પૂનમ માડમથી લઈને કચ્છના વિનોદ ચાવડા સુધી : ગુજરાતના સાંસદોની સંપત્તિમાં જંગી વધારો

ઇમેજ સ્રોત, facebook
ગુજરાત સહિત ભારતના અનેક સાંસદોની સંપત્તિમાં છેલ્લા એક દાયકામાં અત્યંત ઝડપથી વધારો થયો એવું ઍસોસિયેશન ફૉર ડેમૉક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)નો અહેવાલ જણાવે છે.
2014થી 2024 દરમિયાન રાજકારણીઓએ પોતાની અંગત સંપત્તિ વિશે ચૂંટણીપંચને જે ઍફિડેવિટ સોંપ્યાં છે, તેના પરથી તેમની સંપત્તિમાં કેટલો વધારો થયો તેનો આંકડો મળી શકે છે.
એડીઆરએ સંસદ તરીકે 10 વર્ષ પૂરાં કર્યાં હોય તેવા 102 સાંસદોના ઍફિડેવિટની ચકાસણી કરીને પોતાનું તારણ આપ્યું છે.
તે મુજબ આ 102 સાંસદોએ છેલ્લા એક દાયકામાં તેમની સંપત્તિમાં સરેરાશ 17.36 કરોડનો વધારો નોંધાવ્યો છે. આ 102માંથી આઠ સાંસદ ગુજરાતનાં છે.
જામનગરનાં સાંસદ પૂનમ માડમ લિસ્ટમાં ટોચ પર

ઇમેજ સ્રોત, Poonam Madam/X
એક દાયકાની અંદર સંપત્તિમાં સૌથી ઝડપી વધારો થયો હોય તેવા સાંસદોમાં જામનગરનાં પૂનમ માડમ ગુજરાતમાં ટોચ પર છે.
એક દાયકાની અંદર તેમની મિલકતમાં 130 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 2014માં પૂનમ માડમે 17.43 કરોડની સંપત્તિ દર્શાવી હતી, જે 2024માં વધીને 147.70 કરોડ થઈ હતી. એટલે કે એક દાયકામાં પૂનમ માડમની સંપત્તિ લગભગ 750 ટકા જેટલી વધી છે.
આખા દેશમાં પહેલા નંબર પર સતારાના સાંસદ શ્રીમંત ભોંસલે છે જેમની સંપત્તિમાં એક દાયકામાં 162 કરોડનો વધારો થયો છે.
કચ્છના વિનોદ ચાવડા બીજા નંબર પર

ઇમેજ સ્રોત, Vinod Chavda/Instagram
ગુજરાતના સાંસદોમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાનું નામ આ લિસ્ટમાં છે જેમની સંપત્તિમાં 10 વર્ષમાં 1163 ટકાનો વધારો થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2014ની લોકસભા ચૂંટણી વખતે વિનોદ ચાવડાએ પોતાની ઍફિડેવિટમાં 56 લાખની સંપત્તિ દર્શાવી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં આ સંપત્તિ વધીને સાત કરોડ રૂપિયા થઈ હતી. વિનોદ ચાવડાની સંપત્તિમાં એક દાયકામાં 6.53 કરોડનો વધારો થયો છે.
ત્યાર બાદ બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાનો વારો આવે છે જેમની સંપત્તિમાં એક દાયકામાં 195 ટકાનો વધારો થયો છે. 2014માં પ્રભુભાઈની સંપત્તિ 1.59 કરોડ રૂપિયા હતી જે 2024માં વધીને 4.70 કરોડ થઈ હતી. એટલે કે એક દાયકામાં તેમની સંપત્તિમાં 3.10 કરોડનો વધારો થયો છે.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ લિસ્ટમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર પણ સામેલ છે. ભાભોરની સંપત્તિ એક દાયકા અગાઉ 1.96 કરોડ હતી જે 2024માં વધીને 4.84 કરોડ રૂપિયા થઈ હતી. એટલે કે 10 વર્ષમાં જસવંતસિંહ ભાભોરની સંપત્તિ 146 ટકા વધી છે.
ત્યાર બાદ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ખેડાના દેવુસિંહ ચૌહાણના નામ આ લિસ્ટમાં છે.
રાજેશ ચુડાસમા પાસે 2014માં 74 લાખ રૂપિયાની સંપત્તિ હતી જે 2024માં વધીને 3.34 કરોડ રૂપિયા થઈ હતી. એટલે કે તેમની સંપત્તિમાં 349 ટકા અથવા 2.60 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
દેવુસિંહ પાસે 2014માં 94 લાખની સંપત્તિ હતી જે 2024માં વધીને 3.49 કરોડ રૂપિયા થઈ હતી. દેવુસિંહની સંપત્તિમાં એક દાયકામાં 271 ટકાનો વધારો થયો છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાની સંપત્તિ 2014માં 65.71 લાખ રૂપિયા નોંધાઈ હતી જે 2019માં માત્ર ત્રણ લાખ વધીને 68 લાખ થઈ હતી, પરંતુ 2024ના ઍફિડેવિટ પ્રમાણે મનસુખ વસાવાની સંપત્તિ 2.54 કરોડ રૂપિયા હતી. એટલે કે તેમની સંપત્તિમાં 10 વર્ષમાં 288 ટકાનો વધારો થયો છે.
આ લિસ્ટ એવા સાંસદોનું છે જેઓ ફરી ચૂંટાયા છે. આંકડા દર્શાવે છે કે 2014માં ફરી ચૂંટાયેલા સાંસદની સરેરાશ ઍસેટ 15.76 કરોડ રૂપિયા હતી, જ્યારે 2019માં તેમની સરેરાશ સંપત્તિ 24.21 કરોડ રૂપિયા હતી અને 2024માં સરેરાશ સંપત્તિ વધીને 33.13 કરોડ રૂપિયા નોંધાઈ હતી.
સીઆર પાટીલની સંપત્તિમાં ઘટાડો

ઇમેજ સ્રોત, X/CR Patil
એડીઆરના અહેવાલ પ્રમાણે ગુજરાતના બીજા છ સાંસદોએ 10 વર્ષની અંદર પોતાની સંપત્તિમાં બે કરોડથી 6 કરોડ રૂપિયા સુધી વધારો થયો હોવાનું દેખાડ્યું છે.
તો ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલ એકમાત્ર એવા ગુજરાતી સાંસદ છે જેમની સંપત્તિ ઘટી છે. 2014માં સીઆર પાટીલે 74.47 કરોડની સંપત્તિ દેખાડી હતી, જ્યારે 2024ના ઍફિડેવિટ પ્રમાણે તેમની સંપત્તિ ઘટીને 39.49 કરોડ થઈ છે.
ભારતના અન્ય સાંસદો પાસે કેટલી સંપત્તિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
એડીઆરે પુનઃ ચૂંટાયેલા 102 સાંસદોની યાદી બહાર પાડી જેમાં ભાજપના સાંસદોની સંખ્યા સૌથી વધુ 65 છે.
ભાજપના સાંસદોની સંપત્તિમાં સરેરાશ 108 ટકા વધારો થયો છે. કેટલાંક જાણીતાં નામોની વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સંપત્તિ 15 કરોડથી વધીને 28 કરોડ રૂપિયા થઈ છે. મનોજ તિવારીની સંપત્તિ એક દાયકામાં 19.94 કરોડથી વધીને 12.82 કરોડ રૂપિયા થઈ છે.
એઆઇએમઆઇએમના સાંસદ અસદ્દુદીન ઓવૈસીની સંપત્તિ ચાર કરોડથી વધીને 23.87 કરોડ રૂપિયા થઈ છે. ભાજપના હેમામાલિની પાસે 278 કરોડ રૂપિયા કરતાં વધારે સંપત્તિ છે. તેવી જ રીતે શ્રીમંત ભોંસલે, શત્રુઘ્ન સિંહા, ઉત્તરાખંડના માલા રાજ્ય શાહ પાસે પણ 200 કરોડ રૂપિયા કરતા વધારે સંપત્તિ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












