ઇસ્લામી દેશનાં રાજકુમારી બુરખો છોડીને રાજકારણમાં પ્રવેશ્યાં, જીવનનો કેવો અંત આવ્યો?

બીબીસી ગુજરાતી ઈરાન શાહ ઇસ્લામ અશરફ પહલવી શાહજાદી મોહમ્મદ રઝા અમેરિકા બુરખો ક્રાંતિ હિજાબ જિમી કાર્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાહજાદી અશરફ પહલવી ઈરાનના શાહનાં જોડિયાં બહેન હતાં
    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર અને સંશોધક

"તમે મર્દ છો કે ઉંદર?" – ઈરાનના શાહને આ સવાલ બીજા કોઈએ નહીં પણ તેમની જોડકી બહેન શાહજાદી અશરફ પહલવીએ પૂછ્યો હતો.

મે 1972ના એક અમેરિકન જાસૂસી દસ્તાવેજ 'સેન્ટર્સ ઑફ પાવર' અનુસાર જ્યારે અમેરિકન રાજદૂતે ઈરાનના શાહને એવી સલાહ આપી કે તેઓ રાજકારણથી અલગ થઈને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની જાય, ત્યારે તેમણે આછા સ્મિત સાથે કહ્યું, "અશરફે કાલે જ મને પૂછ્યું હતું કે હું મર્દ છું કે ઉંદર?"

સ્ટીફન કિંજરે પોતાના પુસ્તક 'ઑલ ધ શાહઝ મૅન'માં લખ્યું છે, "શાહજાદી અશરફની પોતાના ભાઈને ધમકાવવાની વાર્તાઓ બધાની જીભે હતી."

રઝા પહલવીએ ઈરાન પર રાજ કરનાર આ વંશની સ્થાપના કરી હતી. એક સૈન્ય કમાન્ડર રહેલા રઝા પહલવીએ 15 ડિસેમ્બર, 1925એ પોતાના માથા પર શાહનો તાજ ધારણ કર્યો હતો.

આ જ રઝા પહલવી અને તાજુલ-મુલૂકને ત્યાં, પોતાના ભાઈ મોહમ્મદ રઝાનો જન્મ થયાના પાંચ કલાક પછી, 26 ઑક્ટોબર, 1919એ શાહજાદી અશરફ મુલૂકનો જન્મ થયો હતો. જોકે, તે સમયે શાહજાદીના પિતા માત્ર એક સૈન્ય કમાન્ડર હતા.

જોકે, પછીથી રઝા પહલવીના પુત્ર અને શાહજાદીના ભાઈ મોહમ્મદ રઝા ઈરાનના શાહ બન્યા.

વર્ષો સુધી સંતાડીને રખાયેલા અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી સીઆઇએના રિપોર્ટમાં કહેવાયું છે કે રઝામાં નિર્ણય લેવાની ક્ષમતા નહોતી. આ રિપોર્ટ પહેલી વાર ઈ.સ. 2000માં ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં છપાયો હતો.

આ દસ્તાવેજમાં લખ્યું હતું કે રઝા પહલવીના વ્યક્તિત્વમાં જે ગુણ હતા, તે બધા તેમના પુત્રોમાં ન ઊતરી શક્યા.

હિજાબ ત્યાગનાર મહિલાઓમાં સૌથી આગળ

બીબીસી ગુજરાતી ઈરાન શાહ ઇસ્લામ અશરફ પહલવી શાહજાદી મોહમ્મદ રઝા અમેરિકા બુરખો ક્રાંતિ હિજાબ જિમી કાર્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અશરફ પહલવી પારંપરિક હિજાબનો ત્યાગ કરનાર પહેલાં ઈરાની મહિલાઓમાંનાં એક હતાં
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ દસ્તાવેજ અનુસાર, સિંહાસન પર બેઠા ત્યારના શરૂઆતના દિવસોમાં જ મોહમ્મદ રઝાને પોતાના જ પરિવારમાંથી સન્માન ન મળી શક્યું. તેમનાં માતા પણ તેમની સામે આંખ મિલાવવામાં શરમ અનુભવતાં હતાં.

"ઘણી વાર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે તેઓ તેમની વિરુદ્ધ કાવતરાં કરતાં રહ્યાં અને પોતાના બીજા પુત્ર અલીને વધુ યોગ્ય ઉત્તરાધિકારી તરીકે આગળ કરતાં રહ્યાં. એક પ્રસંગે તેમણે એટલે સુધી કહ્યું કે અફસોસ, (શાહજાદી) અશરફ શાહ ન બની."

વૉશિંગ્ટન પોસ્ટના બ્રાયન મર્ફી અનુસાર, 1930ના દાયકાની શરૂઆતમાં અશરફ પહલવી, તેમનાં મોટાં બહેન શમ્સ અને તેમનાં માતા શરૂઆતનાં એવાં ઈરાની મહિલાઓમાં સામેલ હતાં, જેમણે પરંપરાગત હિજાબનો ત્યાગ કર્યો.

એન્સાઇક્લોપીડિયા બ્રિટૅનિકા અનુસાર, ઈ.સ. 1951થી લઈને 1953 સુધી ઈરાનના વડા પ્રધાન રહેલા મોહમ્મદ મુસદ્દિકે જ્યારે બ્રિટનના કબજા હેઠળના તેલ ભંડારોનું રાષ્ટ્રીયકરણ કર્યું, ત્યારે ઈરાનમાં ગંભીર રાજકીય અને આર્થિક સંકટ ઊભું થઈ ગયું.

"મુસદ્દિક અને શાહની વચ્ચે સત્તા પર અધિકાર કરવાની સતત ચાલતી ખેંચતાણમાં ઑગસ્ટ 1953માં જ્યારે શાહે મુસદ્દિકને સત્તા પરથી હઠાવવાની કોશિશ કરી, ત્યારે મુસદ્દિકના સમર્થકો રસ્તા પર ઊતરી આવ્યા અને શાહ અને તેમનાં બહેન અશરફ પહલવીને દેશ છોડવા મજબૂર કરી દીધાં."

"પરંતુ થોડાક જ દિવસોમાં મુસદ્દિકના વિરોધીઓએ અમેરિકા અને બ્રિટનની એજન્સીઓની મદદથી એક સૈનિક વિદ્રોહ દ્વારા તેમની સરકાર ઉથલાવી દીધી અને શાહને ફરીથી સત્તામાં લઈ આવ્યા."

ઈ.સ. 1953ના આ રાજકીય ઘટનાક્રમને 'ઑપરેશન એજેક્સ' નામથી ઓળખવામાં આવે છે.

'ઑપરેશન એજેક્સ' અને શાહજાદી

બીબીસી ગુજરાતી ઈરાન શાહ ઇસ્લામ અશરફ પહલવી શાહજાદી મોહમ્મદ રઝા અમેરિકા બુરખો ક્રાંતિ હિજાબ જિમી કાર્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજકીય વિરોધીઓએ શાહજાદી અશરફ પર ભ્રષ્ટાચારનો પણ આરોપ કર્યો, જેનું તેમણે હંમેશા ખંડન કર્યું

શાહજાદી અશરફ પહલવીએ ઑપરેશન એજેક્સમાં એક ખાસ ભૂમિકા ભજવી. તેમણે મોહમ્મદ રઝાશાહનું મન બદલીને અમેરિકન અને બ્રિટિશ ઇન્ટેલિજન્સ એજન્સીઓને આ વિદ્રોહની શરૂઆત કરવાની મંજૂરી આપવા માટે તૈયાર કર્યા.

શરૂઆતમાં શાહ આ કાર્યવાહીની બિલકુલ વિરુદ્ધ હતા અને કેટલાક સમય સુધી તેની મંજૂરી આપવાનો ઇનકાર કરતા રહ્યા. વર્ષની શરૂઆતમાં સીઆઇએના એજન્ટોએ અશરફને વિનંતી કરી કે તેઓ પોતાના ભાઈ સાથે વાત કરે.

ઇતિહાસકાર સ્ટીફન કિંજર પોતાના પુસ્તક 'ઑલ ધ શાહઝ મૅન'માં લખે છે, "અશરફ તે સમયે ફ્રાન્સના કસીનો અને નાઇટ ક્લબોમાં જીવનનો આનંદ માણતાં હતાં. ત્યાં જ ઑપરેશનના ઇન્ચાર્જ સીઆઇએ અધિકારી કર્મિટ રૂઝવેલ્ટના એક ખાસ ઈરાની એજન્ટ અસદુલ્લાહ રશીદયાન તેમને મળવા માટે પહોંચ્યા."

અશરફે શરૂઆતમાં વિરોધ કર્યો, પરંતુ બીજા દિવસે અમેરિકન અને બ્રિટિશ એજન્ટોની એક ટીમ આ ઑફર 'વધુ અસરકારક રીતે' રજૂ કરવા આવી પહોંચ્યા. આ ટીમનું નેતૃત્વ સિનિયર બ્રિટિશ ઇન્ટેલિજન્સ અધિકારી નૉર્મન ડ્રબીશર કરતા હતા. તેઓ પોતાની સાથે એક મિન્ક કોટ અને રોકડ રકમનું એક પૅકેટ લાવ્યા હતા. તેમના અનુસાર, અશરફની નજર જેવી એ ભેટસોગાદો પર પડી, "તેમની આંખોમાં ચમક આવી ગઈ અને તેમનો વિરોધ સમાપ્ત થઈ ગયો".

જોકે, અશરફ પહલવીની આત્મકથા 'ફેસેઝ ઇન અ મિરર'માં તેમના પોતાના નિવેદન અનુસાર, તેમને ફ્રાન્સમાં નિર્વાસનથી દેશમાં પાછા જવા તૈયાર કરવા માટે એક બ્લૅન્ક ચેક અપાયો હતો, પરંતુ તેમણે એ રકમ લેવાનો ઇનકાર કરી દીધો અને પોતાની ઇચ્છાથી ઈરાન પાછાં આવ્યાં.

કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે 1953નો વિદ્રોહ અશરફ પહલવી દ્વારા પોતાના ભાઈને મનાવવાના પ્રયત્નો વગર પણ થઈ શકતો હતો. ઇન્ટરનૅશનલ જર્નલ ઑફ મિડલ ઈસ્ટ સ્ટડીઝમાં પ્રકાશિત એક લેખના લેખક માર્ક ગેસોરેવસ્કી લખે છે કે, શાહને ન તો વિદ્રોહના નિર્ણયમાં સામેલ કરવામાં આવ્યા, ન તેની રીતો વિશે કોઈ સલાહ આપવામાં આવી અને તેમને પૂછવામાં પણ ન આવ્યું કે મુસદ્દિકનું સ્થાન કોણ લેશે.

ગેસોરેવસ્કી અનુસાર, મૂળભૂત રીતે આ વિદ્રોહ અમેરિકા અને તેના સહયોગીઓ તરફથી મુસદ્દિકને નબળા પાડવા અને તેમને હઠાવવા માટે કરવામાં આવ્યો હતો અને શાહ તેમાં માત્ર એક પ્રતીકાત્મક ભૂમિકા નિભાવતા હતા.

મુસદ્દિકને વિશ્વાસઘાતના ગુનામાં ત્રણ વર્ષની કેદની સજા સંભળાવાઈ અને સજા પૂરી થયા પછી બાકીનું જીવન તેમણે નજરકેદમાં વિતાવવું પડ્યું.

જોકે, ઈરાનને તેલ કારખાનાં પર પ્રતીકાત્મક સ્વાયત્તતા મળતી રહી, પરંતુ ઈ.સ. 1954ની સમજૂતી હેઠળ તેલની આવકનો 50 ટકા ભાગ એક આંતરરાષ્ટ્રીય કન્સોર્ટિયમને મળતો રહ્યો, જે ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ અધિકાર ધરાવતું હતું.

શાહજાદી અશરફ પહલવીનું જીવન

બીબીસી ગુજરાતી ઈરાન શાહ ઇસ્લામ અશરફ પહલવી શાહજાદી મોહમ્મદ રઝા અમેરિકા બુરખો ક્રાંતિ હિજાબ જિમી કાર્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કહેવાય છે કે યુવાવસ્થામાં અશરફ પહલવીમાં આત્મવિશ્વાસનો થોડો અભાવ હતો

અશરફ અલી ઉચ્ચ શિક્ષણ મેળવવા માગતાં હતાં, પરંતુ તેના બદલે 1937માં 18 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન કરી દેવામાં આવ્યાં.

શાહજાદી અશરફે ત્રણ લગ્ન કર્યાં અને ત્રણેયનો અંત તલાકથી થયો. તેમને ત્રણ બાળકો હતાં.

ઈ.સ. 1980માં ન્યૂ યૉર્ક ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અશરફે કહ્યું હતું, "હું ક્યારેય સારી માતા ન રહી, કેમ કે મારી જીવનશૈલી એવી હતી કે બાળકોની સાથે સમય પસાર ન કરી શકી."

રાજકીય વિરોધીઓએ શાહજાદી અશરફ પર ભ્રષ્ટાચારના આરોપ કર્યા. તેમના અંગત જીવન સાથે જોડાયેલા નિર્ણયોની પણ ઘણી વાર ટીકા કરાતી રહી.

અમેરિકન દસ્તાવેજો અનુસાર, શાહજાદી અશરફ ઘણાં વર્ષો સુધી શાહી દરબાર સાથે સંકળાયેલાં લગભગ બધાં સ્કેન્ડલોના કેન્દ્રમાં રહ્યાં છે.

ભ્રષ્ટાચારના આરોપ

બીબીસી ગુજરાતી ઈરાન શાહ ઇસ્લામ અશરફ પહલવી શાહજાદી મોહમ્મદ રઝા અમેરિકા બુરખો ક્રાંતિ હિજાબ જિમી કાર્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑક્ટોબર 1967માં ઈરાનના શાહનો રાજ્યાભિષેક સમારોહ

અશરફ પહલવી પર આર્થિક ભ્રષ્ટાચારના આરોપ પણ કરવામાં આવ્યા, પરંતુ તેમના અનુસાર એવું એટલા માટે હતું, કેમ કે, તેઓ "ઘણાં સંગઠનોના સંચાલનમાં સક્રિય હતાં".

તેમના અનુસાર, જ્યારે મુસદ્દિકે તેમને પેરિસ નિર્વાસિત કર્યાં ત્યારે તેમની પાસે મર્યાદિત આર્થિક સંસાધન હતાં, પરંતુ પછીનાં વર્ષોમાં કહેવામાં આવ્યું કે તેમણે ખૂબ સંપત્તિ ભેગી કરી લીધી.

મરફી અનુસાર, અશરફે પોતાના પિતા રઝાશાહ પાસેથી વારસામાં મળેલી જમીનની કિંમતમાં વધારો અને વારસામાં મળેલા બિઝનેસમાંથી મળતી આવકને પોતાની સંપત્તિનાં કારણ ગણાવ્યાં.

પરંતુ નિક્કી કેડીના પુસ્તક 'રૂટ્સ ઑફ રિવૉલ્યૂશન: એન ઇન્ટરપ્રેટેટિવ હિસ્ટરી' અને ફરીદૂન હુવેદાના પુસ્તક 'ધ ફૉલ ઑફ ધ શાહ' અનુસાર, તેમની સંપત્તિ પાછળની એક કહાની એ પણ છે કે તેલની કિંમતોમાં વધારાના કારણે ઈરાનમાં જ્યારે ઔદ્યોગિક વિકાસનો સમય આવ્યો, ત્યારે અશરફ પહલવી અને તેમના પુત્ર શહરામે કશી ચુકવણી કર્યા વગર સરકાર દ્વારા નવી કંપનીઓને ઑપરેટિંગ, આયાત-નિકાસ કે સરકારી સહાયતા અપાવવાના બદલામાં એ કંપનીઓના શૅર્સમાં 10 ટકા કે તેથી વધારેની કમાણી કરી.

"કહેવાય છે કે સરકારી લાઇસન્સ ફક્ત કેટલીક પ્રભાવી કંપનીઓને અપાતાં હતાં, જેના કારણે દરેક ઉદ્યોગપતિ માટે લાઇસન્સ લેવું એક મોઘો સોદો બની ગયું."

ઈ.સ. 1979માં ન્યૂ યૉર્ક ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે 17 સપ્ટેમ્બર, 1978ના એક દસ્તાવેજ અનુસાર, અશરફની ઑફિસમાંથી એક અરજી આપવામાં આવી કે તેમના બૅન્ક ખાતામાંથી 7 લાખ 8 હજાર ડૉલર સ્વિટ્ઝર્લૅન્ડની યુનિયન બૅન્ક ઑફ જીનીવામાં તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે.

તેને સિક્રેટ કોડ SAIPA (એટલે કે S-on, A-ltesse, I-mperiale, P-rincesse, A-shraf) મુજબ ખોલવામાં આવ્યું હતું. આ ફ્રેન્ચ ભાષામાં તેમની પસંદગીની શબ્દાવલી હતી, જેનો અર્થ 'શાહજાદી અશરફ, શાહી શ્રેષ્ઠતાનાં માલિક' થતો હતો.

હુસૈન ફર્દોસ્તે 'ધ રાઇઝ ઍન્ડ ફૉલ ઑફ ધ પહલવી ડાયનેસ્ટી'માં અશરફ પહલવીને ડ્રગ્સ સ્મગલિંગ સાથે સાંકળવાની પણ કોશિશ કરી.

તેના વિશે અશરફે પોતાનાં સંસ્મરણમાં લખ્યું, "મારા વિરોધીઓએ મારા પર સ્મગલર, જાસૂસ, માફિયાની સાથી અને એક વાર તો ડ્રગ્સ સેલર હોવા સુધીના આરોપ કર્યા."

ઈ.સ. 1980માં અશરફે ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં એક લેખમાં એવી દલીલ કરી કે તેમની સંપત્તિ અન્યાયી રીતે પ્રાપ્ત કરવામાં નથી આવી, પરંતુ વારસામાં મળેલી જમીનોમાંથી હતી, જેની કિંમતો ઈરાનની પ્રગતિ અને ખુશહાલીના કારણે અનેક ગણી વધી ગઈ હતી.

તેઓ પોતાનાં સંસ્મરણમાં આરોપોના આ રીતે જવાબ આપે છે: "મારા પિતાના મૃત્યુ પછી વારસામાં મને લગભગ ત્રણ લાખ ડૉલર મળ્યા હતા અને કૅસ્પિયન સમુદ્ર પાસે લગભગ 10 લાખ વર્ગ મીટર જમીન મળી હતી. તદુપરાંત, જર્જાન અને કિરમાનશાહમાં કેટલીક સંપત્તિ પણ મળી, જે પછીથી ખૂબ કિંમતી સાબિત થઈ."

'મને અરીસામાં મારો ચહેરો ગમતો નહોતો'

બીબીસી ગુજરાતી ઈરાન શાહ ઇસ્લામ અશરફ પહલવી શાહજાદી મોહમ્મદ રઝા અમેરિકા બુરખો ક્રાંતિ હિજાબ જિમી કાર્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાહજાદી કહેતાં હતાં કે મોહમ્મદ રઝાશાહ તેમના સૌથી અંગત મિત્ર હતા

પોતાની યુવાવસ્થામાં અશરફ પહલવીએ આત્મવિશ્વાસના અભાવનો સામનો કર્યો.

તેમણે લખ્યું છે, "મને અરીસામાં મારો ચહેરો ગમતો નહોતો. હું બીજા કોઈકના ચહેરા, ગૌર વર્ણ અને ઊંચા કદની ઇચ્છા ધરાવતી હતી. હંમેશાં અનુભવતી હતી કે દુનિયામાં મારા કરતાં ઓછી ઊંચાઈના ખૂબ ઓછા લોકો છે."

કદાચ આ જ અનુભૂતિ તેમના સાહસનું કારણ બની.

પોતાનાં સંસ્મરણમાં તેઓ લખે છે, "વીસ વર્ષ પહેલાં ફ્રેન્ચ પત્રકારોએ મને બ્લૅક ચિત્તા નામ આપ્યું. આ નામ મને ખૂબ ગમ્યું અને સાચું કહું તો કેટલીક બાબતોમાં તે મારા સ્વભાવ સાથે મેળ ખાય છે. ચિત્તાની જેમ મારો સ્વભાવ ઉત્સાહી, વિદ્રોહી અને આત્મવિશ્વાસુ છે."

"ઘણી વાર જાહેર સભાઓમાં મારે જાત પર નિયંત્રણ રાખવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે. પરંતુ ક્યારેક ક્યારેક મારા મનમાં ઇચ્છા થાય છે કે કાશ, મારી પાસે ચિત્તાના પંજા હોત, તો હું મારા દેશના દુશ્મનો પર તરાપ મારી દેત."

ભાઈ સાથેના સંબંધ અંગે તેઓ કહેતાં હતાં કે મોહમ્મદ રઝાશાહ તેમના સૌથી અંગત મિત્ર હતા.

પોતાનાં સંસ્મરણમાં અશરફ લખે છે, "અમે પુખ્ત થયાં તે પહેલાં મારા માટે તેમનો અવાજ જ જીવનનો સૌથી મજબૂત અવાજ બની ચૂક્યો હતો."

મહિલાઓના અધિકાર

બીબીસી ગુજરાતી ઈરાન શાહ ઇસ્લામ અશરફ પહલવી શાહજાદી મોહમ્મદ રઝા અમેરિકા બુરખો ક્રાંતિ હિજાબ જિમી કાર્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાહજાદી અશરફે ત્રણ લગ્ન કર્યાં હતા અને ત્રણેયના અંતે તલાક થયા હતા

અશરફ પહલવી પોતાના ભાઈની સરકાર દરમિયાન ઈરાન અને દુનિયાભરમાં મહિલાઓના અધિકારોનાં જોરદાર સમર્થક રહ્યાં.

પરંતુ, એક આલેખમાં લેખક કી બૉયલે તેમની આકરી ટીકા કરી અને લખ્યું, "શાહજાદી જ્યારે આંતરરાષ્ટ્રીય 'સિસ્ટરહૂડ'ની વાત કરતાં હતાં ત્યારે ઈરાનમાં તેમની જ લગભગ 4,000 બહેનો રાજકીય કેદી હતી, જેમણે કોઈ સૈનિક કે દીવાની મુકદ્દમાની ક્યારેય કોઈ આશા પણ નહોતી રાખી."

પોતાનાં સંસ્મરણમાં અશરફ પહલવીએ ઈરાનમાં મહિલાઓની ખરાબ સ્થિતિનો સ્વીકાર કર્યો અને તેના અંગે ચિંતા પ્રકટ કરી.

તેઓ લખે છે, "ઈરાનની મહિલાઓ સાથે જે કંઈ થઈ રહ્યું હતું, તેના સમાચારો ખૂબ જ દુઃખદ હતા. તેમને એકલી-અટૂલી પાડી દેવામાં આવી હતી અને બીજા દરજ્જાની નાગરિક બનાવી દેવાઈ હતી. ઘણી બધી મહિલાઓને કાં તો જેલમાં પૂરી દેવામાં આવી હતી, કાં તેમને દેશનિકાલનો સામનો કરવો પડ્યો હતો."

ઈ.સ. 1979ની ક્રાંતિ પછી અશરફ પહલવીએ અમેરિકન બૅન્કર ડેવિડ રૉકફિલરને વિનંતી કરી કે તેઓ તેમના ભાઈ મોહમ્મદ રઝાશાહને શરણ અપાવવામાં મદદ કરે.

તેમણે એ સમયના અમેરિકન રાષ્ટ્રપતિ જિમી કાર્ટર અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કર્ટ વાલ્ડહાઇમની પણ એ બાબતે ટીકા કરી કે તેમણે ક્રાંતિની શરૂઆતમાં શાહને સાથ ન આપ્યો.

આખરે દેશનિકાલ અને મૃત્યુ

બીબીસી ગુજરાતી ઈરાન શાહ ઇસ્લામ અશરફ પહલવી શાહજાદી મોહમ્મદ રઝા અમેરિકા બુરખો ક્રાંતિ હિજાબ જિમી કાર્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અશરફ પહલવી પોતાના ભાઈના શાસનકાળ દરમિયાન ઈરાન અને દુનિયાભરમાં મહિલા અધિકારોનાં પ્રબળ સમર્થક રહ્યાં

ક્રાંતિ પછી અશરફ ન્યૂ યૉર્ક અને પેરિસમાં સમય પસાર કરતાં રહ્યાં. 7 જાન્યુઆરી, 2016એ મોનાકોમાં અલ્ઝાઇમરના રોગ પછી 96 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું.

મૃત્યુ સમયે તેઓ પહલવી પરિવારનાં સૌથી મોટી ઉંમરનાં સભ્ય હતાં.

ઍસોસિએટેડ પ્રેસે લખ્યું કે શાહજાદી અશરફનું પાછલું જીવન શેક્સપિયરની ટ્રેજડી જેવું હતું.

"ક્રાંતિ પછી તરત પેરિસના એક રસ્તા પર તેમના પુત્રને મારી નંખાયો, તેમના જોડિયા ભાઈ કૅન્સરથી મૃત્યુ પામ્યા, તેમની એક ભત્રીજી 2001માં લંડનમાં વધુ પડતું ડ્રગ્સ લેવાના કારણે મૃત્યુ પામી અને એક ભત્રીજાએ 10 વર્ષ પછી બોસ્ટનમાં આત્મહત્યા કરી લીધી."

વિલિયમ ગ્રાઇમરે ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં લખ્યું, "અશરફ પહલવી એક આકર્ષક, પરંતુ વિવાદાસ્પદ વ્યક્તિત્વ હતાં. પશ્ચિમી વિચારસરણી ધરાવતાં, આધુનિક, ઉમદા, કડકડાટ ફ્રેન્ચ અને અંગ્રેજી બોલનારાં, હાઈ સોસાયટીનાં શોખીન."

"તેમની ઓળખ એક કટ્ટર વિચારધારાવાળા રાજકીય ખેલાડીની હતી, જે પોતાના ભાઈ શાહ મોહમ્મદ રઝા પહલવીની આપખુદીનું ખુલ્લેઆમ સમર્થન કરતાં હતાં."

એપી અનુસાર, તેમનું કહેવું હતું, "મારા ભાઈના મૃત્યુ પછી જો અમારી પાસે ખરેખર એ 65 અબજ ડૉલર હોત— જેનો લોકો દાવો કરે છે—તો અમે પલકવારમાં જ ઈરાન પાછું મેળવી લેત.

સમયની સાથે ધીમે ધીમે તેઓ જાહેરજીવનમાં દેખાતાં બંધ થઈ ગયાં, પરંતુ 1994માં અમેરિકન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનના અંતિમવિધિમાં તેઓ સામેલ થયાં.

તેમણે હંમેશાં કહ્યું કે તેમને પોતાના જીવન માટે કશો પસ્તાવો નથી, "જો મને કદાચ ફરીથી જીવવા મળે, તો એ બધું જ કરીશ. બધું જતું રહ્યું છે, હવે ફક્ત યાદો છે, પરંતુ તે 50 વર્ષ શાનદાર હતાં અને ઠસ્સાભર્યાં હતાં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન