ભારત-ચીન સીમાવિવાદ : એ યુદ્ધની કહાણી જેમાં ભારતનો એક-એક સૈનિક 20-20 ચીની સૈનિક સામે લડ્યો

ઇમેજ સ્રોત, BHARAT RAKSHAK
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
'સવા લાખ સે એક લડાઉં, ચિડિયન તે મેં બાજ તુડાઉં, તબૈ ગુરુ ગોવિંદ સિંહ નામ કહાઉં'
સંજોગો ગમે તેટલા વિપરીત કેમ ન હોય, દુશ્મનની સંખ્યા ગમે તેટલી હોય તો પણ લડવાની અને જીતવા માટે પ્રયાસ કરવાની શિક્ષા આપવા માટે ખાલસા પંથના સ્થાપક ગુરુ ગોવિંદસિંહે આ વાત કહી હતી.
અરુણાચલ પ્રદેશના બુમ લાના મોરચે તહેનાત પહેલી શીખ બટાલિયનના જવાનોએ નાનપણથી જ આ પાઠ ભણ્યા હતા, એટલે જ જ્યારે એક જવાનનો સામનો 20-20 ચીની સૈનિકો સાથે થયો, તો પણ તેમણે પીછેહઠ નહોતી કરી.
અપૂરતાં હથિયારો, સરંજામ, તૈયારી અને ચીજવસ્તુઓના અભાવે એ જ પરિણામ આવ્યું જે અપેક્ષિત હોય, પરંતુ તેમની લડાઈ ઇતિહાસમાં લખાઈ ગઈ.
મોરચાના નાયક સૂબેદાર જોગિન્દરસિંહને યુદ્ધ સમયનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું.
તાજેતરમાં જ તવાંગના સૅક્ટરમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે હિંસક અથડામણની ઘટના ઘટી ત્યારે નજર કરીએ 60 વર્ષ અગાઉ ભારત અને ચીન વચ્ચે લડાયેલા એ યુદ્ધ પર નજર કરીએ.
મેજર જનરલ ઇયાન કારડોઝોએ 'પરમવીર : અવર હિરોઝ ઇન બૅટલ' નામથી પુસ્તક લખ્યું છે, જેનું બીજું પ્રકરણ તેમણે 1962ના 'ભારત-ચીન યુદ્ધ' ઉપર કેન્દ્રિત કર્યું છે. એ પ્રકરણમાં તેમણે લડાઈની પૃષ્ઠભૂમિ વિશે ચર્ચા કરી છે.

બેટલ ઑફ બુમ લા

ઇમેજ સ્રોત, Ian Cardozo
8 સપ્ટેમ્બર, 1962ના રોજ કૉમનવેલ્થ દેશોના વડા પ્રધાનની બેઠકમાં ભાગ લેવા માટે જવાહરલાલ નેહરુ યુકે જવા નીકળી ગયા હતા એટલે તત્કાલીન સંરક્ષણમંત્રી ક્રિષ્ન મેનનના નેતૃત્વમાં બેઠક મળી. જેમાં ચીની દળોને થાંગલા ટેકરી શૃંખલામાંથી ખદેડી મૂકવાનું નક્કી થયું. નેહરુને આના વિશે જાણ કરવામાં આવી અને તેમણે અનુમોદન આપ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાતમી ઇન્ફૅન્ટ્રી બ્રિગેડને નામકા ચૂ જવા માટે આદેશ આપવામાં આવ્યા. ત્યાં દુશ્મનોનું પ્રભુત્વ હતું. એ સમયે ભારતીયોમાં પ્રવર્તમાન અવઢવ અને અસમંજસ અંગે ચીન સંપૂર્ણપણે વાકેફ હતું. નામકા ચૂ ખાતે સાતમી ઇન્ફેન્ટ્રી બ્રિગેડને કચડીને ચીનની સેના તવાંગ તરફ આગળ વધી, રસ્તામાં હતું બુમ લા. જેની રક્ષા પહેલી શીખ કંપની કરી રહી હતી.
આ સૈન્ય ટુકડી જયપુરમાં તહેનાત હતી. યુદ્ધના ભણકારા વાગ્યા કે તેને અચાનક જ નેફામાં (નૉર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી, વર્તમાન સમયનું અરુણાચલ પ્રદેશ) મોકલી દેવામાં આવી. જે ખૂબ જ ઠંડો પ્રદેશ છે.
સૈનિકોને નવા વાતાવરણ પ્રમાણે ખુદને ઢાળવાનો સમય પણ નહોતો મળ્યો. તેમની પાસે ગરમ કપડાં કે ગરમ બૂટ નહોતાં અને જંગલમાં પહેરવાનાં કપડાંથી તેઓ કામ ચલાવી રહ્યા હતા. હથિયારોના નામે તેમના પાસે 0.303 હતી, જ્યારે તેમના દુશ્મનો પાસે 7.62 જેવાં હથિયારો હતાં.
મેજર જનરલ (રિટાયર્ડ) ઇયાન કારડોઝોનું નામ લેવામાં મુશ્કેલી પડતી હોવાથી તેઓ યુનિટના સૈનિકોમાં 'કારતૂસ સાહેબ' તરીકે ઓળખાતા.
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે કારડોઝો ગોરખા રેજિમૅન્ટમાં મેજર હતા. એ સમયે સુરંગ ઉપર પગ પડતાં તેઓ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. મેજર કારડોઝોએ પોતાની કૂકરીથી પોતાનો પગ કાપી નાખ્યો હતો.શારીરિક ક્ષતિને કારણે ભારતીય સેનામાં બઢતી માટે તેમણે લડાઈ લડવી પડી અને વારંવાર ખુદની ક્ષમતાને સાબિત કરવી પડી અને મેજર જનરલના પદે નિવૃત્ત થયા.
તેમના જીવન પર 'ખુખરી' નામની ફિલ્મ બની રહી છે, જેમાં અક્ષયકુમારે આ ગોરખા અધિકારીની ભૂમિકા ભજવી રહ્યા છે.

સમર્પિત સૂબેદાર જોગિન્દરસિંહ

ઇમેજ સ્રોત, @mygovindia/twitter
પહેલી શીખ બટાલિયનમાં સૂબેદાર જોગિન્દરસિંહ પણ હતા, જેમની નિવૃત્તિને આડે થોડો સમય બાકી રહ્યો હતો.
મૂળ પંજાબના મોગા જિલ્લાના સૂબેદાર જોગિન્દરસિંહના મનમાં રિટાયરમૅન્ટ પછી વતનમાં પત્ની, બે પુત્રી અને એક પુત્રની સાથે સમય વિતાવવાની યોજના હતી.
સૂબેદાર જોગિન્દરસિંહને પ્લાટૂનનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું, જેની સંખ્યા પણ પૂરી ન હતી અને એમાં માત્ર 29 સૈનિક હતા.
બીજા વિશ્વયુદ્ધમાં અને 1947- '48માં ભારત-પાકિસ્તાન વચ્ચે કાશ્મીરમાં થયેલી લડાઈમાં તેમણે ભાગ લીધો હતો અને બટાલિયનમાં શિસ્તબદ્ધ અને સમર્પિત સૈનિક તરીકેની છાપ ઊભી કરી હતી.
જોગિન્દરસિંહ તથા તેમના સાથીઓએ પોસ્ટ પર તહેનાત આસામ રાઇફલ્સ તથા અન્ય અર્ધલશ્કરી દળો પાસેથી કમાન સંભાળી. અગાઉ બે યુદ્ધ લડી ચૂકેલા જોગિન્દરસિંહ જાણતા હતા કે સાધનો અને હથિયારોના અભાવમાં માત્ર પૂર્વતૈયારી જ તેમને મદદ કરશે. એટલે તેમણે ખીણ ખોદવાનું શરૂ કર્યું.
20 ઑક્ટોબરે ચીને નામકા ચૂ પર કબજો કરી લીધો અને ત્યાં બંકર બનાવવાનું શરૂ કરી દીધું. ત્યારે સૂબેદાર જોગિન્દરસિંહના મનમાં કોઈ શંકા નહોતી કે હવે ચીની તેમની તરફ આગળ વધશે. તેમણે પોતાની ટુકડીને આના વિશે વાકેફ કરી અને તેઓ તૈયારીમાં લાગી ગયા.
ભારતના પરમવીર ચક્ર તથા મહાવીર ચક્ર વિજેતાઓ ઉપર 'સ્ટોરી ઑફ હિરોઇઝમ'માં (ભાગ-1) વિવરણ અપવામાં આવ્યું છે.
ડૉ. યુપી થાપિયાલ દ્વારા સંપાદિત આ પુસ્તકમાં (પૃષ્ઠ ક્રમાંક 58-59) સૂબેદાર જોગિન્દરસિંહ અને તેમની ટુકડીએ કેવી રીતે ચીની સેનાનો મુકાબલો કર્યો, તેનું વિવરણ આપ્યું છે.
23 ઑક્ટોબરે સવારે સાડા પાંચ વાગ્યે દુશ્મનોએ બુમ લા ઉપર હુમલો કરી દીધો, જેથી કરીને તવાંગ તરફ આગળ વધી શકાય.
ત્રણ વખત 200-200 ચીની સૈનિકોએ આગેકૂચ કરવાનો પ્રયાસ કર્યો. નાનાં અને મધ્યમ હથિયારો ઉપરાંત ચીની સૈનિકોએ તોપ તથા મૉર્ટારનો પણ ઉપયોગ કર્યો.
પહેલા હુમલા સમયે શીખોના પ્રતિકારને કારણે ચીની સૈનિકોએ પીછેહઠ કરવી પડી અને તેમને ભારે ખુંવારી વેઠવી પડી. થોડા સમયમાં તેઓ પુનઃસંગઠિત થયા અને ફરી હુમલો કર્યો, પરંતુ સૂબેદાર જોગિન્દરસિંહ તથા તેમની પ્લાટૂને ચીની સૈનિકોની આગેકૂચને અટકાવી રાખી.
આ અથડામણમાં પ્લાટૂને અડધોઅડધ સૈનિકો ગુમાવી દીધા, પરંતુ તેમણે લડવાનો જુસ્સો ગુમાવ્યો ન હતો. સૂબેદાર જોગિન્દરસિંહને પણ થાપામાં ઘાવ થયો હતો, છતાં તેમણે મોરચો છોડવાનો ઇનકાર કરી દીધો.
આ બધાની વચ્ચે ચીને ત્રીજો હુમલો કરી દીધો જે વધુ કૃતનિશ્ચય અને ઘાતક હતો. પ્લાટૂનમાં લડવા માટે બહુ થોડા લોકો વધ્યા હતા.
ખુદ સૂબેદાર જોગિન્દરસિંહે લાઇટ મશીનગન સંભાળવી પડી હતી. સીધા ગોળીબારને કારણે ભારે નુકસાન થવા છતાં તેની પરવા કર્યા વગર ચીની સૈનિકોએ આગેકૂચ ચાલુ રાખી.
હવે ગોળીઓ પણ ખતમ થઈ ગઈ હતી. આ તકે સૂબેદાર જોગિન્દરસિંહે મદદ માટે રાખવામાં આવેલા તાશી નામના સ્થાનિક શ્રમિકને ત્યાંથી જતા રહેવા માટે કહ્યું.
સૂબેદાર જોગિન્દરસિંહ તથા તેમના વધી ગયેલા સાથીઓએ તેમની બંદૂકો ઉપર બૅયોનેટ ચઢાવી અને "વાહે ગુરુજી કા ખાલસા, વાહે ગુરુજી કી ફતેહ" કરતાં દુશ્મન સૈનિકો સાથે હાથોહાથની લડાઈ ઉપર ઊતરી આવ્યા. થોડા સમય માટે ટુકડીમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ઉન્નત હથિયારો અને વધુ સંખ્યાનો વિજય થયો અને ચીનના સૈનિકો આગળ વધી ગયા.
ભારતના કહેવા પ્રમાણે, એ યુદ્ધમાં તેના 1,383 સૈનિક મૃત્યુ પામ્યાં અને લગભગ 1,700 ગાયબ થઈ ગયા હતા.
ચીનનો દાવો છે કે ભારતનાં 4,900 સૈનિક મૃત્યુ પામ્યાં હતાં અને 3,968ને યુદ્ધબંધી બનાવવામાં આવ્યા હતા.
સંઘર્ષવિરામ પછી ચીને પીછેહઠ કરી, જે આજે લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ તરીકે ઓળખાય છે.

અને પછી...

ઇમેજ સ્રોત, Getty Images
એક મહિના પછી ચીને એકતરફી સંઘર્ષવિરામની જાહેરાત કરી દીધી. સૂબેદારના મૃત્યુના સમાચાર સાંભળીને તેમનાં મોટાં દીકરીનું નિધન થયું.
26 જાન્યુઆરી 1963ના દિવસે સૂબેદાર જોગિન્દરસિંહને મરણોપરાંત પરમ વીર ચક્ર એનાયત કરવામાં આવ્યું. જે યુદ્ધ સમયનો સૌથી મોટો વીરતા પુરસ્કાર છે.
તેમનાં વિધવા ગુરદયાલકોરે રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના હાથે પુરસ્કાર સ્વીકાર્યો.
સૂબેદાર જોગિન્દરસિંહે જ્યાં શહીદી વહોરી હતી, ત્યાં સૂબેદાર જોગિન્દરસિંહ તથા તેમના સાથીઓની શૂરવિરતાનું વર્ણન કરતું લખાણ છે. 49 વર્ષ પછી 78 વર્ષની ઉંમરે તાશીએ 18 પંજાબને કહેલો ઘટનાક્રમ એ સ્થળે જોવા મળે છે.
સૂબેદાર જોગિન્દરસિંહના નામે યુદ્ધસ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. દર વર્ષે ઇન્ફેન્ટ્રી દિવસે અહીં મૃત્યુ પામેલા સૈનિકોને અંજલિ આપવામાં આવે છે. તેમના જીવન પર પંજાબી ફિલ્મ બની છે, જેમાં ગિપ્પી ગ્રેવાલે મૃત સેનાનાયકની ભૂમિકા ભજવી છે.
આજે પહેલી શીખ રેજિમૅન્ટ 4 મિકેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. તેને 'કાશ્મીરના તારણહાર' તથા 'શૂરવીરોમાં શૂરવીર' તરીકેની ઉપાધિ મળેલી છે.
એક વિક્ટોરિયા ક્રૉસ તથા બે પરમવીર ચક્ર આ યુનિટને મળ્યા છે, જેમાંથી એક સૂબેદાર જોગિન્દરસિંહે અપાવ્યું હતું.

તવાંગ ત્યારે...

ઇમેજ સ્રોત, Getty Images
વર્તમાન સમયમાં તવાંગ એ ભારતના અરુણાચલ પ્રદેશનો ભાગ છે. ચીન તેને 'દક્ષિણ તિબેટ' માને છે.
ચીનના સૈન્યે તિબેટ ઉપર હુમલો કર્યો અને દલાઈ લામા લહાસા છોડીને આવ્યા ત્યારે તેમણે તવાંગના ગેલુગપા પરંપરાના મઠમાં આશરો લીધો હતો. દલાઈ લામા પણ આ બૌદ્ધ પરંપરાને જ અનુસરે છે. આ મઠને કારણે પણ ચીન તવાંગની ઉપર દાવો કરતું રહે છે.
1962ના ભારત-ચીન યુદ્ધ વિશે ગહન સંશોધન કરનારા કર્નલ (નિવૃત્ત) એનએન ભાટિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "ભારતની વિદેશનીતિમાં ખામી હતી. એક તરફ આપણે 'પંચશીલ' અને 'હિંદી-ચીની ભાઈ-ભાઈ'ના નારા પોકારી રહ્યા હતા. બીજી બાજુ, 'ફૉરવર્ડ પૉલિસી' હેઠળ સૈનિકોને સરહદ તરફ આગળ સુધી ચોકીઓ ઊભી કરવાનું કહેવામાં આવ્યું હતું."
"સરહદ પર 15-20 કિલોમીટરના અંતરે છૂટક-છૂટક ચોકીઓ બનાવવી એ કુનેહભરી રણનીતિ નથી. ભારતીય સૈનિકો તાલીમબદ્ધ ન હતા. તેમની પાસે શસ્ત્રસરંજામ ન હતાં. ગરમ કપડાં કે ગરમ બૂટ ન હતાં. એ ઊંચાઈ પર ટામેટાં બૉલ બની જાય અને ઈંડાં ફોડી ન શકાય તેવાં થઈ જાય. તેને માથામાં મારવામાં આવે તો તે પથ્થર જેવું કામ કરે. છતાં સૈનિકોને મોકલી દેવામાં આવ્યા હતા."
રિટાયર્ડ કર્નલ ભાટિયા ઉમેરે છે, "વધુમાં સૈનિકોને આંતરરાષ્ટ્રીય સરહદની 400 મીટર નજીક સુધી જવાની મંજૂરી ન હતી. એ સમયે સેટેલાઇટ કે ડ્રોન જેવાં સંશાધનો ઉપલબ્ધ ન હતાં. તમે ખુદ જઈને જુઓ તો જ દુશ્મનોની હરકત કે હિલચાલ વિશે બાતમી મળે, પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદની નજીક નહીં જવાના આદેશને કારણે ભારતીય સૈનિકો પાસે દુશ્મનોની તૈયારી અંગે પૂરતી અને ચોક્કસ માહિતી ન હતી. આથી, એ અથડામણમાં ચીનનો હાથ ઉપર રહ્યો અને ભારતે હજારો વર્ગ કિલોમીટર જમીન ગુમાવી પડી."
(રિ.) કર્નલ ભાટિયાને એ વાતનો વસવસો છે કે ચીન સામેની લડાઈ દરમિયાન ભારતે વાયુદળનો ઉપયોગ ન કર્યો કે ભારતીય નૌકાદળ દ્વારા હિંદ મહાસાગરમાં ચીનની નાકાબંધી કરવાનો પ્રયાસ ન કર્યો. અન્યથા આ યુદ્ધનું પરિણામ કંઈક અલગ હોત.
વર્તમાન હુમલા અંગે સેવાનિવૃત્ત કર્નલ ભાટિયાનું કહેવું છે કે, "રાષ્ટ્રપતિ શી જિનપિંગની ઝીરો કોવિડ નીતિને કારણે દેશભરમાં વારંવાર લૉકડાઉન લાદવામાં આવી રહ્યા છે. આથી, લોકો ત્રાસી ગયા છે અને તેમણે સરકાર સામે અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. ત્યાં વિપક્ષ નથી અને મીડિયા ગેરહાજર છે. એટલે ત્યાંની વાતો બહાર નથી આવતી."
"લોકોનું ધ્યાન અન્યત્ર ખસેડવા ચીનના નેતૃત્વને લોકોમાં ભય ફેલાવવા માટે કોઈક બહાનાની જરૂર છે. સરહદ ઉપર સંઘર્ષ આ કામ કરી શકે છે."
જ્યારે-જ્યારે દલાઈ લામા તવાંગ કે કોઈ ભારતનો કોઈ કેન્દ્રીય રાજનેતા તવાંગની મુલાકાત લે છે, ત્યારે ચીન દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવે છે. પરંતુ ભારત તેને આંતરિક બાબત કહીને ચીનના વિરોધને નકારતું રહ્યું છે.

તવાંગ અત્યારે...

ઇમેજ સ્રોત, Defence Publication
1965માં ભારતે પાકિસ્તાન સાથેનું યુદ્ધ જીત્યું, જેના કારણે ભારતીય સેનાનું મનોબળ વધ્યું. 1967માં સિક્કિમ ખાતે નાથુ લામાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે અથડામણ થઈ, જેમાં ભારતે તેને નિર્ણાયક પરાજય આપ્યો.
ભારતને એક પણ ઈંચ જમીન ન મળી, પરંતુ સિક્કિમની સુરક્ષા થઈ શકી અને મનમાં પ્રવર્તમાન ચીનના સૈનિકોનો ડર દૂર થઈ ગયો.
એ યુદ્ધ દરમિયાન ભારતના 'ટાઇગર નાથુ લા' હતા મેજર બિશનસિંહ. કર્નલ તરીકે નિવૃત્ત થયા બાદ બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "તવાંગની જેમ જ નાથુ લા ખાતે શરૂઆતમાં મુક્કેબાજી, લાકડી, પથ્થરમારા, સંગીન અને બંદૂકની બટ્ટથી બંને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થતી હતી. જ્યારે સશસ્ત્ર સંઘર્ષ થયો, ત્યારે ત્રણ દિવસમાં ત્રણસો સૈનિકોનું નુકસાન તેણે વેઠવું પડ્યું હતું."
"હવે ભારતે ચીનથી ડરવાની જરૂર નથી. લદ્દાખ અને નેફામાં ભારતીય સેના મજબૂત બની છે. હજુ 20 ટકા જેટલી કસર રહેવા પામી છે, જે એકાદ વર્ષમાં પૂરી કરી લેવામાં આવશે. પછી ચીન આ પ્રકારની હરકત કરતા ખચકાશે."
ભારતીય સૈનિકોના એ પરાક્રમ ઉપર 'પલટન' નામની ફિલ્મ બની છે. જેમાં સોનુ સુદે કર્નલ બિશનસિંહની ભૂમિકા ભજવી હતી, જ્યારે અર્જુન રામપાલે તેમના ઉપરી અધિકારીની ભૂમિકા ભજવી હતી.














