World Book Day : બુશિડો, જાપાનની ઇમેજ આખી દુનિયામાં બદલી નાખનાર પુસ્તકની કહાણી

ઇમેજ સ્રોત, Print Collector/Getty
- લેેખક, મિકિયો નાકામોટો
- પદ, બીબીસી ફ્યૂચર
વર્ષ 1900માં પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તક 'બુશિડોઃ ધ સૉલ ઑફ જાપાન' પુસ્તકે સમગ્ર વિશ્વનો જાપાન પ્રત્યેનો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો.
હોલીવૂડની એક ભવ્ય ફિલ્મ 'ધ લાસ્ટ સમુરાઈ'માં જાપાનનાં પરંપરાગત મૂલ્યોને ભ્રષ્ટ કરતાં તત્ત્વો સામે લડવા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર કત્સુમોટો નામના એક બળવાખોર સમુરાઈ(યોદ્ધા)ની કથા કહેવામાં આવી છે.
અમેરિકી સૈન્યના કૅપ્ટન નાથન અલ્ગ્રેનને જાપાનનું શાહી સૈન્ય વિદ્રોહીઓ સામે લડવામાં મદદ માટે કામ પર રાખે છે, પરંતુ બળવાખોરો તેમને કેદ કરી લે છે.
નાથન અલ્ગ્રેનની નજરે કહેવાયેલી કથા મુજબ, કત્સુમોટો અને બળવાખોર સમુરાઈઓનું જૂથ આદરણીય યૌદ્ધાઓનું પ્રતીક છે, જેઓ નિડર, ફરજ પ્રત્યે સમર્પિત, પરિશ્રમી અને શિસ્તબદ્ધ હોવાની સાથે તેમણે કેદમાં રાખેલી વ્યક્તિ પ્રત્યે વિનમ્ર અને ઉદાર પણ છે.
સમુરાઈના ઈમાનદારીભર્યા અભિગમના સાક્ષી બન્યા બાદ અલ્ગ્રેન શાહી સૈન્ય પ્રત્યેની વફાદારી છોડીને કાત્સુમોટોને તેના મિશનમાં મદદ કરે છે.
હોલીવુડની અત્યંત સફળ ફિલ્મોથી માંડીને જાપાની ટીવી સીરિયલો સુધી, સમુરાઈને વર્ષોથી શારીરિક ઉત્કૃષ્ટતા અને નૈતિક શુદ્ધતા એમ બન્નેના એક મૉડલ સ્વરૂપે ચિત્રિત કરવામાં આવતા રહ્યા છે.
સમુરાઈ માટે જીવન કરતાં સન્માન અને વફાદારી વધારે મૂલ્યવાન હોય છે. સમુરાઈની આ છબી ઐતિહાસિક દૃષ્ટિએ સટિક નથી, પરંતુ એ લોકમાનસમાં વ્યાપક રીતે વણાયેલી છે. તેમાં વીસમી સદીના અંતમાં ઈનાઝો નાઈટોબ દ્વારા અંગ્રેજીમાં લિખિત એક પાતળા પુસ્તકનો ફાળો બહુ મોટો છે.

જાપાની સમાજનાં અનેક પાસાં સમજાવતું પુસ્તક

ઇમેજ સ્રોત, The Print Collector/Getty Images
'બુશિડોઃ ધ સૉલ ઑફ જાપાન' નામનું આ પુસ્તક સૌપ્રથમ વર્ષ 1900માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને એ દિવસોમાં ઇન્ટરનેશનલ બેસ્ટસેલર બની ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પુસ્તક 'પૅન્ગ્વીન્સ ગ્રેટ આઈડિયા સીરિઝ'ના એક ભાગ રૂપે હવે 2018માં ફરી પ્રકાશિત કરવામાં આવ્યું.
બુશિડો વિશે સંખ્યાબંધ પુસ્તકો લખવામાં આવ્યાં છે, પરંતુ નાઈટોબે લખેલું આ પુસ્તક, જાપાની સમાજનાં અનેક પાસાંમાં પ્રસરેલી મૂલ્યવ્યવસ્થાને સમજવા ઇચ્છતા લોકો માટે આજે પણ એક પ્રભાવશાળી સ્રોત બની રહ્યું છે.

સારા કેવી રીતે થવું?

ઇમેજ સ્રોત, Historica Graphica Collection/Heritage Images/Gett
1919થી 1929 સુધી લીગ ઑફ નેશન્સના અન્ડર સેક્રેટરી જનરલ તરીકે ફરજ બજાવી ચૂકેલા નાઈટોબ કૃષિઅર્થશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, રાજદ્વારી અધિકારી અને શાંતિપ્રસારક-મંડળના સભ્ય હતા.
નાઈટોબે આ પુસ્તક મારફત તેમનાં અમેરિકન પત્ની મેરી સહિતના પશ્ચિમી દેશોના લોકોને જાપાની સંસ્કૃતિને રેખાંકિત કરતાં નૈતિક મૂલ્યો સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
નાઈટોબે તેને સમુરાઈનાં નૈતિક મૂલ્યોની આચારસંહિતા ગણાવ્યાં હતાં અને તેને બુશિડો મારફત વ્યક્ત કર્યાં હતાં.

ઇમેજ સ્રોત, Sean Sexton/Getty Images
નાઈટોબના જણાવ્યા અનુસાર, બુશિડોએ સમુરાઈને ન્યાયની મજબૂત ભાવના રાખવા અને ન્યાય અપાવવા માટેની હિંમત કેળવવાની શીખ આપી હતી.
તેણે એક ઉચ્ચ સત્તાધિકારી પરત્વે પરોપકાર, વિનમ્રતા, ઈમાનદારી, આદર અને વફાદારી દાખવવાની સલાહ આપી હતી.
નાઈટોબે લખ્યું હતું, "વ્યક્તિગત ગૌરવ અને મૂલ્યની ચેતનાને સમુરાઈ આબેહૂબ મૂર્તિંમંત કરે છે."
જોકે, હકીકત કંઈક અલગ જ હતી અને નાઈટોબે કરેલા સમુરાઈના વર્ણનને ઇતિહાસકારોએ અત્યંત અતિશયોક્તિપૂર્ણ ગણાવ્યું હતું.
ટોક્યોની સોફિયા યુનિવર્સિટીમાં આધુનિક જાપાની ઇતિહાસના પ્રોફેસર સ્વેન સાલેર કહે છે, "સમુરાઈ અને દિમ્યો (સામંતવાદીઓ) ખરેખર આદર અને વફાદારીનું જીવન જીવતા ન હતા. તક મળે તો તેઓ તેમના ઉપરીની હત્યા કરીને તેનું પદ પચાવી પાડવા તૈયાર હતા."
સમુરાઈ પરિવારના ફરજંદ નાઈટોબે એવો દાવો પણ કર્યો હતો કે સમુરાઈનાં મૂલ્યોનું જાપાનમાં અનુસરણ કરવામાં આવતું હતું.
નાઈટોબે લખ્યું હતું કે "બુશિડોની ભાવના સમાજના દરેક વર્ગમાં પ્રસરી હતી." નાઈટોબના દાવાથી વિપરીત ઈદો કાળ (1603થી 1868) સુધીમાં તો સમુરાઈને તેમના વિશેષાધિકારોના દુરોપયોગ માટે બદનામ કરવાનું શરૂ થઈ ગયું હતું. બે શતાબ્દીની સામાજિક સ્થિરતાને કારણે માર્શલ આર્ટ્સમાંનું તેમનું કૌશલ્ય જીર્ણશીર્ણ થઈ ગયું હતું.

ખ્રિસ્તી નૈતિકતા જેવી મૂલ્યવ્યવસ્થા સાથે સરખાવવાનો પ્રયત્ન?

ઇમેજ સ્રોત, Print Collector/Getty
જોકે, આ પુસ્તક લખવા પાછળનો નાઈટોબનો હેતુ સમુરાઈનું ઐતિહાસિક રીતે ચોકસાઈભર્યું ચિત્ર પ્રસ્તુત કરવાનો નહીં, પણ જગતને એ દર્શાવવાનો હતો કે જાપાનમાં પણ ખ્રિસ્તી નૈતિકતા જેવી મૂલ્યવ્યવસ્થા હતી.
વાસ્તવમાં નાઈટોબે યુરોપિયન ફિલસુફી તથા સાહિત્યનો સંદર્ભ વારંવાર આપ્યો છે અને બુશિડોની સરખામણી યુરોપના શૂરવીરોની શિષ્ટતા સાથે કરી છે.
નાઈટોબે લખ્યું હતું કે "શિષ્ટતા એક પુષ્પ છે, જેનું મૂલ્ય જાપાનની માટી માટે તેના પ્રતીક ચેરી બ્લોસમથી જરાય ઓછું સ્વદેશી નથી."
સાલેરના જણાવ્યા મુજબ, નાઈટોબે સમુરાઈ તથા જાપાની લોકો માત્ર બહાદુર જ નહીં, પરંતુ સુસંસ્કૃત પણ હોય છે એવું ચરિત્ર ચિત્રણ કરીને વંશવાદના તથા પશ્ચિમના દેશોના ભયના પ્રતિકારનો પ્રયાસ કર્યો હતો.
પુસ્તકના પ્રકાશનનાં ચાર વર્ષ પહેલાં જ જાપાને ચીન સામેના 1894થી 1895 સુધીના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો.
એ લશ્કરી સફળતાને કારણે એ સમયની પશ્ચિમી સત્તાઓ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. એ પછી રશિયન અને જાપાનીઝ સામ્રાજ્ય વચ્ચેની 1904-05ની લડાઈમાં પણ જાપાને વિજય મેળવ્યો હતો.

હકારાત્મક ઇમેજ રચવાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, Hulton Archive/Getty
નાઈટોબના પુસ્તકનો હેતુ, જાપાન એક દિવસ યુરોપ માટે જોખમ બની જશે એવા ભયના પ્રતિકારનો અને "જાપાન લશ્કરી રીતે મજબૂત હોવાની સાથે એક સુસંસ્કૃત દેશ પણ છે, એવી અત્યંત હકારાત્મક ઇમેજ રચવાનો પણ હતો," એવું સાલેરે કહ્યું હતું.
ઇતિહાસકાર અને 'જાપાન 1941- સિવિલાઈઝ્ડ વે ઇન વૉર' નામના પુસ્તકના લેખક એરી હોત્તાના જણાવ્યા મુજબ, નાઈટોબનું પુસ્તક " જાપાનને પશ્ચિમના શ્રેષ્ઠ દેશોની લગોલગ મૂકવાનો પ્રયાસ હતું, જેથી તેઓ પણ વસાહતોની માલિકીનો દાવો કરી શકે."
'બુશિડોઃ ધ સૉલ ઑફ જાપાન' પુસ્તકને મળેલી ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા સૂચવે છે કે જાપાની મૂલ્યોના દસ્તાવેજીકરણમાં અને એ રીતે પશ્ચિમમાં જાપાનની ઇમેજ સુધારવામાં નાઈટોબ સફળ થયા હતા.
ચીન અને રશિયા સામેની લડાઈમાં વિજેતા બન્યા પછી જાપાન વિકસી રહ્યું હતું ત્યારે પ્રકાશિત થયેલા નાઈટોબના પુસ્તકને પશ્ચિમના દેશોમાં મોટો વાચકવર્ગ મળ્યો હતો. એ વાચકો જાપાનના આશ્ચર્યજનક ઉદયથી દિગ્મૂઢ થઈ ગયા હતા.
જુડોના શોધક જિગોરો કનો વિશેના પુસ્તક 'કનો ક્રૉનિકલ્સ'ના લેખક લાન્સ ગેટલિંગ કહે છે, "નાઈટોબનું પુસ્તક જાપાનની વધતી જતી શક્તિના સ્રોતનું પરિચાયક છે. એ જાપાની સંસ્કૃતિ વિશેનું પ્રથમ પશ્ચિમી પુસ્તક હતું અને તેનું જંગી પ્રમાણમાં વેચાણ થયું હતું."
પહેલી આવૃત્તિના માત્ર ચાર વર્ષ બાદ 1904માં છપાયેલી 'બુશિડોઃ ધ સૉલ ઑફ જાપાન'ની એક પ્રતિ લાન્સ ગેટલિંગને આર્કાન્સાસ પબ્લિક લાયબ્રેરીમાંથી મળી આવી હતી.
'બુશિડોઃ ધ સૉલ ઑફ જાપાન' પુસ્તકે એક નીતિસંહિતા તરીકે અમેરિકાના તત્કાલીન પ્રમુખ થીયોડોર રૂઝવેલ્ટનું ધ્યાન પણ આકર્ષિત કર્યું હતું. રાજદ્વારી અધિકારી અને રાજકારણી કાઉન્ટ કૅન્ટારો કનેકોને 1904ની 13 જુલાઈએ પાઠવેલા પત્રમાં રૂઝવેલ્ટે લખ્યું હતું, "બુશિડો વિશેના અત્યંત નાના પુસ્તકથી હું બહુ પ્રભાવિત થયો છું. સમુરાઈના મિજાજ બાબતે હું તેમાંથી ઘણું શિખ્યો છું."
'બૉય સ્કાઉટ્સ'ના સ્થાપક રૉબર્ટ બડેન-પોવેલે લખ્યું હતું કે બૉય સ્કાઉટ યોજનાનો ઉદ્દેશ "શૌર્યના કેટલાક જૂના નિયમોને પુનર્જીવિત કરવાનો હતો. તેમણે આપણા વંશના નૈતિક પોત માટે બહુ મોટું કામ કર્યું હતું. જે બુશિડોએ કર્યું હતું અને આજે પણ જાપાન માટે થઈ રહ્યું છે."
આ પુસ્તકને પરદેશમાં જોરદાર આવકાર મળ્યો હતો, પણ ઓલેગ બેનેશે તેમના પુસ્તક 'ઈન્વેન્ટિંગ ધ વે ઑફ ધ સમુરાઈ'માં જણાવ્યા મુજબ, જાપાનમાં બુશિડોની વ્યાપક ઝાટકણી કાઢવામાં આવી હતી.
એટલું જ નહીં, આ પુસ્તકની આંતરરાષ્ટ્રીય સફળતાની જાપાનમાં જોરદાર ઉજવણી પણ કરવામાં આવી હતી.
જાપાનની નૈતિક શુદ્ધતાએ તેને પશ્ચિમી વસાહતી રાષ્ટ્રોના વિશેષાધિકાર પ્રાપ્ત સમૂહમાં સ્થાન આપ્યું છે એવા વિચારનું આરોપણ કરીને નાઈટોબના પુસ્તકે "જાપાનીઓને એવું માનતા કરી દીધા હતા કે તેઓ તમામ શ્રેષ્ઠ મૂલ્યોના ઉત્તરાધિકારી છે અને તેમની પાસે ખોટાને સાચું કરવાની ક્ષમતા છે." એવું નોંધતાં એરી હોત્તાએ ઉમેર્યું હતું કે "જાપાનીઓની આત્મ-છબી માટે એ મહત્ત્વનું હતું."
જાપાનના સૈન્યવાદ સાથે જોડાયેલું બુશિડો બીજા વિશ્વયુદ્ધ પછી "લોકોના આક્રોશનું નિશાન" બન્યું હતું, એમ બેનેશે લખ્યું છે.
તાજેતરમાં બુશિડોમાં લોકોની રુચિ ફરી જોવા મળી છે અને 1980ના દાયકામાં જ્યારે વિશ્વ જાપાનની ઝડપી આર્થિક તથા ટેકનૉલૉજીકલ પ્રગતિને સમજવા ઇચ્છતું હતું ત્યારે નાઈટોબના પુસ્તકને ફરીવાર આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મળી હતી.
તાઇવાનના તાજેતરમાં અવસાન પામેલા પ્રમુખ લી તેંગ-હુએ તેમના 2006માં પ્રકાશિત સંસ્મરણમાં બુશિડોની યાદ જાપાની લોકોને ફરી અપાવી હતી.
બુશિડોનો પોતાનાં જીવન તથા વિચારધારા પર કેટલો મોટો પ્રભાવ પડ્યો હતો તેનું વિગતવાર આલેખન તેમણે તેમના સંસ્મરણમાં કર્યું છે.
આ પુસ્તકમાં થોડા-થોડા સમયે વાચકોની રુચિ મોટા પ્રમાણમાં જાગતી હોવા છતાં નાઈટોબ અને તેમનું બેસ્ટસેલર પુસ્તક બુશિડો જાપાનમાં ઘરેઘરે જાણીતું નામ નથી.
જાપાનમાં જે લોકોને નાઈટોબ યાદ છે તેમને પણ 1984થી 2004 સુધી યેનની ચલણી નોટ પર છાપવામાં આવેલા તેમના ચહેરાને કારણે જ યાદ છે.
તેમણે બીજા પ્રત્યે વિનમ્રતા, વ્યક્તિગત આદરનો આગ્રહ, આત્મ-નિયંત્રણ અને ઉચ્ચ સત્તાધારીઓ પ્રત્યેની વફાદારી જેવાં મૂલ્યોની ઓળખ બુશિડોના બોધ તરીકે કરી છે.

ઇમેજ સ્રોત, Print Collector/Getty
એ બધાં આજે પણ સુયોગ્ય વર્તન વિશેના જાપાની દૃષ્ટિકોણનું હાર્દ બની રહ્યાં છે.
બુશિડોના બોધને રમતમાં વ્યાપક રીતે સામેલ કરવામાં આવ્યો છે. જાપાનની રાષ્ટ્રીય બેઝબૉલ ટીમને 'સમુરાઈ જાપાન' એવું હુલામણું નામ આપવામાં આવ્યું છે, જ્યારે પુરુષોની રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમને 'સમુરાઈ બ્લૂ' કહેવામાં આવે છે.
ટોક્યોની તેઈક્યો હેસે યુનિવર્સિટીમાં આસિસ્ટંટ પ્રોફેસર તરીકે કાર્યરત યુકિકો યુઆસાના જણાવ્યા મુજબ, જાપાની સમાજમાં બુશિડો મૂલ્યોની વ્યાપકતાનું કારણ નાઈટોબના પુસ્તક નહીં, પણ કન્ફ્યુશિયસવાદના નિરંતર પ્રભાવનું પ્રતિબિંબ છે.
યુકિકો યુઆસા કહે છે, "નાઈટોબના પુસ્તકમાં જોવા મળતાં ઘણાં બૌદ્ધિક મૂલ્યો જાપાની વર્તન-વ્યવહારનો હિસ્સો છે. તેથી એ મૂલ્યો વિશે જાણવા માટે લોકોએ નાઈટોબનું પુસ્તક વાંચવું જરૂરી નથી."
તેમ છતાં નાઈટોબનું પુસ્તક બહારની દુનિયાને જાપાની સમાજનું હાર્દ બની રહેલાં મૂલ્યો વિશે માહિતગાર કરે છે.
વાસ્તવમાં 'બુશિડોઃ ધ સૉલ ઑફ જાપાન' પુસ્તક વિશ્વની જાપાન પ્રત્યેની સમજને આગામી ઘણાં વર્ષો સુધી આકાર આપતું રહેશે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












