Virginity Certificate : અહીં મહિલાઓ લગ્ન કરવા આ રીતે સાબિત કરે છે કૌમાર્ય

ઇમેજ સ્રોત, MANUELLA BONOMI
- લેેખક, ફિરોઝેહ અકબરીયન અને સોફિયા બેટ્ટીઝા
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
"તેં મારી સાથે ચાલાકીથી લગ્ન કર્યાં કેમ કે તું કુંવારી નથી. જો કોઈને હકીકતની ખબર હોત તો કોઈ તારી સાથે લગ્ન ન કરત."
આ શબ્દો મરિયમના પતિના હતા જે તેમણે લગ્ન બાદ પહેલી વખત સેક્સ બાદ કહ્યા હતા.
મરિયમે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભલે સેક્સ દરમિયાન તેમનું લોહી ન નીકળ્યું હોય, પરંતુ તેમણે ક્યારેય આ પહેલાં કોઈ સાથે શરીર સંબંધ બાંધ્યો નથી.
મરિયમના પતિએ તેમનાં પર વિશ્વાસ ન કર્યો અને કહ્યું કે તેઓ વર્જિનિટી સર્ટિફિકેટ લાવે.
ઈરાનમાં આ જરા પણ અસામાન્ય બાબત નથી. સગાઈ બાદ ઘણી મહિલાઓ ડૉક્ટર પાસે જાય છે અને એવો ટેસ્ટ કરાવે છે જેમાં સાબિત થાય કે તેમણે પહેલાં ક્યારેય સેક્સ કર્યું નથી.
જોકે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે વર્જિનિટી ટેસ્ટની કોઈ વૈજ્ઞાનિક ગુણવત્તા નથી.
મરિયમનું સર્ટિફિકેટ જણાવે છે કે તેમના હાઇમનનો પ્રકાર "ઇલાસ્ટિક" છે. જેનો મતલબ એ છે કે સેક્સ દરમિયાન તેનું લોહી કદાચ ન વહે.
મરિયમ કહે છે, "તેનાથી મારા આત્મસન્માનને ઠેસ પહોંચી હતી. મેં કંઈ ખોટું કર્યું ન હતું, પણ મારા પતિએ સતત મારું અપમાન કર્યું. હું તે સહન કરી શકતી ન હતી. એટલે મેં કેટલીક દવાઓ લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, સમયસર તેમને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં અને તેમનો જીવ બચાવાયો હતો.
"હું તે દિવસો ક્યારેય નહીં ભૂલું. તે સમયગાળા દરમિયાન મારું વજન 20 કિલો ઓછું થઈ ગયું હતું."

સંક્ષિપ્તમાં: એ મહિલાઓ જેમને લગ્ન કરવા માટે વર્જિનિટી સર્ટિફિકેટની જરૂર પડે છે

- ઈરાનમાં લગ્ન પહેલાં કન્યાનો વર્જિનિટી ટેસ્ટ (કૌમાર્ય પરીક્ષણ) ખૂબ જરૂરી છે. પુરુષો દ્વારા વર્જિનિટી સર્ટિફિકેટની માગ કરવામાં આવે છે.
- સર્ટિફિકેટ પર બે સાક્ષીઓના હસ્તાક્ષર હોય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી હવે વધુમાં વધુ લોકો તેની વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે.
- પોતાના પ્રેમી સાથે સંબંધ બાંધી કૌમાર્ય ગુમાવી દીધું હોય તેવી કેટલીક યુવતીઓ પોતાનું હાઇમન (યોનિપટલ) ઠીક કરવા સર્જરી પણ કરાવે છે.
- દેશના મહિલાઓ અને પુરુષો વર્જિનિટી ટેસ્ટનો અંત લાવવા માટે અભિયાન ચલાવી રહ્યા છે.
કુપ્રથાનો અંત લાવવા પ્રયાસ

ઇમેજ સ્રોત, MANUELLA BONOMI
મરિયમની કહાણી ઈરાનની ઘણી મહિલાઓની વાસ્તવિકતા છે. લગ્ન પહેલાં વર્જિન હોવું એ ઘણી છોકરીઓ અને તેમના પરિવારો માટે મહત્ત્વનું છે. તે તેમની સંસ્કૃતિનો એક ભાગ છે.
જોકે, હાલ થોડું પરિવર્તન જોવા મળી રહ્યું છે. દેશમાં મહિલાઓ અને પુરુષો વર્જિનિટી ટેસ્ટનો અંત લાવવા માટે અભિયાન ચલાવી રહ્યાં છે.
ગયા નવેમ્બરમાં એક ઑનલાઇન અરજી પર 25 હજાર જેટલા લોકોએ હસ્તાક્ષર કર્યા હતા અને એ પણ એક જ મહિનામાં. આવું પહેલી વખત બન્યું કે ઈરાનમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ વર્જિનિટી ટેસ્ટને પડકાર આપ્યો હતો.
નેડા કહે છે, "આ ગોપનીયતાનું ઉલ્લંઘન છે અને તે ખૂબ અપમાનજનક છે."
નેડા જ્યારે 17 વર્ષનાં હતાં ત્યારે તેઓ તહેરાનમાં ભણી રહ્યાં હતાં અને એ સમયે તેમણે પોતાના પ્રેમી સાથે સંબંધ બાંધી કૌમાર્ય ગુમાવી દીધું હતું.
"હું ડરી ગઈ હતી. હું જાણતી ન હતી કે જો મારા પરિવારને તેના વિશે ખબર પડશે તો શું થશે."
નેડાએ પોતાનું હાઇમન ઠીક કરાવવાનું નક્કી કર્યું.
આ પ્રક્રિયા ગેરકાયદેસર નથી, પરંતુ તેની સામાજિક અસરો ઘણી બધી છે એટલે કોઈ હૉસ્પિટલ આ પ્રક્રિયા કરવા માટે તૈયાર થતી નથી.
નેડાએ એક ખાનગી દવાખાનું શોધ્યું જે ગોપનીયતા સાથે પ્રક્રિયા કરવા તૈયાર થયું, પણ ખૂબ જ ઊંચી કિંમતે.
તેઓ કહે છે, "મારી પાસે બચતના જેટલા પૈસા હતા તે બધા જ ખર્ચાઈ ગયા. મેં મારું લૅપટૉપ, મોબાઇલ ફોન અને સોનાનાં દાગીના બધું જ વેચી નાખ્યું."
તેમણે એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાના હતા, જેમાં કંઈ પણ બનાવ બને તો તેની જવાબદારી જાતે લેવાની નોંધ લેવાની હતી.
એક નર્સે તેમની પ્રક્રિયા કરી જે આશરે 40 મિનિટ સુધી ચાલી. પરંતુ નેડાને તેમાંથી સાજા થવા માટે ઘણા અઠવાડિયા લાગ્યાં.
તેઓ એ સમયને યાદ કરતાં કહે છે, "હું ઘણી તકલીફમાં હતી. હું મારા પગ પણ હલાવી શકતી ન હતી."
તેમણે આ બધી વાતો તેમનાં માતાપિતાથી છુપાવીને રાખી હતી.
"હું ખૂબ એકલતાનો અનુભવ કરી રહી હતી. પરંતુ મને ડર હતો કે જો તેમને ખબર પડી જશે તો? એ વિચારીને દુખાવો સહન કરવાની હિંમત આવી જતી."
જોકે, નેડાના આ બધા જ પ્રયાસો વ્યર્થ ગયા.
એક વર્ષ બાદ તેઓ કોઈને મળ્યાં જેમની સાથે તેઓ લગ્ન કરવા માગતાં હતાં. જ્યારે તેમણે સેક્સ કર્યું, ત્યારે તેમનું લોહી ન નીકળ્યું. તે પ્રક્રિયા નિષ્ફળ થઈ ગઈ હતી.
"મારા પ્રેમીએ કહ્યું કે મેં તેમને લગ્ન માટે ફસાવ્યા છે. હું જૂઠી છું અને તે મને છોડીને જતા રહ્યા."

પરિવાર તરફથી દબાણ

ઇમેજ સ્રોત, MANUELLA BONOMI
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વર્જિનિટી ટેસ્ટને અમાન્ય ગણાવ્યો છે અને એ પણ કહ્યું છે કે તેની કોઈ વૈજ્ઞાનિક માન્યતા નથી. છતાં આ પ્રથા ઘણા દેશોમાં ચાલી રહી છે જેમાં ઇન્ડોનેશિયા, ઇરાક અને તુર્કી પણ સામેલ છે.
ઈરાનિયન મેડિકલ ઑર્ગેનાઇઝેશન પ્રમાણે તેઓ ત્યારે જ વર્જિનિટી ટેસ્ટ કરે છે જ્યારે કોઈ કોર્ટનો કેસ હોય અથવા તો બળાત્કારનો મામલો હોય.
જોકે, મોટાભાગના વર્જિનિટી ટેસ્ટ સર્ટિફિકેટની અરજીઓ એ લોકો પાસેથી આવે છે જેઓ લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા હોય છે. તેઓ પછી કોઈ ખાનગી દવાખાને જાય છે, જ્યાં તેમની માતાઓ તેમની સાથે જાય છે.
એક સ્ત્રીરોગ નિષ્ણાત અથવા નર્સ ટેસ્ટ કરે છે અને સર્ટિફિકેટ આપે છે. તેમાં મહિલાનું આખું નામ, પિતાનું નામ, રાષ્ટ્રીય ઓળખ અને ક્યારેક તેનો ફોટો પણ હોય છે. સર્ટિફિકેટમાં હાઇમનનું સ્ટેટસ જણાવવામાં આવે છે અને સાથે જ એક નિવેદન લખેલું હોય છે - 'આ છોકરી કુંવારી છે.'
વધારે રુઢિચુસ્ત પરિવારોમાં તે સર્ટિફિકેટ પર બે સાક્ષીઓના હસ્તાક્ષર હોય છે- સામાન્યપણે તેમાં માતાઓ સાક્ષી બને છે.
ડૉ. ફરીબા વર્ષોથી સર્ટિફિકેટ આપે છે. તેઓ માને છે કે આ એક અપમાનજનક પ્રક્રિયા છે, પરંતુ તેમને લાગે છે કે તેઓ ખરેખર ઘણી મહિલાઓને મદદ કરે છે.
"તેમના પર પરિવારનું દબાણ હોય છે. ક્યારેક હું કપલ માટે ખોટું બોલી દઉં છું. જો તેઓ સાથે રહ્યા હોય અને સેક્સ પણ કર્યું હોય અને પછી લગ્ન કરવાં માગતાં હોય તો હું તેમના પરિવારને કહું છું કે છોકરી કુંવારી છે."
ઘણા પુરુષો માટે એક કુંવારી છોકરી સાથે લગ્ન કરવા તે મૂળભૂત મુદ્દો છે.
શિરાઝના 34 વર્ષીય ઇલેક્ટ્રિશીયન અલી કહે છે, "જો એક છોકરી લગ્ન પહેલાં કૌમાર્ય ગુમાવે તો તેમનાં પર ભરોસો કરી શકાતો નથી. તે પોતાના પતિને પણ બીજી વ્યક્તિ માટે છોડી શકે છે."
તેમણે કહ્યું તેમણે 10 છોકરીઓ સાથે સેક્સ કર્યું છે. તેઓ કહે છે, "હું ના ન કહી શક્યો."
અલી માને છે કે ઈરાની સમાજમાં લોકો બેવડું ધોરણ અપનાવે છે. પરંતુ તેઓ કહે છે કે પ્રથા બંધ કરવાનું કોઈ કારણ નથી.
"સામાજિક ધોરણો માને છે કે પુરુષો પાસે મહિલાઓ કરતાં વધારે સ્વતંત્રતા હોય છે."
અલી જેવો દૃષ્ટિકોણ ઘણા લોકો ધરાવે છે. ખાસ કરીને ઈરાનના ગ્રામીણ અને રુઢિચુસ્ત વિસ્તારોમાં.
વર્જિનિટી ટેસ્ટ મામલે ઘણા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, તેમ છતાં આ પ્રથા ઈરાનની સંસ્કૃતિના મૂળિયામાં હોવાથી ઘણા લોકો માને છે કે નજીકના સમયમાં સરકાર અને કાયદાના ઘડવૈયાઓ તરફથી આ કુપ્રથા પર પ્રતિબંધ લાદવામાં આવશે તેવું જણાતું નથી.

ભવિષ્યની આશા
આત્મહત્યાના પ્રયાસના ચાર વર્ષ બાદ અને આટલાં વર્ષો સુધી તેમના પતિ સાથે રહ્યાં બાદ મરિયમને અંતે કોર્ટની મદદથી તલાક મળ્યાં છે.
થોડા અઠવાડિયા પહેલાં જ તેમનાં તલાક મંજૂર થયાં હતાં.
તેઓ કહે છે, "કોઈ પુરુષનો ફરી ભરોસો કરવો ખૂબ અઘરો થશે. મને નથી લાગતું કે નજીકના ભવિષ્યમાં હું લગ્ન કરીશ."
હજારો મહિલાઓની સાથે તેમણે પણ એ ઑનલાઈન અરજી પર હસ્તાક્ષર કર્યા છે જેમાં વર્જિનિટી સર્ટિફિકેટની પ્રથા પર પ્રતિબંધ લાદવાની માગ છે.
જોકે, તેમને ખબર છે કે કંઈ હમણાં બદલાશે નહીં. પરંતુ તેમનું માનવું છે કે તેમના જીવનકાળ દરમિયાન એક દિવસ એવો આવશે જ્યારે તેમના દેશમાં મહિલાઓને સમાન અધિકારો મળશે.
"મને ખબર છે કે એક દિવસ એવું ચોક્કસ થશે. હું આશા રાખું છું કે ભવિષ્યમાં કોઈ છોકરીએ એ બધું સહન કરવું નહીં પડે જે મેં કર્યું છે."
ઇન્ટરવ્યૂ દરમિયાન દરેકની ઓળખ છૂપાવવા માટે નામ બદલવામાં આવ્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














