મુંબઈમાં અંડરવર્લ્ડની બોલબાલા કેવી હતી? હાજી મસ્તાનથી કરીમલાલા સુધીની કહાણી : વિવેચના

ગુંડાઓની હપતાવસૂલીની પ્રવૃત્તિને પડકારી હાજી મસ્તાને કરી મુંબઈના ડૉન બનવાની સફરની શરૂઆત

ઇમેજ સ્રોત, SUNDER SHEKHAR

ઇમેજ કૅપ્શન, ગુંડાઓની હપતાવસૂલીની પ્રવૃત્તિને પડકારી હાજી મસ્તાને કરી મુંબઈના ડૉન બનવાની સફરની શરૂઆત
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

એક સમય હતો જ્યારે મુંબઈના મજગાંવ ડૉક્સમાં શેરખાન પઠાણ નામે ગુંડો કુલીઓ પાસેથી હપતા વસૂલતો હતો.

જે કોઈ એને હપતો આપવાનો ઇનકાર કરતા એને એના સાગરિતો ખરાબ રીતે ઝૂડી નાખતા હતા.

ડૉકમાં કામ કરતા હાજી મસ્તાન રોજ આ બધું જોતા હતા. એમને એ નહોતું સમજાતું કે કોઈ બહારનો માણસ કઈ રીતે ડૉકમાં પ્રવેશીને માત્ર તાકાતના જોરે કુલીઓ પાસેથી પૈસા વસૂલી શકે.

હાજી મસ્તાને શેરખાનને ટક્કર આપવાનું નક્કી કરી લીધું. પછીના શુક્રવારે જ્યારે શેરખાન પોતાના સાગરિતો સાથે હપતા વસૂલી માટે આવ્યો ત્યારે એમણે જોયું કે કુલીઓની લાંબી લાઇનમાંથી દસેક લોકો ગાયબ છે.

જોકે, એ કશું સમજે એ પહેલાં તો મસ્તાન અને તેમના દસ સાથીઓએ શેરખાન અને તેના સાગરિતો પર હુમલો કર્યો.

શેરખાન પાસેની ગુપ્તીઓ અને રામપુરી ચાકુઓ હોવા છતાં મસ્તાન અને તેમના ચાર સાથી તેના પર હાવી થઈ ગયેલા અને લોહીથી લથબથ શેરખાનને તેના સાગરિતો સાથે ત્યાંથી ભાગી જવું પડેલું.

આ ઘટનાએ હાજી મસ્તાનને ન માત્ર કુલીઓના નેતા બનાવ્યા બલકે, અહીંથી જ 'મસ્તાન લીજેન્ડ'ની સફર શરૂ થઈ.

હાજી મસ્તાનના જીવન પર આધારિત દૃશ્યો 'દીવાર' સહિત કેટલીક ફિલ્મોમાં ચમક્યાં હતાં

ઇમેજ સ્રોત, TRIMURTI FILMS

ઇમેજ કૅપ્શન, હાજી મસ્તાનના જીવન પર આધારિત દૃશ્યો 'દીવાર' સહિત કેટલીક ફિલ્મોમાં ચમક્યાં હતાં

આ દૃશ્યને ‍દિગ્દર્શક યશ ચોપરાએ 1975માં રિલીઝ થયેલી પોતાની ફિલ્મ 'દીવાર'માં અમિતાભને લઈને પડદે ઉતાર્યું છે.

થોડા સમય પહેલાં જ પ્રકાશિત થયેલી પોતાની આત્મકથા 'અ રૂડ લાઇફ'માં જાણીતા પત્રકાર વીર સંઘવીએ લખ્યું છેઃ "દીવાર ફિલ્મમાંનું અમિતાભ બચ્ચન માટેનું મોટા ભાગનું ચરિત્ર (પાત્ર) હાજી મસ્તાનના જીવન પર આધારિત હતું. એમણે મને કહેલું કે માત્ર 786 નંબરના બિલ્લાવાળી કહાણી જ સાચી નથી."

સંઘવી કહે છે કે, "પછી જ્યારે હાસ્ય-અભિનેતા મુકરીએ મસ્તાનના જીવન પર આધારિત ફિલ્મ બનાવેલી તેમાં પણ મસ્તાને અભિનય કર્યો હતો. એ ફિલ્મમાં તેમના જીવનની ઝાકઝમાળના પ્રસંગો બતાવવામાં આવેલા. ફિલ્મમાં મસ્તાને પોતાની ટાલને ઢાંકવા માટે કાળા વાળની વિગ પહેરી હતી."

line

મસ્તાને કરીમલાલા અને વર્દરાજન મુદલિયાર સાથે હાથ મિલાવ્યો

હાજી મસ્તાન સહિત મુંબઈની અંધારી આલમનાં મોટાં નામો સાથેના પત્રકાર વીર સંઘવીના અનુભવોની કહાણી

ઇમેજ સ્રોત, PENGUIN

ઇમેજ કૅપ્શન, હાજી મસ્તાન સહિત મુંબઈની અંધારી આલમનાં મોટાં નામો સાથેના પત્રકાર વીર સંઘવીના અનુભવોની કહાણી

મસ્તાન પહેલેથી જ અનુભવી ચૂકેલા કે મુંબઈ જેવા શહેરમાં શક્તિશાળી બનવા માટે માત્ર પૈસા જ જરૂરી નથી.

મુંબઈની અંધારી આલમ પર લખાયેલા પ્રખ્યાત પુસ્તક 'ડોંગરી ટૂ મુંબઈ સિક્સ ડિકેડ્સ ઑફ ધ મુંબઈ માફિયા'માં એસ. હુસૈન ઝૈદીએ લખ્યું છે કે, "મસ્તાનને મુંબઈમાં પોતાનું રાજ સ્થાપવા માટે મસલ પાવરની જરૂર હતી. એ માટે એણે આ શહેરના બે મશહૂર ડૉન કરીમલાલા અને વર્દરાજન મુદલિયાર સાથે હાથ મિલાવ્યા."

હાજી મસ્તાન અને તેના સાથીદારો બાદ મુંબઈની અંધારી આલમ ઇબ્રાહિમ ભાઈઓ સત્તા સ્થાપિત થઈ

ઇમેજ સ્રોત, ROLI BOOKS

ઇમેજ કૅપ્શન, હાજી મસ્તાન અને તેના સાથીદારો બાદ મુંબઈની અંધારી આલમમાં ઇબ્રાહીમ ભાઈઓની સત્તા સ્થાપિત થઈ

ઈ.સ. 1956માં હાજી મસ્તાન દમણના ડૉન સુકુર નારાયણ બખિયાના સંપર્કમાં આવ્યા અને તરત જ તેઓ પાર્ટનર બની ગયા. તેમણે કેટલાક વિસ્તારો વહેંચી લીધા. મુંબઈનો દરિયાઈ પટ્ટો મસ્તાનનો અને દમણનો બખિયાનો વિસ્તાર બની ગયો.

હુસૈન ઝૈદીએ લખ્યું છે કે, "દુબઈથી આવતો સ્મગ્લિંગનો સામાન દમણમાં, જ્યારે અદનથી આવતો સામાન મુંબઈમાં ઉતારાતો હતો. બખિયાના સામાનનું ધ્યાન રાખવાની જવાબદારી મસ્તાનની હતી."

line

હાજી મસ્તાને યુસૂફ પટેલની સોપારી આપી

મુંબઈમાં અંડરવર્લ્ડથી માંડીને ફિલ્મી જગત સુધી હતી હાજી મસ્તાનની ચર્ચા

ઇમેજ સ્રોત, PENGUIN

ઇમેજ કૅપ્શન, મુંબઈમાં અંડરવર્લ્ડથી માંડીને ફિલ્મી જગત સુધી હતી હાજી મસ્તાનની ચર્ચા

વૉર્ડર રોડ અને પેડર રોડ વચ્ચે સૉફિયા કૉલેજ લેનના એક બંગલામાં મસ્તાન રહેવા લાગ્યા.

વીર સંઘવીએ લખ્યું છે કે, "ઈ.સ. 1979માં હું હાજી મસ્તાનનો ઇન્ટરવ્યૂ લેવા ગયો હતો. એના બગીચામાં એક જૂનો ટ્રક ઊભો હતો. એના વિશે લોકવાયકા હતી કે એ એ ટ્રક હતો જેને હાજી મસ્તાને પહેલી કૉન્ટ્રાબૅન્ડની ડિલિવરી માટે ઉપયોગમાં લીધો હતો."

"મેં એક વાર મસ્તાનને આ વિશે પૂછેલું પણ તેણે એ વાતનું ખંડન કરેલું. ખરેખર તો એની જગાએ કોઈ પણ હોત તો તેણે પણ એ વાત નકારી જ હોત."

વીર સંઘવી મુંબઈની અંધારી આલમના બીજા એક શખ્સ યુસૂફ પટેલ સાથેની પોતાની મુલાકાતનો ઉલ્લેખ પણ કરે છે.

એમણે લખ્યું છે, "યુસૂફને પોતાના પગ હલાવવાની ટેવ હતી. તે જ્યારે આવું કરતો હોય ત્યારે એના પગની પિંડીઓ દેખાતી. એ વખતે મને ખબર પડી કે એ પૅન્ટની નીચે પાયજામો પહેરતો હતો."

"આજ સુધીમાં મેં ક્યારેય કોઈને પૅન્ટની નીચે પાઇજામો પહેરેલો જોયો નથી. એક વાર મેં એને કેટલીક જૂની સ્મૃતિઓ કહેવા માટે મનાવી લીધેલો."

સંઘવીએ આગળ લખ્યું છે કે, "એમણે મને કહ્યું કે એક વાર હાજી મસ્તાને એમને મારી નાખવા માટે કરીમલાલાના માણસોને સોપારી આપી હતી. તેઓ રોડ પર ચાલતા જતા હતા ત્યારે બે માણસોએ આવીને તેમને ગોળી ધરબી દીધી અને તેમને મરેલા માનીને ભાગી ગયા."

"જોકે તેઓ જીવતા હતા. પછી તેમને હૉસ્પિટલ લઈ જવાયા અને તેઓ બચી ગયા."

line

હત્યાના ગુના સબબ હાજી મસ્તાન અને કરીમલાલાની ધરપકડ

કરીમ લાલા

ઇમેજ સ્રોત, PENGUIN

ઇમેજ કૅપ્શન, કરીમલાલા

આ ઘટનાનો ઉલ્લેખ હુસૈન ઝૈદીએ પણ પોતાના પુસ્તકમાં કર્યો છે

તેઓ લખે છે કે, "મુંબઈ-માફિયાના ઇતિહાસની પહેલી સોપારી હાજી મસ્તાને આપી હતી. ક્યારેક પોતાની સાથે કામ કરી ચૂકેલા યુસૂફ પટેલ માટે હાજી મસ્તાને 1969માં 10 હજાર રૂપિયા સોપારી પેટે આપ્યા હતા."

"હત્યાનું આ કામ કરીમલાલાના પશ્તૂન મૂળના બે સાગરિતોને સોંપવામાં આવેલું. યુસૂફ પટેલ પર હુમલો કરવા માટે તેમણે મિનારા મસ્જિદ પાસેની જગ્યા પસંદ કરેલી."

"22 નવેમ્બર, 1969નો એ દિવસ. રમજાનના એ દિવસોમાં મસ્જિદ પાસેના ભીડભાડવાળા વિસ્તારમાં જ તેમણે ગોળીઓ છોડી હતી. યુસૂફ પટેલ જમીન પર પડી ગયા ત્યારે એમનો અંગરક્ષક તેમને બચાવવા તેમની ઉપર પડ્યો."

"હત્યારાઓએ ભાગવાનો પ્રયત્ન તો કર્યો પણ ત્યા ઉપસ્થિત ભીડમાંના લોકોએ તેમને પકડીને પોલીસને હવાલે કરી દીધા હતા. આ હુમલામાં યુસૂફ પટેલને બાવડામાં બે ગોળી વાગી હતી અને તેમનો બૉડીગાર્ડ મરી ગયો હતો."

"આ ગુના સબબ પોલીસે હાજી મસ્તાન, કરીમલાલા અને અન્ય 11 ઇસમોની ધરપકડ કરી હતી."

line

હાજી મસ્તાન અને યુસૂફ પટેલ વચ્ચે સમાધાન

હાજી મસ્તાનના બૉલીવૂડના કલાકારો સાથે સારા સંબંધો હતા

ઇમેજ સ્રોત, SUNDER SHEKHAR

ઇમેજ કૅપ્શન, હાજી મસ્તાનના બોલીવૂડના કલાકારો સાથે સારા સંબંધો હતા

વીર સંઘવીએ આ ઘટના અંગે હાજી મસ્તાનને પૂછ્યું તો તેમણે સ્વીકાર્યું કે એ સાચું છે.

સંઘવીએ લખ્યું છે, "કોઈ પણ હાજી મસ્તાન સાથે દગો કરીને જીવતો રહી શકતો નહીં અને યુસૂફે કોઈ એક બાબતે મસ્તાનને દગો દીધો હતો, એવું મસ્તાને મને જણાવેલું."

"મસ્તાને એમ પણ જણાવેલું કે, 'પટેલ મરી ગયો, એમ જ્યારે મને કહેવામાં આવ્યું ત્યારે મને સંતોષ થયેલો પણ જ્યારે મને ખબર મળ્યા કે યુસૂફ પટેલ તો બચી ગયો, તો મેં એને ઈશ્વરીય સંકેત ગણ્યો. અગર અલ્લાહ નથી ઇચ્છતા કે યુસૂફ હમણાં મરે તો મારે એમની ઇચ્છાનું સન્માન કરવું જોઈએ.' પછીના કેટલાક દિવસો પછી બંને પાછા દોસ્ત બની ગયા હતા."

line

રુક્સાના સુલતાન અને હાજી મસ્તાનની મુલાકાત

રુક્સાના સુલતાન

ઇમેજ સ્રોત, PENGUIN

ઇમેજ કૅપ્શન, હાજી મસ્તાન અને રુકસાના સુલતાનની મુલાકાત અંગેનો કિસ્સો

હાજી મસ્તાન હંમેશાં સફેદ કપડાં પહેરતા અને તેમના સાથીઓ માનતા કે એનાથી એમનું વ્યક્તિત્વ જાજરમાન દેખાતું.

વીર સંઘવીએ લખ્યું છે કે, "એક વાર મને કૉંગ્રેસના નેતા, સંજય ગાંધીના દોસ્ત અને અભિનેત્રી અમૃતા સિંહનાં માતા રુક્સાના સુલતાને હાજી મસ્તાન સાથેની તેમની પહેલી મુલાકાતનો કિસ્સો કહેલો. એમને કૅમી સાબુ વાપરવાની ટેવ હતી. એ વખતે એ ભારતમાં નહોતો મળતો અને સ્મગ્લરો પાસેથી ખરીદતી હતી."

મુદાલિયાર

ઇમેજ સ્રોત, ILLUSTRATED WEEKLY

ઇમેજ કૅપ્શન, મુદલિયાર

"એક વાર એ મુંબઈના એક ભીડવાળા બજારમાં ગાડી પાર્ક કરીને સાબુ ખરીદવા જતી રહી. સાબુ એને ક્યાંય ન મળ્યો. બધાએ એમ કહ્યું કે હમણાંથી આ સાબુની સપ્લાય નથી આવતી. જ્યારે એ પોતાની કાર નજીક પહોંચી તો ત્યાં લોકો એકઠા થઈ ગયેલા."

"એ ગાડી પાસે ગઈ તો એણે જોયું કે એની કારની પાછલી સીટ પર સેંકડો કૅમી સાબુનો ઢગલો પડ્યો હતો. એની કારની નજીક જ સફેદ કપડાં પહેરેલો એક શખ્સ ઊભો હતો. એ પહેલાં હસ્યો પછી પોતાની ઓળખ આપતાં બોલ્યો, મારું નામ હાજી મસ્તાન છે."

line

આમઆદમી વચ્ચે વર્દરાજન મુદલિયારનો પ્રવેશ

જનસામાન્ય સાથે મુદલિયારે સંબંધો કેળવ્યા

ઇમેજ સ્રોત, ROLI BOOKS

ઇમેજ કૅપ્શન, જનસામાન્ય સાથે મુદલિયારે સંબંધો કેળવ્યા

જનસામાન્ય સાથે વર્દરાજન મુદલિયારે સંબંધો કેળવ્યા.

જે સમયે હાજી મસ્તાન મુંબઈના અંડરવર્લ્ડમાં પોતાના પગ જમાવવા પ્રયત્નશીલ હતા એ જ સમયે બીજી તરફ કુલી તરીકે કામ કરતા વર્દરાજન મુદલિયાર વિક્ટોરિયા ટર્મિનસ પર પોતાની આજીવિકા માટે ઝૂઝી રહ્યા હતા.

મુદલિયારનો જન્મ તામિલનાડુના વેલ્લુર શહેરમાં થયો હતો. તેમણે પોતાનો શૈક્ષણિક અભ્યાસ પૂરો નહોતો કર્યો છતાં તેઓ એમના પરિવારમાંના એવા સભ્ય હતા જે તામિલ અને અંગ્રેજી એમ બે ભાષા લખી-વાંચી શકતા હતા.

મુંબઈના જાણીતા ક્રાઇમ રિપૉર્ટર પ્રદીપ શીંદે માનતા હતા કે, "સામાન્ય માણસોને મુંબઈના નાગરિક બનાવવા, તેમને રૅશનકાર્ડ, ગેરકાયદે પાણી અને લાઇટ અપાવવામાં વર્દાના માણસો સ્થાનિક સરકારી કચેરીઓ કરતાં ક્યાંય વધારે ઝડપી હતા અને એ જ એની શક્તિનું રહસ્ય હતું."

"એની તાકાત એવી ને એટલી હતી કે સામાન્ય માણસો આંખ મીંચીને તેના માટે કામ કરતા હતા. તામિલનાડુથી આવતા લોકોને મદદ કરવા માટે વર્દરાજને પોતાના ખાસ વિશ્વાસપાત્ર બે માણસોને રાખ્યા હતા, જેમાંનો એક ટૉમસ કુરિયન ઉર્ફે ખાજાભાઈ અને બીજો હતો મોહિન્દર સિંહ વિગ, જેનું બીજું નામ બડા સોમા હતું."

line

હાજી મસ્તાન અને મુદલિયારની મુલાકાત

મસ્તાન અને મુદલિયાર બંને તામિલનાડુના હતા

ઇમેજ સ્રોત, SUNDER SHEKHAR

ઇમેજ કૅપ્શન, જેલમાંથી છૂટ્યા પછી મસ્તાન વર્દાનો ઉપયોગ પોતાના કામ માટે કરવા લાગ્યા હતા. વર્દરાજન લોકોની નસેનસના જાણકાર હતા.

મસ્તાન અને મુદલિયાર બંને તામિલનાડુના હતા.

હુસૈન ઝૈદી એક કિસ્સો કહે છે, "એક વાર કસ્ટમ્સ ડૉક વિસ્તારમાંથી એન્ટિના ચોરવાના આરોપસર પોલીસે વર્દાની ધરપકડ કરેલી. પોલીસે એને એમ કહ્યું કે જો એ ચોરીનો માલ ક્યાં સંતાડ્યો છે એ નહીં જણાવે તો તેઓ થર્ડ ડિગ્રી વાપરશે."

"આઝાદ મેદાન પોલીસચોકીના લૉકઅપમાં બેઠાબેઠા હવે શું કરું એમ વર્દા વિચારતો જ હતો કે ત્યાં 555 સિગારેટ આંગળીઓ વચ્ચે દબાવેલો એક માણસ જેલમાં આવ્યો અને તેણે તામિલમાં ધીમેથી વણક્કમ થલઇવાર કહ્યું. આ સાંભળીને વર્દા આશ્ચર્યથી દિગ્મૂઢ થઈ ગયો. તામિલમાં 'થલઇવાર' શબ્દ ચીફ માટે વપરાય છે."

"આટલા સન્માન સાથે આ પહેલાં કોઈએ વર્દા સાથે વાત નહોતી કરી. એ માણસ હાજી મસ્તાન હતો."

"મસ્તાને વર્દરાજનને કહ્યું, એન્ટિના તું એમને પાછું આપી દે. હું ખાતરી આપું છું કે તું આનાથી વધારે પૈસા કમાઈશ. વર્દરાજને પહેલાં તો આનાકાની કરી પણ મસ્તાને એને કહ્યું, હું તને એવી ઑફર આપું છું કે જેનો કોઈ સમજદાર માણસ અસ્વીકાર ન કરે. એન્ટિના પાછું આપ અને મારા સોનાના ધંધામાં મારો પાર્ટનર બની જા."

"વર્દાએ એને પૂછ્યું કે એનાથી તને શો ફાયદો થશે? મસ્તાને જવાબમાં કહ્યું, હું તારા મસલ-પાવરનો ઉપયોગ કરવા ધારું છું. આ મુલાકાતના સાક્ષી કેટલાક પોલીસવાળા એ વાત ક્યારેય ન ભૂલ્યા કે કેવી રીતે એક સૂટ-બૂટ પહેરેલા માણસે સફેદ બનિયાન, લૂંગી અને ચપ્પલ પહેરેલા એક ગામડિયા જેવા દેખાતા માણસ સાથે હાથ મિલાવ્યા."

line

મસ્તાન, કરીમલાલા અને વર્દા વચ્ચે સાઠગાંઠ

હાજી મસ્તાન

ઇમેજ સ્રોત, ROLI BOOKS

ઇમેજ કૅપ્શન, હાજી મસ્તાન

જેલમાંથી છૂટ્યા પછી મસ્તાન વર્દાનો ઉપયોગ પોતાના કામ માટે કરવા લાગ્યા હતા. વર્દરાજન લોકોની નસેનસના જાણકાર હતા.

એ લોકોની સમસ્યાઓ સાંભળવા હંમેશ પોતાના ઘરે હાજર રહેતા હતા. વળી, ધાર્મિક હોવાના કારણે તેઓ માટુંગા સ્ટેશનની પાસે ગણેશ પંડાલ માટે ઘણા રૂપિયા ખર્ચ કરતા હતા.

ધીરેધીરે એમના મોભાને કારણે પંડાલોનો વિસ્તાર પણ વધવા લાગ્યો. વર્દા પર પણ ઘણી ફિલ્મો બની છે, જેમ કે, નાયકન, દયાવાન અને અગ્નિપથ. અગ્નિપથમાં અમિતાભને વર્દાના અવાજની નકલ કરતા બતાવાયા છે.

બીજી બાજુ મસ્તાનનું સામ્રાજ્ય ઝડપથી વિસ્તરતું જતું હતું.

હુસૈન ઝૈદીએ લખ્યું છે કે, "મસ્તાન દ્વારા વિદેશ મોકલવામાં આવતી ચાંદી શુદ્ધતા માટે એટલી વખણાતી કે એને 'મસ્તાનની ચાંદી' એવું બ્રાન્ડનેમ મળી ગયું. મસ્તાને મલબાર હિલમાં એક આલીશાન બંગલો અને ઘણી બધી મોટી મોટી કારો ખરીદી."

"એણે મદ્રાસની સબીહાબી સાથે લગ્ન કર્યું, જેનાથી કમરુનિસ્સા, મહરુનિસ્સા અને શમશાદ નામે ત્રણ દીકરીઓ થઈ."

70નો દાયકો આવતાં-આવતાં તો દક્ષિણ અને પશ્ચિમ મુંબઈમાં હાજી મસ્તાન, મધ્ય મુંબઈમાં મુદલિયાર અને કરીમલાલાના મસલ-પાવરનો જબરજસ્ત દબદબો ઊભો થયો.

line

મસ્તાને ગૅંગવૉરમાં મધ્યસ્થી કરી

80ના દાયકામાં આલમઝેબ - અમીરજાદા અને ઇબ્રાહીમ પરિવારની વચ્ચે ગૅંગવૉર શરૂ થઈ હતી. હાજી મસ્તાને આ બંને વચ્ચે સમાધાન કરાવી આપવાની પેરવી કરેલી

ઇમેજ સ્રોત, SUNDER SHEKHAR

ઇમેજ કૅપ્શન, 80ના દાયકામાં આલમઝેબ - અમીરજાદા અને ઇબ્રાહીમ પરિવારની વચ્ચે ગૅંગવૉર શરૂ થઈ હતી. હાજી મસ્તાને આ બંને વચ્ચે સમાધાન કરાવી આપવાની પેરવી કરેલી

પહેલાં 1974માં અને પછી 1975માં ઇમર્જન્સી દરમિયાન હાજી મસ્તાનની ધરપકડ થઈ હતી. જેલમાંથી છૂટ્યા પછી મસ્તાને સ્મગ્લિંગ છોડીને રિયલ એસ્ટેટનો ધંધો શરૂ કર્યો હતો.

મુંબઈ પોલીસ અધિકારી યાદવરાવે વર્દરાજનને મુંબઈમાંથી ખદેડી મૂકવાનું બીડું ઝડપ્યું હતું. એ એમાં સફળ પણ થયા. વર્દરરાજને છેવટે મુંબઈ છોડી મદ્રાસ જવું પડ્યું, જ્યાં થોડાં વરસો પછી તેમનું મૃત્યુ થયું.

80ના દાયકામાં આલમઝેબ - અમીરજાદા અને ઇબ્રાહીમ પરિવારની વચ્ચે ગૅંગવૉર શરૂ થઈ હતી. હાજી મસ્તાને આ બંને વચ્ચે સમાધાન કરાવી આપવાની પેરવી કરેલી.

દાઉદ ઇબ્રાહીમ અને આલમઝેબે કુરાન પર હાથ રાખીને સોગંદ લીધા હતા કે હવેથી એ લોકો વચ્ચે કોઈ હિંસા નહીં થાય, પણ બીજા જ દિવસથી બંને ગૅંગે એકબીજા પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું.

કોઈને હાજી મસ્તાનને આપેલા વાયદાની કદર નહોતી. દેખીતું હતું કે મસ્તાનનો તોર હવે ઊતરી રહ્યો હતો. પછીથી દાઉદ ઇબ્રાહીમે તો ભારત છોડીને દુબઈમાં પોતાની જમાવટ કરી લીધી અને એ પછીની બધી કહાણીઓ તો તમે જાણો જ છો.

line

ડૉને બિલ્ડરનો ધંધો સ્વીકાર્યો

અંડરવર્લ્ડ-આધારિત ફિલ્મોમાં અનેક વાર બને છે કે ડૉન બિલ્ડરો પાસેથી પૈસા વસૂલે છે પરંતુ વાસ્તવિક જીવનમાં ડૉન જ બિલ્ડર બની ગયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અંડરવર્લ્ડ-આધારિત ફિલ્મોમાં અનેક વાર બને છે કે ડૉન બિલ્ડરો પાસેથી પૈસા વસૂલે છે પરંતુ વાસ્તવિક જીવનમાં ડૉન જ બિલ્ડર બની ગયા

અંડરવર્લ્ડ-આધારિત ફિલ્મોમાં અનેક વાર બને છે કે ડૉન બિલ્ડરો પાસેથી પૈસા વસૂલે છે પરંતુ વાસ્તવિક જીવનમાં ડૉન જ બિલ્ડર બની ગયા

વીર સંઘવીએ લખ્યું છે કે, "મસ્તાન અને યુસૂફ પટેલ જ્યારે એમ કહેતા કે રિયલ એસ્ટેટનો ધંધો સ્મગ્લિંગના ધંધા કરતાં વધારે નફાકારક છે તો એ લોકો મજાકમાં નહોતા કહેતા."

"એનું કારણ હતું બૉમ્બે રેન્ટ ઍક્ટ, જેમાં અંગત સંપત્તિને મજાક બનાવે એ રીતે મકાનમાલિક અને ભાડૂતને એક જ સ્થાને ઊભા કરી દેવાયા."

"ધારો કે તમારી પાસે એક ફ્લૅટ છે અને તમે એ ભાડે આપેલો છે. જો તમારે ફ્લૅટ ખાલી કરાવવો હોય તો તમારે કાર્ટમાં સાબિત કરવું પડે કે તમારી જરૂરિયાત ભાડૂતની જરૂરિયાત કરતાં વધારે છે. જ્યારે ભાડૂત તો હંમેશાં એવું જૂઠાણું જ રજૂ કરે કે એની પાસે રહેવા માટે બીજી જગ્યા નથી."

line

પોલીસના દબાણને કારણે વિદેશમાં પલાયન

હાજી મસ્તાને છેલ્લે છેલ્લે અંડરવર્લ્ડ છોડી દીધું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાજી મસ્તાને છેલ્લે છેલ્લે અંડરવર્લ્ડ છોડી દીધું હતું

પરિણામ એ આવ્યું કે મધ્ય મુંબઈનું પતન શરૂ થયું. મકાનમાલિકોએ પોતાનાં મકાનોની સારસંભાળ રાખવાનું છોડી દીધું. ચતુર ભાડૂતો પોતે રહેતા તે ફ્લૅટોમાં પેટાભાડૂતો રાખવા માંડ્યા.

અંડરવર્લ્ડના લોકો આવાં મકાનોના માલિકો પાસેથી ઓછી કિંમતે એ મકાનો ખરીદવા લાગ્યા. એ પછી તેઓ ભાડૂતને મકાન ખાલી કરવા કહેતા અને જે ઇનકાર કરે એણે એનું પરિણામ ભોગવવું પડતું.

ડૉનના ડરને લીધે ભાડૂત મકાન ખાલી કરતા અને ડૉન એ જગાએ નવાં મકાન બનાવી ઊંચી કિંમતે વેચતા. પરિણામે રિયલ એસ્ટેટના ધંધામાં અંડરવર્લ્ડના લોકો સ્મગ્લિંગ કરતાં ઘણા વધુ પૈસા કમાવા લાગ્યા.

80ના દાયકામાં અંડરવર્લ્ડના આવા લોકો પર પોલીસે જ્યારે દબાણ વધાર્યું ત્યારે એમાંના ઘણા વિદેશ પલાયન કરવા માંડ્યા. ત્યાંથી પણ તેમણે અંડરવર્લ્ડનું કામ છોડ્યું નહીં પણ એ વાર્તા પછી ક્યારેક.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન