ગુજરાત : રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડ્યા પછી ગામડેગામડે ફરી ખેડૂતોને શું પૂછી રહ્યા છે?
થોડા મહિના પહેલાં બોટાદ એપીએમસીના હડદડ કૉટન સબયાર્ડમાં કપાસની ખરીદી ચાલતી કથિત કડદા પ્રથા તથા ખેડૂતોએ ભોગવવી પડતી કથિત હાલાકીનો મુદ્દો ઉઠાવ્યા બાદ ચર્ચામાં આવેલા રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ ફરી એક વાર સમાચારમાં આવી ગયા હતા.
'વ્યક્તિગત કારણો' આગળ ધરીને રાજીનામું આપનાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ અધ્યક્ષપદે રહેલા રાજુ કરપડાએ બાદમાં એક પત્રકારપરિષદ યોજીને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
રાજુ કરપડાએ કહ્યું હતું, "જ્યારે હું જેલમાં હતો ત્યારે હું તેમાંથી બહાર નહીં આવું તે માટે આપના કેટલાક નેતાઓએ પ્રયાસ કર્યો હતો."
તેમણે કહ્યું કે તેમની જ પાર્ટીના નેતાઓએ તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે કહ્યું, "હું જ્યાં સુધી આપમાં હતો ત્યાં સુધી વફાદાર હતો અને પાર્ટીને મજબૂત કરવા પ્રયત્ન કર્યો હતો. મેં જેલની હવા ખાધી છે. જે ખેડૂતોએ ક્યારેય પોલીસ સ્ટેશન નહોતું જોયું તેમણે પણ જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો."
તો આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અગાઉ બીબીસીને કહ્યું હતું કે રાજુભાઈએ જેલમાંથી બહાર નીકળ્યા પછી ભાજપ વિશે એક શબ્દ બોલ્યા હોય તો કહો.
તેમણે કહ્યું કે "રાજુભાઈ પ્રત્યે મને નારાજગી નથી. દુ:ખ એ વાતનું છે કે તેમણે ભાજપનો હાથો બનીને ખેડૂતના નિસાસા લીધા છે. ખેડૂતોને આશા જાગી હતી એવે સમયે તેમણે આ પાપ કર્યું છે. જેલ જવાથી બચવા માટે તેમણે ખેડૂત આંદોલનનો બલિ ચડાવ્યો."
હવે રાજુ કરપડા ઘણાં ગામડાંમાં સભાઓ કરી રહ્યા છે અને ખેડૂતોને મળી રહ્યા છે.
સભાઓમાં તેઓ શું વાત કરી રહ્યા છે અને ભાજપમાં જોડાશે તો શું કરશે?
જુઓ રાજુ કરપડા સાથે વાતચીત...
વીડિયો: તેજસ વૈદ્ય અને સચીન પીઠવા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



