બીઇ અને બીટેક: એન્જિનિયરિંગના આ બે કોર્સ વચ્ચે શું કશો તફાવત હોય છે, કારકિર્દી પર કેવી અસર કરે છે?

બીબીસી ગુજરાતી બીટેક એન્જિનિયરિંગ વિદ્યાર્થી શિક્ષણ રોજગાર એન્જિનિયર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રિયંકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા

દીપ્તિમાન પૂર્બે હૈદરાબાદમાં એક મોટી કંપનીમાં એન્જિનિયરિંગ મૅનેજર છે. જ્યારે પંકજ બિષ્ટ પુણે યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા પછી નાસિકમાં એક મોટી ટેક કંપનીમાં આસિસ્ટન્ટ મૅનેજર છે.

બંનેનું કામ મહદ્ અંશે એકસમાન છે.

બંને કહેવાય પણ એન્જિનિયર છે. બંનેની બ્રાન્ચ પણ ઇલેક્ટ્રિકલ જ હતી, પરંતુ બંને અહીં સુધી પહોંચ્યા જુદા જુદા કોર્સ દ્વારા. એકે બીટેક (B.Tech) પસંદ કર્યું અને બીજાએ બીઇ (B.E). આમ જુઓ તો, કોઈએ સાયન્સ ફીલ્ડમાં અભ્યાસ કર્યો હોય કે નહીં, આગળ જતાં એન્જિનિયરિંગ કર્યું હોય કે ન કર્યું હોય, પરંતુ તેની સાથે જોડાયેલા બે કોર્સનાં નામ જરૂર સાંભળ્યાં હશે, બીઇ (B.E) અને બીટેક (B.Tech).

પરંતુ આ બે અલગ અલગ કોર્સની પાછળ કયું લૉજિક હોય છે? શું ખરેખર આ બંને ડિગ્રીઓ એકસમાન છે કે અભ્યાસની પદ્ધતિ, કોર્સનો અપ્રોચ કે તેના હેતુમાં કોઈ ફરક હોય છે?

કરિયર કનેક્ટેડ સિરીઝની આ કડીમાં બંને કોર્સિસને ભણનાર અને ભણાવનાર દ્વારા એ કન્ફ્યૂઝનને દૂર કરવાની કોશિશ કરીશું.

શો તફાવત હોય છે?

બીબીસી ગુજરાતી બીટેક એન્જિનિયરિંગ વિદ્યાર્થી શિક્ષણ રોજગાર એન્જિનિયર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઇઆઇટી, એનઆઇટી અને પ્રાઇવેટ કૉલેજોમાં બીટેક જ કરાવવામાં આવે છે

બીઇ એટલે બૅચલર્સ ઑફ એન્જિનિયરિંગ અને બીટેક એટલે બૅચલર્સ ઑફ ટેકનૉલોજી – એ તો બધાને ખબર છે.

પરંતુ, બીટેક કરતાં તે માત્ર એ અર્થમાં અલગ છે કે તેમાં પ્રૅક્ટિકલના બદલે થીઅરિટિકલ નૉલેજ પર વધુ ફોકસ હોય છે.

આઇઆઇટી કાનપુરના પ્રોફેસર શલભ સ્ટૅટેસ્ટિક્સ અને ડેટા સાયન્સમાં જાણીતું નામ છે. તેઓ કહે છે કે બીઇ અને બીટેકને એવી રીતે સમજી લો કે બીઇ પહેલાં ઉપયોગમાં લેવાતી ટર્મિનૉલોજી હતી, જેનો હજુ પણ કેટલીક સંસ્થાઓ ઉપયોગ કરી રહી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરંતુ અભ્યાસમાં કોઈ તફાવત નથી રહ્યો અને તેમાં એડ્‌મિશન લેનારની યોગ્યતાની શરતો પણ અલગ નથી.

દીપ્તિમાન પૂર્બે અત્યારે ઉબર કંપનીમાં એન્જિનિયરિંગ મૅનેજર છે. તેની સાથે તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફૉર્મેશન ટેકનૉલોજી એટલે કે IIIT ગ્વાલિયરમાં ગેસ્ટ ફૅકલ્ટી તરીકે ભણાવવા પણ જાય છે.

તેમણે જણાવ્યું, "પહેલાં એવું હતું કે બીઇને નૉલેજ ઓરિએન્ટેડ કોર્સ માનવામાં આવતો હતો, જેમાં ફોકસ થીઅરિટિકલ પ્રિન્સિપલ્સ પર રહેતું હતું; એટલે કે વસ્તુઓ શું કામ કરે છે. જ્યારે બીટેકને વધુ પ્રૅક્ટિકલ અને સ્કિલ-ઓરિએન્ટેડ માનવામાં આવે છે, જેમાં શીખવવામાં આવે છે કે વસ્તુઓ કઈ રીતે કામ કરે છે."

પંકજ બિષ્ટ જિઓમાં આસિસ્ટન્ટ મૅનેજર છે. તેમણે વર્ષ 2014માં બીઇ કર્યું હતું.

તેઓ પણ આ જ કહે છે કે ભારતમાં બૅચલર ઑફ એન્જિનિયરિંગ અને બૅચલર ઑફ ટેકનૉલોજી, બંનેને એકસમાન માનવામાં આવે છે.

તેમનું કહેવું છે, "બીઇનો કરિક્યૂલમ થોડો ટ્રેડિશનલ છે અને આ કોર્સ ઘણી વાર જૂની યુનિવર્સિટીમાં ચાલે છે. તેમાં ફંડામેન્ટલ એટલે કે પાયાની વસ્તુઓ પર થોડું વધુ ફોકસ રહે છે. જ્યારે બીટેકનો સિલેબસ અપડેટેડ છે. તેમાં લૅબ, પ્રોજેક્ટ્સ અને ઇન્ટર્નશિપ પર વધુ ફોકસ છે. આઇઆઇટી, એનઆઇટી અને પ્રાઇવેટ કૉલેજોમાં બીટેક જ કરાવવામાં આવે છે."

તો પછી નામ કેમ અલગ-અલગ છે?

બીબીસી ગુજરાતી બીટેક એન્જિનિયરિંગ વિદ્યાર્થી શિક્ષણ રોજગાર એન્જિનિયર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીઈ અને બીટેકમાં બંને કોર્સના કોર સબ્જેક્ટ પણ એક જેવા હોય છે

ભારતમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવનાર બધી ટેક્‌નિકલ સંસ્થાઓની દેખરેખ ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફૉર ટૅક્‌નિકલ એજ્યુકેશન એટલે કે AICTE રાખે છે.

એઆઇસીટીઇ અનુસાર, ભારતમાં વર્ષ 2023-24ની વચ્ચે 8 હજાર 264 સંસ્થા એવી હતી જે ડિપ્લોમા, અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ લેવલના એન્જિનિયરિંગ કોર્સિસ ચલાવતી રહી છે, પરંતુ 2024-25માં આ યાદીમાં બીજી 211 ઇન્સ્ટિટ્યૂટ ઉમેરાઈ.

વર્ષ 2023-24ના એકૅડેમિક સેશન દરમિયાન 30 લાખ 79 હજાર કરતાં વધુ સ્ટુડન્ટ્સે એન્જિનિયરિંગ કૉલેજોમાં એડ્‌મિશન લીધું. વર્ષ 2025ના IIRF રૅન્કિંગ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂશનલ રૅન્કિંગ ફ્રેમવર્ક) અનુસાર, ભારતમાં આઇઆઇટી બૉમ્બે ટોચની એન્જિનિયરિંગ સંસ્થા છે.

પરંતુ પ્રાઇવેટ યુનિવર્સિટી હેઠળ ચાલતી ટૉપ એન્જિનિયરિંગ સંસ્થાઓમાં સૌથી ઉપર બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી ઍન્ડ સાયન્સ (BITS PILANI) રહી. જે એવી સંસ્થાઓમાં પણ છે જ્યાં બીઇની ડિગ્રી અપાય છે.

આના ઉપરાંત, કોલકાતાની જાધવપુર યુનિવર્સિટી, ચેન્નઈની અન્ના યુનિવર્સિટી, હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટી, બૅંગલુરુની આરવી કૉલેજ, પુણે યુનિવર્સિટી, મુંબઈ યુનિવર્સિટી પણ એવી સંસ્થાઓમાં છે જે એન્જિનિયરિંગ કરનારને બીઇની ડિગ્રી આપે છે.

જાણકારો કહે છે કે સામાન્ય રીતે બીઇ અને બીટેક કોર્સ એ વાત પર નિર્ભર છે કે કઈ યુનિવર્સિટી આ ડિગ્રી આપી રહી છે. કેમ કે, ઘણી જૂની યુનિવર્સિટી આ કોર્સને બીઇ કહે છે અને ટેક્‌નિકલ સંસ્થા બીટેક.

પરંતુ ફક્ત નામના આધારે અભ્યાસની ક્વૉલિટીમાં કોઈ ખાસ ફરક નથી હોતો.

બંને ચાર વર્ષના કોર્સ છે અને બંનેમાં એડ્‌મિશન માટે એલિજિબિલિટી એટલે કે યોગ્યતા પણ એકસમાન જ હોવી જોઈએ.

એટલે કે 12મા ધોરણમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મૅથ્સ હોવા જોઈએ અને ત્યાર પછી એન્જિનિયરિંગ કૉલેજોમાં એડ્‌મિશન માટે લેવામાં આવતી એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે જેઇઇ મેઇન અને જેઇઇ એડ્‌વાન્સ ક્લિયર કરવાની હોય છે.

દીપ્તિમાન પૂર્બે કહે છે કે બંને કોર્સના કોર સબ્જેક્ટ પણ એક જેવા હોય છે. એટલે કે એ સબ્જેક્ટ જે એન્જિનિયરિંગની એક બ્રાન્ચને બીજી બ્રાન્ચથી જુદી પાડે છે.

જેમ કે, પહેલા વર્ષમાં જે સબ્જેક્ટ હોય છે તે છે: મૅથેમૅટિક્સ, એન્જિનિયરિંગ ફિઝિક્સ, એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી, એન્જિનિયરિંગ મિકેનિક્સ અને બેઝિક ઇલેક્ટ્રૉનિક્સ. આ એ વિષયો છે જે બધી બ્રાન્ચના સ્ટુડન્ટ્સે ભણવાના હોય છે.

પછી બીજાથી ચોથા વર્ષ સુધી કેટલીક મુખ્ય બ્રાન્ચોના વિષય હોય છે:

  • કમ્પ્યૂટર સાયન્સ: ડેટા સ્ટ્રક્ચર્સ, અલ્ગોરિધમ, ઑપરેટિંગ સિસ્ટમ, ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમ એટલે કે DBMS.
  • મિકેનિકલ: થર્મોડાયનૅમિક્સ, ફ્લૂઇડ મિકેનિક્સ, કિનેમૅટિક્સ ઑફ મશીન.
  • ઇલેક્ટ્રિકલ: સર્કિટ થીઅરી, કંટ્રોલ સિસ્ટમ, પાવર સિસ્ટમ.

કયો કોર્સ કોના માટે યોગ્ય છે?

બીબીસી ગુજરાતી બીટેક એન્જિનિયરિંગ વિદ્યાર્થી શિક્ષણ રોજગાર એન્જિનિયર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોઈ પણ સ્ટુડન્ટે ડિગ્રીના નામ ખાતર કોઈ કોર્સ પસંદ ન કરવો જોઈએ એવી સલાહ અપાય છે.

દીપ્તિમાન પૂર્બે અનુસાર, વાસ્તવિક દુનિયામાં બીઇ અને બીટેક વચ્ચે જે તફાવત હતો તે ભૂંસાઈ ચૂક્યો છે. હવે બંને કોર્સ પછી મળનારી કરિયર અપૉર્ચ્યુનિટીઝમાં કશું અંતર નથી.

એવું નથી કે કોઈ કોર્સ બીજા કરતાં જરાયે ઊણો ઊતરતો છે. બલકે માસ્ટર્સ કે એમબીએ માટે અપ્લાય કરતા સમયે પણ બંને કોર્સનાં નામ સાથે જ લખેલાં હોય છે. તેથી બંને કોર્સ એકસમાન વૅલ્યૂ ધરાવે છે.

પરંતુ, તેઓ એવા કેટલાક પૉઇન્ટ્સ ગણાવે છે જેના પર એડ્‌મિશન લેતાં પહેલાં સ્ટુડન્ટ્સે ધ્યાન આપવું જરૂરી છે.

તેઓ કહે છે:

  • કોઈ પણ સ્ટુડન્ટે ડિગ્રીના નામ ખાતર કોઈ કોર્સ પસંદ ન કરવો જોઈએ. પરંતુ પસંદગીના આધારે એવું થવું જોઈએ કે તે કઈ યુનિવર્સિટીમાં મળી રહ્યો છે અને કઈ બ્રાન્ચ મળશે.
  • હંમેશાં એ ધ્યાનમાં રાખો કે સંસ્થાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, ત્યાંના ફૅકલ્ટી કેવા છે, પ્લેસમેન્ટ કેવું છે, રિસર્ચ એક્સ્પીરિયન્સ કેવો છે અને જે કોર્સ તમે પસંદ કરો છો તેમાં વાતાવરણ કેવું છે.
  • જો કોઈની પાસે એવો વિકલ્પ છે કે તેમને બીઇ અને બીટેક બંનેમાં એક જેવી બ્રાન્ચ મળી રહી છે, તો પછી તેમણે એકસમાન કોર્સ સમજીને બાકીનાં બધાં ફૅક્ટર્સને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો.

શું ફ્યૂચર ગ્રોથમાં તફાવત છે?

બીબીસી ગુજરાતી બીટેક એન્જિનિયરિંગ વિદ્યાર્થી શિક્ષણ રોજગાર એન્જિનિયર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સામાન્ય રીતે કંપનીઓ સમસ્યાને ઉકેલવાની સ્કિલને વધુ મહત્ત્વ આપે છે.

જાણકારોનું માનીએ તો વૅકેન્સી ભલે સૉફ્ટવેર એન્જિનિયર માટે હોય, સિવિલ એન્જિનિયર માટે હોય કે પછી ડેટા એનાલિસ્ટ કે બીજી કોઈ બ્રાન્ચના એન્જિનિયર માટેની કેમ ન હોય, જૉબ ડિસ્ક્રિપ્શનમાં હંમેશાં રિક્વાયરમેન્ટમાં B.E/B.Tech જ લખ્યું હોય છે.

બંનેનાં સૅલરી પૅકેજમાં કશો તફાવત નથી. બલકે, સૅલરી સંપૂર્ણપણે એ વાત પર આધારિત છે કે કોનો ઇન્ટરવ્યૂ કેવો રહ્યો છે, કોઈની પ્રૉબ્લમ સૉલ્વિંગ સ્કિલ્સ કેવી છે કે નોકરી કયા પદ માટે છે. આ બધી બાબતો પર ડિગ્રીની અસર 'ઝીરો' છે.

પંકજ બિષ્ટનું કહેવું છે, "આજની તારીખે ટ્રેઇન્ડ બીઇ કે બીટેકથી નક્કી નથી થતું, પરંતુ તેનાથી નક્કી થાય છે કે તમારી બ્રાન્ચ કઈ છે. આજે જો માર્કેટમાં આઇટી સેક્ટર એટલે કે ઇન્ફૉર્મેશન ટેકનૉલોજી બૂમ પર છે, તો પછી એડ્‌મિશન લેતાં સમયે મગજમાં એ જ રહેવું જોઈએ કે આ બ્રાન્ચ મળી જાય. જો મિકેનિકલનો બૂમ હોય તો પછી તમારે વિચારવું જોઈએ. માર્કેટના હિસાબે બ્રાન્ચ જરૂરી છે."

તેઓ જણાવે છે કે સામાન્ય રીતે કોઈ પણ કંપનીનો કોઈ એવો ક્રાઇટેરિયા નથી કે કોઈ પોસ્ટ પર બીઇ કે બીટેકવાળાને જ લેવાના છે.

તેમણે કહ્યું, "મેં અત્યાર સુધીમાં ચાર કંપની બદલી છે. તમે બીઇ હો કે બીટેક, જો તમારી પાસે એ સ્કિલ્સ છે જેની જરૂર છે, તો પછી કંપની તમને લેશે. એવું નથી થતું કે જે પોઝિશન માટે બીટેકવાળા એપ્લાય કરી શકે તેના માટે બીઇવાળા ન કરી શકે."

બીબીસી ગુજરાતી બીટેક એન્જિનિયરિંગ વિદ્યાર્થી શિક્ષણ રોજગાર એન્જિનિયર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં ડિગ્રીના બદલે સ્કિલનું મહત્ત્વ વધશે એવું નિષ્ણાતો માને છે.

જ્યારે દીપ્તિમાન ફ્યૂચર ગ્રોથની દૃષ્ટિએ કેટલીક અન્ય વાતો તરફ ધ્યાન દોરે છે. જેમ કે:

  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં ઇન્ડસ્ટ્રી ડિગ્રીના બદલે સ્કિલ્સ પર વધુ ધ્યાન આપી રહી છે.
  • અત્યાર સુધીના ટ્રેન્ડ એવો સંકેત આપે છે કે હવે કંપનીઓ મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, ન્યૂરલ નેટવર્ક્સ જેવી સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ્સ તરફ ઢળી રહી છે.
  • તેથી કોઈની પાસે બીઇની ડિગ્રી હોય કે બીટેકની, કરિયર ગ્રોથ સંપૂર્ણ રીતે કૅન્ડિડેટના પોર્ટફોલિયો, કોડિંગ સ્કિલ્સ અને મૅથેમેટિકલ અંડરસ્ટૅન્ડિંગ પર આધારિત છે.

અંતમાં તેઓ કહે છે કે બીઇ અને બીટેક વચ્ચે તફાવતની ચર્ચા સંપૂર્ણપણે એકૅડેમિક છે. વાસ્તવિકતા એ છે કે તે એક મંજિલ સુધી લઈ જનારા બે રસ્તા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન