COP26: આ શિખર પરિષદ શું છે અને આપણા માટે શા માટે મહત્ત્વની છે?
સીઓપી26નું આયોજન આ વખતે સ્કૉટલૅન્ડમાં થવાનું છે અને તેની પાસેથી બહુ મોટી અપેક્ષા રાખવામાં આવી રહી છે. સવાલ એ છે કે આ સીઓપી26 ખરેખર શું છે? તેમાં કોણ હાજર રહેવાનું છે અને તેમાં શું દાવ પર લાગેલું છે?

ઇમેજ સ્રોત, Getty Images/BBC
ક્લાઇમેટ ચૅન્જ એટલે કે જળવાયુ પરિવર્તન વિશેની મંત્રણાના નવીનતમ રાઉન્ડમાં શું-શું થવાનું છે એ જાણી લો.

શું છે સીઓપી26?
કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝનું ટૂંકું નામ છે સીઓપી. તે એક વાર્ષિક શિખર પરિષદ છે અને તેમાં ક્લાઇમેટ ચૅન્જ વિશે અને આબોહવામાં થતા જોખમી ફેરફારના નિરાકરણ માટે વિશ્વના દેશો તથા આપણે શું કરી શકીએ તેની ચર્ચા કરવા 197 રાષ્ટ્રો એકત્ર થાય છે.
આ પરિષદ સંયુક્ત રાષ્ટ્રસંઘના ક્લાઇમેટ ચૅન્જ વિશેના ફ્રેમવર્ક કન્વેન્શનનો એક હિસ્સો છે.
માનવપ્રવૃત્તિની આબોહવા પરની પ્રતિકૂળ અસરને મર્યાદિત કરવાના હેતુસર વિશ્વના લગભગ દરેક દેશ તથા પ્રદેશે કરેલી આંતરરાષ્ટ્રીય સંધિ એટલે ક્લાઇમેટ ચૅન્જ વિશેનું ફ્રેમવર્ક કન્વેન્શન.
એ સંધિ 1994ની 21 માર્ચે અમલમાં આવી ત્યારપછીની આવી 26મી પરિષદ હશે સીઓપી26. આ વર્ષે તેનું આયોજન સ્કૉટલૅન્ડના સૌથી મોટા શહેર ગ્લાસગોમાં 1-12 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે.

કેટલી મહત્ત્વની છે સીઓપી26?

ઇમેજ સ્રોત, Getty Images/BBC
પેરિસ ક્લાઇમેટ ઍગ્રિમેન્ટ પર 2015માં સહીસિક્કા થયાં એ પછી વિશ્વે કેટલી પ્રગતિ કરી કે શું કરવામાં નિષ્ફળ રહ્યું તેની સમીક્ષા સીઓપી26માં સૌપ્રથમ વાર કરવામાં આવશે.
પેરિસ ક્લાઇમેટ ઍગ્રિમેન્ટ, મુખ્યત્વે આબોહવા સંબંધી દુર્ઘટનાઓ બનતી અટકાવવાનો માનવજાતનો ગેમ પ્લાન છે, જે પેરિસ ઍકોર્ડ તરીકે પણ ઓળખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્લોબલ વૉર્મિંગ એટલે કે વૈશ્વિક ગરમાટામાં, ઔદ્યોગિકીકરણ પૂર્વેના સમયમાં જે ઉષ્ણતામાન હતું તેમાં દોઢ ડિગ્રી સેન્ટિગ્રેડ વધારો થશે તો પૃથ્વી પર ઘણા ફેરફારોને રોકી શકાશે નહીં, એવું પેરિસ ઍકોર્ડમાં જણાવાયું છે.
કોઈ પણ યોજનાની સફળતા માટે તેને વળગી રહેવું જરૂરી હોય છે અને સીઓપીનું કામ અહીંથી શરૂ થાય છે.
સીઓપીની કલ્પના એક એવા આંદોલન તરીકે કરી શકાય કે જેમાં બધા સાથે મળીને વ્યૂહરચનાની ચર્ચા કરે છે અને બધા પોતપોતાનું કામ યોગ્ય રીતે કરતા રહે તે સુનિશ્ચિત કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images/BBC
તેથી આબોહવામાં ભયાનક પરિવર્તનથી માનવજાતને બચાવવા સીઓપી21 એટલે કે પેરિસ આંદોલનમાં કેટલાંક મહત્ત્વનાં લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યાં હતાં.
પેરિસ ક્લાઇમેટ ઍગ્રિમેન્ટ પર સહી કરી ચૂકેલા તમામ દેશોએ નીચે મુજબની પ્રતિજ્ઞા કરી હતીઃ
- ગ્રીનહાઉસ ગૅસનું પ્રમાણ ઘટાડવું
- અક્ષય ઊર્જાના ઉત્પાદનને વેગ આપવો
- વૈશ્વિક ઉષ્ણતામાનમાંનો વધારો બે ડિગ્રી સેન્ટિગ્રેડથી પણ ઓછા સ્તરે રાખવો અને તેને દોઢ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી મર્યાદિત રાખવાના પ્રયાસ કરવા
- અત્યંત ગરીબ દેશો ક્લાઇમેટ ચૅન્જના પ્રભાવ સામે કામ પાડી શકે એ માટે તેમને મોટા પ્રમાણમાં નાણાકીય મદદ કરવી
કાર્યમાં થયેલી પ્રગતિની પ્રત્યેક પાંચ વર્ષે સમીક્ષા કરવાનું પણ નક્કી થયું હતું. એવી પહેલી સમીક્ષા 2020માં કરવાની હતી, પરંતુ મહામારીને કારણે સમીક્ષાનું કામ 2021 પર મોકૂફ રાખવું પડ્યું હતું.

મહામારીને કારણે શું ફરક પડ્યો?

ઇમેજ સ્રોત, Getty Images/BBC
શિખર પરિષદનું આયોજન એક વર્ષ લંબાવીને મહામારીએ જંગી પડકાર સર્જ્યો હતો.
બીજી તરફ કોવિડે આપણને મહામારી પછી આર્થિક રિકવરી વિશે પુનર્વિચાર કરવાની અભૂતપૂર્વ તક આપી છે.
વારંવાર વિમાન પ્રવાસ કરવો જરૂરી છે? આપણે દૂર બેસીને ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરી શકીએ? વ્યાપક શહેરીકરણ ટાળવું જોઈએ? આ અને આવી અનેક બાબતો વિશે કોવિડે આપણને વિચારતા કર્યા છે.
રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન, અમેરિકન અર્થતંત્રને કોરોનાવાયરસ બાદ ફરી પાટે ચડાવવાની તેમની યોજનામાં પર્યાવરણને અનુકૂળ હોય તેવી નીતિને સર્વોચ્ચ અગ્રતા આપી રહ્યા છે. તેમના પુરોગામીએ પેરિસ કરારમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ બાઈડને તે નિર્ણયને પાછો ખેંચ્યો છે.
સીઓપી26માં એકઠા થનારા વિશ્વના નીતિ-નિર્ધારકો આબોહવામાં જોખમી પરિવર્તનની સમસ્યાના નિરાકરણ માટે લાંબા ગાળાના લક્ષ્યાંક નક્કી કરશે તેવી અપેક્ષા છે. એ લક્ષ્યાંકો મહત્ત્વાકાંક્ષી તથા સાહસભર્યા હોવાની અપેક્ષા પણ છે.

સીઓપી26 શું હાંસલ કરવા ધારે છે?

ઇમેજ સ્રોત, Getty Images/BBC
ઘણુંબધું હાંસલ કરવા ધારે છે. સૌપ્રથમ તો મૉડ્રિડમાં યોજાયેલી અગાઉની સીઓપી25 શિખર પરિષદના ઘણા મુદ્દાનું નિરાકરણ થવું બાકી છે.
તમને યાદ હશે કે સ્વિડનનાં કર્મશીલ ગ્રેટા થનબર્ગે તેમાં ભાવુકતાભર્યું ભાષણ આપ્યું હતું અને આબોહવા પરિવર્તનનાં જોખમો સંબંધે નિષ્ક્રિય રહેવા સામે તથા વૈજ્ઞાનિક પુરાવાની અવગણના સામે વિશ્વના નેતાઓને ચેતવણી આપી હતી.
દાખલા તરીકે, ક્લાઈમેટ ચેન્જથી માઠી અસર પામનારાઓમાં અત્યંત ગરીબ રાષ્ટ્રો મોખરે હશે. સમુદ્રની વધતી સપાટીને કારણે અનેક ટાપુ રાષ્ટ્રો ધીમેધીમે ડૂબી રહ્યાં છે, દુષ્કાળ તથા હિટવેવ્ઝને કારણે પાકની નિષ્ફળતાનું પ્રમાણ વધી રહ્યું છે.
તેથી સીઓપી26 પહેલાં વિશ્વના 100થી વધુ વિકાસશીલ દેશોએ નીચે મુજબની માગણીઓ રજૂ કરી છેઃ
- આબોહવા પરિવર્તનનો સામનો કરવા અને અનુકૂલન સાધવા સમૃદ્ધ રાષ્ટ્રો તરફથી નાણાકીય સહાય
- આબોહવા પરિવર્તનની માઠી અસર સામે સમૃદ્ધ રાષ્ટ્રો તરફથી વળતરની વ્યવસ્થા
- પોતાનાં અર્થતંત્રોને પર્યાવરણ-અનુકૂળ બનાવવા સમૃદ્ધ રાષ્ટ્રો તરફથી નાણાકીય મદદ
તમે સમૃદ્ધ રાષ્ટ્રો પૈકીના એક છો તેવી કલ્પના કરો.
આ માગણીઓના સંદર્ભમાં 2020 સુધીમાં પ્રતિવર્ષ 100 અબજ ડૉલરની સહાયનું વચન સમૃદ્ધ રાષ્ટ્રોએ આપ્યું હતું, પરંતુ આ તો 2021નું વર્ષ ચાલે છે અને તેમણે અત્યાર સુધીમાં 79 અબજ ડૉલરની સહાય જ આપી છે.
એ પૈકીની મોટા ભાગની સહાય અનુદાનના નહીં, પણ લૉનના સ્વરૂપમાં છે, જેની ચુકવણી વિકાસશીલ દેશોએ કરવાની છે.
ક્લાઈમેટ ફાઈનાન્સ તરીકે જાણીતો આ વિષય સીઓપી26માં ચર્ચાનો એક મોટો મુદ્દો બનશે.

ઇમેજ સ્રોત, Getty Images/BBC
કાર્બન માર્કેટ અને કાર્બન ક્રેડિટ્સની અસરકારક વ્યવસ્થા ચર્ચાનો બીજો મોટો મુદ્દો બનવાની ધારણા છે.
આ વ્યવસ્થા હેઠળ પ્રદૂષણકર્તા દેશોએ ઉત્સર્જન બદલ નાણાં ચૂકવવાનાં હોય છે અને પર્યાવરણને અનુકૂળ અર્થતંત્ર ધરાવતા દેશો (ગ્રીન ઇકૉનૉમીઝ) કાર્બન ક્રેડિટ્સ વેચી શકે છે.
આ વ્યવસ્થા ન્યાયસંગત લાગે છે, પરંતુ કલ્પના કરો કે સમૃદ્ધ દેશોને વાસ્તવિક પરિવર્તનમાં મોખરે રહેવાને બદલે નાણાં ચૂકવીને પ્રદૂષણ ફેલાવવાનો પરવાનો મળી જાય તો શું થાય?
વળી પોતાના જંગલના એક હિસ્સાનો વિનાશ કરવાથી થનારા ઉત્સર્જન બદલ કોઈ દેશે કેટલાં નાણાં ચૂકવવાં જોઈએ એ કોણ નક્કી કરશે?
તમામ દેશો સમાન છે તે સુનિશ્ચિત કરવા ઉપરોક્ત મુદ્દાઓ વિશે ગ્લાસગો શિખર પરિષદમાં સહમતી ભલે સધાય, પણ વિશ્વના દેશોએ નક્કી કરેલા પર્યાવરણ સંબંધી લક્ષ્યાંકો માટે સમાન સમયસીમા નક્કી કરવી જરૂરી છે.
તમને લાગશે કે આમ કરવું તો એકદમ આસાન છે, પણ હકીકતમાં એવું નથી.
તેથી સીઓપી26એ તેની કાર્યસૂચિ પરના નવા મુદ્દાઓ બાબતે કામ કરવાની દિશામાં આગળ વધતા પહેલાં આકરું ચઢાણ ચડવું પડશે.

ઇમેજ સ્રોત, Getty Images/BBC
વધારે આક્રમક, ઝડપી પગલાં લઈને 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા ઉપરાંત આ સદીના મધ્ય સુધીમાં શૂન્ય ઉત્સર્જનના સ્તરે પહોંચવા સભ્ય દેશોને વચનબદ્ધ કરવાના કામને સર્વોચ્ચ અગ્રતા આપવી પડશે.
કથિત નેચર-બેઝ્ડ સોલ્યુશન્શ વિશે પણ ચર્ચા થશે. નેચર-બેઝ્ડ સોલ્યુશન્શ એટલે આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે પ્રકૃતિનો ઉપયોગ, જેમ કે કાર્બન અવશોષણ માટે અથવા પૂર કે રેતીના તોફાન જેવી હવામાનની આત્યંતિક ઘટનાઓથી બચવા માટે ઝાડી તથા વૃક્ષારોપણ.

ઇમેજ સ્રોત, Getty Images/BBC
સીઓપી26 પાસેથી કોલસાના ઉપયોગ પર પૂર્ણવિરામ અને ઇકૉસિસ્ટમ્સને સુરક્ષિત કરવા જેવા ચોક્કસ પડકારોને પહોંચી વળવા માટે સંખ્યાબંધ લક્ષિત પહેલની અપેક્ષા પણ છે.
આ વખતની શિખર પરિષદમાં ગ્રેટા થનબર્ગની હાજરી અપેક્ષિત નથી, પરંતુ પોપ તેમાં હાજરી આપવા વિચારી રહ્યા છે. કોઈ મહાનુભાવ આવે કે નહીં, પરંતુ સીઓપી26માં ઘણી રસપ્રદ ઘટનાઓ બનશે તે નક્કી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













