ગુજરાતમાં ખેતી અને બાંધકામ ક્ષેત્રે મળતી મજૂરી કરતાં પણ મનરેગામાં કામ કરતા મજૂરોને વેતન કેમ ઓછું મળે છે?

બીબીસી ગુજરાતી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા લઘુતમ વેતન શ્રમિક પગાર

ઇમેજ સ્રોત, Mint via Getty Images

ઇમેજ કૅપ્શન, માત્ર 288 રૂપિયાના દૈનિક વેતનમાં ઘર ચલાવવું મુશ્કેલ હોવાની ફરિયાદ કરવામાં આવે છે (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાત સહિત ભારતનાં ગામડાંમાં રહેતા અને રોજગારી ન ધરાવતા લોકોને ગામમાંથી સ્થળાંતર કર્યા વિના જ રોજગારીની ગૅરંટી આપતી યોજના મનરેગાની જગ્યાએ અમલમાં આવેલી "વીબી જી રામ જી" ચર્ચામાં છે. આ ચર્ચામાં બન્ને યોજનાનાં સારાં-નરસાં પાસાં પર વાદ-વિવાદ હોઈ શકે છે.

આ વાદ-વિવાદોમાં ઓછી ચર્ચાતી બાબત એ છે કે ગુજરાતમાં બાંધકામ અને ખેતીનાં ક્ષેત્રોમાં કામ કરતાં શ્રમજીવીઓનાં લઘુતમ વેતન અનુક્રમે રૂ. 474 અને રૂ. 401 છે, જ્યારે મનરેગામાં કામ કરનારા શ્રમિકોને એક દિવસની મજૂરી બાદ માત્ર 288 રૂપિયા જ મળે છે.

એમાં પણ પહેલાં મનરેગા હેઠળ 100 દિવસ અને હવે નવા બદલાયેલા સ્વરૂપ 'વીબી જી રામ જી' હેઠળ 125 દિવસની રોજગારીની ગૅરંટી સામે ગુજરાતના શ્રમિકોને સરેરાશ 50 કરતાં પણ ઓછા દિવસો માટે કામ મળ્યું હતું.

મનરેગા હેઠળ કામ કરતાં શ્રમિકો કેટલાક મુદ્દે સતત સંઘર્ષમાં રહ્યા છે. તેમાંથી એક તેમનું લઘુતમ વેતન પણ છે.

ગુજરાતમાં મનરેગાના શ્રમિકોને મળતા દૈનિક રૂ. 288માં તેમને ગુજરાન ચલાવવું અઘરું પડે છે. શ્રમિકો કહે છે કે રૂપિયા 288 પણ સમયસર ન મળતા તેમની સમસ્યા વધે છે. મોટા ભાગના કિસ્સાઓમાં મનરેગાના શ્રમિકોને પૂરતા દિવસો કામ ન મળતા તે તેમના સંઘર્ષની વાસ્તવિકતાને વધુ ખરાબ બનાવે છે.

'આટલા નીચા વેતનમાં ગુજારો કરવો મુશ્કેલ'

બીબીસી ગુજરાતી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા લઘુતમ વેતન શ્રમિક પગાર

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં લોકોની ફરિયાદ છે કે ઘણી અરજીઓ કરવા છતાં તેમને મનરેગામાં કામ નથી મળ્યું

ખટકપુર ગામનાં શ્રમિક સવિતાબહેન ખાંટ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

તેઓ જણાવે છે કે, ગયા વર્ષે તેમને 15 દિવસનું કામ મળ્યું અને તે 15 દિવસનું વેતન 1,200થી 1,300 રૂપિયા હતું. આટલા વેતનમાં ઘરખર્ચ કાઢવો અઘરો છે. જ્યારે મોંઘવારીના માર વચ્ચે ખાવાની પ્રાથમિક ચીજવસ્તુઓ ખરીદવી પણ અશક્ય બની જાય છે.

પંચમહાલનાં શ્રમિક સુમિત્રાબહેન કહે છે, "મને ગયા વર્ષે મનરેગા હેઠળ જે કામ મળ્યું હતું તેમાં એક દિવસના 275 રૂપિયા વેતન મળ્યું હતું."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે ખોજલવાસા ગામનાં શ્રમિક જ્યોતિકાબહેન બારિયા કહે છે, "મને છેલ્લે 2020માં કામ મળ્યું હતું ત્યારે વેતન દૈનિક 150થી 200 રૂપિયા વચ્ચે અપાયું હતું. ત્યારબાદ ઘણી અરજીઓ કર્યા પછી પણ કામ મળ્યું નથી. આટલા વેતનમાં જીવન જીવવાની તકલીફો શોધવા જવી પડતી નથી."

તેવું જ કઈંક કહેવું શ્રમિક લલિતાબહેન બારિયાનું છે.

સરકારી યોજનાઓ માટેના બજેટમાં નાણાંની ફાળવણી અને તેના અસરકારક ઉપયોગનું વિશ્લેષણ કરતી સંસ્થા 'પાથેય'ના નિયામક મહેન્દ્ર જેઠમલાની બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, "એપ્રિલ મહિનામાં દરેક વર્ષનું લઘુતમ વેતન જે તે વિસ્તારની પરિસ્થિતિ પ્રમાણે જાહેર કરવામાં આવતું હોય છે. કામના મૂલ્યાંકન બાદ વેતન આપવામાં આવતું હોય છે."

ગુજરાત સરકારની વિગતો અનુસાર, 'ગુજરાત સરકારે આ વર્ષમાં જાહેર કરાયેલ લઘુતમ વેતનના આંકડાઓ તરફ નજર કરીએ તો, શ્રમ આયુક્તની કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા કૉન્ટ્રેક્ટ મજૂર (નિયમન અને નાબુદી) અધિનિયમ, 1970 હેઠળ લઘુતમ વેતન દર નક્કી કરતા પરિપત્ર જેમાં મુખ્યત્વે બાંધકામ શ્રમિકોના વેતનની વાત છે. તેમાં દર્શાવાયું છે કે, કુશળ શ્રમયોગીઓ માટે દૈનિક મૂળ વેતન ઝોન-1 માં રૂ. 474 અને ઝોન-2 માં રૂ. 452 નિર્ધારિત કરવામાં આવ્યું છે'.

આ ઉપરાંત ગુજરાત સરકારની વેબસાઇટ અનુસાર, "તેવી જ રીતે, અર્ધ કુશળ કામદારો માટે બંને ઝોનમાં રૂ. 452, જ્યારે બિન કુશળ કામદારો માટે ઝોન-1 માં રૂ. 452 અને ઝોન-2 માં રૂ. 441નો દર નક્કી થયો છે. ઝોન-1 માં મુખ્યત્વે મ્યુનિસિપલ કૉર્પોરેશન, નગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યારે રાજ્યના અન્ય તમામ વિસ્તારો ઝોન-2માં આવે છે."

ઉપરોક્ત મૂળ વેતન ઉપરાંત, કૉન્ટ્રેક્ટરોએ શ્રમયોગીઓને જીવન-નિર્વાહના આંક પર આધારિત ખાસ ભથ્થું પણ ચૂકવવાનું રહેશે. તા. 1 ઑક્ટોબર, 2025થી 31 માર્ચ, 2026 સુધીના છ માસના ગાળા માટે આ ખાસ ભથ્થું દૈનિક રૂ. 48.50 નક્કી કરવામાં આવ્યું છે.

મજૂરોના શોષણનો આરોપ

બીબીસી ગુજરાતી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા લઘુતમ વેતન શ્રમિક પગાર

ઇમેજ સ્રોત, ANAND DUTT/BBC

ઇમેજ કૅપ્શન, મનરેગાના કામદારોને કેટલા સમયમાં વેતન મળશે તે ઘણી વખત નિશ્ચિત નથી હોતું

પરિપત્રમાં જણાવ્યું છે કે, 'આ ભથ્થાની રકમ કૉન્ટ્રેક્ટરોએ શ્રમયોગીઓને ઠરાવેલા મૂળ વેતન ઉપરાંત ચૂકવવાની રહેશે. શ્રમ આયુક્તના આ હુકમનો અમલ થાય તે જોવાની જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે. આ આદેશ 30 સપ્ટેમ્બર 2025 ના રોજ મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા પ્રમાણિત કરીને જારી કરવામાં આવ્યો છે'.

બાંધકામ મઝદૂર સંગઠનના જનરલ સેક્રેટરી વિપુલ પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "અત્યારે અમદાવાદમાં બાંધકામ મજૂરોનું લઘુતમ વેતન રૂ. 501 છે. આ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં 2થી 3 રૂપિયાનો ફરક હોય શકે છે. મનરેગાનું લઘુતમ વેતન રૂ. 288 છે. આ ફરક ઘણો મોટો છે.

"ત્યારે સરકારની શરૂઆતથી એવી દલીલ હતી કે, આ એવાં કામો છે જેમાં અમે લઘુતમ વેતન ન આપી શકીએ."

વિપુલ પંડ્યાનું કહેવું છે કે "મનરેગા હેઠળ શાળાની દીવાલ બનાવવી કે, રોડ-રસ્તા બનાવવા જેવાં કામ તો બાંધકામનાં કામ છે ના, કે ખેતીકામ છે. તો સરકારે કન્સ્ટ્રક્શન હેઠળ જે લઘુતમ વેતન આપવામાં આવે છે તે આપવું જ જોઈતું હતું."

આ ઉપરાંત મનરેગામાં ઓછી રોજગારી છે, ઉપરાંત વેતન કેટલા સમયમાં શ્રમિકના ખાતામાં આવશે તેની કોઈ ગૅરંટી નથી.

"નવું બિલ આવ્યું તેમાં રાહત છે, જેમાં સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આઠ દિવસની અંદર વેતન કરવાની જોગવાઈ છે. પણ અમલીકરણને લઈને ઘણા સવાલ છે," વિપુલ પંડ્યા કહે છે.

તેમના મત પ્રમાણે, "ઓછું વેતન મળવું તે સરકાર દ્વારા થતું શોષણ કહેવાય."

તેઓ કહે છે, "આ ઉપરાંત, હાર્ડ સૉઇલ અને સૉફ્ટ સૉઇલની મજૂરીનાં માપદંડ પણ નક્કી કરાયાં છે. પણ આ માપદંડ 'ટાઇમ અને મોશન' સ્ટડીના આધારે જ નક્કી થવાં જોઈએ. કોઈપણ રીતે જો કોઈ શ્રમિક 8 કલાક કામ કરે ત્યારે તેને અમુક લઘુતમ વેતન મળવું જ જોઈએ."

નવા કાયદામાં રાજ્ય સરકાર પર જવાબદારી ઢોળાઈ

બીબીસી ગુજરાતી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા લઘુતમ વેતન શ્રમિક પગાર

ઇમેજ સ્રોત, ANAND DUTT/BBC

ઇમેજ કૅપ્શન, મનરેગા હેઠળ હરિયાણા સૌથી વધારે 400 રૂપિયા દૈનિક વેતન ચૂકવે છે (પ્રતીકાત્મક તસવીર)

મહેન્દ્ર જેઠમલાની જણાવે છે કે "અમુક જગ્યાએ હાર્ડ સૉઇલ હોય ત્યારે શ્રમિકે વધારે મજૂરી કરવી પડતી હોય છે ત્યારે તેમાં પણ વેતન વધારે હોય છે, જ્યારે સૉફ્ટ સૉઇલ હોય ત્યાં મજૂરી ઓછી થાય તે રીતે પણ વેતન દર નક્કી થતાં હોય છે."

વિપુલ પંડ્યા ઉદાહરણ આપતાં જણાવે છે કે, "કોઈ શ્રમિક ઉચ્ચક ખોદકામને લઈને વેતન મેળવે છે તેના બદલે સમયના આધારે વેતન મળવું જોઈએ. શ્રમિક એક કલાક પણ કામ કરે તો તેને તેટલું વેતન મળી જવું જોઈએ. જોકે, કામ અઘરું હોય અને તે વધારે શ્રમ લેનારું હોય ભલે તે ઓછું થયું હોય તો પણ તેટલું વેતન મળવું જ જોઈએ.

"સરકારે મનરેગા હેઠળ મળતા વેતનને વધારવાની જરૂર છે. અને નવી યોજના 'વીબી જી રામ જી'માં તો આખી જવાબદારી રાજ્ય સરકાર પર નાખી દીધી છે. હવે આ પરિસ્થિતિઓમાં સરકાર આ યોજનાને લાગુ કરવા કેટલી ઉત્સુક હશે. તે જોવું રહયું. કેમ, કે અત્યારસુધી કેન્દ્ર સરકાર આ યોજના ચલાવવા પૈસા આપતી હતી."

ઉલ્લેખનીય છે કે, શહેરોમાં તો આ યોજનાનું ખાસ અમલીકરણ જ નથી.

તેમણે જણાવ્યું કે, "જ્યારે સરકાર ખેતીકામનું લઘુતમ વેતન અમલમાં મૂકે છે, તે 402 છે. તે પણ 114 રૂપિયા ઓછા મળે છે તે ખરેખર શોષણ છે."

વિપુલ પંડ્યા કહે છે, "બાંધકામ શ્રમ સાથે જોડાયેલા શ્રમિકોનું પણ શોષણ થાય છે, કેમ કે, ગુજરાતનું મજૂરી કામ ભાગ્યા મજૂરીના આધારિત છે, પરિવાર આખો દિવસ કામ કરે તે પછી પણ પૂરતું વેતન આવતું નથી."

ભારત સરકારની વેબસાઇટ વિકાસપીડિયામાં દર્શાવેલ આંકડાઓ અનુસાર, ગુજરાતનું આ વર્ષે મનરેગા હેઠળ દૈનિક વેતન રૂ. 288 છે. જે ગયા વર્ષે રૂ. 280 હતું. ત્યારે હરિયાણા ટોચ પર છે જે મનરેગા હેઠળ દૈનિક રૂ. 400 વેતન આપે છે. ત્યારે અરુણાચલ પ્રદેશ અને નાગાલૅન્ડ મનરેગા હેઠળ સૌથી ઓછું રૂ. 241 વેતન આપનારા રાજ્યો છે.

ખેતમજૂરો કરતાં મનરેગામાં ઓછું વેતન

બીબીસી ગુજરાતી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા લઘુતમ વેતન શ્રમિક પગાર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં રોજગારી ન મળવાના કારણે આદિવાસી વિસ્તારોમાંથી સૌથી વધારે પલાયન થાય છે

ઉપરાંત ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ પાસેથી બીબીસી ગુજરાતીએ મેળવેલા દસ્તાવેજ અનુસાર અને ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ખેતીકામમાં રોકાયેલા શ્રમિકો માટે દૈનિક લઘુતમ વેતનનો દર રૂ. 268 નક્કી કરવામાં આવ્યો છે.

મૂળ વેતન ઉપરાંત, જીવનનિર્વાહના આંક (Cost of Living Index Number) ના આધારે 'ખાસ ભથ્થું' આપવાની પણ જોગવાઈ કરે છે. તે નવું ખાસ ભથ્થું (Special Allowance): રૂ. 134.00 (ઑક્ટોબર 2025 થી માર્ચ 2026 માટે) છે. આમ ખેતીકામમાં શ્રમિકનું કુલ દૈનિક લઘુતમ વેતન 402 રૂપિયા થાય છે, જે મનરેગાથી 114 રૂપિયા વધારે છે.

આ દર્શાવે છે કે, મનરેગા હેઠળ કામ કરતાં શ્રમિકોનું લઘુતમ વેતન, ખેતી સાથે જોડાયેલા શ્રમિકોના લઘુતમ વેતન કરતાં પણ ઓછું છે.

મહેન્દ્ર જેઠમલાની જણાવે છે કે, "એપ્રિલ 2025ની પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટીના રિપોર્ટમાં આ વેતન ચુકવણીમાં મોડું થવું જેવા મુદ્દા લીધેલા છે. ત્યારે લઘુતમ વેતન રૂ. 400 હોવું જોઈએ, તે બાબતની ભલામણો કરી છે."

આદિવાસી વિસ્તારોમાં શ્રમિકોના મુદ્દે કામ કરતાં ગોવા રાઠોડ બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "આદિવાસી વિસ્તારોમાં સિંચાઈની વ્યવસ્થા નથી તેથી આદિવાસી ખેડૂતો મોટે ભાગે એક સિઝન લેતા હતા. બાકી સિઝન માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પલાયન કરી જતા હતા. જે શ્રમિકો જે સિઝનમાં જાય જ્યારે, કાપણીમાં જાય છે તેમાં, ન્યૂનતમ વેતન કરતાં પણ વધારે વેતન મળતું હોય છે, જોકે, તે 15 કે 20 દિવસનું જ હોય છે. તેમ શ્રમ પણ વધારે અઘરો હોય છે. તેમજ 12 કલાકથી પણ વધારે કામ કરે છે."

"ઉપરાંત શ્રમિકોના કામના સ્થળે, બાળકોના શિક્ષણની કોઈ વયસ્થા નથી. કેટલું કમાશે તે કામ આપનાર શ્રમિકના માલિકની મરજી મુજબ ચાલતું હોય છે."

ગોવા રાઠોડ કહે છે કે, ઘણીવાર એવા કિસ્સા પણ સામે આવે છે કે, કામ પત્યા પછી શ્રમિકો પર ચોરી જેવા પાયાવિહોણા આરોપ મૂકીને શ્રમિકને ધમકાવીને કાઢી મુકતા હોય છે. ત્યારે મજૂરો મજબૂર બન્યા છે, જે તેમની ઇચ્છા ન હોય તો પણ કામ કરતા હોય છે.

"ખેતીકામ સાથે જોડાયેલા શ્રમિકોને પણ લઘુતમ વેતન મળતું નથી. પાકની લણણી વખતે કદાચ મળી જાય છે, પણ તે સિવાયના સમયમાં કામ મળતું નથી."

ઓછામાં ઓછું 700 રૂપિયા વેતન જરૂરી

બીબીસી ગુજરાતી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા લઘુતમ વેતન શ્રમિક પગાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2004માં ભારતમાં દુનિયાની સૌથી મોટી ગ્રામીણ રોજગાર ગૅરંટી યોજના શરૂ કરવામાં આવી હતી

ગોવા રાઠોડ શ્રમિકોના વેતનમાં શોષણનો એક કિસ્સો કહેતા જણાવે છે કે, "દક્ષિણ ગુજરાતમાં શેરડી કાપણીની 14 ફૅક્ટરીઓ છે. તેમાં અઢી લાખથી વધુ આદિવાસી શ્રમિકો આવતા હોય છે. તે લોકોનું લઘુતમ વેતન 476 રૂ. પ્રતિ ટન છે પણ જ્યારે તેનો ટાઇમ મોશન અભ્યાસ કર્યો, ત્યારે સામે આવ્યું કે, બે શ્રમિક આઠ કલાક કામ કરે ત્યારે એક ટન જેટલી શેરડી કાપી અને લોડિંગ કરી શકે છે, એટલે એક મજૂરને દિવસના અંતે 200 રૂપિયા આસપાસ મળે, જે લઘુતમ વેતનથી ઘણું ઓછું છે."

"લઘુતમ વેતન આપવામાં ઘણી સમસ્યાઓ સામે આવે છે, તે વેતન સિઝન પત્યા પછી શ્રમિકને મળતું હોય છે. ત્યાં સુધી શ્રમિકને ખાવાની ખર્ચી મળે, ખર્ચીનું પેમેન્ટ રિટર્ન કરવાનું થાય ત્યારે, દોઢ ટકા વ્યાજ સાથે લેવાય છે તે શ્રમિકના વેતનમાંથી કપાય છે. તે ઉપરાંત ખર્ચ અને વધારાના 20 રૂપિયા શ્રમિકોના એજન્ટ લે છે. તો સરકારી નિયમ પ્રમાણે પણ પેમેન્ટ નથી મળતું. લઘુતમ વેતન મળતું નથી, ઉપરાંત 20 રૂપિયા પર ટન વધારાના જાય છે. આમ એક સિઝનમાં 100 કરોડનું નુકશાન જાય છે."

નીતા હાર્ડિકર અન્નસુરક્ષા અભિયાનનું નેતૃત્વ કરે છે, તેઓ કહે છે કે, મનરેગામાં જે લેબર અને મટિરિયલ કૉસ્ટ છે, તેમાં 60 ટકા લેબર કૉસ્ટ હોવી જોઈએ, 40 ટકાથી વધારે મટિરિયલ કૉસ્ટ ન હોવી જોઈએ.

તેમણે કહ્યું કે, "મનરેગામાં લેબર કૉસ્ટ 60 ટકાથી ઓછી ન હોવી જોઈએ. મનરેગાના કોઈ પણ શ્રમિકને લિવિંગ વેતનના હિસાબથી ગણીએ તો લઘુતમ વેતન 700 રૂપિયાથી ઓછું ન હોવું જોઈએ."

મનરેગા હેઠળ ચૂકવાતું લઘુતમ વેતન ઓછું જ છે. તે રૂ. 288 હોવા છતાં ખૂબ ઓછા શ્રમિકોને મનરેગાના હેઠળ તેટલું વેતન મળ્યું હોય.

"શ્રમિકને લઘુતમ વેતન રૂ. 700 તો મળવું જ જોઈએ, પણ સરકારની ઇચ્છાશક્તિનો અભાવ છે," નીતા હાર્ડિકર જણાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન