તળાવમાં પાઇપથી શ્વાસ લઈને ભારતીય પાઇલટે પાકિસ્તાનને ચકમો આપ્યો
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
4 ડિસેમ્બર 1971ની સવારે દમદમ ઍરબૅઝ પરથી ઊડેલા 14 સ્ક્વૉર્ડનનાં બે હંટર વિમાનોએ ઢાકાના તેજગાંવ ઍરપૉર્ટ પર હુમલો કર્યો હતો.
એક હંટર વિમાનના ચાલક હતા સ્ક્વૉર્ડન લીડર કંવલદીપ મેહરા અને બીજા હંટર વિમાનને એમના નંબર બે ફ્લાઇટ લેફ્ટનન્ટ સંતોષ મોને ઉડાડી રહ્યા હતા.

ઇમેજ સ્રોત, ASIA@WAR
જ્યારે તેઓ તેજગાંવ ઍરપૉર્ટ ઉપરથી ઊડ્યા તો તેમને પાકિસ્તાની ફાઇટર વિમાન દેખાયાં નહીં, કેમ કે પાકિસ્તાનીઓએ એને ચારેબાજુ વેરવિખેર સંતાડી દીધાં હતાં.
કેટલાંક બીજાં સ્થળોએ બૉમ્બ ફેંક્યા પછી જ્યારે મેહરા અને મોને પાછા ફરતા હતા ત્યારે તેઓ એકબીજાથી છૂટા પડી ગયા.
સૌથી પહેલાં મોનેની નજર કેટલેક અંતરે રહેલા પાકિસ્તાનનાં બે સેબર જેટ વિમાન પર પડી. ગણતરીની સેકંડોમાં તો બે સેબર જેટ વિમાન ભારતીય હંટર વિમાનોની પાછળ પડ્યાં. અચાનક મેહરાને લાગ્યું કે એક સેબર જેટ વિમાન એમનો પીછો કરે છે.
મેહરાએ ડાબી બાજુ વળી જઈને મોનેને એમની પૉઝિશન વિશે પૂછ્યું. મોને તરફથી એમને કોઈ જવાબ ન મળ્યો. સેબરે મેહરાના હંટર વિમાન પર સતત કેટલાય ફાયર કર્યા. મેહરાએ મોનેને કહ્યું કે તેઓ પાછળથી સેબર પર ફાયર કરે જેથી તેઓ એનાથી પીછો છોડાવી શકે. પરંતુ મેહરાને એવો અંદાજ નહોતો કે બીજું એક સેબર મોનેના હંટરનો પણ પીછો કરી રહ્યું છે.

કૉકપિટમાં ધુમાડો ભરાયો

ઇમેજ સ્રોત, ASIA@WAR
એ સમયે મોનેના હંટરની ગતિ 360 નૉટ્સ હતી એટલે કે પ્રતિ કલાક 414 કિલોમીટરની.
મોને પોતાના વિમાનને ખૂબ નીચે લઈ ગયા અને જેટલી હતી એટલી તાકાતથી દમદમ તરફ ઉડાન ભરવા માંડી. પાકિસ્તાની પાઇલટ સતત એમના વિમાન પર ગોળીબાર કરી રહ્યા હતા પરંતુ તેઓ એમનું કશું બગાડી ન શક્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, કંવલદીપ મેહરા એટલા ભાગ્યશાળી નહોતા. એમના હંટર પર ફ્લાઇંગ ઑફિસર શમ્સુલ હક્ક સતત ગોળીઓ છોડતા હતા. તેઓ 100 ફૂટની ઊંચાઈએ ઊડી રહ્યા હતા અને એમના વિમાનમાં આગ લાગી ગઈ હતી.
ત્યાં જ પાછળ આવી રહેલું સેબર મેહરાના હંટરને ઓવરશૉટ કરીને આગળ નીકળી ગયું. મેહરા એને નિશાન બનાવવા માગતા હતા પણ ચૂકી ગયા.
કેમ કે એમના કૉકપિટમાં ધુમાડો ભરાઈ ગયેલો અને એમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આગ ધીરે ધીરે એમના કૉકપિટ તરફ આગળ વધતી જતી હતી.

ઇમેજ સ્રોત, BHARATRAKSHAK.COM
પીવીએસ જગમોહન અને સમીર ચોપડાએ પોતાના પુસ્તક ‘ઇગલ્સ ઓવર બાંગ્લાદેશ’માં લખ્યું છે કે, “મેહરાએ એક પણ ક્ષણ ગુમાવ્યા વિના પોતાના પગ વચ્ચે રહેલા ઇજેક્શન બટનને દબાવી દીધું. પરંતુ એક માઇક્રોસેકંડમાં જ ખૂલી જનારું પૅરાશૂટ ખૂલ્યું જ નહીં. વિમાનની ઉપર લાગેલી કેનૉપી જરૂર ખૂલીને અલગ થઈ ગઈ. પરિણામે એટલી જોરથી હવાનો સપાટો આવ્યો કે મેહરાના ગ્લવ્ઝ અને ઘડિયાળ ટૂટીને હવામાં ઊડી ગયાં. એટલું જ નહીં, એમનો જમણો હાથ એટલી ઝડપ અને જોરથી પાછળની તરફ વળી ગયો કે તેમનો ખભો મચકોડાઈ ગયો.”
જગમોહન અને ચોપડાએ પુસ્તકમાં આગળ લખ્યું છે કે, “કોઈક રીતે મેહરાએ પોતાના ડાબા હાથે પૅરાશૂટના લીવરને દબાવ્યું. આ વખતે પૅરાશૂટ ખૂલી ગયું અને મેહરા હવામાં ઊડવા લાગ્યા. મેહરા જેવા નીચે પડ્યા એવા જ બંગાળી ગ્રામીણો એમને ડંડા-લાકડીથી ફટકારવા લાગ્યા. ભગવાનનો પાડ માનો કે, બે જણાએ એ લોકોને રોક્યા અને મેહરાની ઓળખ પૂછી. મેહરાની સિગરેટ અને ઓળખપત્ર વડે ખબર પડી કે તેઓ ભારતીય છે. મેહરા ભાગ્યશાળી હતા કે તેઓ મુક્તિવાહિનીના સૈનિકોની વચ્ચે જઈ પડેલા.”

મેહરા ‘મિસિંગ ઈન ઍક્શન’ ઘોષિત

ઇમેજ સ્રોત, HARPER COLLINS
ગામલોકો મેહરાને ઊંચકીને લઈ ગયા અને તેમનાં કપડાં બદલાવી એમને લૂંગી પહેરવા આપી. એક મુક્તિવાહિની સૈનિકે એમની પિસ્તોલ લઈ લીધી હતી. સંભવતઃ પછી પાછળથી એનો બીજે ક્યાંક ઉપયોગ કરાયો. મેહરા એટલા ઘાયલ થયેલા હતા કે તેઓ જાતે ચાલી પણ નહોતા શકતા. એમને સ્ટ્રૅચર પર નાખીને બાજુના ગામમાં લઈ જવાયા. પણ રસ્તામાં મેહરા ફરીથી બેહોશ થઈ ગયા.
ગામમાં પહોંચીને ગામલોકોએ મેહરાને નાસ્તો આપ્યો. એ દિવસનું એ એમનું પહેલું ખાણું હતું, કેમ કે સવાર સવારના પહોરમાં જ મેહરા હુમલો કરવા માટે વિમાન લઈને નીકળી ગયા હતા. કેટલાય દિવસો સુધી જ્યારે ભારતીય વાયુસેનાને મેહરાના કશા ખબર ના મળ્યા ત્યારે એમને ‘મિસિંગ ઈન ઍક્શન’ જાહેર કરી દેવાયા હતા.
પાછળથી પાકિસ્તાની ફ્લાઇંગ ઑફિસર શમ્સુલ હક્કે આ લડાઈનું વિવરણ કરતાં પાકિસ્તાની વાયુસેનાની પત્રિકા શાહીનમાં ‘ઍન અનમૅચ્ડ ફીટ ઈન ધ એર’ શીર્ષકથી એક લેખ લખેલો, જેમાં એમણે જણાવ્યું કે, એમણે જ સ્ક્વૉર્ડન લીડર કેડી મેહરાના હંટરને નિશાન બનાવી પાડી દીધું હતું. ઢાકાની નજીક જ તેઓ પોતાના વિમાનમાંથી ઇજેક્ટ થયા હતા. એમને મુક્તિવાહિનીની મદદ મળવાને કારણે પાકિસ્તાની સૈનિક એમને પકડી ના શક્યા અને પછી તેઓ સુરક્ષિત ભારત પહોંચી ગયા.

ઘાયલ મેહરા અગરતલાની પાસે ભારતીય હેલિપૅડ સુધી પહોંચ્યા

ઇમેજ સ્રોત, PAKISTAN AIRFORCE
આ ઘટના બની એના નવ દિવસ પછી અગરતલા ક્ષેત્રના સીમાંત વિસ્તારના એક હેલિપૅડ પર એક ભારતીય હેલિકૉપ્ટરે ઉતરાણ કર્યું.
એ હેલિકૉપ્ટરમાં ભારતીય સેનાના એક જનરલ બેઠા હતા. જનરલ હેલિકૉપ્ટરમાંથી નીચે ઊતર્યા પછી સ્થાનિક ઍરમૅન એ હેલિકૉપ્ટરની સર્વિસ કરી રહ્યા હતા અને એના પાઇલટ અંદરોઅંદર વાતચીત કરતા હતા.
એમાં કોઈનું ધ્યાન એ તરફ ન ગયું કે શર્ટ અને લૂંગી પહેરેલો એક દૂબળોપાતળો માણસ ત્યાં હાજર છે. એમનો જમણો હાથ એક સ્લિંગમાં બંધાયેલો હતો. એમની દાઢી વધી ગયેલી હતી અને એમના ચહેરા પર ઘાનાં નિશાન હતાં.
એમનું બાવડું લીલું પડી ગયું હતું અને એમાં ગેંગરીનની શરૂઆત થઈ ગઈ હતી. પહેલી નજરે એ શખસ એવા શરણાર્થી જેવા દેખાતા હતા જે એ દિવસોમાં અગરતલામાં ઘણી જગ્યાએ દેખાતા હતા.
એરફૉર્સના પાઇલટોને એ સમયે ખૂબ આશ્ચર્ય થયું જ્યારે એ વ્યક્તિએ જોરથી બૂમ પાડી ‘મામા’. એમાંના એકનું હુલામણું નામ સાચે જ ‘મામા’ હતું. પણ ભારતના કેટલાક વિસ્તારોમાં લોકો આ શબ્દનો સંબોધનના રૂપે ઉપયોગ કરે છે.
એમણે વિચાર્યું કે કદાચ એવા જ અંદાજમાં એમને કોઈ બોલાવી રહ્યા છે. એમ પણ તેઓ નહોતા ઇચ્છતા કે યુદ્ધના સમય દરમિયાન કોઈ ભિખારી એમને હેરાન કરે. એટલે તેઓએ એમનાથી પીછો છોડાવવા માટે એમને શુષ્ક રીતે પૂછ્યું કે, ‘શું છે?’

મેહરાએ 100 માઇલનો રસ્તો પાર કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
પીવીએસ જગમોહન અને સમીર ચોપડાએ લખ્યું છે કે, “એ વ્યક્તિએ પાઇલટનો હાથ પકડીને કહ્યું, ‘અરે, જરા ઓળખો તો ખરા.’ પાઇલટે તિરસ્કારથી પોતાનો હાથ ખેંચી લેતાં કહ્યું ‘અડીશ નહીં મને.’
ત્યારે એ અજનબીએ પૂછ્યું, ‘તમારો કેડી નામનો કોઈ મિત્ર છે?’ પાઇલટે જવાબ આપ્યો ‘હા, સ્ક્વૉર્ડન લીડર કેડી મેહરા. પણ એ તો મરી ગયા.’
એ વ્યક્તિએ જવાબ આપ્યો, ‘ના, એ હું જ છું.’ ત્યારે પાઇલટને એહસાસ થયો કે એમની સામે ભિખારી જેવો દેખાતો વ્યક્તિ બીજા કોઈ નહીં પણ સ્ક્વૉર્ડન લીડર કેડી મેહરા જ છે, જેમના વિમાનને આઠ દિવસ પહેલાં ઢાકા પાસે હુમલામાં પાડી દેવાયું હતું.
કેડી મેહરા ‘મિસિંગ ઈન ઍક્શન’ હતા અને એમ માની લેવાયું હતું કે તેઓ મૃત્યુ પામ્યા છે. મુક્તિવાહિનીની મદદથી મેહરા લગભગ 100 માઇલનો રસ્તો ચાલીને પાર કરીને આ જગ્યાએ પહોંચ્યા હતા.”
4 ડિસેમ્બરે મેહરાનું વિમાન પડ્યું એ પછી મુક્તિવાહિનીના સૈનિકોએ એમની સારસંભાળ રાખી હતી. એમણે એમને ખાવાનું આપેલું. એમના ઘા પર પાટાપિંડી કરી અને સેવાશુશ્રૂષા કરી હતી.
મુક્તિવાહિનીના એક યુવા સૈનિક શુએબે મેહરાને લૂંગી અને બુશર્ટ પહેરાવીને ભારતીય થાણા સુધી પહોંચાડવાનું બીડું ઉઠાવેલું. એ પહેલાં એમણે તેમના ફ્લાઇંગ સૂટ અને ભારતીય ઓળખપત્રનો સળગાવીને નાશ કરી દીધો હતો.

મેહરાને તળાવના પાણી નીચે રાખવામાં આવેલા

ઇમેજ સ્રોત, Asia@WAR
વિંગ કમાન્ડર એમએલ બાલાએ પોતાના પુસ્તક ‘ઇલેક્ટ્રોનિક વૉરફેયર ઑફ ધ અનટૉલ્ડ સ્ટૉરી ઑફ 1971’માં લખ્યું છે કે, “મેહરા મુક્તિવાહિની પાસે છે એવા સમાચાર ભારતીય સેના સુધી પહોંચાડી દેવાયા હતા. પરંતુ એ બીકને કારણે એ જાહેર ન કરાયું કે ક્યાંક પાકિસ્તાન એમની શોધખોળ શરૂ ન કરી દે. મેહરાના 14 સ્ક્વૉર્ડનને બે દિવસ પછી ખબર પડી કે બચાવાયેલા પાઇલટ કદાચ કેડી મેહરા છે.”
એમએલ બાલાએ લખ્યું છે, “મેહરાને એ ગામમાં માત્ર થોડીક વાર જ રખાયા હતા, જ્યાં એમનું વિમાન જમીનદોસ્ત થયું હતું. પછી એમને ઝૂંપડીમાંથી લઈ જઈને તળાવના પાણીની નીચે સંતાડી દેવાયા હતા. તેમને એક પાઇપ આપવામાં આવેલી, જેનાથી તેઓ શ્વાસ લઈ શકે.
મેહરાએ આખી બપોર તળાવમાં પાણીની નીચે જ પસાર કરી. સાંજે જ્યારે અંધારું થયું ત્યારે ગામલોકે આવીને તેમને પાણીમાંથી બહાર કાઢ્યા.
મેહરાને શોધી કાઢવા પાકિસ્તાની સૈનિકોએ ગામને સળગાવી દીધું હતું, પણ એક પણ વ્યક્તિએ મેહરાના ખબર આપી નહીં. પાકિસ્તાની સૈનિકોના જુલમોને સહન કરતાં રહીને ગામલોકોએ મેહરાને પાંચ દિવસ સુધી પોતાની પાસે સુરક્ષિત સંતાડી રાખ્યા હતા.”

ભારતીય વિમાનોએ પાકિસ્તાની ગનબોટથી બચાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
કેડી મેહરાએ પશ્ચિમ ઢાકામાં પૅરાશૂટમાં છલાંગ મારી હતી. મુક્તિવાહિનીએ એમને સલાહ આપી કે એમના માટે એ સૌથી સલામત રહેશે કે તેઓ પૂર્વમાં અગરતલા બાજુ જતા રહે.
પીવીએસ જગમોહન અને સમીર ચોપડાએ લખ્યું છે, “શુએબની સાથે મહેરાએ એક માછીમારની નાવડીમાં મેઘના નદી પાર કરી હતી. ત્યારે એમની સાથે મુક્તિવાહિનીના અન્ય એક યોદ્ધા સરવર પણ આવેલા. નદી પાર કરતા હતા ત્યારે એક બહુ મોટી આફત સામે આવી હતી."
"એ લોકોને સામેની દિશામાંથી એક પાકિસ્તાની ગનબોટનો કાફલો આવતો દેખાયો હતો. મેહરા અને એમના રક્ષકોનો પૂરો પ્રયાસ હતો કે તેઓ પાકિસ્તાની ગનબોટથી બને એટલા દૂર રહે. જો પાકિસ્તાની બોટ એમને પકડી લેત તો એમનું મૃત્યુ નિશ્ચિત હતું.”

ઇમેજ સ્રોત, Getty Images
આગળ તેઓએ લખ્યું છે, “પાકિસ્તાની બોટ નજીક આવતી જતી હતી અને મેહરા અને તેમના સાથીઓએ ખરાબમાં ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા તૈયારી કરી લીધી હતી, એવામાં અચાનક ભારતીય હવાઈદળનાં ચાર વિમાનોએ નીચે આવીને પાકિસ્તાની ગનબોટ પર હુમલો કર્યો અને એમણે ફેંકેલા બૉમ્બને લીધે બોટમાં આગ લાગી ગઈ."
"મેહરા અને એમના સાથીઓના જીવમાં જીવ આવ્યો અને એમણે પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું. થોડી વાર પછી પાછી એમને બીજી એક પાકિસ્તાની બોટ દેખાઈ પણ આ લોકોએ તરત જ કિનારે પહોંચી જઈને ઊંચા ઘાસની આડ લઈ લીધી, જેના લીધે પાકિસ્તાનીઓને એમની હાજરીની ખબર ના પડી.”

હવાઈદળના મુખ્યમથકને સંદેશો

ઇમેજ સ્રોત, Getty Images
મેઘનાના પૂર્વીય કિનારે ઊતરીને તેમણે અગરતલા સુધીનો 30 માઇલનો રસ્તો પગપાળા પાર કર્યો. ઘા અને પીડા હોવા છતાં મેહરા કલાકો સુધી ચાલતા રહ્યા.
છેવટે તેઓ એ રોડ સુધી પહોંચી ગયા, જેના પર ભારતીય સેનાનાં વાહનો આવનજાવન કરતાં હતાં. એમણે હાથના ઇશારે એક જીપ રોકી. મેહરા ભારતીય સૈનિકોને આપવીતી સમજાવવામાં સફળ થયા.
એ ત્રણેને એક સૈનિકજીપમાં બેસાડીને સૈન્ય કૅમ્પમાં લઈ જવાયા, જ્યાં એમની ગહન પૂછપરછ કરવામાં આવી.
મેહરાના દબાણના કારણે વાયુસેનાના મુખ્ય મથકે એક સંદેશો મોકલવામાં આવ્યો અને ત્યારે ત્યાંથી સૂચના આવી કે મેહરાને લેવા માટે એક હેલિકૉપ્ટર મોકલી દેવાયું છે. આ બધાં દરમિયાન, ભારતીય સેનાના એક ડૉક્ટરે મેહરાને કેટલીક પેઇનકીલર ગોળી આપી.
પાછળથી મેહરાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવેલું કે, “એ રાત્રે હું પહેલી વાર શાંતિથી સૂઈ શક્યો. કેમ કે પાછલા આઠ દિવસમાં પહેલી વાર મેં સુરક્ષિતતા અનુભવેલી. આટલા દિવસ હું ક્યારેય સહજ ન રહી શક્યો, કેમ કે હું એ ક્ષેત્રમાં રહેતો હતો જ્યાં પાકિસ્તાનનું નિયંત્રણ હતું.”
12 ડિસેમ્બરે સેનાના કમાન્ડિંગ ઑફિસરે મેહરાને જણાવેલું કે એક જનરલને લઈને એક હેલિકૉપ્ટર ત્યાં આવવાનું છે. મેહરા મુક્તિવાહિનીના સૈનિક શુએબની સાથે સ્કૂટર પર બેસીને એ હેલિપૅડ સુધી પહોંચ્યા હતા. જ્યારે મેહરાએ હેલિકૉપ્ટરના પાઇલટોને જોયા તો એમણે તરત જ પોતાના જુનિયર, હુલામણા નામવાળા ‘મામા’ને ઓળખી લીધા.

મેહરાએ અવધિ પહેલાં જ વાયુસેનામાંથી નિવૃત્તિ લીધી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કેડી મેહરાને હેલિપૅડ પરથી પહેલાં અગરતલા લઈ જવાયા અને પછી ત્યાંથી શિલૉંગ પહોંચાડ્યા, જ્યાં તેમને સૈનિક હૉસ્પિટલમાં દાખલ કરીને તેમનો ઇલાજ કરાયો.
પ્રાથમિક સારવાર બાદ તેમને એક ડકોટા વિમાનમાં દિલ્લી લઈ જવાયા. કેટલાય મહિના સુધી મેહરાની સારવાર ચાલી.
દરમિયાન એક સમય તો એવો આવ્યો કે એમનો હાથ કાપી નાખવાની સ્થિતિ ઊભી થઈ. પણ એમનો હાથ તો બચી ગયો પણ સ્વાસ્થ્યસંબંધી બીજી તકલીફોને ધ્યાને લેતાં એમના વિમાન ઉડાવવા પર પ્રતિબંધ મુકાઈ ગયો.
યુદ્ધ સમાપ્ત થયાનાં પાંચ વરસ પછી એમણે વાયુસેનામાંથી સમયઅવધિ પહેલાં જ નિવૃત્તિ લઈ લીધી. 4 સપ્ટેમ્બર 2012એ સ્ક્વૉર્ડન લીડર કંવલદીપ મેહરાએ 73 વરસની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












