અલીભાઈ મુલ્લા જીવણજી : એ ગુજરાતી જે ધીકતો ધંધો મૂકી કેન્યામાં ભારતીયોના અધિકારો માટે લડ્યા, અંતે 'દેવાળિયા' થઈ ગયા

ઇમેજ સ્રોત, Puneet Kumar/BBC
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત અને વેપાર કાયમથી એકબીજાના પૂરક રહ્યા છે. 18મીથી 19મી સદીના અંત ભાગ સુધી ગુજરાતીઓએ કંઈક એવું કર્યું જે સામાન્ય ન હતું, પણ વિશિષ્ટ હતું.
ગુજરાતી વેપારીઓએ અનેક દાયકા સુધી દરિયો ખેડીને આરબ દેશોથી લઈને પૂર્વ આફ્રિકાના દેશો સુધી વેપાર કર્યો, ત્યાં ઠરીઠામ થયાં, મોટાં સામ્રાજ્ય ઊભાં કર્યાં. આ શ્રેણી તેમના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે. એ અંતર્ગત દર અઠવાડિયે એક લેખ પ્રગટ થશે.

19મી સદીના મધ્યભાગનો સમય, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન, પિતા મૂસાજી મુલ્લા જીવણજીનો માત્ર એક ઘોડા અને એક ગાડાથી ચાલતો ટ્રાન્સપૉર્ટેશનનો ધંધો, રૂઢિવાદી કહેવાય એવો કચ્છી દાઉદી વોહરા પરિવાર અને શિક્ષણ માત્ર ધાર્મિક બાબતો સુધી મર્યાદિત, પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટા સંતાન તરીકે જન્મ, સંજોગો એવા કે ઔપચારિક શિક્ષણ ક્યારેય લેવાનો મોકો ન મળ્યો, પરંતુ બેડીઓ તોડીને ઊડવાની, કંઈક પામવાની ધૂન આ યુવાન પર સવાર હતી.
એ યુવાનનું નામ હતું અલીભાઈ મુલ્લા જીવણજી. પારિવારિક ધંધો છોડીને લગભગ 30 વર્ષની ઉંમર થાય એ પહેલાં જ તેઓ એક જહાજમાં બેસીને ઍડિલેડ પહોંચી જાય છે. ત્યાંથી વેપારી તરીકે શરૂ થયેલી અલીભાઈની સફર અંતે પૂર્વ આફ્રિકાના દેશ કેન્યામાં એક રાજનેતા, ઍક્ટિવિસ્ટ, ન્યાય માટે લડનારી વ્યક્તિમાં પરિણમે છે.
અલીભાઈ મુલ્લા જીવણજીનો સમાવેશ કેન્યાને ઘડનારા 11 ઘડવૈયામાં થાય છે અને તેમને 'ગ્રાન્ડ ઑલ્ડ મૅન ઑફ કેન્યા'નું પણ બિરુદ આપવામાં આવે છે.
તેમણે કેન્યામાં શું કામ કર્યું હતું? એક વેપારીમાંથી તેઓ કોઈ બીજા દેશમાં સન્માનનીય રાજનેતા કેવી રીતે બની ગયા? જાણીએ તેમની સફર વિશે...
'માતાના રૂપિયા ચોરી ઘરેથી ભાગ્યા' અને સફર શરૂ થઈ...

ઇમેજ સ્રોત, Puneet Kumar/BBC
અલીભાઈ મુલ્લા જીવણજીનો જન્મ કરાચી, સિંધમાં વર્ષ 1856માં થયો હતો.
ડૉ. છાયા ગોસ્વામી તેમના પુસ્તક 'ગ્લોબલાઇઝેશન બીફોર ઇટ્સ ટાઇમ'માં નોંધે છે એ અનુસાર, "અલીભાઈના જન્મ પહેલાં જ પરિવાર સિંધમાં સ્થળાંતર કરી ગયો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેમની માતૃભાષા ગુજરાતી હતી અને મહત્ત્વાકાંક્ષા ખરેખર ગ્લોબલ હતી."
લેખિકા ઝરીના પટેલે અલીભાઈના જીવન પર ચૅલેન્જ ટુ કૉલોનિઅલિસ્મ: સ્ટ્રગલ ઑફ અલીભાઈ મુલ્લા જીવણજી ફૉર ઇક્વલ રાઇટ્સ ઇન કેન્યા' નામે એક પુસ્તક લખ્યું છે.
તેઓ લખે છે, "પિતાનું મૃત્યુ થયું ત્યારે અલીભાઈ પ્રમાણમાં નાના હતા, પરંતુ તેમનાં પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હોવાથી પરિવારની જવાબદારી તેમના પર આવી ગઈ હતી."
"ધંધામાં તેમના કાકાઓ અને પરિવારના અન્ય લોકો તેમનું શોષણ કરતા હતા. આથી, એક દિવસ એવું બન્યું કે તેમણે માતાના કેટલાક રૂપિયા ચોરી લીધા અને ઘરેથી ભાગી ગયા. ભારતનાં અનેક શહેરોમાં જઈને તેમણે વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગસાહસિકતાનું વ્યાવહારિક જ્ઞાન મેળવ્યું અને ફરી કરાચી પરત ફર્યા."
પરંતુ તેમના પરિવારજનોના વર્તનને કારણે તેમના મનમાં એ સ્પષ્ટ હતું કે ક્યારેય જીવનમાં કોઈના પર આધારિત નથી રહેવું. તેમણે પોતાની કંપની એ.એમ. જીવણજી ઍન્ડ કાં.ની સ્થાપના કરી.
કલકત્તાથી કેન્યા વાયા ઑસ્ટ્રેલિયા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઝરીના પટેલ લખે છે કે, "અલીભાઈએ ઘણી વાર એવું સાંભળ્યું હતું કે દરિયાપાર દૂરના દેશોમાં વેપારની ઊજળી તકો છે. આથી એક દિવસ તેઓ પોતાની કંપની ભાઈઓને સોંપીને 1886માં કલકત્તાથી ઍડિલેડ જઈ રહેલા મૅકિન્સન મૅકેન્ઝી ઍન્ડ કંપનીના જહાજમાં સવાર થઈ ગયા."
માઇકલ ઓ'સુલેવાન તેમના પુસ્તક 'નો બર્ડ્ઝ ઑફ પૅસેજ: હિસ્ટ્રી ઑફ ગુજરાતી મુસ્લિમ બિઝનેસ કમ્યુનિટીઝ'માં લખે છે કે, "વોહરા, ખોજા અને મેમણ સમુદાયના લોકો માટે એ જમાનામાં ઑસ્ટ્રેલિયા એક જમ્પિંગ પૉઇન્ટ હતું. ઍડિલેડમાં તેમને એક ફેરિયા અને પછી વેપારી તરીકે સફળતા મળી."
ઝરીના પટેલ લખે છે કે, "શિક્ષણના અભાવે તેઓ શરૂઆતમાં ઑસ્ટ્રેલિયામાં ઇશારાથી વાતચીત કરતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે અંગ્રેજી પર પ્રભુત્વ મેળવી લીધું અને વેપારી તરીકે મૂળ જમાવી દીધાં."
"બીજી તરફ 30 વર્ષ વટાવી ગયા હોવાથી તેમનો પરિવાર લગ્ન માટે અને કરાચી પાછા ફરવા માટે તેમને મનાવી રહ્યો હતો. તેમના એક કાકા 1889માં ઑસ્ટ્રેલિયા આવ્યા અને તેમનો ધંધો સંભાળવાનું વચન આપી અલીભાઈને લગ્ન કરવા કરાચી મોકલ્યા. 12 વર્ષનાં જેણાબાઈ સાથે તેમનાં લગ્ન કરાવાયાં, પરંતુ પાછળથી ઍડિલેડનો ધંધો સંભાળવાને બદલે તેમના કાકા ધંધો સમેટી કરાચી આવી ગયા. અલીભાઈ સાથે ધોખો થયો."
"ઍડિલેડમાં બ્રિટિશ અધિકારીઓ પાસેથી તેમણે આફ્રિકામાં વિશાળ તકો વિશે સાંભળ્યું હતું. 1890માં અલીભાઈએ આફ્રિકા જવાનું નક્કી કર્યું. કરાચીથી મોમ્બાસાની ખતરનાક સફર કરીને તેઓ મૉમ્બાસા પહોંચ્યા."
યુગાન્ડા રેલવેનું નિર્માણ અને સડસડાટ પ્રગતિ

ઇમેજ સ્રોત, Zarina Patel
ઝરીના પટેલ અનુસાર, "ગણતરીના દિવસોમાં જ અલીભાઈએ મૉમ્બાસામાં ધંધો જમાવી દીધો. તેમની પાસે સંપર્કો, ફંડ અને કરાંચીમાં મૂળ જમાવી ચૂકેલી કંપનીની તાકાત હતી. અંગ્રેજી બોલવાનું આવડી જવાને કારણે તેઓ ઇમ્પિરિયલ બ્રિટિશ ઇસ્ટ આફ્રિકા કંપની (IBEAC)ના અધિકારીઓ સાથે પણ સંપર્કો બનાવી શક્યા."
માઇકલે ઓ' સુલેવાન અનુસાર, "શરૂઆતમાં તેઓ IBEAC કંપનીના એજન્ટ બન્યા અને તેમને ભારતમાંથી મજૂરો, કારીગરો અને સુરક્ષા માટેની ટુકડીઓને ઈસ્ટ આફ્રિકા લાવવાનું કામ તેમને સોંપાયું હતું. તેમની કંપની ભારતના અંતરિયાળ વિસ્તારોમાંથી મજૂરો શોધી લાવતી. પછી તેઓ સરકારી કૉન્ટ્રાક્ટવાળા રેલવેના સપ્લાયર બન્યા અને ત્યાંથી પ્રગતિની જબરદસ્ત શરૂઆત થઈ."
ઈ.સ. 1896માં યુગાન્ડા રેલવેનું કામ શરૂ થયું ત્યારે ભારતમાંથી મજૂરો લાવી આપવાનો કૉન્ટ્રાક્ટ અલીભાઈને આપવામાં આવ્યો હતો. યુગાન્ડા રેલવે કમિટી માટે તેમણે ભારતથી 25 હજાર મજૂરો લાવી આપ્યા હોવાનું ઝરીના પટેલ નોંધે છે.
તેઓ લખે છે, "આગળ જતાં તેમની કંપનીએ યુગાન્ડામાં રેલવેના નિર્માણનું પણ કામ કર્યું. પછી તેમણે શહેરમાં રેલવે સ્ટેશન, ઑફિસો અને પથ્થરની મોટી બિલ્ડિંગો પણ બાંધ્યાં."
ખૂબ ઓછા સમયમાં અલીભાઈ નૈરોબી અને મૉમ્બાસામાં વિશાળ જમીનોના માલિક બની જાય છે. તેના પાછળ પણ રસપ્રદ કિસ્સો છે.
ઝરીના પટેલ નોંધે છે તેમ, "IBEACના ટ્રાન્સપૉર્ટ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરતાં જ્હૉન ઍઇન્સવર્થ અલીભાઈના કંપની સાથેના કામ અને યુગાન્ડા રેલવેના કામથી એટલા ખુશ હતા કે તેમણે નક્કી કરી લીધું હતું કે નૈરોબીમાં નિર્માણકાર્ય અને વિકાસ એ જ કરે. તેમણે અલીભાઈને પ્રસ્તાવ આપ્યો કે તેઓ શહેરના નિર્માણકાર્યમાં જે સેવા આપશે તેના બદલામાં અલીભાઈનો માણસ લાલા પઠાણ એક વારમાં જેટલું દોડશે તેટલી જમીન તેમને આપવામાં આવશે. આ રીતે અલીભાઈ પાસે નૈરોબીમાં વિશાળ જમીન આવી ગઈ."
'ધી ગ્રેટ ઑઇલ સ્કેન્ડલ'

ઇમેજ સ્રોત, Zarina Patel
વર્ષ 1901માં એવી ઘટના બની જેના કારણે કેન્યાનાં અખબારોમાં અલીભાઈ મુલ્લા જીવણજી વિશે ખૂબ લખાયું હતું અને આરોપો પણ થયા હતા. આ કિસ્સો ઝરીના પટેલે તેમના પુસ્તકમાં ટાંક્યો છે.
વાત એમ હતી કે યુગાન્ડા રેલવેનું બાંધકામ શરૂ થયું ત્યારથી જૂન, 1900 સુધી રેલવેને લુબ્રિકેટિંગ ઑઇલ આપવાનો કૉન્ટ્રાક્ટ અલીભાઈની કંપનીને મળ્યો હતો.
1901માં પામર ઍન્ડ ગ્રે કંપનીએ આ કૉન્ટ્રાક્ટને મેળવવા માટે રમત રમી અને ટેન્ડરમાં અલીભાઈની કંપની કરતાં ચાર આના પ્રતિ ગેલન ઓછા ભાવે તેલની ઑફર કરી. તેનું ટેન્ડર સ્વીકારાઈ ગયું એ પછી તેણે એ જ મહિને કૉન્ટ્રાક્ટ બીજી ઇટાલિયન કંપનીને ટ્રાન્સફર કરી દીધો.
તેના જવાબમાં અલીભાઈએ તેમના ભાઈને કામ સોંપ્યું અને આખા દેશમાં ઉપલબ્ધ ઑઇલનો જથ્થો ખરીદી લીધો. પછી જ્યારે રેલવેએ ઑર્ડર આપ્યો ત્યારે એ કંપની ઑઇલ પહોંચાડી ન શકી. આ કંપની અલીભાઈની કંપની પાસે અંતે ઑઇલ ખરીદવા ગઈ તો તેમણે 10 રૂપિયા પર ગેલનનો તોતિંગ ભાવ ઑફર કર્યો. પછી તો તેમણે રેલવેને સીધું ઑઇલ વેચવાની ઑફર કરી અને કોઈ વિકલ્પ ન હોવાને કારણે તેમને ખરીદવું પડ્યું. અલીભાઈએ 40 હજારની કમાણી કરી અને રેલવેને 30 હજારનું દેવું થયું. રેલવેએ આ દેવું ઇટાલિયન કંપનીના વિવિધ કૉન્ટ્રાક્ટ મારફત વસૂલવાનું નક્કી કર્યું અને મામલો કોર્ટમાં ગયો.
અલીભાઈની કંપની પર છેતરપિંડીના આરોપો થયા પણ સુપ્રીમ કોર્ટે એ ફગાવી દીધા. 'પામર ઍન્ડ ગ્રે'ની માલિકીના અખબાર ધી મેઇલના તંત્રીલેખમાં પણ અલીભાઈની ટીકા થઈ. તેમના પર રેલવેના મજૂરોને પૂરતો ખોરાક નહીં આપવાનો અને રેલવેનો 'દૂધણી ગાય' તરીકે નફો મેળવવા માટે ઉપયોગ કરાયો હોવાના આરોપો લાગ્યા. અખબારે આ ઘટનાને 'ધી ગ્રેટ ઑઇલ સ્કેન્ડલ' ગણાવ્યું.
ઝરીના પટેલ લખે છે, "આવા આરોપો પછી અલીભાઈને મીડિયા ક્ષેત્રમાં પ્રવેશવાની જરૂરિયાત લાગી અને 1901માં પોતાનું અખબાર 'ધી આફ્રિકન સ્ટાન્ડર્ડ' લૉન્ચ કર્યું હતું. ત્યાર બાદ 'ધી મેઇલ' અને અલીભાઈના અખબાર વચ્ચે જાણે લડાઈ થતી હતી. જોકે, 'ધી મેઇલ' 1904માં દેવાળિયું થયું પછી અલીભાઈએ પણ પોતાનું ટૂંક સમયમાં જ 'સફળ' થયેલું અખબાર બંધ કરી દીધું હતું."
બાંધકામ અને સરકારી કૉન્ટ્રાક્ટ થકી તેમનો ધંધો આગળ વિસ્તરતો રહે છે.
સ્ટીફની જૉન્સ 'મર્ચન્ટ કિંગ્સ ઍન્ડ ઍવરીમૅન' શીર્ષકથી લખેલા એક સંશોધનપત્રમાં લખે છે કે, "એવું લાગતું હતું કે નૈરૌબીને બાંધવા માટેનો કૉન્ટ્રાક્ટ જ જાણે કે જીવણજીને જ આપવામાં આવ્યો હતો."
તેઓ તેમાં જીવણજીના કહેલા શબ્દોને ટાંકે છે, "હું કદાચ એવું કહું કે મેં લગભગ આખો દેશ બનાવ્યો છે. નૈરોબીમાં આવેલી લગભગ તમામ શ્રેષ્ઠ પ્રોપર્ટી મેં બનાવી છે. મેં તમામ સરકારી બિલ્ડિંગો બનાવી છે અને તેને ઍડમિનિસ્ટ્રેશનને લીઝ પર આપી છે."
"ઈ.સ. 1900માં તેઓ મૉમ્બાસાની પહેલી વ્યક્તિ બની જેમની પાસે ફૉર્ડની મોટરકાર હતી. 1901માં તેમની પાસે ટૂંકા ગાળા માટે લક્ઝરી યૉટ પણ હતી."
1903માં તેમનાં પત્ની જેનાબાઈનું નિધન થયા પછી તેમણે દાયમબાઈ આદમજી સાથે લગ્ન કર્યાં.
ઝરીના પટેલ અનુસાર, "નૈરોબીની મ્યુનિસિપલ કાઉન્સિલે એક માર્કેટ બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ એ યુરોપિયન્સ માટે જ હતું. તેના બદલે અલીભાઈએ વર્ષ 1904માં પોતાના એક લાખ રૂપિયા ખર્ચીને 'જીવણજી માર્કેટ' બનાવ્યું જે સૌના માટે હતું."
"ડ્રમકીની 1909માં છપાયેલી યર બુક ઑફ ઈસ્ટ આફ્રિકામાં અલીભાઈની કંપનીને વૉટર મેન્યુફેક્ચરર્સ, કમિશન એજન્ટ્સ, કૉન્ટ્રાક્ટર્સ, દુભાષિયા, ઍસ્ટેટ એજન્ટ્સ અને ઍસ્ટેટ બ્રૉકર્સ, વેપારીઓ, આઇસ ફૅક્ટરીઓ જેવાં ક્ષેત્રોમાં નોંધવામાં આવી છે. જેના પરથી એ અંદાજ મળે છે કે તેમનું સામ્રાજ્ય કેટલું મોટું હતું."
ડૉ. છાયા ગોસ્વામી તેમના પુસ્તકમાં લખે છે કે, "તેમના વારસદારોએ જણાવ્યું એ પ્રમાણે વર્ષ 1913માં નૈરોબીની એક તૃતીયાંશ જેટલી રેવેન્યુ જીવણજીએ ચૂકવેલા મ્યુનિસિપલ વેરામાંથી આવતી હતી."
વેપારના સામ્રાજ્યને અવગણીને લોકો માટે લડવાની શરૂઆત

ઇમેજ સ્રોત, WIKIMEDIA COMMONS
1906માં નૈરોબીની સ્થિતિ એવી હતી કે શહેર રંગભેદની બાબતે ઓછામાં ઓછા સાત વિસ્તારોમાં વહેંચાયેલું હતું.
ભારતીયો સાથે વધી રહેલા ભેદભાવોને કારણે 1906માં મૉમ્બાસા ઇન્ડિયન ઍસોસિયેશનને અલીભાઈએ રાજકીય સંગઠનમાં પરિવર્તિત કરી દીધું અને ભારતીયોના અધિકારો માટે લડવાનું નક્કી કર્યું.
'ધી રિફ્ટ ઇન ધ ઍમ્પાયર લ્યૂટ: એ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયન સ્ટ્રગલ ઇન કેન્યા' પુસ્તકમાં યુ.કે. ઓઝા લખે છે કે, "અલીભાઈને કેન્યામાં ભારતીય રાજકીય ચળવળ શરૂ કરવાનું શ્રેય આપવું જોઈએ."
પરંતુ એક પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે કે શા માટે આટલું મોટું વેપાર સામ્રાજ્ય હોવા છતાં, રાજકારણ ગમતું ન હોવા છતાં, વૈભવી જીવનશૈલી હોવા છતાં તેમણે ચળવળો, રાજકારણનો માર્ગ કેમ અપનાવ્યો?
ઓઝા પ્રમાણે એક વર્તમાનપત્રમાં અલીભાઈએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. અલીભાઈએ કહ્યું હતું કે, "હું મારા હિતને જોઉં છું, પરંતુ હું વિશાળ લોકહિત માટે કંઈ થતું હોય તો તેના માટે કાયમ તૈયાર છું."
વર્ષ 1912માં તેમણે લખ્યું હતું કે, "મારી ભૂતકાળની કારકિર્દીને ધ્યાને લેતાં મારે ઈસ્ટ આફ્રિકામાં મારા ભારતીયો વતી બોલવાનું સાહસ કરવું જોઈતું ન હતું, પરંતુ સંપૂર્ણ સત્ય એ હતું કે મેં મારા દેશબંધુઓની અપમાનજનક સ્થિતિ ખૂબ જ નજીકથી,તીવ્રતાથી અનુભવી. ઈસ્ટ આફ્રિકાના શ્વેત લોકો દ્વારા તેમની સાથે કરવામાં આવતા અન્યાયી વર્તનને ફિલોસોફિકલ રીતે શાંતિથી માત્ર જોતાં રહેવાનું હું સહન કરી શક્યો નહીં."
"1907માં વિન્સ્ટન ચર્ચિલ કેન્યાની મુલાકાતે આવે છે અને ભેદભાવોને ધ્યાનમાં લેતાં નૈરોબી લેજિસ્લેટિવ કાઉન્સિલમાં તેઓ એક ભારતીયની નિમણૂક કરવાનું કહે છે."
ઝરીના પટેલ લખે છે, "સ્વાભાવિક રીતે જ અલીભાઈ પર કળશ ઢોળાયો અને તેમની નૉમિનેટેડ સભ્ય તરીકે વરણી થઈ. કાઉન્સિલમાં મુદ્દાઓ ઉઠાવતી વખતે લખવા પડતા પત્રો પણ તેઓ ગુજરાતીમાં લખતા કારણ કે તેઓ અંગ્રેજી લખી શકતા નહોતા, માત્ર બોલી જ શકતા હતા."
તેઓ લખે છે, "કાઉન્સિલમાં નિમણૂક પછી, વિવિધ પ્રકારનાં બિલો પર ચર્ચા વખતે તેમનાં ધંધાકીય હિત અને રાજકીય માન્યતાઓ વચ્ચે ટકરાવ પેદા થયો, પરંતુ અંતે તેમણે રાજકીય સિદ્ધાંતોને વરેલા રહેવાનું પસંદ કર્યું અને ત્યાંથી તેમના ધંધાકીય સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ."
કેન્યામાં ઈસ્ટ આફ્રિકન ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના

ઇમેજ સ્રોત, Zarina Patel
ઝરીના પટેલ લખે છે, "1910માં અલીભાઈ ઇંગ્લૅન્ડ ગયા ત્યારે તેમણે અનેક અખબારોમાં ઇન્ટરવ્યૂ આપીને ઈસ્ટ આફ્રિકામાં ભારતીયોને સાથે થતા ભેદભાવો વિશે વાત કરી. તેનાથી બ્રિટન સહિત ભારતમાં પણ તેમની નોંધ લેવાઈ."
પણ ઇન્ડિયન ઑફિસ અને કૉલોનિયલ ઑફિસ (ઈસ્ટ આફ્રિકા) સામે, લંડનમાં રૂબરૂ મળીને પણ મુદ્દાઓ ઉઠાવવા છતાં, ભારતીયોના સતત વિરોધપ્રદર્શન છતાં કેન્યામાં થઈ રહેલા ભેદભાવો વિશે કોઈ નક્કર પગલાં લેવાતાં ન હતાં.
આથી, કંટાળીને 7 માર્ચ, 1914ના રોજ અલીભાઈએ અલીદિના વિસરામ સહિત અન્ય ભારતીયો સાથે મળીને ઈસ્ટ આફ્રિકન ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ (EAINC)ની સ્થાપના કરી, જેના પહેલા પ્રમુખ પણ તેઓ જ બન્યા.
માઇકલ ઓ'સુલેવાન લખે છે કે, "કેન્યા જેવા દેશોમાં અંગ્રેજોની ભેદભાવભરી નીતિઓને કારણે ગુજરાતીઓ, ખાસ કરીને મુસ્લિમ મૂડીવાદીઓએ ભારતીય રાષ્ટ્રવાદને અપનાવ્યો. આ રસ્તે જ અલીભાઈએ આગળ જતાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની ઈસ્ટ આફ્રિકન શાખાની સ્થાપના કરી હતી."
EAINCએ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ઓછામાં ઓછા ત્રણ ભારતીયોની ચૂંટણીની માગ કરી. આ સંગઠનનો ઈસ્ટ આફ્રિકામાં તમામ સમુદાયો માટે સંપૂર્ણ અને સમાન અધિકારો મેળવવાનું ધ્યેય નક્કી કરવામાં આવ્યું.
વિવિધ પુસ્તકો અને સંશોધનોમાંથી એ માહિતી મળે છે કે, એ સમયમાં ભારતીયો સાથે કેન્યામાં અનેક પ્રકારના ભેદભાવો થતા હતા. જેમ કે, કેન્યામાં હાઇલૅન્ડ્સ તરીકે ઓળખાતા ઠંડા વિસ્તારોમાં ભારતીયોને જમીન ન આપવી, ભારતીયોનાં બાળકોનાં શિક્ષણ માટે ઓછા રૂપિયા આપવા, વધારાનો ટૅક્સ લેવો, કેન્યામાં ભારતીયોના ઇમિગ્રેશન પર પ્રતિબંધો મૂકવા વગેરે મુખ્ય હતા.
રંગભેદની અને અલીભાઈની લોકપ્રિયતાની ચરમસીમા

ઇમેજ સ્રોત, zarinapatel.net
1920માં EAINCના ત્રીજા સેશનમાં જ્યારે તેઓ લંડનથી કેન્યા આવ્યા ત્યારે તેમની લોકપ્રિયતા ટોચ પર હતી એમ ઝરિના પટેલ નોંધે છે.
ઇસ્ટ આફ્રિકન ક્રૉનિકલે લખ્યું હતું કે, "શેઠ એ.એમ. જીવણજીના આગમન પહેલાં મૉમ્બાસાની ગલીઓમાં કીડીયારું ઉભરાયું હતું. એક સ્પેશિયલ ટ્રેનમાં બેસીને લોકો આવી રહ્યા હતા."
કેન્યાનાં અખબારોમાં ચારેકોર 'જીવણજી અરાઇવ્સ' અને 'બિગ વેલકમ ટુ ઇન્ડિયન લીડર એટ મૉમ્બાસા' જેવી હેડલાઇનો છપાતી હતી. તેમની સ્વાગત સમિતિના પ્રમુખ અલીદિના વિસરામે ગુજરાતીમાં ભાષણ આપ્યું હતું. અલીભાઈને ફરીથી પ્રમુખપદે ચૂંટવામાં આવ્યા હતા."
મૉમ્બાસાથી તેઓ જ્યારે પછી નૈરોબી ગયા તો તેમનું સ્વાગત એવું થયું કે, "તેમના રથ આગળથી ઘોડાઓને છૂટા કરી દેવામાં આવ્યા અને લોકો પોતે ખેંચીને તેને ચલાવવા લાગ્યા."
આ બેઠક પછી એ સ્પષ્ટ હતું કે ભારતીયો સાથેના ભેદભાવને જોતા જીવણજી હવે લડતના માર્ગે જવા ઇચ્છતા હતા.
પણ 1920ના દાયકાની શરૂઆતમાં અંગ્રેજોએ ભારતીયો અને આફ્રિકન્સ વચ્ચે ભાગલા પડાવવાની ચાલ રમી.
ઝરીના પટેલ લખે છે, "વાત એટલી વધી ગઈ કે આફ્રિકન મૂળનાં છાપાં અને મૅગેઝિન્સમાં ભારતીયોને અભણ ચીતરતા હોય તેવા વિશેષાંકો પ્રસિદ્ધ થવા લાગ્યા. જોકે, તેનો આફ્રિકન્સ લોકોએ જ વિરોધ કર્યો અને ચાલ લાંબી ન ચાલી. આફ્રિકન નેતા હેરી થુકુએ આફ્રિકન્સ લોકોની વાત પણ લંડનમાં રજૂ કરવા અલીભાઈ પર ભરોસો મૂક્યો."
"ભારતીયોએ પણ ઉગ્ર વિચારો ધરાવતા હેરીને ઈસ્ટ આફ્રિકન ઍસોસિયેશન બનાવવામાં સહાય કરી. જેનાથી અંગ્રેજો ચોંક્યા. યુરોપિયન અધિકારી અને નેતા ડેલમેરે અફવા ફેલાવી કે વિરોધ કરી રહેલા ભારતીયોને રશિયાની સામ્યવાદી ક્રાંતિ કરનારા લોકો પાસેથી ફંડ મળે છે."
"પછી યુરોપિયન અખબારોએ પણ એવા સમાચારો છાપ્યા કે આફ્રિકન નેતાઓ ભારતીય નેતાઓ દ્વારા આપવામાં આવેલી ટી-પાર્ટીમાં ગયા હતા, તેમની ભારતની મફત ટ્રિપ્સ કરાવવામાં આવતી હતી. યુરોપિયન લોકોએ આ ઘટનાને 'જીવણજી ટી પાર્ટી' નામ આપ્યું અને આરોપો લગાવ્યા. વધુમાં આ સમયગાળામાં કેન્યાના રેલવે અને પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં ભારતીયોની વધી રહેલી સંખ્યા અંગેનો રિપોર્ટ જાહેર થયો જેનાથી યુરોપિયન્સ વધુ ભડક્યા. ભારતીયોની અખબારોમાં વધુ ટીકા કરવામાં આવી, તેમના પર 'ગંદા' આરોપો લાગ્યા, જેનાથી ભારતીય સમુદાયમાં ગુસ્સો વધ્યો."

ઇમેજ સ્રોત, zarinapatel.net
યુ.કે. ઓઝા લખે છે, "1921માં નાટકીય ઢબે ભારતીયો વિરુદ્ધનો ભેદભાવ એટલો વધ્યો કે શાંત ગણાતા વેપારી ભારતીય સમુદાયને પણ રાજકારણના વમળમાં મને-કમને ખેંચાઈ જવું પડ્યું. ધંધાકીય અને રહેણાકી રીતે ભારતીયોને અલગ પાડી દેવાનું બિલ પસાર કરી દેવામાં આવ્યું, જેનાથી બળતામાં ઘી હોમાયું."
15 મે, 1921ના રોજ ભારતીય સમુદાયોની સભામાં અલીભાઈએ વિરોધને ઉગ્ર બનાવતાં જાહેરાત કરી કે, "ભારતીયોને જ્યાં સુધી કાઉન્સિલમાં વસ્તી પ્રમાણે સ્થાન નહીં મળે ત્યાં સુધી ટૅક્સ નહીં ભરવામાં આવે."
ઝરીના પટેલ લખે છે, "1922માં કેન્યામાં ભારતીયો વિરુદ્ધ રંગભેદને કારણે થતો ભેદભાવ ચરમસીમાએ હતો."
"25 જુલાઈ, 1923ના રોજ 'ડિવોનશાયર ડિક્લેરેશન'ની જાહેરાત થઈ જેમાં ફરી કેન્યામાં ભારતીયોના આવવા પર પ્રતિબંધ અને 'હાઇલૅન્ડ્સ'ના વિસ્તારો માત્ર યુરોપિયન્સ માટે જ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી. આ ડિક્લેરેશને જાણે કે 'છેલ્લા ઘા' સમાન કામ કર્યું અને ભારતીયોનો વિરોધનો સૂર ભભૂકી ઊઠ્યો."
"એક તબક્કે જીવણજીએ ભારતમાં રહીને ભારતની સરકાર પાસેથી શસ્ત્રો અને સેનાની ટુકડીની માગ કરી હોવાનું પણ જાણવા મળે છે."
જોકે, વિરોધ યથાવત્ હોવા છતાં ભારતીયોને લડતમાં પછીના દાયકામાં કોઈ ખાસ સફળતા મળતી નથી અને ભેદભાવ એક યા બીજી રીતે શરૂ રહે છે.
ભારતીય સમુદાયમાં ભાગલા અને અલીભાઈનો પારિવારિક તણાવ
ઝરીના પટેલ લખે છે, "1924-25થી ભારતીય સમુદાયોમાં પણ ભાગલા દેખાવા લાગ્યા અને તેમણે સામેથી જ માત્ર ભણેલા અને ધનવાન ભારતીયોને જ મતાધિકાર આપવાની વાત કરી. EAINCના જનરલ સેક્રેટરી મોહમ્મદ મલિક ફાંટો પાડીને સંગઠનમાંથી દૂર થઈ ગયા."
યુ.કે. ઓઝા લખે છે, "1926માં સંગઠનમાં પડી રહેલા ભાગલાને ખાળવા EAINCએ ફરીથી અલીભાઈને પ્રમુખપદે બોલાવ્યા. ત્યારે તેમની ઉંમર 70 વર્ષ હતી."
1926માં આપેલા ભાષણમાં અલીભાઈએ કહ્યું હતું કે, "ભારતીય સમુદાય એવી સ્થિતિમાં ક્યારેય નહોતો, કે પછી તેની દૃઢ ઇચ્છા પણ નહોતી કે સત્તાવાળાઓ સામે સુગઠિત થઈને વિરોધ નોંધાવી શકે. તેમણે કહ્યું કે ચૂંટણીનો સ્વીકાર કરવાને બદલે કૉંગ્રેસે પોતાના પાંચ નામ નૉમિનેશનમાં મોકલવાનું શરૂ રાખ્યું. જેનાથી આપણને નુકસાન થયું. એક જ શહેરમાં ભારતીયોનાં બે પ્રતિસ્પર્ધી ઍસોસિયેશન બની ગયાં."
અલીભાઈના 1926ના સંબોધનમાં ક્યાંય સમાન અધિકારોની વાત નહોતી અને ભારતીયોને લગતા આર્થિક પ્રશ્નોની જ તેમણે વાત કરી હતી. એવા મુદ્દાઓ તેમણે ટાળ્યા હતા જેનાથી કૉંગ્રેસમાં ફાંટા પડ્યા હતા. એવું પ્રતીત થઈ રહ્યું હતું કે જાણે ભારતીયોની સમાન અધિકારો માટેની લડત અંતે આર્થિક હેતુઓ માટેની થઈ ગઈ.
ઝરીના પટેલ લખે છે, "લગભગ 25 વર્ષ સુધી ભારતીયોએ કરેલા સંઘર્ષનું સ્થાન આફ્રિકન રાષ્ટ્રવાદ અને ચળવળોએ લઈ લીધું. 1929માં અલીભાઈએ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું ત્યારે તેમની ખુદની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ હતી."
"અલીભાઈએ રાજકીય નિવૃત્તિ લીધા પછીના સમયગાળામાં તેમના ભાઈ તૈયબઅલી રાજકારણમાં વધુ સક્રિય થયા હતા અને તેમણે બ્રિટિશ તરફી સ્ટૅન્ડ લેવાનું શરૂ કર્યું હતું. ઑર્ડર ઑફ બ્રિટિશ ઍમ્પાયર નામે અપાતો ખિતાબ પણ અલીભાઈના બદલે અંગ્રેજોએ તેમના ભાઈ તૈયબઅલીને આપ્યો."
"1917 પછી તેમની કંપનીમાં ભાગીદારો તરીકે રહેલા અલીભાઈના ભાઈઓએ કંપનીને હડપવાની કોશિશો કરી. જ્યારે 1923માં ભારતીયો સામેનો ભેદભાવ ચરમસીમાએ હતો ત્યારે અલીભાઈ આ મોરચે પણ લડત આપી રહ્યા હતા. 1933માં તેમણે નાદારી નોંધાવી ત્યારે તેમણે શિપ બિઝનેસમાં ખોટ, મિલ અને હીરાના વેપારમાં ખોટનું કારણ આપ્યું હતું."
આરોપો અને કાયદાકીય લડતો

ઇમેજ સ્રોત, Puneet Kumar/BBC
ઝરીના પટેલ તેમના પુસ્તકમાં નોંધે છે તેમ અલીભાઈ સામે સાચા-ખોટા અનેક આરોપો લાગ્યા હતા અને જીવનભર તેમનો કોઈને કોઈ કેસ ચાલતો રહ્યો હતો.
"તેમાં મુંબઈથી સ્થાનિક બ્રિટિશ સરકારની પરવાનગી વગર મજૂરોને આફ્રિકા લઈ જવા, મજૂરોને જ્યાં કામ કરવા લઈ જવાના હોય તે પ્રોજેક્ટને બદલે પોતાની કંપનીમાં ભરતી કરવા અંગે તેમના પર લાગેલા આરોપો કોર્ટમાં સાબિત થઈ ગયા હોવાનો પણ ઉલ્લેખ છે. આ સિવાય તેમણે અગાઉ બાંધેલાં બાંધકામોને મ્યુનિસિપલ કૉર્પોરેશનને અથવા અન્ય વિભાગોને ભાડે આપ્યાં હતાં, તેમાં પણ વારંવાર સત્તાવાળાઓ તરફથી તેમને યોગ્ય ભાડું ન ચૂકવાતું હોવાથી વારંવાર કોર્ટમાં જવું પડતું હતું."
"એ સમયગાળામાં વહાણવટા-વેપારને જોતાં તેમણે શિપ ટ્રાન્સપૉર્ટનો પણ ધંધો કર્યો હતો, પરંતુ અંગ્રેજ સરકારના નિયમોને કારણે તેમને ફટકો પડ્યો હતો. તેમની શિપ એસએસ કાલિકટ રહસ્યમય રીતે દરિયામાં ડૂબી હતી અને તેનું કારણ શોધવા કમિશન પણ નીમાયું હતું. એ શિપનું ડૂબી જવું એ કાયમ રહસ્ય રહ્યું અને તેમનો ઇન્સ્યોરન્સ ક્લૅમ પણ ક્યારેય રિકવર ન થયો."
ઝરીના પટેલ લખે છે, "બોહરા સમુદાયના દાઈ (શીર્ષ વડા)એ કરેલા ભ્રષ્ટાચાર અને ચોરી અંગે તેમણે જોરશોરથી અવાજ ઉઠાવ્યો હતો અને લોકોએ દાનમાં આપેલા પૈસાના થતા દુરુપયોગને રોકવાની કોશિશ પણ કરી હતી. તેના કારણે ધાર્મિક વડાઓએ તેમનો બહિષ્કાર કર્યો હતો અને અલીભાઈ તથા તેમનાં પત્નીને જીવનનાં છેલ્લાં વર્ષોમાં અતિશય અપમાન અને તિરસ્કારનો સામનો કરવો પડ્યો હતો."
લોકોપયોગી કાર્યો અને જીવનનો અંતિમ પડાવ
1927 પછીના સમયગાળામાં અલીભાઈએ અનેક લેણદારોને પ્રોપર્ટી વેચીને, વાટાઘાટ કરીને ઘણું સેટલમેન્ટ કર્યું હતું.
જોકે, ઝરીના પટેલ નોંધે છે તેમ તેમના ભાઈઓનો સાથ તેમને ક્યારેય મળ્યો નહીં.
"પંજાબ નૅશનલ બૅન્ક સાથેનું સેટલમેન્ટ તો તેમના મૃત્યુ પછી થયું હતું, ત્યારે તેમના ભાઈ માત્ર તૈયબઅલી જ જીવિત હતા. આથી, પછી જીવણજી વિલા સહિત અમુક પ્લૉટ્સ, જમીનો તૈયબઅલીના ભાઈનાં સંતાનોને મળી હતી."
"અલીભાઈના પુત્રોને કોઈ સંપત્તિ મળી નહોતી. તેમના પુત્રો અકબર અને અસગરે નવો રોજગાર ઊભો કરવાનો વારો આવ્યો હતો. તેમનાં પત્ની દાયમબાઈને 100 રૂપિયાનું પેન્શન ગ્રેચ્યુઇટી અને અન્ય ફંડમાંથી મળતું હતું."
ઝરીના પટેલ લખે છે, "પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇન્ડિયન વૉર હૉસ્પિટલમાં તેમણે ગોખલે વૉર્ડ અને જીવણજી વૉર્ડમાં પોતાના હજારો રૂપિયા ખર્ચીને સતત લોકોની સારવાર કરાવી હતી. તેમનાં અનેક ક્વાર્ટર્સ, મકાનોમાં રહેતા લોકો માટે તેઓ ભાડું પણ વધારતા નહોતા. કરાચીમાં શાળાઓ પણ શરૂ કરી હતી. જોકે, પ્રગતિશીલ વિચારો ધરાવતા અલીભાઈએ કન્યાશિક્ષણમાં જરાય રસ લીધો નહોતો."
1950માં નૈરોબીની જ્યુબિલી ઉજવણી વખતે પ્રકાશિત થયેલા પુસ્તકમાં અલીભાઈનો માત્ર થોડો ઉલ્લેખ હતો, જ્યારે આફ્રિકન્સ લોકોને તો તેમાં સ્થાન જ નહોતું મળ્યું.
અલીભાઈની યાદગીરી 'જીવણજી ગાર્ડન્સ'ને બચાવવાની લડાઈ

ઇમેજ સ્રોત, Zarina Patel
1906માં અલીભાઈએ પોતાના ખર્ચે બાંધેલા 'જીવણજી ગાર્ડન'ને પ્રજા માટે મ્યુનિસિપાલિટીને આપી દીધું.
પરંતુ 1991માં જીવણજી ગાર્ડન્સની વચ્ચેની જગ્યામાં ત્રણ માળનું અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ અને મૉલ બનાવવાનું નક્કી થયું અને કૉન્ટ્રેક્ટ કોઈ જાણીતા ઉદ્યોગપતિને આપી દેવાયો.
એમાં પણ જીવણજીના સીધી લીટીના વારસદારો પાસેથી પરવાનગી લેવાઈ નહોતી અને તેમના ભાઈ તૈયબઅલી (જેમનો અલીભાઈ સાથે વિખવાદ હતો એ ભાઈ)ના વારસદારોએ તેની પરવાનગી આપી દીધી હતી.
લેખિકા ઝરીના પટેલ તથા અલીભાઈનાં દીકરી શિરિને આની સામે અવાજ ઉઠાવ્યો અને આંદોલન ચાલ્યું હતું. સેંકડો સામાન્ય લોકો, પર્યાવરણવાદીઓએ વિરોધ કર્યો અને અંતે આજે (2025માં) પણ એ ગાર્ડન્સ અસ્તિત્વમાં છે.
"તેમના નામે કેન્યામાં રાખવામાં આવેલી અમુક શેરીઓના નામ આઝાદી પછી બદલી નાખવામાં આવ્યા હતા."
બીજી મે, 1936ના રોજ અલીભાઈનું 80 વર્ષની વયે નૈરોબીમાં નિધન થયું હતું.
ઝરીના પટેલ લખે છે કે, "બ્રિટિશ ઇસ્ટ આફ્રિકન સરકારે તેની કોઈ અધિકૃત નોંધ લીધી નહોતી. એક સમયે 40 લાખ પાઉન્ડની મિલકત ધરાવતા 'મરચન્ટ પ્રિન્સ'નું નિધન એવી ગરીબ વ્યક્તિ તરીકે થયું કે જેનાં પત્ની કે સંતાનો પાસે કોઈ મિલકત નહોતી. તેમના નિધનના દિવસે નૈરાબી બજાર સ્ટ્રીટ અને તમામ ધંધાઓ બંધ રહ્યા હતા."
ઈસ્ટ આફ્રિકાનાં અનેક અખબારોએ તેમને 'ભારતીય સમુદાયના મહાન નેતા' અને ધી ગ્રાન્ડ ઑલ્ડમેન' કહીને નવાજ્યા હતા.
આ શ્રેણીના અન્ય લેખ અહીં વાંચો:
- જેરામ શિવજી: આખા ઝાંઝીબારનો વેપાર જેના તાબે હતો, જેમના માટે સુલતાને 'ગૌહત્યા બંધ કરાવી' એ ગુજરાતી વેપારી
- કનકશી ખીમજી: એ ગુજરાતી વેપારી જેને 'દુનિયાના પ્રથમ હિન્દુ શેખ'ની ઉપાધિ મળી
- મૂળજી માધવાણી : ખાંડ વેચી યુગાન્ડાના ખજાના છલકાવી દેનાર ગુજરાતી વેપારી, જેના પરિવારને ઈદી અમીને હાંકી કાઢ્યો
- રતનશી પુરુષોત્તમ : એ ગુજરાતી સોદાગર જે બંદૂકો વેચી 'મસ્કતના વેપારી બાદશાહ' બની ગયા
- સેવા હાજી પારૂ : એ ગુજરાતી જે માત્ર 46 વર્ષ જીવ્યા અને પૂર્વ આફ્રિકાના 'તાજ વિનાના રાજા' કહેવાયા
- નાનજી કાળીદાસ : સૌરાષ્ટ્ર પર જ્યારે આફત આવી અને આ ગુજરાતીએ મુખ્ય મંત્રીને લાખો રૂપિયા દાન આપી દીધા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












