ચીન સામેની એ લડાઈ જ્યારે ભારતીય સૈનિકોએ પીછેહઠ કરવાને બદલે મોતને વહાલું કરી લીધું

ફિલ્મ '120 બહાદુર', ભારત-ચીન યુદ્ધ, 120 સૈનિકો, ફિલ્મ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, 120 Bahadur team

ઇમેજ કૅપ્શન, ફિલ્મ '120 બહાદુર'માં બૉલીવુડ ઍક્ટર ફરહાન અખ્તરે મેજર શૈતાનસિંહની મુખ્ય ભૂમિકા ભજવી છે
    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

તાજેતરમાં આવેલી બૉલીવુડની એક ફિલ્મે ભારત અને ચીન વચ્ચેના 1962ના યુદ્ધની એક વિસરાયેલી લડાઈની યાદો ફરી તાજી કરી છે. ફિલ્મ '120 બહાદુર' એ ભારતીય સૈનિકોની શૌર્યગાથા દર્શાવે છે, જેમણે લદ્દાખના થીજવી દેતા હિમાલયના પહાડોમાં 'રેઝાંગ લા પાસ'ને સુરક્ષિત રાખવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી.

આ ફિલ્મમાં ફરહાન અખ્તરે મેજર શૈતાનસિંહની મુખ્ય ભૂમિકા ભજવી છે. જોકે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળ ન રહી, પરંતુ તેણે 1962ના યુદ્ધના પરાજય વચ્ચે પણ ભારતીય સૈનિકોના અપ્રતિમ સાહસની સકારાત્મક ગાથાને ઉજાગર કરી છે.

સંવાદલેખક સુમિત અરોડાએ બીબીસીને જણાવ્યું કે, "અમને લાગ્યું કે આ વાર્તા પડદા પર લાવવી ખૂબ જ જરૂરી છે. અમે એ વીર જવાનોને સન્માન આપવા માગતા હતા જેઓ આ સંઘર્ષના સાક્ષી રહ્યા. અમે કેટલીક ફિલ્મી છૂટછાટ ચોક્કસ લીધી છે, પરંતુ અમારી ફિલ્મ મોટા ભાગે ઇતિહાસની બાબતમાં પ્રમાણિક છે."

આ યુદ્ધ એવા સમયે થયું હતું જ્યારે સીમાવિવાદના મુદ્દે ભારત અને ચીનના સંબંધો કથળી રહ્યા હતા અને વિવાદ ઉકેલવા માટેની તમામ વાતચીત નિરર્થક નીવડી હતી.

તિબેટમાં 1959ના વિદ્રોહ બાદ દલાઈ લામાને ભારતમાં શરણ આપવાના કારણે પણ બેઇજિંગ નારાજ હતું. ચીને 20 ઑક્ટોબરે ભારત પર હુમલો કર્યો અને તેની સાથે જ એક મહિના સુધી આ યુદ્ધ ચાલ્યું.

બેઇજિંગે તેને 'સેલ્ફ ડિફેન્સ કાઉન્ટર ઍટેક' ગણાવ્યો અને દિલ્હી પર એવો આરોપ મૂક્યો કે ભારત આક્રમક રીતે ચીની ક્ષેત્ર પર કબજો કરી રહ્યું છે અને તેમના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

એક મહિના પછી ચીને એકતરફી યુદ્ધવિરામ જાહેર કર્યો, પોતાના સૈનિકો પાછા ખેંચ્યા અને યુદ્ધકેદીઓને મુક્ત કર્યા.

આ યુદ્ધમાં ભારતે 7,000 સૈનિકો અને 38,000 ચોરસ કિલોમીટર જમીન ગુમાવી. ત્યારબાદ બંને દેશો વચ્ચે 3,440 કિલોમીટર લાંબી 'વાસ્તવિક નિયંત્રણ રેખા' (LAC) નક્કી કરવામાં આવી.

એ લડાઈ જેના પર કોઈને વિશ્વાસ ન બેઠો

ફિલ્મ '120 બહાદુર', ભારત-ચીન યુદ્ધ, 120 સૈનિકો, ફિલ્મ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Radloff/Three Lions/Getty Images

ઇમેજ કૅપ્શન, નવેમ્બર 1962માં એક મહિનાની અથડામણમાં ભારતે ઓછામાં ઓછા 7,000 સૈનિકો ગુમાવ્યા

ચીને સત્તાવાર રીતે આ યુદ્ધ વિશે બહુ ઓછો ઉલ્લેખ કર્યો છે. તેણે માત્ર એવો દાવો કર્યો કે તેના સૈનિકોએ સંઘર્ષના વિસ્તારોમાં ભારતની તમામ ચોકીઓ નષ્ટ કરી દીધી હતી.

રેઝાંગ લાની લડાઈ વિશે ચીને ક્યારેય કોઈ ટિપ્પણી કરી નથી. આ યુદ્ધ 16,000 ફૂટથી વધુ ઊંચાઈ પર લડાયું હતું. ભારતમાં આ લડાઈને એક 'ઐતિહાસિક યુદ્ધ' અને 'અંતિમ શ્વાસ સુધી લડાયેલા મહાન સંઘર્ષોમાંના એક' તરીકે યાદ કરવામાં આવે છે.

આ વિષય પર અનેક પુસ્તકો લખાયાં છે અને ફિલ્મો પણ બની છે.

આ લડાઈ 18 નવેમ્બરની રાત્રે 3.30 વાગ્યાથી સવારના 8.15 વાગ્યા સુધી ચાલી હતી. 2021માં પ્રકાશિત પુસ્તક 'બૅટલ ઑફ રેઝાંગ લા'ના લેખક અને પૂર્વ નૌસેના અધિકારી કુલપ્રીત યાદવ જણાવે છે કે, આ પાસની નજીક 'ચુશુલ ઍરસ્ટ્રિપ' આવેલી હતી, જે તે સમયે એક મુખ્ય વ્યૂહાત્મક કેન્દ્ર હતું. તે વિસ્તારને ભારતના બાકીના ભાગો સાથે જોડતું સડક નેટવર્ક નહિવત્ હતું.

ફિલ્મ '120 બહાદુર', ભારત-ચીન યુદ્ધ, 120 સૈનિકો, ફિલ્મ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2007માં એક સમારંભમાં રેઝાંગ લામાં મૃત્યુ પામેલા (શહીદ થયેલા) સૈનિકોનાં પત્ની (વિધવા)ઓને દિલ્હી બોલાવવામાં આવ્યાં હતાં
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

120 સૈનિકોમાંથી માત્ર પાંચ સૈનિકો જ જીવતા બચ્યા હતા. મેજર શૈતાનસિંહ, જેઓ આ યુદ્ધમાં જીવ આપ્યો, તેમને તેમના અદમ્ય સાહસ અને નેતૃત્વ માટે મરણોત્તર ભારતનું સર્વોચ્ચ સૈન્ય સન્માન 'પરમવીર ચક્ર' એનાયત કરવામાં આવ્યું. અન્ય 12 સૈનિકોને પણ વીરતા ચંદ્રક મળ્યા.

કુલપ્રીત યાદવ કહે છે કે, જ્યારે બચી ગયેલા સૈનિકોએ શરૂઆતમાં વરિષ્ઠ અધિકારીઓને પોતાના સાહસિક સંઘર્ષ વિશે જણાવ્યું, ત્યારે દુર્ભાગ્યવશ કોઈએ તેમની વાત પર વિશ્વાસ ન કર્યો.

તેમણે ઉમેર્યું, "ત્યારે સૈન્યનું મનોબળ ખૂબ ઓછું હતું. આપણે ખરાબ રીતે યુદ્ધ હારી રહ્યા હતા. હજારો સૈનિકો ચીની કેદમાં હતા, તેથી કોઈને એ વાત ગળે ન ઊતરી કે આવો વીરતાભર્યો સંઘર્ષ શક્ય છે."

તે સમયે એવું માનવામાં આવતું હતું કે રેઝાંગ લા પર તહેનાત સૈનિકો ક્યાં તો ભાગી ગયા છે અથવા કેદ પકડાયા છે.

પરંતુ લગભગ ત્રણ મહિના પછી, જ્યારે યુદ્ધ પૂરું થયું હતું, ત્યારે એક ભરવાડને ત્યાં ખંડેર બંકરો, ખાલી ખોખાં અને બરફમાં થીજી ગયેલા મૃતદેહો મળી આવ્યા. ત્યારે જ આ યુદ્ધનો સાચો ચિતાર દુનિયા સમક્ષ આવ્યો.

આ સૈનિકો 13 કુમાઉં બટાલિયનની 'સી કંપની'ના હતા. યાદવ જણાવે છે કે, વરિષ્ઠ અધિકારીઓએ તેમને સલાહ આપી હતી કે જો દારૂગોળો ખૂટી જાય તો પીછેહઠ કરવી. પરંતુ જ્યારે મેજરસિંહે આ વાત જવાનોને કહી, ત્યારે તેમણે મક્કમતાથી જણાવ્યું, "અમે છેલ્લા માણસ અને છેલ્લી ગોળી સુધી લડીશું."

આ એક અસમાન યુદ્ધ હતું; 120 સૈનિકોની સામે હજારો ચીની હુમલાખોરો હતા. ભારતીય મૂલ્યાંકન મુજબ, ઓછામાં ઓછા 3,000 ચીની સૈનિકોએ આ પાસ પર હુમલો કર્યો હતો. ચીની સૈનિકો આધુનિક હથિયારોથી સજ્જ હતા, જ્યારે ભારતીય જવાનો પાસે જૂની સેમિ-ઑટોમેટિક રાઇફલ્સ અને મર્યાદિત દારૂગોળો હતો.

મેજર શૈતાનસિંહ પર પુસ્તક લખનાર રચના બિષ્ટે નોંધ્યું છે કે, મેદાની વિસ્તારમાંથી આવેલી આ કંપનીએ પહેલાં ક્યારેય બરફ જોયો નહોતો અને તેમને વાતાવરણને અનુકૂળ થવાનો સમય પણ મળ્યો નહોતો.

લડાઈની રાત્રે શું થયું?

ફિલ્મ '120 બહાદુર', ભારત-ચીન યુદ્ધ, 120 સૈનિકો, ફિલ્મ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Kulpreet Yadav

યુદ્ધમાં બચેલા સૂબેદાર રામચંદરે યાદ કરતા કહ્યું કે, "હવામાન ભયાનક હતું. અમારી પાસે પૂરતાં ગરમ કપડાં કે જૂતાં પણ નહોતાં. માઇનસ 24 ડિગ્રીમાં માત્ર હળવા કોટ અને જર્સી અમને બચાવી શકે તેમ નહોતાં."

જ્યારે ચીની મોર્ટાર હુમલાએ બંકરો અને ટૅન્ટ નષ્ટ કરી દીધાં, ત્યારે કંપનીને ભારે નુકસાન થયું.

સૂબેદાર રામચંદરે મેજરસિંહની બહાદુરીનું હૃદયદ્રાવક વર્ણન કરતા કહ્યું કે, "તેમના પેટમાં ઘણી ગોળીઓ વાગી હતી અને તેઓ અસહ્ય પીડામાં હોવા છતાં મને યુદ્ધ ચાલુ રાખવા માટે સૂચનાઓ આપતા રહ્યા. અંતે તેમણે મને ત્યાંથી નીકળી જવાનો આદેશ આપ્યો."

થીજી ગયેલી યુદ્ધભૂમિ એવી ને એવી જ મળી

ફિલ્મ '120 બહાદુર', ભારત-ચીન યુદ્ધ, 120 સૈનિકો, ફિલ્મ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Kulpreet Yadav

ઇમેજ કૅપ્શન, રેઝાંગ લાના યુદ્ધમાં ગોળીઓથી ચારણી થઈ ગયેલી પાણીની આ બૉટલ નાયક ગુલાબસિંહની હતીયુદ્ધના મેદાન પરથી આ હેલ્મેટ મળ્યું, જે જમાદાર સૂરજાનું હતું

ફેબ્રુઆરી 1963માં જ્યારે આ સ્થળની તપાસ કરવામાં આવી ત્યારે યુદ્ધભૂમિ એવી જ સ્થિતિમાં મળી જેવી યુદ્ધ સમયે હતી.

બિષ્ટ લખે છે કે, સૈનિકોના મૃતદેહો પર ગોળીઓ અને છરાના અસંખ્ય નિશાન હતા. કેટલાક સૈનિકો તો મૃત્યુ બાદ પણ રાઇફલ પકડીને બેઠા હતા. નર્સિંગ આસિસ્ટન્ટના હાથમાં હજુ પણ પાટા અને ઇન્જેક્શન હતાં. મેજર શૈતાનસિંહ એક ખડક પાસે વીરગતિ પામેલા મળ્યા હતા.

ત્યારબાદ 'સી કંપની'નું નામ બદલીને 'રેઝાંગ લા કંપની' રાખવામાં આવ્યું.

યાદવ માને છે કે જો આ સૈનિકોએ આટલી બહાદુરી ન બતાવી હોત, તો ચીન 'ચુશુલ ઍરસ્ટ્રિપ' પર કબજો કરી લેત અને ભારત કદાચ અડધું લદ્દાખ ગુમાવી બેસત. 1962ના અંધકારમય યુદ્ધમાં આ લડાઈ ભારત માટે ગર્વ લેવા જેવું એકમાત્ર સકારાત્મક પાસું હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન