ખામેનેઈ ઈરાનના સર્વોચ્ચ નેતા કઈ રીતે બન્યા અને અમેરિકાના દુશ્મન કેમ થઈ ગયા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી ન્યૂઝ પર્શિયન
- વાંચવાનો સમય: 6 મિનિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનના સર્વોચ્ચ નેતા અયતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થઈ ગયું છે.
ઈરાનના સરકારી ટીવીએ પુષ્ટિ કરી છે કે આયતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું છે.
સરકારી પ્રેઝન્ટરે રડતાં ખામેનેઈના મોતની ઘોષણા કરી અને જણાવ્યું કે દેશમાં 40 દિવસનો શોક પાળવામાં આવશે.
શનિવારે અમેરિકા અને ઇઝરાયલે ઈરાનનાં શહેરો પર હુમલા કર્યા હતા અને રવિવારે સવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ખામેનેઈના મોતને લઈને દાવો કર્યો હતો.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું, "ઇતિહાસના સૌથી ખરાબ લોકોમાંથી એક ખામેનેઈ હવે માર્યા ગયા છે."
અયાતોલ્લાહ અલી ખામેનેઈ 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછીના દેશના બીજા સર્વોચ્ચ નેતા બન્યા હતા તથા તેઓ 1989થી સર્વોચ્ચ હોદ્દા પર હતા.
તેઓ વિવિધ સત્તાનાં કેન્દ્રોના જટિલ વર્તુળની વચ્ચે બેસતા હતા. તેઓ કોઈપણ જાહેર નીતિના મામલાઓને અટકાવી શકતા હતા તથા જાહેર હોદ્દા માટે ચૂંટણી લડનારા ઉમેદવારોની પસંદગી પણ કરતા હતા.

ઇમેજ સ્રોત, EPA/EFE via SHUTTERSTOCK
દેશના પ્રમુખ અને ઈરાનિયન રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી) સહિત લશ્કરના કમાન્ડર-ઇન ચીફ તરીકેનો તેમનો હોદ્દો તેમને શક્તિશાળી બનાવતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમનો જન્મ 1939માં ઈરાનના બીજા સૌથી મોટા શહેર મશહદમાં થયો હતો.
ધાર્મિક પરિવારનાં આઠ બાળકોમાં તેઓ બીજા ક્રમે હતા. તેમના પિતા ઇસ્લામની શિયા શાખાના એક મધ્યમ સ્તરના ધર્મગુરુ હતા. શિયા ઈરાનનો મુખ્ય સંપ્રદાય છે.
તેમના શિક્ષણમાં કુરાનના અભ્યાસનું વર્ચસ્વ રહ્યું હતું અને 11 વર્ષની વયે જ તેમણે મૌલવી બનવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરી લીધી હતી.
પરંતુ, તે સમયના ઘણા ધાર્મિક નેતાઓની માફક તેમનું કામ કેવળ આધ્યાત્મિક ન રહેતાં રાજકીય પણ હતું.
પ્રભાવશાળી વક્તા એવા ખામેનેઈ ઈરાનના શાહના આલોચકો સાથે જોડાઈ ગયા.
ઈરાનના શાહને પછીથી ઇસ્લામિક ક્રાંતિ દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા.
વર્ષો સુધી તેઓ ભૂગર્ભમાં રહ્યા કે પછી જેલવાસ ભોગવતા રહ્યા.
શાહની ગુપ્ત પોલીસે છ વખત તેમની ધરપકડ કરી, જેમાં તેમણે ભારે યાતનાઓ અને આંતરિક દેશવટો ભોગવવાં પડ્યાં.
1979ની ઇસ્લામિક ક્રાંતિના પછીના વર્ષે અયાતોલ્લાહ રૂહોલ્લાહ ખામેનેઈએ રાજધાની તહેરાનમાં શુક્રવારની નમાઝના આગેવાન તરીકે તેમની નિમણૂક કરી.
તે પછી ખામનેઈ 1981માં પ્રમુખ તરીકે ચૂંટાયા. ત્યાર બાદ અયાતોલ્લાહ ખોમેનેઈનું 86 વર્ષની વયે નિધન થતાં ધાર્મિક આગેવાનોએ ખામેનેઈને તેમના અનુગામી બનાવ્યા.
અમેરિકા સાથેનો વિવાદ અને ખામેનેઈની વિદેશ નીતિ
અમેરિકા સાથેના વિવાદોના કારણે ખામેનેઈને વિદેશોમાં ઘણી વખત એક એકલવાયા દેશના નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. અમેરિકામાં 9/11 હુમલાઓ પછી, તત્કાલીન રાષ્ટ્રપતિ જૉર્જ બૂશે ઈરાનની ટીકા કરી હતી.
ઇઝરાઇલ સાથેના સતત ચાલતા સંઘર્ષમાં, ખામેનેઈએ લેબનાનના સશસ્ત્ર શિયા જૂથ 'હિઝ્બોલ્લાહ'નો પોતાના પ્રતિનિધિ તરીકે ઉપયોગ કર્યો હતો. ખામેનેઈએ અત્યંત સતર્ક વિદેશ નીતિ અપનાવી હતી — તેમણે ન તો વૉશિંગ્ટન સાથે સમજૂતી કરી, ન તો સીધા જંગનો રસ્તો લીધો હતો.
પરમાણુ હથિયારો અમેરિકા સાથેના મુખ્ય વિવાદો પૈકીનું કારણ રહ્યાં હતાં. વર્ષો પહેલાં, ખામેનેઈએ એક ફરમાન જારી કરીને પરમાણુ હથિયારોને ગેર-ઇસ્લામિક ગણાવ્યાં હતાં અને તેમના વિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમ છતાં, ઇઝરાઇલ અને પશ્ચિમના દેશો મજબૂત રીતે માનતા હતા કે ઈરાન ગુપ્ત રીતે પરમાણુ હથિયાર ક્ષમતાનો વિકાસ કરી રહ્યું હતું.
તેના જવાબમાં, વૈશ્વિક શક્તિઓ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોએ એક સમયના વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકારોમાં પૈકીના ઈરાનને ગરીબીમાં ધકેલી દીધું હતું. તેના કારણે વધેલી બેરોજગારીએ વ્યાપક જન-અસંતોષ પેદા કર્યો હતો.
જોકે, ખામેનેઈએ 2015ની પરમાણુ ડીલનો વિરોધ કર્યો નહોતો. આ કરાર અંતર્ગત, ઈરાને પોતાની પરમાણુ પ્રવૃત્તિઓ પર મર્યાદા મૂકવાની હતી અને તેના બદલામાં પ્રતિબંધોમાં રાહત મળવાની હતી. તેમ છતાં, તે સમયે ખામેનેઈએ એવી શંકા વ્યક્ત કરી હતી કે અમેરિકા લાંબા સમય સુધી આ કરારનું પાલન કરશે કે નહીં.
2018માં, ટ્રમ્પે પરમાણુ કરારમાંથી બહાર નીકળીને ઈરાન પર ફરી પ્રતિબંધો લાદ્યા હતા અને નવા કરાર માટે દબાણ કર્યું હતું. બે વર્ષ પછી, અમેરિકન રાષ્ટ્રપતિએ ઇરાકમાં સુપ્રીમ લીડરના નજીકની સાથીદાર અને ટોચના રેવોલ્યુશનરી ગાર્ડ્સ જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો આદેશ આપ્યો હતો. ખામેનેઈએ માત્ર બદલો લેવાની કસમ જ ખાધી નહોતી, પરંતુ રશિયા અને ચીન સાથેની નિકટતા પણ વધારી હતી.
જૂન 2025માં જ્યારે ઇઝરાયેલી દળોએ ઈરાનના પરમાણુ કાર્યક્રમ, બૅલિસ્ટિક મિસાઇલ જથ્થા અને ટોચના સૈન્ય કમાન્ડરોને નિશાન બનાવી હુમલો કર્યો, ત્યારે ઈરાને ઇઝરાયેલી શહેરો પર મિસાઇલોથી વળતો જવાબ આપ્યો હતો. જ્યારે અમેરિકા પણ આ યુદ્ધમાં જોડાયું અને ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો પર હુમલો કર્યો, ત્યારે ખામેનેઈએ આત્મસમર્પણ ન કરવાનો સંકલ્પ કર્યો હતો. જોકે, વર્ષો પછી પ્રથમ વખત તેઓ નબળા દેખાયા હતા.
જાન્યુઆરી 2026માં ઈરાનની આર્થિક વ્યવસ્થા ધરાશાયી થવાથી ખામેનેઈના શાસન વિરુદ્ધ રસ્તા પર પ્રદર્શનો શરૂ થયાં હતાં. સરકારે આ દેખાવોને અત્યંત દમનકારી રીતે દબાવ્યા હતા. માનવઅધિકાર જૂથોના જણાવ્યા મુજબ, આ હિંસામાં હજારો પ્રદર્શનકારીઓની હત્યા કરવામાં આવી હતી અને અનેકની ધરપકડ કરવામાં આવી હતી.
આગામી અઠવાડિયાંમાં, ટ્રમ્પે વિસ્તારમાં અમેરિકાની સૈન્ય હાજરી વધારવાનો આદેશ આપ્યો હતો અને ચેતવણી આપી હતી કે જો ઈરાન નવા કરાર માટે રાજી નહીં થાય તો હુમલા કરવામાં આવશે. પરંતુ ખામેનેઈએ યુરેનિયમ સમૃદ્ધિકરણ રોકવાનો ઇનકાર કર્યો હતો. જાન્યુઆરી 2026ના અંતે ખામેનેઈએ ચેતવણી આપી હતી:
"જો અમેરિકા યુદ્ધ શરૂ કરશે, તો તેણે જાણવું જોઈએ કે તે માત્ર એક જ દેશ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ આખા પ્રદેશમાં ફેલાતું યુદ્ધ બની જશે."
ખામેનેઈ ઈરાની બ્યુરોક્રસી પર કડક નિયંત્રણ રાખતા હતા. તેઓ ક્યારેક પોતાની જાતને રાજકારણથી પર બતાવતા અને જૂથો વચ્ચેના સંઘર્ષોને અવગણતા હતા. ઈરાનમાં હાલનું જનજીવન તેમના બનાવેલા કાયદાઓથી શાસિત છે. હવે તેમના ઉત્તરાધિકારી કોણ હશે અથવા તેનાથી શું બદલાશે, તે અંગે હાલ કોઈ ચોક્કસ કહી શકતું નથી.
ખામેનેઈના પુત્ર મોજતબા કેટલા શક્તિશાળી છે?

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images
અલી ખામેનેઈ ભાગ્યે જ વિદેશ પ્રવાસ ખેડતા હતા અને લોકોના જણાવ્યા પ્રમાણે, તેઓ મધ્ય તહેરાનમાં તેમનાં પત્ની સાથે એક પરિસરમાં સાદું જીવન જીવતાં હતાં.
તેમને ગાર્ડનિંગનો અને કવિતા લખવાનો શોખ હતો; યુવાવસ્થામાં તેઓ ધૂમ્રપાન કરતા હતા, જે ઈરાનની ધાર્મિક હસ્તીઓ માટે સામાન્ય વાત નથી. 1980ના દાયકામાં એક જીવલેણ હુમલો થયા બાદ તેઓ તેમના જમણા હાથનો ઉપયોગ કરી શકતા નહોતા.
ખામેનેઈ અને તેમનાં પત્ની મંસૂરેહ ખોજાસ્તેહ બાકરઝાદેહને છ સંતાનો હતાં - ચાર પુત્રો અને બે પુત્રીઓ.
ખામેનેઈ પરિવાર જાહેરમાં કે મીડિયામાં ઘણો ઓછો જોવા મળે છે. તેમનાં બાળકોના અંગત જીવન વિશેની સત્તાવાર અને ખરાઈ કરેલી વિગતો ઘણી જ સીમિત છે.
તેમના ચાર પુત્રો પૈકીના બીજા પુત્ર મોજતબા તેમના પ્રભાવને કારણે તેમજ તેમના પિતાના આંતરિક વર્તુળમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને કારણે સૌથી વધુ લોકપ્રિય છે.
મોજતબાએ તહેરાનની અલાવી હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આ શાળામાં મુખ્યત્વે ઇસ્લામિક ગણતંત્રના વરિષ્ઠ અધિકારીઓનાં બાળકો અભ્યાસ કરે છે.
મોજતબાનાં લગ્ન પ્રતિષ્ઠિત રૂઢિવાદી ગુલામ અલી હદ્દાદ-અદેલનાં પુત્રી સાથે થયાં હતાં.
લગ્ન થયાં, ત્યારે તેઓ ધર્મ પ્રચારક નહોતા અને તેઓ કોમમાં મદરેસામાં અભ્યાસ શરૂ કરવાનું વિચારતા હતા.
30 વર્ષની વયે તેમણે કોમ મદરેસામાં ઔપચારિક ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો - જે ઈરાનની સૌથી મહત્ત્વની શિયા મદરેસા છે.
2000ના દાયકાના મધ્ય ભાગ સુધીમાં રાજકીય વર્તુળમાં મોજતબાનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાવા લાગ્યો, જોકે, માધ્યમોમાં આ વિશે વધુ વાત કરવામાં આવતી નથી.
2004માં પ્રમુખપદની વિવાદાસ્પદ ચૂંટણી પછી મોજતબા સમાચારોમાં ચમક્યા, જ્યારે એક અગ્રણી ઉમેદવાર એવા મેહદી કરૌબીએ જાહેરમાં તેમના પર મહમ્મદ અહમદીનેજાદની તરફેણ કરવા માટે હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો.
કરૌબીએ અયાતોલ્લાહ ખામેનેઈને સંબોધીને ખુલ્લા પત્રમાં આ વાત લખી હતી.

ઇમેજ સ્રોત, AFP via Getty Images
2010ના દાયકાથી મોજતબા ગણના ઇસ્લામિક ગણતંત્રની અત્યંત શક્તિશાળી વ્યક્તિઓમાં થાય છે અને કેટલાક સમાચારો એમ પણ સૂચવે છે કે, તેઓ ખામેનેઈ બાદ સર્વોચ્ચ પદ માટેના સંભવિત ઉમેદવાર છે. જોકે, અમુક સત્તાવાર સૂત્રોએ આ અહેવાલોને રદિયો આપ્યો છે.
અલી ખામેનેઈ રાજા નથી અને તેઓ તેમની સત્તા તેમના પુત્રને સોંપી શકશે નહીં, તેમ છતાં પિતાના વર્તુળમાં મોજતબા નોંધપાત્ર સત્તા ભોગવે છે, જેમાં સર્વોચ્ચ નેતાની શક્તિશાળી ઑફિસનો પણ સમાવેશ થાય છે, જે બંધારણીય એકમોને પણ પાછળ છોડી દે છે.
મુસ્તફા ખામેનેઈ પરિવારના સૌથી મોટા પુત્ર છે. તેમનાં પત્ની શક્તિશાળી રૂઢિવાદી પારંપરિક મૌલવી અઝીઝોલ્લાહ ખોશ્વાઘ્ટનાં પુત્રી છે.
મુસ્તફા અને મોજતબા, બંનેએ 1980ના દાયકામાં ઈરાન-ઈરાક યુદ્ધ વખતે અગ્રિમ મોરચામાં તહેનાત હતા.
અલી ખામેનેઈના ત્રીજા પુત્ર મસૂદનો જન્મ 1972માં થયો હતો. તેમનાં લગ્ન કોમ મદરેસાના રૂઢિવાદી શિક્ષક સંગઠનના જાણીતા ધર્મગુરુ મોહસેન ખરાઝીનાં પુત્રી તથા ભૂતપૂર્વ રાજદ્વારી મોહમ્મદ સાદેઘ ખરાઝીનાં બહેન સુસાન ખરાઝી સાથે થયાં છે.
મસૂદ ખામેનેઈ રાજકીય વર્તુળથી દૂર રહે છે અને તેમના વિશે ઘણી ઓછી જાણકારી ઉપલબ્ધ છે.
અગાઉ તેઓ તેમના પિતાનાં કાર્યો પર દેખરેખ રાખતી તથા અયાતોલ્લાહ ખામેનેઈ માટે મુખ્ય પ્રચાર સંસ્થા તરીકે કામ કરતી ઑફિસના વડા હતા. આ ઉપરાંત, તેમના પિતાના જીવનચરિત્ર અને સંસ્મરણોનાં સંકલનની જવાબદારી પણ તેમના શિરે હતી.
સૌથી નાના પુત્ર મેસમનો જન્મ 1977માં થયો હતો. પોતાના ત્રણ ભાઈઓની માફક તેઓ પણ મૌલવી છે.
તેમનાં પત્નીનું નામ માધ્યમોમાં પ્રગટ કરવામાં આવ્યું નથી. તેઓ 1979ની ક્રાંતિ પહેલાં ક્રાંતિકારી મૌલવીઓને નાણાંકીય સહાય કરનારા પ્રસિદ્ધ સંપત્તિવાન વેપારી મહમૂદ લોલાચિયનનાં પુત્રી છે.
મેસમ તેમના ભાઈ મસૂદ સાથે મળીને તેમના પિતાની રચનાઓના સંવર્ધન અને પ્રકાશન માટેના કાર્યાલયમાં કામ કરે છે.
ખામેનેઈની બે પુત્રી કોણ છે?
ખામેનેઈની પુત્રીઓ વિશે ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ છે.
બુશરા અને હોદા પરિવારનાં સૌથી નાનાં સભ્ય છે અને બંનેનો જન્મ 1979ની ક્રાંતિ બાદ થયો હતો.
બુશરાનો જન્મ 1980માં થયો હતો. તેમનાં લગ્ન ખામેનેઈની ઑફિસના ચીફ ઑફ સ્ટાફ ગુલામહુસૈન (મોહમ્મદ) મોહમ્મદી ગોલપાયગાનીના પુત્ર મોહમ્મદ-જાવેદ મોહમ્મદી ગોલપાયગાની સાથે થયાં છે.
જ્યારે ખામેનેઈનાં સંતાનોમાં સૌથી નાનાં હોદાનો જન્મ 1981માં થયો હતો.
તેમનાં લગ્ન ઇમામ સાદિક યુનિવર્સિટીમાં ભણાવનારા તથા માર્કેટિંગનો અભ્યાસ કરનારા મેસ્બાહ અલ-હોદા બાઘેરી સાથે થયાં છે.
જોકે, હાલમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ખામેનેઈ સાથે તેમનાં પુત્રી, જમાઈનું પણ મોત થયું છે.
ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર સાથે સંકળાયેલી ફાર્સ ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે અમેરિકાના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલી ખામેનેઈનાં પુત્રી, જમાઈ અને દોહિત્રીનાં મોત નીપજ્યાં છે.
ફાર્સે એમ પણ જણાવ્યું કે "કહેવામાં આવે છે કે આ હુમલામાં ખામેનેઈનાં એક પુત્રવધૂનું પણ મોત થયું છે."
એલેક્ઝાન્ડ્રા ફોશ અને સ્ટિફન હોક્સ દ્વારા સંપાદિત
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












