બ્રિટિશરો સામે લડનાર આ મુસ્લિમ ક્રાંતિકારી સામે સંઘને વાંધો કેમ?

વેરિયનકુન્નાથ હાજીનો જન્મ કેરળના મલબાર જિલ્લાના એરનાડ તાલુકાના નેલ્લીકોટ્ટુ ગામ ખાતે સંપન્ન મુસ્લિમ પરિવારમાં થયો

ઇમેજ સ્રોત, Instagram/DominoTailors

ઇમેજ કૅપ્શન, વેરિયનકુન્નાથ હાજીનો જન્મ કેરળના મલબાર જિલ્લાના એરનાડ તાલુકાના નેલ્લીકોટ્ટુ ગામ ખાતે સંપન્ન મુસ્લિમ પરિવારમાં થયો
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'ડિક્ષનરી ઑફ માર્ટયર ઑફ ઇન્ડિયાઝ ફ્રિડમ સ્ટ્રગલ'માંથી મલબાર વિદ્રોહના નેતા વેરિયનકુન્નાથ હાજી, અલી મુસાલિયર અને મોપલા વિદ્રોહમાં માર્યા ગયેલાઓનાં 387 વિદ્રોહીઓના નામ હઠાવી લેવાશે.

સંસ્કૃતિ મંત્રાલય અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR) દ્વારા આ ડિક્ષનરી પ્રકાશિત કરવામાં આવે છે.

આ ડિક્ષનરીની પાંચમી એડિશનમાં કરાયેલી ઍન્ટ્રીની સમિક્ષા કરનારી ત્રણ સભ્યોની પૅનલે આ અંગેનું સૂચન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પૅનલે મતે 1921માં થયેલો આ બળવો સ્વતંત્રતાસંગ્રામનો હિસ્સો નહોતો પણ રૂઢિવાદી ચળવળ હતી, જેનું ધ્યાન ધર્મપરિવર્તન પર કેન્દ્રીત હતું. પૅનલે એવું પણ નોંધ્યું છે કે બળવા દરમિયાન રાષ્ટ્રવાદી અને બ્રિટનવિરોધી નારા પણ નહોતા પોકારાયા.

આ પહેલાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પ્રકાશિત પુસ્તક 'ડિક્શનરી ઑફ માર્ટયર ઑફ ઇન્ડિયાઝ ફ્રિડમ સ્ટ્રગલ' મુજબ તેઓ ક્રાંતિકારી હતા.

જોકે, સંઘ તેમને હિંદુવિરોધી માને છે, પરંતુ ખુદ મોદીએ જ પુસ્તકનું વિમોચન કર્યું હતું.

એ વખતે સંઘ તેનો દબાયેલા સૂરે વિરોધ કરી રહ્યો હતો અને સોશિયલ મીડિયા ઉપર તેમની વિરુદ્ધ માહોલ ઊભો થયો હતો.

line

કોણ હતા વેરિયનકુન્નાથ કુનહામદ હાજી?

ડિક્શનરી ઑફ માર્ટયર ઑફ ઇન્ડિયાઝ ફ્રિડમ સ્ટ્રગનું લૉન્ચિંગ કરતા વડા પ્રધાન

ઇમેજ સ્રોત, pmindia.gov.in

ઇમેજ કૅપ્શન, 'ડિક્શનરી ઑફ માર્ટયર ઑફ ઇન્ડિયાઝ ફ્રિડમ સ્ટ્રગલ'નું લૉન્ચિંગ કરતા વડા પ્રધાન

કેટલાકના મતે એ વ્યક્તિ ક્રાંતિકારી ચળવળકર્તા હતા, કેટલાકના મતે તેઓ 'ખિલાફત આંદોલન'નું નેતૃત્વ લેનાર મુસ્લિમ નેતા હતા, કેટલાકના મતે તેઓ હિંદુઓના હત્યારા, મંદિરોને લૂંટનારા, હિંદુઓનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવનારા હતા.

બ્રિટિશ સરકારના મતે તેઓ 'મોટા બળવાખોર નેતા' હતા, જેમણે સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો.

આ વાત વેરિયનકુન્નાથ કુનહામદ હાજીની છે, જેમણે 1921માં કેરળના અમુક વિસ્તારમાંથી બ્રિટિશરોનું શાસન ઉખાડીને પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું.

વેરિયનકુન્નાથ હાજીનો જન્મ કેરળના મલબાર જિલ્લાના એરનાડ તાલુકાના નેલ્લીકોટ્ટુ ગામ ખાતે સંપન્ન મુસ્લિમ પરિવારમાં થયો હતો.

પોર્ટુગીઝ, ડચ તથા બ્રિટિશરો દ્વારા પોતાના પરિવાર તથા તેમના 'મોપાલા' સમુદાય ઉપર થયેલા અત્યાચારની કહાણીઓ સાંભળી હતી, એટલે તેમનામાં તત્કાલીન બ્રિટિશ સરકાર વિરુદ્ધ રોષ હતો.

આથી તેઓ પિતા સાથે તત્કાલીન બ્રિટિશ સરકાર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થયા. જેથી બંનેને દેશનિકાલ કરવામાં આવ્યા.

પિતા-પુત્રને દેશનિકાલ કરાતાં તેઓ મુસ્લિમોના પવિત્ર શહેર મક્કામાં જઈને થોડો સમય માટે રહ્યા હતા.

ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ભારતના શહીદો અંગે પ્રકાશિત પુસ્તકશ્રેણીના પાંચમા ખંડ મુજબ, વેરિયનકુન્નાથના જીવન ઉપર તેમના પિત્રાઈ ભાઈ અલી મુસાલિયરનો ભારે પ્રભાવ હતો.

જેઓ એ સમયમાં ઉચ્ચ અભ્યાસ માટે મક્કા ગયા હતા. જ્યાં તેમણે ઇસ્લામિક ઇતિહાસ, શરિયત તથા ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો.

1907માં અલી તિરુરાંગડી મસ્જિદના મુખ્ય મુસાલિયર બન્યા. તેઓ મલબાર પ્રાંતમાં ખિલાફત આંદોલનનો મુખ્ય ચહેરો હતા.

પોલીસ ખિલાફતના નેતાઓને શોધવા માટે મસ્જિદમાં પ્રવેશી જેના કારણે ધાર્મિક લાગણી ઉશ્કેરાઈ ગઈ હતી.

અલી મુસાલિયર પોતાના ટેકેદારો સાથે મળીને ખિલાફત આંદોલનમાં પકડાયેલા નેતાઓને છોડાવવા માટે પોતાના સમર્થકો સાથે પોલીસ સ્ટેશન ગયા, જ્યાં પોલીસે તેમના ઉપર ગોળીબાર કર્યો, જેમાં અનેક લોકોનાં મૃત્યુ થયાં.

21મી ઑગસ્ટે એરનાડ ઉપરાંત વાલુવાનંદ તથા પુન્નાની તાલુકામાં પણ બ્રિટિશ સરકાર વિરુદ્ધ આક્રોશ ફેલાઈ ગયો અને 'માર્શલ લૉ' લાદવામાં આવ્યો. તરત જ અંગ્રેજ સેનાની 'ગુરખા રેજિમૅન્ટ'ને મોકલવામાં આવી.

આ સૈન્ય ટુકડીએ મસ્જિદમાંથી બળવાખોરોને ખદેડી નાખ્યા. અલી મુસાલિયર તથા તેમના સાથીઓની ધરપકડ કરવામાં આવી અને તેમની ઉપર ખટલો ચલાવવામાં આવ્યો.

બ્રિટિશ શાસન દરમિયાન સવલતો અને વગ ગુમાવનારા 'મોપાલા' (કે મોપિલા)માં સરકાર સામે આક્રોશ હતો, જેને 'ખિલાફત આંદોલન'એ વેગ આપ્યો. Encylopedia Dictionary Islam Muslim world (Pg. 458 & 459) મુજબ 'મોપાલા' શબ્દનો મતલબ 'અપ્રવાસી' એવો થાય છે.

આ શબ્દ 'મહા' (મહાન) તથા 'પીલા' (સંતાન)નો બનેલો છે. અગાઉ કેરળમાં મરી-મસાલા તથા તેજાનાનો વેપાર કરવા આવનારા ખ્રિસ્તીઓ તથા મુસ્લિમો માટે આ શબ્દ વાપરવામાં આવતો હતો.

આ શબ્દનો એક મતલબ 'જમાઈ' કે 'વરરાજા' એવો પણ થાય છે. સ્થાનિકો સાથે આંતરલગ્નોના સંદર્ભમાં શબ્દ વાપરવામાં આવતો હોય, તેને જ સર્વસ્વીકાર્ય માનવામાં આવે છે. જે પરસ્પરના આર્થિક સંબંધ, મલયાલીઓના આરબ ધર્મ પ્રત્યે સન્માન પણ સૂચવે છે.

ભારતમાં યુરોપિયનોના આગમન સુધી મોપાલીઓનો વિકાસ થતો રહ્યો. જોકે તેઓ જમીનના માલિક બની શકે તેમ ન હતા અને આરબો સાથેના વેપાર ઉપર આધારિત હતા, પરંતુ યુરોપિયનોના આગમન બાદ તેમના વેપારને ફટકો પડ્યો હતો અને તેઓ આર્થિક કંગાળિયતમાં ધકેલાઈ ગયા.

એક સમયના સમૃદ્ધ વેપારીઓ ભૂમિહીન શ્રમિક, નાના વેપાર તથા નાના પાયે માછીમારી કરવા માટે મજબૂર બન્યા.

line

મુસ્લિમ શાસકોના કાર્યકાળમાં મોપાલા

ભારતમાં યુરોપિયનોના આગમન સુધી મોપાલીઓનો વિકાસ થતો રહ્યો

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ભારતમાં યુરોપિયનોના આગમન સુધી મોપાલીઓનો વિકાસ થતો રહ્યો

ઉપરોક્ત સંદર્ભગ્રંથની નોંધ પ્રમાણે, 1755-99ના ગાળામાં મલબારનો વિસ્તાર પાડોશના મૈસૂરના હૈદરઅલી તથા ટીપુ સુલતાનના આધિપત્ય હેઠળ આવ્યો, જેના કારણે આ વિસ્તાર ઉપર યુરોપિયનોનું પ્રભુત્વ ઘટ્યું.

મુસ્લિમ શાસન દરમિયાન મોપાલીઓમાં આશાનો સંચાર થયો, તેમને જમીનના અધિકાર મળ્યા તથા સ્થાનિક વહીવટી તંત્રમાં તેમને અમુક પદ મળ્યાં અને તેમનું વર્ચસ્વ વધ્યું.

1792માં આ વિસ્તાર બ્રિટિશ સરકારને આધીન આવ્યો અને 1947 સુધી તેમના હસ્તક રહ્યો. બ્રિટિશ શાસકોએ હિંદુ જમીનદારોના (જેનીમ) અધિકારો પુનર્સ્થાપિત કર્યા. મોપાલા ફરી હાંસિયામાં ધકેલાઈ ગયા અને વર્ચસ્વને ફરીથી સ્થાપિત કરવાની રહીસહી આશાઓ પડી ભાંગી.

કૃષક અસંતોષ, ગરીબી, ધાર્મિક ઉન્માદ તથા શાસકો સામેના આક્રોશને કારણે વર્ષ 1821થી 1921 દરમિયાન બ્રિટિશ સરકાર સામે 51 વખત નાના-મોટા હિંસક બળવા થયા.

line

હિંદુ મુસ્લિમ એક થયા ત્યારે...

'આર્ય સમાજ' દ્વારા ધર્માંતરિત હિંદુઓની 'ઘરવાપસી' માટે કેટલાંક અભિયાન ચલાવવામાં આવ્યાં હતાં અને તેમને ફરીથી હિંદુ બનાવવામાં આવ્યા

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 'આર્ય સમાજ' દ્વારા ધર્માંતરિત હિંદુઓની 'ઘરવાપસી' માટે કેટલાંક અભિયાન ચલાવવામાં આવ્યાં હતાં અને તેમને ફરીથી હિંદુ બનાવવામાં આવ્યા

મહાત્મા ગાંધીના પ્રયાસોથી બ્રિટિશ સરકાર સામે 'અસહકારનું આંદોલન' હાથ ધરવામાં આવ્યું. મુસ્લિમો 'ખિલાફત આંદોલન' હેઠળ તત્કાલીન સરકાર સામે પડ્યા. શરૂઆતમાં બંને સમુદાય સાથે મળીને લડ્યા.

બાદમાં હિંદુઓ વિરુદ્ધ કેટલીક ઘટનાઓ ઘટી, જેના કારણે હિંદુઓ ખસી ગયા અને આ ઘટનાક્રમ 'મોપાલાનો બળવો' બની રહ્યો.

પોલીસ તથા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ નાસી છૂટ્યા. હાજીએ ખુદને 'મલબારના શાસક' તરીકે જાહેર કર્યા. આ દરમિયાન તેણે પોતાના પાસપૉર્ટ, ચલણ અને કરપ્રણાલી પણ લાગુ કર્યાં. નિલામ્બર ખાતેથી લગભગ છ મહિના સુધી તેમણે શાસન ચલાવ્યું.

એ સમયે કાલિકટ વિસ્તારના ડેપ્યુટી કલેક્ટર દીવાન બહાદુર સી. ગોપાલન નાયરે નિવૃત્તિ બાદ 'ધ મોપાલા રિબિલિયન, 1921' નામનું પુસ્તક લખ્યું. જેમાં 20 પન્નાંના પરિશિષ્ઠમાં તેમણે 28 જેટલા અંગ્રેજ તથા સ્થાનિક પ્રત્યક્ષદર્શીના મોપાલાઓ દ્વારા અત્યાચારના વૃત્તાંત લખ્યાં છે.

આવાજ એક પ્રત્યક્ષદર્શી થેલ્લાપુરથ રામા કરુપના કહેવા પ્રમાણે, "24મી સપ્ટેમ્બરે બપોરે બારેક વાગ્યે 60-70 મોપાલા મારા ઘરમાં ઘૂસ્યા. તેમાંથી કેટલાકે મારા શરીર ઉપર તલવાર તાકી અને મને મારી નાખવાની ધમકી આપી."

"મેં તેમને મનપુરથ થંગલ (વેરિયનકુન્નાથ હાજીની જેમ જ અન્ય એક મોપાલા નેતા)ની દુહાઈ આપી. એક વૃદ્ધ મોપાલાએ મને છોડી દેવા કહ્યું. મારા ઘરમાંથી રૂ. 11 હજારની લૂંટ ચલાવવામાં આવી. મારા મંદિરમાં રહેલી મૂર્તિઓને લઈ ગયા અને તેને ખંડિત કરી નાખી."

"મારા ગામમાં પાંચ મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું. 40થી વધુ હિંદુઓનું ઇસ્લામમાં ધર્માંતરણ કરી દેવામાં આવ્યું. જેમાં મારી ભાણેજનો પણ સમાવેશ થાય છે. મોપાલાએ ત્રણ મહિલા સહિત 15 હિંદુઓની હત્યા કરી નાખી."

પુસ્તકની નોંધ પ્રમાણે આ નિવેદન આપ્યા બાદ પીડિતે આત્મહત્યા કરી લીધી હતી. આ પુસ્તકમાં હિંદુઓની કપાયેલી ચોટલીઓ તથા મોપાલાઓ દ્વારા અત્યાચાર પીડિતની અમુક તસવીરો પણ મૂકવામાં આવી છે.

બાદમાં 'આર્ય સમાજ' દ્વારા ધર્માંતરિત હિંદુઓની 'ઘરવાપસી' માટે કેટલાંક અભિયાન ચલાવવામાં આવ્યાં હતાં અને તેમને ફરીથી હિંદુ બનાવવામાં આવ્યા હતા.

કાલિકટ યુનિવર્સિટીના પ્રોફેસર મુજિબ રહેમાનના કહેવા પ્રમાણે, "વેરિયનકુન્નાથ હાજી હિંદુ-મુસ્લિમ એકતાનું મહત્ત્વ સમજતા હતા, એટલે જ તેમણે પોતાની ચળવળનું બિનસાંપ્રદાયિક સ્વરૂપ જાળવી રાખવા માટે પ્રયાસ કર્યો હતો."

"હાજીએ તેમના સમર્થકોને તમામ ધર્મના લોકોને પૂરતી સુરક્ષા આપવાની તથા કોઈને પણ ધર્મને કારણે પ્રતાડિત નહીં કરવાની સૂચના આપી હતી. તેમણે બ્રિટિશરોને સમર્થન આપનારા હિંદુ હોય કે મુસ્લિમ તેમને ટાર્ગેટ કર્યા હતા."

આઝાદીના લગભગ અઢી દાયકા બાદ કેરળની તત્કાલીન ડાબેરી સરકારે મોપાલા ચળવળને આઝાદીની ચળવળ તરીકે માન્યતા આપીને તેમાં સંકળાયેલાઓને પૅન્શન આપવાની જાહેરાત કરી હતી.

line

એક દિવસમાં ચાર ફિલ્મની જાહેરાત

અંગ્રેજો સામે બળવો

ઇમેજ સ્રોત, Getty Images

22મી જૂને વેરિયનકુન્નાથ હાજીના જીવન ઉપર એક જ દિવસમાં ચાર મલયાલમ ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ.

મલયાલમ ફિલ્મ અભિનેતા પૃથ્વીરાજ સુકુમારને ફેસબુક ઉપર ફિલ્મ 'વેરિયાકુન્નન' જાહેરાત કરતાં લખ્યું, "ઇતિહાસને સળગાવી દેવાયો તથા દફનાવી દેવાયો છતાં દંતકથા જીવંત રહી. એક નેતા, એક સૈનિક તથા એક દેશભક્તની દંતકથા."

ડાબેરી વિચારસરણી ધરાવતા આશિક અબુ તેનું દિગ્દર્શન કરવાના છે.

એ જ દિવસે દિગ્દર્શક ઇબ્રાહીમ વેનગારાએ હાજીના જીવન ઉપર 'ધ ગ્રેટ વેરિયાકુન્ન' નામની ફિલ્મની જાહેરાત કરી. હાજીના જીવન ઉપર એક નાટકનું ઇબ્રાહીમ મંચન કરતા રહ્યા છે, એટલે આ જાહેરાત ફિલ્મ વર્તુળ માટે આશ્ચર્યજનક ન હતી.

સાંજ પડતા સુધીમાં ફિલ્મનિર્માતા પી. ટી. કૂંજુઅહમદે 'શહીદ વેરિયાકુન્ન' ફિલ્મ બનાવવાની જાહેરાત કરી. તેઓ ડાબેરી પક્ષોના સમર્થનથી બે વખત અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

મલબાર પ્રાંતની ઐતિહાસિક ઘટના ઉપર ડાબેરીઓની હિલચાલને જોતાં મોડી રાત્રે ભાજપના નેતા અલી અકબરે ફિલ્મ '1921'ની જાહેરાત કરી.

ત્રણ નિર્માતાઓએ તેમને નાયક તરીકે રજૂ કરતી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી, તો અકબરે 'હાજીનો અસલી ચહેરો' રજૂ કરવાની વાત કહી. અકબર આ ફિલ્મ ક્રાઉડ સોર્સિંગ દ્વારા બનાવવા માગે છે.

આ પહેલાં વર્ષ 1988માં '1921'ના પ્રચલિત નામથી મલયાલમ ફિલ્મ બની હતી, જેમાં વિખ્યાત અભિનેતા મામુટી, મધુ, સુરેશ ગોપી અને ટી. એસ. રવિએ અભિનય કર્યો હતો, પરંતુ તે સમયે તેના વિશે આટલો વિવાદ નહોતો થયો.

સંઘ પરિવાર માટે આદર્શરૂપ વિનાયક દામોદર સાવરકરે આ ઘટનાક્રમ ઉપર 'મોપાલ્યાંચે બંડ અર્થાત્ મલા કાય ત્યાંચે'ના નામથી નવલકથા પણ લખી હતી.

line

વિમોચન, વિવાદ અને વિચારસરણી

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સંઘપરિવાર જેને હિંદુવિરોધી માને છે એવા વેરિયનકુન્નાથ કુનહામદ હાજીને શહીદોની યાદીમાં સમાવિષ્ટ કરતા પુસ્તકનું વિમોચન ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

બ્રિટિશ શાસન સામે 1857થી 1947 દરમિયાન અવાજ ઉઠાવનારા શહીદોનાં નામોની યાદી 'ડિક્ષનરી ઑફ માર્ટર્સ ઑફ ઇન્ડિયાઝ ફ્રિડમ સ્ટ્રગલ'ની પાંચ ખંડની ડિક્ષનરી બહાર પાડવામાં આવી હતી.

આ પુસ્તકશ્રેણીના પાંચમા ખંડમાં દક્ષિણ ભારત (કેરળ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ તથા તેલંગણા)ના 1450 જેટલા શહીદોનાં નામોનું સંકલન કરવામાં આવ્યું હતું, જેમાં પૃષ્ઠ ક્રમાંક 248 ઉપર વેરિયનકુન્નાથનું નામ મૂકવામાં આવ્યું છે, જ્યારે પૃષ્ઠ ક્રમાંક સાત ઉપર તેમના પિત્રાઈ ભાઈ અલી મુસાલિયરના નામનો ઉલ્લેખ હતો.

1857ના વિપ્લવનાં 150 વર્ષના અનુસંધાને શહીદોનાં નામોનું સંકલન કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચને આ કામ સોંપ્યું હતું.

વડા પ્રધાનની વ્યક્તિગત વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, 'મોદીએ કહ્યું હતું કે શહીદોનાં નામોનું સંકલન કરવાનો આટલો મોટો પ્રયાસ અગાઉ ક્યારેય નથી થયો. જે દેશ તેને ઘડનારાઓને યાદ નથી કરતો તથા તેમને સન્માન નથી આપતો, તેનું ભાવિ સુરક્ષિત નથી હોતું. યુવાનોને આના વિશે જાગૃત કરવાની જરૂર છે.'

બ્રિટિશ શાસન સામે આઝાદીની ચળવળ દરમિયાન મૃત્યુ પામેલ અથવા અથડામણમાં મૃત્યુ પામેલ અથવા પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલ અથવા તો જેમને મૃત્યુદંડની સજા આપવમાં આવી હોય તેમની ગણના 'શહીદ' તરીકે કરવામાં આવી છે. આવાં કુલ 13 હજાર 500 જેટલાં નામોનું સંકલન કરવામાં આવ્યું છે.

પુસ્તક શ્રેણીના ત્રીજા પુસ્તકમાં ગુજરાત (ઉપરાંત મહારાષ્ટ્ર અને સિંધ (હાલ પાકિસ્તાનમાં))ના 1400 જેટલા મૃતકોનાં નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન નેશનલ આર્મી તથા બ્રિટિશરો સામે લડતા મૃત્યુ પામેલ પૂર્વ સૈનિકોનાં નામોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.

હવે પુસ્તકમાંથી અમુક નામોને તારવીને તેના ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. કેરળમાંથી ICHRના સભ્ય સી.આઈ. ઈસ્સાકે 'ધ ન્યૂઝ મિનિટ' નામની વેબસાઇટને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું :

"શહીદોનાં નામોમાં રહેલી વિસંગતતાનો મુદ્દો મેં વર્ષ 2016માં ઉઠાવ્યો હતો, પરંતુ માર્ચ-2019માં સુધારા વગર તેનું પ્રકાશન કરી દેવામાં આવ્યું હતું. આગામી સમીક્ષા બેઠક દરમિયાન પુસ્તકમાં જરૂરી સુધારા કરવામાં આવશે."

"આઝાદીની ચળવળ સિવાય માર્યા ગયેલા જે કોઈ જાતિ કે ધર્મના હશે તેમના નામ હઠાવી દેવામાં આવશે."

ઇસ્સાકના કહેવા પ્રમાણે, 'મલબાર બળવા' (લગભગ 460) ઉપરાંત 'પુન્નાપણાર વેલિયાર'ના (લગભગ 40) નામને દૂર કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવશે.

line

કેરળમાં સત્તાનું રણ

અલી મુસાલિયરને 17 ફેબ્રુઆરી 1922ના ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અલી મુસાલિયરને 17 ફેબ્રુઆરી 1922ના ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા

શહીદોનાં નામોની ડિક્શનરીની સૉફ્ટ કૉપી ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.

જોકે, તેના માત્ર ચાર જ ભાગ મૂકવામાં આવ્યો છે તથા હાજીના જીવનનો સમાવેશ જે પાંચમા ખંડમાં થાય છે, તે ઑનલાઇન ઉપલબ્ધ નથી.

જોકે, આ ભાગ વૉટ્સઍપ તથા સોશિયલ મીડિયા ઉપર છવાયેલો છે અને આગામી વિધાનસભા ચૂંટણી તથા ફિલ્મની રિલીઝ સુધી છવાયેલો રહે તેવી શક્યતા છે.

ફિલ્મની જાહેરાત સમયે દિગ્દર્શક આશિક અબુએ પત્રકારોને જણાવ્યું કે 'જ્યારથી અમે ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો, ત્યારથી અમને આશંકા હતી કે હિંદુવાદીઓ દ્વારા ફિલ્મને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.'

કેરળના મુખ્ય મંત્રી તથા ડાબેરી નેતા પિન્નરાયી વિજયને કહ્યું હતું, "કેરળે હંમેશાં તેમને એક યૌદ્ધા તરીકે જોયા છે. આ ઐતિહાસિક તથ્યને કોમવાદી આયામ આપવાની જરૂર નથી."

કેરળ ભાજપનાં વરિષ્ઠ નેતા શોભા સુરેન્દ્રને કહ્યું હતું કે 'મલબારનાં હુલ્લડો તથા કેરળના ઇતિહાસ અંગે જાણવાનો યુવા પેઢીને હક્ક છે. મલબારમાં હિંદુઓ ઉપર ક્રૂર અત્યાચાર આચરવામાં આવ્યા હતા. જો પ્રતાડિત કરનારને નાયક તરીકે ચીતરવાનો પ્રયાસ થશે તો અમે શાંત નહીં બેસી રહીએ.'

જાન્યુઆરી-1922માં વેરિયનકુન્નાથ કુનહામદ હાજીની ધરપકડ થઈ. માર્શલ લૉ કોર્ટ સમક્ષ તેમનો ટૂંકો ખટલો ચાલ્યો અને તેમને મૃત્યુની સજા ફટકારવામાં આવી. તા. 20મી જાન્યુઆરી 1922ના તેમને તથા અન્ય સાથીઓને ગોળી મારી દેવામાં આવી.

ત્યારબાદ પણ મોપાલાનાં અન્ય જૂથોએ બીજા નેતાઓના નેતૃત્વમાં સંઘર્ષ ચાલુ રાખ્યો. હાજીના પિતરાઈ ભાઈ અલી મુસાલિયરને 17 ફેબ્રુઆરી 1922ના ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા.

ઇતિહાસકાર મનુ પિલ્લાઈના કહેવા પ્રમાણે "આપણે સામાન્ય શ્રેણીમાં ઐતિહાસિક ઘટનાઓને વિભાજિત કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ એટલે સમસ્યા ઊભી થાય. જેમ કે, શું આ બળવો દેશની આઝાદીની ચળવળનો ભાગ છે? જવાબ છે, હા."

"શું તેણે ખેડૂત અને જમીનદાર વચ્ચેના સંઘર્ષનું સ્વરૂપ ધારણ કર્યું હતું? તો તેનો જવાબ હા છે. શું તેમાં ધાર્મિક ઉન્માદ ભળ્યો હતો, તો તેનો જવાબ પણ હા છે."

"ઇતિહાસના વિદ્યાર્થી તરીકે આપણે એક જ ઘટનાના પરસ્પર ખૂબ જ વિરોધી જણાતી ઘટનાઓને જોતા શીખવું પડે છે. જોકે રાજનેતાઓ તેમને રાજકીય દૃષ્ટિએ અનુકૂળ એવી એક જ બાજુ જોવાનું પસંદ કરે છે."

"હિંદુવાદી વિચારસરણી ધરાવનારાઓ તેને હિંદુઓના 'નરસંહાર' તરીકે વેચવાનો પ્રયાસ કરશે, જ્યારે અન્યોના મતે તે સામંતશાહી સામેની લડાઈ હતી. સત્યને અનેક ચહેરા હોય છે."

(મૂળ લેખ 11 સપ્ટેમ્બર 2020ના રોજ પ્રકાશિત કરાયો હતો, જેને અપડેટ કરાયો છે)

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો