શાહજહાંનાં દીકરી અને દુનિયાનાં 'સૌથી અમીર' શાહજાદી જહાંઆરાની કહાણી

ઇમેજ સ્રોત, MUSEUM OF FINE ARTS, BOSTON
- લેેખક, મિર્ઝા એ. બી. બેગ
- પદ, બીબીસી ઉર્દૂ, દિલ્હી
વર્ષો સુધી હદપાર રહ્યાં પછી મુઘલ શાહજાદી જહાંઆરા અને તેમના પરિવાર માટે સારા દિવસો આવ્યા અને તેમના પિતા બાદશાહ બની ગયા.
આજે શાહજાદા ખુર્રમની તાજપોશી થવાની હતી અને મહેલમાં તૈયારીઓ થઈ રહી હતી.
જહાંઆરા એ દિવસ વિશે પોતાની ડાયરીમાં લખ્યું છે, "અમે બધાં નવાં વસ્ત્રોમાં સજ્જ થયાં છીએ. મેં રેશમી અંગરખું અને જરદોસી કામ કરેલું નીલા રંગનો ચુસ્ત પાયજામો પહેર્યો છે. ચાંદીના તારથી સજાવેલો જાળીદાર દુપટ્ટો છે."
"રોશન આરાએ પણ એવો જ લિબાસ પહેર્યો છે, ફરક એટલો છે કે તેનાં વસ્ત્રોનો રંગ ચમકદાર પીળો અને સોનેરી છે. સતી અલ-નિસા બેગમ બૈંગની પોશાક અને સુંદર પિશ્વાજમાં શાનદાર લાગી રહી છે."
"દારા, શુજા, ઔરંગઝેબ અને મુરાદે લાલ પાયજામા સાથે સોનેરી અસ્તરવાળા જૅકેટ પહેર્યા છે અને અલગઅલગ રંગના કમરબંધ છે."
"સતી અલ-નિસાએ ઘરેણાંનું બોક્સ ખોલીને તેમાંથી મને અને રોશન આરાને ગળાનો હાર, ચૂડીઓ, કાનનાં ઝૂમખાં અને પાયલ આપ્યાં. છોકરાઓને મોતીના હાર, બાજુબંધ, અને વીંટીઓ આપી."
"મા તો કલાકોથી તૈયાર થઈ રહી હતી અને અમે તો તેને જોતાં જ રહી ગયાં. અગાઉ ક્યારેય તે આટલી રાજવી અને સુંદર લાગી નહોતી."
"મુઘલ સામ્રાજ્યના બધા દિગ્ગજ બુઝુર્ગ દીવાન-એ-આમ હાજર હતા. મહિલાઓ માટે પરદા લગાવી દેવાયા હતા. અમે પરદાની બાજુમાં જ બેઠા, જેથી દરબારને જોઈ શકીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હું જેમને જાણતી હતી તેમને ઓળખવાની કોશિશ કરતી હતી. નાના આસિફ ખાન સૌનેરી પશ્વાજ અને ખભા પર લાલ શાલમાં સજ્જ હતા."
"અબ્દુલ કરીમ ખાનખાના મેવાડના જુવાન શાહજાદા અર્જુન સિંહ સાથે વાતચીતમાં વ્યસ્ત હતા. મહાબત ખાન સફેદ મૂછોમાં અલગ જ દેખાઈ આવતા હતા."
"ત્યાં ઢોલ વાગવા લાગ્યા એટલે હું સમજી ગઈ કે મારા અબ્બા આવી રહ્યા છે."
"તેમનું નામ એટલી બધી પદવીઓ અને શિષ્ટાચાર સાથે લેવામાં આવ્યું કે રોશન આરા બોલી ઊઠી, 'અબ્બુ પાસે આટલી બધી પદવીઓ હશે મને તો ખબર જ નહોતી.' મેં ધીમેથી કહ્યું, 'તમને લાગે છે કે આટલી બધી તેમને યાદ રહેતી હશે?'"
જહાંઆરા આગળ લખે છે, "અબ્બાએ મુઘલ સામ્રાજ્યનાં ઉત્તમ આભૂષણો ધારણ કર્યાં હતાં. તેમના પિશ્વાજ સોનેરી રંગના રેશમી હતા, જેના પર મોતી અને ચાંદીથી ભરતકામ થયેલું હતું."
"હીરા સાથેના સરપેચ (પાઘડી પર લાગતું આભૂષણ) હતા, ગળામાં ઈંડાં જેટલાં મોટાં-મોટાં મોતીઓની છ લટવાળો હાર હતો. હાથ પર બાજુબંધ અને જોશન પહેર્યાં હતાં અને આંગળીઓમાં વીંટીઓ હતી."
તેઓ લખે છે કે તાજપોશીની વિધિ સાદાઈથી કરવામાં આવી હતી. શાહી ઈમામે પ્રવચન આપ્યું અને દુવાઓ આપી. તે પછી એક પછી એક પોતાના દરજ્જા અનુસાર અમીર સરદારો આવતા રહ્યા અને તેમને વધાઈ સાથે ભેટસોગાદ આપતા રહ્યા.
"તેમાં સોનાની મહોરો, આભૂષણોનાં બૉક્સ, દુર્લભ અને નવા હીરા, ચીનનું કિંમતી રેશમી કાપડ, યુરોપનાં અત્તર અને વિવિધ પ્રકારનાં ઘરેણાં હતાં, કેમ કે સરદારો જાણતા હતા કે મારા પિતા (બાદશાહ શાહજહાં)ને ઘરેણાં ગમે છે."

14 વર્ષની ઉંમરે વર્ષે છ લાખનો વજીફો

"બાદશાહ બન્યા પછી અબ્બાએ પ્રથમ એલાન કર્યું. તેમણે જાહેરાત કરી કે આજથી મારી મા (શાહજહાંની બેગમ)નો ખિતાબ 'મુમતાઝ મહલ' રહેશે અને તેમને વર્ષે 10 લાખ રૂપિયાનો વજીફો મળશે."
"બેગમ નૂરજહાંને વર્ષે બે લાખ રૂપિયા મળશે, જ્યારે નાના આસિફ ખાન હવે તેમના પ્રધાનમંત્રી બન્યા હતા, તેમને શાહી પોશાક આપવામાં આવ્યો. મહાબત ખાનને અજમેરની જાગીર આપવામાં આવી. અર્જુન સિંહને સોનાની મોહરો, ઝવેરાત અને ઘોડાઓ આપવામાં આવ્યા."
જહાંઆરાએ પોતાને મળેલા વજીફાનો ઉલ્લેખ કર્યો નહોતો. કદાચ તે જ દિવસે તેની જાહેરાત નહીં થઈ હોય. તાજપોશી પછી એક મહિના માટે જશ્ન મનાવવાની જાહેરાત થઈ હતી.
બાદશાહ શાહજહાંએ જહાંઆરા માટે વર્ષે 6 લાખ રપિયાનો વજીફો બાંધી આપ્યો હતો. તે રીતે તેઓ મુઘલકાળની સૌથી અમીર શાહજાદી બની ગયાં હતાં. તે વખતે તેમની ઉંમર હજી 14 વર્ષની જ હતી.
એ વાત યાદ રાખવી જોઈએ કે મુઘલશાસનમાં મહિલાઓનાં નામો બહુ ઓછાં આવે છે. તેમાં ગુલબદન બેગમ, નૂરજહાં, મુમતાઝ મહલ, જહાંઆરા, રોશન આરા અને ઝેબુન્નિસાનો સમાવેશ થાય છે.
આ બધી નારીઓમાં પણ માત્ર નૂરજહાં અને મુમતાઝ મહલ જ રાણીઓ હતી, જ્યારે બાકીનાં મહિલાઓનો કોઈ મોટો દરજ્જો નહોતો. રોશન આરા ક્યારેય કોઈ બેગમ સાહિબા એટલે પાદશાહનાં બેગમ બની શકી નહોતાં.
જહાંઆરાનાં માતાનું અવસાન થયું ત્યારે તેમની ઉંમર માત્ર 17 વર્ષની હતી. તે વખતે મુઘલ સામ્રાજ્યના હરમની જવાબદારી તેમના પર આવી પડી હતી. શાહજહાં બેગમના મોતથી એટલા દુખી થયા હતા કે તેમણે એકાકી જીવન ગુજારવાનું શરૂ કરી દીધું હતું.
મહબૂર-ઉર-રહમાન કલીમે તેમના પુસ્તક 'જહાંઆરા'માં લખ્યું છે કે મુમતાઝ મહલના મોત પછી બાદશાહ શોકનાં કાળાં વસ્ત્રો જ પહેરતાં હતાં. બીજા ઇતિહાસકારો લખે છે કે તેમણે સાદગી અપનાવી લીધી હતી અને માત્ર સફેદ વસ્ત્રો જ ધારણ કરતા હતા. બેગમના મૃત્યુ બાદ તેમની દાઢીના વાળ પણ સફેદ થઈ ગયા હતા.
શાહજહાંએ મુમતાઝના અવસાન પછી પોતાની બીજી મલ્લિકાને મહેલની જવાબદારી સોંપવાને બદલે પોતાની દીકરી જહાંઆરાને પાદશાહ બેગમનો દરજ્જો આપ્યો હતો. તેનો વાર્ષિક વજીફો પણ વધારીને 6 લાખની જગ્યાએ 10 લાખ કરી દેવામાં આવ્યો હતો.
દિલ્હીની જામિયા મિલિયાના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના સહાયક પ્રોફેસર ડૉ. રોહમા જાવેદ રાશિદે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે મુઘલકાળમાં બે મહત્ત્વની મહિલાઓ એટલે નૂરજહાં અને જહાંઆરા.
તેઓ મલ્લિકા-એ-હિન્દુસ્તાન નહોતાં બન્યાં, પરંતુ પોતાના માતા મુમતાઝ બેગમના અવસાન પછી તેઓ મુઘલ સામ્રાજ્યનાં સૌથી શક્તિશાળી નારી બની રહ્યાં હતાં. માત્ર 17 વર્ષની ઉંમરે સમગ્ર હરમની જવાબદારી તેમના પર આવી હતી.

દુનિયાનાં સૌથી અમીર મહિલા

તેમના જણાવ્યા અનુસાર "જહાંઆરા તે વખતના યુગમાં માત્ર ભારતની જ નહીં, સમગ્ર દુનિયામાં સૌથી વધુ અમીર મહિલા હતી. અને કેમ ના હોય, કેમ કે તેમના પિતા ભારતના સૌથી અમીર બાદશાહ હતા અને તે વખતને ભારતનો સુવર્ણકાળ કહેવાયો છે."
જાણીતા ઇતિહાસકાર અને 'ડૉટર ઑફ ધ સન'નાં લેખિકા એરા મખોતી કહે છે:
"પશ્ચિમના પ્રવાસીઓ ભારત આવતા ત્યારે તેમને નવાઈ લાગતી કે મુઘલ નારીઓ કેટલી પ્રભાવશાળી છે. તે વખતે બ્રિટિશ મહિલાઓને આવા અધિકારો મળતા નહોતા. તેમને નવાઈ લાગતી હતી કે મહિલાઓ વેપાર કરે છે અને શેનો વેપાર કરવો કે ના કરવો તેની સૂચનાઓ પણ આપે છે."
જહાંઆરાની સમૃદ્ધિનો અંદાજ એ વાત પરથી આવશે કે તેમની પાસે ઘણી બધી જાગીર પણ હતી. તાજપોશીના દિવસે તેમને એક લાખ અશરફીઓ અને ચાર લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
મુમતાઝના મૃત્યુ પછી તેમની સંપત્તિનો અડધો હિસ્સો જહાંઆરાને અપાયો હતો અને બાકીનો અડધો હિસ્સો બીજાં સંતાનો વચ્ચે વહેંચવામાં આવ્યો હતો.
અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના ઇતિહાસના ઍસોસિએટ પ્રોફેસર ડૉ. એમ. વસીમ રાજા તેમની સંપત્તિ વિશે કહે છે:
"તેને પાદશાહ બેગમ બનાવવામાં આવી, તે દિવસે એક લાખ અશરફી અને ચાર લાખ રૂપિયા અપાયા હતા. સાથે વાર્ષિક ચાર લાખ રૂપિયા બાંધી આપવામાં આવ્યા હતા. બાગ જહાંઆરા, બાગ નૂર અને બાગ સફા અહમ પણ તેને આપવામાં આવ્યા હતા."
"અછલ, ફરજહરા અને બાછોલની જાગીર, સફાપુર, દોહારાની સરકાર અને પાણીપત પરગણું આપવામાં આવ્યું હતું. સુરત શહેર પણ તેના હિસ્સે આવ્યું હતું, જ્યાં તેનાં જહાજો ચાલતાં હતાં અને અંગ્રેજો સાથે વેપાર કરતી હતી."
પંજાબ હિસ્ટૉરિકલ સોસાયટીમાં 12 એપ્રિલ, 1913માં રજૂ કરવામાં આવેલા શોધનિબંધમાં હૈદરાબાદના નિઝામના પુરાતત્ત્વ અમલદાર જી. યઝદાનીએ જણાવ્યું હતું કે "તે જ વર્ષે નવરોઝ વખતે જહાંઆરાને 20 લાખનાં આભૂષણ અને ઝવેરાત ભેટમાં આપવામાં આવ્યાં હતાં."
તેમણે વધુમાં લખ્યું હતું કે "જહાંઆરા મહેલમાં સમારંભ થાય તેની પણ જવાબદારી સંભાળતી હતી. જેમ કે બાદશાહનો જન્મદિન હોય કે નવરોઝ હોય તેના આયોજનમાં મુખ્ય કાર્યવાહી તેના હસ્તક રહેતી હતી."
"વસંતુઋતુમાં ઈદ-એ-ગુલાબી મનાવાતી હતી. તે વખતે શાહજાદા અને દરબારીઓ ઉત્તમ ઘડતરવાળી સુરાહીમાં બાદશાહને ગુલાબનો અર્ક પેશ કરતાં હતા."
"દિવસ અને રાત સરખાં થાય ત્યારે એતદાલ શબો રોઝનો ઉત્સવ શુક્રવારે ઉજવાતો હતો. આવી એક ઉજવણી વખતે 19 માર્ચ, 1637માં જહાંઆરાએ બાદશાહને અઢી લાખ રૂપિયાનું અષ્ટકોણ સિંહાસન આપ્યું હતું."
આ બધા પરથી અંદાજ લગાવી શકાય છે કે તેમની પાસે કેટલું ધન હતું.

આગમાં દાઝી જવાની ઘટના

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE
જહાંઆરાના જીવનમાં એક મોટી દુર્ઘટન થઈ હતી. તેઓ આગમાં દાઝી ગયાં હતાં અને આઠ મહિના સુધી પથારીમાં રહેવું પડ્યું હતું. આખરે તેઓ સાજાં થયાં ત્યારે બાદશાહે ખુશખુશાલ થઈને ખજાનો ખોલીને વહેંચ્યો હતો.
6 એપ્રિલ, 1644ના રોજ આગ લાગી હતી તેમાં તેઓ દાઝી ગયાં હતાં. તેઓ સાજી થઈ જાય તે માટે જાહેર દુવાઓ કરવામાં આવી હતી. રોજેરોજ ગરીબોને દાન અપાતું હતું અને મોટી સંખ્યામાં કેદીઓને છોડી મૂકવામાં આવ્યા હતા.
સંશોધક ઝિયાઉદ્દીન અહમદે પોતાના પુસ્તક 'જહાંઆરા'માં મોહમ્મદ સાલેહને ટાંકીને જણાવ્યું છે કે "બાદશાહે ત્રણ દિવસમાં 15 હજાર અશરફી અને લગભગ એટલા જ રૂપિયા ગરીબોમાં વહેંચ્યા હતા. રોજ એક હજાર રૂપિયાનું દાન આપવામાં આવતું હતું."
"રોજ રાત્રે જહાંઆરાના તકિયા નીચે હજાર રૂપિયા રાખવામાં આવતા અને બીજા દિવસે તેને ગરીબોમાં વહેંચી દેવામાં આવતા. ગોટાળા કરનારા અમલદારો કેદમાં હતા તેમને છોડી દેવાયા અને તેમના પર સાત લાખ રૂપિયા સુધીનો દંડ હતો તે માફ કરી દેવાયો."
જી યઝદાની પણ લખે છે કે "જહાંઆરા સારી થઈ ગઈ તે પછી અઠવાડિયા સુધી જશ્ન મનાવાયો. તેને સોનામાં તોળવામાં આવી અને તે સોનું ગરીબોને વહેંચી દેવાયું. પ્રથમ દિવસે શાહજાદાએ તેને 130 મોતી અને પાંચ લાખ રૂપિયાની બંગડીઓ ભેટમાં આપી."
"બીજા દિવસે હીરામોતી જડેલા સરપેચ આપવામાં આવ્યા. પાંચ લાખ રૂપિયાની આવક ધરાવતું સુરતનું બંદર પણ આ વખતે જ તેને નામે કરી દેવાયું હતું."
યઝદાની આગળ લખે છે કે માત્ર જહાં આરા નહીં, તેમનો ઇલાજ કરનારા હકીમને પણ માલામાલ કરી દેવાયા હતા.
તેઓ લખે છે કે: "હકીમ મોહમ્મદ દાઉદને બે હજાર પાયદળ અને 200 ઘોડેસવારોની સરદરી મળી હતી. પોશાક અને હાથી મળ્યાં અને સોનાની કાઠી સાથેનો અશ્વ મળ્યો હતો."
"500 તોલાની સોનામહોરો અને તે પ્રસંગ માટે ખાસ બનાવાયેલા એટલા જ સોનાના સિક્કા પણ આપવામાં આવ્યા. એક ગુલામ આરિફને તેના વજન જેટલું સોનું આપવામાં આવ્યું અને પોશાક, ઘોડા, હાથી અને સાત હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા."
ધનદોલતનો ઉલ્લેખ કરતાં મહબૂર-ઉર-રહમાન કલીમ લખે છે "શાહજહાંએ પોતાની પ્રિય પુત્રીને મોટી જાગીરો આપી હતી. તે સિવાય જહાંઆરાને નાના મોટા સમારોહમાં ઇનામો મળતાં હતાં તેનો કોઈ હિસાબ નહોતો. જાગીરમાં મળેલા પ્રદેશો બહુ ઉપજાઉ હતા. બહુ સમૃદ્ધ એવો મલિક સુરત પ્રદેશ જાગીરમાં આપવામાં આવ્યો હતો."
"તે વખતે તેની વાર્ષિક આવક સાડા સાત લાખ રૂપિયાની હતી. દેશવિદેશ સાથે વેપાર ચાલતો હતો તે સુરત બંદર પણ તેને આપવામાં આવ્યું હતું. સુરતના વેપાર પર વેરામાંથી વર્ષે પાંચ લાખથી વધારેની આવક હતી. આ ઉપરાંત આજમગઢ, અંબાલા જેવી સમૃદ્ધ જાગીર તેને મળી હતી."
આમ છતાં જહાંઆરા પોતાને ફકીર કહેતી હતી. તેઓ સાદાઈથી જીવતાં હતાં અને પરદો કરવાનું ખાસ રાખતા હતાં.
ઘણા ઇતિહાસકારોને ટાંકીને ડૉ. રોહમા લખે છે કે તે દાઝી ગઈ તે નવરોઝની રાત હતી. (કેટલાક અનુસાર તેનો જન્મદિન હતો.) આગ લાગી પણ તેણે ચીસાચીસ નહોતી કરી કે જેથી કોઈ પુરુષ બચાવવા દોડી ના આવે. તે દોડીને જનાનખાનામાં જતી રહી હતી અને બેહોશ થઈ ગઈ હતી.
આગ બુઝાવવાના પ્રયાસમાં બે નોકરાણીઓ ઘાયલ થઈ હતી. તેમાંથી એકનું મોત થયું હતું. જહાં આરા દાઝી ગઈ તે સાથે જ મહેલમાં ઉદાસી છવાઈ ગઈ હતી.

મહેલની દુનિયા, મહિલાઓની દુનિયા

ઇમેજ સ્રોત, IRA MUKHOTY
જહાંઆરાની ડાયરીથી ખ્યાલ આવે છે કે તેમની એક મોટી સાવકી બહેન હતી. તે સિવાયના બીજા ભાઈબહેનો શાહજહાં અને મુમતાઝ મહલનાં જ સંતાનો હતો.
મહેલ વિશે જહાંઆરાએ લખ્યું છે કે, "મહેલની અંદર મહિલાઓની દુનિયા છે. શાહજાદીઓ, રાણીઓ, દાસીઓ, નોકરાણીઓ, રસોઈયા, ધોબી, ગાયિકા, નૃત્યાંગના, ચિત્રકારો અને દાસીઓ રહેતી હતી જે સ્થિતિ પર નજર રાખતી અને બાદશાહને માહિતી આપતી રહેતી."
"કેટલીક મહિલાઓ શાદી પછી પરિવારમાં આવી હતી. કેટલાકને તેની સુંદરતાને કારણે શાહજાદાની પસંદગીથી હરમમાં લાવવામાં આવી હતી. કેટલીકનો જન્મ ચાર દીવાલો વચ્ચે થયો હતો."
"કેટલીક મહિલાઓ કહે છે કે એક વાર તમે હરમમાં પ્રવેશ કરો તે પછી કોઈ તમારો ચહેરો જોઈ શકે નહીં. તમે એક જીનની જેમ ગાયબ થઈ જાવ છો અને થોડા વખત પછી તમારા ઘરવાળા પણ તમારો દેખાવ ભૂલી જતા હોય છે."
જોકે જહાંઆરાના રૂપ અને ચરિત્રને મુઘલ ઇતિહાસમાં ભૂલી શકાય તેમ નથી. તેમની સુંદરતાનો ઉલ્લેખ અનેક જગ્યાએ મળે છે.
જહાંઆરાએ પોતે લખ્યું છે કે એક દિવસ તે આળસ કરી રહી હતી તો માતાએ ઠપકો આપીને કહ્યું હતું કે ધોબણની જેમ પડી કેમ છે. તે વિશે શાહજહાંએ કહ્યું કે "આ જો ધોબણ હોય તો તે દુનિયાની સૌથી ખૂબસૂરત ધોબણ હોય."
જહાંઆરાએ એક જગ્યાએ નૂરજહાં અને પોતાની માતાની સુંદરતાની તુલના કરી હતી.
તેમણે લખ્યું હતું કે નૂરજહાં તેની ઊંચાઈ અને લાંબા ચહેરાને કારણે માતાથી વધારે સુંદર અને આકર્ષક લાગતી હતી. જોકે તે કહે છે કે મા પણ ખૂબસૂરત હતી અને ફૂલની જેમ ખીલતી હતી કે બધા તેને પસંદ કરતા હતા.
કલીમે તેમની સુંદરતા વિશે લખ્યું છે કે: "જહાંઆરા બેગમ મુઘલવંશમાં રૂપ અને ચારિત્ર્યની રીતે બેમિસાલ હતી. તે બહુ ખૂબસૂરત હતી."
કેટલાક ઇતિહાસકારોનું કહેવું છે કે રોશન આરા તે વખતે તેની સુંદરતાને કારણે જાણીતી બની હતી. જોકે ડૉ. બર્નિયર લખે છે કે "તેની નાની બહેન રોશન આરા બેગમ બહુ સુંદર છે, પરંતુ જહાંઆરા બેગમની સુંદરતા તેનાથી ક્યાંય અધિક છે."
જહાંઆરાનો દબદબો એટલો હતો કે તેમનો અલગ મહેલ હતો અને ત્યાં જ તેઓ રહેતાં હતાં.
અનુવાદક અને ઇતિહાસકાર મૌલવી ઝકારુલ્લાહ દેહલવીએ 'શાહજહાંનામા'માં લખ્યું છે કે "જહાંઆરા બેગમનો મહેલ શાહજહાંના મહેલની બાજુમાં જ હતો. તેનો મહેલ આકર્ષક અને આલિશાન આરામગાહ સાથે જોડાયેલો હતો."
"તેમાં બહુ આકર્ષક ચિત્રો લગાવેલાં હતાં. દરવાજા અને દીવાલો પર ઉચ્ચ કક્ષાનું કોતરકામ કરવામાં આવ્યું હતું. ઠેકઠેકાણ કિંમતી ઝવેરાત ટાંકવામાં આવ્યા હતા."
"યમુના નદીના કિનારા તરફના આંગણમાં બે કમરા હતા, જેમાં સુંદર મજાનું નકશીકામ કરાયું હતું. તે ત્રણ માળની ઇમારત હતી અને તેના પર સોનાના ઢોળ ચડાવેલા હતા."

સૂફીવાદ તરફનો અભિગમ

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. રોહમા કહે છે કે યુવાનીમાં જ તેને સૂફીવાદ તરફ ખેંચાણ થયું હતું. આગમાં દાઝી જવાની ઘટના પછી તેના જીવનમાં ફકીરીપણું વધારે આવી ગયું હતું.
મહબૂર-ઉર-રહમાન લખે છે કે આ પહેલાં તેની જીવનશૈલી બહુ જ શાહી પ્રકારની હતી. ડૉ. બર્નિયરને ટાંકીને લખે છે કે 'તેની સવારી શાનદાર રીતે નીકળતી હતી. સિંહાસન જેવી ડોળીમાં બેસીને તે નીકળતી હતી. કહાર લોકો તેને ઉઠાવીને ચાલતા હતા.'
'ડોળીની ચારે બાજુ સુંદર ચિત્રકારી કરેલી રહેતી હતી. રેશમી પરદા ઢાંકેલા રહેતા, જેમાં એકદમ ઝીણી ઝાલરો અને સુંદર ફૂદાં લગાવેલાં રહેતાં હતાં. તેના કારણે સમજાટ બહુ શાનદાર લાગતી હતી.'
'ઘણી વાર એક ઊંચા અને સુંદર હાથી પર સવાર થઈને જહાંઆરા નીકળતી. જોકે પરદાનું પાલન સખત કરવાનું હોય એટલે મોટા ભાગે મનોરંજન માટે સૈર બાગ જતી હતી. આ ઉપરાંત શાહજહાં સાથે ઘણી વાર દક્ષિણ ભારત, પંજાબ, કાશ્મીર અને કાબુલનો પ્રવાસ કર્યો હતો.'
'જોકે દર વખતે પરદાનું પૂરું ધ્યાન રાખવામાં આવતું હતું. માત્ર તે જ નહીં, મુઘલ વંશની બધી બેગમો પરદામાં જ સતત રહેતી હતી.'
બર્નિયર લખે છે કે: "કોઈ પણ વ્યક્તિ માટે બેગમની નજીક જવું શક્ય નહોતું. કોઈ મનુષ્યની નજર તેમના પર પડે તે અસંભવ હતું. સવારી ઉઠાવનારા ભૂલથી નજીક જતા રહે તે સિવાય કોઈ પણ ગમે તેવા ઊંચા હોદ્દા પર હોય, જો નજીક જાય તો કિન્નરોના હાથનો માર ખાવો પડતો હતો."
ડૉ. રોહમાનું કહેવું છે કે ઇતિહાસના પુસ્તકોમાં જહાંઆરાના દાઝી જવાની ઘટનાનું વર્ણન મળે છે. પરંતુ તે સિવાયના તેના જીવન વિશે વધુ વિગતો લખવામાં આવી નથી. પરંતુ સાચી વાત એ છે કે તે મુઘલ સામ્રાજ્યની બહુ શક્તિશાળી અને પ્રભાવશાળી નારી હતી.
તેમનું જ્ઞાન, મિત્રતા, સૂફીઓ પ્રતિનું સમર્પણ, ઉદારહતા, દરબારી ખટપટમાં રણનીતિ, બગીચા અને સ્થાપત્યમાં તેમનો રસ આ બધા તેમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં હતાં.
જહાંઆરાએ બે પુસ્તકો લખ્યાં હતાં, જે બંને ફારસી ભાષામાં છે. તેમણે 12મી અને 13મી સદીમાં થઈ ગયેલા સૂફી હઝરત મોઇનુદ્દીન ચિશ્તી વિશે 'મોનિસ અલ-અરવાહ' નામે પુસ્તક લખ્યું હતું.
સૂફી અને સંતોની વાતોમાં તેમને રસ પડતો હતો. નાની ઉંમરથી જ તેને સમજતી થઈ ગઈ હતી. શરૂઆતમાં દારા સાથે અને બાદમાં પિતા સાથે આ વિષયોમાં ચર્ચાઓ પણ કરતાં.
તેમણે લખ્યું છે કે એક વાર પુસ્તક પરત આપવાના બહાને તે દારા સાથે હિન્દુસ્તાનની મલ્લિકા નૂરજહાંને મળવા ગઈ હતી. તેને નવાઈ લાગી કે નૂરજહાંને એ યાદ હતું કે કયાં પુસ્તકો વાંચવા માટે આપ્યાં હતાં.
નૂરજહાંએ પૂછ્યું કે ફૈઝીનું પુસ્તક ગમ્યું કે હારૂન રશીદના વાર્તાઓ ગમી. જહાંઆરાએ કહ્યું કે તેને હારૂન રશીદની વાર્તાઓ ગમી, ત્યારે નૂરજહાંએ કહેલું કે ઉંમર વધશે તે સાથે શાયરીનો આનંદ લેવાનું પણ શીખી જઈશ.
જહાંઆરાનું શિક્ષણ ઘરમાં જ થયું હતું. તેમની માતાની સખી સતી અલ-નિસા બેગમે (તેને સદર અલ-નિસા તરીકે પણ ઓળખવામાં આવે છે) તેમને ભણાવી હતી. અલ-નિસા શિક્ષિત પરિવારની હતી અને તેમના ભાઈ તાલિબ આમલીને જહાંગીરના સમયમાં મલિકુશ્શુઅરા (રાષ્ટ્રકવિ)ની પદવી મળી હતી.
જહાં આરા થોડો સમય માટે દક્ષિણ ભારતમાં ગયાં હતાં, ત્યારે એક મહિલા શિક્ષિકા તેમને ભણાવવા આવતાં હતાં. તેમનું બીજું પુસ્તક 16 અને 17મી સદીમાં થઈ ગયેલા સૂફી મુલ્લા શાહ બદખ્શી પરનું 'રિસાલા સાહિબિયા' હતું.
ડૉ. રોહમા કહે છે કે જહાં આરાથી મુલ્લાશાહ બહુ પ્રભાવિત થયાં હતાં. તેમણે એવું કહેલું કે જો "જહાંઆરા એક મહિલા ના હોત તો તેઓ તેમને ખલીફા તરીકે સ્થાપિત કરી દેત."
જહાંઆરાને ગૌરવ હતું કે પોતે પદ્ધતિસર મુરીદ (શિષ્ય) બનનારી પ્રથમ નારી હતી અને પીરના જણાવ્યા અનુસાર જીવન વિતાવનારી પ્રથમ મુઘલ નારી હતી.
જહાંઆરાએ સમગ્ર શાહજહાંબાદ એટલે કે દિલ્હીનો નકશો પોતાની દેખરેખમાં તૈયાર કરાવ્યો હતો. કેટલાક ઇતિહાસકારોમાં આ વિશે મતભેદ છે. જોકે ચાંદની ચોક વિશે કોઈ મતભેદ નથી. આ બજાર તેમના સારા શોખ અને શહેરની જરૂરિયાતોની દેણગી છે.

જહાંઆરાનાં કાર્યો

ઇમેજ સ્રોત, Getty Images
જહાંઆરાએ ઘણી મસ્જિદો બનાવી હતી અને અજમેરમાં હઝરત મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર એક બારાદરી મહેલ બનાવ્યો હતો.
દરગાહ પર આવી હતી ત્યારે તેમને બાર દરવાજાવાળા બારાદરી મહેલ બનાવવાની પ્રેરણા થઈ હતી એમ ડૉ. રોહમા જણાવે છે. સેવાભાવ સાથે તેમણે મહેલ બનાવવાનો સંકલ્પ કર્યો હતો અને ઘણા બધા બગીચા પણ તૈયાર કરાવ્યા હતા.
આગરાની જામા મસ્જિદની વાત કરતાં ડૉ. રોહમા કહે છે કે તેની ખાસ વિશેષતા એ છે કે તેમાં ઇબાદત માટે મહિલાઓનો અલગ ખંડ છે.
બીજી મહત્ત્વની વાત એ છે કે મુખ્ય દરવાજા પર ફારસીમાં શિલાલેખ છે. તેમાં કોઈ મુઘલ બાદશાહની જેમ જહાંઆરાની, તેની આધ્યાત્મિકતાની અને પવિત્રતાની પ્રસંશા કરવામાં આવી હતી. "તે એક પ્રકાર કસીદા પઢવા જેવું હતું."
"જહાંઆરા સાર્વજનિક જીવનમાં સ્ત્રીઓને સ્થાન અપાવનારી પ્રથમ મુઘલ શાહજાદી છે," એમ જણાવીને તેઓ ઉમેરે છે કે તેમણે યમુના પાર સાહીબાબાદમાં બેગમનો બાગ બનાવ્યો હતો.
આ બાગ મહિલાઓ માટે આરક્ષિત હતો. આજે પણ તે મહિલા બાગ છે, જેથી ત્યાં સ્ત્રીઓ મોકળા મને હરીફરી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. રોહમા કહે છે કે મુઘલકાળમાં મહિલાઓના આટલા સારા ગુણ છતાં ઇતિહાસનાં પાનાંઓમાંથી તેઓ ગાયબ થઈ ગઈ. અકબરના સમયથી વધુ મર્યાદાઓ આવી અને એટલે સુધી કે તેમનાં નામો પણ જાહેર કરવામાં આવતાં નહોતાં.
કદાચ જહાંઆરાને પણ આવનારા સમયનો અંદાજ હતો. તેઓ પરદાદી એટલે કે જહાંગીરનાં માતા અને અકબરનાં પત્નીનો ઉલ્લેખ કરે છે કે તેઓ એક હિન્દુ પરિવારમાંથી આવે છે.
મને ખબર નથી કે તેમનું અસલી નામ શું છે, પરંતુ તેમની પદવીથી અમે જાણીએ છીએ અને તેઓ હરમમાં સૌથી સન્માન ધરાવતાં નારી છે.
તેથી ઇતિહાસમાં બેગમની સરાય, બેગમના બાગ, બેગમના મહેલ, બેગમના સ્નાનાગાર એવી રીતે નામો છે. ડૉ. રોહમા વધુમાં જણાવે છે કે અજમેરમાં બેગમ કા દાલાન છે તેનું નામ પણ આ રીતે જ પડ્યું છે.
તેઓ કહે છે, "બાદશાહની સાથે સાથે જ જહાંઆરા પોતાની છાપ છોડતી ગઈ છે, પછી ભલે તે અજમેર હોય, આગરા હોય કે દિલ્હી હોય."
ડૉ. એમ. વસીમ રાજાએ જણાવ્યું કે કાશ્મીરના સૂફી સંત મુલ્લા બદખ્શીને તે માનતી હતી અને કાદરિયાની સાથે સાથે ચિશ્તીમાં પણ વિશ્વાસ ધરાવતી હતી. એક સમયે તેને પોતાનો પરિવાર કાદરી પંથમાં જોડાય તેવી ઇચ્છા હતી.

જહાંઆરાની રાજનીતિ

ઇમેજ સ્રોત, DARA SHUKOH THE MAN WHO WOULD BE KING
મહેલમાં નૂરજહાંને જોયાં ત્યારથી જ જહાંઆરાને રાજનીતિમાં સમજ પડવા લાગી હતી. તેનાથી તેઓ બહુ પ્રભાવિત થયાં હતાં.
તેઓ જણાવે છે કે એક વાર નૂરજહાં ગ્રંથાગારમાં બેઠી હતી ત્યારે પૂછ્યું હતું કે, 'શું આ બધું તમે વાંચશો? આ તો બહુ વધારે છે.' નૂરજહાંએ જવાબમાં કહ્યું કે અમે તો રોજ તેને વાંચીએ છીએ. વાંચીશું નહીં તો કેવી રીતે ખબર પડશે કે રાજ્યમાં શું ચાલી રહ્યું છે. જિલ્લેઇલાહી પણ ઇચ્છે છે કે હું આ બધું ધ્યાનથી વાંચું અને તેમાં કંઈ ખોટું હોય તો તેમનું ધ્યાન દોરું.'
દારાએ વળી પૂછ્યું કે એવું તો શું ખોટું થતું હોય. ત્યારે તેણે મારી સામે જોયું અને કહ્યું કે, 'રાજ્યમાં કામકાજ કેમ ચાલે તે જાણવાનો તારો સમય હવે આવી ગયો છે.'
તેમણે એક દસ્તાવેજ ઉઠાવ્યો અને ખોલ્યો. તે બંગાળના ગવર્નરનો અહેવાલ હતો. તેમાં લખ્યું હતું કે દુકાળ પડ્યો છે એટલે ખેડૂતો પાસેથી કર લઈ શકાય તેમ નથી. અમને થયું કે આમાં ખોટું શું છે.
"તેમણે બીજો દસ્તાવેજ ઉઠાવ્યો અને કહ્યું કે આ બંગાળના આપણા જાસૂસનો અહેવાલ છે. જાસૂસે જણાવ્યું કે ગવર્નરે ખેડૂતો પાસેથી કર વસૂલી લીધો છે. તે દુકાળના બહાને મહેસૂલ પોતાની પાસે જ રાખવા માગે છે."
જહાંઆરાએ એવું પણ જણાવ્યું છે કે નૂરજહાં પાસે શાહી મહોર રહેતી હતી. જે કાગળ પર તે મહોર મારી દે તે બાદશાહનું ફરમાન થઈ જતું હતું.
આ રીતે ખ્યાલ આવે છે કે જહાંઆરાનાં માતાના મૃત્યુ પછી નૂરજહાંનો દરજ્જો એટલો વધી ગયો હતો કે તેમને શાહી મહોર પણ આપી દેવાઈ હતી.

ઇમેજ સ્રોત, HISTORICAL PICTURE ARCHIVE
બાદશાહનામામાં ઝિયાઉદ્દીન અહમદ લખે છે કે:
"1631-32માં યમીનુદ્દૌલા આસિફ ખાન, આસિફ ખાન, મોહમ્મદ આદિલ ખાન બાલા ઘાટની લડાઈ માટે નીકળવાના હતા. ત્યારે પ્રધાનમંત્રી હજી આવ્યા નહોતા, ત્યાં સુધી જહાંઆરા પાસે શાહી મહોર હતી અને તેણે જ શાહી ફરમાનો પર તેને લગાવી હતી."
17-18ની નાની ઉંમરે શાહી મહોર મારવાનું કામ કરવું તે ઘણી મોટી જવાબદારી કહેવાય. તે દારાની તરફેણ કરતી હતી, પરંતુ ઔરંગઝેબને પણ તેના માટે ક્યારેય માન ઓછું થયું નહોતું.
જોકે બહેન રોશન આરા તેનાથી ચિડાતાં હતાં અને ઔરંગઝેબ પાસે જઈને કાન ભંભેરણી કરતાં હતાં. જોકે શાહજહાંના અવસાન પછી ઔરંગઝેબે જહાંઆરાને જ ફરીથી પાદશાહ બેગમની પદવી આપી હતી. તેનાથી રોશન આરા વધુ નારાજ થયાં હતાં. 1681માં અવસાન સુધી જહાં આરા આ જ પદ પર રહ્યાં હતાં.
તેઓ બીમાર પડ્યાં અને મોતની પથારી પર હતાં ત્યારે ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમની કબર સૂફી સંત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પાસે બનાવવી. તેમણે શેર લખ્યો હતો તે પોતાની મઝાર પર કોતરાવા કહ્યું હતુંઃ
બગૈર સબ્ઝા ન પોશદ કિસે મઝાર મિરા
કિ કબ્ર પોશ ગરીબાં હમીં ગયાહ વો બસ અસ્ત
અર્થાત, મારી મઝારને સબ્ઝ (હરિયાળું) સિવાય કોઈ ચીજથી ઢાંકશો નહીં, કેમ કે ગરીબોની મઝારને ઢાંકવા આ ઘાસ જ પૂરતું છે.
આ રીતે મુઘલ સામ્રાજ્યનાં સૌથી અમીર શાહજાદી પોતાને ગરીબ કહેતા હતાં અને દુનિયા છોડીને જતાં રહ્યાં પછી તેમનો મકબરો પણ ના બન્યો.
(આ અહેવાલ સૌપ્રથમ ઑક્ટોબર 2020માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













