ઈરાનમાં વિરોધપ્રદર્શનો દરમિયાન ચર્ચામાં આવેલા રઝા પહેલવી કોણ છે?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, બીબીસી ન્યૂઝ ફારસી
ઈરાનની રાજધાની તહેરાન સહિત ત્યાંનાં ઘણાં મોટાં શહેરોમાં સરકાર સામે વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. અમેરિકાસ્થિત માનવાધિકાર સંગઠને રવિવારે દાવો કર્યો છે કે ઈરાનમાં બે અઠવાડિયાંથી ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોમાં ઓછામાં ઓછા 495 લોકોનાં મૃત્યુ થયાં છે.
બીબીસી ફારસી સેવા પ્રમાણે, માનવાધિકાર સંગઠને કહ્યું છે કે ઓછામાં ઓછા 495 પ્રદર્શનકારીઓનાં મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે ખરો આંકડો આના કરતાં ખૂબ મોટો હોઈ શકે છે. ઉપરાંત 48 સુરક્ષાદળોના જવાનો પણ માર્યા ગયા છે. 10,600 પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી છે.
સંગઠનનો તર્ક છે કે દેશમાં એક દિવસ સુધી ઇન્ટરનેટ સેવા બંધ રહેવાને કારણે આંકડા વેરિફાઇ કરવાની પ્રક્રિયામાં અવરોધ પેદા થયો છે.
આ પ્રદર્શનો પાછળ ઈરાનના દિવંગત શાહના દેશનિકાલ કરાયેલા પુત્ર રઝા પહેલવીનો હાથ છે. રઝાએ જ ઈરાનના લોકોને પ્રદર્શન કરવાનું આહ્વાન કર્યું હતું.
તેમણે ઍક્સ પર લખ્યું, "હું તમારા બધા પર ગર્વ કરું છું, જેમણે ગુરુવારે રાત્રે આખા ઈરાનમાં સડકો પર કબજો કરી લીધો. તમે પોતે જોયું કે કેટલી મોટી ભીડ દમનકારી શક્તિઓને પીછેહટ કરવા મજબૂર કરી દે છે. જે લોકો હજી સુધી ખંચકાય છે, તેઓ શુક્રવારે રાત્રે પોતાના સાથી દેશવાસીઓ સાથે સામેલ થઈ જાય અને પ્રદર્શનને વધુ મોટું કરી દે, જેથી સરકારની દમનકારી શક્તિ વધુ નબળી થઈ જાય."
રઝા પહેલવીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું, "તાજેતરનાં પ્રદર્શનોમાં લોકોની સંખ્યા ખૂબ વધારે હતી, જે પહેલાં ક્યારેય જોવા નથી મળી. સમાચાર મળ્યા છે કે હકૂમત ખૂબ ડરી ગઈ છે અને ફરીથી ઇન્ટરનેટ બંધ કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી પ્રદર્શન બંધ થઈ જાય."
રઝા પહેલવી કોણ છે?

ઇમેજ સ્રોત, UPI/Bettmann Archive/Getty Images
રઝા પહેલવી ઈરાનના છેલ્લા રાજા (શાહ)ના સૌથી મોટા પુત્ર છે. રઝાનો જન્મ ઑક્ટોબર 1960માં તહેરાનમાં થયો હતો. તેમના પિતા મોહમ્મદ રઝાશાહ પહેલવીએ ત્રણ શાદી કરી હતી, પહેલી બે શાદીથી તેમને પુત્ર નહોતો થયો તેથી જ્યારે રઝાનો જન્મ થયો તો તેમને ખૂબ જ લાડ-પ્રેમ મળ્યાં.
તેમનું શરૂઆતનું જીવન ખૂબ જ એશોઆરામમાં વીત્યું. શિક્ષક ઘરે ભણાવવા આવતા હતા અને નાની ઉંમરથી જ રાજાશાહી બચાવવાની ટ્રેનિંગ અપાવા લાગી હતી. એવું કહેવાય છે કે રઝા પહેલવીનો જન્મ જ 'રાજા' બનવા માટે થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ કુદરતને કંઈક બીજું જ કરવું હતું. જ્યારે 1979માં રઝા અમેરિકામાં ફાઇટર પ્લેન પાઇલટની ટ્રેનિંગ લેતા હતા ત્યારે ઈરાનમાં થયેલી ક્રાંતિએ તેમના પિતાની રાજાશાહી ખતમ કરી દીધી.
રઝા દૂરથી જ જોતા રહ્યા કે તેમના પિતાની શક્તિ છિન્નભિન્ન થઈ ગઈ. પહેલાં તેઓ પશ્ચિમના દેશોના સારા મિત્ર ગણાતા હતા, પરંતુ સત્તાપલટો થતાં જ દુનિયાનો વ્યવહાર બદલાઈ ગયો.
રઝાના પિતા બીજા દેશોમાં શરણ શોધતા રહ્યા અને આખરે ઇજિપ્તમાં, કૅન્સરની બીમારી સામે ઝઝૂમતાં મૃત્યુ પામ્યા.
રઝાનો પરિવાર પોતાના જ દેશમાં નહોતો જઈ શકતો, તેમને દેશનિકાલ કરાયેલા પોતાના કેટલાક જૂના વફાદારોની મદદ પર નિર્ભર રહેવું પડ્યું.
અત્યારે ક્યાં છે, કઈ રીતે રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પછીનાં વરસોમાં પણ પહેલવી પરિવારનો માર્ગ મુશ્કેલ જ રહ્યો, તેમણે ઘણાં દુઃખ સહન કરવા પડ્યાં. રઝાની નાની બહેન અને ભાઈએ આત્મહત્યા કરી લીધી.
આ રીતે રઝા અને તેમના પરિવારને લોકો ઇતિહાસ/ભૂતકાળ માની ચૂક્યા હતા. જે રાજપરિવારની ઈરાનમાં બોલબાલા હતી, તેનો સૂર્યાસ્ત થતો જતો હતો.
પરંતુ, તાજેતરનાં વિરોધપ્રદર્શનો અને રઝા પહેલવીની સક્રિયતા જોઈને લાગે છે કે તેઓ હજુ પણ પોતાનું સ્થાન મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે. 65 વર્ષની ઉંમરે રઝા પહેલવી ફરીથી પોતાના દેશના શાસનમાં ભાગીદારી ઇચ્છે છે.
રઝા પહેલવી અત્યારે અમેરિકાના વૉશિંગ્ટન ડીસીની નજીક એક શાંત વિસ્તારમાં રહે છે. તેમણે ઈરાની-અમેરિકન મૂળનાં યાસ્મિન સાથે શાદી કરી, જે વ્યવસાયે વકીલ છે.
બંનેની ત્રણ પુત્રી છે – નૂર, ઇમાન અને ફરાહ. રઝાના સમર્થકો કહે છે કે તેઓ સામાન્ય જીવન જીવે છે. આગંતુકોને સરળતાથી મળે છે. ઘણી વાર કોઈ પણ પ્રકારની વિશેષ સુરક્ષા વિના તેઓ પોતાનાં પત્ની યાસ્મિન સાથે આસપાસના લોકલ કૅફેમાં જતા હોય છે.
2022માં જ્યારે રસ્તે ચાલ્યા જતા એક વ્યક્તિએ પૂછ્યું કે શું તેઓ પોતાને ઈરાનમાં થઈ રહેલાં પ્રદર્શનોના નેતા માને છે? જવાબમાં રઝા અને તેમનાં પત્ની યાસ્મિને એકસાથે કહ્યું, "પરિવર્તન દેશની અંદરથી આવવું જોઈએ."
રાજાશાહીથી લોકશાહીના તરફદારો સુધી

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરનાં વરસોમાં રઝા પોતાની વાતોને મજબૂત રીતે રજૂ કરી રહ્યા છે. 2025માં ઇઝરાયલના હવાઈહુમલામાં ઘણા મોટા ઈરાની જનરલોનાં મૃત્યુ થયાં પછી રઝાએ પૅરિસમાં પ્રેસ કૉન્ફરન્સ યોજી. તેમણે કહ્યું કે જો ઈરાનની વર્તમાન સરકાર પદભ્રષ્ટ થાય તો તેઓ વચગાળાની સરકાર ચલાવવામાં મદદ કરવા માટે તૈયાર છે.
રઝાએ 100 દિવસનો પ્લાન પણ જણાવ્યો કે તેઓ સત્તામાં આવશે તો કેવાં કામ કરશે. રઝા કહે છે કે તેમનામાં એક નવી હિંમત આવી, જે દેશનિકાલથી મળેલી શીખ અને તેમના પિતાનાં અધૂરાં કામમાંથી મળી છે.
રઝા લોકશાહી વ્યવસ્થાના તરફદાર થઈ ગયા છે. પૅરિસની પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું, "હવે જૂની રાજાશાહી પાછી લાવવાની વાત નથી. બધા ઈરાનીઓ માટે લોકશાહી ભવિષ્ય બનાવવાની વાત છે."
રઝા પહેલવી ભલે હવે લોકશાહીની વાત કરતા હોય, પરંતુ વિરોધીઓ વારંવાર તેમના ઇતિહાસનો ઉલ્લેખ કરીને તેમના ઇરાદા અંગે શંકા પ્રકટ કરે છે. 1980માં રઝાએ કાહિરામાં પોતાને 'શાહ' ઘોષિત કર્યા હતા, તેની કશી અસર તો ન થઈ પરંતુ રઝાની છબિને ઝટકો લાગ્યો.
કેટલાક વિરોધીઓ કહે છે કે જો રઝા પોતાને લોકશાહીના સમર્થક ગણાવતા હોય તો તેમણે આવું કેમ કર્યું? લોકો આજે પણ રઝાના પિતાના શાસન દરમિયાનની સેન્સરશિપ અને સિક્રેટ પોલીસ સાવકને યાદ કરે છે, જે વિરોધી અવાજને દબાવી દેતી હતી, માનવઅધિકારોનું ઉલ્લંઘન કરતી હતી.
જોકે, દેશનિકાલમાં રહીને પણ રઝા રાજાશાહી સમર્થકો માટે મોટા પ્રતીક તરીકે જળવાઈ રહ્યા. કેટલાક લોકો તેમના પિતાના સમયને અત્યાર કરતાં વધારે સારો માને છે. તેમનું માનવું છે કે ત્યારે ઈરાનમાં ઝડપી વિકાસ થયો અને પશ્ચિમના દેશો સાથે સંબંધો પણ સારા રહ્યા.
રાજકીય સ્થાન પાછું મેળવવા માટેનો સંઘર્ષ

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock
રઝાએ ઘણી વાર વિરોધી જૂથોને એકજૂથ કરવાના પ્રયાસો પણ કર્યા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. તેમણે 2013માં નૅશનલ કાઉન્સિલ ઑફ ઈરાન બનાવી. પરંતુ, આંતરિક ઝઘડા અને ઈરાનમાં અંદર સુધીની ઓછી પહોંચના કારણે તેઓ નિષ્ફળ રહ્યા.
રઝાએ પોતાની છબિને ચોખ્ખી રાખવા માટે હિંસક સંગઠનોથી અંતર જાળવ્યું. મોજાહેદ્દીન-એ-ખલ્ક જેવા સશસ્ત્ર સમૂહોને સાથે લેવામાં વિશ્વાસ ન કર્યો. તેઓ હંમેશાં શાંતિપૂર્ણ પરિવર્તન અને આખા દેશના મતથી ભવિષ્ય નક્કી કરવાની વાત કરે છે.
તાજેતરનાં વરસોમાં રઝા ફરીથી લાઇમલાઇટમાં આવ્યા. 2017નાં પ્રદર્શનોમાં લોકો તેમના દાદા રઝાશાહના આત્માને શાંતિ માટે દુઆ માગતા જોવા મળ્યા હતા. 2022માં પોલીસ કસ્ટડીમાં મહસા અમીનીના મૃત્યુ પછી ઈરાનમાં મોટાં પ્રદર્શનો થયાં, જેમાં રઝા ફરીથી ચર્ચામાં આવ્યા.
જણાવી દઈએ કે મહસા અમીની ઈરાની મહિલા હતાં, જેમને હિજાબના નિયમોના ઉલ્લંઘનના આરોપમાં કસ્ટડીમાં લેવાયાં હતાં. સપ્ટેમ્બર 2022માં કસ્ટડીમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યાર પછી આખા ઈરાનમાં વિરોધપ્રદર્શન થયાં અને રઝાએ તેને જોરદાર સમર્થન આપ્યું.
પોતાને મજબૂત કરવા માટે બીજું એક પગલું ભરતાં રઝાએ 2023માં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી. ઘણા ઈરાનીઓએ આને સમજદારી ગણાવી, તો કોઈએ કહ્યું કે તેનાથી ઈરાનના આરબ અને મુસ્લિમ સાથી નારાજ થશે.
તાજેતરમાં જ ઈરાન–ઇઝરાયલ તણાવ દરમિયાન બીબીસીનાં લૉરા કુન્સબર્ગના ઇન્ટરવ્યૂમાં રઝાને પૂછવામાં આવ્યું કે શું તેઓ એ ઇઝરાયલી હુમલાનું સમર્થન કરે છે, જેમાં સામાન્ય લોકોનાં મૃત્યુ થઈ શકે છે?
તેના જવાબમાં રઝાએ કહ્યું, "સામાન્ય ઈરાનીઓ નિશાન પર નથી અને જો કોઈ વર્તમાન સત્તાને નબળી કરે, તો તેનું દેશમાં ઘણા લોકો સ્વાગત કરશે."
ભવિષ્ય માટે રઝાની શી યોજના છે?

ઇમેજ સ્રોત, Getty Images
રઝા પહેલવી પોતાને એક ઉદારવાદી નેતા તરીકે રજૂ કરે છે.
તેઓ કહે છે કે તેઓ ઈરાનને ચૂંટણી, કાયદાનું રાજ અને મહિલાઓને સમાનતાના હક તરફ લઈ જવા માંગે છે. રાજાશાહી ફરી પાછી લાવવી કે પ્રજાસત્તાક બનાવવું તે નિર્ણય આખા દેશના મતદાનથી થશે.
સમર્થકો તેમને એકમાત્ર એવા વ્યક્તિ માને છે જે ઈરાનમાં શાંતિપૂર્ણ વ્યવસ્થા સ્થાપિત કરી શકે છે, જ્યારે ટીકાકારો કહે છે કે તેઓ વિદેશી મદદ પર વધુ નિર્ભર છે અને દેશની અંદરના લોકો આટલાં વર્ષોના ઝઘડા પછી કોઈ દેશનિકાલ પામેલા નેતા પર ભરોસો કરવા તૈયાર નથી.
ઈરાનમાં રઝાની લોકપ્રિયતા કેટલી છે તેનું અનુમાન કરવું મુશ્કેલ છે, કેમ કે, એવો કોઈ સાચો સર્વે થઈ શક્યો નથી. રઝાના પિતાની કબર હજુ પણ કાહિરામાં છે. રાજાશાહી સમર્થકો આશા રાખે છે કે એક દિવસ એવો આવશે જ્યારે કબર ઈરાન લવાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












