આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે, કેમ આ દિવસ મહત્ત્વનો છે?

International Women's day 2025, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, મહિલાઓ, સમાનતા, હક્ક, અધિકાર, મહિલા અધિકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2024ના ગ્લૉબલ જૅન્ડર ગૅપ ઇન્ડેક્સ પ્રમાણે વિશ્વમાં એવો એક પણ દેશ નથી કે જે સંપૂર્ણપણે લૈંગિક સમાનતા હાંસલ કરી હોય

સદી કરતાં પણ વધુ સમયથી વિશ્વભરના લોકો આઠમી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે.

આ એક વૈશ્વિક દિવસ છે જેમાં મહિલાઓએ મેળવેલી સફળતાને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને તેની ઉજવણી કરવામાં આવે છે. તથા આ દિવસે લૈંગિક સમાનતા અને ભેદભાવ અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવે છે.

પરંતુ આ દિવસ કેમ અગત્યનો છે?

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત ક્યારથી થઈ?

International Women's day 2025, ક્લેરા ઝેટકિન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, મહિલાઓ, સમાનતા, હક્ક, અધિકાર, મહિલા અધિકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images/TOPICAL PRESS AGENCY

ઇમેજ કૅપ્શન, ક્લૅરા ઝૅટકિને 1910માં આ દિવસ ઉજવવાનો વિચાર વ્યક્ત કર્યો હતો

શ્રમિક ચળવળમાંથી શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સ્વીકૃત વાર્ષિક ઘટના છે.

1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂયૉર્ક સિટીમાં કૂચ કરી, ત્યારે આ દિવસનું બીજ રોપાયું હતું.

એ દિવસે એક વર્ષ પછી અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની જાહેરાત કરી હતી.

એ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો આઇડિયા ક્લૅરા ઝૅટકિન નામનાં મહિલાનો હતો. 1910માં કૉપનહેગનમાં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં ક્લૅરાએ આ વિચાર રજૂ કર્યો હતો.

એ કૉન્ફરસન્માં હાજર રહેલાં 17 દેશોનાં 100 મહિલાઓએ તે વિચારનો સર્વાનુમતે સ્વીકાર કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌથી પહેલાં 1911માં ઑસ્ટ્રિયા, ડૅન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં કરવામાં આવી હતી. આ દિવસની શતાબ્દીની ઉજવણી 2011માં કરવામાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘે 1977માં ઉજવણી શરૂ કરી ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને સત્તાવાર સ્વરૂપ મળ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે 1996માં અપનાવેલી આ દિવસની સૌપ્રથમ થીમ હતીઃ 'અતીતનો ઉત્સવ, ભાવિનું આયોજન.'

શા માટે આઠમી માર્ચના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે?

ક્લૅરાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે કોઈ તારીખ નક્કી કરી ન હતી.

1917માં યુદ્ધ સમયની રશિયન મહિલાઓની 'ભોજન અને શાંતિ'ની માગણી સાથેની હડતાળ સુધી આ દિવસનો ઔપચારિક અમલ શરૂ થયો ન હતો.

રશિયાની મહિલાઓની ચાર દિવસની હડતાળને કારણે ઝારે પદ ત્યાગવું પડ્યું હતું અને વચગાળાની સરકારે મહિલાઓને મતાધિકાર આપવો પડ્યો હતો.

રશિયામાં ત્યારે જુલિયન કેલેન્ડરનો અમલ થતો હતો. મહિલાઓની હડતાળ શરૂ થઈ ત્યારે જુલિયન કેલેન્ડરમાં 23 ફેબ્રુઆરી અને રવિવાર હતો. ગ્રૅગોરિયન કેલેન્ડરમાં એ 8 માર્ચનો દિવસ હતો. તેથી 8 માર્ચે ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વભરમાં મહિલા દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

International Women's day 2025, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, મહિલાઓ, સમાનતા, હક્ક, અધિકાર, મહિલા અધિકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇટાલીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અથવા લા ફેસ્ટા ડેલ્લા ડોન્નાની ઉજવણી મિમોસા બ્લૉસમ આપીને કરવામાં આવે છે. આ પરંપરાના પ્રારંભનું મૂળ અસ્પષ્ટ છે, પણ તેની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ પછી રોમમાં થઈ હોવાનું માનવામાં આવે છે.

રશિયા સહિતના અનેક દેશોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાષ્ટ્રીય રજા હોય છે. ત્યાં આઠ માર્ચની આજુબાજુના ત્રણથી ચાર દિવસોમાં ફૂલોનું વેચાણ બમણું થઈ જાય છે.

ચીનમાં સ્ટેટ કાઉન્સિલની ભલામણ અનુસાર, 8 માર્ચે ઘણી મહિલાઓને અડધા દિવસની રજા આપવામાં આવે છે, પણ અનેક માલિકો મહિલા કર્મચારીઓને આ રજાનો લાભ આપતા નથી.

અમેરિકામાં માર્ચ મહિનો મહિલાઓના ઇતિહાસનો મહિનો હોય છે. અમેરિકન મહિલાઓની સિદ્ધિને દર વર્ષે રાષ્ટ્રપ્રમુખની ઘોષણા દ્વારા બિરદાવવામાં આવે છે.

સર્બિયા, અલ્બાનિયા, મૅસેડોનિયા અને ઉઝબેકિસ્તાન જેવા દેશોમાં મધર્સ ડે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એક જ દિવસે આવે છે.

જાંબલી રંગ સાથે શું સંબંધ છે?

International Women's day 2025, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, મહિલાઓ, સમાનતા, હક્ક, અધિકાર, મહિલા અધિકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માડાગાસ્કર અને નેપાળે આ દિવસે મહિલાઓ માટે રજાની જાહેરાત કરી છે

ઇન્ટરનૅશનલ વીમેન્સ ડે વેબસાઈટ અનુસાર, જાંબલી, લીલો અને સફેદ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રંગો છે.

તેના અનુસાર, "જાંબલી એ ન્યાય અને ગૌરવનું પ્રતીક છે. લીલો રંગ આશાનું પ્રતીક છે જ્યારે સફેદ રંગ શુદ્ધતાનુ પ્રતીક છે."

આ રંગો વીમેન્સ સોશિયલ ઍન્ડ પોલિટિકલ યુનિયન (WSPU) દ્વારા વાપરવામાં આવતા હતા. આ જૂથની સ્થાપના યુકેમાં 1903માં મહિલા મતાધિકાર માટેની લડાઈ દરમિયાન થઈ હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ- 2025ની થીમ શું છે?

યુનાઇટેડ નેશન્સે આ વર્ષે "તમામ મહિલાઓ અને બાળકીઓ માટે: હક્ક, સમાનતા અને સશક્તિકરણ" એવી થીમ રાખી છે. જેનો હેતુ આગામી પેઢીને ટકાઉ પરિવર્તન માટે ઉદ્દીપક તરીકે સશક્ત કરવાનો છે.

ઇન્ટરનૅશનલ વીમેન્સ ડે વેબસાઈટે તેની થીમ #AccelerateAction રાખી છે.

આ સંસ્થાએ સમગ્ર વિશ્વના લોકોને આ દિવસે મહિલાઓને લગતાં હકારાત્મક અને પ્રેરણાત્મક સંદેશ ફેલાવવા #IWD2025 અને #AccelerateAction વાપરવાનું કહ્યું છે.

શા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જરૂરી છે?

International Women's day 2025, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, મહિલાઓ, સમાનતા, હક્ક, અધિકાર, મહિલા અધિકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 1909માં વીમેન્સ સોશિયલ ઍન્ડ પોલિટિકલ યુનિયને જાહેર કરેલો મેડલ, આ જૂથ બ્રિટનમાં મહિલાઓ માટે મતાધિકારની લડાઈ ચલાવી હતી.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આયોજકો કહે છે કે આ દિવસ એ લૈંગિક સમાનતા તરફ લોકોને હાકલ કરે છે.

પણ હજુ આ દિશામાં કેટલું કામ કરવાનું બાકી છે?

ડેટા પર નજર ફેરવીએ તો યુનાઇટેડ નેશન્સે જાતીય હિંસામાં 3688 કેસનો વધારો નોંધ્યો છે. જે 2022ની સરખામણીએ 50 ટકા વધારે છે.

તેમાં 95 ટકા પીડિતો મહિલાઓ અને બાળકીઓ છે.

યુનિસેફ પ્રમાણે અંદાજે શાળાએ જવાની ઉંમર હોય તેવી 11.9 કરોડ બાળકીઓ શાળાએ જઈ શકતી નથી.

2024નો વર્લ્ડ બૅન્કનો ગ્રૂપ રિપોર્ટ નોંધે છે કે પુરુષોને જેટલા કાયદાકીય અધિકારો મળે છે તેની સરખામણીએ મહિલાઓને માત્ર બે તૃતીયાંશ અધિકારો જ મળે છે.

'બીબીસી 100 વીમેને' તારણ કાઢ્યું હતું કે 2024માં વિશ્વની અંદાજે અડધી વસ્તીમાં (3.6 અબજ વસ્તીમાં) ચૂંટણી થઈ હતી. પરંતુ મહિલાઓની ભાગીદારીમાં વૈશ્વિક સ્તરે છેલ્લાં 20 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો વધારો થયો હતો.

યુએન વીમેન્સ 2024 જૅન્ડર સ્નેપશોટ દર્શાવે છે કે હજુ પણ વિશ્વની તમામ મહિલાઓ અને બાળકીઓને ગરીબીમાંથી બહાર કાઢવા માટે 137 વર્ષનો સમય લાગશે.

2023ના આંકડા જોઈએ તો જેમની ઉંમર 20-24 વર્ષની હોય તેવી દર પાંચ મહિલાઓમાંથી એકનાં 18 વર્ષ પહેલાં જ લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.

વૈશ્વિક સ્તરે 2023 દરમિયાન 51100 મહિલાઓ કે કિશોરીઓની તેમના પતિ, પાર્ટનર કે અન્ય પરિવારજનો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પણ હોય છે?

હા. આ દિવસ 19 નવેમ્બરે હોય છે અને તેની ઉજવણી 1990ના દાયકાથી કરવામાં આવે છે પણ સંયુક્ત રાષ્ટ્રસંઘે તેને સત્તાવાર માન્યતા આપી નથી.

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની 80થી વધુ દેશોમાં તેની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસનો ઉદ્દેશ 'યુવકો તથા પુરુષોના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો, સ્ત્રી-પુરુષના સંબંધમાં સુધારો કરવાનો, જાતિગત સમાનતાને વેગ આપવાનો અને સકારાત્મક પુરુષ પ્રેરણામૂર્તિને ઉભારવાનો છે.'

ઘણા વર્ષોથી કૉમેડિયન રિચાર્ડ હૅરિંગએ હજારો પાઉન્ડ ઇન્ટરનૅશનલ વીમેન્સ ડેના અવસરે ડૉમેસ્ટિક વાયલન્સ ચેરિટી રિફ્યુજ માટે ઉઘરાવ્યા છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે આ કામ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ઇન્ટરનૅશનલ મૅન્સ ડેની ઉજવણી નહીં થતી હોવાથી નારાજ લોકોને જવાબ આપીને ઉઘરાવ્યા છે.

બીબીસી 100 વીમેન

બીબીસી 100 વીમેન દર વર્ષે વિશ્વની 100 પ્રભાવશાળી અને પ્રેરણાદાયી મહિલાઓની યાદી બહાર પાડે છે.

બીબીસી 100 વીમેનને તમે અહીં ઇન્સ્ટાગ્રામ પર અને અહીં ફેસબુક પર ફૉલો કરી શકો છો. આ સંદર્ભે કોઈપણ લખાણ #BBC100Women હેઠળ શેર કરો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.