દેશમાં સૌર ઊર્જાનો વધતો ઉપયોગ કઈ ભયંકર સમસ્યા નોતરી રહ્યો છે?

ભારતમાં સમગ્ર વર્ષ દરમિયાન ભરપૂર સૂર્ય પ્રકાશ મળી રહે છે, જેના કારણે સૌર ઊર્જા ઘણી જ કાર્યક્ષમ પુરવાર થઈ છે

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં સમગ્ર વર્ષ દરમિયાન ભરપૂર સૂર્યપ્રકાશ મળી રહે છે, જેના કારણે સૌર ઊર્જા ઘણી જ કાર્યક્ષમ પુરવાર થઈ છે
    • લેેખક, નિકીતા યાદવ
    • પદ, બીબીસી સંવાદદાતા

દેશમાં સૌર ઊર્જાનું ઝડપી વિસ્તરણ વ્યાપક સફળતા તરીકે જોવાઈ રહ્યું છે. પણ તેમાંથી ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરવાની યોજના વિના આ રૂપાંતરણ કેટલું સ્વચ્છ બની રહેશે, તે એક સવાલ છે.

એક દાયકા કરતાં થોડાક જ વધુ સમયમાં ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઊર્જાનો ઉત્પાદક દેશ બની ગયો છે અને પુનઃ પ્રાપ્ય ઊર્જા હવે તેની ક્લાઇમેટ રણનીતિના કેન્દ્રસ્થાને છે. વિશાળ સોલર પાર્ક્સથી લઈને શહેરો અને ગામડાંની છતો પર ઠેકઠેકાણે સોલર પૅનલ્સ જોવા મળે છે.

મોટા સોલર પાર્ક્સની સાથે-સાથે લાખો રૂફટૉપ સિસ્ટમ્સ ઇલેક્ટ્રિસિટી ગ્રિડમાં વીજળીનો પુરવઠો પહોંચાડે છે.

સરકારી ડેટા અનુસાર, આશરે 2.4 મિલિયન પરિવારોએ સબસિડી સ્કીમ હેઠળ સૌર ઊર્જા અપનાવી છે. સૌર ઊર્જાનો વપરાશ વધતાં કોલસા પરની દેશની નિર્ભરતા ઘટી ગઈ છે. થર્મલ અને અન્ય બિન-પુનઃ પ્રાપ્ય સ્રોતો હજુયે કુલ પૈકીનો અડધાથી વધુ પુરવઠો પૂરો પાડતા હોવા છતાં સૌર ઊર્જાનું પ્રદાન હવે 20 ટકા કરતાં વધારે છે.

તેમ છતાં, આ સિદ્ધિ તેની સાથે સમસ્યા પણ લઈને આવી છે. સોલર પૅનલ્સ વાપરવામાં ભલે સ્વચ્છ હોય, પણ જો તેનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવામાં ન આવે, તો તે પર્યાવરણ સામે જોખમો નોતરી શકે છે.

કેટલી જોખમી હોય છે સોલર પૅનલ્સ?

સોલાર પેનલ્સ સામાન્ય રીતે 25 વર્ષની આવરદા ધરાવે છે

ઇમેજ સ્રોત, Getty Images

સોલર પૅનલ્સ મોટાભાગે રિસાઇકલેબલ હોય છે. તે કાચ, ઍલ્યુમિનિયમ, ચાંદી અને પૉલિમર્સથી બને છે, પણ સીસું અને કૅડમિયમ જેવી ઝેરી ધાતુઓનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવામાં ન આવે, તો તે જમીન અને પાણીને દૂષિત કરી શકે છે.

સોલર પૅનલ્સ સામાન્ય રીતે 25 વર્ષની આવરદા ધરાવે છે. તે પછી તેને હટાવીને ફેંકી દેવાય છે. હાલમાં ભારત પાસે સોલર-વેસ્ટનું રિસાઇકલિંગ કરવા માટે કોઈ સમર્પિત બજેટ નથી અને જૂની પૅનલ્સનું પ્રોસેસિંગ કરનારી નાની સુવિધાઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી જ છે.

ભારત પાસે સોલર વેસ્ટનો કોઈ સત્તાવાર ડેટા નથી, પણ એક અભ્યાસ પ્રમાણે, 2023 સુધીમાં આ સોલર વેસ્ટનું કદ અંદાજે 1,00,000 ટન હતું અને 2030 સુધીમાં તે વધીને 6,00,000 ટન થવાની ધારણા છે. હાલના તબક્કે આ પ્રમાણ ઓછું છે, પણ આવનારા સમયમાં તે મોટાપાયે વધશે અને રિસાઇકલિંગ ક્ષેત્રે ઝડપથી રોકાણ કરવામાં ન આવ્યું, તો ભારતે વધતા કચરાના સંકટનો સામનો કરવો પડી શકે છે, એવી ચેતવણી નિષ્ણાતોએ ઉચ્ચારી હતી.

કાઉન્સિલ ઑન ઍનર્જી, એન્વાયરમેન્ટ ઍન્ડ વૉટર (સીઈડબલ્યૂ) દ્વારા હાથ ધરવામાં આવેલા એક નવા અભ્યાસમાં એવો અંદાજ આંકવામાં આવ્યો છે કે, ભારતમાં 2047 સુધીમાં 11 મિલિયન ટન સોલર વેસ્ટ ઉત્પન્ન થવાની શક્યતા છે. આ કચરાનું વ્યવસ્થાપન કરવા માટે આગામી બે દાયકામાં લગભગ 300 જેટલી સમર્પિત રિસાઇકલિંગ સુવિધાઓ અને 478 મિલિયન ડૉલર (362 મિલિયન પાઉન્ડ)ના રોકાણની આવશ્યકતા ઊભી થશે.

ઊર્જા કંપની ટાર્ગ્રેના રોહિત પાહવા જણાવે છે, "દેશના મોટાભાગના વિશાળ સોલર પાર્ક્સ 2010ના દાયકાના મધ્ય ભાગમાં ઊભા કરવામાં આવ્યા હતા, આથી, કચરાનો મહાકાય ખડકલો 10થી 15 વર્ષોમાં આવવો શરૂ થશે."

દેશના સૌર કચરાના અંદાજો વૈશ્વિક પૅટર્ન્સનું પ્રતિબિંબ પાડે છેઃ 2010ના દસકામાં થયેલા ઝડપી સૌર વિસ્તરણને પગલે 2030 સુધીમાં અમેરિકામાં 1,70,000થી એક મિલિયન ટન અને ચીનમાં આશરે એક મિલિયન ટન સૌર કચરો ઉત્પન્ન થઈ શકે છે.

સોલર કચરાનો નિકાલ એક મોટી સમસ્યા

દેશની ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં થર્મલ પાવર પ્લાન્ટ્સનું વર્ચસ્વ છે.

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images

ઇમેજ કૅપ્શન, દેશની ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં થર્મલ પાવર પ્લાન્ટ્સનું વર્ચસ્વ છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, નીતિગત ક્ષેત્રે સારો એવો તફાવત જોવા મળે છે.

અમેરિકામાં સોલર-પૅનલના રિસાઇકલિંગની કામગીરી મુખ્યત્વે રાજ્યના નિયમોના મિશ્રિત માળખાં હેઠળ બજાર દ્વારા સંચાલિત છે. ભારતની માફક ચીનની વ્યવસ્થા હજુ વિકાસના તબક્કામાં છે અને તેમાં એક સમર્પિત નિયમિકારી માળખાનો અભાવ વર્તાય છે.

2022માં ભારતે સોલર પૅનલ્સને ઈ-વેસ્ટના નિયમો હેઠળ આવરી લીધી હતી, જેને પગલે સોલર પૅનલ્સના એકત્રીકરણ, સંગ્રહ, અલગ કરવાની અને તેને રિસાઇકલિંગની જવાબદારી ઉત્પાદકો ઉપર આવી હતી.

નિષ્ણાતો જણાવે છે કે, ખાસ કરીને ઘરો અને નાના પાયા પર લગાવવામાં આવેલી પૅનલ્સ માટે અમલીકરણ અસમાન છે અને કુલ ઇન્સ્ટોલેશન્સમાં તેમનું પ્રમાણ 5-10 ટકા જેટલું છે. આ પૅનલ્સ સાધારણ હોવા છતાં તે સારો એવો કચરો ઉત્પન્ન કરી શકે છે, કારણ કે, તેને ટ્રૅક કરવી, એકત્રિત કરવી અને રિસાઇકલ કરવી મુશ્કેલ હોય છે.

નુકસાનગ્રસ્ત કે નકામી થઈ ગયેલી પૅનલ્સ ઘણી વખત લૅન્ડફિલ્સ કે પછી બિનઅધિકૃત રિસાઇકલર્સ પાસે પહોંચતી હોય છે, જ્યાં અસલામત પદ્ધતિઓ ઝેરી પદાર્થો ઉત્પન્ન કરી શકે છે. બીબીસીએ આ માટે વધુ વિગતો મેળવવા ભારતના પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલયનો સંપર્ક સાધ્યો હતો.

પર્યાવરણ નિષ્ણાત સાઈ ભાસ્કર રેડ્ડી નક્કાના જણાવ્યા અનુસાર, "સૌર ઊર્જા બે દાયકા સુધી સ્વચ્છ ઊર્જાનો ભ્રમ ઊભો કરે છે. પણ, પૅનલ્સના રિસાઇકલિંગ માટેના કોઈ ગંભીર આયોજન વિના તે મૉડ્યૂલ્સનો ખડકલો ઊભો કરવાનું સંકટ સર્જે છે."

સમસ્યામાં તક

ક્ષતિગ્રસ્ત અને જૂની રૂફટોપ પેનલ્સને ભાગ્યે જ રિસાઈકલ કરવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, ક્ષતિગ્રસ્ત અને જૂની રૂફટૉપ પૅનલ્સને ભાગ્યે જ રિસાઇકલ કરવામાં આવે છે.

નિષ્ણાતોના મતે, પડકારો મોજૂદ હોવા છતાં આ સમસ્યામાં તકો પણ છુપાયેલી છે.

પાહવા જણાવે છે, "જેમ-જેમ કચરો વધશે, તેમ-તેમ તેનું પ્રોસેસિંગ કરનારી કંપનીઓ માટેની માગ પણ વધશે."

સીઈઈડબલ્યૂના જણાવ્યા પ્રમાણે, કાર્યક્ષમ રિસાઇકલિંગ થકી 2047 સુધીમાં નવી પૅનલો માટે 38 ટકા જેટલી સામગ્રી પુનઃ પ્રાપ્ત કરી શકાય છે અને ખનનથી થતું 37 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન અટકાવી શકાય છે.

અભ્યાસનાં સહ-લેખિકા અકાંક્ષા ત્યાગી જણાવે છે કે, ભારત પાસે કાચ અને ઍલ્યુમિનિયમનાં બજારો અગાઉથી જ મોજૂદ છે અને સોલર સેલ્સમાંથી મળતી સિલિકોન, ચાંદી અને તાંબા જેવી ધાતુઓ નવી પૅનલ્સ બનાવવા કે અન્ય ઉદ્યોગો માટે પુનઃ પ્રાપ્ત કરી શકાય છે.

વર્તમાન સમયમાં મોટાભાગના સૌર કચરાનું પાયાગત પદ્ધતિઓથી પ્રોસેસિંગ કરવામાં આવે છે, જેમાં માત્ર કાચ અને ઍલ્યુમિનિયમ જેવી ઓછું મૂલ્ય ધરાવતી સામગ્રી જ પુનઃ પ્રાપ્ત થાય છે, જ્યારે કિંમતી ધાતુઓ કાં તો નષ્ટ થઈ જાય છે, નુકસાનગ્રસ્ત થઈ જાય છે અથવા તો અત્યંત ઓછી માત્રામાં નિકાળવામાં આવે છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, દેશનાં સૌર લક્ષ્યાંકો માટે આગામી દાયકો નિર્ણાયક બની રહેશે. ભારતે ઝડપથી કાર્યવાહી કરવી પડશે - નિયમન ધરાવતી આત્મનિર્ભર રિસાઇકલિંગ વ્યવસ્થા ઊભી કરવી પડશે, ઘરેલૂ જાગૃતિ વધારવી પડશે અને સૌર ઊર્જાના વ્યવસાયના મૉડલ્સમાં કચરાના એકત્રીકરણને એકીકૃત કરવું પડશે.

નકામી થઈ ગયેલી પૅનલ્સનું શું કરવામાં આવે છે, તે જોવા માટે સૌર ઊર્જામાંથી નફો રળતી કંપનીઓ પણ જવાબદાર હોવી જોઈએ, એમ નક્કાએ જણાવ્યું હતું.

તેમણે ચેતવણી આપી હતી, "યોગ્ય રિસાઇકલિંગના અભાવે આજની સ્વચ્છ ઊર્જા આવતી કાલના કચરાના ખડકલાનું કારણ બની શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન