ભારત-પાકિસ્તાનનો એ મોરચો જે 'દુનિયાનું સૌથી ઊંચું મેદાન-એ-જંગ' ગણાય છે

ઇમેજ સ્રોત, Getty Images

- સિયાચિન ગ્લેશિયર દુનિયાનો સૌથી ઊંચો યુદ્ધમોરચો માનવામાં આવે છે
- સિયાચિનમાં સરેરાશ તાપમાન આખા વર્ષ દરમિયાન શૂન્યથી 20 ડિગ્રી નીચે સુધી રહે છે, ઠંડીમાં તે માઇનસ 50 ડિગ્રી સુધી નીચે જતું રહે છે
- અહીં છેલ્લા ચાર દાયકાથી ભારત-પાકિસ્તાનના હજારો સૈનિકો એકબીજાની સામે વિષમ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે
- બંને દેશોના હજારો સૈનિક ઠીકરું થઈ જવાય તેવી ઠંડી, બરફના વાવાઝોડા અને હિમસ્ખલનની ઘટનાઓમાં મૃત્યુ પામ્યા છે
- 7 એપ્રિલ 2012ના રોજ પાકિસ્તાન લાઇટ ઇન્ફેન્ટ્રીના 140 સૈનિક હિમસ્ખલનમાં દબાઈ ગયા હતા
- અહીં જે લોકો હિમસ્ખલનમાં મૃત્યુ પામ્યા છે તેમાંથી ઘણા લોકોના મૃતદેહ તો હજુ સુધી મળી પણ શક્યા નથી
- હાલમાં જ સિયાચિન ગ્લેશિયરમાં તહેનાત ભારતીય સેનાના એક યુનિટના બે સૈનિકોના મૃતદેહ મળ્યા હતા
- એક મૃતદેહ 38 વર્ષ પહેલાં આ વિસ્તારમાં ગુમ થયેલા એક સૈનિકનો હતો, જ્યારે બીજા મૃતદેહની ઓળખ થઈ શકી નથી

"જો જીતના ઇરાદાથી નીડર બનીને યુદ્ધભૂમિમાં જશો તો કોઈ પણ પ્રકારની ઇજા વગર ઘરે પરત ફરશો."
જાપાનના 16મી સદીના સેનાપતિઓમાંથી એક યુસુગી કેનસિને જ્યારે આ વાત કહી હતી. પરંતુ કોઈએ ભાગ્યે જ એવું વિચાર્યું હશે કે કોઈ બે દેશની સેનાઓ જમીનના બદલે વાદળોની ઊંચાઈએ એકબીજા સામે હશે અને એ પણ 15-15 મીટર ઊંચા બરફની વચ્ચે.
છેલ્લા ચાર દાયકાથી ભારત-પાકિસ્તાનના હજારો સૈનિકો એકબીજાની સામે આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
જે જગ્યા પર સૈનિકોની આમને-સામને મોરચાબંદી છે, તેને સિયાચિન ગ્લેશિયર કહેવામાં આવે છે. તેને દુનિયાનો સૌથી ઊંચો યુદ્ધમોરચો માનવામાં આવે છે.
સિયાચિન ગ્લેશિયર કાશ્મીરના ઉત્તરમાં 6700 મીટરની ઊંચાઈ પર છે. આ માત્ર એ માટે ઘાતક નથી મનાતું કે અહીંના ઢાળ અને ખીણોમાં મોટી સંખ્યામાં બંને દેશોના સૈનિકો સામ-સામે છે, પરંતુ એ માટે પણ અતિ ઘાતક છે કે અહીંનું હવામાન અને દુર્ગમ વિસ્તાર જીવલેણ છે.
તારીખ ત્રીજી એપ્રિલ 1984ના રોજ અહીં ભારત અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી જ્યારબાદથી અહીં બંને દેશોની સેના એકબીજાની સામે ઊભી છે. ત્યારબાદથી અહીં બંને દેશોના હજારો સૈનિક ઠીકરું થઈ જવાય તેવી ઠંડી, બરફના વાવાઝોડા અને હિમસ્ખલનની ઘટનાઓમાં મૃત્યુ પામ્યા છે.

કેટલાક જવાનોના મૃતદેહ હજુ મળ્યા નથી

ઇમેજ સ્રોત, Getty Images
અહીં જે લોકો હિમસ્ખલનમાં મૃત્યુ પામ્યા છે તેમાંથી ઘણા લોકોના મૃતદેહ તો હજુ સુધી મળી પણ શક્યા નથી.
હાલમાં જ સિયાચિન ગ્લેશિયરમાં તહેનાત ભારતીય સેનાના એક યુનિટના બે સૈનિકોના મૃતદેહ મળ્યા હતા. એક મૃતદેહ 38 વર્ષ પહેલા આ વિસ્તારમાં ગુમ થયેલા એક સૈનિકનો હતો, જ્યારે બીજા મૃતદેહની ઓળખ થઈ શકી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓનો હવાલો આપતા જણાવ્યું છે કે તેમણે ચંદ્રશેખર હરબોલા નામના સૈનિકના મૃતદેહના અવશેષ શોધ્યા છે.
વર્ષ 1984માં તેઓ ગ્લેશિયરમાં પેટ્રોલિંગ દરમિયાન પોતાના 19 સાથીઓ સાથે હિમસ્ખલનમાં ફસાઈ ગયા હતા.
હરબોલા ઉત્તરાખંડના રહેવાસી હતા. આટલાં વર્ષો બાદ રાજકીય સન્માન સાથે તેમના અંતિમસંસ્કાર થયા. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની માહિતી પ્રમાણે પેટ્રોલિંગની ટીમમાં હરબોલાનું નામ સામેલ ન હતું, પરંતુ એક સૈનિકના બીમાર થવાના કારણે હરબોલાને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

21 વર્ષે મૃતદેહ મળ્યો

ઇમેજ સ્રોત, BBC/ASIF ALI
આ પ્રકારનો આ કોઈ પહેલો કેસ નથી. વર્ષ 2014માં ભારતીય સેનાની એક પેટ્રોલિંગ ટીમને તુકારામ પાટિલનો મૃતદેહ મળ્યો હતો. જણાવવામાં આવે છે કે 21 વર્ષ પહેલાં આ વિસ્તારમાં પાટિલ ગુમ થયા હતા.
2017 સુધી ભારત અને પાકિસ્તાન બંનેએ માન્યું હતું કે 38 વર્ષ પહેલાં બંને વચ્ચે સંઘર્ષ બાદ અત્યાર સુધી આ વિસ્તારમાં 2500 સૈનિકોનાં મૃત્યુ થયાં છે. બિન-ઔપચારિક રૂપે આ સંખ્યા 3 હજારથી 5 હજાર વચ્ચે જણાવવામાં આવી રહી છે.
આ વિસ્તારમાં જે સૈનિકોના મૃત્યુ થયા હતા તેનું કારણ ખૂબ જ કપરો ભૌગોલિક વિસ્તાર અને જળવાયું હતું. તેમાંથી 70 ટકા લોકોનાં મૃત્યુ આ જ કારણોસર થયાં હતાં.
2003માં ભારત અને પાકિસ્તાને અહીં યુદ્ધવિરામની સમજૂતી કરી. આ સમજૂતીના કારણે અત્યાર સુધી બંને દેશોની સેનાઓ વચ્ચે કોઈ લડાઈ થઈ નથી.
પાંચ વર્ષ પહેલાં બીબીસી પર છપાયેલા એક ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાની સેનાના એક વરિષ્ઠ સૈનિક અને ડૉક્ટરે કહ્યું હતું, "અહીં સૈનિકોનો સૌથી મોટો દુશ્મન જો કોઈ હોય તો તે હવામાન છે. ઠંડી હવા અને ઑક્સિજનની કમી જ અહીંની પરિસ્થિતિને ઘાતક બનાવે છે, દુશ્મનની સેના નહીં."
સિયાચિનમાં સરેરાશ તાપમાન આખા વર્ષ દરમિયાન શૂન્યથી 20 ડિગ્રી નીચે સુધી રહે છે, પરંતુ ઠંડીમાં તે માઇનસ 50 ડિગ્રી સુધી નીચે જતું રહે છે. એ પણ વાત મહત્ત્વની છે કે ઑક્સિજનની ખામીના કારણે અહીં શ્વાસ લેવો ખૂબ મુશ્કેલ હોય છે.

હિમસ્ખલનમાં 140 દબાયા

7 એપ્રિલ 2012ના રોજ અહીં અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના ઘટી હતી. એ દિવસે પાકિસ્તાન લાઇટ ઇન્ફેન્ટ્રીના 140 સૈનિક હિમસ્ખલનમાં દબાઈ ગયા હતા. યુનિટના હેડક્વાર્ટરને બરફ અને પથ્થરો ગળી ગયા હતા. આ વિસ્તાર પાકિસ્તાની સેનાના ગયારી સેક્ટરમાં હતો. આ જગ્યા સિયાચિન ગ્લેશિયરથી 32 કિલોમિટર દૂર પશ્ચિમમાં છે.
એક વર્ષ બાદ ભારતીય સેનાની સાથે પણ આવી દુર્ઘટના ઘટી હતી. ભારતીય ચોકી પર મોટી બરફની દિવાલ પડી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં 9 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.
ભારત અને પાકિસ્તાને હાલનાં જ વર્ષોમાં આ વિસ્તારનું અસૈન્યીકરણ કરવા અને સંયુક્ત વિસ્તારના ડિલિમિટેશન પર વાતચીત કરી છે. પરંતુ તેનું કોઈ પરિણામ નીકળ્યું નથી. તેના કારણે બંને તરફ હજારો સૈનિકોને ખૂબ જ મુશ્કેલ ભૌગોલિક સ્થિતિમાં તહેનાત કરવા પડી રહ્યા છે.
જ્યારે હકીકત એ છે કે જીવલેણ હવામાનના કારણે અહીં બાથરૂમ જવા, બ્રશ કરવા કે જમવા જેવું રૂટીન કામ પણ તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

રોજનો 10 લાખ ડૉલર ખર્ચ

ઇમેજ સ્રોત, PRASHANT PANJIAR
તેમાં આર્થિક ખર્ચ પણ જોડવો રહ્યો. 2014માં બીબીસીએ જણાવ્યું હતું કે ભારતીય સેના દરરોજ સિયાચિનમાં તહેનાત પોતાના સૈનિકોની રસદ માટે દસ લાખ ડૉલર ખર્ચે છે.
તે છતાં ભારત આ રણનીતિક પોઝિશનને છોડવા માગતું નથી કેમ કે અહીંથી કાશ્મીરના નીચેના વિસ્તારમાં દુશ્મન પર સારી રીતે પકડ બનાવીને રાખી શકાય છે.
એપ્રિલ 1984માં ભારતીય સેનાએ અહીં ઑપરેશન મેઘદૂત ચલાવીને સિયાચિન ગ્લેશિયરને પોતાના નિયંત્રણમાં લીધી હતી.
પાકિસ્તાને 1970ના દાયકામાં તેના પર કબજો કરવા પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાની સેનાએ ત્યારથી ઘણી વખત અહીં ભારતીય સેના પાસેથી આ સ્થાન છીનવી લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને નિષ્ફળતા મળી.
એક પ્રયાસ પાકિસ્તાની સેનાના એક યુવા ઑફિસર પરવેઝ મુશર્રફના નેતૃત્વમાં પણ થયો હતો, પરંતુ તે પણ નિષ્ફળ સાબિત થયો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













