એ દલિત અભિનેત્રી જેમણે ફિલ્મમાં ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રીનું પાત્ર ભજવ્યું અને બદલામાં તેમનું ઘર બાળી નંખાયું

ઇમેજ સ્રોત, Sneha Jha
- લેેખક, એના એમ.એમ વેટ્ટિકાડ
- પદ, વરિષ્ઠ ફિલ્મ પત્રકાર, બીબીસી માટે
'અહંકારરૂપિણી'… 'પાપી'… 'વેશ્યા'... 'ઘૃણિત સ્ત્રી કે જેણે મનુસ્મૃતિના નિયમોને તોડ્યા'
આ એ જ શબ્દો છે જે લગભગ 100 વર્ષ પહેલાં મલયાલી સિનેમાનાં પહેલાં અભિનેત્રી પી.કે. રોઝી માટે જાતિવાદી સમાજે વાપર્યા હતા. એ સમયે તેમની પહેલી અને છેલ્લી ફિલ્મ વિગતકુમારન (ખોવાયેલું બાળક)નું પ્રીમિયર થયું હતું.
તેમના માટે વપરાયેલા આ શબ્દો મલયાલી કવિ કુરીપુજા શ્રીકુમારની કવિતા નડિયુડે રાત્રિ (અભિનેત્રીની રાત)માં પણ દર્જ છે.
પી.કે. રોઝી દલિત સમાજનાં હતાં અને તેમણે આ મૂક ફિલ્મમાં નાયિકાની ભૂમિકા નિભાવી હતી.
આ ફિલ્મ 1928માં (જોકે, વર્ષને લઈને પણ મતભેદ છે) તિરુવનંતપુરમમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. ફિલ્મનિર્માતા જે.સી.ડેનિયલે તેનું નિર્દેશન કર્યું હતું. તેઓ મલયાલમ સિનેમાના જન્મદાતા માનવામાં આવે છે.
જ્યારે તેમનું ઘર પણ સળગાવી દેવાયું

ઇમેજ સ્રોત, PK Rosy Film Society/FB
જ્યારે આ ફિલ્મમાં એક દલિત મહિલા નાયરના પાત્રમાં દેખાયાં, તો ઊંચી જાતિના લોકો ભડકી ઊઠ્યા. તેમણે થિયેટરમાં તોડફોડ કરી અને ડેનિયલ અને રોઝીને ત્યાંથી ભગાવી દેવાયાં. ત્યાર બાદ પણ હિંસા ન રોકી શકાઈ. ભીડે રોઝીનું ઘર સળગાવી દીધું.
વર્ષ 2003માં પ્રકાશિત શ્રીકુમારની માર્મિક કવિતાએ આ ઘટનાને ફરીથી ઉજાગર કરી હતી, જેણે રોઝીને હંમેશ માટે ગુમનામ કરી દીધી હતી.
તેમના જીવન વિશે બહુ ઓછી જાણકારી ઉપલબ્ધ છે. ગૂગલે વર્ષ 2023માં તેમના 120મા જન્મદિન પર ડૂડલ સમર્પિત કર્યું હતું, પરંતુ તેમની વાસ્તવિક જન્મતારીખની પુષ્ટિ આજ સુધી થઈ શકી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લેખક વીનુ અબ્રાહમે નષ્ટનાયિકા નામે એક ઉપન્યાસ લખ્યો છે. તેઓ જણાવે છે કે રોઝીનાં જન્મ અને મૃત્યુ વિશે કોઈ આધારભૂત જાણકારી નથી. ત્યાં સુધી કે તેમનું પ્રચલિત ચિત્ર પણ સાચું જ છે તેની કોઈ ખાતરી નથી.
રોઝીનો જન્મ 1900ના શરૂઆતના ગાળામાં તિરુવનંતપુરમના પુલયા સમુદાયમાં થયો હતો, જેને સમાજમાં 'અછૂત' માનવામાં આવતો હતો. તેઓ આજીવિકા માટે ઘાસ કાપવાનું કામ કરતાં હતાં, પરંતુ તેમની અભિનય પ્રત્યેની લગનને કારણે તેમને કક્કારાસી નાટક (એક લોક નાટ્યશૈલી)માં તક મળી ગઈ.
એવું માનવામાં આવે છે કે કક્કારાસી નાટકોમાં અભિનય કરનારાં તેઓ પ્રથમ મહિલા હતાં. આ એ જ સમય હતો કે જ્યારે તેમની ડેનિયલ સાથે મુલાકાત થઈ હતી અને તેમણે વિગતકુમારનમાં કામ કર્યું.
પછી બાકીની જિંદગી અસલી ઓળખ છુપાવીને જીવ્યાં

ઇમેજ સ્રોત, PK Rosy Film Society/FB
આ ફિલ્મના પ્રીમિયર પછી થયેલા હોબાળાને કારણે રોઝીને જીવ બચાવીને તિરુવનંતપુરમથી ભાગવું પડ્યું.
એવું કહેવાય છે કે નાગરકોઈલ માટે એક ટ્રકમાં છુપાઈને તેઓ નીકળી ગયાં જે ટ્રકને કેશવ પિલ્લઈ નામની વ્યક્તિ ચલાવતો હતો.
તે બાદ તેમણે એ જ કેશવ પિલ્લઈ સાથે લગ્ન કરી લીધાં, જેઓ નાયર જાતિના હતા.
રોઝીએ પોતાની અસલી ઓળખ છુપાવીને બાકીની જિંદગી એ જ સમાજમાં વિતાવી દીધી જે સમાજે ક્યારેક તેમને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
એવું કહેવામાં આવે છે કે તેમનું મૃત્યુ 1980માં થયું હતું. જોકે, તેની પણ સ્પષ્ટ માહિતી નથી.
ડેનિયલ એક સમૃદ્ધ વ્યક્તિ હતા. પરંતુ વિગતકુમારનની નિષ્ફળતા અને તેના પછી પણ ફિલ્મો બનાવવાની તેમની કોશિશોએ તેમને આર્થિક રીતે પાયમાલ કરી નાખ્યા.
1960ના દાયકામાં ઇતિહાસકાર અને પત્રકાર ચેલંગાટ્ટ ગોપાલકૃષ્ણને તેમના યોગદાનને પુન:જીવિત કર્યું અને તેમને મલયાલી સિનેમાના પિતા તરીકે માન્યતા અપાવી. 1975માં ડેનિયલનું મૃત્યુ થઈ ગયું.
રોઝીને ઓળખ અપાવવાની કોશિશો

ઇમેજ સ્રોત, @ranjithpa/Instagram
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1970ના દાયકાથી ઇતિહાસકાર કુન્નુકુઝી એસ. મણિએ રોઝી વિશે લખવાનું શરૂ કર્યું. 21મી સદીમાં, રોઝીને ઓળખ મળે તે માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા.
વેણુ અબ્રાહમને સૌપ્રથમ તેમના વિશે 2005માં કેરળ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ દરમિયાન દલિત લેખકોના એક સંગઠન દ્વારા જાહેર કરાયેલા વિરોધપત્ર દ્વારા ખબર પડી. આ પછી, તેમના સંશોધનના આધારે, તેમણે નષ્ટનાયિકા લખ્યું.
ત્યાર બાદ 2013માં દિગ્દર્શક કમલે મલયાલમ ફિલ્મ સેલ્યુલૉઇડ બનાવી, જેમાં પૃથ્વીરાજ સુકુમારન ડેનિયલ તરીકે અને નવોદિત અભિનેત્રી ચાંદની ગીતાએ રોઝી તરીકે અભિનય કર્યો.
જોકે, રોઝીને ઉચ્ચ જાતિના દૃષ્ટિકોણથી રજૂ કરવા બદલ ફિલ્મની ટીકા પણ થઈ હતી. તેમ છતાં, આ ફિલ્મ રોઝીના જીવનનું અત્યાર સુધીનું સૌથી લોકપ્રિય ચિત્રણ બની ગયું.
2019માં વુમન ઇન સિનેમા કલેક્ટિવ (WCC) એ પી.કે. રોઝી ફિલ્મ સોસાયટીની સ્થાપના કરી જેથી કરીને સિનેમામાં મહિલાઓ અને નારીવાદને પ્રોત્સાહન આપી શકાય.
વુમન ઇન કલેક્ટિવનાં સંસ્થાપક સદસ્ય બીના પોલ કહે છે, "ભલે રોઝીની કહાણી સંપૂર્ણ રીતે નોંધવામાં આવી નથી, પરંતુ તેનું અસ્તિત્વ જાતિ અને લિંગ વચ્ચેના સંઘર્ષનું પ્રતીક બની ગયું છે."
તામિલનાડુમાં ફિલ્મનિર્માતા પા. રણજિતના નીલમ કલ્ચરલ સેન્ટરે પી.કે. રોઝી ફિલ્મ ફેસ્ટિવલ પણ શરૂ કર્યો. આ ફેસ્ટિવલમાં દલિત થીમ પર બનેલી ફિલ્મો રજૂ કરવામાં આવે છે. 2024ના કેરળના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સિગ્નેચર વીડિયોમાં પણ રોઝીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ફિલ્મોમાં ક્યારે મળશે દલિતોને ઉચિત સ્થાન?
આ બધું પ્રશંસનીય છે, પરંતુ સાચો ન્યાય ત્યારે જ મળશે જ્યારે દલિત અને મહિલા કલાકારોને ભારતીય સિનેમામાં સતત તેમનું યોગ્ય સ્થાન મળશે અને દલિત અને મહિલા મુખ્ય પાત્રો ધરાવતી ફિલ્મો સામાન્ય બનશે.
આજે પણ મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં દલિત નાયકો અને નાયિકાઓ ભાગ્યે જ જોવા મળે છે, અને જે ફિલ્મસ્ટાર્સની દલિત જાતિ અને ઓળખ જાહેરમાં જાણીતી હોય એવા ફિલ્મીસિતારાઓ દુર્લભ છે.
દિગ્દર્શક કમલ માને છે કે જો રોઝી આજે જીવિત હોત, તો પણ તેમને મુખ્ય નાયિકાને બદલે ફક્ત સહાયક ભૂમિકાઓ જ ભજવવાની તક મળી હોત.
ભારતમાં, દલિત થીમ પર આધારિત સિનેમા મુખ્યત્વે મરાઠી અને તામિલ ફિલ્મોદ્યોગમાં જોવા મળે છે, પરંતુ ત્યાં પણ તે મોટે ભાગે પુરુષકેન્દ્રિત છે. એક સદી પછી પણ ભારતીય સિનેમા રોઝી નામની બહાદુર દલિત મહિલા દ્વારા કંડારાયેલા માર્ગ પર સંપૂર્ણપણે ચાલી શક્યું નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












