તેહરાન સહિત ઈરાનનાં અનેક શહેરોમાં ઉગ્ર પ્રદર્શન, 'શાહ જિંદાબાદ'ના નારા પણ લાગ્યા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડેવિડ ગ્રિટન
- પદ, બીબીસી ન્યૂઝ
ઈરાનની રાજધાની તેહરાન તથા અન્ય શહેરોમાંથી અનેક વીડિયો વાઇરલ થયા છે, જેમાં મોટી સંખ્યામાં લોકોને રસ્તા ઉપર જોઈ શકાય છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ઈરાનમાં ધાર્મિક સત્તા છે અને તેમના વિરોધમાં થયેલાં પ્રદર્શનોમાં આ શક્તિશાળી હોવાનું જણાવાય રહ્યું છે.
ગુરુવારે સાંજે તેહરાના સહિત ઈરાનના બીજા સૌથી મોટા શહેર મશહદમાં શાંતિપૂર્ણ પ્રદર્શન થયાં હતાં. ઈરાનના સુરક્ષાબળોએ આ પ્રદર્શનોને અટકાવ્યાં ન હતાં. બીબીસી ફારસીએ આ વીડિયોની પુષ્ટિ કરી છે.
એક મૉનિટરિંગ ગ્રૂપના જણાવ્યા પ્રમાણે, એ પછી સમગ્ર ઈરાનમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
વીડિયો ફૂટેજમાં પ્રદર્શનકારીઓને ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈને હઠાવવાની માંગ કરતા જોઈ શકાય છે. સાથે જ તેમને છેલ્લા શાહના નિર્વાસિત દીકરા રઝા પહલવીની વાપસીના નારા લગાવતા સાંભળી શકાય છે. રઝા પહલવીએ પોતાના સમર્થકોને રસ્તા ઉપર ઊતરવાની અપીલ કરી હતી.
12 દિવસથી વિરોધપ્રદર્શન, ઓછામાં ઓછા 22નાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
માનવાધિકાર સંગઠનોના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે સતત 12મા દિવસે ઈરાનમાં અશાંતિ જોવા મળી હતી.
ઈરાનનાં ચલણનાં અવમૂલ્યન પછી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, જે જોતજોતામાં ઈરાનના તમામ 31 પ્રાંતના 100થી વધુ શહેર અને વિસ્તારોમાં ફેલાઈ ગયો હતો.
અમેરિકાસ્થિત હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સીના (એઆરએએનએ) જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 34 પ્રદર્શનકારીઓનાં મૃત્યુ થયાં છે. જેમાં પાંચ બાળકો પણ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય આઠ સુરક્ષાકર્મી પણ મૃત્યુ પામ્યાં છે તથા બે હજાર 270 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
નૉર્વેસ્થિત ઈરાન હ્યુમન રાઇટ્સનાં (આઈએચઆર) જણાવ્યા પ્રમાણે, સુરક્ષાબળોની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 45 પ્રદર્શનકારીઓ મૃત્યુ પામ્યા છે, જેમાં આઠ બાળકોનો પણ સમાવેશ થાય છે.
બીબીસી ફારસીએ 22 લોકોનાં મૃત્યુ તથા ઓળખની પુષ્ટિ કરી છે. બીજી બાજુ, ઈરાનના અધિકારીઓએ છ સુરક્ષાકર્મીઓનાં મૃત્યુની માહિતી આપી છે.
ગુરુવારે સાંજે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ થયેલા તથા બીબીસી ફારસી દ્વારા વૅરિફાઇડ વીડિયોઝમાં દેશનાં ઉત્તર-પૂર્વમાં આવેલાં મશહદ શહેરના મુખ્ય રસ્તા ઉપર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓને કૂચ કરતા જોઈ શકાય છે.
આ વીડિયોઝમાં "શાહ જિંદાબાદ" અને "આ છેલ્લી લડાઈ છે, પહલવી પરત આવશે" જેવા નારા સાંભળી શકાય છે. એક સ્થળે કેટલાક લોકો ઓવરબ્રિજ ઉપર ચઢતાં અને ત્યાં લગાડવામાં આવેલાં સીસીટીવી કૅમેરા જેવાં ઉપકરણોને હઠાવતાં જોઈ શકાય છે.
ઑનલાઇન પોસ્ટ કરવામાં આવેલા અન્ય એક વીડિયોમાં પૂર્વ તેહરાનના મુખ્ય રસ્તા ઉપર મોટી સંખ્યામાં લોકોને કૂચ કરતા જોઈ શકાય છે.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેહરાનના ઉત્તર ભાગમાંથી બીબીસી ફારસીને વીડિયો મોકલવામાં આવ્યા છે. આ ફૂટેજમાં વધુ મોટી ભીડને "આ છેલ્લી લડાઈ છે, પહલવી પરત આવશે" જેવા નારા લગાવતા સાંભળી શકાય છે.
અન્ય વિસ્તારોમાંથી જે વીડિયો બહાર આવ્યા છે, તેમાં સુરક્ષાબળો સાથે અથડામણ બાદ, પ્રદર્શનકારીઓને "શરમજનક" તથા "ડરો નહીં, આપણે બધા સાથે છીએ" જેવા નારા લગાવતા સાંભળી શકાય છે.
મધ્ય ઈરાનના શહેર ઇસ્ફહાનના એક વીડિયોમાં પ્રદર્શનકારીઓને "સરમુખત્યાર મુર્દાબાદ"ના નારા સાંભળી શકાય છે. આ નારાને ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ સાથે જોડીને જોવામાં આવે છે. ઉત્તર ઈરાનના બાબોલ શહેરમાં "શાહ જિંદાબાદ" તથા ઉત્તર-પશ્ચિમના તબરીઝ શહેરમાં "ડરો નહીં, આપણે બધા સાથે છીએ" જેવા નારા લગાવતા જોઈ શકાય છે.
ઈરાનની પશ્ચિમે આવેલા દેઝફૂલ શહેરથી બીબીસી ફારસીને વીડિયો ફૂટેજ મોકલવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓને જોઈ શકાય છે. જ્યાંના એક ચોકમાં સુરક્ષાબળોને ગોળી ચલાવતા જોઈ શકાય છે.
આ પહેલાં રઝા પહલવી અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં રહે છે. તેમણે ઈરાનીઓને રસ્તા ઉપર ઊતરવા તથા એકજૂટ થઈને પોતાની માંગણીઓને બુલંદ કરવા માટે લોકોને આહ્વાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1979માં ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થઈ હતી અને રઝા પહલવીના પિતાને સત્તા ઉપરથી હઠાવી દેવામાં આવ્યા હતા.
ઈરાનનું સરકારી મીડિયા શું કહે છે?

ઇમેજ સ્રોત, BBC Persian
ઈરાનના સરકારી મીડિયાએ ગુરુવારની અશાંતિને ઓછી કરીને રજૂ કરી છે. કેટલાક કિસ્સામાં તો પ્રદર્શન થયા જ નથી, એમ પણ જણાવવામાં આવ્યું છે. જેના માટે માત્ર રસ્તાના વીડિયો દેખાડવામાં આવ્યા.
દરમિયાન ઇન્ટરનેટ ઉપર નજર રાખતી સંસ્થા 'નેટબ્લૉક્સ'ના આંકડા ઉપર નજર કરીએ તો "હાલ ઈરાનમાં ઇન્ટરનેટ સંપૂર્ણપણે બંધ થવાની અણિ ઉપર" છે.
સંસ્થાએ અનેક શહેરોમાં ઇન્ટરનેટ કનેક્શન બંધ થવા વિશે ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે, "દેશભરમાં જે પ્રદર્શન થઈ રહ્યા છે, તેને ધ્યાને લઈને ડિજિટલ સેન્સરશિપ લાદવામાં આવી છે, જેના કારણે આમ થઈ રહ્યું છે. આના કારણે મહત્ત્વપૂર્ણ સમયે પરસ્પર સંપર્ક સાધવાના લોકોના અધિકાર ઉપર તરાપ પડી છે."
ગુરુવારે સવારના ઈરાનના પશ્ચિમી પ્રાંત ઈલામના નાનકડા નગર લોમારના વીડિયોમાં લોકોને, "તોપ, ટૅન્ક, આતશબાજી તથા મૌલવીઓએ જવું રહ્યું"ના નારા લગાવતા જોઈ શકાય છે. આ નારાને ઈરાનની ધાર્મિકસત્તા સાથે જોડીને જોવામાં આવે છે.
અન્ય એક વીડિયોમાં લોકોને બૅન્કની બહાર કાગળ હવામાં ઉછાળતા જોઈ શકાય છે.
અન્ય એક વીડિયોમાં ઇલામ, કેરમનશાહ તથા લોરેસ્તાન પ્રાંતોમાં કૂર્દોની બહુમતીવાળા વિસ્તારોમાં શહેરો અને નગરોમાં દુકાનો બંધ જોવા મળી હતી.
નિર્વાસિત કૂર્દ વિપક્ષીસંગઠનોએ આ વિસ્તારોમાં પ્રદર્શનો દરમિયાન થયેલી ઘાતક કાર્યવાહીના વિરોધમાં હડતાલનું આહ્વાન આપ્યું હતું.
કૂર્દ માનવાધિકાર સંગઠન હેંગાવના જણાવ્યા પ્રમાણે, અશાંતિ દરમિયાન ઇલામ, કેરમનશાહ તથા લોરેસ્તાનમાં સુરક્ષાબળોની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 17 પ્રદર્શનકારીઓ મૃત્યુ પામ્યા હતા. જેમાંથી અનેક કૂર્દ અથવા લોર જેવા લઘુમતી સમુદાયના હતા.
બુધવારે પશ્ચિમ ઈરાનના અનેક શહેરો તથા નગરો, ઉપરાંત અન્ય સ્થળોએ પણ પ્રદર્શનકારીઓ અને સુરક્ષાબળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
આઈએચઆરના કહેવા પ્રમાણે, અશાંતિનો આ સૌથી ઘાતક દિવસ હતો. આ દિવસે દેશભરમાં 13 પ્રદર્શનકારીઓનાં મૃત્યુની પુષ્ટિ થઈ હતી.
સંસ્થાના નિર્દેશ મહમૂદ અમીરી-મોદાદ્દમનું કહેવું છે, "પુરાવા પરથી જોઈ શકાય છે કે કાર્યવાહી દરરોજ વધુ હિંસક થઈ રહી છે અને મોટાપાયે ફેલાઈ રહી છે."
હેંગાવે જણાવ્યું કે બુધવારે રાત્રે ગિલાન પ્રાંતના ખોશ્ક-એ-બિજાર શહેરમાં સુરક્ષાબળોએ બે પ્રદર્શનકારીઓને ગોળી મારી દીધી હતી.
રિવૉલ્યુશનરી ગાર્ડ્સની નજીક મનાતી ઈરાનની અર્ધ-સરકારી સમાચાર સંસ્થા ફાર્સએ જણાવ્યું હતું કે બુધવારે ત્રણ પોલીસકર્મી મૃત્યુ પામ્યા હતા.
એજન્સીના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ-પશ્ચિમ શહેર લોર્દેગનમાં 'ઉપદ્રવીઓ'ના સમૂહની સાથે હથિયારબંધ લોકો જોડાયા હતા. જેમણે બે પોલીસવાળાને ગોળી મારી દીધી હતી.
ત્રીજા પ્રદર્શનકારીનું મૃત્યુ તેહરાનમાં થયું હતું. "અશાંતિને કાબૂ કરવાના પ્રયાસ દરમિયાન" ચાકૂ લાગવાથી તેમનું મૃત્યુ થયું હતું.
ટ્રમ્પે દખલ દેવાની ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ફરી એક વખત ચેતવણી ઉચ્ચારી હતી કે જો ઈરાનના અધિકારીઓ દ્વારા પ્રદર્શનકારીઓની હત્યા કરવામાં આવશે, તો અમેરિકા સૈન્યકાર્યવાહી કરી શકે છે.
હ્યૂ હેવિટ શૉને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું, "મેં તેમને કહી દીધું છે કે જો તેમણે લોકોને મારવાનું શરૂ કર્યું, સામાન્યતઃ તેઓ આવું કરતા હોય છે, તો અમે સજ્જડ જવાબ આપીશું."
આ પહેલાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને શાંતિપૂર્ણ પ્રદર્શનો સાથે "પૂરેપૂરો સંયમ જાળવવા" અપીલ કરી હતી તથા નિવેદનમાં કહ્યું હતું કે, "કોઈપણ પ્રકારનું હિંસક કે બળજબરીપૂર્વકનું આચરણ ટાળવું જોઈએ."
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈએ શનિવારે કહ્યું હતું કે અધિકારીઓએ "પ્રદર્શનકારીઓ સાથે વાત" કરવી જોઈએ, પરંતુ "હુલ્લડખોરોને તેમનું સ્થાન દેખાડવું જોઈએ."
તાજેતરના પ્રદર્શનો તા. 28 ડિસેમ્બરથી શરૂ થયા હતા. ખુલ્લા બજારમાં અમેરિકન ડૉલરની સરખામણીએ રિયાલના (ઈરાનનું ચલણ) ભાવોમાં ભારે ઘટાડો થયો હતો, જેના કારણે તેઓ નારાજ હતા.
છેલ્લા એક વર્ષમાં ઈરાની રિયાલ રેકૉર્ડ નીચલા સ્તરે ગગડી ગયો છે અને મોંઘવારી 40 ટકા સુધી પહોંચી ગઈ છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે, જેની અસર ઈરાનના અર્થતંત્ર ઉપર પણ જોવા મળી રહી છે.
'અમે મુશ્કેલીમાં જીવીએ છીએ'

ઇમેજ સ્રોત, Getty Images
જોતજોતામાં યુનિવર્સિટીઓના વિદ્યાર્થી પણ આ પ્રદર્શનોમાં સામેલ થઈ ગયા તથા આ પ્રદર્શન અન્ય શહેરોમાં પણ ફેલાઈ ગયા. આ લોકોએ અનેક વખત ઈરાનની ધાર્મિક સત્તા સામે ગંભીર નારેબાજી કરતા સાંભળવા મળ્યા હતા.
બ્રિટનસ્થિત એક કાર્યકર્તાની મદદથી તેહરાનમાં રહેતાં એક મહિલાએ બીબીસીને સંદેશ મોકલ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે હતાશાને કારણે પ્રદર્શન થઈ રહ્યાં છે.
આ મહિલાનું કહેવું છે, "અમે ખૂબ જ મુશ્કેલીમાં જીવીએ છીએ. એવું લાગે છે કે હવામાં લટકેલી છું, ક્યાંય જવા માટે પાંખો નતી તથા અહીં સપનાં પૂર્ણ કરવાની આશા પણ નથી. આ જિંદગી અસહ્ય થઈ ગઈ છે."
અન્ય એક મહિલાએ કહ્યું હતું કે ધાર્મિક સત્તાએ તેમનાં સપનાં "ઝૂંટવી" લીધાં છે, એટલે તેઓ પ્રદર્શન કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે તેઓ દેખાડવા માંગે છે કે "હજુ પણ ચીસ પાડવા માટે અમારી પાસે અવાજ તથા ચહેરા ઉપર મારવા માટે મુક્કો છે."
પશ્ચિમ ઈરાનમાં આવેલાં ઈલામનાં એક મહિલાના કહેવા પ્રમાણે, તેઓ એવાં કેટલાક યુવાનોને જાણે છે કે જેમના પરિવાર સત્તા સાથે જોડાયેલા છે, આમ છતાં તેઓ પ્રદર્શનમાં સામેલ થઈ રહ્યા છે.
તેમણે કહ્યું, "મારી બહેનપણીના પિતા ગુપ્તચર સેવાઓમાં વિખ્યાત નામ છે. છતાં તે અને તેની ત્રણ બહેનો પિતાને જણાવ્યા વગર પ્રદર્શનોમાં સામેલ થઈ રહી છે."
વર્ષ 2022માં મહસા અમીનીનું કસ્ટડીમાં મૃત્યુ થયું હતું, એ પછી ઈરાનમાં પ્રદર્શન ફાટી નીકળ્યાં હતાં. તાજેતરનાં પ્રદર્શન એથી પણ વધુ વ્યાપક અને ઉગ્ર છે.
મહસા અમીની યુવા કૂર્દ મહિલા હતાં, જેમને યોગ્ય રીતે હિજાબ ન પહેરવાના આરોપ સબબ મૉરાલિટી પોલીસે પકડ્યાં હતાં.
માનવાધિકાર સંગઠનોના જણાવ્યા પ્રમાણે, એ સમયે મહિનાઓ સુધી પ્રદર્શન ચાલ્યાં હતાં, જેમાં 550થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 20 હજાર કરતાં વધુ લોકોને પકડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ બાદ સૌથી મોટા પ્રદર્શન વર્ષ 2009માં થયા હતા. એ સમયે યોજાયેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણી વિવાદાસ્પદ રહી હતી. ત્યારે લાખો ઈરાની રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા.
એ પછી જે કાર્યવાહી હાથ ધરવામાં આવી, તેમાં વિપક્ષના ડઝનબંધ સભ્યો મૃત્યુ પામ્યાં હતાં અને હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












