દલિત દંપતીની 'રૂપિયા 130 કરોડની સંપત્તિ' કોણ ચોરી ગયું, સુપ્રીમમાં પહોંચેલો વિવાદ શું છે?

બીબીસી ગુજરાતી, મહારાષ્ટ્ર, સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્ષિપ્રા અને તેમના પતિ શિવશંકરદાસ
    • લેેખક, ભાગ્યશ્રી રાઉત
    • પદ, બીબીસી મરાઠી માટે

"અમે એ વખતે નાગપુરમાં રહેતા હતા અને અમારું સંશોધન કાર્ય કરી રહ્યા હતા. અમે ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને અનુસરીએ છીએ. અમે તે મુજબ કામ પણ કરી રહ્યા છીએ, પરંતુ અમને એટલો ત્રાસ આપવામાં આવ્યો હતો કે થોડા દિવસોમાં જ અમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું."

"અમારા વિશે અફવા ફેલાવવામાં આવી હતી. એ કારણે અમારું અમારા ઘરની બહાર નીકળવાનું ઓછું થઈ ગયું હતું. તેની અસર અમારી નાની દીકરી પર પડી હતી. તે સાત વર્ષ સુધી સ્કૂલે જઈ શકી ન હતી."

નાગપુરનાં ક્ષિપ્રા ઉકે અને શિવશંકર દાસ બીબીસી મરાઠી સાથે વાત કરતાં આમ કહેતાં હતાં.

ક્ષિપ્રા અને શિવશંકર બન્ને અનુસૂચિત જાતિમાંથી આવે છે અને તેમણે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પૂર્ણ કર્યું છે.

તેમની સાથે નાગપુરમાં 2016માં એક ઘટના બની હતી અને હવે સુપ્રીમ કોર્ટે પણ આ જ કેસમાં ક્ષિપ્રા તથા શિવશંકરની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

બૌદ્ધિક સંપદા ચોરીથી થયેલા નુકસાન બદલ ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ આ યુગલને વળતર આપવાના બૉમ્બે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે પણ સમર્થન આપ્યું છે અને મહારાષ્ટ્ર સરકારની ખાસ અરજીને ફગાવી દીધી છે.

તેમણે બૌદ્ધિક સંપદાના નુકસાન બદલ જિલ્લા કલેક્ટર પાસેથી રૂ. 130 કરોડના વળતરનો દાવો કર્યો હતો, જેનું આંતરિક મૂલ્ય રૂ. 127 કરોડ અને બાહ્ય મૂલ્ય રૂ. ત્રણ કરોડ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે તેમને વળતર મળવાની આશા છે.

સવાલ એ છે કે ક્ષિપ્રાની બૌદ્ધિક સંપત્તિ ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ કેવી રીતે ચોરાઈ હતી? 2016માં ખરેખર શું થયું હતું?

'રોહિત વેમુલા કેસમાં સક્રિય થયાં ત્યારે મકાનમાલિકે અમને ઘર ખાલી કરવા કહ્યું'

બીબીસી ગુજરાતી, મહારાષ્ટ્ર, સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ક્ષિપ્રા ઉકે ગડચિરોલીનાં રહેવાસી છે, જ્યારે તેમના પતિ શિવશંકર દાસ ઉત્તર પ્રદેશના છે. તેઓ બંને તેમના એક પ્રોજેક્ટના સંશોધન માટે 2015માં નાગપુર આવ્યાં હતાં.

નાગપુરના યુવાનોને સામાજિક અને રાજકીય મુદ્દાઓ વિશે કેટલું જ્ઞાન છે તેનો અભ્યાસ તેઓ કરી રહ્યાં હતાં. તેમણે લક્ષ્મીનગરમાં એક મકાન ભાડે રાખ્યું હતું.

મકાનમાલિકે પ્રાથમિક તપાસ કરીને તેમને ઘર ભાડે આપ્યું હતું.

ક્ષિપ્રા કહે છે, "અમને પૂછવામાં આવ્યું હતું કે તમે નોન-વેજ ખાઓ છો કે નહીં. મારા પતિ શાકાહારી હોવાથી અમે માંસાહાર કરતા નથી એવું અમે જણાવ્યું હતું. શરૂઆતમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. મકાનમાલિકને અમારી સાથે કોઈ સમસ્યા ન હતી, પરંતુ રોહિત વેમુલા આત્મહત્યા કેસમાં કેટલાક લોકો 2016માં નાગપુરમાં રેલી કાઢવાના હતા. તેમાંથી એક-બે અમારા પરિચિત હતા. તેમણે અમને રેલીમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું."

"જિલ્લા કલેક્ટરની ઑફિસે મોરચો લઈ જવાનું નક્કી કર્યું હતું, પરંતુ અમે તેમને આરએસએસના કાર્યાલયે મોરચો લઈ જવાનું કહ્યું હતું. અમે બંનેએ તે મોરચા માટે તમામ તૈયારી કરી હતી. અમે આરએસએસના કાર્યાલયે મોરચો પણ લઈ ગયા હતા, પરંતુ એ પછી અમારા મકાનમાલિક આવ્યા હતા અને કહ્યું હતું કે તમારા આવા વર્તનથી બિલ્ડિંગમાં રહેતા અન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે અને તમારે તમારી જ્ઞાતિ પહેલાં જણાવવી જોઈતી હતી."

ક્ષિપ્રા ઉમેરે છે, "મકાનમાલિકે કહ્યું હતું કે મને કોઈ સમસ્યા નથી, પણ અહીં લોકોને તમારાથી પરેશાની થઈ રહી છે. તમારે બીજું ઘર શોધી લેવું જોઈએ. આમ કહેવાનું કારણ એ હતું કે તે ઉચ્ચ જ્ઞાતિના લોકોની સોસાયટી હતી."

"એ સમયગાળા દરમિયાન અમે બીજું ઘર શોધવાના મૂડમાં ન હતાં. તેથી અમારા ભાડા કરારની મુદ્દત પૂર્ણ થઈ એ પછી પણ બીજું ઘર ન મળે ત્યાં સુધી એ જ ઘરમાં રહેવાની છૂટ મકાનમાલિકે આપી હતી, પરંતુ થોડા દિવસોમાં તેમનું અવસાન થયું હતું અને ઘરનો કારભાર મકાનમાલિકના પુત્રના હાથમાં આવી ગયો હતો."

"એ છોકરો પુણેમાં રહેતો હતો. તેથી તેની સાથે અમારી રૂબરૂ મુલાકાત થઈ ન હતી, પરંતુ અમે માસિક ભાડું તેના બૅન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા."

ક્ષિપ્રાના કહેવા મુજબ, "મકાનમાલિકના દીકરાએ 2016ની 14 ઑક્ટોબરે અમને 24 કલાકમાં બીજું ઘર શોધી લેવા જણાવ્યું હતું, પરંતુ મને આઠ મહિનાનો ગર્ભ હતો અને મને ગમે ત્યારે પ્રસૂતિ થઈ શકે તેમ હતી. તેથી અમે ઘર ખાલી કરી શકીશું નહીં, એવું અમે તેમને જણાવ્યું હતું. થોડા દિવસ માટે બધું શાંત રહ્યું."

"2018માં મકાનમાલિકના દીકરાએ અમને અચાનક ફોન કરવાનું શરૂ કર્યું. તેમણે ઘરની ચાવીની માગણી કરી હતી, પરંતુ અમે દિલ્હીમાં હતા. તેથી અમે તેમને જણાવ્યું હતું કે અમે નાગપુર આવીશું ત્યારે તમને મળીશું, પરંતુ અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમારા ઘરનું તાળું તૂટેલું હતું. અમારો બધો સામાન ફેંકી દેવામાં આવ્યો હતો. અમારાં પુસ્તકો ટેરેસ પર ફેંકી દેવામાં આવ્યાં હતાં. ઉપરાંત અમે જે સંશોધન, કર્યું હતું તે, પેનડ્રાઇવ, લૅપટૉપ બધું જ ગાયબ હતું."

ક્ષિપ્રા અને શિવ બંને 'વરહાદ' સંસ્થા માટે કામ કરતાં હતાં. એ કેદીઓના અધિકારો વિશેનું કામ હતું. તેના રિસર્ચનો ડેટા ઘરમાંથી ગાયબ થઈ ગયો હતો. તેથી સંસ્થાએ બંનેને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. ઉપરાંત તેમના ભાડાના ઘરમાંથી બધા અસલી પ્રમાણપત્રો અને પાસપૉર્ટ્સ પણ ગાયબ થઈ ગયાં હતાં.

આ કેસમાં પોલીસ સંડોવાયેલી છે?

બીબીસી ગુજરાતી, મહારાષ્ટ્ર, સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયા

દસ્તાવેજો ગાયબ થયા પછી દંપતી પોલીસ સ્ટેશન દોડી ગયું હતું, પરંતુ ફરજ પરના પોલીસ કર્મચારીએ શરૂઆતમાં ફરિયાદ લેવામાં આનાકાની કરી હતી. જોકે, પોલીસ કમિશનરના આદેશ પછી ફરિયાદ નોંધવામાં આવી હતી. ઘણા દિવસો પછી ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

નાગપુર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે પાસપૉર્ટ સહિતનાં કેટલાંક પ્રમાણપત્રો શોધી કાઢ્યાં હતાં. એ ઉપરાંત કુલ 500 વિદ્યાર્થીઓના સંશોધનમાંથી માત્ર 200 પાનાંનો ડેટા મળ્યો હતો.

એ બધા દસ્તાવેજો પોલીસના ગોદામમાં હતા. તેમાંથી કેટલાક દસ્તાવેજો ગાયબ થઈ ગયા હતા. ક્ષિપ્રાના પાડોશીઓએ ક્ષિપ્રાને જણાવ્યું હતું કે તમારા ઘરનું તાળું પોલીસે જ તોડ્યું છે. તેથી તેમણે પોલીસની પૂછપરછની માગણી પણ કરી હતી.

આ ઘરફોડીમાં પોલીસ પણ સામેલ હોવાનો આક્ષેપ કરવાની સાથે ક્ષિપ્રા જણાવે છે કે આ બાબતે પોલીસે પર હજુ સુધી કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી નથી.

ક્ષિપ્રા ઉમેરે છે, "પોલીસે મકાનમાલિકના નામે એક ખોટી અરજી પણ તૈયાર કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ભાડવાત છ મહિનાથી ઘર છોડીને ચાલ્યા ગયા છે, પરંતુ ઘરની ચાવી મકાનમાલિકને આપવામાં આવી નથી. તેથી તેઓ તાળું તોડી રહ્યા હોવાનું તેમાં જણાવવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે તે પત્ર મકાનમાલિકે નહીં, પરંતુ ખુદ પોલીસે પોતે લખ્યો હતો. " એ ઉપરાંત પોલીસે દસ્તાવેજો ગાયબ કરીને પુરાવાના નાશના પ્રયાસ કર્યાનો દાવો પણ ક્ષિપ્રા કરે છે.

પોલીસે મકાનમાલિકનો ઉપયોગ કરીને આવું કર્યું હતું કે પછી મકાનમાલિકે પોલીસ સાથે મળીને આવું કર્યું હતું એ સવાલનો જવાબ હજુ સુધી ન મળ્યો હોવાનું ક્ષિપ્રા જણાવે છે.

બાદમાં મકાનમાલિક અને તેમના બે સાથીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. એ ઉપરાંત 2020માં એટલે કે લગભગ ચાર વર્ષ પછી મકાનમાલિક અને તેમના સાથીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આ કેસ કોર્ટમાં કેવી રીતે પહોંચ્યો?

બીબીસી ગુજરાતી, મહારાષ્ટ્ર, સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઘરફોડીના આ કેસમાં દલિત દંપતીનો રિસર્ચ ડેટા ચોરાઈ ગયો હતો. તેથી ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ડેટાનું વળતર આપવાની માગણી તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ કરી હતી.

એ પછી તેમણે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચનો સંપર્ક કર્યો હતો અને આ કેસમાં વળતર મેળવી આપવાની માગણી કરી હતી.

શરૂઆતમાં સુનાવણી શરૂ થઈ, પરંતુ એ પછી પંચે પણ કોઈ જવાબ આપ્યો ન હતો. તેથી ક્ષિપ્રા અને તેમના પતિએ બૉમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠનો સંપર્ક કર્યો હતો. સુનાવણી હાથ ધરવા અને અવલોકનો નોંધાવવાનો નિર્દેશ પંચને આપવામાં આવે તેવી માગણી તેમણે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં કરી હતી.

2022માં હાઈકોર્ટે આપેલા આદેશ અનુસાર અનુસૂચિત જાતિ પંચે સુનાવણી પૂર્ણ કરી હતી. એ વખતે ક્ષિપ્રા અને તેમના પતિએ પંચ સમક્ષ 10 માગણી રજૂ કરી હતી.

પંચ એ માગણી સાથે સંમત થયું હતું અને આ બાબતે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર ઑફિસને જણાવ્યું હતું. આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) રચવાની અને ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ દંપતીને વળતર આપવાની ભલામણ પંચે કરી હતી.

એ પછી એસઆઈટીની રચના કરવામાં આવી હતી, પરંતુ દંપતિને બૌદ્ધિક સંપદાની ચોરી બદલ ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ વળતર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, કારણ કે ઍટ્રોસિટી ઍક્ટમાં આવી ચોરી સંબંધી જોગવાઈ ન હોવાનું સરકારે જણાવ્યું હતું. એ પછી દંપતીએ ફરીથી હાઈકોર્ટમાં ધા નાખી હતી.

હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો?

બીબીસી ગુજરાતી, મહારાષ્ટ્ર, સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરતી વખતે સરકારે વળતર ચૂકવવાનો વિરોધ કર્યો હતો અને એવી દલીલ કરી હતી કે બૌદ્ધિક સંપદા માટે ઍટ્રોસિટી ઍક્ટમાં વળતરની કોઈ જોગવાઈ નથી.

સરકારે દલીલ કરી હતી કે કાયદામાં "માલમત્તાના નુકસાન"નો અર્થ ફક્ત ભૌતિક માલમત્તા છે. જોકે, ઍટ્રોસિટી ઍક્ટમાં પ્રોપર્ટી શબ્દના અર્થમાં જંગમ તેમજ સ્થાવર મિલકતનો સમાવેશ થતો હોવાની દલીલ દલિત દંપતીએ કરી હતી.

2023માં આ કેસનો ચુકાદો આપતાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે બૌદ્ધિક સંપત્તિની ચોરી ઍટ્રોસિટી ઍક્ટના દાયરામાં આવે છે. હાઈકોર્ટે કહ્યું હતું, "ઍટ્રોસિટી ઍક્ટમાં પ્રોપર્ટી શબ્દની કોઈ વ્યાખ્યા નથી, પરંતુ તે ભૌતિક સંપત્તિ પૂરતો મર્યાદિત હોઈ શકે નહીં. તેમાં સ્થાવર, જંગમ અને બૌદ્ધિક સંપત્તિ તેમજ ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ ડેટાનો સમાવેશ પણ થઈ શકે છે."

આ પ્રકરણમાં જિલ્લા અધિકારીએ અરજદાર ક્ષિપ્રા દ્વારા કરવામાં આવેલી 10 માગણીઓની તપાસ કરવી જોઈએ અને બૌદ્ધિક સંપત્તિની ચોરી બદલ તેમને કેટલું વળતર આપી શકાય તે નક્કી કરવું જોઈએ.

તેની સાથે અરજદારોએ કરેલા વળતરના દાવા બાબતે પણ વિચાર કરવો જોઈએ, એવો આદેશ હાઈકોર્ટે આપ્યો હતો. ત્રણ મહિનામાં નુકસાનની ભરપાઈ કર્યાનો અહેવાલ વિશેષ અદાલતમાં રજૂ કરવાનો આદેશ પણ હાઈકોર્ટે આપ્યો હતો.

જોકે, એ પછી સરકારે કોઈ વળતર આપ્યા વિના હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પણ સુપ્રીમ કોર્ટે તે અરજીને ફગાવી દીધી હતી અને હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો.

બૌદ્ધિક સંપદાની ચોરી બદલ આ દલિત દંપતીએ રૂ. 130 કરોડના વળતરનો દાવો કર્યો છે અને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો છે ત્યારે ચુકાદા મુજબ વળતર આપવાની માંગણી તેઓ કરી રહ્યા છે. આ બાબતે રાજ્ય સરકાર શું કરી રહી છે એ જાણવું પણ મહત્વનું છે.

ક્ષિપ્રા અને શિવે કાયદાનો અભ્યાસ કર્યો નથી કે તેમની પાસે આવી કોઈ ડિગ્રી પણ નથી, છતાં તેઓ પોતાનો કેસ જાતે લડ્યા. કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો. કાયદાનો અભ્યાસ ન કર્યો હોવાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ આખરે જીત અમારી થઈ છે, તેનો આનંદ ક્ષિપ્રા વ્યક્ત કરે છે.

ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ હતું

નુકસાનની ભરપાઈ કરતાં વધારે માનસિક નુકસાન થયું હોવાનું ક્ષિપ્રા જણાવે છે.

ક્ષિપ્રા કહે છે, "આ પ્રકરણમાં વરહાડ સંગઠનનો કેદીઓ વિશેનો ડેટા ચોરાઈ ગયો હતો. તેથી અમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. પરિણામે અમે આર્થિક કટોકટીમાં ફસાયાં હતાં. અમારા જીવનના એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનો ડેટા ચોરાઈ ગયો હતો. અમારી આટલાં વર્ષોની મહેનત એક ક્ષણમાં ખતમ થઈ ગઈ હતી. અમારી પાસે અસલી પ્રમાણપત્રો ન હોવાથી અમે અન્યત્ર નોકરી માટે અરજી પણ કરી શકતાં ન હતાં. પાડોશમાં વિવિધ અફવાઓ ફેલાઈ હતી. એ કારણે મારી નાનકડી દીકરીનું ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું હતું. બાળકો વય અનુસાર પરિપકવ થવાં જોઈએ, પણ એવું થયું નહીં. તેણે હવે શાળાએ જવાનું શરૂ કર્યું છે. પૈસા કરતાં અમારું વ્યક્તિગત નુકસાન ઘણું વધારે થયું છે."

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધા પછી આ દંપતીને વળતર મળશે કે નહીં એ જાણવા માટે અમે નાગપુરના જિલ્લા કલેક્ટર વિપીન ઇટનકર સાથે વાત કરી.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "સુપ્રીમ કોર્ટનો આદેશ વાંચ્યા પછી અમે સરકાર સાથે ચર્ચા કરીશું. વળતરની રકમની ગણતરી કેવી રીતે કરવી, તે કયા નિયમોમાં બંધ બેસે છે, એ બધા બાબતે મુખ્ય સચિવ સાથે વાત કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.