ટ્રમ્પને ઈરાન માટે મિલિટરી તથા ગુપ્તચર વિકલ્પો મામલે જાણકારી આપવામાં આવી : સૂત્ર – ન્યૂઝ અપડેટ

ટ્રમ્પને ઈરાન માટે મિલિટરી તથા ગુપ્તચર વિકલ્પો મામલે જાણકારી આપવામાં આવી : સૂત્ર – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, EPA/Reuters

સૂત્રોનું કહેવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઘણા પ્રકારના ગુપ્તચર તથા મિલિટરી વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે, જેનો ઉપયોગ ઈરાનમાં કરી શકાય છે.

આ જાણકારી અમેરિકાના સંરક્ષણ વિભાગના બે અધિકારીઓએ બીબીસીના અમેરિકા ખાતેના પાર્ટનર, સીબીએસ ન્યૂઝને આપી છે.

સૂત્રોનું કહેવું છે કે ઈરાનમાં સંભવિત અમેરિકન હસ્તક્ષેપ માટે લાંબા અંતરની મિસાઇલનો હુમલો એક વિકલ્પ છે પરંતુ અધિકારીઓએ સાઇબર ઑપરેશન તથા મનોવૈજ્ઞાનિક અભિયાનનો પણ વિકલ્પ પેશ કર્યો છે.

ટ્રમ્પે સોમવારે ઈરાન સાથે વ્યાપારિક સંબંધ રાખનારા દેશો સામે 25 ટકા ટેરિફ લગાવવાની ઘોષણા કરી.

ઈરાનમાં સરકારના વિરોધમાં થઈ રહેલાં પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પ કહી ચૂક્યા છે કે તેઓ 'ઈરાન મામલે મજબૂત વિકલ્પો'નો વિચાર કરી રહ્યા છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું છે કે ઈરાન અમેરિકા સાથે વાતચીત માટે રાજી થઈ શકે છે પરંતુ 'યુદ્ધ માટે પણ તૈયાર' છે.

સૂત્રો પ્રમાણે, ટ્રમ્પની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ મંગળવારે વ્હાઇટ હાઉસમાં ઈરાન પર ચર્ચા કરવા માટે બેઠક કરશે. પરંતુ સ્પષ્ટ નથી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમાં સામેલ થશે કે નહીં?

વેનેઝુએલાના વિપક્ષે પોપ લિયોને મળીને શું અપીલ કરી?

વેનેઝુએલાના વિપક્ષે પોપ લિયોને મળીને શું અપીલ કરી? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Simone Risoluti - Vatican Media via Vatican Pool/Getty Images

ઇમેજ કૅપ્શન, સોમવારે વેનેઝુએલાનાં વિપક્ષ અને નિર્વાસિત નેતા મરિયા કોરીના મચાદોએ વેટિકનમાં પોપ લિયો સાથે મુલાકાત કરી હતી

વેનેઝુએલાના વિપક્ષી સમૂહે સરકારને રાજનૈતિક કેદીઓને છોડવાની પ્રક્રિયામાં ઝડપ લાવવાની અપીલ કરી છે.

અધિકારીઓનું કહેવું છે કે અમેરિકાના દબાણ બાદ છેલ્લા સપ્તાહમાં આ પ્રક્રિયા શરૂ થયા બાદ 116 જેટલા કેદીઓને છોડવામાં આવ્યા છે. પરંતુ વિપક્ષનું કહેવું છે કે અત્યારસુધી માત્ર 65 લોકોને જ છોડવામાં આવ્યા છે.

સેંકડો લોકો હજુ હિરાસતમાં છે અને તેમના પરિવારના સભ્યો તેમની જેલમાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે.

સોમવારે વેનેઝુએલાનાં વિપક્ષ અને નિર્વાસિત નેતા મરિયા કોરીના મચાદોએ વેટિકનમાં પોપ લિયો સાથે મુલાકાત કરી હતી. તેમણે પોપને આ મામલે દખલ કરવાનો અનુરોધ કર્યો.

વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહી બાદ દેશનાં ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝ કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યાં છે.

અમેરિકાએ તેમના નાગરિકોને ઈરાન છોડવા કેમ કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, ઈરાન, ઈરાનમાં વિરોધપ્રદર્શનો

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાનમાં અમેરિકાની વર્ચુઅલ ઍમ્બેસીએ અમેરિકાના નાગરિકોને સુરક્ષા ચેતવણી જારી કરતાં તેમને તરત જ 'ઈરાન છોડવા'નું કહ્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે, "આખા ઈરાનમાં વિરોધપ્રદર્શનો વધી રહ્યાં છે અને તે હિંસક બની શકે છે. તેનાથી ધરપકડ થઈ શકે છે અને લોકો ઘાયલ થઈ શકે છે. સુરક્ષાની સઘન વ્યવસ્થા, રસ્તા બંધ થવા, પબ્લિક ટ્રાંસપૉર્ટ પર અસર તથા ઇન્ટરનેટ બંધ થવાનું સામેલ છે."

"ઈરાન સરકારે મોબાઇલ, લૅન્ડ-લાઇન તથા ઇન્ટરનેટ નેટવર્ક સુધીની પહોંચને સીમિત કરી દીધી છે. ઍરલાઇન્સ ઈરાન આવનારી-જતી ફ્લાઇટ સીમિત બનાવી રહી છે કે રદ કરી રહી છે. ઘણી ઍરલાઇન્સે પોતાની સેવા શુક્રવારથી રોકી દીધી છે."

અમેરિકાના નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેમણે સંપર્કની અન્ય વ્યવસ્થા શોધવી જોઈએ. સાથે જ જો આમ કરવું સુરક્ષિત હોય તો, આર્મીનિયા કે તુર્કીથી જમીન રસ્તે ઈરાન છોડવા બાબતે વિચારવું જોઈએ.

રાજકોટમાં યોજયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ પૂર્ણ, કેટલા કરોડના કેટલા એમઓયુ થયા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, વાઇબ્રન્ટ ગુજરાત,

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત સરકારે આપેલી માહિતી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત માટે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ કુલ 5.78 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાના મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) એટલે કે સમજૂતી કરારો કર્યા છે.

સરકારે કહ્યું કે આ આંકડો વર્ષ 2003માં યોજાયેલી રાજ્યની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકારોની શિખર બેઠકમાં થયેલ એમઓયુ કરતાં કેટલાય ગણો વધુ છે.

રાજકોટ ખાતે યોજાયેલ આ કૉન્ફરન્સમાં હાજર બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયાએ જણાવ્યું હતું કે બે દિવસ ચાલેલા આ પ્રાદેશિક પરિષદના અંતે સોમવારે સાંજે પૂર્ણાહુતિ સમારંભ યોજાયો હતો.

એ સમારંભને સંબોધતાં ગુજરાત રાજ્ય સરકારના ઇન્ડેક્સ-Bના ચૅરમૅન પી. સ્વરૂપે જણાવ્યું હતું કે પરિષદ દરમિયાન રૂપિયા 500 કરોડના મૂલ્યના વેપાર સોદા થયા છે.

સમાપન સમારંભમાં રિજનલ કૉન્ફરન્સનાં પરિણામોની જાહેરાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જિતુભાઈ વાઘાણીએ બે દિવસ દરમિયાન થયેલ એમઓયુની માહિતી આપી હતી.

વાઘાણીએ કહ્યું, "2003માં કુલ એમઓયુ 80 થયા હતા અને...રોકાણ માત્ર 66,000 કરોડ થયું હતું. માત્ર 66000 કરોડ, શરૂઆત કરી ત્યારે. શરૂઆત હંમેશા અઘરી હોય છે...પછી જે ગતિ પકડી, ત્યાં પણ એમઓયુ થયા. આપણી એક રિજનલ કૉન્ફરન્સમાં મને કહેતા આનંદ થાય છે કે 5,492 એમઓયુ થયા અને 5.78 લાખ કરોડની રકમ સાથેના એમઓયુ એ આપણે એક રિજનમાં કરી શક્યા."

રાજ્યના કૃષિ મંત્રી તેમજ રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તેવા જિતુ વાઘાણીએ કહ્યું કે રાજકોટની પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત કૉન્ફરન્સમાં થયેલા એમઓયુની સંખ્યા અને ઉદ્યોપતિઓ-વેપારીઓએ જાહેર કરેલ મૂડીરોકાણનો આંકડો ગાંધીનગરમાં 2003માં યોજાયેલી રાજ્યની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કરતાં ઘણો ઊંચો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સાથે જ ટ્રેડ-શો એટલે કે વેપાર મેળાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. કૉન્ફરન્સ સોમવારે પુરી થઈ હતી, પરંતુ વેપાર મેળો 15 જાન્યુઆરી એટલે કે ગુરુવાર સુધી ચાલશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે.

એપલ અને ગૂગલ વચ્ચે મહત્ત્વપૂર્ણ સમજૂતી, સંયુક્ત નિવેદનમાં શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, એપલ, ગૂગલ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એપલ અને ગૂગલે એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે

ટૅક્નૉલૉજીક્ષેત્રે દિગ્ગજ કંપનીઓ, એપલ અને ગૂગલે સોમવારે એક મહત્ત્વપૂર્ણ સમાધાનની જાહેરાત કરી.

આ સમજૂતી અંતર્ગત એપલના સિરી આસિસ્ટન્ટ સહિતના નેક્સ્ટ-જનરેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સ ગૂગલના જેમિની મૉડલ્સ અને ક્લાઉડ ટૅક્નૉલૉજીથી ચાલશે.

આ સમાધાન અંગે એપલ અને ગૂગલ તરફથી એક સંયુક્ત નિવેદન જાહેર કરાયું છે.

તેમાં કહેવાયું છે કે, "એપલે નક્કી કર્યું છે કે ગૂગલની એઆઇ ટૅક્નૉલૉજી એપલ ફાઉન્ડેશન મૉડલ્સ માટે સૌથી સારી ક્ષમતા આપે છે."

નિવેદનમાં એવું પણ કહેવાયું છે કે એપલની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટ એપલના પ્રાઇવસી સ્ટાન્ડર્ડને જાળવી રાખીને એપલ ડિવાઇસ અને પ્રાઇવેટ ક્લાઉડ કમ્પ્યૂટ પર ચાલતી રહેશે.

ઈરાનમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનો વચ્ચે ટ્રમ્પે શું મહત્ત્વની જાહેરાત કરી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, ઈરાન, ઈરાનમાં વિરોધપ્રદર્શનો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે તેઓ ઈરાન મામલે કેટલાક અત્યંત મજબૂત વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપારી સંબંધ રાખનારા દેશો વિરુદ્ધ 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, "ઈરાન સાથે વેપાર કરનારા કોઈ પણ દેશને, તાત્કાલિક અસરથી અમેરિકા સાથે કરાતા તમામ વેપાર પર 25 ટકા ટેરિફ આપવાનો રહેશે. આ આદેશ અંતિમ છે."

ઈરાનમાં પાછલા ઘણા દિવસોથી સરકાર સામે વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે ત્યારે ટ્રમ્પે આ જાહેરાત કરી છે. ટ્રમ્પ કહી ચૂક્યા છે કે તેઓ ઈરાન મામલે કેટલાક અત્યંત મજબૂત વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.

ઈરાનનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર ચીન છે. ચીન બાદ ઇરાક, સંયુક્ત આરબ અમીરાત, તુર્કી અને ભારતનો નંબર આવે છે.

પશ્ચિમ બંગાળ : નિપાહ વાઇરસના શંકાસ્પદ કેસો અંગે કેન્દ્ર સરકારે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પશ્ચિમ બંગાળ, નિપાહ વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે કહ્યું છે કે રવિવારે પશ્ચિમ બંગાળસ્થિત એમ્સ કલ્યાણીમાં નિપાહ વાઇરસના બે સંદિગ્ધ કેસ સામે આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું, "11 જાન્યુઆરીના રોજ એમ્સ કલ્યાણીમાં આઇસીએમઆરની વાઇરલ રિસર્ચ ડિસીઝ લૅબમાં નિપાહ વાઇરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. નિપાહ વાઇરસ એક ગંભીર બીમારી છે, જે અત્યંત ઝડપથી ફેલાય છે. તેથી તેને રોકવા માટેની જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે."

"ગઈ કાલે રાત્રે આ વાતની માહિતી મળતાં જ ભારત સરકારના સ્વાસ્થ્ય સચિવે પશ્ચિમ બંગળાના મુખ્ય સચિવ અને પ્રિન્સિપાલ સેક્રેટરી સાથે સ્થિતિ અંગે ચર્ચા કરી."

જેપી નડ્ડાએ કહ્યું, "આઉટબ્રેકને રોકવા માટે તરત નૅશનલ જૉઇન્ટ આઉટબ્રેક રિસ્પૉન્સ ટીમનું ગઠન કરાયું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન