અમેરિકામાં ભેંસોની ખોપડીઓનો પહાડ શા માટે ખડકાયો હતો?

ભેંસની ખોપડીઓનો પહાડ, હાડપિંજર, બાઇસન, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Detroit Public Library

ઇમેજ કૅપ્શન, બાઇસન એટલે કે અમેરિકન જંગલી ભેંસોનાં હાડપિંજરોના પહાડ પર ઊભેલા બે માણસોની તસવીર
    • લેેખક, લ્યુસી શેરિફ
    • પદ, બીબીસી ફ્યુચર

બાઇસન એટલે કે અમેરિકન જંગલી ભેંસના હાડપિંજરના પહાડ પર ઊભેલા બે માણસોની તસવીર એ અમેરિકાના વસાહતીકરણ દરમિયાનના શિકારના પ્રતીક તરીકે જાણીતી છે, પરંતુ આ તસવીરની પાછળ એક આશ્ચર્યજનક આધુનિક સંદેશ સાથેની ભયાનક કથા છે.

તસવીરમાં કાળા સૂટ અને બોલર ટોપી પહેરેલા બે માણસો અમેરિકન જંગલી ભેંસોનાં હાડપિંજરોના ઊંચા ગંજ પર પોઝ આપી રહ્યા છે.

વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવેલી હજારો ખોપડીઓના આકાશને આંબતા આ પહાડની 19મી સદીની આ તસવીર વિચલિત કરે તેવી છે, પરંતુ ફોટો જોતાં મનમાં પડતી પહેલી છાપની પાછળ કાળું રહસ્ય છુપાયેલું છે.

આ તસવીર અમેરિકામાં અતિ ઉત્સાહથી કરવામાં આવેલા શિકારની નીપજ નથી અને તસવીરમાં જે પુરુષો દેખાય છે તે શિકારીઓ પણ નથી.

નિષ્ણાતો કહે છે કે આ ખોપડીઓ જંગલી ભેંસોને નાબૂદ કરવા, સ્થાનિક અમેરિકનોને મહત્ત્વપૂર્ણ સંસાધનથી વંચિત રાખવા અને નવા આવેલા શ્વેત વસાહતીઓ દ્વારા નિયંત્રિત કરી શકાય તેવા કેટલાક બચેલા સમુદાયોને ખતમ કરવા માટે આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવેલા અભિયાનનો પુરાવો છે.

કૅનેડાની આલ્બર્ટા યુનિવર્સિટીમાં નેટિવ સ્ટડીઝ વિભાગના ઍસોસિયેટ પ્રોફેસર તથા ક્રી ફિલ્મનિર્માતા તાશા હબાર્ડ કહે છે, "આ ફોટોગ્રાફ વિનાશની સંસ્થાનવાદી ઉજવણીનું ઉદાહરણ છે."

બાઇસન(જંગલી ભેંસ)ના સંહારને હબાર્ડ વસાહતી વિસ્તરણનો 'વ્યૂહાત્મક" હિસ્સો ગણાવે છે.

તેમના મત પ્રમાણે, "બાઇસનના સંહારને, તેને પાળવા માટે જરૂરી જંગલની જમીન પરના અંકુશ તરીકે જોવામાં આવતું હતું, જે વસાહતના વિસ્તરણ માટે જરૂરી હતી."

બાઇસનની સામૂહિક કતલને કારણે સ્થાનિક આદિવાસીઓને મોટો ફટકો પડ્યો હતો, કારણ કે આદિવાસીઓ ભરણપોષણ માટે તેના પર નિર્ભર હતા. તેના પરિણામે એવું થયું કે બાઇસન પર નિર્ભર રાષ્ટ્રોની હાલત ખરાબ થઈ ગઈ હતી. દાખલા તરીકે, બાઇસન પર નિર્ભર રાષ્ટ્રોમાં બાળ મૃત્યુદર અન્ય રાષ્ટ્રો કરતાં વધારે હતો. તુલનાત્મક અભ્યાસના તારણ મુજબ, બાઇસનની સામૂહિક કતલને કારણે, તેના પર નિર્ભર રાષ્ટ્રોમાં મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ હતી, જે આજે પણ યથાવત્ છે.

જંગલી ભેંસોનો હજારોની સંખ્યામાં શિકાર

ભેંસની ખોપડીઓનો પહાડ, હાડપિંજર, બાઇસન, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Detroit Public Library

ઇમેજ કૅપ્શન, ભેંસની ખોપડીઓનો પહાડ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નેટિવ અમેરિકનો સદીઓ સુધી બાઇસનનો શિકાર કરતા રહ્યા હતા. બાઇસન પર નિર્ભર રાષ્ટ્રો માટે આ પ્રાણી તેમની મૂળભૂત રીતે વિચરતી સંસ્કૃતિનો એક ભાગ હતું અને બાઇસન તેમને મહત્ત્વપૂર્ણ ભરણપોષણ પૂરું પાડતી હતી. બાઇસન તેમને ખોરાક માટે માંસ, રહેવા માટે આશરો, પહેરવા માટે વસ્ત્રો અને હથિયાર માટે હાડકાં પૂરા પાડતી હતી. (સામાન્ય બોલચાલ અને ઐતિહાસિક સંદર્ભોમાં આ પ્રાણીને ઘણીવાર ભેંસ તરીકે ઓળખાવવામાં આવે છે, કારણ કે પ્રારંભિક વસાહતીઓ તેને ભેંસ કહેતા હતા, પરંતુ વાસ્તવમાં ભેંસ અને બાઇસન બન્ને અલગ પ્રાણીઓ છે)

હબાર્ડના કહેવા મુજબ, સમગ્ર ઉત્તર અમેરિકાના સ્વદેશી લોકો બાઇસન પર નિર્ભર હતા. "તેથી સ્વદેશી લોકો સામે ભૂખમરાને હથિયાર બનાવવા, તેમને નબળા પાડવા, તેમને નિયંત્રિત કરવા અને તેમના પ્રદેશોમાં તેમને દૂર કરવા માટે આ પ્રજાતિનો સંહાર કરવામાં આવ્યો હતો."

બાઇસન બહુ ઉપયોગી હતી અને અંદાજો અનુસાર, નેટિવ અમેરિકન શિકારીઓએ દર વર્ષે એક લાખથી ઓછાનો શિકાર કર્યો હોવા છતાં 1800ના દાયકાની શરૂઆતમાં ત્રણથી છ કરોડની બાઇસનની વસ્તી પર ભાગ્યે જ કોઈ અસર થઈ હતી.

1889ની પહેલી જાન્યુઆરી સુધીમાં અમેરિકામાં માત્ર 456 શુદ્ધ પ્રજાતિની બાઇસન બચી હતી અને એ પૈકીની 256 યલોસ્ટોન નૅશનલ પાર્ક અને મુઠ્ઠીભર અન્ય અભયારણ્યોમાં સુરક્ષિત હતી.

બાઇસનના સામૂહિક સંહારનાં અનેક કારણો છે. તેમાં બાઇસનની સૌથી વધુ વસ્તી હોય તેવા વિસ્તારોમાં ત્રણ રેલવેલાઇનના નિર્માણનો સમાવેશ થાય છે. એ કારણે પ્રાણીનાં ચામડા અને માંસ માટે નવી માંગ સર્જાઈ હતી. આધુનિક રાઇફલ્સને લીધે બાઇસનને મારવાનું પ્રમાણમાં સરળ થયું હતું. તેમના શિકારને રોકી શકાય તેવી કોઈ વ્યવસ્થા ન હતી.

શિકાર કરવાનું કારણ શું હતું?

ભેંસની ખોપડીઓનો પહાડ, હાડપિંજર, બાઇસન, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જોકે, બાઇસન પ્રોડક્ટ્સની વધતી માંગ કરતાં તેના ઘટાડા માટે એક વધુ ખરાબ હેતુ હતો. વસાહતીઓને બાઇસનના માંસ અને ચામડાની દેખીતી રીતે જરૂર હતી, પરંત આખરે તેનો સંબંધ વસાહતીકરણ અને સંઘર્ષમાં વિજય મેળવવાનો હતો, એવું ઇતિહાસકારો જણાવે છે.

ઓક્લોહામાના ચોક્ટો નૅશનના સભ્ય અને યુનિવર્સિટી ઑફ મિશિગનના નેટિવ અમેરિકન સ્ટડીઝ વિભાગના આસિસ્ટંટ પ્રોફેસર બેથની હ્યુજીસ કહે છે, "બાઇસનના વ્યાપક શિકાર અને નેટિવ રાષ્ટ્રો તથા માનવજાત પરના રાજકીય તેમજ ભૌતિક હુમલાઓના કારણમાં જમીનની માલિકીના સ્વરૂપમાં સંપત્તિ તથા સત્તાની ઝંખના, લોકો પાસે ગુલામી કરાવવાની, અપાર કમાણીની વૃત્તિ અને કુદરતી સંસાધનોના કોમોડિટીફિકેશનનો સમાવેશ થાય છે."

1869માં ટ્રાન્સકોન્ટિનેન્ટલ રેલરોડ પ્રોજેક્ટ પૂર્ણ થયો હતો અને તેણે પ્રજાતિઓના વિનાશને વેગ આપ્યો હતો. પેન્સિલવેનિયા ટેનરીએ બાઇસનના ચામડાને કૉમર્શિયલ લેધરમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિ 1871માં વિકસાવી હતી. છૂપા શિકારીઓના ટોળાઓએ મધ્યના મેદાની વિસ્તારોમાં સંખ્યાબંધ બાઇસનનો "આઘાતજનક ઝડપે" નાશ કર્યો હોવાનું એક અધ્યયનમાં નોંધાયું છે.

બાઇસનના કંકાલનો કુખ્યાત ફોટોગ્રાફ મિશિગન કાર્બન વર્ક્સ ખાતે લેવામાં આવ્યો હતો. આ રિફાઈનરીમાં હાડકાનું પ્રોસેસિંગ કરવામાં આવે છે. સુગર ઈન્ડસ્ટ્રીમાં ખાંડને ફિલ્ટર તથા શુદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવાતો કોલસો બાઇસનનાં હાડકાંને પ્રોસેસ કરીને બનાવવામાં આવતો હતો. હાડકાંનો ઉપયોગ ગુંદર અને ખાતર તરીકે પણ કરવામાં આવતો હતો.

હ્યુજીસ કહે છે, "આ ફોટો એક અત્યંત સફળ વ્યવસાયને દર્શાવે છે, જે અમેરિકાના પશ્ચિમી વિસ્તરણ અને નેટિવ અમેરિકન હીનતા વિશેના તેના વંશીય તર્કે સર્જેલા કચરા વડે સર્જવામાં આવ્યો હતો."

તેઓ ઉમેરે છે, "વસાહતવાદ અને મૂડીવાદ સાથે આગળ વધે છે. આ કંપનીએ આર્થિક સફળતા મેળવવા બાઇસનનાં હાડકાનું પ્રોસેસિંગ કર્યું હતું તે, વસાહતી પ્રોજેક્ટ્સમાંથી લાભ મેળવવાની અમેરિકન સંસ્થાનવાદી વિસ્તરણની હિંસક વ્યૂહરચનાનો એક ભાગ હતું. તેને કારણે સ્વદેશી લોકોની જમીન, રાષ્ટ્રીયતા અને સંસ્કૃતિ છીનવાઈ ગઈ હતી."

તેમના કહેવા મુજબ, "આ ફોટોગ્રાફ માત્ર વસાહતી ભૂતકાળના નુકસાનની યાદ જ અપાવતો નથી. આ ફોટોગ્રાફ એવી કૉમર્શિયલ ઉપભોગ પ્રથાઓ પરનો એક એવો આરોપ છે, જે ખાંડ રિફાઇન્ડ ખાંડ જેવી વૈભવી ચીજોને આસાનીથી ઉપલબ્ધ તથા સૌમ્ય બનાવતી ભૌતિક તેમજ નૈતિક પરિસ્થિતિને સ્પષ્ટ કરે છે."

શું માત્ર શિકાર જ એક કારણ હતું?

ભેંસની ખોપડીઓનો પહાડ, હાડપિંજર, બાઇસન, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બાઇસનની હત્યા, સ્થાનિક લોકોને સંસાધનથી વંચિત રાખવાની વ્યૂહાત્મક ચાલ સાથેની લશ્કરી ઝૂંબેશનો એક ભાગ પણ હતી.

પશ્ચિમી સૈન્યના અધિકારીઓએ અમેરિકાના વસાહતીકરણ દરમિયાન મૂળ અમેરિકન સંસાધનોને ખતમ કરવાના માર્ગ તરીકે બાઇસનની હત્યા કરવા સૈનિકો મોકલ્યા હતા એ હકીકત દસ્તાવેજી રીતે નોંધાયેલી છે.

ઇતિહાસકાર રૉબર્ટ વૂસ્ટરે તેમના પુસ્તક ધ મિલિટરી ઍન્ડ યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ડિયન પૉલિસીમાં કરેલું વિશ્લેષણ જણાવે છે કે સધર્ન પ્લેઈન્સના આદિવાસીઓ સામે સંપૂર્ણ યુદ્ધની વ્યૂહરચના માટે જવાબદાર સૈન્ય અધિકારી જનરલ ફિલિપ શેરિડને કબૂલ્યું હતું કે "ઇન્ડિયન્સને તેમની ફરતા રહેવાની આદતો બદલવાની ફરજ પાડવા ભેંસોની(બાઇસનની) નાબૂદી શ્રેષ્ઠ માર્ગ હોઈ શકે છે."

એક નોંધ મુજબ, પશુઓની ઘટતી સંખ્યાને બચાવવા માટે કાયદો બનાવવાનો પ્રયાસ કરતા ધારાસભ્યોને શેરિડને એવું કહ્યું હતું કે "શિકારીઓ ઇન્ડિયન્સના આહાર ભંડારનો નાશ કરી રહ્યા છે અને સૈન્ય તેનો સપ્લાય બેઝ ગૂમાવી દે તે સ્થાયી શાંતિ માટે એક મોટો ગેરલાભ છે એ જાણીતી હકીકત છે. તેથી તેમને ભેંસોનો નાશ ન થાય ત્યાં સુધી તેના શિકારની અને તેનાં ચામડાંને વેચવાની છૂટ આપવી જોઈએ."

એક સાથી જનરલને 1868માં લખેલા પત્રમાં શેરિડને જણાવ્યું હતું, "સરકાર માટે શ્રેષ્ઠ માર્ગ આદિવાસીઓના સ્ટોકનો નાશ કરીને તેમને ગરીબ બનાવવાનો અને પછી તેમને ફાળવવામાં આવેલી જમીન વસાવવાનો છે."

એક અન્ય સૈન્ય અધિકારી લેફટેનન્ટ કર્નલ ડોજે એક શિકારીને કહ્યું હતું, "તમે મારી શકો એટલી તમામ ભેંસને મારી નાખો. તમામ ઇન્ડિયન ભેંસનો નાશ થશે."

શું ચાલી રહ્યું છે એ વાત નેટિવ અમેરિકનો જાણતા હતા. ટૅક્સાસના બાઇસન શિકારી બિલી ડિક્સને તેમની આત્મકથામાં લખ્યું છે તેમ, ગ્રેટ પ્લેઈન્સમાંની કિઓવા જનજાતિના વડા સતાન્તાએ સ્વીકાર્યું હતું કે "ભેંસના નાશનો અર્થ ઇન્ડિયન્સનો વિનાશ છે."

બિલી ડિક્સન ઉમેરે છે, "મેદાની વિસ્તારોમાંના આદિવાસીઓને અંકુશમાં લેવા અને તેમના પર વિજય મેળવવા કાયમ ઉત્સુક જનરલ ફિલ શેરિડને એ બધું કર્યું હતું, જેનો સતાન્તાને ભય હતો."

નેટિવ અમેરિકન્સને તેમની બાઇસનથી વંચિત રાખવાનો અર્થ, અસ્તિત્વ ટકાવી રાખવા માટે પશ્ચિમી સેનાએ બનાવેલા નવા વિસ્તારો તરફ આગળ વધવા માટે ફરજ પાડવાનો હતો.

સૈન્યની વ્યૂહરચના સફળ થઈ હતી. કિઓવા જનજાતિના લોકોને બાદમાં ઓક્લાહોમા રિઝર્વેશનમાં લઈ જવામાં આવ્યા હતા. બાઇસન પર નિર્ભર નેટિવ અમેરિકન્સની એક પેઢીની સરેરાશ ઉંચાઈમાં બાઇસનની કતલને કારણે એક ઈંચથી વધુ ઘટાડો થયો હતો. વીસમી સદીની શરૂઆત સુધીમાં બાળ મૃત્યુદર 16 ટકાથી વધારે હતો અને બાઇસન પર નિર્ભર ન હોય તેવા દેશોની સરખામણીએ, બાઇસન પર નિર્ભર હોય તેવામાં માથાદીઠ આવક 25 ટકા ઓછી હતી.

બાઇસનની કતલ બાબતે કેટલાંક વર્ષોથી ચર્ચા થતી રહી છે. શિકારીઓ ત્રણથી છ કરોડ પ્રાણીઓની હત્યા કેવી રીતે કરી શકે, એવો સવાલ 2018ના એક અભ્યાસમાં પૂછવામાં આવ્યો હતો. વ્યાપક રોગચાળાને કારણે આટલાં પ્રાણીઓ મૃત્યુ પામ્યાં હશે, એમ જણાવતાં અભ્યાસમાં નોંધવામાં આવ્યું હતું કે "એ સમયે દેશમાં, નેબ્રાસ્કામાં એન્થ્રેક્સ અને મોન્ટાનામાં ટૅક્સાસ ટિક ફીવરનો રોગચાળો ફેલાયો હતો, જે પ્રાણીઓ માટે જીવલેણ હતો."

બાઇસનને પાછા લાવવાના પ્રયાસો

ભેંસની ખોપડીઓનો પહાડ, હાડપિંજર, બાઇસન, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાઇસન

કારણ ભલે ગમે તે હોય, પરંતુ બાઇસનની વસ્તી ફરી ક્યારેય પૂર્વવત થઈ નથી અને આ પ્રજાતિ લગભગ જોખમી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે. તાજેતરનાં વર્ષોમાં ગ્રેટ પ્લેઇન્સ પ્રદેશમાં બાઇસનના પાછા લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. (ઘાસિયા મેદાન ઈકૉસિસ્ટમ માટે બાઇસન બહુ જ મહત્ત્વની છે) અમેરિકન સરકારના 2023ના ઇન્ફ્લેશન રિડક્શન ઍક્ટમાં સમગ્ર અમેરિકામાં બાઇસનની વસ્તી વિસ્તાર માટે 25 મિલિયન ડૉલર ફાળવવાનું વચન આપવામાં આવ્યું છે.

નાના પ્રયાસો પહેલેથી જ ચાલી રહ્યા છે. ધ નેચર કોન્ઝર્વન્સી નામના પર્યાવરણ સંબંધી સ્વૈચ્છિક સંગઠનના અનામત વિસ્તારમાં ઉછેરવામાં આવેલી 1,000 બાઇસન તેમના પૂર્વજોના પ્રદેશમાં પાછી ફરી છે. મોન્ટાનામાંના એક રેસ્ટોરેશન પ્રોજેક્ટનો હેતુ 5,000 બાઇસનને ઘાસિયા મેદાનોમાં પાછી લાવવાની છે. નૅશનલ વાઇલ્ડલાઇફ ફેડરેશન સાથેની ભાગીદારીમાં આદિવાસીઓ તેમની 250 બાઇસન પણ પરત લાવ્યા છે.

બાઇસનના કંકાલના ફોટોગ્રાફ પાછળનો મૅસેજ સમય જતાં ભૂલાઈ ગયો છે, એમ જણાવતાં હ્યુજીસ ઉમેરે છે, "આ ફોટોગ્રાફ એક સરળ મૅસેજ આપે છે. તે દર્શકોને ભૂતકાળ વિશે ઉદાસીનો અનુભવ કરાવે છે. પરંતુ, આપણી સંસ્થાનવાદી અને મૂડીવાદી પ્રણાલીએ આપણા પર્યાવરણ તથા જીવનને જે નકારાત્મક આકાર આપ્યો છે તેના સામનાની ફરજ પાડતી નથી."

"એ ઉપરાંત આ ફોટોગ્રાફ એ રીતો તરફ ઇશારો કરે છે, જેમાં ઉત્પાદનોના વપરાશકર્તાઓ વસાહતી મશીનના વાહક બન્યા છે."

હ્યુજીસ કહે છે, "તમે અન્ય વ્યક્તિને અમાનવીય બનાવો અથવા કોઈ જીવંત પ્રાણીને કુદરતી સંસાધન બનાવો તો તમારામાં માનવતાનો અને તમારી આસપાસની દુનિયા સાથે તમારે શું સંબંધ છે એ વિશેની સમજનો અભાવ છે, એવું જાહેર થશે. લોકો સાથે શૅર કરવા માટે આ એક મહત્ત્વનો સંદેશ છે, કારણ કે આ સમસ્યા ઐતિહાસિક નથી, સતત ચાલતી રહેલી સમસ્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.