મોબાઇલ અને કમ્પ્યૂટર આ વર્ષે થશે ઘણાં મોંઘાં, આટલી કિંમતો શા માટે વધી રહી છે?

મોબાઇલ, કમ્પ્યૂટર્સ, ડિવાઇસ, ટૅક્નૉલૉજી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તમે જે પણ ઉપકરણોનો ઉપયોગ કરો છો તેની કિંમત વર્ષ 2026 માં વધી શકે છે. તેનું કારણ છે રેન્ડમ ઍક્સેસ મેમરી (RAM) ની કિંમતમાં વધારો.

ઑક્ટોબર 2025થી રૅમની કિંમત બમણાં કરતાં પણ વધુ થઈ ગઈ છે.

રૅમનો ઉપયોગ કમ્પ્યૂટર, સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અને તબીબી ઉપકરણોમાં પણ થાય છે.

રૅમના ભાવમાં વધારો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના ડેટા સેન્ટરોના વિકાસને કારણે થઈ રહ્યો છે, જેને ચલાવવા માટે પણ રૅમની જરૂર પડે છે.

તેના કારણે માગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત પેદા થઈ રહ્યો છે અને દરેકને ઊંચા ભાવ ચૂકવવા પડી રહ્યા છે.

RAM ઉત્પાદકોએ બેથી પાંચ ગણો ભાવ વધાર્યો

મોબાઇલ, કમ્પ્યૂટર્સ, ડિવાઇસ, ટૅક્નૉલૉજી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કમ્પ્યૂટર નિર્માતા કંપની સાયબરપાવર પીસીના જનરલ મૅનેજર સ્ટીવ મેસન કહે છે, "અમને કેટલાક મહિના પહેલાંની સરખામણીમાં લગભગ 500 ટકા વધુ ઉત્પાદનખર્ચ કહેવામાં આવી રહ્યો છે. "

તેઓ કહે છે, "એવો સમય આવશે જ્યારે પાર્ટ્સની કિંમતમાં વધારો થવાથી ઉત્પાદકોને કિંમત વધારવાનો નિર્ણય લેવાની ફરજ પડશે."

"જો તમે રૅમ અથવા સ્ટોરેજ ડિવાઇસનો ઉપયોગ કરો છો, તો તેમની કિંમતો વધી શકે છે."

તેમનું કહેવું છે કે ઉત્પાદકો તેમજ ગ્રાહકોએ નિર્ણયો લેવા પડશે.

અહીં ઉલ્લેખનીય છે કે કોઈપણ ઉપકરણમાં કોડ સ્ટોર કરવા માટે રૅમનો ઉપયોગ થાય છે. રૅમ એ દરેક કમ્પ્યૂટરનો એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. ઉદાહરણ તરીકે, રૅમ વગર તમે અત્યારે જે વાંચી રહ્યા છો તે શક્ય ન હોત.

રૅમ એ લગભગ દરેક પ્રકારનાં કમ્પ્યૂટરમાં જોવા મળતો ઘટક છે. પીસી સ્પેશિયાલિસ્ટના ડૅની વિલિયમ્સ કહે છે કે, "કિંમતો 2026 સુધી વધતી રહેવાની ધારણા છે."

તેમણે કહ્યું, "2025માં બજાર ઝડપથી વિકસ્યું છે. જો મેમરીના ભાવમાં થોડો ઘટાડો નહીં થાય, તો 2026માં વપરાશકર્તાઓ તરફથી તેની માંગ ઘટી શકે છે."

તેમનું કહેવું છે કે રૅમ ઉત્પાદકોને અલગ રીતે અસર થઈ છે.

"કેટલાક પાસે વધારાનો સ્ટોક છે, તેથી તેમણે દોઢ કે બે ગણો ભાવ વધાર્યો છે. પરંતુ જેમની પાસે સ્ટોક નથી તેમણે પાંચ ગણો ભાવ વધાર્યો છે."

AIને કારણે કિંમતોમાં વધારો

મોબાઇલ, કમ્પ્યૂટર્સ, ડિવાઇસ, ટૅક્નૉલૉજી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'ચિપ વૉર'ના લેખક ક્રિસ મિલર કહે છે કે કમ્પ્યૂટર મેમરીની વધતી માગનું કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે.

તેમણે કહ્યું, "મેમરી ચિપ્સની માંગ વધી છે કારણ કે AI ને હાઇ-ઍન્ડ અને હાઇ-બૅન્ડવિડ્થ ટૅકનૉલૉજીની જરૂર છે. આના કારણે વિવિધ પ્રકારની મેમરી ચિપ્સના ભાવમાં વધારો થયો છે."

તેઓ સમજાવે છે કે આ માગ અને પુરવઠા વચ્ચેના મોટા અંતરને કારણે છે. હાલમાં, માગ ખૂબ ઊંચી છે.

ટૅક ઇનસાઇડ્સના માઇક હૉવર્ડે બીબીસીને જણાવ્યું હતું કે ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સ 2026 અને 2027 માટે તેમની મેમરી જરૂરિયાતોનો અંદાજ લગાવી રહ્યા છે.

તેમણે કહ્યું કે, "આનાથી રૅમ ઉત્પાદકોની માંગ વધી છે. પુરવઠો ઍમેઝોન, ગૂગલ અને અન્ય મોટી કંપનીઓ દ્વારા આયોજન કરાયેલ સ્તર સાથે મેળ ખાતો નથી."

"પુરવઠાની અછતને કારણે કિંમતો વધી રહી છે. કેટલાક કિસ્સાઓમાં, આ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. કેટલાકે તો હાલ માટે કિંમતો આપવાનું પણ બંધ કરી દીધું છે. આ આશ્ચર્યજનક છે અને સૂચવે છે કે ભવિષ્યમાં કિંમતો વધુ વધી શકે છે."

તેઓ કહે છે, "કેટલાક ઉત્પાદકોએ આ પરિસ્થિતિનો અંદાજ લગાવી લીધો હશે અને કિંમતોમાં વધારાનો સામનો કરવા માટે તેમણે પહેલાથી જ પોતાનો સ્ટોક વધારી દીધો હશે."

તેમણે કહ્યું, "સામાન્ય રીતે કમ્પ્યૂટરના કુલ ખર્ચમાં મેમરીનો હિસ્સો 15 થી 20 ટકા હોય છે. પરંતુ હાલમાં, મેમરીનો હિસ્સો 30 થી 40 ટકા સુધી પહોંચી ગયો છે.મોટાભાગના વપરાશકર્તાઓને આ વધારો પરવડી શકે તેમ નથી."

2026 માં શું થશે?

કિંમતોમાં વધારાને કારણે, વપરાશકર્તાઓએ નક્કી કરવું પડશે કે તેમણે ડિવાઇસ માટે વધુ ચૂકવણી કરવી જોઈએ કે પછી ઓછા શક્તિશાળી ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ.

સ્ટીવ મેસન કહે છે, "બજાર નિષ્ણાતો માને છે કે 2026 અને 2027ના વર્ષોમાં તેમનો પુરવઠો અને કિંમતો સમગ્ર વિશ્વ માટે એક પડકાર રહેશે."

કેટલીક કંપનીઓએ સામાન્ય વપરાશકર્તાઓના બજારથી પોતાને દૂર રાખ્યા છે.

અગાઉ રૅમના સૌથી મોટા વેચાણકર્તાઓમાંના એક એવી માઇક્રોને ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી કે તે AIની વધતી માંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. માઇક્રોને કહ્યું કે તે તેની સૌથી મહત્ત્વપૂર્ણ બ્રાન્ડનું વેચાણ બંધ કરશે.

મેસનનું કહેવું છે કે આ નિર્ણયનો મતલબ એ છે કે બજારના સૌથી મોટા ખેલાડીઓમાંથી એક ખેલાડી બહાર થઈ જશે.

"એક તરફ તેના કારણે ગ્રાહકો માટે પસંદગી ઘટી જાય છે. પરંતુ એ પણ શક્ય છે કે જો તેઓ ફક્ત AI પર ધ્યાન કેન્દ્રિત કરે, તો અન્ય કંપનીઓ યુઝર્સ પર ધ્યાન આપીને ઉત્પાદનો બનાવી શકે. આવા કિસ્સામાં સંતુલન જાળવી શકાય."

માઇક હૉવર્ડ કહે છે, "વર્ષ 2026 માં, 16 જીબી રૅમવાળા સામાન્ય લૅપટૉપની કિંમતમાં 40 થી 50 ડૉલરનો વધારો (અંદાજે 3600 થી 4500 રૂપિયા) થઈ શકે છે. આની સીધી અસર ફક્ત ગ્રાહકો પર પડશે."

"સ્માર્ટફોનની કિંમતમાં પણ 30 ડૉલર (અંદાજે 2700 રૂપિયા) સુધીનો વધારો થઈ શકે છે."

વિલિયમ્સ કહે છે કે ભાવ વધારાથી બીજી અસરો પણ થઈ શકે છે.

"આજના સમયમાં લૅપટૉપ્સ લોકોની રોજિંદી જરૂરિયાત છે. તેમણે નક્કી કરવું પડશે કે મેમરી માટે વધુ પૈસા ચૂકવવા કે પછી ઓછાં શક્તિશાળી ઉપકરણનો ઉપયોગ કરવો."

તેમનું કહેવું છે કે તેના કારણે લોકો તેમનાં જૂના ઉપકરણોનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન