'જી રામ જી' વિવાદ: મનરેગાએ આવી રીતે ગામડાંમાં રોજગારી લાવી, હવે કઈ વાતનો ડર?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા
અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનારા જોસેફ સ્ટિગ્લિટ્ઝે 2016માં જણાવ્યું હતું, "મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગૅરંટી ઍક્ટ (મનરેગા) ભારતનો એકમાત્ર સૌથી મોટો મૂળભૂત કાર્યક્રમ છે અને સમગ્ર વિશ્વએ તેમાંથી શીખ મેળવવી જોઈએ."
હવે મોદી સરકાર 20 વર્ષથી અસ્તિત્વ ધરાવતા મનરેગા કાયદા (મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગૅરંટી ઍક્ટ)ને સ્થાને એક નવું બિલ લાવી છે.
કૉંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે 2005માં મનરેગા કાયદો અમલી બનાવ્યો હતો, જે હેઠળ ગ્રામીણ વિસ્તારોના પરિવારોને વર્ષમાં 100 દિવસ રોજગારીની બાંહેધરી આપવામાં આવી હતી.
ગ્રામીણ વિસ્તારોમાં વસતા અને કોઈ વિશિષ્ટ કૌશલ્યો (અર્થાત્ બિનકૌશલ્યયુક્ત શ્રમ) ન ધરાવતા શ્રમિકો તથા મજૂરો માટે આ યોજના સીમાચિહ્નરૂપ ગણાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકારે નવા અધિનિયમને 'વિકસિત ભારત ગૅરંટી ફૉર ઍમ્પ્લોયમેન્ટ ઍન્ડ લાઇવલીહૂડ મિશન (રૂરલ)' અર્થાત 'VB-G Ram Ji' એવું નામ આપ્યું છે.
કેન્દ્ર સરકારના આ નવા અધિનિયમ તથા મનરેગામાં નામ સિવાય પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જેને લઈને વિરોધ પક્ષો સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવી રહ્યા છે.
નવો અધિનિયમ વર્ષમાં 125 દિવસ રોજગારી પૂરી પાડવાની દરખાસ્ત ધરાવે છે.
મનરેગાની જોગવાઈઓ પ્રમાણે, કેન્દ્ર સરકાર કામદારોનાં ભથ્થાંનો સમગ્ર ખર્ચ ઊઠાવે છે, રાજ્ય સરકારો સામાનના પુરવઠાના ખર્ચનો અમુક ભાગ ઊઠાવતી હોય છે. વધુમાં, વહીવટી જવાબદારીમાં રાજ્ય સરકારો મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મનરેગાનો કાયદો કેવી રીતે ગેમ ચેન્જર બન્યો?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્તમાન સમયમાં 12 કરોડ કરતાં વધુ સક્રિય વર્કર્સ મનરેગા હેઠળ રજીસ્ટર્ડ છે અને આથી, રોજગારી પૂરી પાડવાની દૃષ્ટિએ આ એક ઘણી મોટી યોજના છે.
એક દાવા અનુસાર, મનરેગાને સૌથી મોટી સફળતા કોવિડ-19 દરમિયાન સાંપડી હતી, જ્યારે દેશમાં રોજગારીની કટોકટી વ્યાપક બની હતી અને મનરેગા હેઠળ રોજગારી માટેની માગ ઘણી વધી ગઈ હતી.
2020-21ના વર્ષમાં મનરેગા હેઠળ બજેટની ફાળવણી રૂપિયા એક લાખ 11 હજાર કરોડના વિક્રમી સ્તર પર નોંધાઈ હતી.
ભારત જેવા વ્યાપક વસતી ધરાવતા દેશ માટે રોજગારી મુખ્ય સમસ્યા છે. તેમાંયે ગ્રામીણ વિસ્તારોમાં રહેનારા લોકો માટે કટોકટી વધુ ગંભીર હતી. આ સ્થિતિમાં ઘણાં સંગઠનો લાંબા સમયથી ગ્રામીણ વિસ્તારોની આ સમસ્યાને લઈને તેમનો અવાજ ઉઠાવી રહ્યાં હતાં.
મનરેગાએ આવા ગ્રામીણ પ્રદેશોમાં વસતા પરિવારો સામેના આજીવિકાના પડકારોને નાથવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ યોજનાએ બિનકૌશલ્યયુક્ત વર્કર્સના સ્થળાંતર તથા બેરોજગારીની સમસ્યાનું નિવારણ કરી દીધું અને સાથે જ ગ્રામીણ વિસ્તારની તસવીર બદલવામાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.
ગ્રામીણ પ્રદેશોમાં મનરેગાના પ્રભાવ વિશે વર્ણન કરતાં ખેડૂતો તથા શ્રમિકોના અધિકારો પર કામ કરતા સામાજીક કાર્યકર્તા નિખિલ ડે રાજસ્થાનનું ઉદાહરણ આપે છે.
નિખિલ કહે છે, "રાજસ્થાનનાં કેટલાંક સ્થળોએ દુકાળની, અમુક જગ્યાએ પૂરની તથા અન્ય કેટલાંક સ્થળોએ અકાળ (ભૂખમરા)ની સમસ્યા પ્રવર્તતી હતી. ત્યાંના લોકો મફતનું ખાવા અને ભીખ માગવા રાજી નહોતા. તેઓ કામ કરવા માગતા હતા, પણ ગામડાંમાં સરપંચ પાસે માત્ર 50 લોકો માટે જ કામ હતું, જ્યારે કામ માગવા હજાર લોકો લાઇનમાં ઊભા રહેતા હતા."
"રોજ સવારે સરપંચના ઘરની બહાર આખું ગામ કામ માગવા એકઠું થઈ જતું હતું. લોકો કામ માગવા માટે બે હાથ જોડીને સરપંચ અને વોર્ડના સભ્ય સામે ઊભા રહેતા હતા, તેમના પગ પકડી લેતા. તેઓ ગામની બહાર જવા માગતા ન હતા. પણ મનરેગાએ રોજગારીની બાંહેધરી આપી તથા લોકોનું સશક્તીકરણ કર્યું."
મનરેગાનો આશય ગ્રામીણ વિસ્તારોમાં વસનારા પરિવારોને 100 દિવસની રોજગારી ઉપલબ્ધ કરાવવાનો છે. તે માટે તેમને અલ્પતમ મજૂરી આપવામાં આવે છે, જે તેમની આજીવિકાની સુરક્ષા વધારે છે.
મનરેગા શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
મનરેગાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ અસ્કયામતોનું નિર્માણ કરવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓ, અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ના સમુદાયોને સામાજીક લાભ પ્રાપ્ત થયો.
મનરેગા હેઠળ, નોંધણી ધરાવતા દરેક વર્કરને 15 દિવસની અંદર બિનકૌશલ્યયુક્ત કાર્ય (એવું કાર્ય, જેમાં કોઈ વિશેષ કૌશલ્યની આવશ્યકતા ન હોય, જેમકે, પાવડા-કોદાળી ચલાવવા, માટી ઊઠાવવી, વગેરે)ની માગણી કરવાનો અને રોજગારી હાંસલ કરવાનો અધિકાર છે. જો કામ ન મળે, તો તેઓ બેરોજગારી ભથ્થું મેળવવાના હકદાર રહે છે.
મનરેગા હેઠળ કામ કરનારા લોકોને સમયસર ચૂકવણી કરવા માટેની જોગવાઈ કરવામાં આવી છે.
યોજનાના સામાજીક પ્રભાવ માટે સમયાંતરે સ્વતંત્ર એજન્સી મારફત આકારણીની જોગવાઈ પણ કરવામાં આવી છે.
મનરેગા ગ્રામીણ વિસ્તારોમાં માર્ગો, તળાવો તથા સિંચાઈની સુવિધાઓ, નદીઓના પુનરોદ્ધાર તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ મિશન સાથે સંકળાયેલાં અન્ય કાર્યોને આવરી લે છે. હાલમાં, આ યોજના હેઠળ 262 પ્રકારનાં કાર્યો હાથ ધરવામાં આવી શકે છે, જે પૈકીનાં 164 કાર્યો કૃષિ સાથે જોડાયેલાં છે.
ખાસ વાત એ છે કે, મનરેગા હેઠળ, નાના તથા સીમાંત ખેડૂતોને તેમની ખાનગી જમીન પર મદદ મળી શકે છે.
વરિષ્ઠ પત્રકાર અરવિંદ સિંહ જણાવે છે, "આ યોજનામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ અને મહિલાઓને રોજગારી પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં આ યોજનામાં મહિલાઓની ભાગીદારી 56 ટકા છે, જે સ્થિતિ આ યોજના થકી મહિલા સશક્તીકરણ તરફ ઇશારો કરે છે."
મનરેગાની સફર

ઇમેજ સ્રોત, Getty Images
મે, 2004માં તત્કાલીન યુપીએ સરકારે તેના કોમન મિનીમમ પ્રોગ્રામમાં ગ્રામીણ વિસ્તારો માટે એક રોજગાર યોજના સામેલ કરી હતી.
ભારતમાં 11મી પંચવર્ષીય યોજના (2007-12) શરૂ થઈ, તે પહેલાં તેના પર કામ કરી રહેલા કાર્યકારી જૂથે તે સમયે દેશમાં મોજૂદ 36 ટકા જેટલી ગરીબ વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
અરવિંદ સિંહ જણાવે છે કે, તે સમયથી ગ્રામીણ સમુદાયના લોકો માટે એક યોજના બનાવવા પરનું કામ ચાલુ થઈ ગયું હતું.
અગાઉ વીપી સિંહની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે આવા પ્લાન વિશે વિચારણા કરી હતી, પણ તે પ્લાન સફળ રહ્યો ન હતો.
વાસ્તવમાં, વીપી સિંહે વચન આપ્યું હતું કે, તેમની સરકાર કુલ પૈકીનું 60 ટકા બજેટ ગામડાં તથા કૃષિ ક્ષેત્ર પાછળ ખર્ચ કરશે.
અરવિંદ સિંહ વર્ણવે છે, "નૅશનલ રૂરલ ગૅરંટી સ્કીમ (નરેગા - રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના) બિલ ડિસેમ્બર, 2004માં રજૂ કરવામાં આવ્યું હતું. આ યોજના મૂળ મહારાષ્ટ્ર રાજ્યમાં ચાલી રહેલી એક રોજગાર યોજનાથી પ્રેરિત હતી. તે પછી બિલ ગ્રામીણ વિકાસ મંત્રાલયની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટિને મોકલવામાં આવ્યું હતું. જૂન, 2005માં કમિટિના ચૅરમૅન કલ્યાણ સિંહે આ બિલને આઝાદી પછીનું સૌથી મહત્ત્વનું બિલ ગણાવ્યું હતું."

ઇમેજ સ્રોત, Getty Images
સંસદ દ્વારા બિલ પસાર થઈ ગયા બાદ સપ્ટેમ્બર, 2005માં આ કાયદાનો અમલ કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
તે પછી બીજી ફેબ્રુઆરી, 2006ના રોજ તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહ અને યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધી દ્વારા આંધ્ર પ્રદેશના બંગલાપલ્લી ગામથી આ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો.
શરૂઆતમાં આ યોજનાનો 200 પસંદગીયુક્ત જિલ્લાઓમાં અમલ કરવામાં આવ્યો હતો અને એપ્રિલ, 2008માં દેશભરમાં તે અમલી બનાવાઈ હતી.
શરૂઆતમાં નરેગાનું બજેટ અંદાજે 15,000 કરોડ રૂપિયાનું હતું, પણ હવે તે વધીને આશરે 86,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ યોજના ગ્રામીણ પ્રદેશોમાં 18 વર્ષ કરતાં વધુ વયનાં પુરુષો તથા મહિલાઓને રોજગારીની બાંહેધરી પૂરી પાડે છે.
વર્ષ 2010માં આ યોજનાનું નામ બદલીને મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગૅરંટી ઍક્ટ, અર્થાત્ મનરેગા કરવામાં આવ્યું.
વાસ્તવમાં આ પાછળનો તર્ક એ હતો કે, આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોનું સશક્તીકરણ કરવામાં આવ્યું હતું અને મહાત્મા ગાંધી દેશનાં ગામડાંને મજબૂત બનતાં જોવા ઇચ્છતા હતા, આથી સ્કીમ સાથે તેમનું નામ જોડવામાં આવ્યું.
અરવિંદ સિંહ જણાવે છે, "2015માં, વિશ્વ બૅન્કે તેને વિશ્વનો સૌથી વિશાળ રોજગાર કાર્યક્રમ ગણાવ્યો હતો."
યોજના અંગે ઊઠેલી ફરિયાદો

ઇમેજ સ્રોત, ANI
દેશના ગ્રામીણ વિસ્તારોને રોજગારી પૂરી પાડતી આ યોજના વારંવાર ભ્રષ્ટાચાર જેવા વિવાદોમાં સપડાતી આવી છે.
આ ઉપરાંત, સ્કીમને લઈને એવી ફરિયાદો પણ થઈ હતી કે, ઘણાં સ્થળોએ લોકોને કામ આપ્યા વિના માત્ર કાગળ પર રોજગારી બતાડવામાં આવી હતી.
યુપીએ-2 સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશના કાર્યકાળ દરમિયાન, આ ફરિયાદો તથા ગેરરીતિઓને નિવારવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
આ માટે પ્લાનિંગ કમિશનના તત્કાલીન સભ્ય મિહિર શાહ પાસે સૂચનો માગવામાં આવ્યાં હતાં અને સાથે જ મનરેગાને લઈને ઊઠતા સવાલો ઉકેલવાની કોશીશ પણ કરાઈ હતી.
નિખિલ ડે કહે છે, "અગાઉ, એવું બનતું કે, સ્કીમ હેઠળ ગણ્યા-ગાંઠ્યા લોકો જ કામ કરતા, પણ કાગળ પર વધુ લોકો બતાવવામાં આવતા. સ્કીમ માટેનાં નાણાંનો દુરુપયોગ કરવામાં આવતો હતો. પણ આરટીઆઈ અને જાગૃતિને કારણે સ્થિતિમાં સુધારો થયો છે. હવે, આરટીઆઈ ફાઇલ કરીને તમે પણ જાણી શકો છો કે, સ્કીમ હેઠળ કેટલા લોકોએ કયા વિસ્તારમાં કામ કર્યું અને કયું કામ થયું છે.
વિરોધ પક્ષો શા માટે વાંધો ઉઠાવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, ANAND DUTT/BBC
નવા બિલમાં એવો પ્રસ્તાવ છે કે, યોજના હેઠળ થનારા કુલ પૈકીનો 60 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ઊઠાવશે, જ્યારે બાકીનો 40 ટકા ખર્ચ રાજ્ય સરકારોએ ઊઠાવવાનો રહેશે. અગાઉ, રાજ્યોનો ખર્ચ માંડ 10 ટકાની આસપાસ રહેતો હતો.
નવી જોગવાઈ પ્રમાણે, ઉત્તર-પૂર્વીય રાજ્યો, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તથા અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ થનારો 90 ટકા ખર્ચ ઊઠાવશે.
નિખિલ ડે જણાવે છે, "કેન્દ્ર સરકારની દરખાસ્તમાં એવી ઘણી જોગવાઈઓ છે, જે આ યોજનામાંથી રોજગારની બાંયધરી ખતમ કરે છે. હાલમાં, યોજના દેશભરમાં લાગુ છે, પણ નવા પ્રસ્તાવની કલમ 5 (1)માં લખ્યું છે કે, આ યોજના ક્યાં લાગુ કરવામાં આવશે, તે કેન્દ્ર સરકાર નક્કી કરશે."
તેઓ આગળ કહે છે, "કયા રાજ્યને કેટલા પૈસા આપવા જોઈએ, તેનો માપદંડ હવેથી કેન્દ્ર સરકાર નક્કી કરશે. સરકાર જેટલા પૈસા આપશે, તે અનુસાર યોજના લાગુ કરવામાં આવશે અને હવેથી રાજ્યોએ યોજનાના કુલ પૈકીના 40 ટકા બજેટનો ખર્ચ ઊઠાવવાનો રહેશે."
વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવાઈ જણાવે છે, "મનરેગાને કારણે ગ્રામીણ વિસ્તારોના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવ્યો હતો. તેમને કામ આપીને સરકારી સ્કીમમાં સામેલ કરવામાં આવ્યા હતા અને લોકો સકારાત્મક પ્રવૃત્તિઓમાં જોડાયા હતા."
"રાજ્યોની આર્થિક સ્થિતિ અગાઉથી ખરાબ છે અને જો તેમના પરનો બોજ વધશે, તો કાં તો તેઓ ડિફોલ્ટ કરશે અથવા તો યોજનામાંથી તેમનો રસ ઊડી જશે, કારણ કે, રોજગારીની માગ જેટલી ઊંચકાશે, તેટલું જ રાજ્યો પર ખર્ચનું ભારણ વધશે."
આ ઉપરાંત મનરેગાના નામમાં કરવામાં આવેલા ફેરફારને લઈને પણ વિવાદ છેડાયો છે. કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સ્કીમમાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવી દેવામાં આવ્યું છે.
અરવિંદ સિંહના જણાવ્યા પ્રમાણે, આઝાદી પછી એવું પ્રથમ વાર બન્યું છે કે, કોઈ યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરી દેવાયું હોય.
તેઓ કહે છે, "નવો પ્રસ્તાવ યોજનાને જળ સંસાધનો, માર્ગો, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રામીણ આવાસ સાથે સાંકળે છે, જે માટે અગાઉથી જ મંત્રાલયો મોજૂદ છે. સરકાર મનરેગાના બજેટને ડાઇવર્ટ કરવા માગતી હોય, એમ જણાઈ રહ્યું છે. તેનાથી આ યોજનામાં ભારે વિક્ષેપ ઊભો થશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












