India Vs NZ: એ ત્રણ સ્ટ્રેટેજી, જેના થકી ભારતે ત્રીજી વખત ટી20 વર્લ્ડકપ જીતી લીધો

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપની ફાઇનલ મૅચ રમાઈ હતી. જેમાં ભારતનો 96 રને વિજય થયો છે. ન્યૂઝીલૅન્ડની ટીમે ટૉસ જીતીને ભારતની ટીમે બૅટિંગ કરવા માટે કહ્યું હતું.
જોકે, આ નિર્ણય મોંઘો સાબિત થયો હતો. ભારતના બલ્લેબાજોએ ન્યૂઝીલૅન્ડના ફિલ્ડરોને દોડતા રાખ્યા હતા અને 20 ઓવરના અંતે 255 રન બનાવ્યા હતા.
પીચની પરિસ્થિતિને જોતાં બીજા ક્રમાંકે બૅટિંગ કરનારી ટીમ પણ 'રનોની આતશબાજી' કરી શકે એમ હતી અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સાતત્યપૂર્ણ દેખાવ કરનારી મહેમાન ટીમ પાસેથી એવી જ અપેક્ષા રાખવામાં આવતી હતી.
જોકે, તેઓ ફરી એક વખત 'ચૉકર' સાબિત થયા હતા અને ફાઇનલ જેવી મહત્ત્વપૂર્ણમાં ટ્રૉફી હાથમાં આવતાં-આવતાં રહી ગઈ હતી. ન્યૂઝીલૅન્ડની ટીમ 19 ઓવરમાં 159 રન બનાવીને ઑલ-આઉટ થઈ ગઈ હતી.
ટુર્નામેન્ટ દરમિયાન અભિષેક શર્માના ફૉર્મ ઉપર સવાલ ઊઠતા રહ્યા હતા, તેમણે ટીકાકારોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. તો સંજુ સેમસનની ટીમમાં હાજરી ફરી એક વખત ક્રિકેટચાહકો માટે રનોનો વરસાદ લાવી હતી.
ન્યૂઝીલૅન્ડની ટીમ મોટા સ્કોરના મનોવૈજ્ઞાનિક દબાણ હેઠળ હતી. આ પ્રેશર વધારવાનું કામ ગુજરાતી બૉલરોની જોડીએ કર્યું હતું અને એક તબક્કે મૅચ 'એકતરફી' બની ગઈ હતી.
કોઈ વિજેતા ટીમ ક્યારેય બીજી આવૃત્તિમાં ફાઇનલમાં પહોંચી ન હતી. જોકે, રવિવારે ભારતની ટીમ ન કેવળ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટી20 વર્લ્ડકપ પણ જીત્યો હતો.
પાવરપ્લૅથી પાવરફૂલ શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા કેટલાક મૅચોનું સરવૈયું કાઠીએ તો ભારતની ટીમ આ ફૉર્મેટમાં શરૂઆતમાં વિકેટો ગુમાવી દેતી હતી, જેના કારણે પાવર-પ્લૅની મહત્ત્વપૂર્ણ ઓવર દરમિયાન સ્કોરબોર્ડ સતત ફરતું નહોતું રહેતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જેના કારણે બૅટ્સમૅનો ઉપર દબાણ આવી જતું હતું. રવિવારે સંજુ સેમસને ભારતીય ઇનિંગની શરૂઆત કરી હતી અને પહેલી ઓવરના ચાર બૉલ ખાલી ગયા હતા. જોકે, પાંચમો બૉલ સેમસને હવામાં જ બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો હતો.
આમ છગ્ગાથી ખાતું ખોલાવીને સંજુએ પોતે આ મહત્ત્વપૂર્ણ મૅચમાં શું કરવા માંગે છે તેના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા.
0,0,0,15,55,10 અને નવ. રવિવારની મૅચ પહેલાં વર્લ્ડકપ દરમિયાન અભિષેક શર્માનું આ પ્રદર્શન હતું. જોકે, રવિવારની મૅચમાં તેમણે ફૉર્મમાં ચાલી રહેલાં સંજુ સેમસનને સાથ આપ્યો હતો.
જેના કારણે પાવરપ્લૅના અંતે ભારતનો સ્કોર 92 રન ઉપર પહોંચી ગયો હતો. અને અભિષેક શર્માના સ્વરૂપે પહેલી વિકેટ પડી, ત્યારે 98 રન હતો.
અભિષેક શર્મા 52 રન (21 બૉલ, છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા) બનાવીને આઉટ થયા હતા.
સંજુ સેમસને ફરી એક વખત પોતાની હાજરી સાબિત કરી હતી. તેમણે 46 બૉલમાં 89 રન (પાંચ ચોગ્ગા, આઠ છગ્ગા) બનાવ્યા હતા.
વર્લ્ડકપ દરમિયાન સાતત્યપૂર્ણ પ્રદર્શન કરનારા ઇશાન કિશન 24 બૉલમાં 54 રન બનાવ્યા હતા. જેમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ હતા.
આ સિવાય સૂર્યકુમાર યાદવ શૂન્ય રને અને હાર્દિક પંડ્યા 18 રને (13 બૉલ) આઉટ થયા હતા.
છેલ્લી ઓવરમાં શિવમ દુબેની બૅટિંગે રંગ રાખ્યો હતો, તેમણે ત્રણ વિકેટ લેનાર જૅમ્સ નિશમની ઓવરમાં 24 રન લીધા હતા.
દુબે 26 રન (આઠ બૉલ) અને તિલક વર્મા આઠ રન (છ બૉલ) સાથે અણનમ રહ્યા હતા. આમ 20 ઓવરના અંતે ભારતનો સ્કોર 255 રન પર પહોંચી ગયો હતો.
બુમરાહના નેતૃત્વમાં ગુજરાતી બૉલરોનું આક્રમણ

ઇમેજ સ્રોત, Getty Images
અર્શદીપસિંહે ભારત તરફથી બૉલિંગ આક્રમણની શરૂઆત કરી હતી. પહેલી ઓવરના પાંચમા બૉલે શિવમ દુબેથી ન્યૂઝીલૅન્ડની ટીમના બૅટ્સમૅન ફિન એલનનો કૅચ છૂટ્યો હતો.
જોકે, ફિન આ જીવતદાનનો ખાસ લાભ લઈ શક્યા ન હતા. અક્ષર પટેલની પહેલી ઓવરના ચોથા બૉલને ફિન એલને હવામાં ઊછાળ્યો હતો. જોકે, બાઉન્ડ્રી પહેલાં જ તિલક વર્માએ આ કૅચ પકડી લીધો હતો.
ફાઇનલ મૅચ પહેલાં ભારતીય ટીમના ઉપ-કપ્તાન અક્ષર પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું, "હોમગ્રાઉન્ડ પર આટલી મોટી મૅચ અમે રમીએ તે માટે હું ઘણાં વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. હું બે-ત્રણ વર્ષથી હોમગ્રાઉન્ડ પર રમ્યો નથી."
આ વાત ફરીથી અક્ષર સાબિત કરવાના હતા. પાંચમી ઓવરના પાંચમા બૉલે ગ્લેન ફિલિપ્સ બૉલ્ડ થઈ ગયા હતા. ત્યારે મહેમાન ટીમનો સ્કોર 47 રન હતો.
પ્રારંભિક વિકેટો પડવાને કારણે તથા ભારતીય બૉલરોની ચુસ્ત બૉલિંગને કારણે પાવરપ્લૅ દરમિયાન ન્યૂઝીલૅન્ડની ટીમનો સ્કોર ત્રણ વિકેટના ભોગે 52 રન થયો હતો. આ તબક્કે ભારત એક પણ વિકેટ ગુમાવ્યા વગર 92 રનના સ્કોર ઉપર હતું.
આ પહેલાં ચોથી ઓવરમાં જસપ્રીત બુમરાહે ચોથી ઓવરના પહેલા જ બૉલે રચિન રવિન્દ્રને પેવોલિયન ભેગા કરી દીધા હતા. ઇશાન કિશને તેમનો કૅચ લીધો હતો. રચિન ન્યૂઝીલૅન્ડની ટીમના સ્કોરમાં માત્ર એક રનનો જ ફાળો આપી શક્યા હતા.
આઠમી ઓવરમાં હાર્દિક પંડ્યાએ માર્ક ચૅપમૅનને ત્રણ રને બૉલ્ડ કર્યા હતા. માર્કે આઠ આટલો સ્કોર બનાવવા માટે આઠ બૉલ વાપર્યા હતા.
ઓપનર ટિમ સાઇફર્ટે એક છેડો સાચવી રાખ્યો હતો અને સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું. જોકે, હવે આક્રમણ કરવાનો વારો વરુણ ચક્રવર્તીનો હતો.
નવમી ઓવરના પહેલા બૉલે તેમણે ટિમ સાઇફર્ટને 52 રને (26 બૉલ) આઉટ કર્યા હતા ટિમ સાઇફર્ટની આક્રમકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે બે ચોગ્ગા, જ્યારે પાંચ છગ્ગા માર્યા હતા.
ડેરી મિચેલે બે છગ્ગા સાથે 11 બૉલમાં 17 રન બનાવ્યા હતા. તેઓ વધુ જોખમી બને તે પહેલાં અક્ષર પટેલના બૉલ પર ઇશાન કિશનના હાથે કૅચ આઉટ થઈ ગયા હતા.
ડેથ ઓવરમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવે બૉલ જસપ્રીત બુમરાહને સોંપ્યો હતો. અને જસપ્રીતે સાબિત કર્યુ હતું કે આ તેમની 'હોમ પીચ' છે. 16મી ઓવરના ત્રીજા અને ચોથા બૉલે તેમણે અનુક્રમે જૅમ્સ નિશમ તથા મૅટ હૅન્રીને પેવોલિયન ભેગા કર્યા હતા.
એ પછી અઢારમી ઓવરમાં બુમરાહે કૅપ્ટન મિચેલ સૅંટનરને બૉલ્ડ કર્યા હતા. દબાણ છતાં મિચેલે કપ્તાની ઇનિંગ રમી હતી અને બે છગ્ગા તથા ત્રણ ચોગ્ગા સાથે 35 બૉલમાં 43 રન બનાવ્યા હતા.
જેકબ ડફી સ્વરૂપે અભિષેક શર્માને એક સફળતા મળી હતી. ડફીએ પાંચ બૉલમાં ત્રણ રન બનાવ્યા હતા
ઇશાન કિશનની આક્રમક ઇનિંગ અને....

ઇમેજ સ્રોત, Reuters
18મી ઓવરમાં આઠ વિકેટ પડી ગઈ હતી અને જરૂરી રનરેટ 36 પર પહોંચી ગઈ હતી. મતલબ કે ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓએ દરેક બૉલે છગ્ગા મારવાના હતા.
વ્યવહારુ દૃષ્ટિએ આ શક્ય ન હતું, એટલે ન કેવળ સ્ટેડિયમમાં પરંતુ બહાર પણ ભારતના ક્રિકેટ રસિકોએ ફરી એક વખત 'ટી20 વર્લ્ડ ચૅમ્પિયન' બનવાની ઊજવણી શરૂ કરી દીધી હતી.
જોકે, ટીમને આ પરિસ્થિતિમાં લાવવામાં થોડો ફાળો ઇશાન કિશનનો પણ હતો. ખાસ્સા સમયથી ટીમની બહાર રહેલા ઇશાન કિશને તાજેતરની મૅચોમાં પોતાના ફૉર્મના જોરે વર્લ્ડકપની ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું.
તેમણે ટુર્નામેન્ટ દરમિયાન સાતત્યપૂર્ણ પ્રદર્શન કરીને ફાઇનલ સુધી પહોંચાડી હતી. અભિષેક શર્મા આઉટ થયા પછી ઇશાન કિશન મેદાન ઉપર આવ્યા હતા.
ઇશાન કિશને ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 25 બૉલમાં 54 રન બનાવ્યા હતા. જૅમ્સ નિશમે ફેંકેલા બૉલ ઉપર સબસિટ્યૂટ પ્લેયરના હાથે તેઓ કૅચ આઉટ થયા હતા.
બૅટિંગ બાદ તેઓ ફિલ્ડિંગથી પણ ટીમના વિજયમાં પોતાનો ફાળો આપવાના હતા. તેમણે વરૂણ ચક્રવર્તીના બૉલ ઉપર ટિમ સાઇફર્ટને કૅચ આઉટ કર્યા હતા.
સામે છેડે વિકેટ પડી રહી હોવા છતાં ટિમે સ્કોર (26 બૉલમાં 52 પન) બોર્ડને ફરતું રાખ્યું હતું. ટિમે બૉલને પાંચ વખત હવામાં બાઉન્ડ્રી બહાર મોકલ્યો હતો. જ્યારે બે ચોગ્ગા માર્યા હતા. આ કૅચે દર્શકોના શ્વાસ અદ્ધર કરી દીધા હતા.
એ પછી ટોપીને કારણે રચિન રવિન્દ્રનનો કૅચ પકડવામાં મુશ્કેલી થઈ, પરંતુ બૉલને જકડી રાખ્યો હતો. આ બૉલ જસપ્રીત બુમરાહે ફેંક્યો હતો. રચિને બે બૉલમાં એક રન બનાવ્યો હતો.
ડૅરિલ મિચેલ આક્રમક બનીને ભારતના વિજય આડે આવે એ પહેલાં ઇશાને તેમનો કૅચ લીધો. આ બૉલ અક્ષર પટેલે ફેંક્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન











