Mother's Day : પોતાના ગુમ થયેલા પુત્રને 32 વર્ષે શોધી કાઢનાર માની કહાણી

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, સિન્ડી સુઈ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
લી જિંગ્ઝીએ તેના પુત્ર મેઓ યીનની શોધમાં ત્રણ દાયકાથી પણ વધુ સમય વીતાવી દીધો, જેનું 1988માં અપહરણ કરીને વેચી દેવામાં આવ્યો હતો. તેમણે ફરીથી પોતાના પુત્રનું મોં જોવાની આશા ગુમાવી દીધી હતી, પણ મે મહિનામાં તેમને એક કૉલ આવ્યો જેની તેઓ રાહ જોતાં હતાં.
મધ્ય ચીનના શાંક્સી પ્રાંતની રાજધાની શિયાનમાં રહેતાં જિંગ્ઝી અને તેમના પતિ તેમના બાળક મેઓ યીનને વીકએન્ડમાં પ્રાણીસંગ્રહાલય અથવા તો શહેરના બગીચાઓમાં લઈ જતાં હતાં અને આ રીતે ફરવા જવાની ઘટનાઓ તેમની સ્મૃતિમાં કેદ થઈ ગઈ છે.
મેઓ યીન તેમનું એકમાત્ર સંતાન હતું. ચીનની વન-ચાઇલ્ડ પૉલિસી અમલી હોવાથી વધુ સંતાન પેદા કરવાનો પ્રશ્ન જ નહતો. તેઓ ઇચ્છતા હતા કે યીન ખૂબ ભણે અને સફળતા મેળવે. એટલે જ તેમણે તેનું હુલામણું નામ જિયા જિયા રાખ્યું હતું, જેનો અર્થ થાય છે ‘ગ્રેટ’.
જિયા જિયા ડાહ્યો, આજ્ઞાકારી અને સંવેદનશીલ બાળક હતો. તેને રડવું ગમતું ન હતું. તે ખૂબ ચપળ અને જોતાં જ ગમી જાય તેવો હતો. જિંગ્ઝી અને તેમના પતિ સવારે બાળમંદિરમાં છોડી દે અને નોકરી પત્યા પછી લેતા આવે. આ તેમનો નિત્યક્રમ હતો.
જીંગ્ઝી કહે છે, ‘દરરોજ ઑફિસ પૂરી થયા પછી હું મારા બાળક સાથે રમતી હતી.’
જિંગ્ઝી અનાજની નિકાસ કરતી કંપનીમાં કામ કરતાં હતાં અને લણણીની મોસમના સમયે તેમને ગામડાંમાં સપ્લાયરની મુલાકાત લેવા કેટલાક દિવસો માટે શહેર છોડીને જવું પડતું હતું.
જિયા જિયા તેમના પિતા સાથે ઘેર રહેતો હતો. આવી એક ટ્રિપમાં જિંગ્ઝીને તેમની ઑફિસમાંથી સંદેશો આવ્યો કે, તાત્કાલિક ઘેર પાછા આવી જાવ.

જિંગ્ઝી કહે છે કે, “એ વખતે સંદેશાવ્યવહાર આજની જેમ આધુનિક નહોતો. તેથી મને છ શબ્દ લખેલો ટેલિગ્રામ મળ્યોઃ ઇમરજન્સી ઍટ હોમ, રિટર્ન રાઇટ અવે. મને ના સમજાયું કે શું થયું છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ શિયાન પાછી આવ્યાં, જ્યાં મૅનેજરે તેમને દુઃખદાયક સમાચાર આપ્યા.
જિંગ્ઝી કહે છે કે, "અમારા લીડરે એક જ વાક્ય કહ્યું, તમારો પુત્ર ગાયબ છે. મારું મગજ તો બહેર મારી ગયું. મને લાગ્યું કે અહીંતહીં ગયો હશે. મને બિલકુલ અંદાજ નહતો કે હું તેને શોધી નહીં શકું."
આ ઑક્ટોબરની વાત છે અને જિયા જિયા બે વર્ષ અને આઠ મહિનાનો હતો.
જિંગ્ઝીના પતિએ કહ્યું કે તેમણે જિયા જિયાને બાળમંદિરમાંથી પિક અપ કર્યો હતો અને ઘરે જતા રસ્તામાં તેમના પરિવારની માલિકીની નાની હોટલ ખાતે પાણી પીવા રોકાયા હતા. પાણી પીવા માટે તેમણે માંડ એક કે બે મિનિટ માટે જિયા જિયાને એકલો મૂક્યો હતો અને પાછા આવીને જુએ છે તો જિયા જિયા ગાયબ હોય છે.
જિંગ્ઝીને લાગ્યું કે તે બહુ જલદીથી પુત્રને શોધી કાઢશે.

તેઓ કહે છે, “મને લાગ્યું કે કદાચ મારો પુત્ર રસ્તો ભૂલી ગયો હશે તેથી ઘરે નહીં પહોંચ્યો હોય અને કોઈ દયાળુ માણસ તેને મારા ઘરે પાછો મૂકી જશે.”
પણ જ્યારે એક સપ્તાહ વીતી ગયું અને કોઈ તેને પોલીસ સ્ટેશનમાં મૂકી ન ગયું ત્યારે જિંગ્ઝીને સમજાયું કે સ્થિતિ ગંભીર છે. તેમણે પેલી હોટલની નજીકનાં ઘરો કે દુકાનોમાં પૂછવાનું શરૂ કર્યું કે જિયાને જોયો છે.
તેમણે જિયાની તસવીરો ધરાવતા એક લાખ કાગળો છપાવ્યા અને શિયાનના રેલવે અને બસસ્ટેશનોમાં વિતરીત કર્યા. તેમણે સ્થાનિક અખબારોમાં ગુમ થયેલી વ્યક્તિઓની કૉલમમાં જાહેરાત પણ આપી. પણ બધું નિષ્ફળ.
જિંગ્ઝી કહે છે, “મારું હૃદય રડી ઊઠતું. મારે રડવું હતું, ચીસો પાડવી હતી.”
જ્યારે પણ તેઓ પોતાના ગુમ થયેલા પુત્રનાં કપડાં, તેનાં નાનાં જૂત્તાં અને રમકડાં જોતી ત્યારે રડવું રોકી નહોતા શકતાં. એ સમયે જિંગ્ઝી ચીનમાં બાળકોને વેપાર થતો હોવાની ઘટનાઓથી અજાણ હતાં.
ચીનની ઝડપથી વધતી જતી વસતિ રોકવા અને ગરીબીનાબૂદીના પ્રયાસમાં 1979માં વન-ચાઇલ્ડ પૉલિસી દાખલ કરવામાં આવી હતી.
શહેરોમાં રહેતા લોકોને માત્ર એક જ બાળક હતું, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને જો પ્રથમ બાળક પુત્રી હોય તો બીજું બાળક પેદા કરતા હતા.
વંશવેલો આગળ વધારવા અને ઘડપણમાં પોતાની સંભાળ રાખવા માટે પુત્ર ઇચ્છતાં દંપતીએ સંતાન પેદા કરવાના પ્રયાસ છોડી દીધા હતા, કારણ કે તેમને ભારે દંડ થતો હતો અને બીજું સંતાન કરે તો તેને સામાજિક લાભ મળતા નહોતા.
આ પૉલિસીને કારણે બાળકોનાં અપહરણ, ખાસ કરીને છોકરાને ઉપાડી જવાની ઘટના વધી ગઈ હતી. પણ જિંગ્ઝીને તેની કોઈ જ જાણ ન હતી.

તેઓ કહે છે, “કેટલીક વાર ટીવી પર ગુમ બાળક અંગેની નોટિસ આવતી હતી, પણ મેં ક્યારેય વિચાર્યું નહતું કે આવાં બાળકોનું અપહરણ કરીને તેમને વેચી નાખવામાં આવે છે. મને તો એમ જ કે તેઓ ગુમ થઈ ગયાં હશે.”
જિયા જિયા ગુમ થયો પછી તેની પ્રથમ પ્રતિક્રિયા તેમના પતિ પર દોષ ઢોળવવાની હતી. એ પછી તેમને સમજાયું કે તેમણે બંનેએ મળીને પુત્રને શોધવો જોઈએ.
જેમ સમય વીતતો ગયો તેમ પુત્રને શોધવામાં અને તેના વિયોગમાં એવાં ઝૂરવાં માંડ્યાં કે બંને જણ ભાગ્યે જ વાત કરતાં હતાં અને ચાર વર્ષ બાદ તેમણે છૂટાછેડા લઈ લીધા.
પણ જિંગ્ઝીએ શોધઅભિયાન ક્યારેય બંધ ન કર્યું.
દર શુક્રવારે બપોર પછી તેઓ પોતાનું કામ પૂરું કરે પછી જિયા જિયાને શોધવા નજીકના પ્રાંતોની ટ્રેન પકડીને વ્હાલા પુત્રની શોધમાં લાગી જાય અને સોમવારે સવારે કામ પર પાછા ફરવાનું હોવાથી રવિવારે સાંજે પાછાં આવી જાય.
જ્યારે પણ તેમને જિયા જિયા જેવા દેખાતા છોકરાના સગડ મળે ત્યારે તેઓ ત્યાં દોડતાં પહોંચી જતાં.
એ જ વર્ષે તેઓ દૂર આવેલા શાંક્સી પ્રાંતની લાંબા અંતરની બસ પકડીને નીકળી પડ્યાં અને ત્યાંથી કોઈ ગામડાંની બસ પકડી જ્યાં એક દંપતીએ જિયા જિયા જેવા દેખાતા બાળકને શિયાનથી દત્તક લીધો હોવાનું જાણવા મળ્યું હતું. પણ, એ દંપતી ખેતરમાંથી પાછું આવે તેની સાંજ સુધી રાહ જોયા પછી તેમને જાણવા મળ્યું કે એ દંપતી તો બાળકને લઈને શિયાન ગયું છે.
તેઓ પાછી નીકળી પડ્યાં પોતાના ઘરે જવાં. બીજા દિવસે સવારે શિયાન પોતાના ઘરે પહોંચ્યાં.
પેલું દંપતી જે ઘરમાં ભાડે રહેતું હતું ત્યાં તેઓ કલાકો સુધી બેસી રહ્યાં, છેવટે મકાનમાલિક પાસેથી જાણવા મળ્યું કે તેઓ બે દિવસ પહેલાં જ બીજા શહેરમાં ચાલ્યું ગયું છે. તેઓ એ શહેર ગયાં.
રાત થઈ ગઈ હતી છતાં દંપતીને શોધવામાં એક હોટલથી બીજી હોટલ ભટક્યાં. જ્યારે તેમને એ હોટલ મળી જ્યાં પેલું દંપતી રોકાયું હતું, પણ અફસોસ, તે ત્યાંથી જતું રહ્યું હતું.
તેમ છતાં તેઓ હિંમત ન હાર્યાં. મધરાત થઈ ગઈ હતી છતાં તેઓ દંપતીમાંથી પતિનાં માબાપની શોધમાં બીજા શહેર ગયાં પણ પેલું દંપતી ત્યાં ન હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તેઓ પત્નીના હોમ ટાઉન જવા માગતાં હતાં પણ બે દિવસથી પૂરતું ભોજન અને ઊંઘ ન લીધાં હોવાથી આરામ કરવા બેસી ગયાં, જ્યાં તેમને એક મહિલા અને બાળક દેખાયાં. પણ એ બાળક તેમનો પુત્ર નહોતો.
જિંગ્ઝી કહે છે, “હું ખૂબ નિરાશ થઈ ગઈ. મને મારા પુત્રનો અવાજ સંભળાતો હતો. મારી માતાને ચિંતા થઈ કે હું પાગલ તો નહીં થઈ જાઉં ને.”
દર સવારે ઊઠતાંની સાથે જ તેમને પુત્રનો અવાજ સંભળાતો. રાત્રે તેમને તે મમ્મા, મમ્મા કહીને રડતો હોવાનાં સ્વપ્ન આવતાં.
તબિયત બગડતાં ડૉક્ટરની સલાહથી તેઓ હૉસ્પિટલમાં દાખલ થયાં. જિંગ્ઝીએ કહ્યું, "ડૉક્ટરે મને કહ્યું કે હું તમારી શારીરિક બીમારીની સારવાર કરી શકું, પણ તમારા હૃદયની બીમારીની સારવાર તમારે પોતે જ કરવી પડશે. ડૉક્ટરની આ સલાહે મારા પર મોટી અસર કરી."
"હું આખી રાત વિચારતી રહી. મને થયું કે હું આવી રીતે નહીં જીવી શકું. મારે મારી લાગણીઓ કાબૂમાં રાખવી પડશે."
"જો હું ગાંડી થઈ જઈશ તો હું મારા પુત્રને શોધવા બહાર નહીં જઈ શકું. અને એક દિવસ તે પાછો ફરશે અને મને ગાંડી હાલતમાં જોશે તો મારા માટે એ ખૂબ દયાજનક સ્થિતિ હશે.”

એ દિવસથી તેમણે નારાજ થવાનું છોડી દીધું. એમણે તમામ ઊર્જા પુત્રને શોધવામાં લગાવી દીધી. આ દરમિયાન જિંગ્ઝીને જેમનાં બાળકો ગુમ થઈ ગયાં એવાં અનેક માબાપની માહિતી મળી.
તેમણે બધાંએ ભેગાં મળીને ચીનના મોટા ભાગના પ્રાંતમાં નેટવર્ક રચ્યું.
તેઓ પોતાનાં ગુમ બાળકોની તસવીર અને માહિતી ધરાવતા લીફલેટની આપલે કરીને જે તે પ્રાંતમાં તેને વિતરીત કરતાં.
આ નેટવર્કને અનેક સગડ મળ્યા પણ જિયા જિયા સુધી ન પહોંચી શકાયું. વ્હાલા બાળકની શોધમાં જિંગ્ઝી ચીનના 10 પ્રાંતમાં ફરી આવ્યાં.
આમ ને આમ, 19 વર્ષ વીતી ગયાં. જિંગ્ઝી હવે ગુમ થયેલાં બાળકોનું પરિવાર સાથ મિલન કરાવી આપતી વેબસાઇટ બેબી કમ હોમ સાથે સ્વૈચ્છિક રીતે કામ કરતાં હતાં.
જિંગ્ઝી કહે છે, "મને બિલકુલ એકલું લાગતું નહતું. અનેક સ્વયંસેવકો અમારાં બાળકો શોધી આપવામાં મદદ કરતા હતા. એનો અન્ય એક લાભ હતો. મેં વિચાર્યું કે જો મારું બાળક નહીં મળે તો પણ હું અન્ય બાળકને તેમનાં ઘરે પહોંચાડવામાં તો મદદ કરી શકીશને.”
2009ની વાત છે. ચીની સરકારે ડીએનએ ડેટાબેઝ સ્થાપ્યો જેમાં પોતાનાં બાળકોનું અપહરણ થયું હોવાની શંકા ધરાવતાં દંપતી પોતાનું ડીએનએ રજિસ્ટર કરી શકે છે. આ મોટું પગલું હતું અને તેણે હજારો કેસો શોધવામાં મદદ કરી.
ગુમ થયેલાં મોટાં ભાગનાં બાળકો પુત્ર હતા. એમને ખરીદનાર દંપતી નિઃસંતાન હોય છે અથવા તેમને પુત્રી હોય પણ પુત્ર નથી હોતા. આમાંનાં મોટાં ભાગનાં દંપતી ગામડાંનાં હોય છે. છેલ્લા બે દાયકામાં બેબી કમ હોમ સહિતની અન્ય સંસ્થાઓ સાથે જોડાવા દરમિયાન જિંગ્ઝીએ 29 બાળકોનું તેમના માબાપ સાથે મિલન કરાવ્યું છે.

ઇમેજ સ્રોત, CCTV
તેઓ કહે છે, “હું મારી જાતને પૂછતી, હું કેમ મારા બાળકને નથી શોધી શકતી? પણ હું જ્યારે અન્ય માબાપને તેમના મળેલા સંતાનને ચૂમતાં જોઉં છું ત્યારે હું તેમના માટે ખુશ થાઉં છું. મને થાય કે કાશ, મને પણ આ દિવસ જોવા મળે. મને આશા જાગતી કે એક દિવસ આવશે જ્યારે હું પણ મારા વ્હાલસોયાને ગળે લગાડીશ.”
જોકે એવો પણ સમય પણ આવતો કે તેઓ જિયા જિયા મળવાની આશા લગભગ ગુમાવી બેસતાં.
તેઓ કહે છે, “હું ખૂબ નિરાશ થતી પણ હું આશાને મરવા ન દેતી. મારી મા મને પુત્રની શોધ ચાલુ રાખવાનું યાદ અપાવતી હતી. મારી મા 2015માં 94 વર્ષની વયે અવસાન પામી. છેલ્લા શ્વાસ સુધી તે જિયા જિયાને યાદ કરતી હતી. એક વાર તેણે કહેલું કે સ્વપ્નમાં જિયા જિયા આવ્યો છે. હવે તો 30 વર્ષ થયાં, હવે તો તેણે પાછું આવી જવું જોઈએ.”
"મારી માનું 15 જાન્યુઆરી 2015નાં રોજ અવસાન થયું અને લુનાર કૅલેન્ડર પ્રમાણે તે જિયા જિયાનો જન્મદિવસ હતો. મને લાગ્યું કે આ ભગવાનની લીલા છે જે મને મારા માતાને નહીં ભૂલવા દે જેણે મને જન્મ આપ્યો અને એ પુત્રની પણ યાદ અપાવશે જેને મેં જન્મ આપ્યો."
એ જ વર્ષે 10મેએ મધર્સ ડેના રોજ તેમને શિયાનની પબ્લિક સિક્યૉરિટી બ્યૂરો ઑફિસમાંથી આશ્ચર્યજનક સમાચાર સાથે ફોન આવ્યો, મેઓ યીન મળી ગયો છે.
જિંગ્ઝી કહે છે, “ખરેખર આ સાચું છે એવો વિશ્વાસ કરવાની મારી હિંમત જ નહતી.”
બન્યું એવું કે એપ્રિલ મહિનામાં કોઈએ તેમને એક વ્યક્તિની માહિતી આપી જેને અનેક વર્ષો પહેલાં શિયાનથી લાવવામાં આવી હતી.
એમાં એક પુખ્ત યુવકની તસવીર હતી. જિંગ્ઝીએ પોલીસને એ તસવીર આપી.
700 કિલોમીટર દૂર સિચુઆન પ્રાંતના ચેંગડું નામના શહેરમાં રહેતા આ યુવકને ઓળખવા માટે તેમણે ફેસિયલ રેકગનિશન ટેકનોલૉજી અપનાવી.
પોલીસે તેને ડીએનએ ટેસ્ટ કરવા મનાવ્યો. 10મેના રોજ રિઝલ્ટ આવ્યું અને તેનો ડીએનએ જિંગ્ઝી સાથે મેચ થતો હતો.
પછીના સપ્તાહે પોલીસે ફરીથી ડીએનએ ટેસ્ટ કરવા બ્લડ સૅમ્પલ લીધાં અને નિઃશંક પણે સાબિત થયું કે બંને માતા-પુત્ર જ છે.
જિંગ્ઝી કહે છે, “મને ડીએનએ રિઝલ્ટ જણાવ્યું ત્યારે જ મેં માન્યું કે મારો પુત્ર ખરેખર મળી ગયો છે.”
32 વર્ષ અને 300થી વધુ ખોટી લીડ બાદ શોધખોળ પૂરી થઈ.

ઇમેજ સ્રોત, COPYRIGHTCCTV
માતા-પુત્રના પુનર્મિલન માટે સોમવાર, 18 મે નિર્ધારિત કરવામાં આવ્યો. જિંગ્ઝી નર્વસ હતાં.
તેમનો પુત્ર તેના વિશે શું અનુભવશે તેની તેમને ખબર નહોતી. હવે તે પુખ્ત, પરિણીત હતો અને પોતાનો ઇન્ટિરિયર ડેકૉરેશન બિઝનેસ ચલાવતો હતો.
જિંગ્ઝી કહે છે, “પુનર્મિલન પહેલાં મને અનેક ચિંતાઓ હતી. એ મને નહીં ઓળખે તો, મને નહીં અપનાવે તો મને ભૂલી ગયો હશે તો?"
"હું તેને ગળે લગાડવા ગઈ ત્યારે બહુ ડરતી હતી કે તે મને ગળે નહીં લગાડે તો? મને થયું કે જો તેવું આવું કરશે તો હું વધુ દુઃખી થઈશ કે 32 વર્ષથી હું જેને શોધતી હતી તે મારા પ્રેમ અને મારા વ્હાલને સ્વીકારતો નથી.”
ગુમ બાળકોની સમસ્યા અંગેના ટેલિવિઝન ટૉક શોમાં વારંવાર જતાં હોવાથી તેમનો કેસ ખૂબ ચર્ચાસ્પદ બની ગચો હતો અને મીડિયા પણ આ સ્ટોરીના રિપોર્ટિંગ માટે રોમાંચિત હતું.
પુનર્મિલનના દિવસે શિયાનના પબ્લિક સિક્યૉરિટી બ્યૂરોના હૉલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેનું ચાઇના સૅન્ટ્રલ ટેલિવિઝન (CCTV)એ જીવંત પ્રસારણ કર્યું હતું.
મેઓ યીને દોડીને પોતાની માતાને બાથમાં લીધાં અને એ સાથે જ માતા, પુત્ર અને પિતા ચોધાર આંસુએ રડી પડ્યાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જિંગ્ઝી કહે છે, “એ જ રીતે મેઓ દોડ્યો જેવું તે બાળક હતો ત્યારે મારી તરફ દોડતો હતો.”
જિંગ્ઝીને પછીથી જાણવા મળ્યું કે, અપહરણ થયાના એક વર્ષ બાદ જિયા જિયાને સિચુઆન પ્રાંતમાં 6,000 યુઆન (આજના 690 પાઉન્ડ કે 840 ડૉલર)માં નિઃસંતાન દંપતીને વેચી દેવામાં આવ્યો હતો. તેને અપનાવનાર માબાપે તેનું નામ જુ નિંગનિંગ રાખ્યું હતું અને તેને એકમાત્ર સંતાન તરીકે ઉછર્યો હતો.
તે ચેંગડુ શહેરમાં ભણ્યો હતો. વિટંબણા જુઓ કે, થોડાં વર્ષો પહેલાં તેણે ટીવીમાં જિંગ્ઝીને જોયાં હતાં અને તેને લાગ્યું કે આ કોમળ હૃદયની નારી છે. તેને એમ પણ થયું કે જિંગ્ઝીએ ટીવીમાં બતાવેલી તસવીર તે જ્યારે બાળક હતો તે વખત જેવી લાગે છે. પણ તે કોઈ અનુસંધાન ન સાધી શક્યો.
જિંગ્ઝીને તેના પુત્ર અંગેના સગડ આપનાર વ્યક્તિ અનામી રહેવાનું પસંદ કરે છે.
પુનર્મિલન પછી જિયા જિયા શિયાનમાં પોતાના જૈવિક માબાપ સાથે એક મહિનો રહ્યો.
આ સમયગાળામાં માતા-પિતાએ અને પુત્રે જૂના ફોટો જોઈને પસાર કર્યા. એવી આશા સાથે કે તસવીરો જોઈને કદાચ જિયા જિયાની સ્મૃતિ તાજી થાય. પણ જિયા જિયાને ચાર વર્ષની વયે દત્તક માબાપ સાથે રહેવા ગયો તે પહેલાંનું કશું જ યાદ નહોતું.
જિંગ્ઝી કહે છે, "અમે પહાડોમાં ગયા હતા અને નીચ ઊતરતા હતા ત્યારે મેં કહ્યું, 'જિયા જિયા.. મમ્મા તને ઊંચકવા માગે છે.' પણ હું તેને ઊંચકી ન શકી. એ બહુ મોટો થઈ ગયો હતો.”

"મને થાય છે કે તે બાળક હતો ત્યારથી ફરીથી જીવન શરૂ ન થઈ શકે? કાશ અમે આ 32 વર્ષનો અવકાશ પૂરો કરી શકીએ? મેં તેને કહ્યું, જિયા જિયા, શું તું ફરીથી નાનો ના થઈ શકે?"
"તું બે વર્ષ અને આઠ મહિનાથી શરૂઆત કર અને મમ્મા 28 વર્ષથી શરૂઆત કરશે. ચાલ, આપણે ફરીથી આપણી જિંદગી જીવીએ?"
પણ જિંગ્ઝી જાણે છે કે હકીકતમાં આ શક્ય નથી.
જિયા જિયા ચેંગડુંમાં રહે છે અને જિંગ્ઝી હજુ પણ શિયાનમાં જ રહે છે.
ઘણા લોકોએ સૂચન કર્યું કે જિંગ્ઝીએ જિયા જિયાને મનાવીને પોતાના ઘરે લઈ આવવો જોઈએ.
જિંગ્ઝી આમ કરવાનું પસંદ કરે પણ તે પુત્રની જિંદગી જટિલ બનાવવા નથી માગતી.
જિંગ્ઝી કહે છે, “તે હવે મોટો થઈ ગયો છે, તેના પોતાના વિચાર છે. તેનું પોતાનું જીવન છે. તે પરણી ગયો છે અને તેનો પોતાનો પરિવાર છે. હું તો દૂરથી જ તેની ખુશીમાં ખુશ છું. મારો પુત્ર ક્યાં છે તે મને ખબર છે અને તે જીવિત છે એ ખબર છે. એ પૂરતું છે.”
તેઓ વીચેટ પર સંદેશાવ્યવહાર કરે છે. જિયા જિયા ઇન્ટરવ્યૂ આપવાનું પસંદ નથી કરતો અને પોલીસ પણ તેના દત્તક માબાપ અંગેની માહિતી આપતી નથી.
32 વર્ષ પહેલાં જિયા જિયાને કોણ ઉઠાવી ગયું એ પોલીસ શોધી કાઢશે એવો જિંગ્ઝીને વિશ્વાસ છે.
તે ગુનેગારોને સજા અપાવવા માગે છે. હવે તે પોતાના પુત્ર સાથે નવી સ્મૃતિનું સર્જન કરવા માગે છે. તેમણે પુનર્મિલન પછી અનેક તસવીરો ખેંચી છે.
જિંગ્ઝી કહે છે કે, ચીનની સરકાર અને ચીનના મીડિયાએ કરેલા પ્રયાસોને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બાળકોના અપહરણની સંખ્યા ઘટી છે. પણ હજુ અનેક પરિવારો પોતાનાં ગુમ થયેલાં સંતાનોને અને અનેક મોટાં બાળકો પોતાના જૈવિક માબાપને શોધે છે.
જિંગ્ઝી કહે છે, “હું આવા લોકોનું તેમના પરિવારજનો સાથે મિલન કરાવવામાં મદદ કરતી રહીશ.”
(જ્યાં નિર્દિષ્ટ ન કર્યું હોય તે સિવાયની તસવીરો લી જિંગ્ઝીના સૌજન્યથી)


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












