નૂર ઇનાયત ખાન : 'ભારતની એ રાજકુમારી' કે જેમણે અંગ્રેજો માટે જાસૂસી કરી

ઇમેજ સ્રોત, SHRABANI BASU
નૂર ઇનાયત ખાન મૈસૂરના ટીપુ સુલતાનનાં વંશજ હતાં. એ જ ટીપુ સુલતાન કે જેમણે બ્રિટીશ શાસનની સામે ઝૂકવાનો ઇન્કાર કરી દીધો હતો.
ટીપુ સુલતાન 1799માં અંગ્રેજો વિરુદ્ધ લડાઈ દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
નૂરના અસ્તિત્વના આ પાસાને ધ્યાનમાં રાખતા એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ એક બ્રિટીશ જાસૂસ બની શકે! અને પોતાનાં મૃત્યુ બાદ એક વૉરહીરો?
તેમણે જીવન કઈ રીતે બદલ્યું હશે કે તેમનાં અંતિમ વર્ષો કઈ રીતે વીત્યાં હશે એ સમજવું મુશ્કેલ છે.
નૂરનાં જીવન પર 'ધ સ્પાઈ પ્રિન્સેસ : ધ લાઇફ ઑફ નૂર ઇનાયત ખાન' નામે પુસ્તક લખનારાં શ્રાવણી બાસુ કહે છે, "નૂરને સંગીત સાથે લગાવ હતો. તેઓ ગીત પણ લખતાં હતાં અને વીણા પણ વગાડતાં હતાં. તેમણે બાળકો માટે વાર્તાઓ પણ લખી હતી."

બ્રિટીશ સેના

ઇમેજ સ્રોત, SHRABANI BASU
નૂરનો જન્મ 1914માં મૉસ્કોમાં થયો હતો પરંતુ તેમનું લાલનપાલન ફ્રાન્સમાં થયું અને તેઓ બ્રિટનમાં.
તેમના પિતા ભારતીય હતા અને સુફી વિચારધારાને અનુસરતા હતા.
તેમનાં અમેરિકન માતાએ પણ બાદમાં સૂફી વિચારધારાને અપનાવી લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજા વિશ્વયુદ્ધના સમયથી આ પરિવાર પેરિસમાં રહેતો હતો. જોકે, જર્મનીના હુમલા બાદ તેમણે દેશ છોડવો પડ્યો હતો.
શ્રાવણી બસુ નૂર ઇનાયત ખાનની યાદમાં એક સંગઠન પણ ચલાવે છે.
તેમણે જણાવ્યું, "નૂર એક વૉલન્ટિયર તરીકે બ્રિટીશ સેનામાં સામેલ થયાં હતાં. તેઓ એ દેશની મદદ કરવા માગતાં હતાં જેણે તેમને અપનાવ્યાં હતાં. તેમનો ઉદ્દેશ ફાસીવાદ વિરુદ્ધ લડવાનો હતો."
તેમણે ઍરફોર્સના 'સહાયક મહિલા યૂનિટ'માં પ્રવેશ મેળવ્યો હતો. આ વર્ષ 1940ની વાત છે.
ફ્રેન્ચ બોલવામાં તેમની મહારતે સ્પેશિયલ ઑપરેશન એક્ઝિક્યૂટીવના સભ્યોનું ધ્યાન ખેંચ્યું હતું.
આ ગુપ્ત સંગઠનને બ્રિટીશ વડા પ્રધાન ચર્ચિલે બનાવ્યું હતું, જેનું કામ નાઝીના વિસ્તારવાદ દરમિયાન યૂરોપમાં દરોડા પાડવાની કાર્યવાહીને વધારવાનું હતું.

ગુપ્ત અભિયાન

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
માત્ર ત્રણ વર્ષની અંદર જ, એટલે કે 1943માં નૂર બ્રિટીશ સેનાનાં સિક્રેટ એજન્ટ બની ગયાં.
શ્રાવણી બસુ કહે છે કે નૂર એક સૂફી હતાં એટલે તેઓ હિંસામાં વિશ્વાસ રાખતાં ન હતાં પરંતુ તેમને ખબર હતી કે એ યુદ્ધને કેવી રીતે લડવું એની તેમને જાણ હતી.
નૂરની વિચારધારાના કારણે તેમના ઘણા સહયોગી એવું વિચારતા કે તેઓ ગુપ્ત અભિયાનો માટે યોગ્ય નથી.
આ મામલે તો તેમણે એવું પણ કહી દીધું કે 'હું ખોટું બોલી શકીશ નહીં.'
બસુ જણાવે છે, "આ વાત કોઈ એવા સિક્રેટ એજન્ટના જીવનનો ભાગ બની શકતી નથી જે પોતાના અસલી નામનો પણ ઉપયોગ ન કરે અને જેની પાસે એક નકલી પાસપોર્ટ હોય."

ખતરનાક ભૂમિકા

ઇમેજ સ્રોત, Horace Abrahams/Keystone/Getty Images
બ્રિટનની નેશનલ આર્કાઇવ્સના દસ્તાવેજો પ્રમાણે નૂરના ઉચ્ચાધિકારીઓને લાગતું હતું કે તેમની ભૂમિકા એક દૃઢ મહિલાની છે.
એટલે જ તેમને જે જવાબદારી સોંપવામાં આવી તે અત્યંત જોખમી હતી.
નૂરને એક રેડિયો ઑપરેટર તરીકે ટ્રેઇન કરવામાં આવ્યાં હતાં અને જૂન 1943માં તેમને ફ્રાન્સ મોકલી દેવાયાં.
આ પ્રકારનાં અભિયાનોમાં પકડાઈ જતા લોકો પર હંમેશાં માટે બંધક બવી જવાનો ખતરો તોળાતો રહે છે.
જર્મન સિક્રેટ પોલીસ 'ગેસ્ટાપો' તેમનાં દ્વારા ઉપયોગ કરાતાં ઇલેક્ટ્રૉનિક સિગ્નલોને ઓળખી શકે એમ હતી.
બસુનાં જણાવ્યા પ્રમાણે તેમની ખતરનાક ભૂમિકાને ધ્યાનમાં રાખીને ઘણા લોકો માનતા હતા કે ફ્રાન્સમાં તેઓ છ અઠવાડિયા કરતાં વધુ સમત જીવીત નહીં રહી શકે.
નૂર સાથે કામ કરી રહેલા બીજા એજન્ટોની જલદી ઓળખ કરી લેવામાં આવી.
તેમાંથી મોટાભાગના લોકોની ધરપકડ કરી લેવામાં આવી પરંતુ નૂર ભાગી જવામાં સફળ રહ્યાં.

દગાનો શિકાર

ઇમેજ સ્રોત, Keystone/Getty Images
જર્મન પોલીસની નાકની નીચે નૂરે ફ્રાન્સમાં પોતાનું અભિયાન ચાલુ રાખ્યું પરંતુ ઑક્ટોબર 1943માં નૂર દગાખોરીનો શિકાર બની ગયાં.
શ્રાવણી બસુ કહે છે, "તેમના કોઈ સહયોગીની બહેને જર્મનોની સામે તેમનું રહસ્ય જાહેર કરી નાખ્યું. તે છોકરી ઈર્ષાની શિકાર બની હતી કેમ કે નૂર સુંદર હતાં અને મોટાભાગના લોકો તેમને પસંદ કરતા હતા."
જર્મન પોલીસે એક ઍપાર્ટમૅન્ટમાંથી તેમની ધરપકડ કરી હતી. જોકે, નૂરે સહેલાઈથી આત્મસમર્પણ કર્યું નહોતું.
તેઓ લડ્યાં અને બસુનાં જણાવ્યા પ્રમાણે છ મજબૂત પોલીસ અધિકારીઓએ તેમનાં પર કાબૂ મેળવ્યો.
બે વખત તેમણે ભાગવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તેઓ સફળ થઈ શક્યાં નહીં.
જર્મન એજન્ટોએ બ્રિટીશ અભિયાન વિશે જાણકારી કઢાવવા માટે નૂર પર ખૂબ અત્યાચાર કર્યા.
શ્રાવણી બસુ જણાવે છે, "ઘણા પ્રયાસો છતાં તેઓ નૂરનું અસલી નામ પણ જાણી શક્યા નહીં. તેઓ એ ક્યારેય જાણી ન શક્યા કે નૂર મૂળ ભારતીય હતાં."

મહિલા જાસૂસ

ઇમેજ સ્રોત, Hulton Archive/Getty Images
નૂર પોતાની ડાયરી નષ્ટ નહોતાં કરી શક્યાં અને તેના આધારે જર્મનોએ કેટલાક બ્રિટીશ એજન્ટોની ધરપકડ કરી હતી.
કેદીના રૂપે એક વર્ષ વિતાવ્યાં બાદ તેમને દક્ષિણ જર્મનીની એક યાતના-શિબિરમાં મોકલી દેવાયાં જ્યાં તેમના પર ફરીથી અત્યાચારો ગુજારાયા.
આખરે નાઝીઓએ તેમને ત્રણ અન્ય મહિલા જાસૂસો સાથે ગોળી મારી દીધી. મૃત્યુ સમયે તેમની ઉંમર માત્ર 30 વર્ષ હતી.
આ ઘટનાના સાક્ષીઓનું કહેવું છે કે મૃત્યુવેળાએ તેમણે સ્વતંત્રતાનો નારો પોકાર્યો હતો.
નૂરની બહાદુરીને તેમનાં મૃત્યુ બાદ ફ્રાન્સમાં 'વૉર ક્રૉસ' આપીને સન્માનિત કરવામાં આવી.
બ્રિટનમાં તેમને 'ક્રૉસ સેન્ટ જ્યૉર્જ' આપવામાં આવ્યો. અત્યાર સુધી અન્ય ત્રણ મહિલાઓને જ આ સન્માન મળ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












