મુંબઈ ખરેખર છે કોનું? કોણ છે એના મૂળનિવાસીઓ?

ઇમેજ સ્રોત, Peter Adams Via Getty Images
- લેેખક, ઓમકાર કરંબેકર
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
આ વાત છે 1930ની...90 વર્ષ એ વાતને વીતી ગયા છે. નૌકા દળના અધિકારી કે.આર.યુ. ટોડ કોલાબાના દરિયા કિનારે ટહેલતા હતા. તેમને એક પથ્થર જોવા મળ્યો. તેમણે પથ્થરના એ ટુકડાને ઉઠાવીને જોયો તે સાથે તેમના મનમાં અનેક વિચારો ધૂમવા લાગ્યા. તેમને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સામાન્ય પથ્થર નથી. તેના કારણે જે શોધખોળ થઈ અને તેથી મુંબઈની ઇતિહાસની રૂપરેખા બદલાઈ ગઈ.
આ ઘટનાનો સંબંધ 'મુંબઈ મૂળ કોનું?' તે વિવાદ સાથે છે. મુંબઈના મૂળ નિવાસીઓ કોણ હતા? તેની ચર્ચા સાથે છે.
તે માટે મુંબઈ કેવી રીતે બન્યું અને તેની પાછળ કોની મહેનત હતી તે જોવું પડે.
કોઈ પણ પ્રદેશનો વિકાસ કે પતન તેના પર શાસન કોનું છે તેના આધારે નક્કી થતો હોય. કોઈ પણ પ્રદેશનો હજારો વર્ષનો ઇતિહાસ હોય છે અને તે દરમિયાન અનેક શાસકો આવે અને જતા પણ રહે.
મુંબઈમાં પથ્થર યુગના નિવાસીઓ?

ઇમેજ સ્રોત, Getty Images
આજે ધનિક માણસ માટે પણ મુંબઈમાં જમીનનો એક ટુકડો ખરીદવો મુશ્કેલ હોય છે, પણ તમે માનશો ખરા કે આજનું મુંબઈ હકીકતમાં અનેક ટાપુઓમાં વહેંચાયેલું હતું?
મુંબઈના આ ટાપુઓ પર પ્રથમ કયા માનવીએ પગ મૂક્યો તે જાણવા માટે પથ્થર યુગમાં એટલે કે આજથી 25 લાખ વર્ષ પાછળ જવું પડે. નરેશ ફર્નાન્ડિઝે પોતાના પુસ્તક 'સિટી અડ્રિફ્ટ'માં તેના કેટલાક પુરાવાઓ આપ્યા છે.
1930માં બ્રિટિશ નેવીના અફસર કે.આર.યુ. ટોડ કોલાબા દરિયા કિનારે ટહેલતા હતા ત્યારે તેમને એક પથ્થર જોવા મળ્યો. તેમણે ધ્યાનપૂર્વક તેનું નિરીક્ષણ કર્યું. તેમને ખ્યાલ આવી ગયો કે આ પથ્થર કોઈ સામાન્ય પથ્થર નથી. તે પથ્થર યુગના માનવીનું એક પથ્થરનું ઓજાર હતું.
પથ્થર યુગનું ઓજાર મળ્યું તેનાથી અચંબિત થયેલા ટોડે કોલાબાના દરિયા કિનારે શોધખોળ કરી. તેમણે આવા લગભગ 55 પથ્થરો શોધી કાઢ્યાં. તેમાંના કેટલાક મનુષ્ય દ્વારા ઉપયોગમાં આવતા મેસોલિથિક એજના ઓજાર હતા, જ્યારે કેટલાક અવશેષો હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટોડને આમાં ભારે રસ પડી ગયો હતો અને તેમણે લાંબા અભ્યાસ પછી 1932માં સંશોધન નિબંધ પ્રસિદ્ધ કર્યો હતો - 'મુંબઈની આસપાસના પ્રાગૈતિહાસિક મનુષ્ય'.
ત્યારબાદ 1939 તેમણે બીજો શોધનિબંધ લખ્યો 'પેલિયોલિથિક ઇન્ડસ્ટ્રીઝ ઑફ મુંબઈ' જે રૉયલ આર્કિયોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટની જર્નલમાં પ્રકાશિત થયો હતો.
1920માં બેક બે રેક્લેમેશનનું કામ ચાલતું હતું ત્યારે દરિયાને પૂરવા માટે કાંદિવલીની પહાડીઓ ખોદીને પથ્થરો અને માટી લાવવામાં આવતા હતા. તેની સાથે આ નમૂના દક્ષિણ મુંબઈમાં પહોંચ્યા હોય તેવું બની શકે.
જયરાજ સાલગાંવકરે 'મુંબઈ સિટી ગેઝેટ'માં નોંધ્યું છે કે મુંબઈના આજના માછીમારોની કડી પથ્થર યુગ સાથે જોડાઈ શકે છે. સાલગાંવકરના જણાવ્યા અનુસાર આ માછીમારો આર્યો પૂર્વ ગુજરાતથી અહીં આવ્યા હતા. તેમની સાથે મુંબા દેવી મૂર્તિ આવી હતી અને મુંબઈની પ્રથમ દેવી તરીકે તેમની સ્થાપના થઈ.
છેલ્લા 70-80 વર્ષોથી એવી ગુસપુસ ચાલતી રહી છે કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરી દેવાશે; ગુજરાતી નેતાઓ મુંબઈને ખેંચી જવા માગે છે; તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાનું કાવતરું થઈ રહ્યું છે વગેરે.

તેઓ આવ્યા અને જામી ગયા

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈ શહેરનો આર્થિક, સામાજિક અને ધાર્મિક વિકાસ તબક્કાવાર થયો છે. ઘણા શાસકો આવ્યા અને સમગ્ર ઇતિહાસને જુદા જુદા તબક્કામાં વહેંચી શકાય છે: હિન્દુ યુગ, મુસ્લિમ યુગ, પોર્ટુગીઝ યુગ, બ્રિટિશ યુગ અને આઝાદી પછીનો યુગ.
ઉત્તર કોંકણમાં ઈસૂ પૂર્વ 250માં મૌર્યો આવ્યા હતા. તે પછી જુદા જુદા શાસકોના સંપર્કમાં મુંબઈ આવ્યું.
સેન્ટ ઝેવિયર્સ કૉલેજના એન્શ્યન્ટ ઇન્ડિયન કલ્ચર ડિપાર્ટમેન્ટના વડા ડૉ. અનિતા કોઠારે જણાવે છે કે મૌર્યો પછી ઉત્તર કોંકણ પર ઘણા શાસકો આવ્યા.
તેઓ કહે છે, "કોંકણ પર શાસન કરનારા કોંકણ મૌર્ય તરીકે પણ ઓળખાય છે. મૌર્ય પછી સાતવાહનના શાસન વખતે અગ્નિમિત્ર નાગપુર આવ્યા હતા. કાલિદાસના મહાકાવ્યમાં તેનો ઉલ્લેખ છે. સાતવાહન પછી શ્રત્રપ આવ્યા અને તેમની પાછળ વેપારીઓ આવ્યા.
"મુંબઈની નજીકમાં કલ્યાણ, થાણે, નાલાસોપારા જેવા બંદરો હતા એટલે વેપારી આવનજાવન વધતી રહી હતી. તે પછીના ગાળામાં આ નગર કાલચુરી રાષ્ટ્રકૂટ, યાદવ અને શીલાહર કૂળના કબજામાં આવ્યું હતું. તે પછી આવ્યા આરબો. આ રીતે દરિયાઇ વેપારને કારણે મુંબઈ પહેલેથી જ પચરંગી હતું."

મુસ્લિમો અને વલંદાઓ

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈ પર મુસ્લિમોનો સીધો કબજો ક્યારે હતો તે સમયગાળો સ્પષ્ટ નથી. 13થી 15મી સદી દરમિયાન બિંબ રાજા માહિમ ટાપુ પર રાજ કરતા હતા, ત્યારે ગુજરાતના સુલતાને મુંબઈ કબજે કરી લીધું હતું.
ગુજરાતના સુલતાને 1534માં મુંબઈ વલંદાઓ એટલે કે પોર્ટુગીઝોને સોંપી દીધું. વલંદાઓએ દીવ, વસઈ અને મુંબઈમાં કોઠીઓ સ્થાપી હતી અને પોતાનો વેપાર આ વિસ્તારમાં વધાર્યો હતો.
વલંદાઓ ડાંગરની ખેતી પર મહેસૂલ લેતા હતા અને આ દરિયામાર્ગે પસાર થતા દરેક જહાજ પાસેથી લાગો ઉઘરાવતા હતા. પોર્ટુગીઝે મજબૂત નૌકાદળ જમાવ્યું હતું અને પછી બ્રિટિશરોને પણ મુંબઈમાં રસ પડ્યો હતો.
દહેજમાં મળ્યું મુંબઈ
1612માં સ્વાલીમાં યુદ્ધ પૂરું થયું તે પછી બ્રિટિશરો મુંબઈમાં આવ્યા હતા. તેમને મુંબઈ મોકાનું છે તે સમજાઈ ગયું. તેઓ અહીં નૌકા થાણું સ્થાપવા માગતા હતા. તેથી વલંદાઓ પાસેથી તેને મેળવવા કોશિશો શરૂ કરી.
23 જૂન 1661માં ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ દ્વિતિય અને પોર્ટુગીઝ કુંવરી કેથેરાઇનના લગ્ન લેવાયા. લગ્નમાં દહેજ તરીકે મુંબઈ તેમને આપવામાં આવ્યું અને તે રીતે બ્રિટિશરોનો કબજો થયો.

બ્રિટિશ શાસન

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં આવ્યું તે સાથે વેપારી કેન્દ્ર તરીકે તેનો વિકાસ થવા લાગ્યો. 1685માં કંપનીએ પોતાનું વેપારી થાણું સુરતથી મુંબઈમાં ફેરવ્યું.
1715માં ચાર્લ્સ બૂન મુંબઈ આવ્યા અને તેમણે નગર ફરતે કિલ્લો ચણાવ્યો. કિલ્લાના રક્ષણ માટે તેમણે તોપો પણ ગોઠવી હતી.
તેમણે પોર્ટુગીઝ સાથેના સંબંધો તોડી નાખ્યા અને તેમની બધી મિલકતોને કબજે કરી. તેમણે પોર્ટુગીઝ પાદરીઓને પણ નગર છોડી દેવા આદેશ આપ્યો. તે પછી મુંબઈનો બહુ ઝડપથી વિકાસ થવા લાગ્યો અને વેપારી કેન્દ્ર ઉપરાંત મહાનગર પણ બનવા લાગ્યું.

મરાઠા હુમલાનો ભય અને ખાઈનું ખોદકામ

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટિશ સમયમાં કામકાજ ફોર્ટમાંથી ચાલતું હતું. આ વિસ્તારને કિલ્લેબંધ કરાયો હતો અને ચારે બાજુ સુરક્ષા માટેની વ્યવસ્થા કરી હતી. આમ છતાં સુરક્ષાનો સવાલ ઊભો થયો હતો, કેમ કે મરાઠાઓએ વસઈમાં કબજો જમાવ્યો હતો.
વલંદાઓને હરાવીને મરાઠાઓએ વસઈ કબજે કર્યુ તે પછી બ્રિટિશરો ચિંતામાં પડ્યા હતા. તેમને ખ્યાલ આવ્યો કે મરાઠાઓ મુંબઈના સીમાડા સુધી પહોંચી ગયા છે ત્યારે નગરની સુરક્ષા માટે નવા ઉપાયો વિચારાવા લાગ્યા. મરાઠાઓ બાંદ્રા અને કુર્લા સુધી પહોંચી ગયા હતા.
સૌ પ્રથમ તો કેપ્ટન જેમ્સ ઇન્ચબર્ડને મરાઠા સરદાર ચિમાજી અપ્પાને મળવા માટે વસઈ મોકલવામાં આવ્યા. મરાઠી રિયાસતના ત્રીજા ખંડમાં ગોવિંદ સખારામ સરદેસાઈએ લખ્યું છે કે ચિમાજી અપ્પાએ અંગ્રેજો સામે 15 શરતો મૂકી હતી.
તે પછી કેપ્ટન ગોર્ડન સતારા ગયા હતા અને છત્રપતિ શાહુ મહારાજને મળ્યા હતા. ઇન્ચબર્ડ પૂણે જઈને બાજીરાવ પહેલાને મળ્યા હતા. આમ છતાં મરાઠાઓનું જોખમ ઓછું થયું નહોતું. તેથી અંગ્રેજોએ હવે મુંબઈ ફોર્ટની આસપાસ ખાઈ ખોદવાનું શરૂ કર્યું હતું.
ખાઈ ખોદવાનો ખર્ચ ઉપાડવા માટે તે વખતના વેપારી મહાજનો આગળ આવ્યા હતા અને 30 રૂપિયાનો ફાળો કર્યો હતો. ખાઈ ખોદવાનો કુલ ખર્ચ અઢી લાખ રૂપિયા આવ્યો હતો. કદાચ તે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનો પ્રથમ પ્રોજેક્ટ હતો.
એ. આર. કુલકર્ણીએ પોતાના પુસ્તક 'કંપની સરકાર'માં જણાવ્યું છે કે 1755માં અંગ્રેજોએ સુવર્ણા દુર્ગ જીતી લીધો અને 1761માં મરાઠાઓ પાણીપતમાં હાર્યા તેના કારણે અંગ્રેજોનું જોર વધ્યું હતું.

19મી સદીનું મુંબઈ

ઇમેજ સ્રોત, Getty Images
19મી સદીમાં મુંબઈ અંગ્રેજો માટે સૌથી અગત્યનું સાબિત થયું હતું. સદીની શરૂઆતમાં જ 1803માં વસઈ કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર સાથે મરાઠાઓનું જોર ઘટ્યું હતું અને 1818 સુધીમાં મરાઠા શાસનનો અંત આવી ગયો હતો.
તે પછી મુંબઈમાં એક પછી એક ગવર્નર આવતા રહ્યા. તેમણે ન્યાયતંત્ર, મહેસૂલી તંત્ર, શિક્ષણ તંત્ર વગેરે તૈયાર કર્યા. સમય પ્રમાણે નગરનો વિકાસ થતો રહ્યો, ટાઉન હોલ, મ્યુઝિયમ, ટંકશાળ વગેરેનું નિર્માણ થતું રહ્યું.
મુંબઈમાં સૌપ્રથમ 1853માં ટ્રેન શરૂ થઈ. પ્રથમ સ્વતંત્રતાની લડાઈ 1857માં લડાઈ તેની અસર પણ મુંબઈ પર પડી હતી. જોકે અંગ્રેજોએ તાકિદના પગલાં લઈને ક્રાંતિને દબાવી દીધી હતી. ટાઉન હોલના પગથિયા પાસે ઇંગ્લેન્ડની રાણીનું જાહેરનામું વાંચવમાં આવ્યું હતું, જ્યાં આજે એશિયાટિક લાયબ્રેરી છે. 1857માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી.
મુંબઈને આજનું સ્વરૂપ આપવામાં સૌથી મોટો ફાળો 1862માં હેન્રી બાર્ટલ ફ્રેરેનો હતો. તેમણે મુંબઈમાં અનેક ઇમારતોનું નિર્માણ કરાવ્યું.
તેમના સમયગાળામાં જ મુંબઈ મહાપાલિકાની સ્થાપના થઈ. ફેક્ટરીઓ વધવા લાગી અને ઉદ્યોગો સાથે વસતિ પણ વધવા લાગી. 19 સદીના પાછલા હિસ્સામાં નવી ઇમારતો અને નવી હૉસ્પિટલો સહિત સુવિધાઓ વધતી રહી. વેપાર, આર્થિક અને સામાજિક રીતે મુંબઈ ટોચ પર પહોંચી ગયું હતું.

આઝાદી પૂર્વ

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈ નગર મુંબઈ પ્રાંતની રાજધાની બન્યું હતું. 20મી સદીમાં મુંબઈની વસતિ વધી, અને અહીં ધીમે ધીમે આઝાદી આંદોલન પણ જાગવા લાગ્યું. કોંગ્રેસની સ્થાપના પછી મુંબઈ આઝાદી ચળવળનું પણ કેન્દ્ર બનવા લાગ્યું. લોકમાન્ય તિલક, દાદાભાઈ નવરોજી જેવા નેતાઓ કારણે આંદોલનને વેગ મળતો રહ્યો.
તે પહેલાં ફિરોઝશાહ મહેતા જેવા દીર્ઘદૃષ્ટાએ શિક્ષણ, આરોગ્ય, ડ્રેનેજ વ્યવસ્થા જેવી નાગરિક સુવિધાઓ માટે ખૂબ કામ કર્યું હતું. સામાજિક, આર્થિક, અને રાજકીય સુધારાઓ માટેનું કેન્દ્ર પણ મુંબઈ બની રહ્યું હતું.

આઝાદી અને દ્વિભાષી રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images
અંગ્રેજો ભારતમાં આવ્યા હતા તેના 325 વર્ષ પછી આખરે 1947માં ભારત આઝાદ થયું.
1956માં સ્ટેટ રિ-ઓર્ગેનાઇઝેશન કમિશનની સ્થાપના થઈ અને મુંબઈ પ્રાંતની રચના થઈ. તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત મધ્ય પ્રદેશ વિભાગના નાગપુરને અને હૈદરાબાદના મરાઠીભાષી મરાઠવાડા વિસ્તારને સમાવી લેવામાં આવ્યા હતા.
મરાઠીભાષીઓ તરફથી સંયુક્ત મહારાષ્ટ્રની માગણી થઈ રહી હતી, જ્યારે ગુજરાતીઓ તરફથી મહાગુજરાતનું આંદોલન શરૂ થયું હતું.
લાંબા આંદોલન પછી 1 મે, 1960 રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની રચના થઈ. ગુજરાતી ભાષા બોલાતા પ્રદેશોને ગુજરાતમાં સમાવાયા, જ્યારે બાકીનો પ્રદેશ મહારાષ્ટ્રમાં રહ્યો.
મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની બન્યું. આઝાદી પછી પણ મુંબઈ જ કેન્દ્ર બનીને રહ્યું હતું. આજે પણ તે દેશની આર્થિક રાજધાની છે. જુદા જુદા પક્ષોની સરકાર મહારાષ્ટ્રમાં બનતી રહી છે. સદીઓથી જુદા જુદા ધર્મો અને જ્ઞાતિઓના લોકો મુંબઈ આવીને વસ્યા છે અને મુંબઈના વિકાસમાં હિન્દુ, મુસ્લિમ, પારસી, શીખ, યહુદી, જૈન, બૌદ્ધ બધાનો ફાળો છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












