આઈ-પૅક શું છે અને કેમ વિવાદમાં છે, કયા-કયા નેતાઓને તેણે ચૂંટણીમાં મદદ કરી છે?

ઇમેજ સ્રોત, linkedin/Getty
ભાજપ અને કૉંગ્રેસ સહિત અનેક રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણીની વ્યૂહરચના ઘડતી કંપની આઈ-પૅક (ઇન્ડિયન પોલિટિકલ ઍક્શન કમિટી) પર કોલકાતામાં ઈડીના દરોડા પછી રાજકારણ ગરમાયું છે.
કોલકાતામાં ઈડીના દરોડા વખતે મુખ્ય મંત્રી મનતા બેનરજી ઘટનાસ્થળે પહોંચી ગયાં અને એક ગ્રીન ફાઈલ સાથે બહાર આવ્યાં હતાં.
ઈડીનો દાવો છે કે મમતા બેનરજીએ પોતાની પાર્ટી (તૃણમૂલ કૉંગ્રેસ)ની હાર્ડ ડિસ્ક, આંતરિક ડૉક્યુમેન્ટ્સ અને સંવેદનશીલ ડેટા જપ્ત કરવાની કોશિશ કરી હતી.
મમતાનો દાવો છે કે ભાજપ ઈડીની મદદથી ટીએમસીની ચૂંટણી વ્યૂહરચના ચોરવા માગે છે, જ્યારે ભાજપનું કહેવું છે કે મમતા બેનરજી ગોટાળાબાજ લોકોને બચાવી રહ્યાં છે.
આઈ-પૅક પર દરોડા વખતે દખલગીરી કરવા બદલ ઈડી શુક્રવારે કલકત્તા હાઇકોર્ટમાં ગયું હતું અને મમતા બેનરજી, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને બીજા લોકો સામે સીબીઆઈ તપાસની માંગણી કરી હતી.
આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વાસે આરોપ લગાવ્યો હતો કે મમતા બેનરજીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે અભદ્ર શબ્દો વાપર્યા હતા.
આ દરમિયાન દિલ્હી પોલીસે તૃણમૂલ કૉંગ્રેસના સાંસદોને ડિટેઈન કર્યા હતા જેઓ આઈ-પૅક પર ઈડીના છાપાનો વિરોધ કરવા અમિત શાહની ઑફિસ બહાર એકત્ર થયા હતા.
પીટીઆઈના અહેવાલ પ્રમાણે મમતા બેનરજીએ કહ્યું છે કે "ટીએમસીના અધ્યક્ષ તરીકે તેમણે જે કર્યું તેમાં કશું ગેરકાયદે નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઈ-પૅકે ઈડીના દરોડા પર શું કહ્યું?
આઈ-પૅકે ઈડીની કાર્યવાહીને લઈને નિવેદન જાહેર કર્યું છે. સંગઠને કહ્યું છે કે ગુરુવારે ઈડીના અધિકારીઓએ કોલકાતામાં આઈ-પૅકના કાર્યાલય અને નિદેશક પ્રતીક જૈનના નિવાસસ્થાને શોધખોળ ચલાવી.
આઈ-પૅકે તેને એક કઠિન અને દુર્ભાગ્યપૂર્ણ દિવસ ગણાવ્યો.
નિવેદનમાં કહેવાયું છે કે 'આ કાર્યવાહી ગંભીર ચિંતા પેદા કરે છે અને એક અશાંત મિસાલ કાયમ કરે છે'.
સંગઠને કહ્યું કે છાપા દરમિયાન તેમણે તપાસ એજન્સીને પૂર્ણ સહયોગ આપ્યો છે અને આગળ પણ કાયદા પ્રત્યે પૂર્ણ સન્માન સાથે પ્રક્રિયામાં સામેલ થશે.
આઈ-પૅકે એમ પણ કહ્યું કે તેણે પોતાનું કામ હંમેશાં "વ્યવસાયિક સત્યનિષ્ઠાના ઊંચા માનકોનું પાલન કર્યું છે."
સંગઠનનું કહેવું છે કે જે કંઈ પણ થયું છે, તેમ છતાં તેઓ તેમનું કામ વગર વિધ્ને કરતા રહેશે.
આઈ-પૅક કયા કયા નેતાઓ માટે કામ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આઈ-પૅક અલગ અલગ રાજકીય પાર્ટીઓ સાથે કામ કરવાનો ઇતિહાસ ધરાવે છે. તેના ક્લાયન્ટમાં ટીએમસી (તૃણમુલ કૉંગ્રેસ) ઉપરાંત બીજા પક્ષો પણ સામેલ છે.
ઉદાહરણ તરીકે તામિલનાડુમાં આઈ-પૅક ડીએમકેની સાથે પણ કામ કરે છે. આ વર્ષે પશ્ચિમ બંગાળની સાથે સાથે તામિલનાડુમાં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે. આઈ-પૅક કંપનીના 20 લોકો ડીએમકે સાથે કામ કરે છે તેવા મીડિયા અહેવાલ છે.
મહત્ત્વની વાત એ છે કે આઈ-પૅકે ભાજપ સાથે પણ કામ કર્યું છે.
2014ની લોકસભા ચૂંટણીમાં આઈ-પૅક ચર્ચામાં આવી હતી, જ્યારે ભાજપ તેનો ક્લાયન્ટ હતો. તે સમયે નરેન્દ્ર મોદીને 'વડા પ્રધાન બનાવવામાં આઈ-પૅકની વ્યૂહરચનાએ મોટી ભૂમિકા ભજવી હતી' તેમ કહેવાય છે.
મોદી પછી આઈ-પૅકે બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર માટે પણ કામ કર્યું હતું.

ઇમેજ સ્રોત, indianpac.com
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્યાર બાદ 2017માં આઈ-પૅકે કૉંગ્રેસ માટે પણ કામ કર્યું અને પંજાબ તથા ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસની ચૂંટણી રણનીતિ તૈયાર કરી હતી.
2019માં આઈ-પૅકે આંધ્ર પ્રદેશમાં વાયએસઆરસીપીના નેતા જગન મોહન રેડ્ડી સાથે કામ કર્યું હતું. આ ઉપરાંત 2019માં જ આઈ-પૅકના ક્લાયન્ટમાં શિવસેના પણ ઉમેરાઈ હતી.
2020માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે આઈ-પૅક અને આમ આદમી પાર્ટીએ સાથે મળીને કામ કર્યું હતું.
2025માં તે ડીએમકે સાથે સ્ટ્રેટેજી ઘડવામાં ભૂમિકા ભજવે છે. એક સમયે પ્રશાંત કિશોર આઈ-પૅક સાથે સંકળાયેલા હતા અને લગભગ સાત વર્ષ સુધી તેની સાથે રહ્યા હતા. ત્યાર બાદ તેમણે પોતાના રાજકારણ પર ફૉકસ કરવા માટે જનસુરાજ પાર્ટી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને આઈ-પેકથી અલગ થઈ ગયા.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ આઈ-પૅકને ટીએમસીના આંખ અને કાન સમાન ગણાવી છે.
આઈ-પેકની વેબસાઈટ પર આપેલી માહિતી પ્રમાણે તેને 2013માં સિટિઝન્સ ફૉર એકાઉન્ટેબલ ગવર્નન્સ (સીએજી) તરીકે શરૂ કરવામાં આવી હતી.
વેબસાઈટ કહે છે કે "તે એવા વિઝનરી નેતાઓ સાથે કામ કરે છે, જેમનો પૂરવાર થયેલો ટ્રૅક રેકૉર્ડ હોય. કંપની નેતાઓને જનતાલક્ષી એજન્ડા બનાવવામાં મદદ કરે છે અને તેની સાથે મળીને લાગુ કરે છે."
કોણ છે પ્રતીક જૈન?

ઇમેજ સ્રોત, linkedin
પ્રશાંત કિશોર ગયા બાદ આઈ-પૅકની કમાન ઋષિરાજસિંહ, વિનેશ ચંદેલ અને પ્રતીક જૈનની પાસે આવી.
ઍક્સપ્રેસની ખબર પ્રમાણે, પ્રતીક જૈન આઈ-પૅકમાં મુખ્ય વ્યક્તિ છે.
મનાય છે કે પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીમાં ટીએમસી માટે કામ કરવાની જવાબદારી તેમના માથે છે.
તેઓ આઈ-પૅકની સિસ્ટમને ટીએમસી સાથે જોડાવાનું કામ કરે છે.
પ્રતીક જૈનની લિંક્ડઇન પ્રોફાઇલથી મળેલી જાણકારી પ્રમાણે, તેઓ આઈ-પૅકમાં સહસંસ્થાપક અને નિદેશક છે.
એપ્રિલ, 2015માં આ કંપની સાથે પ્રતીક જૈન જોડાયેલા છે. જૈન પહેલાં સિટિઝન્સ ફૉર એકાઉન્ટેબલ ગવર્નન્સ સાથે જોડાયેલા હતા. તેઓ ત્યાં સ્થાપક સભ્ય હતા.
રાજનીતિ અંગેની સલાહ આપનારી કંપની સાથે જોડાયા પહેલાં તેઓ મલ્ટિનૅશનલ કંપની ડેલૉઇટમાં પણ ઍનાલિસ્ટ તરીકે કામ કરતા હતા.
તેમણે આઈટીઆઈ બૉમ્બેથી બી-ટૅક કર્યું છે.
કોલકાતામાં નાટ્યાત્મક ઘટના

ઇમેજ સ્રોત, ANI
કોલકાતામાં ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આઈ-પૅક પર દરોડા પાડ્યા ત્યારે એક નાટકીય ઘટનાક્રમમાં રાજ્યના મુખ્ય મંત્રી મનતા બેનરજી ત્યાં પહોંચી ગયાં હતાં.
ઈડીએ આઈ-પેકના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. મમતા બેનરજીએ ત્યાં પહોંચીને દાવો કર્યો કે ઈડીએ તેમના પક્ષ તૃણમૂલ કૉંગ્રેસની હાર્ડ ડિસ્ક, આંતરિક દસ્તાવેજો અને સંવેદનશીલ ડેટા કબજે કરવાની કોશિશ કરી હતી.
મમતા બેનરજીએ પ્રતીક જૈનને પોતાની પાર્ટીના આઈટી ચીફ ગણાવ્યા હતા અને કહ્યું કે તેમના ઘર પર ઈડીનો દરોડો રાજનીતિથી પ્રેરિત અને ગેરબંધારણીય છે.
બીજી તરફ ભાજપે આને પશ્ચિમ બંગાળ માટે 'કાળો દિવસ' ગણાવ્યો છે. ભાજપે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં કંઈ છુપાવવા જેવું ન હોય તો એક મુખ્ય મંત્રી સત્તાવાર તપાસના સ્થળે ફાઇલો મેળવવા માટે કેમ દોડી ગયા છે?
દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસ અધ્યક્ષા મમતા બેનરજીએ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની ઑફિસ બહાર પોતાના સાંસદો પર કરવામાં આવેલી પોલીસની કાર્યવાહીની નિંદા કરી છે.
સીએમ મમતા બેનરજીએ ઍક્સ પર પોસ્ટ કરતાં લખ્યું છે, "હું મારા સાંસદો સાથે કરવામાં આવેલા શરમજનક અને અસ્વીકાર્ય વ્યવહારની ઘોર નિંદા કરું છું."
"ગૃહ મંત્રીની ઑફિસ બહાર વિરોધપ્રદર્શન કરવાના પોતાના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરવા બદલ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સડકો પર ઘસેડવા કાયદો લાગુ કરવાની પ્રક્રિયા નથી, પરંતુ ઘમંડ છે. આ લોકતંત્ર છે. ભાજપની ખાનગી સંપત્તિ નહીં."
તૃણમૂલ કૉંગ્રેસે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ઑફિસ બહાર પ્રદર્શન કર્યું હતું. જેમાં ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન તથા મહુઆ મોઇત્રાને પોલીસે હિરાસતમાં લીધાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












