એ લડાઈ જેમાં 'પાકિસ્તાની વાયુસેનાના પ્રમુખ'ને ભારતીય સૈનિકોએ બંદી બનાવ્યા

ઇમેજ સ્રોત, HS Panag, Bharatrakshak.com
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
આ કિસ્સો 21 નવેમ્બર 1971નો છે. ભારત-પાકિસ્તાન યુદ્ધની ઔપચારિક શરુઆત થવામાં 11 દિવસો બાકી હતા. બે દિવસ પહેલાં જ '4 શિખ રેજિમૅન્ટ'ના સૈનિક કેટલીક ટૅન્કો સાથે પૂર્વ પાકિસ્તાનમાં ચૌગાચા કસબા તરફ આગળ વધી ગયા હતા.
એક કંપની ટૅન્ક પર સવાર હતી અને તેની પાછળ ત્રણ કંપની ચાલી રહી હતી. પાકિસ્તાન '107 ઇન્ફૅન્ટ્રી બ્રિગેડ'ના સૈનિકો તેમની સાથે ટક્કરની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ ભારતીય સૈનિક ખૂબ જોશમાં હતા. સ્થાનિક લોકો તેમનો 'જૉય બાંગ્લા'ના સૂત્રોથી સ્વાગત કરી રહ્યા હતા અને 4 શિખ રેજિમૅન્ટનું સૂત્ર 'જો બોલે સો નિહાલ' પણ ગૂંજી રહ્યું હતું.
લાગતું હતું કે હોલિવુડ ફિલ્મ 'બૅટલ ઑફ ઘી બલ્ઝ' જેવાં દૃશ્યો સર્જાયાં હતાં. સાંજ સુધી ભારતીય સૈનિક ચૌગાચામાં કબાડક નદી કિનારે પહોંચી ચૂક્યા હતા. 4 શિખના ટૅન્કો સાથે ચાલી રહેલી જી-કંપનીએ પુલ સુધી પહોંચવાની પૂરી કોશિશ કરી પરંતુ તેઓ ત્યાં પહોંચે તે પહેલા પાકિસ્તાનીઓએ તે પુલ ઉડાવી દીધો હતો.
પુલના પશ્ચિમી કિમારે બાલૂમાં એક ભારતીય ટૅન્ક ફસાઈ ગઈ હતી જેને બહાર કાઢવાની કોશિશ થઈ રહી હતી.

ચાર સૅબર જેટે હુમલા કર્યા

ઇમેજ સ્રોત, Asad Saeed Khan
4 શિખ રેજિમૅન્ટના ઍડજુટાંટ કપ્તાન એચ. એસ. પનાગ જેઓ ભારતીય સેનામાં લૅફ્ટનન્ટ જનરલના પદેથી નિવૃત્ત થયા, તેમણે હાલમાં પ્રકાશિત પુસ્તક 'ધ ઇન્ડિયન આર્મી, રેમિનિસેંસેસ, રિફૉર્મ્સ ઍન્ડ રોમાન્સ'માં લખ્યું છે, "22 નવેમ્બરે ધુમ્મસ હઠ્યું, પછી પાકિસ્તાની વાયુસેનાના ચાર સૅબર જેટે 4 શિખ રેજિમૅન્ટનાં ઠેંકાણાં પર હવાઈ હુમલો શરૂ કરી દીધો. તેમની કોશિશ હતી કે જે પુલ ઉડાવી દેવાયો છે તેના પાસેની ભારતીય ટૅન્કોને કોઈ રીતે નષ્ટ કરી દેવામાં આવે."
"અમે વારંવાર પોતાની વાયુસેના પાસે હવાઈ રક્ષણની માગ કરી રહ્યા હતા પરંતુ અમારી માગ ખારીજ કરી દેવાઈ હતી કેમ કે યુદ્ધની ઔપચારિક ઘોષણા નહોતી થઈ. અમે હળવાં હથિયારો જેવાં કે લાઇટ મશિનગન અને મશીનગનોથી આ વિમાનો પર ગોળીબાર કરી રહ્યા હતા."
એ જ સમયે દમદમ ઍરપૉર્ટ પર ફ્લાઇંગ ઑફિસર ડૉન લઝારુસ ફ્લાઇંગ ઑફિસર સુનીથ સુઆરેસ સાથે સ્ક્રૅબલ રમી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2 વાગ્યે અને 37 મિનિટે દમદમ ઍરબૅઝનું સાયરન વાગ્યું. લઝારુસ અને સુઆરેસે સ્ક્રૅબલનો ખેલ છોડી પોતાનાં નૅટ વિમાનો તરફ દોડ લગાવી.
બીજી તરફ ફ્લાઇટ લૅફ્ટનન્ટ રૉય મૅસી અને એમ. એ. ગણપતિ પણ પોતાનાં વિમાનો તરફ દોડ્યા.

ઇમેજ સ્રોત, Bharatrakshak.com
જ્યાં 4 શિખ રેજિમૅન્ટ પર પાકિસ્તાની સૅબર જેટ હુમલો કરી રહ્યાં હતાં, તે વિસ્તાર દમદમ વિમાનમથકથી 50 માઈલ ઉત્તર-પૂર્વમાં હતો. ત્યાં આ ચારેય નૅટ વિમાનોને પહોંચવામાં 8થી 9 મિનિટ લાગી હતી.
બીજી તરફ કૅપ્ટન પનાગ પોતાના ઠેંકાણે રસદની સમીક્ષા કરી જીપમાં પરત ફરી રહ્યા હતા.
પગાન યાદ કરતાં કહે છે, "મેં જોયું કે 3 વાગ્યો ત્રણ સૅબર્સ 1800 ફૂટ ઊંચાઈ પર ગયાં અને પછી બૉંબ ફેંકવા માટે 500 ફૂટ નીચે આવ્યાં. ત્યારે મારી નજર 4 વિમાનો પર ગઈ જે પૂર્વથી આવીને વૃક્ષની ઊંચાઈએ ઊડી મારી ઉપરથી નિકળ્યાં. તેઓ એટલી સ્પિડમાં નિકળ્યાં કે મારી જીપ ધ્રુજવા લાગી હતી."
"મને લાગ્યું કે શું પાકિસ્તાને અમને રોકવા માટે તેની આખીય સ્ક્વૉર્ડન મોકલી દીધી છે? પરંતુ ત્યારે ચારેય વિમાન તેના ફૉર્મેશનથી અલગ થઈ ગયાં અને તેઓ એકએક સૅબર વિમાનની પાછળ લાગી ગયાં. સેબર્સને માલૂમ જ ન પડ્યું કે નૅટ વિમાન લડાઈના મેદાનમાં આવી ચૂક્યાં છે. પરંતુ મને આનો અંદાજો આવી ગયો હતો અને મેં જીપ ઊભી રાખીને આ લડાઈ જોવાનું નક્કી કર્યું."

ઇમેજ સ્રોત, Don Lazarus
જાણીતા વાયુસૈન્ય-ઇતિહાસકાર પી. વી. એસ. જગમોહન અને સમીર ચોપડા પોતાના પુસ્તક 'ઇગલ્સ ઑવર બાંગ્લાદેશ'માં લખે છે, "સૌથી પહેલાં સેબર્સ પર સુઆરેસની નજર પડી જે તેમનાથી સૌથી દૂર હતી. મૅસી અને ગણપતિ તેમનાથી દોઢ કિલોમિટર દૂર ફાઇટિંગ પૉઝિશનમાં ઊડી રહ્યા હતા."
"સુઆરેસ રેડિયો પર જોરથી બોલ્યા 'કૉન્ટેક્ટ' અને પછી કૉડવર્ડમાં બોલ્યા 'ગાના ડૉની' એટલે કે સૅબર તમારી જમણી બાજુ 4000 ફૂટ ઊંચાઈ પર છે, પરંતુ ગણપતિને ત્યારે પણ સેબર નજર ન આવ્યું."
"સુઆરેસ ફરી રેડિયો પર બોલ્યા, 'ઍરક્રાફ્ટ ઍટ ટુ ઑ ક્લૉક, મૂવિંગ ટૂ વન ઑ ક્લૉક, 3 કિલોમિટર્સ અહેડ.'"
"દરમિયાન મૅસીએ સૅબરને જોઈ લીઘું અને તેમણે 800 ગજના અંતરથી સૅબર પર પોતાની કૅનનમાંથી પહેલો બર્સ્ટ ફાયર કર્યો."

લઝારુસે 150 ગજના અંતરથી સૅબરનો નિશાન બનાવ્યું

ઇમેજ સ્રોત, Westland
ફ્લાઇંગ અધિકારી લઝારુસ લાહ મલેશિયામાં રહે છે અને એ ચાર નૅટમાંથી એક વિમાનમાંથી હુમાલો કરી રહેલા લઝારુસને આજે પણ એ લડાઈ યાદ છે. જેમ કે એ ગઈકાલની જ વાત છે.
લઝારુસ જણાવે છે, "મારી નજર ત્રીજા સૅબર પર ગઈ. મેં તેની પાછળ મારું નૅટ લગાવી દીધું. મેં 150 ગજ દૂરથી તેના પર ફાયર કર્યું. આ નાનો બર્સ્ટ હતો. મારી કૅનનમાંથી 12 રાઉન્ડ નિકળ્યા હશે. અને સૅબરમાં આગ લાગી ગઈ. મેં રેડિયો પર સંદેશ આપ્યો 'આઈ ગોટ હિમ'. મારા નૅટના માર્ગમાં જ સૅબરમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ મારી એટલા નજીક થયો કે સૅબરનો કેટલોક કાટમાળ મારા નૅટને ટકરાયો. અને તેની નૉઝ કોન અને ડ્રૉપ ટૅન્ક ચોંટી ગયા."
બીજી તરફ મૅસીએ જ્યારે પોતાનો બીજો બર્સ્ટ ફાયર કર્યો તો તેમની કૅનન જામ થઈ ગઈ.
પરંતુ તેમનો ત્રીજો બર્સ્ટ સૅબરના 'પૉર્ટ વિંગ'માં લાગ્યો અને તેમાંથી ધુમાડો નિકળવા લાગ્યો. મૅસીને પોતાના રેડિયો પર વિમાન તોડી પાડવાનો કૉડવર્ડ બોલ્યો, 'મર્ડર, મર્ડર.'

પનાગે પાકિસ્તાની પાયલટને બચાવ્યો

ઇમેજ સ્રોત, Bharatrakshak.com
બીજી તરફ જમીન પર આ દૃશ્યો જોઈ રહેલા કૅપ્ટન પનાગે જોયું કે બે સૅબર જેટ નીચે પડી રહ્યા છે અને તેમાંથી બે પેરાશૂટ ખુલ્યાં જે તેમના સૈનિકો તરફ આવી રહ્યા હતા.
પનાગ યાદ કરે છે,"અમારા સૈનિક બંકરથી નિકળીને પેરાશૂટ તરફ ગયા. મને લાગ્યું કે જોશમાં આવેલા અમારા સૈનિક પાકિસ્તાની પાઇલટને નુકસાન ન કરે. એટલે પહેલાં મેં જીપ તેમના તરફ હંકારી અને પછી ઊતરીને ઝડપથી દોડીને ત્યાં ગયો."
"હું જ્યારે 50 ગજ દુર હતો તો જોયું કે સૈનિકોએ પાઇલટને નીચે પાડી દીધા હતા અને રાઇફલના બટથી તેમને મારી રહ્યા હતા. મેં તેમને રોક્યા અને પાઇલટને બચાવ્યા."

પાકિટમાં પત્નીની તસવીર

ઇમેજ સ્રોત, Bharatrakshak.com
તે પાઇલટને કૂચ કરાવી બટાલિયનના વડા મથકે લઈ જવાયા.
પનાગ જણાવે છે, "મેં પાયલટના જખમની સારવાર કરાવી તેમના માટે ચા મંગાવી. તેમનું નામ હતું ફ્લાઇટ લૅફ્ટનન્ટ પરવેઝ મેંહદી કુરેશી. તેઓ લાંબા કદના હૅન્ડસમ સૈનિક હતા. ઊંચાઈ 6 ફૂટથી પણ વધારે હતી. તેઓ થોડા ગભરાયેલા હતા કેમ કે તેમની સાથે શરૂઆતમાં મારામારી થઈ હતી."
"પણ પછી તેઓ ઘણા જોશ સાથે ઉપસ્થિત થયા. તેઓ ઢાકાસ્થિત પાકિસ્તાની વાયુસેનાની 14મી સ્ક્વૉર્ડનના સ્ક્વૉર્ડન કમાન્ડર હતા અને તેમણે પાકિસ્તાન ઍરફૉર્સ અકાદમીમાંથી સ્વૉર્ડ ઑફ ઑનર એટલે કે સર્વશ્રેષ્ઠ વાયુ સૈનિકનો ખિતાબ પણ મળેલ હતો."
"મેં તેમના પાકિટને તપાસ્યું. તેમનાં પત્નીની તસવીર હતી. મેં તે તેમને આપી દીધી. પછી મેં તેમની પાસેથી મળેલા સામાનની યાદી બનાવી જેમાં એક ઘડિયાલ, 9 એમએમની પિસ્ટલ, 20 રાઉન્ડ કારતૂસ અને તેમની સર્વાઇવલ કિટ હતી."

ઇમેજ સ્રોત, Bharatrakshak.com
"મેં તેમને કહ્યું કે હવે તમે યુદ્ધકેદી છો અને તમારી સાથે જિનિવા સમજૂતી હેઠળનો વર્તાવ કરવામાં આવશે. જ્યારે તેમને અમારી બ્રિગેડના વડા મથકે બોલાવવામાં આવ્યા તો તેમણે એક પણ શબ્દ બોલ્ય નહીં. પરંતુ તેમની આંખોમાં એ સ્પષ્ટ દેખાતું હતું. જેમ કે તેઓ મારો આભાર માનવા ઇચ્છતા હતા."
આ ઘટનાના આગલા દિવસો પાકિસ્તાની રાષ્ટ્રપતિ જનરલ યાહ્યા ખાંએ પાકિસ્તાનમાં કટોકટીની જાહેરાત કરી હતી.
તેના બે દિવસ પછી 25 નવેમ્બરે તેમણે નિવેદન આપ્યું, "દસ દિવસોની અંદર આપણી સેના ભારતની સેના સાથે યુદ્ધ લડવા જઈ રહી હશે"

દમદમ ઍરબૅઝ પર પાયલટોનું અભૂતપૂર્વ સ્વાગત

ઇમેજ સ્રોત, HarperCollins
આ સમગ્ર હવાઈ લડાઈ બે અઢી મિનિટમાં પૂરી થઈ ગઈ હતી. જ્યારે ભારતીય નૅટ વિમાન દમદમ હવાઇમથકે ઊતર્યાં તો આખું ઍરબૅઝ તેમના સ્વાગત માટે ઉમટી પડ્યું હતું.
લઝારુસ યાદ કરે છે,"અમારા ફૉર્મેશનનો કૉલ સાઇન હતો - કૉકટેલ. તેમણે પૂછ્યું, કૉકટેલ1?તેમણે કહ્યું, 'મર્ડર, મર્ડર' જેનો અર્થ એ હતો કે તેમણે એક વિમાન તોડી પાડ્યું છે."
"કૉકટેલ-2એ કહ્યું 'નૅગેટિવ'. કૉકટેલ-3એ કહ્યું, 'મર્ડર, મર્ડર' અને મેં પણ કહ્યું, 'મર્ડર, મર્ડર' આ માહિતી અમે ઊતરણ કરીએ તે પહેલાં તેમના સુધી પહોંચી ગઈ હતી."
"અમે જ્યારે ત્યાં ઊતર્યા તો લોકોએ અમને ચારેય બાજુથી ઘેરી લીધા હતા. સામાન્ય રીતે પાઇલટ સીડીથી નીચે ઊતરે છે. નૅટ વિમાન ઘણું નાનું હોય છે. સામાન્યરીતે અમે ત્યાંથી કૂદીને નીચે ઊતરીએ છે. પણ એ દિવસે અમને નીચે ન ઉતરવા દીધા. અમને અમારા સાથીઓએ ખભા પર બેસાડી નીચે ઉતાર્યા."

ત્યાર બાદ એ પાયલટ બધાના હીરો બની ગયા અને જ્યાં જ્યાં પણ ગયા ત્યાં લોકોએ તેમને ઘેરી તેમને વધાવ્યા.
ભારતીય વાયુસેના અધ્યક્ષ ઍરચીફ માર્શલ પી. સી. લાલ આ પાઇલટોને અભિનંદન આપવા ખાસ કોલકાતા આવ્યા હતા.
તેમણે કહ્યું, "અમે વાસ્તવિક યુદ્ધ શરૂ થતાં પહેલાં જ લડાઈ જીતી લીધી."
કેટલાક દિવસો બાદ રક્ષામંત્રી જગજીવન રામ અને પૂર્વ વાયુસેના કમાનના પ્રમુખ ઍરચીફ માર્શલ દેવાન પણ આ ચાર પાયઇટો, ફ્લાઇટ કંટ્રોલર કે. બી. બાગચી અને તેમના કમાન્ડિગ ઑફિસરને અભિનંદન આપવા માટે ખાસ દમદમ હવાઈમથકે આવ્યા હતા.
તેમણે તમામને હાર પહેરાવ્યા અને નૅટ વિમાન પર ચઢીને તસવીરો ખેંચાવી.

પરવેઝ કુરેશી મહેંદી બન્યા પાકિસ્તાની વાયુસેનાના અધ્યક્ષ

ઇમેજ સ્રોત, Don Lazarus
આ લડાઈમાં ભાગ લેનારા ભારતીય પાઇલટ મૈસી, ગણપતિ અને લઝારુસ અને ફ્લાઇટ કંટ્રોલર બાગચીને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.
ફ્લાઇટ લૅફ્ટનન્ટ પરવેઝ કુરેશી દોઢ વર્ષ સુધી ગ્વાલિયરમાં યુદ્ધબંદી તરીકે રહ્યા.
વર્ષ 1997માં પરવેઝ કુરેશીને પાકિસ્તાન વાયુસેનાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
આ પદ પર તેઓ ત્રણ વર્ષ સુધી રહ્યા.
જ્યારે 1999માં અટલ બિહારી વાજપેયી પાકિસ્તાન યાત્રા પર ગયા ત્યારે વડા પ્રધાન નવાઝ શરીફે તેમનો પરિચય વાજપેયી સાથે કરાવ્યો હતો.

ઇમેજ સ્રોત, Pakistan Air Force
બાદમાં એવા સમચાર આવ્યા હતા કે કારગિલ યુદ્ધના મુદ્દા પર તેમના તત્કાલીન સેનાધ્યક્ષ જનરલ પરવેઝ મુશર્રફ સાથે મતભેદો થઈ ગયા હતા અને તેમણે પાકિસ્તાની વાયુસેનાના કારગિલ યુદ્ધમાં સામેલ કરવા માટે ઇન્કાર કરી દીધો હતો.
ઍર માર્શલ મેંહદીની કૉકપિટ સીટ, તેમનું પેરાશૂટ અને સૅબર વિમાનનો કેટલોક ભાગ આજે પણ 4 શિખ રેજિમૅન્ટના વડા મથકે યાદગીરી સ્વરૂપે રાખવામાં આવ્યો છે.
મેંહદી 1971ની લડાઈ પહેલાં યુદ્ધબંઘી હતી અને 4 શિખ રેજિમૅન્ટના કૅપ્ટન એચ. એસ. પનાગે તેમને યુદ્ધબંદી બનાવ્યા હતા.
કપ્તાન પગાન ભારતીય સેનામાં લૅફ્ટનન્ટ જનરલના પદે નિવૃત્ત થયા હતા. આ પૂર્વે તેઓ ઉત્તર અને મધ્ય કમાનના જનરલ ઑફિસર કમાન્ડિગ ચીફ પણ રહી ચૂક્યા હતા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












