કનકશી ખીમજી: એ ગુજરાતી વેપારી જેને 'દુનિયાના પ્રથમ હિન્દુ શેખ'ની ઉપાધિ મળી

ઇમેજ સ્રોત, Puneet Kumar/BBC
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત અને વેપાર કાયમથી એકબીજાના પૂરક રહ્યા છે. 18મીથી 19મી સદીના અંત ભાગ સુધી ગુજરાતીઓએ કંઈક એવું કર્યું જે સામાન્ય ન હતું, પણ વિશિષ્ટ હતું.
ગુજરાતી વેપારીઓએ અનેક દાયકા સુધી દરિયો ખેડીને આરબ દેશોથી લઈને પૂર્વ આફ્રિકાના દેશો સુધી વેપાર કર્યો, ત્યાં ઠરીઠામ થયાં, મોટાં સામ્રાજ્ય ઊભાં કર્યાં. આ શ્રેણી તેમના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે. એ અંતર્ગત દર અઠવાડિયે એક લેખ પ્રગટ થશે.

"જ્યારે કોઈ જોઈ રહ્યું ન હતું ત્યારે કચ્છના દરિયાઈ સાહસિકોએ પૃથ્વીના ત્રણ ભૂભાગને જાણે કે ચુપકીદીથી એકમેકની સાથે જોડી દીધા હતા. ભારત, અરેબિયા અને આફ્રિકાના ગોલ્ડન ટ્રાયેંગલ પર અરબ સાગરનાં વિશાળકાય મોજાંને ખૂંદતો, કચ્છી સાહસિકોનો આ વેપાર લગભગ બે સદી સુધી ધમધમતો રહ્યો હતો, પણ લગભગ ઉપનિવેશવાદી સત્તાઓનું ધ્યાન તેમના પર જાણે કે ગયું જ નહોતું."
પ્રખ્યાત લેખક અને ઇતિહાસકાર ગુરચરણ દાસ કચ્છીઓના વેપાર અને સાહસિકતાની વાત કંઈક આ રીતે માંડે છે.
તેઓ લખે છે કે, "એ સમયના મોટા મુઘલ શાસકો પણ દરિયાને પિકનિક સ્પૉટ તરીકે જ જોતા હતા. આ વિસ્તારોની અવગણના થવાને કારણે તેઓ મોટે ભાગે સ્થાનિક નાના રાજાઓના હાથમાં જ રહ્યા, પરંતુ કચ્છથી લઈને મહારાષ્ટ્ર સુધીના દરિયાઈ પટ્ટામાં આ નાનાં રજવાડાંઓએ વેપાર-ધંધાને ખૂબ પ્રોત્સાહન આપ્યું."
કચ્છીઓએ તો આ પ્રોત્સાહનને જાણે તેમના જીવનની સૌથી મોટી તકમાં ફેરવી દીધી અને અને તેમની એક પેઢીએ ખેડેલાં દરિયાઈ જોખમોએ અનેક પેઢીઓને તારી દીધી.
રવજી ભીમાણી, રતનશી પુરુષોત્તમ, રેવાગર ગોસ્વામી, ખીમજી રામદાસ, કાનજી પવાણી, જેરામ શિવજી, શિવજી ટોપણ, સેવા હાજી પારુ, અલીદિના વિસરામ, અલી મુલ્લા જીવણજી, આદમજી અલીભાઈ... આ યાદી હજુ બહુ લાંબી છે.
આવી જ એક કહાણી છે કનકશી ખીમજીની. હકીકતમાં તો તેમના પિતા અને દાદા કચ્છથી સાહસ ખેડીને ઓમાન પહોંચ્યા હતા, પરંતુ કનકશી ખીમજીએ એ વારસાને ઓમાનમાં એવો આગળ ધપાવ્યો કે તેમને ઓમાનની સરકારે તેમને ઓમાનના ભારતીય સમુદાયના 'શેખ'ની પદવી આપી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વમાં કોઈ હિન્દુને શેખની ઉપાધિ મળી હોય તેવો આ પહેલો કિસ્સો તો હતો જ, પરંતુ એ 'ગૌરવ' એક ગુજરાતી વેપારીને પણ મળ્યું એ પણ એક 'રેકૉર્ડ' હતો.
કનકશી ખીમજી કોણ હતા? કેવી રીતે એક ગુજરાતી હિન્દુ વેપારીનો પરિવાર ઓમાનના રાજવી પરિવારનો 'સૌથી ભરોસાપાત્ર' બની ગયો? દરિયાઈ માર્ગે એકસમયે બાર્ટર સિસ્ટમથી ઍક્સપૉર્ટ-ઇમ્પૉર્ટનો ધંધો કરતો ખીમજી પરિવાર એક અબજ ડૉલરનું ટર્નઑવર ધરાવતી 'ખીમજી રામદાસ' કંપની કેવી રીતે બન્યો? કનકશી ખીમજીએ ઓમાનમાં એવાં શું કાર્યો કર્યાં જેને આજે પણ ઓમાનના લોકો યાદ કરે છે? જાણીએ તેમની કહાણી...
માંડવીથી મસ્કત સુધી કેવી રીતે પહોંચ્યા?
કચ્છના માંડવીથી ઓમાનના મસ્કત અને ઝાંઝીબારના રૂટ પર રામદાસ ઠાકરશી અને તેમના પુત્ર ખીમજી રામદાસ નિયમિતપણે વેપાર કરતા હતા. તેઓ એક પૉર્ટ પરથી વસ્તુઓ બાર્ટર સિસ્ટમથી લઈને બીજા પૉર્ટ પર તેને વેચવાનું કામ કરતા હતા.
પરંતુ 1870માં એક વખત તેમને એવો વિચાર આવ્યો જેમણે તેમનું જીવન બદલી નાખ્યું.
ખીમજી રામદાસ ગ્રૂપની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, "1870ના આ પ્રવાસ પહેલાં નક્કી થયું કે દીકરો કોઈ એક પૉર્ટ પર હવે કાયમી રહી જશે કે જ્યાંથી તેમને નફો થતો હોય અને તેમની આગતાસ્વાગતા સારી થતી હોય. અંતે તેઓ જ્યાં રોકાયા એ ઓમાનનો મસ્કત પૉર્ટ હતું."
અહીંથી જે સફર શરૂ થઈ એ આજે 155 વર્ષે પણ અવિરત નવા મુકામો હાંસલ કરી રહી છે.

ઇમેજ સ્રોત, Khimji Ramdas Group
શેનાનદોહ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. કૅલ્વિન ઍચ. ઍલન મધ્યપૂર્વના દેશોના જાણકાર અને સંશોધક છે. તેમણે 'ગોકળદાસ ખીમજી: અ ટ્વૅન્ટીન્થ સૅન્ચુરી બનિયા મરચન્ટ ઇન મસ્કત' નામે એક સંશોધનપત્ર પ્રકાશિત કર્યું છે. જેમાં તેમણે ખીમજી પરિવારે મસ્કતમાં કેવી રીતે પગ જમાવ્યો તેની કથા રજૂ કરી છે.
ખીમજીએ મસ્કતમાં નાનકડી કંપની સ્થાપી અને તેમનાં પત્ની સાકરબાઈને ઓમાન બોલાવ્યાં. ત્યાર બાદ ગોકળદાસ ખીમજી (કનકશીના પિતા)નો 5 ડિસેમ્બર, 1901ના રોજ જન્મ થયો. તેમને 1912માં શિક્ષણ માટે માંડવી મોકલવામાં આવ્યા, પરંતુ તેમને ખીમજીની તબિયત લથડતાં 1915માં જ ઓમાન પાછા ફરવું પડ્યું.
ખીમજીએ 1921માં કારોબારમાંથી નિવૃત્તિ લીધી અને માંડવી ગયા પછી ગોકળદાસે તેમનાં માતા સાથે મળીને કંપની આગળ ચલાવી. ધીમે ધીમે તેમના ચાર નાના ભાઈઓ ધરમશી, રતનશી, જમનાદાસ અને મથરાદાસે પણ કંપની સંભાળી.
ગોકળદાસને જે કંપની વારસામાં મળી હતી એ નાનું ઍક્સપોર્ટ-ઇમ્પોર્ટનું કામ કરતી હતી જેમાં તેઓ કમિશન એજન્ટ્સ થકી ચોખા, ખાંડ, કૉફી, ચા, મસાલા, ટૅક્સ્ટાઇલ્સ, બિલ્ડિંગ મટીરિયલ્સ, ખજૂર વગેરે વેચતા હતા.
વેપારથી લઈને વિશ્વયુદ્ધમાં પુરવઠાના સપ્લાય સુધી

ઇમેજ સ્રોત, Oman Daily Observer
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રો. કૅલ્વિન ઍચ. ઍલન લખે છે કે, "1920ના દાયકામાં આ સમૂહે ખારેકની નિકાસનો ધંધો શરૂ કર્યો અને ખૂબ પ્રગતિ કરી. પછી તેઓ સૂકી મોસંબીના વેપારમાં પ્રવેશ્યા અને તેના ટોચના નિકાસકર્તા પૈકીના એક બન્યા."
1945માં એક બ્રિટિશ પૉલિટિકલ એજન્ટે નોંધ્યું હતું કે, "ગોકળદાસ બ્રિટિશ ઇન્ડિયન વેપારી કૉમ્યુનિટીના એકમાત્ર એજન્ટ હતા જેમની પાસે ઓમાનમાં પ્રોપર્ટીઓનો કબજો હોય. ઓમાનના શેખો તેમના વેપાર માટે મસ્કત અને મત્રાહના આરબ વેપારીઓ કરતાં પણ તેમના પર ભરોસો કરતા. આથી, જ તેમને ઘર અને ખજૂરના બગીચાઓ સારી કિંમતે મળતા હતા."
1950 પછીનાં વર્ષોમાં તેમણે શેલ ઑઇલ કંપની, ફોર્ડ મોટર્સ, માર્લબોરો સિગારેટ્સ સાથે કરારો કર્યા અને ધંધો જાપાન અને અમેરિકા સુધી વિસ્તાર્યો. પછી બાંધકામના ધંધામાં પણ પ્રવેશ્યા. 1960 પછી તો તેમને સરકારી કૉન્ટ્રેક્ટ્સ પણ મળવા લાગ્યા અને અનેક આર્મી બેઝ પણ બનાવ્યા.
ઓમાન ડેઇલી ઑબ્ઝર્વર (ઓમાનની મિનિસ્ટ્રી ઑફ ઇન્ફૉર્મેશન) અને ભારતના ઓમાન ખાતેના દૂતાવાસે સાથે મળીને એક પુસ્તક પ્રકાશિત કર્યું છે.
સેમ્યુઅલ કુટ્ટી અને સંધ્યા રાવ મહેતાલિખિત આ પુસ્તક 'ઓમાન-ઇન્ડિયા ટાઇસ: ઍક્રોસ સી ઍન્ડ સ્પેસ'માં લખવામાં આવ્યું છે કે, "આ ગ્રૂપે ઐતિહાસિક રીતે જોઈએ તો જે પહેલાં બે વિશ્વયુદ્ધો થયાં તેમાં યુકે, સોવિયેત યુનિયન, અમેરિકા અને ચીન જેવા દેશોના પક્ષે રહેલા દેશોને જરૂરી પુરવઠો પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી."
"ઓમાનમાં 1960માં પહેલી HSBC બૅન્ક બાંધવામાં, બૈત-અલ-ફલજમાં 1956માં પહેલું ઍરપૉર્ટ બાંધવામાં તેમણે મદદ કરી હતી. ત્યાં પહેલી ફોર્ડ કાર પણ તેમણે વેચી હતી."
કનકશી ખીમજીની ઍન્ટ્રીએ 'ચાર ચાંદ લગાડ્યા'

ઇમેજ સ્રોત, Khimji Ramdas Group
સંધ્યા રાવ મહેતા અને જૅમ્સ ઑન્લીએ 'ધી હિન્દુ કૉમ્યુનિટી ઇન મસ્કત: મૅકિંગ હૉમ્સ ઇન ધી ડાયસ્પોરા' નામે એક સંશોધનપત્ર લખ્યું છે જેને યુકેની યુનિવર્સિટી ઑફ ઍક્સટરે પ્રકાશિત કરેલું છે. તેમાં તેમણે કનકશી ખીમજીના જીવન વિશે ઘણી વાતો લખી છે.
એ પ્રમાણે કનકશી ખીમજીનો જન્મ 1936માં મસ્કતમાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ બૉમ્બેમાં પૂર્ણ કર્યું હતું.
તેમનો પરિવાર વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગીય પંથને અનુસરે છે.
પ્રો. કૅલ્વિન લખે છે તે પ્રમાણે, "ગોકળદાસના પુત્ર કનકશીએ પ્રારંભિક જવાબદારી વેરહાઉસ કીપર અને પછી સલાલાહ ઑફિસના મૅનેજર તરીકે નિભાવી હતી."
"1970 પહેલાં ઓમાનના સુલતાન સૈદ સાથે ગોકળદાસને એટલા સારા સંબંધો હતા કે તેઓ તેઓ સુલતાન અને અન્ય ટ્રાઇબલ લીડર્સ વચ્ચેની લિંક હતા, કેટલીક સિક્રેટ વાટાઘાટમાં પણ તેમને સ્થાન મળતું અને સુલતાનના પર્સનલ બૅન્કર પણ હતા. સત્તા પર સુલતાન કબૂસ આવ્યા પછી 70 વર્ષની ઉંમરે તેઓ 1971માં નિવૃત્ત થયા."
ગોકળદાસે પોતાની કંપનીના શૅરને બે પુત્ર કનકશી અને અજિત વચ્ચે વહેંચી દીધા. કનકશીના નેતૃત્વમાં કંપનીએ તો પછી જાણે કે હરણફાળ ભરી.
કનકશીને 'હિન્દુ શેખ'ની ઉપાધિ મળી

ઇમેજ સ્રોત, National Archives of India
કનકશીના પિતા ગોકળદાસે 1939માં હિન્દુ મહાજન ઍસોસિયેશનનું ચૅરમૅનપદ સંભાળ્યું ત્યારથી આ પરિવારે ઓમાનના આધુનિક વિકાસમાં મોટો ફાળો આપ્યો છે.
'ઓમાન-ઇન્ડિયા ટાઇસ: ઍક્રોસ સી ઍન્ડ સ્પેસ'માં લખવામાં આવ્યું છે કે, "કનકશીના પિતા ગોકળદાસ ખીમજીના સમયથી જ આ ગ્રૂપ પરોપકારી પ્રવૃત્તિઓમાં જોડાયેલું હતું તથા જમીની સ્તરે વંચિતો માટે કામ કરતું હતું. ઓમાનના લોકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્કિલ ટ્રેનિંગ, યુવાઓ અને મહિલાઓ માટે તેમણે અનેક પ્રોજેક્ટ પર કામ કર્યું છે."
ડૉ. કૅલ્વિન લખે છે, "1930 સુધી મસ્કતમાં રહેતા કચ્છી પરિવારોમાં એવું ચલણ હતું કે તેમના બાળકોને શિક્ષણ માટે ભારત મોકલવામાં આવે. ખીમજી પરિવારે ભારતથી આવેલા એક શિક્ષકના સહયોગથી ઘણા પ્રયત્નો પછી 2 જુલાઈ, 1939ના રોજ આર્ય કેળવણી મંડળની સ્થાપના કરી અને એક ઓરડામાં ગુજરાતી માધ્યમની શાળા 50 બાળકો સાથે શરૂ કરી."
"ખીમજી પરિવારે 1941માં મસ્કતમાં ગુજરાતી માધ્યમની શાળા, 1975માં રૂવીમાં ઇન્ડિયન સ્કૂલ મસ્કત, 1977માં રૂવીમાં ઇન્ડિયન સોશિયલ ક્લબ, 1979માં ઓમાન ક્રિકેટ તથા 1987માં ઇન્ડિયન સ્કૂલ વાદી અલ-કબીરની સ્થાપનામાં મોટો ભાગ ભજવ્યો હતો. ગુજરાતી માધ્યમની શાળા સિવાયની ચારેય સંસ્થાઓમાં તો કનકશી ખીમજી પોતે જ સહસ્થાપક હતા."
'ધી હિન્દુ કૉમ્યુનિટી ઇન મસ્કત: મૅકિંગ હૉમ્સ ઇન ધી ડાયસ્પોરા' પ્રમાણે, "કનકશી તેમના પિતાની જેમ જ હિન્દુ મહાજન ઍસોસિયેશનના ચૅરમૅન પણ રહ્યા અને ઓમાન-ઇન્ડિયા જૉઇન્ટ બિઝનેસ કાઉન્સિલના ચૅરમૅન પણ રહ્યા. હિન્દુ મહાજન ઍસોસિયેશન એ મસ્કતના બે હિન્દુ મંદિરો અને મસ્કતની ઇન્ડિયન સ્કૂલ્સનું સંચાલન કરે છે."
'ઓમાન-ઇન્ડિયા ટાઇસ: ઍક્રોસ સી ઍન્ડ સ્પેસ' પુસ્તક પ્રમાણે, "1996માં તેમની ઓમાન મુલાકાત વખતે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માએ કનકશી ખીમજીને 'ભારતના સાચા બ્રાન્ડ ઍમ્બેસેડર' ગણાવ્યા હતા."
કનકશી ખીમજીને વર્ષ 2003માં પ્રવાસી ભારતીય સન્માનથી તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ નવાજ્યા હતા. ગલ્ફ કૉ-ઓપરેશન કાઉન્સિલ(GCC) હેઠળ આવતા છ દેશોમાંથી કોઈ વ્યક્તિને આ સન્માન મળ્યું હોય તેવી આ પ્રથમ ઘટના હતી.
પુસ્તક પ્રમાણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 2017ની ઓમાન મુલાકાતના આયોજનમાં પણ કનકશી ખીમજીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
સંધ્યા રાવ મહેતા અને જૅમ્સ ઑન્લી લખે છે એ પ્રમાણે, "સુલતાન કબૂસ સત્તામાં આવ્યા પછી તેમણે એક નવી નીતિ બનાવી હતી. જેમાં તેમણે દરેક ઓમાની આદિજાતિ, સમુદાય કે જૂથના વડાને સત્તાવાર માન્યતા આપવાનું શરૂ કર્યું હતું. આથી તેમને શેખ અલ-કબીલા, શેખ અને શેખ અલ-રાશિદ જેવી પદવી આપવામાં આવતી હતી. જેમને 'શેખ' તરીકે માન્યતા અપાતી તેમનું કામ પોતાના સમુદાય અને ઓમાનની સરકાર વચ્ચે મધ્યસ્થી તરીકેનું રહેતું. સુલતાન કબૂસે જ કનકશીને શેખની પદવી આપી હતી."
આ દુનિયામાં બનેલો પહેલો એવો પ્રસંગ હતો જ્યાં કોઈ હિન્દુ વ્યક્તિને શેખની પદવી મળી હોય.
કનકશી 'ઓમાન ક્રિકેટના જનક' કેમ કહેવાય છે?

ઇમેજ સ્રોત, Oman Cricket
ઓમાનના રાજવી પરિવારની મદદથી જ્યારે 'ઓમાન ક્રિકેટ'ની 1979માં સ્થાપના કરવામાં આવી ત્યારે કનકશી ખીમજીને તેના પહેલા પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
ઓમાનના ઘણા લોકો આજે પણ કનકશીને 'ઓમાન ક્રિકેટના ગોડફાધર' ગણાવે છે. હાલમાં પણ તેમના જ પુત્ર પંકજ ખીમજી ઓમાન ક્રિકેટના પ્રમુખ છે.
ઇએસપીએનક્રિકઇન્ફો માટે પીટર ડેલ્લા પેન્નાએ કરેલા અહેવાલમાં લખાયું છે કે, "ઓમાનમાં આધુનિક ક્રિકેટનો ઇતિહાસ 1970ના દાયકાથી શરૂ થાય છે જેમાં કનકશી ખીમજીનો ઉત્સાહ અને માર્ગદર્શન કારણભૂત હતાં."
કનકશીના પુત્ર પંકજ ખીમજીએ ઇએસપીએનક્રિકઇન્ફોને જણાવ્યું હતું કે, "મારા પિતા સ્કૂલ ક્રિકેટ રમ્યા છે અને ઓમાનમાં પણ તેઓ બ્રિટિશ નૅવલ ટીમ્સ સામે ક્રિકેટ રમતા હતા. ઓમાનના રાજવી પરિવારના લોકોને પણ તેમાં રસ હતો. મારા પિતા, મારા કાકાઓ અને પિતરાઈઓ સહિત સૌને ક્રિકેટ બહુ ગમે છે અને પરિવારે ઓમાન ક્રિકેટને આગળ લઈ જવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે એવું હું વિનમ્રતાથી કહું છું."
પંકજ ખીમજી કહે છે, "અમારો પરિવાર શારજાહ સુધી કારમાં છ કલાક મુસાફરી કરીને બુખાતિર લીગની મૅચ જોવા જતો."
અહેવાલમાં લખાયું છે કે ખીમજી પરિવારના લોકો પાસે જેટલો પણ ફાજલ સમય રહેતો એ બધો ક્રિકેટ પાછળ સમર્પિત થઈ જતો.
કનકશી ખુદ ઓમાનની ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવા માટે તેમની સાથે જતા, ઉત્સાહ વધારતા, તેમને રોજ ડિનર માટે લઈ જતા. ટીમને જરૂરી ફંડ પણ આપતા હતા.
2011માં આઈસીસી ડૅવલપમેન્ટ પ્રોગ્રામે કનકશી ખીમજીને ઓમાન ક્રિકેટમાં કરેલા પ્રદાન માટે લાઇફટાઇમ ઍચિવમેન્ટ ઍવૉર્ડથી સન્માનિત કર્યા હતા.
ખીમજી પરિવારનું વિશાળ પ્રદાન

ઇમેજ સ્રોત, Khimji Ramdas Group
'ઓમાન-ઇન્ડિયા ટાઇસ: ઍક્રોસ સી ઍન્ડ સ્પેસ'માં લખવામાં આવ્યું છે એ પ્રમાણે, "આજે તેના વ્યાપને આધારે તો ઓમાનનાં સૌથી મોટાં બિઝનેસ જૂથો પૈકીનું એક છે. તેમનું વેપારક્ષેત્ર ઓમાનના 95 ટકા લોકો સુધી પહોંચે છે."
ખીમજી રામદાસની છઠ્ઠી પેઢી હવે આ સમગ્ર કારોબારમાં ઍન્ટ્રી લઈ ચૂકી છે.
હાલમાં કંપની ગ્રોસરી રિટેઇલ, હેલ્થકેર અને બ્યૂટી, ડિસ્ટ્રિબ્યુશન, કન્સ્ટ્રક્શન અને આઈસીટી સોલ્યુશન્સ, હૉસ્પિટાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપૉર્ટ અને મરીન સોલ્યુશન્સ, શિપિંગ, ટ્રાવેલ અને ટૂરિઝમ સહિત અનેક ક્ષેત્રોમાં કામ કરે છે.
ખીમજી રામદાસ ગ્રૂપનો વેપાર ભારતનાં પણ અનેક શહેરોમાં અને ક્ષેત્રોમાં ફેલાયેલો છે. ખીમજી રામદાસ ટ્રસ્ટ અને ગોકળદાસ ખીમજી પરિવાર ટ્રસ્ટ કચ્છના માંડવીમાં ત્રણ સ્વતંત્ર શાળાઓ ચલાવે છે.
ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય ટ્રસ્ટ માંડવીના વંચિત સમુદાયોમાંથી આવતા, ગરીબ બાળકો માટે ગર્લ્સ સ્કૂલ અને હૉસ્ટેલ ચલાવે છે. પુસ્તક પ્રમાણે, 3300 કરતાં વધુ બાળકો આ શાળાઓમાં અભ્યાસ કરે છે.
'ધી હિન્દુ કૉમ્યુનિટી ઇન મસ્કત: મૅકિંગ હૉમ્સ ઇન ધી ડાયસ્પોરા' પ્રમાણે ખીમજી રામદાસ એવા જૂજ ભારતીય પરિવારો પૈકીનો એક છે જેમની પાસે ઓમાની નાગરિકતા છે.

ઇમેજ સ્રોત, Khimji Ramdas Group
તેઓ મસ્કતમાં બે ખૂબ પ્રખ્યાત ભારતીય રેસ્ટોરાં 'ધી ઇન્ડસ' અને 'ધી બોલીવૂડ' ચલાવે છે.
ખીમજી પરિવાર જાહેરમાં ઓમાનનો રાષ્ટ્રીય પોશાક પહેરે છે. પરિવારને ઓમાની રાજવી પરિવાર સાથે પારિવારિક અને મિત્રતાના સંબંધો પણ છે. કનકશીના ભત્રીજા ઋષિ ખીમજીએ ઓમાની રાજવી પરિવારના સૈયદા તાનિયા અલ-સઇદ સાથે લગ્ન કર્યાં છે.
'ગ્લોબલાઇઝેશન બીફોર ઇટ્સ ટાઇમ: ધી ગુજરાતી મરચન્ટ્સ ઑફ કચ્છ'માં છાયા ગોસ્વામી લખે છે કે, "ગોકળદાસ લક્ષિત રીતે દાન કરવામાં માનતા હતા. તેમનું ધ્યાન મહિલા શિક્ષણ ઉપર કેન્દ્રિત હતું. માંડવીની ગોકુળ હૉસ્પિટલ પણ તેમની જ દેણ છે. કચ્છીઓને દુષ્કાળ તથા ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ વખતે પણ ખીમજી પરિવારે દિલ ખોલીને મદદ કરી છે."
બિહારમાં 2008માં આવેલા કોસી પૂર વખતે અનેક ગામડાંને ભારે નુકસાન પહોંચ્યું હતું. પછી હિલડોલવા ગામમાં 104 મહાદલિત પરિવારોને તેમનાં ઘર બનાવી આપવામાં આવ્યાં હતાં અને આખું ગામ ફરીથી ઊભું કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું નામ 'હિલદોલવા-ઓમાન-અનુભૂતિ' હતું જેમાં ઇન્ડિયન સોશિયલ ક્લબ મસ્કત થકી ખીમજી ગ્રૂપે મોટી સહાય આપી હતી.
2021માં 85 વર્ષની ઉંમરે કનકશી ખીમજીનું નિધન થયું હતું. ત્યાર બાદ તેમના સંતાનો તથા પરિવારના અન્ય સભ્યો કંપનીને આગળ ધપાવી રહ્યા છે.
ગુજરાત અને ઓમાનના સદીઓ જૂના સંબંધો

ઇમેજ સ્રોત, Indian Social Club Muscat
મસ્કતમાં બ્રિટિશ પૉલિટિકલ એજન્ટ તરીકે કામ કરી ચૂકેલા વિલિયમ ગ્રેએ તેના પુસ્તક 'ટ્રેડ્સ ઍન્ડ રેસીસ ઑફ ઓમાન'માં લખ્યું છે કે, "એવું કહેવાય છે કે 12મી સદીની શરૂઆતમાં મસ્કતની બજારોમાં 14 ભાષા બોલાતી હતી જેમાં ગુજરાતી પણ હતી."
ઓમાનમાં ભારતીયોના મૂળ સદીઓ જૂના છે. 1765માં ડેનમાર્કના પ્રવાસી કાર્સ્ટન નેબુરે મસ્કતની મુલાકાત લીધી ત્યારે લખ્યું હતું કે, "મસ્કતમાં જેટલા વાણિયાઓ દેખાય છે એટલા બીજા એકેય ઇસ્લામી શહેરમાં દેખાતા નથી, અંદાજે 1200 સંખ્યા હશે. તેમને અહીં તેમના નિયમો પ્રમાણે રહેવાની છૂટ છે, તેમની પત્નીઓ લાવી શકે છે, તેમનાં દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખી શકે છે અને તેમના સ્વજનોનું મૃત્યુ થાય તો અગ્નિદાહ પણ આપી શકે છે."
આ વાત દર્શાવે છે કે ઇસ્લામી રાષ્ટ્રમાં એ જમાનામાં પણ ભારતીય હિન્દુ સમુદાયને કેટલો પ્રભાવશાળી અને મહત્ત્વનો માનવામાં આવતો હતો.
'ધી હિન્દુ કૉમ્યુનિટી ઇન મસ્કત: મૅકિંગ હૉમ્સ ઇન ધી ડાયસ્પોરા' પ્રમાણે "ઓમાનમાં તેલની શોધ થઈ એ પછી મોટા ભાગના હિન્દુઓ આવીને વસ્યા. 1970ના દાયકા પહેલાં તો ઓમાનનાં મંદિરોમાં માત્ર કચ્છી તહેવારોની જ ઉજવણી થતી."
"મસ્કતમાં રહેતા વાણિયાઓમાં પહેલાં સિંધીઓ અને કચ્છીઓ જ હતા. 1914 સુધી તો સંપૂર્ણપણે કચ્છીઓ જ હતા. 19મી સદી અથવા તો પહેલાથી મસ્કતમાં રહેતા વાણિયાઓ એ કચ્છના ભાટિયા હિન્દુઓ હતા. તેમાં ખીમજી રામદાસ, રતનશી પુરુષોત્તમ, પુરુષોત્તમ ટોપરાણી તથા જેસરાણી પરિવારો મુખ્ય હતા. આ પરિવારો મસ્કતમાં રહેતા સૌથી જૂના હિન્દુ પરિવારો ગણાય છે."
વર્ષ 2012માં ઓમાનની સરકાર પ્રમાણે, ત્યારે દેશની 36.23 લાખની વસ્તીમાંથી 15.30 લાખ વિદેશી મૂળના લોકો હતા. એ જ વર્ષે ભારતની સરકારે ઓમાનમાં 7.18 લાખ એનઆરઆઈ રહેતા હોવાનો આંકડો આપ્યો હતો.
એટલે કે ટકાવારી પ્રમાણે 2012માં ઓમાનમાં રહેતા કુલ વિદેશી નાગરિકોમાંથી 46.9 ટકા તો ભારતીયો હતા. જોકે, તેમાંથી માત્ર 642 લોકો જ પર્સન્સ ઑફ ઇન્ડિયન ઑરિજિન (જેઓ NRI ન હોય, અથવા ઓમાનની નાગરિકતા મળેલી હોય)ના છે. આમાંથી પણ મોટા ભાગના હિન્દુ છે.
આ શ્રેણીના અન્ય લેખ અહીં વાંચો:
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












