ્યું હતું કે હું મારા સૈનિકો સાથે આ માટે વાત કરી લઉં પછી જ તેનું પાલન કરીશ. તેમણે મને પૂછ્યું ત્યારે મેં કહ્યું હતું કે 'સાહેબ જવાનો જીવ આપી દેશે, પણ પોસ્ટ છોડશે નહી.' તે પછી મેજર સાહેબ દરેક પ્લાટૂનમાં ગયા. બધા પાસેથી તેમને એક જ જવાબ મલ્યો કે અમે મરી જઈશું પણ હઠીશું નહીં અને દુશ્મનને અહીં જ ઠાર કરી દઇશું."
યાદવ કહે છે, "ત્રણેય પ્લાટૂનની સહમતિ મળી તે પછી મેજર શેતાનસિંહે પણ કહ્યું કે મારો ઇરાદો પણ એ જ છે. તેમણે બ્રિગેડીયર રૈનાને સંદેશ મોકલ્યો હતો કે આ કંપની આ જગ્યાએથી પીછેહઠ નહીં કરે."
"લડાઈ ખતમ થઈ તેના ત્રણ મહિના પછી મેજર શેતાનસિંહના પાર્થિવ દેહના અંતિમસંસ્કાર જોધપુરમાં રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. બાકીના જવાનોની સામુહિક ચિતા બટાલિયન હેડક્વાર્ટરની સામે જ કરવામાં આવી હતી.
રેઝાંગ લામાં વીર સૈનિકોનું સ્મારક આજે પણ તેમની બહાદુરીની યાદ અપાવે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












