સેવા હાજી પારૂ : એ ગુજરાતી જે માત્ર 46 વર્ષ જીવ્યા અને પૂર્વ આફ્રિકાના 'તાજ વિનાના રાજા' કહેવાયા

ઇમેજ સ્રોત, Puneet Kumar/BBC
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત અને વેપાર કાયમથી એકબીજાનાં પૂરક રહ્યાં છે. 18મીથી 19મી સદીના અંત ભાગ સુધી ગુજરાતીઓએ કંઈક એવું કર્યું જે સામાન્ય ન હતું, પણ વિશિષ્ટ હતું.
ગુજરાતી વેપારીઓએ અનેક દાયકા સુધી દરિયો ખેડીને આરબ દેશોથી લઈને પૂર્વ આફ્રિકાના દેશો સુધી વેપાર કર્યો, ત્યાં ઠરીઠામ થયા, મોટાં સામ્રાજ્ય ઊભાં કર્યાં. આ શ્રેણી તેમના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે. એ અંતર્ગત દર અઠવાડિયે એક લેખ પ્રગટ થશે.

માત્ર 46 વર્ષના ટૂંકા જીવનમાં પૂર્વ આફ્રિકાના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચ બનાવનાર જૂજ વેપારીઓ પૈકીના એક, અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં સામેલ એવા ગુજરાતી વેપારી એટલે સેવા હાજી પારૂ.
સેવાના પિતા હાજી પારૂ પ્રધાન અને હાજીના ભાઈ ઝફર પારૂ પ્રધાને અનેક ગુજરાતી વેપારીઓની માફક 1850માં મોટું સાહસ ખેડ્યું અને તેઓ ભુજથી ઝાંઝીબાર પહોંચ્યા હતા.
ત્યાંથી તેઓ તત્કાલીન તાન્ઝાનિયાના બાગામોયોમાં ગયા અને સ્થાયી થયા. એ સમયે આ વિસ્તાર 'જર્મન ઈસ્ટ આફ્રિકા' ગણાતો હતો અને જર્મનીના આધિપત્ય હેઠળ હતો.
ભુજથી દરિયો ખેડીને પૂર્વ આફ્રિકાના દેશોમાં પહોંચેલા હાજી પારૂને ત્યાં 1851માં જ પુત્રનો જન્મ થાય છે, જેનું નામ સેવા પાડવામાં આવ્યું. સેવાની ઉંમર હજુ ઘણી નાની હતી ત્યાં જ કંઈક એવું ઘટે છે કે જેનાથી બધી જવાબદારી તેમના પર આવી જાય છે. આગળ જતાં સેવા હાજી પારૂ કેવી રીતે પ્રગતિ કરે છે અને કેટલું મોટું સામ્રાજ્ય સ્થાપિત કરે છે? જાણીએ તેમની કહાણી આ અહેવાલમાં...
બે ભાઈનું મૃત્યુ થયું અને સેવાએ વેપાર સંભાળ્યો
ડૉ. છાયા ગોસ્વામીએ તેમના પુસ્તક 'ગ્લોબલાઇઝેશન બીફોર ઇટ્સ ટાઇમ'માં સેવા હાજી પારૂ વિશે વિગતે લખ્યું છે.
તેઓ લખે છે, "હાજી પારૂ પ્રધાને 1852માં ટાંગાન્યિકામાં એક જનરલ સ્ટોર ખોલ્યો હતો અને સ્થિરતા સાથે તેમની પ્રગતિ શરૂ થઈ હતી. 1860માં બાગામોયોમાં તેમણે સ્ટોરની નવી બ્રાંચ ખોલી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"1869માં જ્યારે તેમનો પુત્ર સેવા હજુ ધંધાની આંટીઘૂંટીઓ શીખી રહ્યો હતો ત્યારે જ સેવાના બે મોટા ભાઈનું મૃત્યુ થઈ ગયું. આથી, માત્ર 18 વર્ષના સેવા ઉપર પિતાની ખોલેલી કંપની 'હાજી કાનજી'ને સંભાળવાની જવાબદારી આવી ગઈ."
ડૉ. ગોસ્વામી લખે છે, "સેવાને એવું લાગ્યું કે ઝાંઝીબાર વધુ પડતું ભીડભાડવાળું બજાર છે. આથી, તેમણે વધુ જોખમી પરંતુ ઓછી સ્પર્ધા ધરાવતા 'કારવા ફાઇનાન્સિંગ' (વિવિધ માલસામાન લઈ જતા કાફલાઓને નાણાકીય સહાય આપવાના)ના ધંધામાં ઝંપલાવવાનું નક્કી કર્યું."
"1860ના દાયકામાં તેમણે કાપડ, તાંબાના વાયરો અને બ્રાસના ઘડાના કાફલાઓના સપ્લાયનું કામ શરૂ કર્યું. તેના બદલામાં તેમણે હાથીદાંત ખરીદવાનું શરૂ કર્યું. આ સપ્લાયના બદલામાં તેઓ હાથીદાંત, ગેંડાનાં શિંગડાં અને દાંત 'હાજી કાનજી'ના વેરહાઉસમાં રાખતા હતા."
"તેમણે આ બધી વસ્તુઓ લઈ જવાના કાફલા માટે મજૂરો પણ શોધી આપવાનું કામ શરૂ કર્યું અને તેના કારણે તેમના ધંધાનો વ્યાપ વધ્યો."
એવો ધંધો જેમાં 50 ટકાથી પણ વધુ નફો થતો

ઇમેજ સ્રોત, Akbar Hussaini Collection Nairobi
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શિરિન વાલજીએ 'અ હિસ્ટ્રી ઑફ ધી ઇસ્માઈલી કૉમ્યુનિટી ઇન તાન્ઝાનિયા' વિષય પર પીએચ.ડી. કર્યું છે. તેમાં તેમણે સેવા હાજી પારૂના વેપાર વિશે પણ લખ્યું છે.
શિરિન વાલજી લખે છે એ પ્રમાણે ડૉ. હૅન્સ મેયેર અને સેવા હાજી પારૂ વચ્ચે થયેલા એક કરારથી એ જાણવા મળે છે કે એ સમયે તેમનો ધંધો કેટલો નફાકારક હતો.
જેમ કે, કિલિમાન્જારો તરફ સામાન લઈને જતા તેમના કાફલામાં લગભગ 50 ટકા નફો થતો હતો. ડૉ. મેયેર સેવા હાજીને દર મહિને એક મજૂર માટે 11 ડૉલર આપતા હતા અને સેવા હાજી તેમાંથી મજૂરોને લગભગ 6 ડૉલર જેટલી ચુકવણી કરતા હતા. જો કોઈ ધંધામાં નુકસાન જાય તો પણ નફો ઘણો થતો.
ડૉ. છાયા ગોસ્વામી લખે છે એ અનુસાર, "તેમના ગ્રાહકોમાં માત્ર આરબ કે આફ્રિકન લોકો જ નહોતા, પરંતુ યુરોપ-અમેરિકાના વેપારીઓ, ખ્રિસ્તી મિશનરીઓ અને દેશ-દેશાંતરનું ભ્રમણ કરતા લોકો પણ હતા."
"સેવા હાજીએ અન્ય વેપારીઓની જેમ એ સમયે વ્યાપક એવાં શસ્ત્રોના વેપારમાં પણ ઝંપલાવ્યું હતું. બાગામોયોથી ઉનાન્યેમ્બેમાં તેમણે 10 હજાર બંદૂકો મોકલી હોવાનો ઉલ્લેખ છે. જર્મન કંપનીઓએ બાગામોયોમાં તેમની શાખાઓ ખોલ્યા પછી પણ સેવા હાજી પારૂ સતત શસ્ત્રોના મોટા આયાતકાર બની રહ્યા હતા."
"પૂર્વ આફ્રિકા જર્મની અને બ્રિટનના આધિપત્ય હેઠળ વહેંચાયું એ પછી સેવાને જર્મન તાબા હેઠળના ટાંગાન્યિકા અને બ્રિટનના તાબા હેઠળના યુગાન્ડામાં પણ એજન્ટોની નિમણૂક કરવી પડી હતી અને એ રીતે તેમણે તેમનો વેપાર ચાલુ રાખ્યો હતો."
શિરિન વાલજી લખે છે એ પ્રમાણે, "1891 સુધીમાં તેમનો વેપાર ખૂબ વધી ગયો હતો અને તેમણે જે રસ્તાઓ પર આ માલસામાનના કાફલા જતા હતા એમાંથી મોટા ભાગની જગ્યાઓએ પોતાના સ્ટોર ખોલી દીધા હતા. તાબોરા, યુજીજી, મ્વાન્ઝા અને લેક વિસ્તારમાં આવેલા તમામ પૉઇન્ટ્સ પર તેમના સ્ટોર હતા."
"1891માં તેમની બુકુમ્બી ખાતેની શાખાએ જેટલી વસ્તુઓ હતી તેના પરથી તેમનો વેપાર કેટલો મોટો હતો તેનો અંદાજ આવે છે. એ સમયે તેમની પાસે 18150 પાઉન્ડનો સામાન આ શાખા પર હતો. જેમાં 30 હજાર lbs (1 lbs=0.45 કિલો) જેટલું માન્ચેસ્ટર સાટિન, એટલું જ બૉમ્બે ગ્રે મેરિકાની, 10 હજાર lbs ( 4535 કિલો) ગનપાઉડર, દોઢ લાખ જેટલી ગન કૅપ્સ વગેરે વસ્તુઓ હતી. 1890 સુધીમાં જર્મન ઈસ્ટ આફ્રિકાના અંતરિયાળ વિસ્તારોમાં તેમનું વેપારમાં એકચક્રી રાજ સ્થપાઈ ગયું હતું."
શિરિન લખે છે, "ઇસ્માઈલી સમુદાયના લોકોમાં ઝાંઝીબારમાં લગભગ સૌથી પહેલાં સમૃદ્ધ વેપાર કરનારા લોકોમાં સેવા હાજી પારૂનો સમાવેશ થતો હતો. શરૂઆતમાં આફ્રિકન દેશોમાં ગયેલા આ લોકોમાં ગજબની ધંધાકીય સૂઝ અને નવા ક્ષેત્રોમાં ઝંપલાવવાનું જોખમ લેવાની વૃત્તિ જોવા મળે છે."
"આ લોકોએ 19મી સદીના અંત સુધીમાં કાફલાઓ મારફતે થતી વસ્તુઓના વેપારમાં લગભગ એકચક્રી શાસન સ્થાપી દીધું હતું. જેના કારણે તેમને મબલખ નફો તો મળતો જ હતો, પરંતુ એ પૈસાનો ઉપયોગ તેઓ બીજે રોકાણ કરવામાં પણ કરતા હતા. સેવા હાજી પારૂનું ઉદાહરણ પણ કંઈક આવું જ છે."
સેવાએ બાંધેલી હૉસ્પિટલો આજે પણ હયાત

ઇમેજ સ્રોત, German Embassy Dar-es-salam/X
ડૉ. છાયા ગોસ્વામી અનુસાર, "જેરામ શિવજી અને થારિયા ટોપણ જેવા અન્ય ગુજરાતી વેપારીઓની પરંપરાને જાળવી રાખતા સેવા હાજી પારૂ પણ ઝાંઝીબારના તત્કાલીન સુલતાન સૈયદ હમીદ બિન થ્વાઈનને નાણાં ધીરતા હોવાનું જણાય છે."
"સેવાએ દાર-એસ-સલામ અને બાગામોયોમાં આવેલી તેમની તમામ મિલકતોને જર્મન ઉપનિવેશવાદી સત્તાને લખી આપી હતી, પરંતુ સામે એ શરત મૂકી હતી કે તેમાંથી થતી આવકનો અમુક ભાગ લેપ્રસીના દર્દીઓને ખાવાનું આપવામાં અને અમુક ભાગ તેમણે બાંધેલી બાગામોયો હૉસ્પિટલની જાળવણીમાં વાપરવામાં આવે."
તેઓ નોંધે છે કે, "1880ની શરૂઆતમાં તેમણે પથ્થરનાં બનેલાં અમુક મકાનો ખરીદ્યાં હતાં, કારણ કે તેમને ત્યાં નિરાશ્રિતો અને અનાથ લોકો માટે હૉસ્પિટલ બાંધવી હતી."
દાર-એસ-સલામમાં આવેલી સેવા હાજી હૉસ્પિટલ અને તેમની પરોપકારી ભાવનાનું પ્રતીક મનાય છે. સેવા હાજી હૉસ્પિટલ હાલમાં મુહિમ્બલી હૉસ્પિટલ તરીકે કાર્યરત્ છે.
"આ સિવાય સેવાએ તમામ વર્ણ માટે એક શાળા ખોલવા માટે બિલ્ડિંગ અને ફંડ મિશનરીઓને પણ આપ્યું હતું. બાગામોયોના ખ્રિસ્તી મિશનરીઓએ મુસ્લિમ સમુદાયના સેવાને તેમના 'માયાળુ મિત્ર' તરીકે સંબોધ્યા છે."

ઇમેજ સ્રોત, Bongopoly/IG
'ધી માઇગ્રેશન ઑફ ઇન્ડિયન્સ ટુ ઇસ્ટર્ન આફ્રિકા: અ કેસ સ્ટડી ઑફ ઇસ્માઈલી કમ્યૂનિટી: 1866-1966' શીર્ષકથી અઝીઝેદ્દીન તેજપારે એક સંશોધનપત્ર લખ્યું છે. યુનિવર્સિટી ઑફ સેન્ટ્રલ ફ્લોરિડા દ્વારા પ્રકાશિત થયું છે.
અઝીઝેદ્દીન તેજપાર લખે છે, "ઝાંઝીબારના સુલતાન સાથે તેમના મિત્રતાભર્યા સંબંધો હતા. આથી, તેમણે સુલતાન સાથે કરાર કર્યો હતો કે તમામ સરકારી ખેતરોમાં ઊગતો પાક સેવા હાજી પારૂ થકી જ વેચવામાં આવે. જોકે, આ કૉન્ટ્રાક્ટ નવ મહિનાથી વધુ ચાલ્યો નહોતો, કારણ કે આ કૉન્ટ્રાક્ટ થયા પછી તેમનું નવ મહિનામાં જ મૃત્યુ થઈ ગયું હતું."
પરંતુ શિરિન વાલજી નોંધે છે તેમ આ કૉન્ટ્રાક્ટ 17.80 લાખનો હતો.
તેજપાર લખે છે, "ઈસ્ટ આફ્રિકામાં 19મી સદીના અંત ભાગમાં સેલિબ્રિટી સ્ટેટસ ધરાવતા અલીદિના વિસરામ પણ કચ્છથી આવીને સેવા હાજી પારૂના આસિસ્ટન્ટ તરીકે શરૂઆતમાં કામ કરતા હતા. સેવા હાજી પારૂનું 46 વર્ષની વયે નિધન થયું ત્યારે તેમના ધંધાને અલીદિના વિસરામે સંભાળ્યો હતો અને અન્ય દેશોમાં ફેલાવ્યો હતો."
માત્ર 46 વર્ષનું જીવન જીવેલા સેવા હાજી પારૂની અલીદિના વિસરામ અને થારિયા ટોપણની સાથે 'પૂર્વ આફ્રિકાના ત્રણ તાજ વગરના રાજા'માં ગણના થાય છે.
'ફ્રેન્ડ્સ ઑફ મૉમ્બાસા' એ અનેક લેખકો દ્વારા સંપાદિત એક ઇતિહાસ વિષયક વેબસાઈટ છે. તેમાં એક લેખમાં મોહિબ ઇબ્રાહિમ લખે છે કે, "સેવા હાજી પારૂ એ જર્મન સરકાર તરફથી માનદ ઉપાધિ મેળવનાર પ્રથમ એશિયન હતા. તેઓ ક્યારેય જે વાતમાં ઓછો સ્કોપ હોય તેવું વિચારતા જ નહોતા, તેમની દૃષ્ટિ ખૂબ વ્યાપક હતી."
સેવા હાજી પારૂનું સામ્રાજ્ય લાંબું ટક્યું નહીં

ઇમેજ સ્રોત, Khojapedia
શિરિન વાલજી લખે છે એ અનુસાર, "તેમના વસિયતનામા પ્રમાણે તેમનાં પત્નીને 50 હજાર રૂપિયા, તેમનાં બહેન ફાતમાબાઈને 40 હજાર રૂપિયા મળ્યા હતા. રતનશી ઇબ્રાહીમ અને અલીદિનાને તેમનો ધંધો આગળ લઈ જવાનો પરવાનો આપ્યો હતો, પરંતુ એક ઘર સિવાય બાકીની બધી મિલકતો તેમણે જર્મન સરકારને લખી આપી હતી."
તેઓ લખે છે, "તેમના જીવનકાળ દરમિયાન જ તેમણે બાગામોયો, ઝાંઝીબાર અને દાર-એસ-સલામમાં રહેતા ઇસ્માઈલી સમુદાયના લોકોને અને ખૂબ દાન આપ્યું હતું."
10 ફેબ્રુઆરી, 1897માં સેવાના નિધન પછી અલીદિના વિસરામે તેમનો ધંધો યુગાન્ડા, કેન્યા અને કૉંગોના સ્વતંત્ર વિસ્તારો, દક્ષિણી સુદાનમાં ફેલાવ્યો હતો.
જોકે, શિરિન વાલજી લખે છે એ પ્રમાણે ખૂબ જ સમૃદ્ધ સામ્રાજ્યો સ્થાપ્યાં હોવાં છતાં પણ મોટા ભાગના ઇસ્માઈલી સમુદાયના વેપારીઓનો ધંધો તેમનાં મૃત્યુ પછી બે દાયકાથી વધુ ટક્યો નહોતો. અલીદિના વિસરામે સેવા હાજીનો વેપાર ખરીદીને આગળ ધપાવ્યો હતો, પરંતુ વિસરામના મૃત્યુના બે જ દાયકામાં તેમનું સામ્રાજ્ય પણ પડી ભાંગ્યું હતું.
મિશનરીઓને સેવાએ શિક્ષણ તથા અન્ય પ્રવૃત્તિઓ માટે ઘણું ફંડ આપ્યું હતું.
ડૉ. છાયા ગોસ્વામી લખે છે, "1897માં સેવા હાજી પારૂના નિધનના આઠ દિવસ પછી પ્રકાશિત થયેલી મિશનરી જર્નલમાં લખાયું હતું કે, તેઓ અમારા માયાળુ મિત્ર હતા. અમારા મિશનના સમર્પિત મિત્ર તેમની અંતિમ ઇચ્છામાં પણ અમને નહીં ભૂલ્યા હોય."
આ શ્રેણીના અન્ય લેખ અહીં વાંચો:
- કનકશી ખીમજી: એ ગુજરાતી વેપારી જેને 'દુનિયાના પ્રથમ હિન્દુ શેખ'ની ઉપાધિ મળી
- જેરામ શિવજી: આખા ઝાંઝીબારનો વેપાર જેના તાબે હતો, જેમના માટે સુલતાને 'ગૌહત્યા બંધ કરાવી' એ ગુજરાતી વેપારી
- અલીભાઈ મુલ્લા જીવણજી : એ ગુજરાતી જે ધીકતો ધંધો મૂકી કેન્યામાં ભારતીયોના અધિકારો માટે લડ્યા, અંતે 'દેવાળિયા' થઈ ગયા
- મૂળજી માધવાણી : ખાંડ વેચી યુગાન્ડાના ખજાના છલકાવી દેનાર ગુજરાતી વેપારી, જેના પરિવારને ઈદી અમીને હાંકી કાઢ્યો
- રતનશી પુરુષોત્તમ : એ ગુજરાતી સોદાગર જે બંદૂકો વેચી 'મસ્કતના વેપારી બાદશાહ' બની ગયા
- નાનજી કાળીદાસ : સૌરાષ્ટ્ર પર જ્યારે આફત આવી અને આ ગુજરાતીએ મુખ્ય મંત્રીને લાખો રૂપિયા દાન આપી દીધા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












