વાસ્કો દ ગામા : ગુજરાતી નાવિકની મદદથી ભારત પહોંચ્યા એ પોર્ટુગીઝ ખલનાયક કેમ ગણાય છે?

કેરળ, વાસ્કો દ ગામા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેરળના ઇતિહાસમાં વાસ્કો-દ ગામાને ખલનાયકના રૂપમાં જોવામાં આવે છે
    • લેેખક, સિરાજ
    • પદ, બીબીસી તમિલ

"કેલુ પોર્ટુગીઝ શાસનમાં મોટો થયો હતો. તેના મગજમાં ફક્ત એક જ વિચાર હતો – વાસ્કો દ ગામાને મારી નાખવાનો."

લોકપ્રિય મલયાલમ ફિલ્મ 'ઉરુમી'ના હીરો ચિરાક્કલ કેલુ વિશેનો આ સંવાદ તેની પહેલી ઝલક દેખાડતા પહેલાં દર્શકોને બતાવવામાં આવે છે.

ફિલ્મમાં કેલુના જીવનનું એકમાત્ર લક્ષ્ય પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાને મારી નાખવાનું છે. એ ધ્યેયની પ્રાપ્તિ માટે કેલુ અનેક મુશ્કેલીનો સામનો કરે છે, ક્રાંતિકારીઓનું સૈન્ય બનાવે છે અને પોર્ટુગીઝ સૈન્ય સામે લડે પણ છે.

એ લડાઈમાં કેલુએ તેમના ખાસ દોસ્તને ગુમાવવો પડે છે. તેમ છતાં અંતે એ પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકતા નથી અને પોતાનો જીવ પણ ગુમાવી દે છે.

વાસ્કો દ ગામાને મારી નાખવા ઇચ્છતું 'ચિરાક્કલ કેલુ'નું પાત્ર કાલ્પનિક છે, પરંતુ પૃથ્વીરાજ દ્વારા ભજવવામાં આવેલું આ પાત્ર અને ફિલ્મ 'ઉરુમી' કેરળમાં અત્યંત લોકપ્રિય બન્યાં છે. દર્શકોએ તેનો ઉત્સાહભર્યો પ્રતિસાદ આપ્યો છે.

વાસ્કો દ ગામાએ ભારત સુધી પહોંચવાનો દરિયાઈ માર્ગ શોધ્યો હોવા છતાં કેરળમાં, મલયાલમ ફિલ્મોમાં, લોકકથાઓમાં અને ગીતોમાં તેમને ખલનાયક તરીકે દર્શાવાય છે.

વાસ્કો દ ગામાએ 1497ની 25 માર્ચે પોર્ટુગલની રાજધાની લિસ્બનથી ભારત તરફ પ્રયાણ કર્યું હતું. તેમને પોર્ટુગીઝ રાજાનો ટેકો હતો. ઘણા મહિનાના દરિયાઈ પ્રવાસ પછી ભારત પહોંચનાર પહેલા યુરોપિયન વાસ્કો દ ગામા બન્યા હતા. આ કારણે તેમને યુરોપના ઇતિહાસમાં 'હીરો'નું બિરુદ મળ્યું છે.

આપણાં પાઠ્યપુસ્તકોમાં પણ વાસ્કો દ ગામાની વેપારના હેતુસરની ભારતયાત્રા પર અને તેમની વેપારી, નાવિક તરીકેની ભૂમિકા પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે.

ભારત પહોંચવાનું યુરોપિયનોનું સપનું

અમેરિકન ઇતિહાસકાર ચાર્લ્સ ઈ. નોવેલ 'ધ ગ્રેટ ડિસ્કવરીઝ' પુસ્તકમાં વાસ્કો દ ગામાનું વર્ણન કરતાં લખે છેઃ

"ભારત સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાનું શ્રેય જેમને મળ્યું છે તે વાસ્કો દ ગામા મજબૂત શરીર અને મજબૂત ચારિત્ર્યવાળા માણસ હતા. અશિક્ષિત, ક્રૂર અને હિંસક હોવા છતાં તેઓ નિષ્ઠાવાન અને નિર્ભય હતા."

"તેમને ભારતની યાત્રાનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, કારણ કે આટલું મુશ્કેલ કામ સૌમ્ય નેતૃત્વ હેઠળ પૂર્ણ કરવાનું શક્ય ન હતું."

પોર્ટુગલના રાજા મેન્યુઅલ પહેલાએ "ભારત પહોંચવાના યુરોપિયન સ્વપ્ન"ને સાકાર કરવાની જવાબદારી જાન્યુઆરી 1497માં વાસ્કો દ ગામાને સોંપી હતી.

ઘણા યુરોપિયન દેશો ભારત પ્રથમ પહોંચવા માટે સેંકડો વર્ષોથી સ્પર્ધા કરી રહ્યા હતા. પોર્ટુગલ જેવો નાનો દેશ પણ પોતાના શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો હતો.

જોકે, એમના પહેલાં આરબ અને પર્શિયન વેપારીઓ ભારત પહોંચી ગયા હતા. તેમણે અહીં વેપારકેન્દ્રો સ્થાપ્યાં હતાં. ખાસ કરીને દક્ષિણ ભારતના મલબાર (હાલના કેરળ) પ્રદેશમાંથી મસાલા મુસ્લિમ વેપારીઓ મારફતે યુરોપ લાવવામાં આવતા હતા.

વાસ્કો દ ગામા, કાલિકટ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાસ્કો દ ગામા અને કોલિકોડા (કાલિકટ)ના રાજા વચ્ચેની મુલાકાત દર્શાવતું ચિત્ર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇતિહાસકાર જૉન એફ. રિચર્ડ્સે તેમના પુસ્તક 'ધ મુઘલ ઍમ્પાયર' પુસ્તકમાં નોંધ્યું છે, "પોર્ટુગીઝોના આગમન પહેલાં ગુજરાત, મલબાર અને અરબી સમુદ્રનાં બંદરો પર ઇસ્લામિક દરિયાઈ વેપારીઓનું પ્રભુત્વ હતું."

"કોલંબસ 1492માં અમેરિકા પહોંચ્યા હતા. તેઓ જીવનના અંત સુધી એમ માનતા રહ્યા હતા કે તેમણે શોધેલી ભૂમિ એશિયાનો ભાગ છે અને ભારત તેની નજીક જ છે."

"તેથી જ તેમણે એ વિસ્તારમાં રહેતા લોકોને ઇન્ડિયન્સ એવું સંબોધન કર્યું હતું," એં જ્યૉર્જ એમ. ટોલીએ તેમના પુસ્તક 'ધ વૉયજિસ ઍન્ડ ઍડવેન્ચર્સ ઑફ વાસ્કો દ ગામા' પુસ્તકમાં લખ્યું છે.

યુરોપિયન લોકો ભારત પહોંચવા માટે આટલા બધા ઉત્સુક હતા તેનું મુખ્ય કારણ તેમના મનમાં રચાયેલી ભારતની આકર્ષક છબી હતી.

યુરોપમાં ભારતને સોનું, હીરા, કિંમતી પથ્થરો, મરી જેવા મોંઘા મસાલા અને અન્ય ખજાનાથી ભરપૂર સમૃદ્ધ ભૂમિ તરીકે જોવામાં આવતું હતું. તેથી એશિયા અને ખાસ કરીને ભારતને યુરોપિયનો માટે ખૂબ જ આકર્ષક સ્થળ માનવામાં આવતું હતું.

વિલિયમ લોગનના પુસ્તક 'માલાબાર મેન્યુઅલ'માં જણાવવામાં આવ્યું છે, "વાસ્કો દ ગામાના 1497ના અભિયાનમાં ત્રણ જહાજ – સાઓ રાફેલ, સાઓ ગેબ્રિયલ અને સાઓ મિગુએલ હતા. દરેક જહાજમાં અધિકારીઓ નાવિકો અને ચાલક દળની ટુકડીઓ હતી."

22 નવેમ્બરે કેપ ઑફ ગુડ હોપ થઈને ઉત્તરમાં મોઝામ્બિક, કેન્યાના મોમ્બાસા અને મલિન્દી (પૂર્વ આફ્રિકા) ગયો. મલિન્દીના લોકોએ તેને મદદ કરી અને એક કચ્છી નાવિક કાનજી માલમને દરિયાઈ માર્ગ બતાવવા સાથે મોકલ્યો હતો.

પોર્ટુગલ, મેન્યુઅલ પહેલો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1497માં પોર્ટુગલના રાજા મેન્યુઅલ પહેલાએ વાસ્કો દ ગામાને 'ભારત પહોંચવાના પોર્ટુગીઝ સ્વપ્ન'ને પૂર્ણ કરવાની જવાબદારી સોંપી

વાસ્કો દ ગામા પહેલી વાર ભારત આવ્યા ત્યારે ખૂબ જ નાના સૈન્ય સાથે આવ્યા હતા. એ જૂથમાં તેમની સાથે કેટલા લોકો હતા એ બાબતે વિવિધ ઐતિહાસિક ગ્રંથોમાં અલગ-અલગ માહિતી મળે છે, પરંતુ એક વાત નક્કી છે કે તેમનાં જહાજોમાં કેટલાક ગુનેગારો પણ હતા.

'Am Nom Deus: The Journal of the First Voyage of Vasco da Gama to India 1497–1499' પુસ્તકમાં જણાવાયું છે કે વાસ્કો દ ગામાના દરિયાઈ અભિયાનમાં દેશનિકાલ કરવામાં આવ્યો હોય તેવા દસ ગુનેગારો પણ હતા.

પોર્ટુગલના રાજાએ તેમના ગુના માફ કર્યા હતા અને તેમને અભિયાનમાં મદદ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જોકે, કેટલાક ઇતિહાસકારો આની પાછળ એક અલગ કારણ હોવાનું જણાવે છે.

ગુનેગારો પોર્ટુગીઝ જેલમાં નિરર્થક મૃત્યુ પામે એના કરતાં આવી ખતરનાક દરિયાઈયાત્રા દરમિયાન વાસ્કો દ ગામાને મદદ કરતાં મૃત્યુ પામે એવું તત્કાલીન રાજાએ વિચાર્યું હોવાનું કહેવાય છે.

એ ગુનેગારોમાં સૌથી મહત્ત્વપૂર્ણ જો એવો નુન્સ નામનો "નવો ખ્રિસ્તી" એટલે કે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોય તેવો યહૂદી ગુનેગાર હતો. તે થોડી અરબી અને હિબ્રુ ભાષા જાણતો હતો.

'ધ જર્નલ ઑફ ધ ફર્સ્ટ વૉયેજ ઑફ વાસ્કો દ ગામા ટુ ઇન્ડિયા' પુસ્તક અનુસાર, "જો એવો નુન્સ બુદ્ધિશાળી હતો. તે 'મૂર' (એટલે કે મુસ્લિમો) દ્વારા બોલાતી ભાષા સમજતો હતો."

શું ભારતમાં પગ મૂકનાર પહેલો યુરોપિયન ગુનેગાર હતો?

વાસ્કોનો કાફલો 1498ની 20 મેએ કેરળ પહોંચ્યો ત્યારે તેમનાં જહાજો કિનારાથી થોડે દૂર દરિયામાં લાંગરવામાં આવ્યાં હતાં.

ઇતિહાસ કહે છે કે વાસ્કો દ ગામા ભારતમાં સૌપ્રથમ કેરળના કોળીકોડ જિલ્લાના કપ્પડ ગામમાં ઊતર્યા હતા, પરંતુ ઇતિહાસકાર અને શિક્ષણવિદ્ એમજીએમ નારાયણનના જણાવ્યા અનુસાર, વાસ્કો

મલબાર કિનારાથી ચાર હોડીઓ વાસ્કોના જહાજ પાસે પહોંચી હતી અને ત્યાંના લોકોએ ખાસ કરીને એવો સવાલ કર્યો હતો કે વાસ્કો ક્યા દેશમાંથી આવ્યો છે?

વાસ્કો દ ગામા, ભારત, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાસ્કો દ ગામાની સફર દર્શાવતો નકશો. ટપકાંવાળી રેખા 1497માં ભારતની તેમની પ્રથમ સફર દર્શાવે છે.

હકીકતમાં ભારતમાં પગ મૂકનાર પહેલો યુરોપીયન વાસ્કો દ ગામા ન હતા, પરંતુ એક ગુનેગાર હતો, કારણ કે 'વાસ્કો દ ગામા ઍન્ડ ધ સી રૂટ ટુ ઇન્ડિયા' પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે, "જહાજોને લાંગર્યાં પછી વાસ્કોએ અરબી અને હિબ્રૂ બોલી શકતી એક વ્યક્તિને મલબારોની હોડી સાથે કિનારે મોકલી હતી."

આ રીતે જોઈએ તો મલબાર કિનારે પહોંચનાર પ્રથમ યુરોપિયન અરબી અને હિબ્રૂ ભાષા જાણતો નવો ખ્રિસ્તી જો એવો નુન્સ હોય તે શક્ય છે. જોકે, આ વાત સાબિત કરવા માટે પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી.

નિરાશામાં પૂર્ણ થઈ ભારતની પ્રથમ યાત્રા

કેરળના કિનારે ઊતરેલા દુભાષિયાને ત્યાં રહેતા બે આરબ પાસે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેમણે વાસ્કોના દુભાષિયાને શત્રુ ગણ્યો હતો.

"શેતાન તને લઈ જાય," એવું બરાડીને તેમણે પૂછ્યું હતું, તમે અહીં શા માટે આવ્યા છો?

વાસ્કોના માણસે કહ્યું હતું, "અમે ખ્રિસ્તી છીએ અને અહીં મસાલાની શોધમાં આવ્યા છીએ."

આ વાતચીત ભારત આવનારા પહેલા યુરોપીયન અને અહીં પહેલાંથી જ વેપાર કરતા આરબ વેપારીઓ વચ્ચે થઈ હતી. આ વાતનો ઉલ્લેખ ઘણાં ઐતિહાસિક પુસ્તકોમાં પણ કરવામાં આવ્યો છે.

એ પછી વાસ્કો દ ગામા પોતાની સાથે પસંદગીના કેટલાક માણસોને લઈ, બાકીના લોકોને જહાજમાં સાવધ રહેવાનું કહીને મલબાર કિનારે ઊતર્યા હતા. તેમનું ખૂબ જ આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

જોકે, વાસ્કો દ ગામાની પહેલી ભારત યાત્રા તેમની આશા મુજબ સફળ રહી ન હતી. કોળિકોડના હિન્દુ રાજા (જેને પોર્ટુગીઝ 'ઝામોરિન' કહેતા હતા)ને વાસ્કોએ આપેલી ભેટો બહુ સામાન્ય લાગી હતી અને તેમની મજાક ઉડાવાઈ હતી.

વાસ્કો દ ગામાનું જહાજ 'સાઓ ગેબ્રિયલ', બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાસ્કો દ ગામાનું જહાજ 'સાઓ ગેબ્રિયલ'.

મસાલાના વેપારમાં વર્ચસ્વ ધરાવતા આરબ મુસ્લિમોએ પોર્ટુગીઝોના આગમનનો સખત વિરોધ કર્યો હતો.

"પોર્ટુગીઝોએ કાળા મરીને વેપાર પર એકાધિકાર માગ્યો હતો, પરંતુ ઝામોરિને તેનો ઇનકાર કર્યો હતો, કારણ કે એ વેપાર પર મુસ્લિમ વેપારીઓનું નિયંત્રણ હતું."

"એ પછી પોર્ટુગીઝોએ કોચી રાજ્યમાં એક વ્યાપાર કેન્દ્રનું નિર્માણ કર્યું હતું. પછી તેઓ વિજયનગર સામ્રાજ્યની નજીક આવેલા ગોવા તરફ વળ્યા હતા," એમ ઇતિહાસકાર એમ.જી.એમ નારાયણને અંગ્રેજી દૈનિક ધ હિન્દુ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું.

વાસ્કો દ ગામા 1499માં મસાલાના નાના જથ્થા સાથે યુરોપ પાછા ફર્યા હતા. તેમ છતાં પોર્ટુગલમાં ખૂબ જ ધામધૂમથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેએમ પાણિકર તેમના પુસ્તક 'એશિયા અને પશ્ચિમી ડોમિનિયન્સ'માં લખે છે, "ભારતની તેમની પ્રથમ સફર પછી વાસ્કો દ ગામાના કાફલા દ્વારા લાવવામાં આવેલા મસાલા મોટા નફામાં વેચાયા હતા. આ વેપારમાંથી થતો નફો સમગ્ર મુસાફરીના ખર્ચ કરતાં અનેક ગણો વધારે હતો."

એ સમયે પોર્ટુગીઝોને ભારતની સંપત્તિનો અહેસાસ થયો હતો.

વાસ્કોનો બીજો ભારત પ્રવાસ

વાસ્કો દ ગામાની પ્રથમ ભારતયાત્રા (1497-99)ને કારણે યુરોપ અને ભારત વચ્ચે દરિયાઈ માર્ગ સ્થાપિત થયો હતો, પરંતુ તેઓ કોળિકોડના રાજા સાથે મજબૂત વ્યાપાર કરાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

હિંદ મહાસાગરમાં મસાલાના વેપારમાં લાંબા સમયથી પ્રભુત્વ ધરાવતા આરબ મુસ્લિમ વેપારીઓએ પોર્ટુગીઝોનું અપમાન કર્યું હતું. તેમને તુચ્છ માન્યા હતા અને તેમની અવગણના કરી હતી.

ઇતિહાસકાર સંજય સુબ્રમણ્યમ તેમના પુસ્તક 'ધ કેરિયર લિજેન્ડ ઑફ વાસ્કો દ ગામા'માં લખે છે, "વાસ્કોના મતે, કોળિકોડના મુસ્લિમ વેપારીઓ માત્ર આર્થિક સ્પર્ધકો જ નહીં, પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક દુશ્મનો પણ હતા. ઝામોરિનના દરબારમાં તેમનું પ્રભાવશાળી સ્થાન પોર્ટુગીઝની મહત્ત્વાકાંક્ષા માટે એક મોટો પડકાર હતું."

એ પડકારનો જવાબ આપવા માટે પોર્ટુગીઝ સરકારે ભારતની બીજી યાત્રાની યોજના બનાવી હતી. તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતોઃ "ભારતમાં પોર્ટુગીઝ પ્રભુત્વ સ્થાપિત કરવું, પ્રથમ યાત્રાની નિષ્ફળતાનો બદલો લેવો અને મસાલાના વેપાર પર એકાધિકાર મેળવવો."

વાસ્કો દ ગામાએ ફેબ્રુઆરી 1502માં 20 યુદ્ધ જહાજો અને લગભગ 1,500 સૈનિકોના કાફલા સાથે લિસ્બનથી સફર શરૂ કરી હતી. એ કાફલો તોપો અને અન્ય સૈન્યશસ્ત્રોથી સજ્જ હતો તેમજ યુદ્ધ માટે તૈયાર હતો.

વાસ્કો દ ગામા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાસ્કો દ ગામાના જહાજ પર કોલિકોડના વેપારીઓને પકડવામાં આવ્યાનું ચિત્ર.

એ જ વર્ષની 11 સપ્ટેમ્બરે વાસ્કો દ ગામાનો કાફલો કેરળના કન્નુરના કિનારે પહોંચ્યો હતો. એ પછી શું થયું હતું તેનું વર્ણન વાસ્કોના જહાજની ચાલક ટુકડીના એક સભ્યે 'ધ જર્નલ ઑફ ધ ફર્સ્ટ વૉયેજ ઑફ વાસ્કો દ ગામા ટુ ઇન્ડિયા' પુસ્તકમાં આ રીતે કર્યું છે:

"અમે મક્કાથી આવતાં જહાજો જોયાં હતાં. ભારતથી મસાલાનો સીધો વેપાર કરવાની મંજૂરી પોર્ટુગલના રાજાને જ મળે એવા હેતુસર અમને તે જહાજ લૂંટ્યાં હતાં."

"અમે મક્કાથી આવતું એક જહાજ કબજે કર્યું હતું. તેમાં 380 પુરુષો, ઘણી સ્ત્રીઓ અને બાળકો હતાં. અમે તે જહાજમાંથી લગભગ 12,000 ડુકેટ્સ (સોનાના સિક્કા) અને બીજી અનેક મૂલ્યવાન સામગ્રી લૂંટી લીધી હતી. જહાજને અને તેમાં રહેલા લોકોને અમે પહેલી ઑક્ટોબરે સવારે આગ ચાંપી દીધી હતી."

અહીં જેનો ઉલ્લેખ છે તે મક્કાનું મેરી નામનું એક મોટું જહાજ હતું. ઇતિહાસકાર કેએમ પણિક્કરના જણાવ્યા મુજબ, એ જહાજ કોળિકોડ વિસ્તારમાં રહેતા એક શ્રીમંત વેપારી ખોજા કાસિમના ભાઈની માલિકીનું હતું.

મક્કા જહાજ, વાસ્કો દ ગામા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'મક્કા જહાજો' પર હુમલો કરતા વાસ્કોના કાફલાને દર્શાવતું ચિત્ર.

વાસ્કોના સૈન્યે કબજે કરેલા જહાજમાં હજ માટે પ્રવાસ કરી રહેલી અનેક મહિલાઓ, નાના બાળકો અને વૃદ્ધ યાત્રાળુઓ હતાં. જહાજમાં વેપાર માટેનો કિંમતી સામાન પણ ભરેલો હતો.

"એ જહાજ પરની એકેય વ્યક્તિ બચી શકી ન હતી. મોતને આરે પહોંચેલા લોકોની ચીસો સમુદ્રમાં ગૂંજતી રહી હતી અને એ સમયે પણ વાસ્કો દ ગામા અચળ ઊભો હતો," એવું કાસ્પર કોહિયાએ 'લેન્ડાસ દા ઇન્ડિયા' પુસ્તકમાં નોંધ્યું છે.

વાસ્કો દ ગામાના નેતૃત્વ હેઠળ બનેલી એ ઘટનાથી કેટલાક તત્કાલીન પોર્ટુગીઝ લોકોને પણ આઘાત લાગ્યો હતો અને એ ઘટના કેરળના ઇતિહાસમાં વાસ્કો દ ગામાને ખલનાયક તરીકે યાદ કરવામાં આવે છે તેનું મહત્ત્વપૂર્ણ કારણ છે.

'ભાગલા પાડો અને રાજ કરો'

એ સમયે કેરળ ઘણાં નાનાં રાજ્યોમાં વહેંચાયેલું હતું અને પોર્ટુગીઝોનું વર્ચસ્વ વધવાનું તે એક મુખ્ય કારણ બન્યું હતું.

દાખલા તરીકે, મેરી જહાજની ઘટના પછી પણ વાસ્કોના કાફલાનું કન્નુરના રાજાએ સ્વાગત કર્યું હતું, જેનો ઉલ્લેખ 'ધ જર્નલ ઑફ ધ ફર્સ્ટ વૉયેજ ઑફ વાસ્કો દ ગામા ટુ ઇન્ડિયા' પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

"20 ઑક્ટોબરે અમે કન્નુર રાજ્યમાં ગયા હતા. ત્યાંથી અમે તમામ પ્રકારના મસાલા ખરીદ્યા હતા. રાજા ભારે ઠાઠમાઠથી આવ્યા હતા. તેમની સાથે બે હાથી અને ઘણા બધા વિચિત્ર પ્રાણીઓ હતા."

વાસ્કો દ ગામા, કન્નુર રાજા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાસ્કો દ ગામા અને કન્નુરના રાજા વચ્ચેની મુલાકાત દર્શાવતું ચિત્ર.

એ પછી વાસ્કો દ ગામાનો કાફલો કોળિકોડ ગયો હતો. ત્યાં તેમણે શહેરમાંથી બધા મુસ્લિમ વેપારીઓને હાંકી કાઢવાની અને પોર્ટુગીઝોને વેપારનો એકાધિકાર આપવાની માગણી ઝામોરીન સમક્ષ કરી હતી.

જોકે, ઝામોરીને મુક્ત વેપારનો આગ્રહ રાખ્યો હતો અને વાસ્કોની માગને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. તેથી વાસ્કો દ ગામાએ કોળિકોડ શહેર પર હુમલો કર્યો હતો.

'ધ જર્નલ ઑફ ધ ફર્સ્ટ વૉયેજ ઑફ વાસ્કો દ ગામા ટુ ઇન્ડિયા'માં નોંધવામાં આવ્યું છે, "અમે શહેરની બહાર અમારા સૈનિકોને એકઠા કર્યા હતા અને ત્રણ દિવસ સુધી લડ્યા હતા. અનેક લોકોને પકડ્યા હતા અને તેમને જહાજના દરવાજા પર લટકાવી દીધા હતા. તેમને માર માર્યો હતો. તેમના હાથ, પગ અને માથા કાપી નાખ્યા હતા."

આ રીતે હિંસક કૃત્યો દ્વારા, ધીમે ધીમે અને "દુશ્મનો દુશ્મન આપણો મિત્ર હોય છે"ની નીતિ અનુસાર કેરળના અન્ય રાજાઓ સાથે હાથ મિલાવીને પોર્ટુગીઝોએ કેરળમાં પોતાનું વર્ચસ્વ મજબૂત કર્યું હતું.

'ધ પોર્ટુગીઝ સિબોર્ન ઍમ્પાયર' પુસ્તકમાં ચાર્લ્સ આર. બૉક્સરે લખ્યું છે, "તે સ્થાનિક રાજકારણમાંની સ્પર્ધાનો લાભ લઈને પોર્ટુગીઝ વર્ચસ્વ સ્થાપવા માટેની 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ હતી."

વાસ્કો દ ગામા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1524માં, વાસ્કો દ ગામાને ભારતના પોર્ટુગીઝ વાઇસરોય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

1998માં કેરળમાં માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળની તત્કાલીન ડાબેરી લોકશાહી ગઠબંધન સરકારે જાહેરાત કરી હતી કે તે વાસ્કો દ ગામાના આગમનની 500મી વર્ષગાંઠને 'આંતરરાષ્ટ્રીય પ્રવાસન મહોત્સવ' તરીકે ઊજવશે. કેરળમાં તે નિર્ણયનો જોરદાર વિરોધ થયો હતો.

"વાસ્કો દ ગામાના પ્રવાસ અને કાર્યોથી ભારતમાં યુરોપિયન વસાહતી શાસનની શરૂઆત થઈ હતી. તેથી આવી ઘટનાઓની ઉજવણી કરવી યોગ્ય નથી," એવી ટીકા કરાઈ હતી.

યુરોપની વસાહતી માનસિકતા માટે વાસ્કો દ ગામા અસરકારક સાધન બન્યા હતા એવું કહી શકાય.

પોર્ટુગીઝ સામ્રાજ્ય વતી એશિયામાં પગ મૂકનારા પ્રથમ યુરોપિયન તરીકે જાણીતા થયેલા વાસ્કો દ ગામા 1524માં ત્રીજી વખત કેરળ આવ્યા હતા. એ વખતે તેઓ 'ભારતમાં પોર્ટુગીઝ સરકાર દ્વારા નિયુક્ત વાઇસરૉય'ના પદ સાથે આવ્યા હતા.

કોચીન પહોંચ્યા પછી વાસ્કો દ ગામા બીમાર પડ્યા હતા અને 1524ની 24 ડિસેમ્બરે તેમનું અવસાન થયું હતું. એ પછી તેમના અવશેષો 1539માં પોર્ટુગલ લઈ જવામાં આવ્યા હતા અને તેમને ત્યાં ફરીથી દફનાવાયા હતા.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન