ટાઇફૉઇડ મૅરી : એ મહિલા જેમણે ઘરેઘરે જઈ અમેરિકામાં ટાઇફૉઇડ ફેલાવ્યો, લોકો મરવા લાગ્યાં, અંતે જેલમાં પૂરવા પડ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ટાઇફૉઇડના કેસ અત્યંત ઝડપથી વધ્યા હોવાના અહેવાલ છે અને મધ્ય પ્રદેશના ઉજ્જૈન જેવા શહેરમાં તો ગંદુ પાણી પીવાના કારણે એક ડઝનથી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે.
શું તમે જાણો છો કે અમેરિકાના ન્યૂ યૉર્ક જેવા શહેરમાં એક સમયે ટાઇફૉઇડના કેસમાં અચાનક ઉછાળો આવ્યો હતો અને તેના છેડા એક એવી મહિલા સુધી પહોંચ્યા હતા, જેઓ લોકોના ઘરેઘરે રસોઈ બનાવવાનું કામ કરતાં હતાં. આ મહિલાને એક સમયે અમેરિકાનાં 'સૌથી ખતરનાક મહિલા' પણ ગણાવાયા હતા.
આ મહિલાનું નામ હતું મૅરી મેલોન જેમના કારણે પૉશ વિસ્તારમાં રહેતા લોકોમાં ટાઇફૉઇડ ફેલાયો હતો. આખી ઘટના શું હતી, કઈ રીતે રોગચાળો ફેલાયો અને પછી તે મહિલાનું શું થયું તે જાણો.
ધનાઢ્ય પરિવારના લોકો ભોગ બન્યા
મૂળ આયર્લૅન્ડનાં અને ન્યૂ યૉર્કમાં ઉચ્ચ વર્ગના લોકોને ત્યાં રસોઈ બનાવતાં મૅરી મેલોન એક સમયે અમેરિકાનાં 'સૌથી ખતરનાક મહિલા' તરીકે ઓળખાયાં હતાં.
તેઓ ટાઇફૉઇડનાં સુપર સ્પ્રેડર બની ગયાં હતાં, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમને પોતાને આ બીમારીનાં કોઈ લક્ષણ દેખાયાં ન હતાં.
મૅરી મેલોનનો જન્મ કૂક્સ-ટાઉનમાં થયો હતો અને અમેરિકામાં 'નવું જીવન' જીવવા માટે તેઓ ટીનેજર તરીકે આયર્લૅન્ડ છોડીને અમેરિકા આવ્યાં હતાં. વર્ષ 1900 સુધીમાં તેઓ ન્યૂ યૉર્ક શહેરમાં ઘરોમાં રસોઈ બનાવતાં અને તેમને પિચ આઇસ્ક્રીમ બનાવતાં બહુ સારી રીતે આવડતું હતું.
શરૂઆતમાં તેઓ લોકોનાં ઘરોમાં ઘરકામ સહાયક તરીકે કામ કરતાં હતાં. જોકે, તેમને ભોજન બનાવતાં બહુ સારું આવડતું હતું જેના કારણે અનેક ધનાઢ્ય લોકોનાં ઘરોમાં રસોઈ બનાવવાનું કામ કરવાં લાગ્યાં.
ત્યાર પછી એક વિચિત્ર પૅટર્ન જોવા મળી. મૅરી જે ઘરોમાં કામ કરતાં, ત્યાંના પરિવારજનોને અચાનક ટાઇફૉઇડ તાવ આવવા લાગ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1906માં મૅરી ચાર્લ્સ વૉરન નામે એક પૈસાદાર બૅન્કરના ઘરે કામ કરતાં હતાં. ચાર્લ્સની દીકરીને સૌથી પહેલાં ટાઇફૉઇડ તાવ આવ્યો અને છ અઠવાડિયામાં તેના પરિવારના 11માંથી છ લોકોને ટાઇફૉઇડ થયો.
તપાસ કરતા સ્પષ્ટ થયું કે મૅરી જ ટાઇફૉઇડનાં જંતુઓના વાહક હતાં અને તેમના કારણે જ બધાને ચેપ લાગ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1900થી 1907 દરમિયાન તેઓ ન્યૂ યૉર્કમાં સાત પરિવાર માટે રસોઈ બનાવતાં હતાં જેઓ બહુ પૉશ વિસ્તારમાં રહેતા હતા. આ સાતેય પરિવારના દરેક સભ્ય ટાઇફૉઇડના કારણે બીમાર પડ્યા અથવા કોઈને કોઈનું મોત નીપજ્યું હતું. દર વખતે મૅરી ત્યાંથી છટકી ગયા અને બીજી જગ્યાએ કામે લાગી ગયાં.
તે વખતે ન્યૂ યૉર્કમાં ગીચ અને ગંદા સ્લમ વિસ્તારોમાં ટાઇફૉઇડ રોગ જોવા મળતો હતો.
મહત્ત્વની વાત એ છે કે મૅરીને એ વાતનો જરાય ખ્યાલ ન હતો કે તેઓ ટાઇફૉઇડના બૅક્ટેરિયાના વાહક છે અને તેમના કારણે એક ઘરમાંથી બીજા ઘરમાં જંતુઓ જઈ રહ્યાં છે.
1907માં તેમને પહેલી વખત ટાઇફૉઇડના બૅક્ટેરિયાના ઍસિમ્પમેટિક કૅરિયર તરીકે ઓળખવામાં આવ્યાં. 1900ની શરૂઆતમાં કોઈ વ્યક્તિમાં કોઈ બીમારીનાં લક્ષણ ન હોય અને છતાં તેઓ તેના વાહક કેવી રીતે હોઈ શકે તેના વિશે બહુ જાણકારી ન હતી.
મૅરીએ પોતે એ માનવાનો ઇન્કાર કરી દીધો કે તેઓ ટાઇફૉઇડના વાહક છે, કારણ કે તેમને કોઈ તકલીફ વર્તાતી ન હતી. તેમને લાગતું હતું કે સત્તાવાળાઓ ખોટી રીતે તેમની સામે કાર્યવાહી કરી રહ્યા છે.
અધિકારીઓ પાસે હવે ટાઇફૉઇડને પ્રસરતો રોકવાનો એક જ રસ્તો હતો. તેમણે મૅરીને ન્યૂ યૉર્કની રિવરસાઇડ હૉસ્પિટલમાં એકલતામાં રાખ્યાં, એટલે કે ક્વૉરન્ટાઇન કરી દીધા. ત્યાર પછી ત્રણ વર્ષે તેમને છોડવામાં આવ્યાં, પરંતુ શરત રાખવામાં આવી કે તેઓ ક્યારેય કોઈના ઘરે રસોઈ નહીં બનાવે.
જોકે, ટાઇફૉઇડ મૅરીએ આ શરત માની નહીં. તેમણે પોતાનું નામ બદલીને મૅરી બ્રાઉન રાખ્યું અને ફરીથી રસોઈ બનાવવાનું કામ શરૂ કર્યું.
મૅરી જે હૉસ્પિટલમાં કામ કરતાં હતાં, ત્યાં ઓછામાં ઓછા બે દર્દીનાં મોત પછી સત્તાવાળાઓએ ફરીથી મૅરીને શોધી કાઢ્યાં અને 1915માં અટકાયતમાં લીધાં. મૅરીને 1938માં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી ન્યૂ યૉર્કના બ્રધર આઇલૅન્ડ પર એક જેલમાં પૂરી રાખવામાં આવ્યાં. તેમણે લગભગ 23 વર્ષ બંધિયાર હાલતમાં કાઢવાં પડ્યાં હતાં.
ના પાડી હોવા છતાં ફરી રસોઈ બનાવવાનું કામ શરૂ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
તે જમાનામાં પર્સનલ હાઇજિન કે સ્વચ્છતા માટે કદાચ એટલી બધી જાગૃતિ ન હતી. મૅરી મેલોનની આ બેદરકારી બીજા લોકો માટે જોખમી હતી કારણ કે મૅરીનું કામ રસોઈ બનાવવાનું હતું.
તપાસમાં બહાર આવ્યું કે શૌચ પછી યોગ્ય રીતે હાથ ન ધોવાના કારણે મૅરી અજાણતા જ ટાઇફૉઇડનાં જંતુને પ્રસરાવી રહ્યા હતા. મૅરીને સમજાયું નહીં કે તેઓ જ્યાં કામ કરતા ત્યાં કેટલાક લોકો બહુ બીમાર કેમ પડી જતા હતા. તેમાંથી કેટલાક લોકો તો મૃત્યુ પણ પામ્યાં હતાં.
અગાઉ સંશોધનમાં સાબિત થયું હતું કે અલગ અલગ પ્રકારના બૅક્ટેરિયાથી અલગ અલગ બીમારીઓ થાય છે. 1907માં ન્યૂ યૉર્કના સેનિટરી ઍક્સપર્ટ જ્યૉર્જ સોપરે શોધી કાઢ્યું કે ટાઇફૉઇડનો રોગચાળો ફેલાવાનાં મૂળ મૅરી સુધી પહોંચે છે.
તેમને શંકા હતી કે મૅરીને પોતે આ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે, પરંતુ બીજા લોકોને ચેપનું વહન કરી શકે છે. તેમણે મૅરીને ટેસ્ટિંગ કરાવવા કહ્યું, પરંતુ મૅરી બહુ ગુસ્સે ભરાયાં અને ફૉર્ક મારવાની ધમકી આપીને તેમને ભગાવી દીધાં.
ત્યાર પછી હેલ્થ અધિકારીઓએ તેમને પકડ્યાં અને ક્વૉરિન્ટાઇનમાં મોકલ્યાં જ્યાં તેમણે ત્રણ વર્ષ ગાળ્યાં. ત્યાર બાદ ક્યાંય રસોઈ બનાવવાનું કામ ન કરવાનું વચન આપીને તેઓ છૂટી શક્યાં.
પાંચ વર્ષ પછી ફરી ટાઇફૉઇડનો રોગચાળો ફેલાયો. 25 લોકોને ચેપ લાગ્યો અને બે લોકોનાં મોત નીપજ્યાં.
આ વખતે ફરી તપાસ થઈ અને મૅરીને ફરી પકડવામાં આવ્યાં. બીજી વખત પકડાયાં પછી તેઓ ક્યારેય છૂટી ન શક્યાં.
નિષ્ણાતો માનતા હતા કે મૅરીને પોતાને ક્યારેય ટાઇફૉઇડ થવાની શક્યતા ન હતી, પરંતુ તેમને રોકવામાં આવ્યા ન હોત, તો તેઓ બીજાને આ બીમારીનો ચેપ આપતાં રહ્યાં હોત.
તેના કારણે સત્તાવાળાઓએ તેમને નૉર્થ બ્રધર આઇલૅન્ડ પર આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય લીધો હતો.
આ એવી જગ્યા હતી જ્યાં શીતળા થયો હોય તેવા લોકોને રાખવામાં આવતા હતા. તે સમયે ઍન્ટિબાયૉટિક્સની શોધ નહોતી થઈ તેથી લોકોને બીજાથી અલગ રાખવા એ એકમાત્ર રસ્તો હતો.
મૅરીને આવી રીતે રાખવામાં આવ્યા ત્યારે તેમણે કાનૂની લડત આપવાનો નિર્ણય લીધો હતો. તેણે પોતાના વકીલને કહ્યું હતું કે મેં કંઈ ખોટું નથી કર્યું છતાં મને આ રીતે રાખવામાં આવે તે અન્યાય છે.
તેણે કહ્યું હતું કે "એક ખ્રિસ્તી સમુદાયમાં બેસહાય મહિલા સાથે આવો વ્યવહાર કરવામાં આવે તે માનવામાં નથી આવતું. તે સમયે ધ ન્યૂ યૉર્ક અમેરિકન નામના અખબારના માલિકે આ કેસને બહુ ચગાવ્યો હતો, જેના કારણે મૅરીને પ્રસિદ્ધિ મળી અને તેના કારણે તેઓ વકીલ રાખી શક્યાં હતાં."
મૅરીની કહાણી એવી છે જેમાં તેમને પીડિત પણ કહી શકાય અને વિલન પણ ગણી શકાય.
ટાઇફૉઇડ શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇફૉઇડ એ બૅક્ટેરિયાના ચેપથી થતો એક રોગ છે જેમાં તાવ આવવો, ઝાડાં, પેટમાં દુ:ખાવો, કબજિયાત જેવાં લક્ષણ જોવા મળે છે. ગંભીર કિસ્સામાં આંતરિક રક્તસ્ત્રાવ અને મૃત્યુ પણ થઈ શકે છે.
જે દેશોમાં પીવાનું ચોખ્ખું પાણી મળતું ન હોય અને સ્વચ્છતાનો અભાવ હોય ત્યાં ટાઇફૉઈડ એક સામાન્ય બીમારી છે. દુનિયામાં દર વર્ષે લગભગ 1.10 કરોડથી બે કરોડ લોકોને આ બીમારી થાય છે જેમાં 1.28 લાખથી 1.61 લાખ દર્દી મૃત્યુ પામે છે.
ટાઇફૉઇડને રોકવાની બે રસીઓ ઉપલબ્ધ છે. તેના માટે ઍન્ટિબાયૉટિક્સ પણ આવે છે.
દૂષિત પાણી અને ખોરાક એ ટાઇફૉઇડ થવા માટેનું મુખ્ય કારણ છે અને ભારતમાં જાહેર આરોગ્ય માટે તે એક મોટો પડકાર છે. ખાસ કરીને બાળકો માટે ટાઇફૉઇડ જોખમી બની શકે છે.
નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના એક અહેવાલ પ્રમાણે ભારતમાં દર વર્ષે ટાઇફૉઇડના લગભગ 10 લાખ કેસ નોંધાય છે અને આખી દુનિયામાં આ આંકડો સૌથી વધુ છે. રસી મૂકાવીને ટાઇફૉઇડના જોખમમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે.
દુનિયાએ અગાઉ પણ રોગચાળો જોયો છે જેમાં 1918થી 1920ના ગાળામાં સ્પેનિશ ફ્લૂ ફાટી નીકળ્યો હતો. આ ફ્લૂને કારણે દુનિયાની ચોથા ભાગની વસતીને ચેપ લાગ્યો હતો અને લગભગ 1.70 કરોડથી પાંચ કરોડ લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












