ઇસ્લામમાં મહમદ પયગંબરની તસવીર બનાવવા પર પ્રતિબંધ કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જૉન મૅકમાનસ
- પદ, બીબીસી ન્યૂઝ

- મહમદ પયગંબર કે ઇસ્લામના અન્ય કોઈ પણ પયગંબરનાં ચિત્રો બનાવવા અંગે ઇસ્લામમાં ચુસ્ત પ્રતિબંધ ફરમાવાયો છે
- આ પ્રતિબંધ મૂળે ક્યાંથી અને કેવી રીતે આવ્યો? ઇસ્લામિક વિદ્વાનો આ અંગે શું માને છે?
- શું ઈરાનનાં ઘરોમાં મહમદ પયગંબરનાં ચિત્રો હોય છે?

શું મહમદ પયગંબર પ્રત્યે આદરભાવની ભાવના સાથે બનાવાયેલ તેમનું ચિત્ર પણ ઇસ્લામમાં પ્રતિબંધિત મનાય છે?
આ એક એવો સવાલ છે, જે અવારનવાર મહમદ પયગંબર અને તેમને લગતા સમાચાર અને ચર્ચા શરૂ થવાના કારણે પુછાવા લાગે છે.
મુસ્લિમો માટે આ અંગે ચુસ્ત પ્રતિબંધ છે - મહમદ કે ઇસ્લામના અન્ય કોઈ પણ પયગંબરનું, ક્યારેય, કોઈ પણ પરિસ્થિતિમાં ચિત્ર બનાવવું ન જોઈએ. ચિત્ર અને મૂર્તિઓ મૂર્તિપૂજાને વેગ આપતાં હોવાનું મનાય છે.
ઇસ્લામિક દુનિયામાં મોટા ભાગનાં સ્થળોએ આ અંગે કોઈ બેમત નથી. ઐતિહાસિક દૃષ્ટિએ ભૂમિતિ, ચક્રાકાર પૅટર્ન કે કૅલિગ્રાફિક વગેરે ઇસ્લામની લોકપ્રિય કળાના પ્રકારો છે. ઇસ્લામમાં દેહાકારને લગતી કળા કરતાં ઉપરોક્ત તમામ પ્રકારો વધુ વપરાશમાં રહ્યા છે.
મુસ્લિમો આ માન્યતા માટે કુરાનની એક આયત તરફ આંગળી ચીંધે છે. જે અબ્રાહમ વિશે છે, જેમને તેઓ પયગંબર માને છે :
"(અબ્રાહમે) તેમના પિતા અને લોકોને કહ્યું : 'આ ચિત્રો શાં છે જેની તમે ઇબાદત કરતા રહો છો?' તેમણે કહ્યું : 'અમારા વડવા પણ આવું જ કરતા.' તેમણે કહ્યું : 'તો નક્કી, તમે અને તમારા વડવા આવું કરીને ભૂલ કરી રહ્યા હતા.'"
જોકે, ઍડિનબર્ગ યુનિવર્સિટીનાં પ્રોફેસર મોના સિદ્દિકીના મતે કુરાનમાં પયંગબરનું ચિત્ર બનાવવા અંગે કોઈ જ વ્યક્ત પ્રતિબંધ નથી.
આ સમગ્ર માન્યતા હદીથમાંથી જન્મી છે. હદીથ એટલે મહમદના મૃત્યુ બાદનાં વર્ષોમાં તેમના જીવનની અને તે અંગેની વાતો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિદ્દિકી ઓટોમન સામ્રાજ્ય અને મોંગોલ સામ્રાજ્યના સમયગાળા દરમિયાન મહમદનાં ચિત્ર અંગે ધ્યાન દોરે છે. જે પૈકી કેટલાંકમાં મહમદના ચહેરાને સંતાડવામાં આવ્યો છે - પરંતુ એટલું તો પાકું છે કે આ તેઓ જ છે.
તેઓ કહે છે કે આ તમામ ચિત્રો યકીનથી પ્રેરિત હતાં : "મોટા ભાગની વ્યક્તિઓએ આ ચિત્રો પ્રેમ અને ઉપાસના અર્થે બનાવ્યાં હતાં, તેનો હેતુ મૂર્તિપૂજાનો નહોતો."

મુસ્લિમ સમાજમાં અલગ-અલગ મત

ઇમેજ સ્રોત, Getty Images
તો પછી ક્યારે ઇસ્લામમાં મહમદની ચિત્ર થકી રજૂઆત હરામ કે પ્રતિબંધિત થઈ?
મિશિગન યુનિવર્સિટીનાં ઇસ્લામિક આર્ટનાં પ્રોફેસર ક્રિસ્ટિન ગ્રબર જણાવે છે કે આ પૈકી ઘણાં એવાં ચિત્રો છે જે વર્ષ 1300માં બનાવાયાં હતાં, જે માત્ર અંગતપણે જ જોઈ શકાતાં હતાં, જેથી તે મૂર્તિપૂજાનાં નિમિત્ત ન બને.
આ તમામ વસ્તુઓમાં ઇસ્લામનાં પાત્રોનાં નાનાં સ્વરૂપો પણ સામેલ છે.
ગ્રબર કહે છે કે 18મી સદીમાં પ્રિન્ટ મીડિયાની ક્રાંતિના કારણે પડકાર સર્જાયો છે. તેઓ કહે છે કે મુસ્લિમોની ધરતી પર યુરોપિયન સૈન્યોનો કબજો અને તેમના વિચારો પણ અસરકારક હતા.
આના જવાબમાં ઇસ્લામ ઈસાઈ ધર્મ કરતાં ઇસ્લામ કઈ રીતે જુદો પડે એ વાત પર ભાર મુકાયો હતો. આ સાથે જ મહમદનાં ચિત્રો ગાયબ થતાં ગયાં અને રજૂઆત સામે નવી માન્યતાનો જન્મ થયો.
પરંતુ યુકેની સૌથી મોટી મસ્જિદ એવી લીડ્સ ખાતેને મક્કા મસ્જિદના ઇમામ કરી આસિમ મહત્ત્વપૂર્ણ ફેરફાર ન થયો હોવાનું જણાવે છે. તેઓ કહે છે કે હદીથમાં જણાવ્યાનુસાર કોઈ પણ જીવિત વસ્તુનાં ચિત્રો વિરુદ્ધના આદેશને મહમદની રજૂઆત પરનો પ્રતિબંધ જ માનવો જોઈએ.
તેઓ કહે છે કે મધ્યકાળમાં બનેલ ચિત્રોને સંદર્ભમાં સમજવાની જરૂર છે. "તે પૈકી મોટાં ભાગનાં ચિત્રો રાત્રિના એ પ્રવાસ અને જન્નતમાં જતી વખતનાં દૃશ્ય રજૂ કરે છે. તેમાં મૅલ ઘેંટું કે એક ઘોડો છે. તેમાં મહમદ ઘોડા પર છે, કે આવું જ કંઈક છે."
"પરંપરાગત સ્કૉલરોએ આ ચિત્રોની પણ આકરી ટીકા કરી છે પરંતુ તે છે."
તેઓ આગળ સૂચવે છે કે અહીં મહત્ત્વની બાબત એ છે કે તે મહમદનાં સામાન્ય ચિત્રો નથી. તેમજ ઘણાં ચિત્રોની વિષયવસ્તુ અસ્પષ્ટ છે. અહીં એ પ્રશ્ન છે કે આ ચિત્રોનો ઉદ્દેશ પયગંબરનું ચિત્રણ હતું કે આ જ દૃશ્યમાં સામેલ અન્ય કોઈ સાથીદાર માટે તે બનાવાયાં હતાં.
યુનિવર્સિટી ઑફ ઍડિનબર્ગના 'સેન્ટર ફૉર સ્ટડી ઑફ ઇસ્લામ ઇન ધ કન્ટેમ્પરરી વર્લ્ડ'ના ડિરેક્ટર પ્રો. હ્યુઘ ગોદાર્દ જણાવે છે કે હવે થોડો બદલાવ આવ્યો છે.
"કુરાન કે હદીથમાં આ મામલે કોઈ નક્કર વાત નથી. પાછલા સમયના મુસ્લિમ સમાજમાં આ અને અન્ય મુદ્દે અલગ અલગ મત રજૂ કરાયા છે."
સાઉદી અરેબિયા ખાતે સુન્ની ઇસ્લામની એક મહત્ત્વપૂર્ણ શાખા વહામી પંથ જેમની શિક્ષા પરથી ઊતરી આવ્યો એ છે આરબ સ્કૉલર મુહમ્મદ ઇબ્ન અબ્દ અલ વહાબ એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હતી.
"મુહમ્મદ ઇબ્ન અબ્દ અલ - વહાબની ચળવળના કારણે આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. ઈશ્વર સિવાય પયગંબર સહિત અન્ય કોઈ પણની ઇબાદત અંગે શંકા થવા લાગે છે."
"આ તમામ ચલણમાં પાછલાં 200-300 વર્ષથી થોડાં પરિવર્તન જોવા મળી રહ્યાં છે."
ગોદાર્દ જણાવે છે કે પરંતુ જો શિલ્પ કે અન્ય કોઈ પણ પ્રકારની ત્રિપરિમાણીય રજૂઆતની વાત કરાય તો તે અંગે વ્યક્ત પ્રતિબંધ છે.
સિદ્દિકી જણાવે છે કે મુસ્લિમો માટે ચિત્રો માટેની નાપસંદગીને ગમે તે જીવતી વસ્તુની તસવીર રાખવા સુધી વિસ્તૃત બનાવાઈ છે. મુસ્લિમો આ ચિત્રો તેમનાં ઘરોમાં રાખી શકતાં નથી.

શિયાપંથીઓ શું માને છે?

ઇમેજ સ્રોત, Getty Images
હાલ જર્મનીમાં વસતા ઈરાની મૌલાના હસન યુસેફી એસ્કાવરી જણાવે છે કે આવી જ માન્યતા સમગ્ર મુસ્લિમ સમાજમાં છે એવું નથી. ઘણા શિયા મુસ્લિમો થોડો અલગ મત ધરાવે છે. મહમદનાં કેટલાંક તાજેતરનાં ચિત્રો મુસ્લિમ દુનિયામાં અમુક સ્થળે જોવા મળે છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે હાલ ઈરાનનાં ઘણાં ઘરોમાં મહમદની તસવીરો છે : "ધાર્મિક દૃષ્ટિએ આ ચિત્રો પર કોઈ પ્રતિબંધ નથી. આ ચિત્રો ઘરો અને દુકાનોમાં જોવા મળે છે. તેને અપમાન તરીકે જોવામાં નથી આવતું."
શિયા/સુન્ની સમુદાયોમાં આ અંગે એક સમાન માન્યતા નથી.
પરંતુ ગ્રબર કહે છે કે જે લોકો એવું માને છે કે ઐતિહાસિક દૃષ્ટિએ આ ચિત્ર પર પ્રતિબંધ છે, તે ખોટું છે.
આ એક એવી દલીલ છે જે ઘણા મુસ્લિમો નહીં સ્વીકારે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇસ્લામિક પૉલિટિકલ થોટના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. અઝામ તમીમીએ બીબીસીને જણાવ્યું કે, "કુરાનમાં આ મામલે કશું કહેવાયું નથી."
"પરંતુ ઇસ્લામનાં તમામ સત્તામંડળો નિર્વિવાદપણે એવું માને છે કે મહમદ પયગંબર સહિત અન્ય તમામ પયગંબરનાં ચિત્રો ન દોરી શકાય કે ન તેની નકલ કરી શકાય. ઇસ્લામિક માન્યતા અનુસાર, તેઓ અમોઘ અને આદર્શ હતાં. તેથી તેમને કોઈ પણ એવી રીતે રજૂ ન કરવા જોઈએ જેનાથી તેમનો અનાદર થવાની શક્યતા હોય."
તેઓ એ વાત સાથે સંમત નથી થતાં કે જો મધ્યકાળનાં ચિત્રોમાં પયગંબરની રજૂઆત થઈ હોય તો તેના પર કોઈ પ્રતિબંધ ન હોઈ શકે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














