ભારત-ન્યૂઝીલૅન્ડ ફાઇનલ વિશે પાકિસ્તાનીઓ શું કહી રહ્યા છે?

બીબીસી ગુજરાતી ભારત ન્યૂઝીલૅન્ડ ક્રિકેટ ટી20 વર્લ્ડ કપ અમદાવાદ બુમરાહ સંજુ સૅમસન

ઇમેજ સ્રોત, Arun SANKAR / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, જસપ્રીત બુમરાહે સેમિફાઇનલમાં ચુસ્ત બૉલિંગ કરીને ભારતને જીતવામાં મદદ કરી.
વાંચવાનો સમય: 5 મિનિટ

સંજુ સેમસન - ટી20 વર્લ્ડકપની ચાર મૅચમાં 77.33ની ઍવરેજથી 232 રન, 201.74નો સ્ટ્રાઇક રેટ.

જસપ્રીત બુમરાહ - 15.9ની ઍવરેજથી સાત મૅચમાં 10 વિકેટ, 6.62ની ઇકૉનૉમી.

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપની ફાઇનલ મૅચ રમાશે.

પાકિસ્તાનના ક્રિકેટ વિશ્વમાં આ મૅચની જે ચર્ચા થાય છે તેમાં સૌથી વધારે ફૉકસ આ બે ખેલાડીઓ પર જ છે.

સમા ટીવીના એક કાર્યક્રમમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ બુમરાહના ભરપૂર વખાણ કર્યા હતા.

તેમણે કહ્યું કે, "બુમરાહ અલગ લીગના બૉલર છે. તેમની પાસે એટલી બધી સ્કિલ્સ છે કે તેઓ સારી બૉલિંગ કરવા માટે કોઈ પીચના મોહતાજ નથી."

બુમરાહની બૉલિંગમાં 'વિવિધતા'ના આફ્રિદી ચાહક છે.

તેમણે કહ્યું કે, "તેઓ દરેક પ્રકારની પીચ પર વિકેટ મેળવે છે. રેડ બૉલ, વ્હાઇટ બૉલ, દરેક પ્રકારના બૉલમાં કુશળ છે. તેઓ એક ઓવરમાં દરેક બૉલ અલગ-અલગ પ્રકારના ફેંકી શકે છે. તાજેતરના વર્ષોમાં મેં બુમરાહથી વધારે સારા યૉર્કર ફેંકતા કોઈને નથી જોયા."

આફ્રિદીનું કહેવું છે કે ફાઇનલમાં બુમરાહ એકદમ મહત્ત્વના ખેલાડી સાબિત થશે.

'સેમસન અને બુમરાહે ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું'

બીબીસી ગુજરાતી ભારત ન્યૂઝીલૅન્ડ ક્રિકેટ ટી20 વર્લ્ડ કપ અમદાવાદ બુમરાહ સંજુ સૅમસન

ઇમેજ સ્રોત, Alex Davidson-ICC/ICC via Getty Images

ઇમેજ કૅપ્શન, ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહનો દેખાવ બહુ સારો રહ્યો છે

પાકિસ્તાનના ફાસ્ટ બૉલર મોહમ્મદ આમિર, જસપ્રીત બુમરાહની સાથે સાથે સંજુ સેમસનને પણ ફાઇનલમાં ભારતના પ્રવેશ માટે શ્રેય આપે છે.

જિયો સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં મોહમ્મદ આમિરે કહ્યું કે, "ભારતને માત્ર સેમસન અને બુમરાહે સંભાળ્યું છે. તેમના આધારે જ ભારત ફાઇનલમાં પહોંચ્યું છે. હું તો આને ભારતની મોટી સિદ્ધિ કહીશ કે માત્ર બે ખેલાડીના જોરે તે ફાઇનલમાં પહોંચી ગયું."

સંજુ સેમસને વેસ્ટ ઇન્ડિઝ સામેની અત્યંત મહત્ત્વની મૅચમાં અણનમ 97 રન બનાવીને ભારતને સેમિફાઇનલમાં પહોંચાડ્યું.

ત્યાર પછી સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે 89 રન બનાવીને ભારતને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું.

બુમરાહે સમગ્ર ટુર્નામેન્ટમાં જબ્બરજસ્ત બૉલિંગ કરી. તેમણે વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે બધા ભારતીય બૉલરો ફ્લૉપ જતા હતા, ત્યારે બુમરાહે ચુસ્ત બૉલિંગ કરીને ઈંગ્લૅન્ડને રન બનાવતા રોક્યું.

ઇંગ્લૅન્ડની ઇનિંગમાં બુમરાહે ફેંકેલી 18મી ઓવરની ખૂબ ચર્ચા થઈ રહી છે જેમાં તેમણે ફક્ત છ રન આપ્યા હતા.

આ ઓવર જ મહત્ત્વની સાબિત થઈ કારણ કે હાઇ સ્કોરિંગ મૅચમાં ભારતે માત્ર સાત રનથી જીત મેળવી હતી.

મોહમ્મદ આમિરે બુમરાહનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા બદલ ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવના પણ વખાણ કર્યા.

એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે કહ્યું કે, "સેમસન છેલ્લા ઘણા વર્ષોથી સીનમાં છે. પરંતુ ધોની, દિનેશ કાર્તિક અને બીજા વિકેટકીપરોના કારણે તેમને ટીમમાં જગ્યા મળતી ન હતી. આ વખતે ગૌતમ ગંભીર લડીને તેમને ટીમમાં લઈ આવ્યા છે."

ફાઇનલમાં કોનું પલડું ભારે?

બીબીસી ગુજરાતી ભારત ન્યૂઝીલૅન્ડ ક્રિકેટ ટી20 વર્લ્ડ કપ અમદાવાદ બુમરાહ સંજુ સૅમસન

ઇમેજ સ્રોત, MB Media/Getty Image

ઇમેજ કૅપ્શન, ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓ વધારે સાતત્યપૂર્વક રન બનાવે છે અને આક્રમક ફટકાબાજી કરે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોહમ્મદ આમિરનું કહેવું છે કે ફાઇનલમાં ભારત સામે ન્યૂઝીલૅન્ડનું પલડું ભારે છે.

તેમણે કહ્યું કે, "એક ટીમ તરીકે ન્યૂઝીલૅન્ડ બહેતર છે, કારણ કે ભારત માત્ર સંજુ સેમસન અને બુમરાહ પર પર આધાર રાખે છે, જ્યારે ન્યૂઝીલૅન્ડની ટીમ એક યુનિટ તરીકે રમે છે. તેમના ઘણા બધા ખેલાડીઓ એક સાથે પિક પર છે."

આમિરના કહેવા મુજબ ફિન ઍલન, ડેરિલ મિચેલ, રચિન રવીન્દ્ર, ડેવન કૉનવે જેવા બૅટ્સમૅન ન્યૂઝીલૅન્ડની બૅટિંગને મજબૂતી આપે છે. જ્યારે મિચેલ સૅન્ટનર, ઇશ સોઢી અને લૉકી ફર્ગ્યુસન બૉલિંગમાં વૈવિધ્ય લાવે છે.

પરંતુ આ જ પ્રોગ્રામમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર રશીદ લતીફે આ મૅચમાં ભારતનું પલડું ભારે છે એમ કહ્યું.

તેમણે જણાવ્યું કે, "ઇંગ્લૅન્ડ સામે ડેથ ઓવર્સમાં ભારતીય બૉલરોએ દબાણ વચ્ચે પણ સારી બૉલિંગ કરી હતી. ભારતના બૉલરો બુમરાહની આગેવાનીમાં ડ્યૂ ફેક્ટર હોવા છતાં સારી બૉલિંગ કરી રહ્યા છે. જોકે, ન્યૂઝીલૅન્ડના ઓપનર અને મિડલ ઑર્ડર પણ ફૉર્મમાં છે. પરંતુ મને ભારતીય ટીમ ભારે પડતી હોય તેમ લાગે છે."

જિયો સ્પૉર્ટ્સના આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સિકંદર બખ્ત પણ સામેલ હતા.

તેમણે કહ્યું કે હાર્દિક પંડ્યા જેવા ઑલરાઉન્ડરના કારણે ભારતને મજબૂતી મળે છે. તેઓ બૅટિંગની સાથે સાથે મહત્ત્વની ક્ષણે સારી બૉલિંગ કરીને પણ ભારતને જીતાડી શકે છે.

સિકંદર બખ્તે કહ્યું કે, "પાકિસ્તાનના જેટલા ઑલરાઉન્ડરો છે, તેમણે પંડ્યા પાસેથી શીખવું જોઈએ."

બીબીસી ગુજરાતી ભારત ન્યૂઝીલૅન્ડ ક્રિકેટ ટી20 વર્લ્ડ કપ અમદાવાદ બુમરાહ સંજુ સૅમસન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર સુનીલ ગાવસ્કર માને છે કે ફાઇનલ મૅચ જબ્બરજસ્ત રહેશે.

પાકિસ્તાની ક્રિકેટર અહમદ શહઝાદે કહ્યું કે સંજુ સેમસન, બુમરાહ વગેરેની તો બધા વાત કરે છે, પરંતુ શિવમ દુબે જેવા ખેલાડીની પણ ઉપેક્ષા કરવી ન જોઈએ. તેઓ અનસંગ હીરો છે. સતત વિકેટો પડવા છતાં તેઓ રનની ગતિને ધીમી પડવા નથી દેતા.

અહમદ શહઝાદે એમ પણ કહ્યું, "જો ન્યૂઝીલૅન્ડની ટીમ હારી જાય, તો સાઉથ આફ્રિકાના બદલે તેમને ચૉકર્સનું ટૅગ મળવું જોઈએ."

તેમણે કહ્યું કે "આઇસીસીની ટુર્નામેન્ટના ફાઇનલમાં આટલી બધી વખત પહોંચવા છતાં તેઓ જીતી ન શકે, તો તેઓ ખરેખર ચૉકર્સના ટૅગના હકદાર છે."

મોહમ્મદ આમિરે ન્યૂઝીલૅન્ડને સલાહ આપી કે "તેમણે એક ઍક્સ્ટ્રા સીમર રાખવા જોઈએ, કારણ કે અભિષેક શર્મા અને સંજુ સેમસન સહિત મોટા ભાગના ભારતીય બૅટ્સમૅનને સીમર સામે તકલીફ પડે છે."

'લિટલ માસ્ટર' તરીકે જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર સુનીલ ગાવસ્કરે કહ્યું કે, "ન્યૂઝીલૅન્ડ જોરદાર રમ્યું છે અને ભારત બે-ત્રણ ક્લોઝ મૅચ જીત્યું છે જે ભારતના પક્ષમાં જશે. તેથી આ મૅચ જબ્બરજસ્ત રહેશે. આશા રાખું કે ભારત ઇતિહાસ બદલશે અને રિપિટ પણ કરશે."

ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે કહ્યું કે, "અભિષેક શર્મા ફાઇનલમાં સફળ જશે એવી અપેક્ષા રાખું છું."

'વરુણ કરતાં કુલદીપ વધુ યોગ્ય'

બીબીસી ગુજરાતી ભારત ન્યૂઝીલૅન્ડ ક્રિકેટ ટી20 વર્લ્ડ કપ અમદાવાદ બુમરાહ સંજુ સૅમસન

ઇમેજ સ્રોત, FADEL SENNA/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતને એવા બૉલરની જરૂર છે જે ઓછા રન આપે અને વધારે વિકેટો ઝડપી શકે. કુલદીપ તેમાં બંધ બેસી શકે છે.

મોહમ્મદ આમિર અને અહમદ શહઝાદ બંને માને છે કે ભારતે આ મૅચ જીતવી હોય તો તેમણે વરુણ ચક્રવર્તીની જગ્યાએ કુલદીપ યાદવ પર દાવ લગાવવો જોઈએ.

આમિર કહે છે કુલદીપ વિકેટ લેવાની કાબેલિયત ધરાવે છે. મારા હિસાબથી તેમને ફાઇનલમાં તક આપવી જોઈએ.

અહમદ શહઝાદ પણ કહે છે કે વરુણની જગ્યાએ કુલદીપ યાદવને સમાવવા જોઈએ.

ઇંગ્લૅન્ડ સામે સેમિફાઇનલમાં વરુણ મોંઘા સાબિત થયા હતા. તેમણે ચાર ઓવરમાં 64 રન આપીને માત્ર એક વિકેટ મેળવી હતી.

ફાઇનલની મૅચ અગાઉ પત્રકારપરિષદમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું કે તેઓ વરુણના પ્રદર્શનથી ચિંતિત છે કે નહીં?

ત્યારે તેમણે કહ્યું કે "અમને બિલકુલ ચિંતા નથી. અમે છેલ્લી મૅચ જીતી ગયા હતા. મૅચ જીતી જઈએ, તો અમને ફરક નથી પડતો. દરેક ખેલાડીનો દિવસ ઉપરનીચે થાય છે. જ્યારે કોઈ ખેલાડી ન ચાલે, ત્યારે બીજા તેને સરભર કરી લે છે."

જ્યારે ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન મિચેલ સૅંટનરને ભારતના હોમ ઍડવાન્ટેજ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે "અમારું લક્ષ્ય રહેશે દર્શકોને ચૂપ કરી દેવા."

તેમણે એમ પણ કહ્યું કે ટ્રૉફી જીતવા માટે ભારતીય ચાહકોનું દિલ તોડવું તેમને કબૂલ છે.

સૂર્યકુમાર યાદવે સૅંટનરના નિવેદન વિશે કહ્યું કે "અમે બિલકુલ દબાણમાં નથી. ખુશ છીએ. રિલેક્સ્ડ છીએ. ઘરેલુ મેદાન છે. સારું સ્ટેડિયમ છે. અમે સારું રમીશું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન