દ્વારકાના મંદિર ઉપર જ્યારે પાકિસ્તાને સેંકડો બૉમ્બ ફેંક્યા પણ...

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે

- પાકિસ્તાનની નેવીના ઇતિહાસ પ્રમાણે, 'તા. સાતમી સપ્ટેમ્બર, 1965ના પીએનએસ બાબર, પીએનએસ ખૈબર, પીએનએસ બદર, પીએનએસ જહાંગીર, પીએનએસ આલમગીર, પીએનએસ શાહજહા અને પીએનએસ ટીપુ સુલતાનને ગુજરાતના દ્વારકા ખાતે દરિયાકાંઠે પર હુમલો કરવાનું ટાસ્ક સોંપવામાં આવ્યું હતું
- આ હુમલા દ્વારા પાકિસ્તાની નૌકાદળ બૉમ્બેની (હાલનું મુંબઈ) ગોદીમાં ભરાયેલા ભારતીય જહાજોને બહાર કાઢવા માગતું હતું,
- પાકિસ્તાનના નૌકાદળ દ્વારા આ અભિયાનને 'ઑપરેશન સોમનાથ' એવું નામ આપવામાં આવ્યું હતું, છતાં તે 'ઑપરેશન દ્વારકા' તરીકે પણ ઓળખાય છે કારણ કે તેનું મુખ્ય નિશાન દ્વારકા શહેર હતું
- બૉમ્બમારામાં મોટાભાગના બૉમ્બ પાસેનાં જંગલોમાં પડ્યા હતા, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી
- ત્યારથી ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા દરવર્ષે 'વામન દ્વાદશી'ના દિવસે વિજયધ્વજા ચઢાવવામાં આવે છે, જેમાં ભારતીય સુરક્ષાબળોના જવાનોના વિજય અને સુરક્ષાની પ્રાર્થના કરવામાં આવે છે
- જહાજ દ્વારા છોડવામાં આવેલાં ગોળા નરમ અને રેતાળ જમીન પર પડ્યા હતા, જેથી ટ્રિગર થવાને બદલે તેમાં ખૂપી ગયા હતા

હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે, મથુરા છોડીને ગુજરાતના દરિયાકિનારે નવીન નગરીની સ્થાપના કરી હતી. અહીં દ્વારકાનું જગતમંદિર ગોમતી નદી તથા અરબ સાગરના સંગમસ્થળે લગભગ સ્થિત છે. આ મંદિર 2,500 વર્ષ જૂનું હોવાની માન્યતા છે.
1965ના ભારત-પાક. યુદ્ધ સમયે પાકિસ્તાન દ્વારા આ મંદિર તથા આસપાસનાં મહત્ત્વપૂર્ણ સ્થાનોને નિશાન બનાવીને અનેક બૉમ્બ ફાયર કરવામાં આવ્યા હતા, પરંતુ મંદિરને કોઈ નુકસાન થયું ન હતું. સ્થાનિકોનું માનવું છે કે ખુદ ભગવાન દ્વારકાધીશે મંદિરની સુરક્ષા કરી હતી, જેથી કોઈ નુકસાન થવા પામ્યું ન હતું.
પાકિસ્તાનના નૌકાદળના ઇતિહાસમાં આ હુમલાનું મહત્ત્વપૂર્ણ સ્થાન રહેલું છે. આ ઑપરેશન સાથે 'સોમનાથ' અને 'ગઝનવી' જેવાં નામો પણ જોડાયેલાં હતાં.

ચાર મિનિટ, 350 બૉમ્બ

ઇમેજ સ્રોત, Twitter@SpokespersonNavy
પાકિસ્તાનની નેવીના ઇતિહાસ પ્રમાણે, 'તા. સાતમી સપ્ટેમ્બર, 1965ના પાકિસ્તાન નૌકાદળનાં જહાજો (પીએનએસ) સામાન્ય પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. ત્યારે તેમને નૌકાદળના મુખ્યાલય પાસેથી સંદેશ મળ્યો હતો. પીએનએસ બાબર, પીએનએસ ખૈબર, પીએનએસ બદર, પીએનએસ જહાંગીર, પીએનએસ આલમગીર, પીએનએસ શાહજહાં અને પીએનએસ ટીપુ સુલતાનને ગુજરાતના દ્વારકાના સમુદ્રકિનારા પર હુમલો કરવાનું ટાસ્ક સોંપવામાં આવ્યું હતું.'
'દરેક જહાજે 50-50 રાઉન્ડ ફાયર કરવા અને રાત્રે સાડા બાર વાગ્યે પોત-પોતાના પેટ્રોલિંગ એરિયામાં પરત આવવાં માટે પૂરપાટ ઝડપે નીકળી જવું. માર્ગમાં ભારતીય વાયુદળનાં વિમાન ઉપરાંત નૌકાદળનાં એક-બે જહાજોનો સામનો થઈ શકે છે, એવું અનુમાન મૂકવામાં આવ્યું હતું.'
'હુમલા પહેલાં જહાજો દ્વારકાથી છ માઇલ દૂર દરિયામાં સ્થાન લે. આ અરસામાં હથિયારોને સજ્જ રાખવામાં આવે અને નૌકાકર્મીઓ સજ્જ થઈ જાય. દ્વારકામાં બ્લૅકઆઉટ (યુદ્ધ સમયે વીજપુરવઠો બંધ કરી દેવો તથા કોઈપણ પ્રકારનો પ્રકાશ ન રાખવો, જેથી કરીને દુશ્મનોને સ્થળ-ભૂગોળ વિશે માહિતી ન મળે.) હતું, એટલે ટાર્ગેટને રડાર દ્વારા જ ઓળખવાના હતા. દ્વારકાથી સાડા પાંચ થી 6.3 માઇલના અંતરે તમામ જહાજો ગોઠવાઈ ગયાં હતાં.'
'રાત્રે 12 વાગ્યા અને 24 મિનિટે હુમલો કરવાના આદેશ છૂટ્યા. લગભગ ચાર મિનિટમાં 350 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. કોઈપણ ક્ષતિને હાનિ વગર પાકિસ્તાની જહાજો પાછાં વળી ગયાં હતાં. દુશ્મન દેશ (ભારત) દ્વારા કોઈ પ્રતિકાર કરવામાં આવ્યો ન હતો અને આઠમી તારીખે સવારે સાડા છ વાગ્યે આ જહાજો તેમના પેટ્રોલ એરિયામાં પરત ફરી ગયાં હતાં.'
આ હુમલા દ્વારા પાકિસ્તાની નૌકાદળ બૉમ્બેની (હાલનું મુંબઈ) ગોદીમાં ભરાયેલાં ભારતીય જહાજોને બહાર કાઢવાં માગતું હતું, જેથી કરીને ભારતીય જળસીમામાં ઘૂસેલી પીએનએસ ગાઝી નામની સબમરીન તેમને બહાર કાઢી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દ્વારકામાં રડાર, સંદિગ્ધ ચીમની (વાસ્તવમાં સિમેન્ટ ફેકટરીની ચીમની) તથા અન્ય મહત્ત્વપૂર્ણ મથકોને નિશાન બનાવવાં. આમ કરવાથી ભારતના મનોબળને પણ વિપરીત અસર થાય તેમ હતી.

સોમનાથ, ગઝનવી અને દ્વારકા

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના નૌકાદળ દ્વારા આ અભિયાનને 'ઑપરેશન સોમનાથ' એવું નામ આપવામાં આવ્યું હતું, છતાં તે 'ઑપરેશન દ્વારકા' તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેનું મુખ્ય નિશાન દ્વારકા શહેર હતું.
આ હુમલાનો હેતુ સેંકડો વર્ષ પહેલાં અફઘાનિસ્તાનના મહમદ ગઝનવી દ્વારા ભારત ઉપર આક્રમણ કરીને સોમનાથનું ભંજન કરવામાં આવ્યું હતું, તેની યાદ અપાવવાનો હતો. છતાં, 'ઑફિશિયલ ઑબ્જેક્ટિવ'માં તેનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો.
'પીએનએસ ખૈબર' તથા તેના ક્રૂ માટે આ ટાસ્ક વિશેષ રીતે મહત્ત્વપૂર્ણ હતું. તેના ટૉર્પિડો તથા ઍન્ટી સબમરીન ઑફિસર લેફટનન્ટ કમાન્ડર (નિવૃત્તિ સમયે) પીએન ગઝનવી હતા. ક્રૂ ઇતિહાસનું પુનરાવર્તન કરવા ઉત્સુક હતું.
જ્યારે કૅપ્ટન હનિફે મિશન વિશે જણાવ્યું ત્યારથી જ તેઓ ઉત્સાહમાં હતા. ડેક પર કોઈકે પૂછ્યું કે, 'દ્વારકા ક્યાં આવેલું છે? ' જવાબ મળ્યો કે 'ગુજરાતમાં.'
ત્યારે કોઈકે પૂછ્યું કે 'શું આપણે આપણાં જ ગુજરાત શરીફ ઉપર હુમલો કરીશું?' પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પણ આ નામથી જિલ્લો આવેલો હોવાથી આ અવઢવ ઊભી થઈ હતી.
જ્યારે કોઈકે દ્વારકા વિશે વધુ વિગતો માગી, ત્યારે ફરજ પરના અધિકારીએ જણાવ્યું હતું કે 'જેમ ગઝનવીએ અફઘાનિસ્તાનથી હિંદુસ્તાનમાં પ્રવેશીને સોમનાથને ધ્વસ્ત કર્યું હતું. એવી જ રીતે આપણે દ્વારકાને ધ્વસ્ત કરીશું, જે સોમનાથથી દૂર નથી. હજાર વર્ષ પહેલાં ગઝનવીએ જે જમીન માર્ગે કર્યું હતું, તે આપણે દરિયાઈમાર્ગે લોખંડના ઘોડા ઉપર સવાર થઈને કરીશું.'
મેજર જનરલ ઇયાન કારડોઝોએ તેમના પુસ્તક The Sinking of INS Khukri: Survivor's Storiesમાં લેફ. કમાન્ડર (રિટાયર્ડ) ગઝનવીના હવાલાથી ડેક પર ઘટેલા ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો છે.

'દ્વારકાધીશે રક્ષા કરી'

ઇમેજ સ્રોત, Getty Images
સ્થાનિકોને શ્રદ્ધા છે કે ખુદ ભગવાન દ્વારકાધીશે મંદિર તથા શહેરની સુરક્ષા કરી હતી અને એટલે જ કોઈ જાનમાલની હાનિ થઈ ન હતી.
મંદિરની પૂજા અને ધ્વજા ચઢાવવાનો વિશેષાધિકાર ગુગળી બ્રાહ્મણ સમાજ પાસે છે. જેના સૅક્રેટરી કપીલ વાયડાના જણાવ્યા પ્રમાણે :
"એ દિવસ 'વામન દ્વાદશી'નો દિવસ હતો. જગત મંદિર તથા આજુબાજુનાં સુરક્ષામથકોને નિશાન બનાવીને પાકિસ્તાનના નૌકાદળે બૉમ્બ છોડ્યા હતા, પરંતુ એકપણ બૉમ્બ નિશાન પર લાગ્યો ન હતો. કેટલાક બૉમ્બ મંદિર પાસેનાં ઘરો પર પડ્યા હતા. મોટાભાગના બૉમ્બ પાસેનાં જંગલોમાં પડ્યા હતા, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. દ્વારકાધીશે જ અમારી રક્ષા કરી હતી."
"ત્યારથી ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા દરવર્ષે 'વામન દ્વાદશી'ના દિવસે વિજયધ્વજા ચઢાવવામાં આવે છે, જેમાં ભારતીય સુરક્ષાબળોના જવાનોના વિજય અને સુરક્ષાની પ્રાર્થના કરવામાં આવે છે. ગુગળ બ્રાહ્મણ સમાજ ઉપરાંત શહેરના આગેવાનો અને વેપારીઓ તેમાં હાજરી આપે છે."
હુમલો સફળ કે નિષ્ફળ?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાની જહાજ તા. સાતમી સપ્ટેમ્બરની સાંજે જ ભારતની જળસીમામાં પ્રવેશીને લાંગરી ચૂક્યાં હતાં. ભારતીય સુરક્ષાબળોના સત્તાવાર કથન પ્રમાણે, તેમણે મર્ચન્ટ નેવીનો સ્વાંગ લીધો હોવાથી તેમને દીવાદાંડી પરની વૉચપોસ્ટ પરથી પિછાણી શકાયાં ન હતાં.
વધુમાં પાકિસ્તાની નૌકાદળનાં જહાજોએ 'ટાર્ગેટ લૉક' કર્યા બાદ લાઇટો બંધ કરી દીધી હતી અને હવાઈહુમલા સિવાયના સંજોગોમાં 'રેડિયો સાયલન્સ' (પરસ્પર રેડિયો દ્વારા સંપર્ક નહીં કરવા) જાળવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
ભારતીય સુરક્ષાવિશેષજ્ઞોના માનવા પ્રમાણે, જ્યારે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા હતા, ત્યારે ઓટ હતી, પરંતુ હુમલાના સમયે ભરતી આવી ગઈ હતી, જેના કારણે જળસ્તર વધી ગયું અને રડારના આધારે લૉક કરવામાં આવેલા નિશાન ચૂકી ગયા.
બીજું, જહાજ દ્વારા છોડવામાં આવેલા ગોળા નરમ અને રેતાળ જમીન પર પડ્યા હતા, જેથી ટ્રિગર થવાને બદલે તેમાં ખૂપી ગયા હતા. અન્ય એક કારણે હતું જે સ્થાનિકોએ વણફૂટેલા બૉમ્બ ઍરફૉર્સની સુરક્ષા કરતી ટુકડીને જમા કરાવ્યા હતા.
જેની ઉપરના નિશાનથી સ્પષ્ટ હતું કે તે 'ઇન્ડિયન ઑર્ડિનન્સ ફૅકટરી' દ્વારા બનાવવામાં આવ્યા હતા. જેનું નિર્માણવર્ષ 1943 પછી અને 1947 પહેલાંનું હતું.
આમ પ્રમાણમાં જૂનો દારૂગોળો પણ ન ફૂટવા પાછળનું એક કારણ હોય શકે છે.
રેલવેના રેસ્ટ-હાઉસ અને દ્વારકાના કેટલાંક ઘરોને નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. ભારતનું રડાર યુનિટ ટ્રક પર લાદવામાં આવેલું હતું, જે એ સમયે વરવાળામાં હતું, જે દ્વારકા તથા ઓખાની વચ્ચે આવેલું એક નાનકડું ગામ છે.
તા. છ સપ્ટેમ્બરના ભારતીય સેના જમીનમાર્ગે લાહોર તરફ આગળ વધી હતી. ભારતીય વાયુદળ તેને સપૉર્ટ કરી રહ્યું હતું, આ સંજોગોમાં ભારતીય વ્યૂહરચનાકારો નવો દરિયાઈ મોરચો ખોલવા માગતા ન હતા.
છતાં પાકિસ્તાની જહાજો કરાચીથી નીકળીને ભારતીય જળસીમાની નજીક પ્રવેશી જાય અને કલાકો સુધી તેમને કોઈ પડકાર ન મળે, તે ભારતીય નૌકાદળ માટે ક્ષોભજનક સ્થિતિ હતી જ, તેની ઉપર ભારે માછલાં ધોવાયાં હતાં.
ખુદ નૌકાદળના અધિકારીઓમાં પણ યુદ્ધ દરમિયાન કશું નોંધપાત્ર નહીં કરી શકવાનો કચવાટ હતો.
પાકિસ્તાનના મતે આ એક સફળ હુમલો હતો, જે નૌસૈનિકોના સમર્પણ, જુસ્સા તથા બહાદુરીને કારણે શક્ય બન્યો હતો.
એટલે જ પાકિસ્તાન દ્વારા દરવર્ષે આઠ સપ્ટેમ્બરના 'નૌકાદળ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
પાકિસ્તાનમાં કરવામાં આવતા દાવા અનુસાર પાકિસ્તાન નૌસેનાની 25મી સ્ક્વૉડ્રને આ ઑપરેશન હાથ ધર્યું હતું અને પાકિસ્તાની નૌકાદળે સફળતાપૂર્વક અને સિફતથી પોતાના ટાર્ગેટને પૂરો કર્યો જેમાં નૌકાદળના ઇન્સ્ટૉલેશન્સ જેમકે રેડારસ્ટેશન અને રેડિયો બિકૉનને તબાહ કર્યા હતા જેનો ઉપયોગ કરાચી પર ભારતીય વાયુસેનાના હુમલામાં માર્ગદર્શન માટે કરાતો હતો.

તનોટ માતા મંદિર

ઇમેજ સ્રોત, Twitter@majorgauravarya
1965ના એ યુદ્ધ સાથે આવી જ એક માન્યતા ભારતના અન્ય એક મંદિર સાથે પણ જોડાયેલી છે. રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર તનોટ માતાના મંદિર આવેલું છે, જેની પાસે જ ભારતનું સૈન્યમથક આવેલું છે.
1965ના યુદ્ધ સમયે પાકિસ્તાન દ્વારા બૉમ્બમારો કરવામાં આવ્યો ત્યારે અનેક બૉમ્બ તનોટ માતા મંદિરના પરિસરમાં ડઝનબંધ બૉમ્બ પડ્યા હતા, પરંતુ તે ફૂટ્યા ન હતા.
મંદિરના મ્યુઝિયમમાં એ બૉમ્બની તસવીરો પણ જોઈ શકાય છે. આજે આ મંદિરની જાળવણી સીમા સુરક્ષાબળ દ્વારા કરવામાં આવે છે.

અને પછી...

ઇમેજ સ્રોત, Twitter/ PRO Defence Kolkata
ભારત સામે પાકિસ્તાને નૌકાદળનો ઉપયોગ કરવા માટે તેને મજબૂત કરવા માટે અનેક પગલાં લીધાં હતાં એ વિશે વાત કરીએ તો 1962ના આ બનાવની વાત કરી શકાય.
નેવલ વૉર કૉલેજ રિવ્યૂ (વૉલ્યુમ 55, ક્રમાંક. 2) નિવૃત્ત રિયર ઍડમિરલ ગુલાબ હિરાનંદાણીએ લખ્યું હતું કે : 1962ના યુદ્ધમાં પરાજય પછી અંદમાન નિકોબાર દ્વીપસમૂહની સુરક્ષા સેના પાસેથી લઈને નૌકાદળને આપવામાં આવી હતી. તેના દરિયાઈ વિસ્તરોમાં ઇન્ડોનેશિયાનાં જહાજોની હરકતો વધી રહી હતી. પાકિસ્તાની નૌકાદળને મદદ મળે તે માટે આમ કરવામાં આવી રહ્યું હતું.
ભારતીય નૌકાદળે પશ્ચિમ સિવાય પૂર્વના દરિયાઈ મોરચા ઉપર ધ્યાન કેંદ્રિત કર્યું, જેથી કરીને બંને મોરચા એકસાથે ખોલી શકાય. અત્રે એ યાદ રાખવું ઘટે કે એ સમયે બાંગ્લાદેશ પણ પાકિસ્તાનનો હિસ્સો હતું, એટલે પૂર્વમાં નૌકાદળને મજબૂત બનાવવું જરૂરી હતું.
ઇજિપ્ત, ઇન્ડોનેશિયા તથા પાકિસ્તાનના નૌકાદળોને ધ્યાને લઈને 1966થી 1971 દરમિયાન નૌકાદળની જરૂરિયાતો ઉપર ધ્યાન આપવામાં આવ્યું અને વર્ષોથી પડતર અનેક નિર્ણયો લેવામાં આવ્યા તથા ખરીદીઓ કરવામાં આવી.
સબમરીનનું પગેરું દાબી શકે તેવાં પાંચ જહાજ, બે લૅન્ડિંગ શિપ, પાંચ પેટ્રોલ બોટ, ચાર સબમરીન, એક સબમરીન ડિપૉટ શિપ, એક સબમરીન રૅસ્ક્યૂ શિપ તથા આઠ મિસાઇલ બોટની સોવિયેટ રશિયા પાસેથી ખરીદી કરવામાં આવી હતી. 1971ના યુદ્ધમાં આ ખરીદીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
લગભગ છ વર્ષ અને ત્રણ મહિના બાદ ઇન્ડિયન નેવીને વેર વાળવાનો મોકો મળવાનો હતો. 1971ના યુદ્ધની શરૂઆતની સાથે જ તા. ત્રણ અને ચાર ડિસેમ્બરની મધ્યરાત્રિએ 'ઑપરેશન ટ્રાયડન્ટ' હાથ ધરવામાં આવ્યું હતું.
ભારતીય નૌકાદળની મિસાઇલ બોટોએ કરાચીનું રુખ કર્યું હતું. જ્યાં પીએનએસ ખૈબર, પીએનએસ શાહ જહાં તથા ફ્યુઅલ ટૅન્કોને ટાર્ગેટ બનાવ્યા હતા. ત્યારથી ચાર ડિસેમ્બરના દિવસને ઇન્ડિયન નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














